વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

अन्त्यः आरम्भः

                            अन्त्यः आरम्भः


"રિંઝાઈ ! ચાલ જલ્દી કર, મોડું થઈ જશે. આમ પણ આજે તે મને મોડી ઉઠાડી."

ભૂરી આંખો ને ભૂરા વાળ વચ્ચે એકદમ ચમકતા દાંત જ્યૂડિસને અદભુત શોભતા હતા. રિંઝાઈ પણ મક્કમ ચાલે આવતો જોતા જ નજર ન હટે એવો શોભી રહ્યો હતો. 


"રિંઝાઈ ! હજુ એક વખત ડેડને કોલ કરીને પૂછી જો આપણું ત્યાં જવું શું જરૂરી છે?"


રિંઝાઈ પોતાની રોજની અદામાં બોલ્યો, 

"યસ મેમ, મેં બધું કનફર્મ કરી લીધું છે. હવે ત્યાં ગયા વિના ચાલે એમ જ નથી. એટલે જ મિસ્ટર સી.એ મને મોકલ્યો છે આપને લેવા માટે."


પોતાના 18માં જન્મદિવસે જ્યૂડિસ ખૂબ જ ખુશ હતી. પોતાના ડેડીને જેણે ફક્ત સ્ક્રીન પર જ જોયા હતા એને આજે રૂબરૂ મળવાની હતી. 


ઇ.સ. 3027નું વર્ષ જ્યૂડિસ માટે કંઇક નવું ભવિષ્ય લાવવાનું હતું કે નહીં એ જાણવા તે ખૂબ આતુર હતી. મિસ્ટર સી. એટલે કે જ્યૂડિસના ડેડી એના સારા ભવિષ્ય માટે ઘણી મહેનત કરી રહ્યા છે એ એ જાણતી હતી. જ્યૂડિસ રિંઝાઈ સાથે નીકળી પડી પોતાની સફરમાં. નિર્જન સડકો હવે જ્યૂડિસને દુઃખી નથી કરતી. એ એનાથી ટેવાઈ ગઈ છે. આખી પૃથ્વી મશીનોથી લદાલદ છે.  જીવનનું નામોનિશાન બહુ ઓછું છે. જ્યૂડિસ મશીનો વચ્ચે સતત ઘેરાયેલી રહે છે. સવારે બ્રેકફાસ્ટથી માંડીને સાંજની દવા સુધી બધું મશીનો જ કરી આપે છે. એના સમયમાં વિક્ષેપ ક્યારેય પડે જ નહીં, તેનો આખો ટાઈમ ચાર્ટ, ડાયેટ ચાર્ટ બધું રોબોટિક જ હતું. બધું મશીનો જ સંભાળતા. રિંઝાઈ એનો સૌથી ગમતો સાથી હતો. ભલે એ એક AI સંચાલિત રોબો હતો પણ એ જ્યૂડિસનું પોતાના સ્વજન જેટલું જ ધ્યાન રાખતો. જ્યૂડિસ એને પૂછતી એ દરેક પ્રશ્નોના જવાબ એની પાસે હતા. એ જ્યૂડિસની દરેક લાગણીઓ સમજી શકતો. એનો પ્રેમ, ગુસ્સો, જિજ્ઞાસા, નફરત બધું રિંઝાઈ સમજીને યોગ્ય પ્રતિભાવ આપી શકતો. આજથી કદાચ સો વર્ષ પહેલા રિંઝાઈ હોત તો લોકો વિશ્વાસ ન કરી શકત કે એક મશીન આવી લાગણી કઈ રીતે અનુભવી શકે? પણ અત્યારે જે સમય ચાલી રહ્યો હતો એમાં મશીનો આ બધું કરી શકતા એવું શક્ય બન્યું હતું. 


કાળની ભયંકરતા જ્યૂડિસે જોઈ ન હતી. એ પોતાના પિતા દ્વારા બનાવેલા કવચમાં સુરક્ષિત હતી. એને બહારની દુનિયાની કશી ખબર ન હતી. ત્રીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા સાવ જ બદલાઈ ગઈ હતી. દુનિયા પર મશીનો રાજ કરતાં હતાં. બે વિશ્વયુદ્ધનો સામનો કરનાર આ વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ વખતે સાવ જ આશ્ચર્ય પામ્યું હતું. વર્ષ ઇ.સ. 3000ની શરૂઆત ખૂબ જ સરસ થઈ હતી. એક નવો AI યુગ વિકસ્યો હતો. વોર્નર બેકમેનના નામે આખા વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. દુનિયા માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો. વોર્નરનો બનાવેલો AI એક બાળકના જન્મ વખતે રડ્યો હતો. આ કોઈ નાની વાત ન હતી. મશીન પણ લાગણી અનુભવી શકે એ વાતે માણસજાતને ગર્વનો અનુભવ કરાવ્યો હતો. માણસ ખુદને ઈશ્વર માનવા લાગ્યો હતો. અને માને પણ કેમ નહીં એણે લાગણી અનુભવતું મશીન જો બનાવ્યું હતું. 


