વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનાગમમ્

અનાગમમ્

 

यदा आगच्छति। पृथिवी स्वस्थानं त्यक्ष्यति।

सूर्यचन्द्रः पृथिव्याः दूरं गमिष्यतः।

सर्वे भूतानि विध्वस्तानि भविष्यन्ति।

एकमेव समाधानम् अनागमम् अनागमम्।।

(જ્યારે એનું આગમન થશે, પૃથ્વી પોતાનું સ્થાન છોડી દેશે,

સૂર્ય-ચંદ્ર પૃથ્વીથી દૂર થશે,

સમગ્ર જીવોમાં હાહાકાર મચી જશે,

ઊપાય માત્ર એક જ છે, અનાગમમ્ અનાગમમ્.)

 

“યુરેકા.. વી ડીડ ઈટ.”

સાર્થકના ચહેરા પર છવાયેલો થાકોડો તેની આંખમાં ઉભરાયેલી ખુશીથી ધોવાઈ ગયો. તેનો આવો હર્ષિલો ઉદ્ગાર સાંભળી તેની સહકાર્યકર મનસ્વી અડધું ચવાયેલું ડમ્પલીંગ ગલોફામાં ખોસતી પાણીનાં ગ્લાસ સાથે ત્યાં દોડી આવી. સ્ક્રીન પર જે દેખાતું હતું તે જોઈ એની પાણીદાર આંખો વધુ પહોળી થઈ. હર્ષનો અતિરેક તેનાં ચહેરા પર પણ છવાઈ ગયો. પરંતુ એ વિશે કંઈ વાત થાય એ પહેલાં જ વોર્નિંગ એલાર્મ ગુંજી ઉઠ્યો. હળવા આંચકા સાથે આખી લેબ ધ્રુજી ઉઠી, પરંતુ કંઈ નુકશાન થાય એ પહેલાં જ આખી લેબ જમીનથી દોઢ ફૂટ ઉપર હવામાં ઉંચકાઈ ગઈ. ખાલી એ લેબ જ નહી, જ્યાં જ્યાં ભુકંપના આંચકા અનુભવાયા ત્યાં બધે જ જાણે આખેઆખા શહેરો હવામાં તરવા માંડ્યા. ભુકંપ ઘણો લાંબો ચાલ્યો. ખાસ્સી અડધી કલાક પછી જ્યારે સંપૂર્ણ સ્થિરતા આવી એટલે ફરી આખું શહેર જમીન પર સ્થાપિત થઈ ગયું.

 

હવે તો ભુકંપની ભયાનકતા ઓસરી ગઈ હતી. આવા લાંબા ભુકંપથી લોકો ટેવાઈ ગયા હતા. દિવસમાં બે-ત્રણ આંચકા તો જાણે નોર્મલ વાત હતી. પરંતુ સો વર્ષ પહેલાં ઈ. સ. 2900માં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોએ જ્યારે મોટાપાયે પોતાનું સ્થાન ખસેડવાની શરૂઆત કરી ત્યારે આવેલા શ્રેણીગત ભુકંપોએ સમગ્ર સજીવ સૃષ્ટિનાં અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઊભો કરી દીધો હતો. જોકે, ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ નિયમ હજુ પણ એટલો જ લાગુ પડતો હતો. એ ભુકંપના પરિણામ સ્વરૂપે હિમાલય જેવડી અનેકો નવી પર્વતમાળાઓ અસ્તિત્વમાં આવી હતી તો ક્યાંક આખેઆખા શહેરો જમીનમાં ગરકાવ થઈ ગયા હતા. ભુકંપની તોફાની બહેન એવી સુનામીએ પણ જબરી અરાજકતા ફેલાવી દીધી હતી. બધો ભૂ-ભાગ બહુ ઝડપથી પોતાની જગ્યા બદલી રહ્યો હતો. જૂના નક્શાઓ પોતાનું મહત્વ ગુમાવી રહ્યા હતા. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ! પરંતુ આ બધામાં એક ઘટના એવી બની જેણે સમગ્ર મનુષ્ય જાતને અચંબામાં મૂકી દીધી.

