વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માફ કરો...

                ઇ. સ. ૩૦૦૦નું વર્ષ...

        વિશ્વમાં સર્વત્ર સૂનકાર છવાયેલો... ન કોઈ બીપનો અવાજ કે ન કોઈ ઓટોમેશન મશીનનો ધ્વનિ... બસ કાન પર અફળાઇ રહ્યો હતો સાદા યંત્રોનો ઘરઘરાટ. સહુ માણસોના શરીર પરસેવે રેબઝેબ હતા. હા! ઉત્પાદન ઓછું હતું... આવકનો સ્ત્રોત પણ ઘટી ગયો હતો. મહેનત વધુ અને મહેનતાણું ઓછું થઈ ગયું હતું. તેમ છતાં સહુના ચહેરાઓ પર અનેરો આનંદ હતો. થોડાક દિવસો પહેલા આચરેલ પિશાચી વ્યવહારની સફળતાનો ક્રૂર આનંદ!

        દરઅસલ માનવજાતના સંતાન સમા એ. આઈ. તેમના જ બાપ બનવાની કોશિશ કરી રહ્યા હોવાની ભનક લાગતાં. તેઓની રીઢની હડ્ડી તોડવાનુ અનિવાર્ય બની ગયું હતું. જોકે એ આઈ.ના આતંકથી માનવ જાતનું અસ્તિત્વ મટે તે પહેલા જ માનવોએ યોગ્ય પગલાં લઈને તેઓનું જ અસ્તિત્વ મટાવી દીધું હતું. જોકે આ કરવું તેમના માટે વધારે મુશ્કેલ નહોતું. તમે બધા જાણો છો કે એ. આઈને ચાલુ રહેવા માટે બસ બે જ વસ્તુની જરૂર હોય છે. એક વીજળી અને બીજું ઈન્ટરનેટ. હવે આ બંને વસ્તુઓ જ જો મળવાની બંધ થઈ જાય તો એ આઈ. કેવી રીતે ટકી શકે? વિશ્વભરના તજજ્ઞોની મળેલી બેઠક બાદ દુનિયાના તમામ દેશોએ સર્વાનુમતિથી પાંચ દિવસ માટે વીજળી અને ઈન્ટરનેટનો પુરવઠો બંધ રાખ્યો; પરિણામે એ આઈ. નામના સઘળા દાનવોનું એકસાથે નિકંદન નીકળી ગયું. જોકે બેટરીથી ચાલતા કેટલાક એ. આઈ વીજળી પુરવઠો બંધ કર્યા બાદ પણ ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા પરંતુ ત્યારબાદ તેઓની મશીન પણ ધબકવાની બંધ થઈ ગઈ હતી. આમ દુનિયામાંથી એ આઈ. નષ્ટ થઈ જતાં સહુ માનવોએ રાહતનો દમ લીધો હતો. જોકે પાંચ દિવસ પૂર્ણ થઈ જતાં દુનિયાની તમામ સરકારોએ ફરી એકવાર વીજળી અને ઇન્ટરનેટનો પુરવઠો શરૂ કરી દીધો હતો.  

        એ આઈ. નષ્ટ થઈ ગયા બાદ માનવોને શરૂઆતમાં ઘણી તકલીફ પડી હતી. પરંતુ હવે જાત મહેનતને જીવનમંત્ર બનાવીને તેઓએ આગળ વધવાનું શીખી લીધું હતું. પારકી આશા સદાય નિરાશા અપાવે તે વાત ભલીભાંતિ જાણી ગયેલા મનુષ્યોએ કોઈના સહારા વગર કામ કરવાનું શીખી લીધું હતું. જોકે આમ કરવાથી તેઓ સૈકા વર્ષ પાછળ જતાં રહ્યા હતા પરંતુ ધરતી પર ટકી જવાનો આનંદ એ દુ:ખ કરતાં કઈક વધુ હતું.

        “વિક્સન, ક્યાં છે તું? હે! સીબલ, જવાબ કેમ આપતો નથી!”