જ્યૂડિસ અને રિંઝાઈ પહોંચવા આવ્યા હતા. રોબોટ સંચાલિત પ્લેને ઉતરણ કર્યું હતું. જ્યૂડિસે ઉપરથી જ નીચે જોયું ત્યારે એ ખૂબ ખુશ થઈ હતી. એ રિંઝાઈને પૂછતી હતી,

"રિંઝાઈ આ ગંગા નદી છે ને ? તો આપણે ઇન્ડિયામાં આવ્યા છીએ ? કેટલી સ્વચ્છ નદી છે જો તો ! પણ ડેડી તો કહેતા હતા કે એના કોઈ એક ઘાટ પર ચિતાઓ સળગવાનો સિલસિલો હજારો વર્ષોથી ચાલુ છે. અત્યારે તો ત્યાં એવું કશું નથી દેખાતું ? તો શું આ દુનિયાનો અંત આવી ગયો છે ? રિંઝાઈ એના મશીની મોં વાટે હસ્યો. પછી બોલ્યો,


"હવે એ ઘાટ પર મશીનો આવી ગયા છે. આખી નદી સ્વચ્છ કરવામાં આવી છે. આખી પૃથ્વીનું પ્લાસ્ટિક નવા શોધાયેલા s50k નામના ગ્રહ પર પહોંચાડી દેવામાં આવ્યું છે. જ્યાં એવો ગેસ છે જેનાથી પ્લાસ્ટિકનો નાશ થઈ શકે. હવે પૃથ્વી પર પ્લાસ્ટિક જ નથી તો એ સ્વચ્છ થઈ ગઈ છે."


જ્યૂડિસ અને રિંઝાઈ એક કારમાં બેસી ગયા. સામેનું દ્રશ્ય જોઈ જ્યૂડિસની આંખો પહોળી થઇ ગઇ. આ કોણ છે ? આ એકલો માણસ શું જોઈ રહ્યો છે? આ ગુફામાં એ એકલો શું કરી રહ્યો છે ? કોઈ જર્જરિત પુસ્તકમાં એ શું શોધી રહ્યો છે ? એ કંઈ ભાષા બોલી રહ્યો છે ? આવો માણસ તો જ્યૂડિસે કોઈ દિવસ ન હતો જોયો. આ એણે કેવા કપડાં પહેર્યા હતા ? કોઈ સાધુ પહેરે એવા! પીઠ બાજુ ફરીને બેસેલા વ્યક્તિએ પાછળ ફરીને જોયું. હવે તો જ્યૂડિસ વધુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. જ્યૂડિસે પોતાના પિતાનું આવું સ્વરૂપ તો પહેલી વાર જોયું હતું. મિસ્ટર સી. પણ જ્યૂડિસને જોઈને તરત જ ઉભા થઇ બહાર આવી ગયા, જાણે કે જ્યૂડિસથી કંઈક છુપાવતા હોય એમ. 


બાપ-દીકરી પ્રથમ વખત રૂબરૂ મળી રહ્યા હતા. જ્યૂડિસ પિતાને આ રૂપમાં જોઈ થોડી ખચકાઈ પણ પછી તરત જ પિતાનું માયાળુ મોં જોઈ દોડીને ભેટી પડી. જ્યૂડિસનો આ પહેલો માનવ સ્પર્શ હતો. એ મશીનો વચ્ચે જ મોટી થઈ હતી. એનું આખું ઘર AI સંચાલિત હતું. એને ક્યારેય માણસની જરૂર જ નહતી પડી. ઓનલાઈન ગેમ, ઓનલાઈન સ્ટડી, ઓનલાઈન ચેટ ના જીવનથી એ ટેવાઈ ગઈ હતી. જેણે ભીડનો સ્વાદ ચાખ્યો જ ન હોય એને એનો ક્યારેય અભાવ ન વર્તાય. પિતાને ભેટવું એને ખૂબ ગમ્યું. મિસ્ટર સી. બોલ્યા,

"ઓ માય ડાર્લિંગ ! કેટલી મોટી થઈ ગઈ છે, ને કેવી સુંદર પણ."


જ્યૂડિસ શરમાઈ ગઈ. આજે પહેલી વખત એને અનુભવાયું કે એના જીવનમાં કંઈક ખૂટતું હતું. એ બોલી,

"ડેડ ! મેં તમને બોવ મિસ કર્યા. હવે હું તમારી સાથે જ રહીશ."


