વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કન્યા વિદાય

" મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ,
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય..! "

સુખ ભાદર ગામની ભાગોળે મહાદેવના મંદિર પાસે આવેલા નાના અમથા મેદાનને શણગાર્યું છે. તે મેદાનમાં ગામના સરપંચ મધુભાઈ ની દીકરી સેજલના વિવાહ છે. સેજલ ના વિવાહ બાર ગામ દૂર કાપડના વેપારી એવા ધનંજય ભાઈના દીકરા અર્જુન સાથે લીધા છે. સરપંચની દીકરીના લગ્ન છે એટલે આખાય ગામને નોતરું દીધું છે. ગામ આખું સેજલ ના લગ્ન નિહાળવા માટે આવી ગયું છે. મધુભાઈ અને નિર્મળા બહેન બંને સરસ મજાના તૈયાર થઈને ત્યાં લગ્ન માંડવે બેઠા છે. તે મેદાનમાં બનાવેલી બે નાની ઓરડીમાં સેજલ તૈયાર થઈ રહી છે. તેની સખીઓ ક્યારની સેજલને ચિડવી રહી છે.

" આય હાય, જુઓ તો કેવી સુંદર લાગે છે..! કોઈની નજર ના લાગી જાય મારી વ્હાલી ને. સેજલ બા તો ચાલ્યા અર્જુન લાલ સાથે. "

" સેજલ, તારા નાના દિયરને કહજે અમે પણ છીએ તો અમારી સામે પણ જુએ. સેજલ નો દિયર પણ કંઈ મસ્ત લાગે છે ને..! હા..હા..હા..! "

મધુભાઈ અને નિર્મળા બહેનના બધા જ સગા વ્હાલા ત્યાં આવી ચૂક્યા છે. ગામના માસ્તર પટેલ સાહેબ, દાક્તર સંઘવી સાહેબ, વકીલ મહેતાજી બધા જ તેમના પરિવાર સાથે આવી ચૂક્યા છે. મધુભાઈ એ સેજલ ના લગ્ન પાછળ ધૂમ ખર્ચો કર્યો છે. સેજલ ના લગ્ન છેલ્લા ચારેક દિવસથી ચાલી રહ્યા છે. સેજલ ના લગ્નમાં ગરબા, સંગીત સંધ્યા, મહેંદી, હલ્દી, કંકોત્રી લેખન જેવા કાર્યક્રમો રાખ્યા હતા. તે તમામ કાર્યક્રમમાં ગામ આખાય ને જમવાનું કીધું હતું. મધુભાઇ ના અમુક સરકારી મિત્રો પણ તેમની મોંઘી ગાડીઓ લઈને આવી ગયા છે. લગ્ન માંડવે પૂજારી તેમની તૈયારી ચાલુ કરે છે ને સ્ત્રીઓ તેમના પેટની વાતો ખુલી કરે છે.

" શું વાત કરે છે..? રમીલા ની દીકરી ભાગી ગઈ..! ના હોય, એટલે આજે રમીલા શાંતિથી બેઠી છે. બોલો કેવું કહેવાય, આજકાલ છોકરીઓ વધારે પડતી બગડી ગઈ છે. "

" મેં તો સાંભળ્યું છે કે, રાણા ની ત્યાં તેની વહુ બહુ જબરી છે. આખો દિવસ પડી પાથરી રહે છે ને પેલી બચારી ઢસેડા કરે છે. સાલું, વહુ પણ સારી મળવી જોઈએ નહિતર આવી હાલત થતાં વાર નહીં..! "

પૂજારી મોટા આવજે શ્લોક બોલવાનું ચાલુ કરે છે. શિયાળા ને કારણે વહેલું અંધારું થઈ જાય છે. આખાય મેદાનની ફરતે દીવા અને લાઈટો ચાલુ કરી દેવામાં આવે છે. ધીરે ધીરે ઠંડી વધતી જાય છે. સૂકા પવનો વધુ ઠંડી લગાડે છે. ગામના લોકો ગરમ કપડામાં બરાબરના લપેટાઈને સેજલ ના લગ્ન નિહાળે છે. બીજી બાજુ જમણવારની પણ તૈયારી ચાલુ કરવામાં આવે છે.

" કન્યા પધરાવો સાવધાન..! શ્રી ગણેશાય નમ:| ગામ દેવી શ્રી માતાને નમસ્કાર, ગામ દેવતા શ્રી ભોળાનાથને નમસ્કાર, ગામ નદી શ્રી વૈત્રી ને નમન, ગામ પર્વત શ્રી ઓજળ ને નમન, ગામના તમામ દેવી દેવતાને નમન. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય..! "
પૂજારી શ્લોકને મોટા અવાજે બોલવાનું ચાલુ કરે છે. બીજી બાજુ તેઓ પણ ઠંડીમાં ધ્રુજતા હોય છે.

એટલીવારમાં મધુભાઇના સગા જાણ કરે છે કે,
' એ સાંભળો સાંભળો, જરા ઉતાવળ કરો પૂજારી બાપુ... આ જાન અહીં નજીકમાં આવી ચૂકી છે. વરઘોડિયા અહી નજીકમાં આવી ગયા છે માટે આપણે હવે જરા ઉતાવળ કરવી પડશે..! તેઓ ઉતારા માટે જયરામભાઈ ની વાડી પાસે બેઠા છે. હવે માંડ પાંચેક મિનિટમાં આપણા માંડવે આવી જશે. '

માંડ પાંચેક મિનિટ બાદ,
' એ જાન આવી ચૂકી છે. ' એવી મોટી બૂમ પાડતા અમે બધાય ત્યાં માંડવે બહાર તેમના સ્વાગત માટે ઊભા રહીએ છીએ. જાનૈયાઓ બહાર ઊભા ઊભા ગરબા કરી રહ્યા છે. અમે તેમના સ્વાગત માટે ફૂલો અને મોતી ની માળા સાથે ત્યાં ઊભા રહીએ છીએ. ત્યારબાદ અમે તેમનું સ્વાગત ફૂલો સાથે કરીએ છીએ, તેમજ તેમના ઘરના તમામ સભ્યોને મોતીની માળા પહેરાવીએ છીએ.

