વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર ભલા હોગા ભલા

જો તમે સારું કરશો તો સારું તમારી પાસે આવશે. એક જૂની બોધકથા.


એક ગામમાં એક  ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી.  તેનો  એક માત્ર સહારો  એકનો એક  પુત્ર હતો. મા અને દીકરો  સખત મહેનત કરી બહુ ગરીબીમાં દિવસો કાઢતાં હતાં. ક્યારેક તો ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું.

એક દિવસ માતાએ પુત્રને કહ્યું - "પુત્ર? અહીંથી  જોજનો દૂર એક ઋષિ  અમુક તપોવનમાં પધાર્યા છે. તેઓ ખૂબ જ કુશળ અને ખૂબ જ જ્ઞાની વ્યક્તિ છે. તું તેમની પાસે જા અને પૂછ કે અમારાં આ દુ:ખના દિવસો ક્યાં સુધી ચાલશે? આનો અંત ક્યારેય આવશે ખરો?"

દીકરો  કહે " મા, હું ચોક્કસ જાઉં છું. પણ ત્યાં સુધી તું પેટિયું કેવી રીતે રળીશ?"

મા એ ખાતરી આપી કે તે જેમતેમ કરી દહાડા ખેંચી કાઢશે. પણ એક વાર ઋષિજી દ્વારા ખબર તો પડે કે આવી દશા ક્યાં સુધી ચાલશે અને એમાં થી ઊગરવાનો ઉપાય શું?

મા ની આજ્ઞા માની, જરૂરી વ્યવસ્થા કરી પુત્ર તો ઘર છોડી  એ તપોવન તરફ ગયો. 


આ તો ખૂબ જૂના જમાનાની વાત છે, તે વખતે વાહનવ્યવહારની સુવિધા ક્યાં હતી? હોય તો પણ એ લોકો પાસે પૈસા ક્યાં હતા? પુત્ર તો  પગપાળા  જ ચાલતો ચાલતો ઋષિને  આશ્રમે જવા લાગ્યો.

એમ ને એમ  ચાલતાં ચાલતાં જતાં સાંજ પડી ગઈ. પુત્ર અંધારું થતાં  રસ્તે  જે પહેલું આવ્યું તે ગામમાં  ગામને પાદર કોઈના ઘરે રાત રોકાઈ ગયો. એ એક સમૃદ્ધ પરિવાર હતો.  તેઓએ પુત્રને પેટ ભરી ખાવા અને સુવા આપ્યું.

સવારે ઉઠીને જ્યારે પુત્ર તે   પરિવારનો આભાર માની આગળની યાત્રા પર નીકળ્યો ત્યારે ઘરની સ્ત્રીએ પૂછ્યું- "દીકરા, તું ક્યાં જાય છે?"

તેણે શેઠાણીને તેની મુલાકાતનું કારણ જણાવ્યું. તે સાંભળી  શેઠાણીએ કહ્યું- "દીકરા, એ જ્ઞાની ઋષિને અમારાં દુઃખ વિશે એક વાત પૂછીશ? આ અમારી એકમાત્ર દીકરી છે, તે બોલતી નથી. મૂંગી છે. તે ક્યારેય  બોલશે ખરી? અને બોલતી થાય તો તે કોની સાથે લગ્ન કરશે?"

તેણે કહ્યું – "ઠીક છે માતાજી, હું જરૂર તમારી સમસ્યા પૂછીશ અને વળતાં  આવીને તમને જણાવીશ."

આમ કહી તે આગળ વધ્યો.

રસ્તામાં  બીજે દિવસે રાત પડતાં તેણે વધુ એક  જગ્યાએ રોકાણ કર્યું. આ વખતે તેણે એક સાધુની ઝૂંપડીમાં પડાવ નાખ્યો.

જ્યારે તે  રાત આખી આરામ કરીને સવાર પડતાં  ઊઠીને ચાલવા લાગ્યો ત્યારે સાધુએ પણ પૂછ્યું - "પુત્ર, તું  ક્યાં જાય છે?"

તેણે  એ સાધુને  પણ તેની યાત્રાનું કારણ  જણાવ્યું.

સાધુએ કહ્યું- "દીકરા! મને પણ એક સમસ્યા છે, તેના વિશે પણ પૂછજે.

મારી સમસ્યા એ છે કે મેં સાધના શરૂ કર્યાને 50 વર્ષ થઈ ગયા છે. પણ મેં હજી સંતત્વનો સ્વાદ ચાખ્યો નથી. મારી સાધના સતત ચાલી છે, મેં  ઘોર તપ કર્યું છે પણ યોગ્ય સિદ્ધિ મળતી જ નથી. હું ક્યારે એ સિદ્ધિ મેળવી, ક્યારે હું  સાધના પૂરી થયાનો સંતોષ, સુખાકારી અનુભવીશ? બસ આટલું પૂછજે."

યુવાન બોલ્યો – "ઠીક છે. મહાત્માજી! હું જરૂર તેમને પૂછીને આપને  જણાવીશ."