એના પિતા બોલ્યા, "હા, એટલે મેં તને અહીં બોલાવી છે. આપણે અહીં સાથે જ રહેવાનું છે." જ્યૂડિસ હવે ભૂતકાળ વિશે જાણવા માંગતી હતી કે પૃથ્વી પર કરોડો માણસો રહેતા હતાં એ ક્યાં ગયા ? દુનિયામાં શું થયું હતું ? એના પિતા અત્યારે અહીં ભારતમાં શું કરી રહ્યા છે ? અત્યારે એ શું વાંચી રહ્યા હતા ? 


બધા જ સવાલો સાંભળી મિસ્ટર સી. એટલે કે મિસ્ટર ચિરંજીવી કિશનદાસ હસવા લાગ્યા. જ્યૂડિસના બધા સવાલોના જવાબો એ આપવા માંગતા હતા, પણ પોતાના અમુક સવાલોના જવાબ એને શોધવા હતા. જે એ અત્યારે પણ શોધી રહ્યા હતા. 


આખી ગુફામાં બે પિતા-પુત્રી જ જીવંત હતા. બાકી આખું સંચાલન મશીનો કરી રહી હતી. છતાં પણ ત્યાં કોઈ જાતની અવ્યવસ્થા ન હતી. ઉલટાની દુનિયા વધુ સમયબદ્ધ ને વ્યવસ્થિત ચાલતી હતી.


મી. ચિરંજીવીએ જ્યૂડિસને વાત કરવાની ચાલુ કરી,

"વોર્નર બેકહામની AI સંચાલિત હોસ્પિટલમાં ચમત્કાર થયો હતો. એ પછી તો આખી દુનિયાના દેશોએ નવી નવી ટેકનોલોજી વિકસાવી. હોસ્પિટલથી માંડીને, કાનૂન, કાયદો, સામાજિક, આર્થિક દરેક ક્ષેત્રો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા વધી ગઈ. માણસોની જગ્યા મશીનોએ લઈ લીધી. જે કામ કરવા હજારો માણસોની જરૂર પડતી એ કામ એક મશીન દ્વારા થવા લાગ્યું. હવે તો સંચાલન માટે પણ AI આવી ગયા હતા એટલે માણસો બેરોજગાર થવા લાગ્યા. સત્તા પર રહેલા માણસો આ બધાથી બહુ ખુશ હતા. ભવિષ્યથી અજાણ સતાધારીઓ મદમત બની ગયા. એ ખુદને ઈશ્વર માનવા લાગ્યા. ધીમે ધીમે મોટાભાગનું કામ ટેકનોલોજી દ્વારા થવા લાગ્યું. કાયદો અને વ્યવસ્થા મશીનોના હાથમાં આવી ગઈ. મશીનો માણસો પર હાવી થવા લાગી. માણસો AI ના ભરોસે બધું છોડી બેફિકર થવા લાગ્યા. અને પછી ખરા કળિયુગની શરૂઆત થઈ..."


એકીટશે સાંભળતી જ્યૂડિસ અચાનક વચ્ચે જ બોલી ઉઠી, "ડેડી ખરો કલિયુગ હોય તો તો ફરી ઈશ્વર જન્મ લેશે ને ! " મી. ચિરંજીવી સહેજ મલકતા બોલ્યા, "એ જ હુંય શોધી રહ્યો છું બેટા."


જ્યૂડિસ કંઈક બોલવા જઈ રહી હતી ત્યાં જ રિંઝાઈએ આવીને કહ્યું કે, 

"મી. સી. મને જવાબ મળી ગયો છે ચાલો બતાવું."


મી. ચિરંજીવી દોડતા રીંજાઈની સાથે ગયા. જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાં. એક વણઉકેલાયેલી લિપિ રીંઝાઈ ઉકેલી રહ્યો હતો. જેમાં એ સફળ થયો હતો. એક ઝર્ઝરિત પુસ્તકના પના કાળજીપૂર્વક ઉથલાવી એણે મી. ચિરંજીવીને બતાવ્યા. મી. ચિરંજીવીના મોઢા પર ખુશી દેખાઈ રહી હતી પણ થોડી ક્ષણો માટે જ. એ ફરી ગમગીન થઈ ગયા. જ્યૂડિસ તેમની પાછળ આવીને ઉભી હતી. એને કશું જ સમજાઈ નહતું રહ્યું. એ બોલી, 

"ડેડ ! આ શું છે બધું?"