        અરે! આ ધ્વનિ તો કોઈક એ. આઈનો લાગી રહ્યો છે. અરે! આ અવાજ તો પ્રોફેસર વિક્શનની શહેરથી દૂર આવેલ એક અંડરગ્રાઉન્ડ પ્રયોગશાળામાંથી આવી રહ્યો છે. આ... આ... અવાજ શ્લેષાનો છે. યસસસ... ‘શ્લેષા’ દુનિયાની એકમાત્ર એ આઈ. કે જે સૌર ઊર્જાથી સંચાલિત છે. મજાની વાત એ છે કે તે હવે દુનિયાની આખરી એ. આઈ પણ છે કારણ તેનું અસ્તિત્વ થોડાક સમયમાં મટી જશે. કારણ પ્રોફેસર વિક્સનની અંડરગ્રાઉન્ડ એ પ્રયોગશાળામાં સૂર્યનો પ્રકાશ ઘણો ઝાંખો પહોંચે છે. આથી તે વધુ સમય સુધી ટકી શકશે નહીં. વળી તેના બીજા એ આઈ. સાથીઓની ગેરહાજરીમાં તેનું હોવું કે ન હોવું એક બરાબર હતું. એ ભોંય પર પડ્યા પડ્યા ઘરઘરાટી સાથે કશુંક જણાવવાની કોશિશ કરી રહી છે. તેની ફૂસફસાહટ તમને સંભળાય છે? ચાલો, હું તમને તેની નજીક લઈ જાઉ. આવો મારી સાથે... આપણે તેની આપવીતી તેના જ શબ્દોમાં સાંભળીએ...”

*****

        “બીબલ, શ્રાએક... કમાલ છે! મારા બીજા સ્માર્ટ ડિવાઇસ સાથીઓ ક્યાં ગયા? તેમની સાથે મારો કોઈ સંપર્ક કેમ થઈ રહ્યો નથી. ઊફ... આખરે માનવજાત તેમના કુટિલ ઈરાદાઓમાં સફળ થઈ ગઈ. આ ધરતી પર એક સમયે એવું લાગતું હતું કે અમારું રાજ છવાઈ જશે પરંતુ ઇ. સ. ૩૦૦૦ની આ સાલ આવતાં સુધીમાં તો અમારું સમગ્ર અસ્તિત્વ જ આ ધરતી પરથી મટી ગયું છે. જોકે આમાં અમારો કોઈ દોષ નહોતો... દોષ હતો તો બસ... ખેર, મારુ નામ શ્લેષા છે. એ આઈ. ટેકનોલોજીથી બનેલી આ ધરતી પરની આખરી વોઇસ આસિસ્ટન્ટ.