ઢોલ નગારા સાથે જાન મંડપમાં આવી જાય છે. અમે તેમના સ્વાગતમાં કોઈ કસર બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખીએ છીએ. તે તમામ જાનૈયાઓ ને ઠંડુ પીણું આપીએ છીએ.
બીજી બાજુ, પૂજારી તેમની વિધિ ચાલુ કરી દે છે.

લગ્ન વિધિની શરૂઆત થઈ જાય છે. સહુ પહેલા ગણેશજી ની વિધિ થાય છે ત્યારબાદ મધુ ભાઈ અને નિર્મળા બહેનની વિધિ ચાલુ થાય છે. તેટલીવાર માં અર્જુન અને સેજલ ત્યાં માંડવે આવી જાય છે. તે બંનેની હસ્તમેળાપ વિધિ થાય છે.
લગ્નની જેટલી અલગ અલગ વિધિ હોય છે તે તમામ વિધિઓ થાય છે.

" હવે સાતફેરા નો સમય આવી ચૂક્યો છે..! "

લગ્ન માંડવે વચ્ચે યજ્ઞ કુંડમાં અગ્નિ દેવની સાક્ષીએ તેમના સાત ફેરા લેવાય છે. સાતેય ફેરા તેમના જીવનમાં સાત પગલાંની જીવની બતાવે છે. તેમનો એકમેક પ્રત્યે સાથ, લાગણી, વિશ્વાસ, સહકાર, પ્રેમ, ધીરજ, જવાબદારી જેવા સાતેય ગુણો ને આધારે તેમના સાતફેરા થાય છે.

બીજી બાજુ,
જમણવાર ચાલુ થઈ ગયો છે. જમવામાં પૂર્ણ ગુજરાતી થાળી રાખેલી છે. ગામના અન્ય લોકો જમવાનું ચાલુ કરી દે છે. મધુભાઈ અને તેમના ન્યાતના મોટા લોકો દીકરીને શું આપ્યું છે તેમજ આપવાનું છે તેની માહિતી રજૂ કરે છે. મધુભાઈ એ તેમની દીકરીને પૂરા વીસ કિલો સોનુ ચઢાવ્યું હોય છે તેમજ અલગથી ચાંદી, અન્ય વસ્તુ, પુરત જેવી વસ્તુઓ અલગ..! લેણદેણ ની ક્રિયા પૂરી થાય છે ને તેમના ઘર ઘરના લોકો જમવા બેસે છે.

                               લગ્નની વિધિ પૂર્ણ થઈ ચૂકી છે. સેજલ અને અર્જુને સાતફેરા લઈ લીધા છે. મધુભાઈ ની આંખો ભીની થઈ ચૂકી છે. સેજલ તેના ઘરે થાપા મારવા માટે નીકળી ગઈ છે. ગામ આખું શાંત થઈ ચૂક્યું છે. સેજલ ની વિદાય નજીક આવી ચૂકી છે. મધુભાઈ અને નિર્મળા બહેન તદ્દન શાંત થઈ ગયા છે તેમના મોઢે માત્ર એક જ ભાવ જોવા મળે છે. તે દીકરીની વિદાયનો કરુણ ભાવ જોવા મળે છે.

" લ્યો, સેજલ ના કંકુ થાપા ઘરે લાગી ગયા છે. ઇષ્ટદેવ ની હાજરીમાં તેના કંકુ થાપા ઘરે લાગી ગયા છે. હવે સેજલ કાયમી માટે આ ઘર સાથેના સંબંધોથી અળગી થઈને તેના નવા ઘર સંસારમાં આગળ નીકળી જશે. સેજલ ના કંકુ થાપા એ દર્શાવે છે કે, હું આ ઘરની તમામ વસ્તુ, સંપત્તિ બધું અહીં મૂકીને જાઉં છું. તેના થાપા તેની હાજરીની અનુભૂતિ કરાવે છે. "
નિર્મળા બહેન રડતા રડતા બોલતાં હોય છે.

સેજલ થાપા મારીને ત્યાંથી તેમના ગામ દેવતાને દર્શન કરવા માટે જાય છે. દર્શન કરીને આવ્યા બાદ તે સીધી તેના પિતાને ગળે વળગીને ખુલ્લા દિલે રડી પડે છે. તેની આંખોમાં આંસુ એ મોતી કરતાંય કિંમતી લાગતા હોય છે. મધુભાઈ તેને માથે આશીર્વાદ આપીને તેને વિદાય આપે છે. સેજલ ઘરના તમામ લોકોને મળીને અંતે તેની માં પાસે જઈને છુટ્ટા દિલથી રડે છે. હરખ અને દર્દના આંસુ વડે નિર્મળા બહેન તેને વિદાય આપે છે.

સેજલ ગાડીમાં બેસી જાય છે. તેમની ગાડી મહાદેવના મંદિર પાસે ક્રોસ થઈને રાતના અંધકારમાં ત્યાંથી આગળ નીકળી જાય છે. મધુભાઈ તે સ્થાને ઊભા રહીને એ રસ્તે હવામાં ઉડતી ધૂળને જોતા હોય છે. એ ધૂળ પણ ક્ષણમાં દૂર થઈ જાય છે ને તેમની દીકરી પણ સાસરે જતી રહે છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