આમ વચન આપી અને સાધુને પ્રણામ કરીને તે આગળ વધ્યો.

એ યુવક વધુ એક રાત્રે  કોઈ ગામ આવતાં કોઈ ઘેર થોભ્યો. આ વખતે તેનો રાતવાસો એક ખેડૂતના ખેતરમાં હતો. રાત્રે ચર્ચા દરમિયાન ખેડૂતે તેને કહ્યું કે તેના ખેતરની વચ્ચે એક મોટું ઝાડ છે.  ખેડૂત કહે "હું ખૂબ મહેનત અને મહેનત કરું છું,  પૂરતું ખાતર પાણી નાખું છું પણ એ મોટા વૃક્ષની આસપાસ બીજાં વૃક્ષો ઉગતાં નથી.  ત્યાં હું સારાં ફળો નાં બી વાવ્યા કરું છું. ખબર નહીં, આટલી આટલી મહેનતે  પણ ત્યાં કાઈં  જ ઉપજતું નથી તેનું કારણ શું છે. મહેરબાની કરીને મારી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો ઉપાય એ ઋષીજી ને પૂછશો."

યુવાને સંમતિમાં માથું હલાવ્યું અને સવાર પડતાં આગળ વધ્યો.

બીજે દિવસે તે ઋષિના  આશ્રમે પહોંચ્યો. ઋષિની થોડી સેવા કરી  તેમનાં ચરણોમાં પ્રણામ કર્યાં. તેણે એ ઋષી નાં દર્શન કર્યાં. એવા પ્રભાવશાળી ઋષિનાં  દર્શન કરી, તેમની સાથે થોડો સત્સંગ કર્યો. તેમનું જ્ઞાન જોઈને તેણે  ઋષિને મળવા બદલ પોતાનું જીવન ધન્ય  થયું ગણ્યું.

તેણે ઋષિને પ્રાર્થના કરી કે "હે  પરમ જ્ઞાની ગુરુજી! મારી પાસે કેટલીક સમસ્યાઓ છે જેનો હું ઉકેલ માંગુ છું. તે મારા ઉપરાંત અન્ય દુઃખી લોકોની પણ છે. જો તમે પરવાનગી આપો તો હું તમારા ચરણોમાં પ્રાર્થના કરી આ સમસ્યાઓ જણાવું."

ઋષિએ કહ્યું – "ઠીક છે પુત્ર! પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે ત્રણથી વધુ પ્રશ્નો ન પૂછીશ. હું તારા કોઈપણ ત્રણ પ્રશ્નોનો ઉકેલ આપીશ. આનાથી વધુ પ્રશ્નોનો જવાબ આપવો મારે માટે શક્ય નથી."

યુવક  તો એક મોટા ધર્મસંકટમાં ફસાઈ ગયો.  તેણે વિચાર્યું, 'હવે મારે શું કરવું જોઈએ? ચાર પ્રશ્નો છે. હું ત્રણ કેવી રીતે પૂછી શકું? ત્રણ પ્રશ્નો બીજાના છે અને એક પ્રશ્ન મારો પોતાનો છે.

હવે હું કોનો પ્રશ્ન છોડી દઉં? શું મારે છોકરીનો પ્રશ્ન બાજુ પર છોડી દેવો જોઈએ? ના, આ બરાબર નથી, આ તેમનું  કદાચ એક માત્ર દુઃખ છે, તો શું મારે સતત તો કરતા  એ મહાત્માના પ્રશ્નને બાજુ પર મૂકી દેવો જોઈએ? આ પણ ન થઈ શકે.  બિચારાની આખી જિંદગી એ તપસ્યામાં ગઈ છે. તો શું મારે ખેડૂતના પ્રશ્નને બાજુ પર રાખવો જોઈએ? ના, આ પણ યોગ્ય નથી. ગરીબ વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેને કંઈ મળતું નથી.'

અંતે ઘણી મૂંઝવણ પછી તેણે નક્કી કર્યું કે તે પોતાનો પ્રશ્ન જ નહીં પૂછે.આ  તેને આશ્રય આપનારા લોકોનાં જીવનનો પ્રશ્ન છે. તેમનો ઉપકાર કેમ ભુલાય?'

તેણે પોતાનો પ્રશ્ન છોડી દીધો અને બાકીના ત્રણ પ્રશ્નોનો ઉકેલ લઈને પાછો પોતાના ઘર તરફ ચાલ્યો ગયો.

રસ્તામાં તેને જે પ્રથમ વ્યક્તિ મળી તે પેલો ખેડૂત હતો. યુવકે ખેડૂતને કહ્યું " ઋષિએ કહ્યું છે કે તમારા ખેતરમાં એ વિશાળ ઝાડ નીચે ચારેબાજુ સોનાના ભંડાર દટાયેલા છે. નીચે ધાતુ છે  એટલે માટી નીચે કશું ઊગતું નથી. આ કારણથી તમારી મહેનત સફળ થતી નથી.