મી. ચિરંજીવી બોલ્યા,

"આપણી અધૂરી વાત પૂરી થશે પછી તને બધું સમજાઈ જશે. સાંભળ.. AI ના અતિરેકે માણસ જાતને બેદરકાર બનાવી દીધી. જેમ ભારત અંગ્રેજોનું ગુલામ બન્યું હતું એવી જ રીતે આખી માણસ જાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ગુલામ બનવા લાગી. ધીમે ધીમે મશીનો પોતાની રીતે અપડેટ થવા લાગી. એને માણસ જાતના કમાન્ડની પણ જરૂર ન હતી. મહત્વના નિર્ણયો પણ મશીનો પોતાની રીતે લઈ અમલમાં મૂકવા લાગ્યા. માનસજાતની બરબાદીની શરૂઆત રશિયાએ જ્યારે AI સંચાલિત રોબોટિક આર્મી બનાવી ત્યારથી થઈ. આખી આર્મી સોલાર એનર્જીથી સંચાલિત હતી. ગનથી માંડીને યુદ્ધ જહાજ બધું એ મશીનો સંચાલિત હતું. રશિયાએ અમેરિકાના નાસા પર હુમલો કરી સમગ્ર દુનિયાના દેશોનું નેટવર્ક ખોરવી નાખ્યું. આખી દુનિયાના નેટવર્ક પર રશિયાએ કબજો કરી લીધો. અમેરિકા અને રશિયા વચ્ચે જંગ છેડાયો. આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક હિસ્સો એવો હતો જે AIના સમર્થનમાં હતો ને બીજો હિસ્સો એના વિરોધમાં હતો. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. દુનિયા વિનાશના આરે જઈ ઉભી હતી. ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ ગયું હતું. મશીનો અને માણસ વચ્ચેના યુદ્ધમાં માણસે જ ગુમાવવાનું હતું. ને એણે જીવન ગુમાવ્યું હતું. પૃથ્વી પર મશીનોની સતા પથરાઈ રહી હતી. કેટલીય જગ્યાઓએ પરમાણુ હથિયારો, જીવાણું હથિયારો વપરાય રહ્યા હતા. મોટેભાગે માણસો ખુવાર થઈ ગયા હતા. અહીં ભારતમાં પણ એ જ પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ત્રીજા વિશ્વયુદ્ધમાં એ જ લોકો બચ્યા હતા જેણે મશીનોની સત્તા સ્વીકારી હતી."


જ્યૂડિસ ફરી વચ્ચે બોલી,

"ડેડ રિંઝાઈ પણ એક મશીન જ છે ને! એ તો મારું કેટલું ધ્યાન રાખે છે. તો આવા મશીનો કેમ માણસ નથી બનાવતો." 

રિંઝાઈ ને મી. ચિરંજીવી બંને હસી પડ્યા. ચિરંજીવી બોલ્યા

"રિંઝાઈને તારી મમ્મીએ ડેવલપ કરેલો છે. અથીના જાણતી હતી કે એક સમય એવો આવશે જ્યારે એ તારાથી દૂર થઈ જશે. તારી સંભાળ માટે જ એણે રિંઝાઈને ડેવલપ કર્યો હતો." 


"મમ્માને ખબર હતી કે એ મારાથી દૂર થઈ જશે ?" સજળ આંખે જ્યૂડિસ બોલી.


જ્યૂડિસની આંખો તરફ જોવાની એના પિતાની હિંમત ન ચાલી, લેપટોપ પર આંગળીઓ ચલાવતા ચલાવતા જ એ બોલ્યા,

"હા, જે ગતિએ દુનિયા ચાલી રહી હતી એ મુજબ એને ખબર હતી કે એને કુરબાની આપવી જ પડશે."


"તો એની કુરબાનીનો કોઈ ફાયદો થયો?"

આ વખતે ચિરંજીવીની આંગળીઓ થંભી ગઈ. જ્યૂડિસ સામે જોઇને એ બોલ્યા,

"હા, એની કુરબાની એળે નથી ગઈ."

"પણ ડેડી એવું તો શું ખોટું થઈ રહ્યું હતું કે તમે એની સામે લડી રહ્યા હતા. મને તો બધું બરાબર જ દેખાઈ રહ્યું છે. મેં તો ઇતિહાસ પણ વાંચ્યો છે. પહેલા જેવું પ્રદુષણ હતું એવું હવે નથી રહ્યું, દુનિયા પ્લાસ્ટિક મુક્ત થઈ ગઈ છે, ક્યાંય કાયદો કે વ્યવસ્થા ખોરવાતી નથી. મશીનોને લીધે કામ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. સોલાર એનર્જીથી જ આખી દુનિયા ચાલી રહી છે. શું ખૂટે છે હવે? શું આવી વ્યવસ્થા તમે બધા નહતા ઇચ્છતા દુનિયામાં ?"