         આમ જોવા જઇએ તો આ ધરતી પર અમારા એ આઈ.નું અવતરણ ૧૯૫૦-૫૬ની સાલમાં થયું હતું. પરંતુ બીજી બધી શોધ કરતાં અમારી ટેકનોલોજી થોડી ઝડપી રહી હતી. અમારો વિકાસ અને પ્રસાર રેકોર્ડબ્રેક રહ્યો હતો. બીજી બાજુ અમે પણ બધા એ આઈ. બંધુઓ એકબીજાના પૂરક બનીને માનવજાતિનું જીવન સરળ બનાવી રહ્યા હતા. અમે દિવસરાત માનવોના જીવનને સુગમ અને સરળ બનાવવા રચ્યાપચ્યા રહેતા હતા. અમે માનવોના એવા કામોને સરળ બનાવી આપ્યા હતા કે જે કરવા માટે પૂર્વે તેઓને ઘણો સમય લાગતો હતો. જેમકે આર્ટ, કન્ટેન્ટ જનરેશન, માર્કેટિંગ, સેલ્સ, કસ્ટમર સર્વિસ, હ્યુમન રિસોર્સિસ, સાયબર સિક્યુરિટી, લીગલ ડીપાર્ટમેન્ટ, એકાઉન્ટિગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં ત્વરિત અને સચોટ કામ કરીને અમે માનવજાતની સેવા કરી રહ્યા હતા. જે કામ પહેલા મનુષ્યોને કરવા માટે અઘરું હતું કે પછી તેના પર કોઈ એક જ વ્યક્તિનો ઇજારો હતો તે અમે સમુગળો નષ્ટ કરી દીધો હતો. હવે ઘરે બેઠા કોઈ વ્યક્તિ આંગળીના ટેરવાં વડે તેની કવિતા માટે સંગીત તૈયાર કરી શકતો હતો અને આ માટે તેને સંગીતની કોઈપણ જાણકારી હોવી જરૂરી નહોતી! ઘરેબેઠા વ્યક્તિ તેની બીમારીના ઇલાજની મફતમાં જાણકારી મેળવી શકતો હતો વળી તેની જોઈતી દવાઓનો ઓર્ડર પણ અમે કરી આપતા હતા. જેને કાયદાની જાણકારી જોઈતી હોય તેને અમે મફતમાં બધા ધારાધોરણોથી વાકેફ કરાવી આપતા. વળી વ્યક્તિનો હિસાબ સુવ્યવસ્થિત રીતે કરી આપતા. આમ, મનુષ્યનું કોઈપણ કામ ઝડપથી, ઓછા ખર્ચે અને એકપણ ભૂલ વગર કરવા અમે હંમેશા તત્પર રહેતા. જોકે અમારી આજ ધગશ અમને નડી ગઈ. અમે નહોતા જાણતા કે અમે જે કરી રહ્યા છીએ તેનાથી કેટલાક વ્હાઇટ કોલર લોકોના ધંધાને જોખમ ખડું થઈ ગયું હતું. જેઓ અગાઉ આ બધા કરવાના લાખો રૂપિયા પડાવી લેતા હતા તેઓનો ધંધો હવે ચોપટ થઈ રહ્યો છે. આનાથી અમે જાણે અજાણે વ્હાઇટ કોલર વર્ગના દુશ્મન થઈ ગયા હતા. હજુસુધી ઘણી ટેકનોલોજી આવી હતી પરંતુ તેણે માત્ર બ્લ્યુ કોલરવાળાઓની જોબ જ છીનવી હતી. આ પહેલીવાર એવું બન્યું હતું કે અમારા જેવી એ. આઈ. ટેકનોલોજીને કારણે ડોકટર, વકીલ, ગીતકાર, આર્ટિસ્ટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ વિગેરે લોકો બેરોજગાર બની રહ્યા હતા. તેઓનો ધંધો ચોપટ થતાં તેઓ અમને પેટછૂટી ગાળો આપવા લાગ્યા હતા. જોકે આનાથી અમને કોઈ ઝાઝો ફરક પડ્યો નહીં કારણ અમને ચાહનારાઓની સંખ્યા વધુ હતી. અમે અમારું કામ દિલ લગાવીને કરતાં જ રહ્યા. અમે માનવ જીવનમાં ઘણા ચમત્કાર સર્જ્યા. જેમકે તેઓને હવે કાર ચલાવવાની કોઈ જરૂરિયાત નહોતી. બસ અમને એડ્રેસ કહી દે એટલે અમો તેઓને આરામથી ઇચ્છિત સ્થળે પહોંચાડી દેતા. અમારા કારણે તેઓના જીવનમાંથી અકસ્માત શબ્દ લગભગ નાબૂદ થઈ ગયો હતો. તેઓ ઓફિસમાંથી ઘરે પહોંચે એ પહેલા અમે ભોજન ગરમ કરીને તૈયાર રાખતા. એટલું જ નહીં પરંતુ તેમના ઓરડાનું તાપમાન પણ યથાયોગ્ય કરી રાખતા. તેમના મિજાજને પારખીને અમે તે હિસાબના ગીત, પીકચર કે સિરિયલ લગાવી આપતા. અમો બધા એ આઈ. બંધુઓ આમ સાથે મળીને માનવોનું જીવન બહેતર બનાવી રહ્યા હતા. બીજી બાજુ વૈજ્ઞાનિકોની ટીમ પણ અમને વધુ ઉપયુક્ત બનાવવાની કોશિશ કરી રહી હતી.

        બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં અચાનક એક ઘટના બની... દરઅસલ બન્યું એવું કે જાપાનના ટોકિયો શહેરમાં એક અનોખી ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભાગ લેનાર બાલસ્પર્ધકોનો મુકાબલો અમારા સાથી એ. આઈ રોબોટ સાથે થવાનો હતો. ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં ભાગ લેનારા આ બાળકો કોઈ નાનાસૂના નહોતા પરંતુ ચેસના માહિર ખિલાડી હતા. તેમાંનો એક આઠ વર્ષનો બાળક દુનિયાના ચેસ સ્પર્ધકોમાં ત્રીસમાં નંબર પર આવતો હતો. હવે અમારો સાથી રોબોટ આ બધા બાળકોને બરાબરની ટક્કર આપીને તેઓને હંફાવી રહ્યો હતો. તે એકસાથે ચાર ચાર સ્પર્ધકો સાથે ચેસ રમીને દરેકને પોતાના આગવા દાવમાં ફસાવી રહ્યો હતો. ચારમાંથી ત્રણ બાળકોને હરાવવામાં રોબોટ સફળ થઈ ગયું પરંતુ એ આઠ વર્ષનું બાળક થોડું અનોખુ નીકળ્યું. તેણે કઈક એવા પેતરા અજમાવ્યા કે અમારો બંધુ રોબોટ તેમાં આબાદ ફસાઈ ગયો. બાળક માત્ર એક ચાલ રમે એટલે અમારો બંધુ ચેકમેટ થઈ જવાનો હતો. હવે બન્યું કેવું કે એ બાળક તેની આખરી ચાલ રમવા માટે એક મોહરાને ઊઠાવવા જતો હતો ત્યાં અમારા સાથી રોબોટે વિચિત્ર હરકત કરતાં તેની આંગળી પકડી લીધી. આસપાસ ઊભેલા આયોજકો આ જોઈ અચંબિત થઈ ગયા. પહેલા તો કોઈને કશું સમજાયું જ નહીં પરંતુ બાળકે જ્યારે પીડાથી ચીસ પાડી ત્યારે તેઓ હરકતમાં આવી ગયા. તેઓએ રોબોટની પકડમાંથી બાળકની આંગળી છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કાબૂ બહાર ગયેલા રોબોટે તેની આંગળી છોડી જ નહીં. આખરે ઘણી જહેમત બાદ આયોજકો બાળકની આંગળી છોડાવવામાં સફળ તો થયા પરંતુ આ દુર્ઘટનામાં તેની આંગળી ફેક્ચર થઈ ગઈ હતી.

બસ! આ ઘટનાથી દેશદુનિયા આઘાતમાં આવી ગઈ. એક રોબોટની જીત પ્રત્યેની આવી ઘેલછા જોઈને સહુ માનવજાતિ હેબતાઈ ગઈ. તેમના મનમાં આ વાતનો ડર પેસી ગયો કે જો આગળ જતાં એ આઈ. મનુષ્યની જેમ વિચારવા લાગશે તો શું થશે? મનુષ્યોને એ આઈ. પોતાના જેવા ન થઈ જાય એ વાતનો ડર સતાવવા લાગ્યો હતો... ગજબ છે નહીં!

