વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિંદગી જિંદાદિલી કા નામ હૈ

જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દા દિલ કયા ખાક જીયા કરતે હૈ!


આવા ડાયલોગ મારવા અને ખરેખર આ રીતે જીવવું એ બંને અલગ બાબત છે. સામાન્ય માણસના વશની આ વાત જ નથી. એ બિચારો સમાજ અને કાનૂનના નિયમોથી બચીને જીવી લે એટલામાં જ લાઇફની બધી દેરીંગ આવી જાય... પણ ક્યારેક એવી ક્ષણો અચાનક જીવનમાં આવી પડે ત્યારે હું એનો ફાયદો ઉઠાવી લઉં છું! આજે મેં બે ખતરનાક કામ કર્યા.


પહેલું થોડું ઓછું ખતરનાક કામ,


આજની જ વાત કરું. જે દિવસથી મેં ગાડી ચલાવવાની શરૂઆત કરી ત્યારથી મનમાં થતું કે જંગલમાં, કાચા રસ્તે ઝાડી ઝાંખરા વચ્ચેથી, જ્યાં ઘડીકમાં ઊંચો ઢાળ હોય અને ઘડીકમાં રગડવાનું આવે ત્યાં ગાડી મારી મૂકી હોય તો કેવી મજા આવી જાય... આજે મેં ખરેખર એવું કર્યું!

કેમ અને કેવી રીતે એ નહિ કહું... રોજિંદી લાઇફમાં હું ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં માનું છું અને કોઈ મારાથી પ્રેરણા લઈને આવા ગાંડાવેડા કરે એને હું સમર્થન નથી આપતી. ટુંકમાં કહું તો, બાજુવાળો રોડ ફરી એકવાર સજી રહ્યો હતો. એની ઉપર ડામરનો ઢોળ ચઢી રહેલો એટલે એને બંધ કરીને એક જ સાંકડા રોડ ઉપર આવવા જવાવાળા બંને વાહનોને સફર કરવા મજબૂર કરેલા. એમાંય પાછી એ રોડ ઉપર ટ્રકો ફરે. એ જ રોડ ઉપર શાળાઓ આવેલી એટલે વાલીઓની ગાડીઓ અને ટુ વ્હીલરની ભરમાર જામેલી. આખરે થાય શું? ટ્રાફિક જામ... મારે મોડું થઈ રહ્યું હતું અને મન થોડી અવળચંડાઇ કરવા ઉપર ઉતરી આવ્યું. રોડ ઉપરથી ગાડી સાઈડમાં લીધી અને વચ્ચેની કાચા રસ્તાવાળી ગલીમાં વાળી લીધી.... આગળનું કલ્પના કરી લો 😂



આજનું જ બીજું વધારે ખતરનાક કામ,


આ પોસ્ટ લખી!

મારા પતિદેવને હંમેશા એક ડર રહે છે હું ક્યારેક ને ક્યારેક એવું કોઈ કામ કરી નાખીશ કે એમને દોડતા થઈ જવું પડે!  આજનું મારું આ પરાક્રમ એ પણ વાંચશે, એમણે મને સી ફર્સ્ટમાં રાખી છે...બોલો એસા કૌન કરતા હૈ ભલા! વાંચીને પહેલા તો નજર ઉપર ઉઠાવી આકાશમાં થોડી વાર જોઈ રહેશે, જાણે ભગવાનને કહેતા હોય આને આવી નંગ જેવી કેમ બનાવી? અને બનાવી તો બનાવી મારા જ પલ્લે કેમ પાડી? બસ, પછી દર્દીઓ સાથે વ્યસ્ત થઈ જશે...પણ, જેવા અમે બંને ઘરે જઈને આમને સામને આવીશું એવું તરત જ એમને મારી આ પોસ્ટ યાદ આવી જશે અને કહેશે, “આ શું હતું?"

હું કાઈ જવાબ નહિ આપું. બસ હસ્યા કરીશ. પછી એ એમનો કેસ લડવા મારી દીકરીને બોલાવશે અને એને બધું વિગતે કહેશે... પછી બાપ દીકરી બંને મુજ અબળાને ટોપલો ભરીને સલાહ આપશે. હું હજી કાઈ નહિ બોલું.

આગળનું કલ્પના કરવાનું રહેવા દો...પછી બધું શાંત થઈ જશે, બધી વાતે કંઈ લડાઈ ના હોય! 😂😂😂


નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