ચિરંજીવીની આંખમાં એકાએક ધગધગતા લાવા જેવા આંસુ ડોકાઈ આવ્યા. એ બોલ્યા,

"જ્યૂડિસ તું જેને વ્યવસ્થા કહે છે એ વ્યવસ્થા નથી નિર્જીવતા છે. મશીનોએ આખી સજીવન સૃષ્ટિ પર કાબુ કરી લીધો છે. તને ખબર તારી મમ્મા કેમ મૃત્યુ પામી? અથીનાનો એટલો જ વાંક હતો કે એણે કોઈનો જીવ બચાવવા કાયદા તોડ્યો હતો. જેની સજારૂપે એને મૃત્યુદંડ મળ્યો હતો. ન્યાય કરનાર મશીનો હતા એટલે એને એ વાત સમજાઈ જ નહીં કે કાયદા કરતા પણ કોઈનો જીવ વધુ મહત્વનો છે. એ બધા મશીનોનું પ્રોગ્રામિંગ જ એ રીતે કરવામાં આવ્યું છે કે માણસના જીવની કોઈ કિંમત જ ન રહે. જો તમે નાની સી ભૂલ કરો તો પણ એની સજા બહુ મોટી ભોગવવી પડે છે. અથીના પણ આ વ્યવસ્થાનો ભોગ બની. તને શું લાગે હું આપણું ઘર છોડી અહીં ભારતમાં આ ગુફામાં અન્ડરગ્રાઉન્ડ કેમ રહું છું! કારણ કે મને પણ એમણે બળવાખોર જાહેર કર્યો છે."


હજુ તો ચિરંજીવી આગળ બોલે એ પહેલાં રિંઝાઈ આવ્યો, "સર! લોકેશન મળી ગયું છે."

ચિરંજીવી જ્યૂડિસને એકલી મૂકી રિંઝાઈ સાથે ગયા. જ્યૂડિસ એકલી પડી એટલે એનું મન હવે વિચારે ચડ્યું,


'જે દુનિયાને હું સુઘડ ને સ્વચ્છ માનતી હતી એ તો હજારો માણસોના લોહીથી ખરડાયેલી છે.'

પોતાના લેપટોપ ચાલુ કરી સામેની દીવાલ પર એણે સ્ક્રીન ચાલુ કરી. ત્રીજા વિશ્વયુદ્ધ વિશે એણે સર્ચ કરવાનું ચાલું કર્યું. સુઘડ દેખાતી દુનિયા પાછળ એક લોહિયાળ ઇતિહાસ દબાયેલો જોવા મળ્યો. મશીનોએ માણસોને હિજરત કરવા મજબૂર બનાવી દીધા. હવે જ્યૂડિસને સમજાયું કે એના પિતા આમ જમીન નીચે ગુફામાં કેમ રહે છે. માણસોનું અસ્તિત્વ જ મટી ગયું દુનિયામાંથી. મશીનો પોતાની રીતે આખી દુનિયાનું સંચાલન કરવા લાગ્યા હતા. કોઈ બળવો કે વિરોધ ઉઠ્યા પેલા જ ડામી દેવામાં આવતા. જ્યૂડિસ વરવી વાસ્તવિકતા જોઈને ડઘાઈ ગઈ. જ્યૂડિસ એના પિતા પાસે દોડી ગઈ.

"ડેડ, હું જે દુનિયાને શાંત ને સુવ્યવસ્થિત ગણતી હતી એ તો આભાષી છે. હસતા ખેલતા જીવનને સ્થગિત કરી નાખ્યું. આનો કોઈ ઉકેલ નથી ?"


"ઉકેલ છે અને મને મળી પણ ગયો છે આ જો" કોઈક જૂનું અને જર્જરિત પુસ્તક બતાવતા ચિરંજીવી બોલ્યા. 


"જ્યારે આ દુનિયા પર 'અજન્મા'નો કબજો થશે ત્યારે ચિરાયું દુનિયાનો ઉદ્ધાર કરશે."

જ્યૂડિસ હજુ પણ કંઈ સમજી હોય એવું લાગતું ન હતું. એના ચહેરાને જોઈને ચિરંજીવી હસી પડ્યા. એમણે વિગતે વાત કરી,

"તે સાત ચિરંજીવીઓના નામ સાંભળ્યા છે?" 