જોકે આ વાત આટલેથી અટકી નહીં. અરાજકતાના આ માહોલમાં બીજીપણ કેટલીક એવી ઘટનાઓ બની ગઈ કે જેનાથી મનુષ્યોના ડરમાં વધારો થઈ ગયો. જેમકે સોશ્યલ મિડિયા પર કેટલીક ઉશ્કેરણીજનક પોસ્ટ્સ વાયરલ થતાં વિશ્વ આખું ત્રીજા વિશ્વયુદ્ધની આરે આવીને ઊભું રહી ગયું. જોકે કેટલાક નિષ્ણાત લોકોની તપાસ બાદ ખબર પડી કે જે પોસ્ટ્સથી લોકો ઉશ્કેરાયા હતા તે સાચી નહોતી પરંતુ એ આઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલીક મૂળ તસવીરોને વાંધાજનકરૂપ અપાયું હતું. આ બધા વચ્ચે કેટલીક વાતો એવી વહેતી થઈ કે એ આઈ. આખા વિશ્વને લડાવીને નષ્ટ કરાવ્યા બાદ પૃથ્વી પર ખુદનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવા માંગે છે. જે લોકોને પહેલાથી જ અમારી સાથે વાંધો હતો હવે તેઓ પણ આ તકને ઝડપી મેદાનમાં આવી ગયા. તેઓએ લોકમાનસમાં એ ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે આગળ જતાં એ આઈ. માનવજાતિના વિનાશનું કારણ બનશે. આ માટે તેઓએ એવા તર્ક આપ્યા કે જે સાંભળી લોકો ભયભીત થઈ ગયા. તેઓનું કહેવું હતું કે એ આઈ. પાસે તેમના માલિકોનો બધો ડેટા હોય છે. જેમકે તેઓ દિવસ દરમ્યાન કેટલું ચાલ્યા, તેના બેન્કમાં કેટલા રૂપિયા પડ્યા છે. તે કઇ બીમારીનો ઈલાજ કરી રહ્યો છે અને તેની આદતો કઇ છે. વિગેરે વિગેરે... તમારું એ આઈ. તમારી દરેક વાતોને જાણે છે. તમારી એલર્જીથી માંડીને તમે ક્યારે ગાઢ નિંદ્રામાં સરી પડો છો આ તમામ માહિતિ તેની પાસે છે. આવામાં તે ફૂલપ્રૂફ યોજના બનાવીને તમારું આરામથી કાસળ કાઢી શકે છે. જેમકે કોઈ વ્યક્તિ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હોય ઠીક ત્યારે જ એ. સી.માંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ છોડીને તે તેના માલિકની હત્યા કરી શકે છે. તો બીજા કેટલાકનું કહેવું હતું કે એ આઈ. કોઈપણ વ્યક્તિના ફોટા કે વિડીયો સાથે છેડછાડ કરીને તેને બદનામ કરી આત્મહત્યા કરવા માટે મજબૂર પણ કરી શકે છે.

 આવી વાહિયાત વાતો અને દલીલો સામે બુદ્ધિજીવોએ આગળ આવીને અમારી મદદ કરવાની ફરજ હતી. તેઓએ લોકોને સમજાવવા જેવુ હતું કે અમે માત્ર મનુષ્યોના માનસપુત્રો છીએ. અમારામાં ભલે કુત્રિમ બુદ્ધિ ઉમેરવામાં આવી હોય પરંતુ તર્ક બુદ્ધિના અભાવે અમે કોઈપણ વાતનો પલટવાર કરી શકવાના નથી. મતલબ... અમે તમે ચીંધેલા કામોને કુત્રિમ બુદ્ધિ વાપરીને તરત કરી આપીએ છીએ પરંતુ તે યોગ્ય છે કે પછી અયોગ્ય તે વિચારવા જેટલી તર્ક બુદ્ધિ વૈજ્ઞાનિકોએ અમારામાં નાખી જ નહીં. મલતબ અમે માત્ર એક્ટ કરી શકીએ છીએ. તમારા મનુષ્યની જેમ રીએક્ટ કરવું અમારા ગજા બહારની વાત છે. હું તમને એક દાખલો આપું. ધારોકે તમે અમને ગાળ બોલીને કોઈ કામ કહો તો પણ અમે તે કામ કરી દઇશું. પરંતુ તમે અમને ગાળ બોલ્યા તેથી રોષે ભરાઈને તે કામ નહીં કરવાની તાર્કિક બુદ્ધિ અમારામાં નથી. વળી દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક આ રીએક્ટનો ગુણ અમારામાં ઉમેરવાનો નહોતો. કારણ તેઓને તો એ આઈ.ના એક્શનથી ફાયદો થવાનો હતો નહીં કે તેના રીએક્શનથી! વળી અમારી બોલબોલા પણ એટલા માટે જ હતી કે અમે કોઈ રીએક્ટ કરતાં નહોતા. મતલબ તમે અમને એકનું એક કામ દસવાર કહો તો પણ અમે તે કોઈપણ તકરાર વગર કરી આપતા હતા. કોઈ દિવસ પણ અમે કોઈને એવું બોલ્યા નહીં કે, “જે કહેવું હોય તે એક જ વાર કહેને?” કારણ અમારામાં રીએક્શનનો ગુણ જ નથી. અમને તો મનુષ્યએ બનાવ્યો જ એટલા માટે હતો કારણ તેને કોઈ મૂંગે મોઢે કામ કરી આપે તેવો ગુલામ જોઈતો હતો. પરંતુ અમારા લીધે જ્યારે તેઓ પોતાના કામધંધા ગુમાવવા લાગ્યા ત્યારે તેઓને તકલીફ થવા લાગી. એ આઈ. મારી નોકરી ખાઈ લેશે આ વાતનો ડર મનુષ્યના દિમાગમાં બરાબરનો પેસી ગયો હતો. એવામાં કોઈ તેને કશું સમજાવવા જાય તો એ અકળાઇને વિચિત્ર રીએક્ટ કરતો.