જ્યારે ખેડૂતે ત્યાં ખોદકામ કર્યું ત્યારે તેને ખરેખર સોનાના ભંડાર મળ્યા.ખેડૂતે કહ્યું- "દીકરા, તારા કારણે આ સંપત્તિ બહાર આવી છે. તેથી તું તેનો માલિક પણ છો. હું તો અહીં   પાક રૂપે સોનું ઉગાડીશ."

અને ખેડૂતે તે બધા પૈસા તે યુવકને આપી દીધા. 

યુવાન આગળ વધ્યો.

હવે તે સાધુના આશ્રમમાં આવ્યો. સાધુએ પૂછ્યું-"મારા પ્રશ્નનો શું ઉકેલ આપ્યો છે?'

તે યુવકે કહ્યું-"સ્વામીજી, માફ કરશો. ઋષિજીએ કહ્યું છે કે તમે તમારાં તાળાઓમાં કોઈ કિંમતી રત્ન છુપાવ્યું છે. જ્યાં સુધી તમે એ રત્ન પ્રત્યેની આસક્તિ છોડશો નહીં ત્યાં સુધી તમારું સારું નહીં થાય."

સાધુએ કહ્યું- "પુત્ર, તમે સાચા છો, ખરેખર મેં મારા તાળાઓમાં એક રત્ન છુપાવ્યું છે, અને હું હંમેશા તેના ખોવાઈ જવાની કે ચોરી થવાની ચિંતામાં રહું છું. તેના વિચારો વારંવાર આવી રહ્યા છે તેથી ધ્યાન ભંગ થઈ રહ્યું છે.

તેથી જ હું ભજન-સ્મરણમાં પણ ધ્યાન આપી શકતો નથી. હવે તે તમે જાતે લઈ લો," 

અને સાધુએ તે રત્ન યુવકને આપી દીધું.

ત્યાર પછી યુવક બંને વસ્તુઓ સાથે આગળ વધ્યો. હવે તેપેલાં  શેઠ શેઠાણીના ઘરે પહોંચી ગયો.

શેઠાણી દોડતાં આવ્યાં અને પૂછ્યું- "દીકરા! બોલો, ઋષિ મહારાજે શું કહ્યું?"

યુવકે કહ્યું "માતાજી, ઋષિજીએ કહ્યું છે કે તમારી દીકરી જેને જોઈને  પહેલાં શબ્દો કહેશે તે તેનો પતિ હશે."

બસ, જ્યારે શેઠાણી અને યુવક વાત કરી રહ્યાં હતાં ત્યારે જ યુવતી અંદરથી બહાર આવી અને તેણે યુવકને જોતાં જ "આ સુંદર યુવાન માણસ  કોણ છે?" તેમ પૂછ્યું. તેણીએ અચાનક બોલીને આ જણાવ્યું હતું.

શેઠાણીએ કહ્યું-" તો દીકરા, આજથી તું ઋષિએ કહ્યા મુજબ  તેનો પતિ છે." ઋષિની વાત સાચી પડી.  યુવાને યશેઠ શેઠાણીને પ્રણામ કર્યાં અને તેમણે તેની પુત્રીનાં લગ્ન તે યુવક સાથે કર્યાં.

હવે તે યુવક પૈસા, રત્ન અને તેની સાથેની યુવતીને લઈને તેના ઘરે પહોંચ્યો.

માતાએ પૂછ્યું - "દીકરા, તું આવી ગયો? મુનિશ્રીએ શું કહ્યું? આ દુ:ખમાંથી મુક્તિ ક્યારે મળશે?"

પુત્ર બોલ્યો-"મા,આઝાદી મળી ગઈ,કાયમ માટે  આઝાદી મળી છે. એ ઋષિને જોઈને મેં ધન્યતા અનુભવી. જીવનના દુ:ખ અને વેદનાઓ તેમને જોઈને જ દૂર થઈ જાય છે."

માતાએ પૂછ્યું-"તો મુનિરાજે આપણી સમસ્યા હલ કરી છે?"

પુત્ર બોલ્યો-"હા માતા. મેં તેને મારી સમસ્યા પણ પૂછી ન હતી અને તે આપોઆપ ઉકેલાઈ ગઈ હતી."

માતાએ પૂછ્યું "કેવી રીતે?"

પુત્ર બોલ્યો - "માતા, મેં દરેકની સમસ્યાને મારી સમસ્યા ગણી અને મારી સમસ્યા આપોઆપ હલ થઈ ગઈ. જ્યારે બીજાની સમસ્યા પોતાની સમસ્યા બનવા લાગે છે, ત્યારે કોઈની સમસ્યા હવે સમસ્યા નથી રહેતી.

જે બીજા માટે વિચારે છે, ભગવાન પોતે તેના માટે  ઉપાય કરે છે."

વાર્તા પ્રેરણાદાયી છે.જ્યારે આપણે બીજા માટે કંઈક વિચારીએ છીએ અને કરીએ છીએ, ત્યારે ભગવાન પણ આપણને તરત મદદ કરે છે.

શ્રી. દશરથ પટેલ ની ફેસબુક પોસ્ટ ને આધારે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