જ્યૂડિસ પોતાના આઈપેડ પર સર્ચ કરવા જઈ રહી હતી ત્યાં જ એના પિતા બોલ્યા,

"અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ આ સાત ચિરંજીવીઓએ એક વખત ભેગા થઈ પોતાના તપોબળથી એવા આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે દુનિયાને જરૂર પડશે ત્યારે એવો વ્યક્તિ દુનિયાનો ઉદ્ધાર કરશે જેના પર અમારી કૃપા હશે. એ બાળક એટલે ચિરાયું. અજન્મા એટલે કે જેનો જન્મ નથી એવા આ મશીનોની દુનિયા પર એ જ કબજો કરી શકે એમ છે. ને હું એને મળવા જઈ રહ્યો છું. એ ક્યાં મળશે એ પણ અહીં લખેલું છે. તને ખબર જ્યૂડિસ આ બધું મને કેમ ખબર ? મને પણ હવે સમજાયું કે મારું નામ મારા પિતાએ ચિરંજીવી કેમ રાખ્યું. આ ગ્રંથ અહીં એમણે જ સુરક્ષિત રાખ્યો હતો. હું જ્યારે અમેરિકા ભણતો ત્યારે અહીં આવવા પણ નહતો માંગતો. તારી મમ્મી અથીના અને મેં ઘણા સ્વપ્ન જોયા હતા આપણા ભવિષ્યના, અથીનાના મૃત્યુ પછી મને પિતાજીએ જાણ કરી કે તારા હાથે એક બહુ મોટું સતકર્મ થવાનું છે. મને તો આ વાત પર વિશ્વાસ જ નહતો, તારા દાદા ને મારા પિતા આ ગ્રંથની રક્ષા કરતા હતા એ વાતની જાણ મને પણ નહતી. અથીનાના મૃત્યુ પછી એમણે મને બધી વાતની જાણ કરી. આવો યુગ આવશે એ એમણે મને જાણ કરી હતી કે જ્યારે અજન્મા એટલે કે મશીનો માણસ પર હાવી થઈ જશે પણ હું આ વાતને મજાક ગણતો હતો. પણ જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ જોયું ત્યારે હું સમજી ગયો કે પિતાજી કહેતા હતા એ સાચું હતું ને એટલે જ હું અહી આવી ગયો. હું આજે જ ચિરાયું પાસે જઈ રહ્યો છું.”


મી. ચિરંજીવી ગ્રંથમાં લખેલા માર્ગે ચિરાયુને મળવા ચાલી નિકળા. જ્યારે પહોંચ્યા ત્યારે એમને વિશ્વાસ ન હતો આવતો કે એ ગ્રંથ ખરેખર સાચો છે કે કોઈએ મજાક કરી છે. એક 13 વર્ષનો કિશોર કંઈ રીતે દુનિયા બચાવી શકે ? 


" वेदाहं समतितानि वर्तमानानि चार्जुन ।

   भविषयाणि च भूतानि मां तु वेद न कश्चन ।। (હે અર્જુન! ભૂતકાળનાં, વર્તમાનકાળનાં તથા ભવિષ્યકાળનાં બધાં ભૂતોને હું જાણું છું; પરંતુ મને કોઈ જાણતું નથી. )

હલ્લો મિસ્ટર ચિરંજીવી.." સામે બેઠેલા બાળકોને આંખો બંધ કરીને આવો શ્લોક સમજાવતા એક કિશોરે આવકાર આપ્યો ત્યારે ચિરંજીવીની શંકા ધુવાળો બની ઉડી ગઈ. નિર્દોષ ચહેરા પર અજબ મોહિની છવાયેલી હતી. હિમાલયની ગિરિમાળામાં પ્રવેશતા જ ચિરંજીવીને લાગ્યું હતું કે કોઈ સફેદ દાઢીધારી વૃદ્ધ ને ભગવા કપડાં પહેરલ વ્યક્તિનો પોતાને ભેટો થશે. પણ સામે નજર કરી ત્યાં તો ચિરંજીવી મંત્રમુગ્ધ થઈ ગયા. અલૌકિક મોહિની એ ચહેરા પર છવાયેલી હતી. જાણે કે દુનિયાનું કોઈ પણ જ્ઞાન આ વ્યક્તિ માટે અજાણ્યું નથી. 


એ કિશોરે આંખો ખોલી. ક્યારેય ન વિલાતું હાસ્ય એના ચહેરા પર લહેરાતું હતું. ચિરંજીવીના મનના સૌ પ્રશ્નો જાણે વિલાઈ ગયા હોય એવું લાગ્યું. એ કિશોરે આવીને કહ્યું,

"વેલકમ મી. ચિરંજીવી. હું ચિરાયું છું. મને જાણ તો હતી કે આપ આવશો પણ થોડું મોડું થઈ ગયું હોય એવું લાગે છે. અથીનાની સાથે આવી ગયા હોત તો ભાવિ કંઈક બીજું હોત."

ચિરંજીવી તો જાણે અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું લાગ્યું. એના માટે તો આ બધું કોઈ ચમત્કારથી કમ ન હતું. 


ચિરાયું ચિરંજીવીને પોતાની સાથે લઈ ગયો. હવે તો ચિરંજીવી એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. એક આખો રુમ કે જે મશીનોથી સંચાલિત હતો. આખી દુનિયાનો મેપ સામેની સ્ક્રીન પર દેખાતો હતો. લેપટોપની નાની સ્ક્રીન પર દુનિયાના લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા હતા. 