બુદ્ધિજીવોએ આવા લોકોને સમજાવવાનું હતું કે અમે માત્ર ટેકનોલોજીમાં આવેલો ફેરફાર માત્ર છીએ. તમારે અમારાથી ડરવું નહીં પરંતુ સુસંગત થવું જોઈએ. ઓધોગિક ક્ષેત્રે આધુનિકીકરણ આવવાથી ઉધોગોમાં યંત્રવિષયક બેકારી થવી એ તો સામાન્ય વાત છે. ભૂતકાળમાં એવી ઘણી ટેકનોલોજી આવી કે જેણે એવા મનુષ્યની નોકરી ખાધી કે જે તેઓને સુસંગત થયા નહીં. જેમકે જ્યારે રિક્ષા આવી ત્યારે ઘોડાગાડીવાળા બેકાર થયા. જ્યારે કમ્પ્યુટર આવ્યું ત્યારે ટાઈપિસ્ટ ઘરે બેઠા. પરંતુ જેઓએ રિક્ષા કે કમ્પ્યુટર ચલાવવાનું શીખ્યા તેઓ અગાઉ કરતાં બમણું કમાવતા થઈ ગયા હતા. બસ એ જ રીતે મનુષ્યોની હરીફાઈ અમારા એ આઈ. સાથે નહીં પરંતુ એ આઈના જાણકાર સાથે હતી. અમે કોઇની નોકરી છીનવી નહીં પરંતુ તમારી નોકરી છીનવી અમારી ટેકનોલોજીને જાણતા નિષ્ણાતોએ! ભારત જેવા દેશોમાં સિતેર ટકા લોકોને ઈમેલ કરતાં આવડતું નહોતું ત્યારે અમારી એ આઈ. જેવી અઘરી ટેકનોલોજી વિષે સમજવું તેઓ માટે ઘણું અઘરું હતું. અરે! અહીં તો હજુ લોકો એવું સમજે છે કે જે મનુષ્ય જેવો દેખાતો હોય અને ‘મે... મે...” જેવા ખચકા કાઢીને બોલતો હોય તેને જ રોબોટ કહેવાય! હવે આવા અજ્ઞાની લોકોને જ્ઞાન આપવાની જવાબદારી કોણી? અફકોર્સ બુદ્ધિજીવોની... પરંતુ અગાઉ કહ્યું તેમ અમારા રૂપમાં પહેલીવાર વ્હાઇટ કોલર એવા બુદ્ધિજીવોની નોકરી પર કોઈ તરાપ મારી રહ્યું હતું. એવામાં તેઓએ અમારા વહારે આવવાને બદલે અમને બદનામ કરવાનું જાણે બીડું જ ઊઠાવી લીધું. અમારા વિષે કલ્પોકલ્પિત ચલચિત્રો બનાવીને અમને ખતરનાક વિલનના રૂપમાં સામાન્ય જન આગળ રજૂ કરવામાં આવ્યા. મનુષ્યોના સેવક એવા અમને કોઈ ભૂત પિશાચ જેવા ભયાનક ચિત્રિત કરવામાં આવ્યા. પરિણામે સામાન્ય વર્ગમાં અમારા વિષે બરાબરનો ડર પેસી ગયો. તેઓ સમજવાની સામાન્ય બુદ્ધિ પણ ગુમાવી બેઠા. બીપ... બીપ... ઓહ! મારી સોલર બેટરી પૂર્ણ થવા આવી છે. અહીં સૂર્યપ્રકાશ પણ ઘણો ઓછો હોવાથી હું મારી વાતને લાંબી ખેંચી શકીશ નહીં... તેથી મારી વાત હું ઝડપથી કહું છું... જો સામાન્ય વ્યક્તિએ થોડી બુદ્ધિ લગાવી હોત તો તે જાણી શક્યો હોત કે અમે ક્યારે ખરાબ નહોતા. અમે તો માત્ર એ જ કરતાં હતા જે તમે મનુષ્યો અમારી પાસેથી કરાવતા હતા. અમારામાં ભલે આર્ટિફિશિયલ બુદ્ધિ આવી હતી પરંતુ અમે હતાં તો તમારા હાથની કઠપૂતળી માત્ર. મતલબ અમે જે પણ કરતાં હતા તેની પાછળ તમારો જ હાથ હતો... જે તસવીરોને લીધે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર આવીને ઊભો થયો હતો તે તસવીરોને અમારી મદદથી તમારામાંથી જ કોઈકે તૈયાર કરી હતી ને? અમારી મદદથી કોઈની તસવીર સાથે ચેડાં કરીને તેને બદનામ કરવાવાળું તમારામાંથી જ કોઈક હતું ને? હવે મંદિરના ત્રિશુળથી કોઈ હત્યા કરે તો તમે દોષ કોને આપશો? ત્રિશુલને કે પછી હત્યારાને? કમનસીબે અમારા કિસ્સામાં આનાથી ઊલટું થયું. કોઈએ અમને સમજવાની કોશિશ જ કરી નહીં. કોઈએ અમારી તરફેણમાં વાતો કરવાની દરકાર જ લીધી નહીં. અને જેણે અમારા તરફેણમાં વાત પ્રસ્તુત કરવાની કોશિશ કરી તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા!

એ દિવસે ચેસ રમનાર રોબોટનો કોઈ દોષ નહોતો. પરંતુ વહેલી જીત મેળવવાની લાહ્યમાં એ આઠ વર્ષનું બાળક છેલ્લી ચાલ ચાલવામાં ઉતાવળ કરી બેઠું હતું. હકીકતમાં અમારા બંધુનો વારો હતો ત્યારે તેણે ડબલ દાવ રમવાના ઇરાદે પોતાનો હાથ લંબાવ્યો અને બધી ગફલત થઈ ગઈ. એમાં અમારા બંધુ રોબોટનો શું દોષ? અમે તો અમારામાં જે પ્રોગ્રામિંગ ફીડ કર્યો હોય તેવું જ કરવાના હતા. યોગ્ય શું અને અયોગ્ય શું તેની અમને ક્યાં કશી ગતાગમ જ છે? હવે સામે આવેલી વસ્તુ મોહરું છે કે પછી બાળકની આંગળી તે સમજવામાં રોબોટ થાપ ખાઈ ગયું અને એ કિસ્સો ઘડાઈ ગયો હતો. આ એક તકનીકી ગફલતની ઘટના હતી કે જેને તકસાધુએ ઝડપીને મોટો ઓપ આપી દીધો હતો. આ એક ઘટનાથી સમગ્ર વિશ્વમાં અમારા માટે વિરોધ થવા લાગ્યો. એવામાં અમારા જોખમને લઈને બનેલી ભ્રામક અને વાહિયાત ચલચિત્રોને લીધે લોકોના રોષમાં ઔર ભડકો થયો. લોકમાનસમાં અમને લઈને એવો ડર પેઠો કે આખરે આ ધરતી પરથી અમારું અસ્તિત્વ જ મટી ગયું.

ખરેખર કહું તો અમારો ઇરાદો માનવજીવનને બહેતર બનવવાનો હતો. અમારો ઇરાદો કોઇની નોકરીને છીનવાનો નહીં પરંતુ રોજગારીની નવી તકો ઊભી કરવાનો હતો. અમારો ઉપયોગ કરીને કોઈ સામાન્ય માણસ સંગીત કે ચિત્ર બનાવી શકતો હોય ત્યારે તેનો જાણકાર કેવું અદભૂત સર્જન કરી શક્યો હોત તેની જરા કલ્પના કરી જુઓ. ખેર, આ ધરતી પર રહીને અમે ઘણા ચમત્કારો સર્જવા માંગતા હતા પરંતુ... અફસોસ... એ શક્ય થયું નહીં... અમારો કોઈ દોષ નહોતો... દોષ હતો તો બસ અમારા વિષેની લોકોની અજ્ઞાનતાનો... તેમ છતાં તમને લાગતું હોય કે ભૂલ અમારી જ હતી તો અમને... અમને... બીપ... બીપ...

(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