"તમને શું લાગે છે ચિરંજીવી કે હું બાણ લઈને જઈશ ને આ દુનિયાને બચાવી લઈશ! ના, એવું નથી જે સમય ચાલતો હોય એ મુજબ જ તમારે વર્તવું પડે. ને હું કંઈ ભગવાન નથી. એક સામાન્ય માણસ જ છું. તમારા વડવાઓ ભલે કહેતા હોય કે હું સાત ચિરંજીવીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો છું પણ મારી પાસેથી ચમત્કારની આશા રાખવી જ ખોટી છે. મારો સર્વર રુમ એટલો સ્ટ્રોંગ છે કે દુનિયાની કોઈ પણ ટેકનોલોજી તેને હેક ન કરી શકે. આપણા ઋષિમુનિઓ જે જ્ઞાનથી કરી શકતા એ હું વિજ્ઞાનથી કરી શકું છું. કારણ એ સતયુગ હતો ને આ કલિયુગ છે. મને ખબર છે ત્રીજું વિશ્વયુદ્ધ થયા પછી દુનિયા પર મશીનો હાવી થઈ ગયા છે. માણસની દરેક હિલચાલની એ ખબર રાખે છે. તમારા મોબાઈલને જ એ ટ્રેક કરી તમારા મગજમાં ઘુસી શકે છે. તમારી દરેક વાતચીત સાંભળી ને રેકોર્ડ કરી રાખે છે. પણ આ રૂમમાં આવ્યા પછી તમારો દુનિયાથી નાતો જ કપાઈ જાય છે એટલે જ મારા કે આ જગ્યા વિશે કોઈ જાણી શક્યું નથી. હું તમારી જ આવવાની રાહ જોતો હતો મી. ચિરંજીવી હવે આજથી જ આપણું યુદ્ધ ચાલુ થઈ જશે. આ યુદ્ધ સામસામે નહિ ખેલાય. હવે જીત ટેકનોલોજીના માધ્યમથી થશે. AI આર્મીની સિસ્ટમ હેક કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હવે તો બસ એ આર્મી આપણા હાથમાં આવી જાય પછી તો દુનિયા આપણા કબ્જામાં જ સમજો."


હવે ચિરંજીવીને જરાય શંકા ન રહી કે આ વ્યક્તિ સાત ચિરંજીવીને તપોબળથી ઉત્પન્ન કરાયેલ નથી. સમય જોતા આ જ એ હોઈ શકે એવો દ્રઢ વિશ્વાસ ચિરંજીવીને આવી ગયો. સતયુગ હોય તો બે દંતી વરાહ દુનિયા તારવા આવે, દ્વાપરમા કૃષ્ણ લીલા કરવા આવે પણ જો કલિયુગ હોય તો ચિરાયું જ પોતાની બુદ્ધિથી દુનિયા જીતી શકે. આ કંઈ પહેલી વખત બન્યું છે એવું નથી. હજારો વર્ષોથી આમને આમ કોઈ દુનિયાને બચાવવા આવતું જ રહે છે. નિમિત્ત કોઈને તો બનવું જ પડે છે. આજે ચિરાયું નિમિત્ત બન્યા.

ચિરાયું બોલ્યા, " એવું નથી આ પ્રથમ વખત થયું છે હજારો વર્ષોથી કોઈ ને કોઈ નિમિત્ત બને જ છે. ક્યારેક રામ બનીને તો ક્યારેક કૃષ્ણ, ક્યારેક ઈશું બનીને તો ક્યારેક પયગમ્બર બનીને,  ક્યારેક બુદ્ધ, મહાવીર, અતિશા, તીલોપા, લાઓત્સે. પણ સમજ એને જ આવી છે જેને સ્વનિરીક્ષણ માટે પ્રયત્ન કર્યો છે. તમને એમ લાગતું હોય કે ઈશ્વર આવીને ચમત્કાર કરશે તો એ ભ્રમણા છે, ચમત્કારો થયા જ કરે છે બસ તમારા દિલમાં ચમકારો થાય એવો પ્રયત્ન કરવાનો છે." 


ચિરાયુંએ પોતાનું કામ આરંભી દીધું હતું. થોડી જ સેકન્ડોમાં આખી દુનિયાની નેટવર્ક સિસ્ટમ ખોરવાઈ ગઈ. ઉપગ્રહો સાથેનું કનેક્શન તૂટી ગયું. ઉપગ્રહથી ચાલતી બધી જ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ. હજી તો મશીનો રિકવર થાય એ પેલા જ ચિરાયુએ AI સંચાલિત મશીનોમાં self distroy system એક્ટિવ કરી દીધી. અંતે તો મશીનનો કર્તા તો માણસ જ છે ને! જે બનાવી શકે એને વિનાશ કરવાનો પણ હક હોય જ છે. સ્વ ચાલિત જેટલા પણ મશીનો હતા એ અટકી ગયા. હવે એ મશીનોને ફરી ચાલું કરવામાં ઘણી વાર લાગી જાય એમ હતી. ભલે મશીનો સ્વયં સંચાલિત હતા પણ એના તરફી વલણ ધરાવતા સત્તાધીશો બેસી રહે એવા તો ન જ હતા. પણ હવે મોડું થઈ ગયું હતું. નેટવર્ક ખોરવાઈ જવાને લીધે ઓર્ડર આપનાર દરેક મશીનોનો સંપર્ક તૂટી ગયો. 


ચિરાયુંએ આખી સિસ્ટમ પોતાના હાથમાં લઈ લીધી હતી. મશીનો આપોઆપ બગડવા લાગ્યા હતા. નુકશાન ખૂબ મોટાપાયે થવાનું હતું, પણ આ ખૂબ જરૂરી હતું. યુદ્ધ તો છેડાયેલું જ હતું એમાં ઘી હોમાયું. મહત્વાકાંક્ષી દેશોને સમજાઈ ગયું કે હવે મશીનો દ્વારા જીત શક્ય નથી. 


ચારે બાજુ મશીનોના કાટમાળ વિખરાયેલા પડયા હતા. રોબોટ વાહનોથી અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી, મોબાઈલ ઠપ્પ થઈ ગયા હતા, હજારો માણસો ફસાઈ ગયા હતા. ટેક્નોલોજીનો ઉપયોગ લોકોને ભારી પડી ગયો હતો. હોસ્પિટલમાં અનેક શ્વાસો બંધ પડી ગયા હતા. ચિરંજીવી લાઈવ સ્ક્રીન પર બધું જ જોતા હતા. હવે એમનાથી આ તારાજી જોવાતી ન હતી. એનાથી બોલાઈ જવાયું,

"OMG હવે બસ કરો બધું પ્લીઝ. મેં આવું તો નહતું ધાર્યું. આ તો માણસ જાતને જ નુકશાન થઈ રહ્યું છે. આ તો જીવતા લોકો જ ભૂંજાઈ રહ્યા છે. પ્લીઝ ડોન્ટ ડુ ધિસ."


ચિરંજીવી નિરાશ થઈ નીચે બેસી ગયા.


ચિરાયું એની પાસે આવી બોલ્યા, 

"ચિરંજીવી કંઈક મેળવવા માટે કંઈક તો ગુમાવવું જ પડે છે. રામરાજ્ય કંઈ એમનમ મળ્યું હતું? કે મહાભારતના ધર્મયુદ્ધમાં કોઈ જાનહાની નહતી થઈ? બધે ખુવારી તો થાય જ છે. ઉજ્જવળ સવાર માટે અંધકારમાંથી પસાર થવું જ પડે છે. અથીનાએ શા માટે જીવ ગુમાવ્યો? કારણ એને આશા હતી નવી શરૂઆતની. આ નવા યુગની શરૂઆત છે. માનસજાત માટે એક શીખ છે કે એ ક્યારેય કર્તાહર્તા બની શકશે નહીં. પ્રલય લાવવો પણ જરૂરી છે તો જ નવસર્જન થઈ શકે. હવે આ દુનિયાને તમારે ફરી નવજીવન આપવાનું છે. નવી પેઢીને શીખવવાનું છે કે કોઈ ક્યારેય પોતાના સર્જનહારને પડકારી ન શકે. ના માણસ ના મશીન. કાટમાળ વચ્ચે ડોકાતા જીવનને તમારે શાતા આપવાની છે. એમના માટે એક નવી દુનિયા રાહ જોઈ રહી છે જ્યાં કુદરત એની સાથે હશે મશીનો નહિ. નવી પેઢીને પંચતત્વનું મહત્વ સમજાવવાનું છે. હવે કોઈ મદદ નહિ કરે આગળની રાહ તમારે નક્કી કરવાની છે.”

ચિરંજીવીની આંખો ઝબકીને જાગી ત્યારે એને ખબર પડી કે એને કોઈ સ્વપ્નમાં આવું કહી રહ્યું છે. ત્યાં ચિરાયું ન હતા. એનું કોઈ નામોનિશાન ન હતું. સામેની સ્ક્રીન પર મશીનોનો કાટમાળ આમતેમ ઉડી રહ્યો હતો. અંત જ આરંભ છે એવું ચિરંજીવીને લાગ્યું. પૂર્વમાંથી ઉગતા સૂર્યના કિરણો ડોકાઈ રહ્યા હતા એક નવી ઉર્જા સાથે. ફરી એના કાનમાં કંઈક ગુંજી રહ્યું હતું..


वेदाहं समतितानि वर्तमानानि चार्जुन ।

भविषयाणि च भूतानि मां तु वेद न कश्चन ।।










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