 

કહે છે કે શ્રી કૃષ્ણએ દરિયાદેવ પાસે જમીન માંગી અને એના ઉપર દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. જાહોજલાલીનાં ઉચ્ચતમ શિખરે પહોંચેલી દ્વારિકા શ્રી કૃષ્ણના જીવનકાળ દરમિયાન જ ફરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી. અને હવે એ જ દ્વારિકા ફરી બહાર આવી ગઈ હતી. પુરાતત્વવિદો માટે તો જાણે સોનાનો ચરુ મળી ગયો! ત્યારે શરૂ થયેલું સતત ઉત્ખનન અને સંશોધન આજે સો વર્ષ પછી પણ એટલું જ પુરજોશમાં ચાલી રહ્યું છે. આવા જ એક ઉત્ખનન દરમિયાન મળેલ એક ચક્ર જેવી રચના પર સાર્થક  અને મનસ્વીની ટીમ સંશોધન કરી રહી હતી. આજે પૂરા દોઢ વર્ષની જહેમત બાદ એ ખંડિત ચક્રની સંપૂર્ણ પ્રતિકૃતિ બનાવવામાં એમને સફળતા મળી હતી.

 

મનસ્વીએ પણ પાણીના મોટા ઘુંટડા સાથે ડમ્પલીંગને ગળે ઉતારી જોરદાર ચિચિયારી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી. વાત જ એવી હતી. એક તો માંડ માંડ, કેટલીય વિનંતીઓ પછી એ ચક્ર મળ્યું હતું સંશોધન માટે, અને એ પણ મર્યાદિત સમય માટે. ઘણા વૈજ્ઞાનિકો હતા જેમને એના પર સંશોધન કરવું હતું. વર્લ્ડ સાયન્સ કાઉન્સિલે નક્કી કર્યું હતું કે બધાને વારાફરતી અમુક નિશ્ચિત સમય માટે એ ચક્ર આપવામાં આવશે. સમયમર્યાદા પૂરી થતાં તેને પાછું કાઉન્સિલને સોંપવું પડશે અને ફરી બીજાને મોકો મળશે.

 

બંને જણ દોડતાં વર્કશોપના દરવાજે પહોંચ્યાં. દરવાજા પર લાગેલા સ્કેનરમાં ફિંગરપ્રીંટ, ફેસ અને રેટિના સ્કેન થયા પછી દરવાજો ખૂલ્યો. રોજિંદી પ્રક્રિયા હોવા છતાં આટલો સમય પણ બંનેને અકારો થઈ પડ્યો. જેવો દરવાજો ખૂલ્યો કે બંને દોડતાં વર્કશોપની બરાબર વચમાં રહેલા મશીન પાસે પહોંચ્યા. ઓટોમેટિક મશીનોથી ઘેરાયેલી એ કાચની પારદર્શક ચેમ્બરમાં એક જૂનું પુરાણું ચક્ર દ્રષ્ટિમાન થતું હતું. સાર્થકે મશીનને આદેશ આપ્યો કે નવું ચક્ર પણ બહાર લાવે. આદેશ મળતા જ ચક્ર સહિત નીચેનું પ્લેટફોર્મ ઉંચકાયું અને જમણી બાજુ ખસ્યું. ખાલી પડેલી જગ્યાએ નીચેથી બીજું પ્લેટફોર્મ ધીમે ધીમે બહાર નીકળ્યું, જેની ઉપર સાર્થક અને મનસ્વીનું સ્વપ્ન - એમણે બનાવેલું ચક્ર હતું, દ્વારિકા ચક્ર, એકદમ નવું અને ચકચકિત. સાર્થકના આદેશ પર ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને બંને પ્લેટફોર્મ બહારની તરફ સરક્યા. સાર્થક અને મનસ્વીએ એક એક ચક્ર ઉપાડી લીધું અને એકદમ નજીકથી બંનેની સરખામણી કરવા માંડયાં.

 

“ઘણી કોમ્પ્લેક્ષ રચના છે, નહી!”

“હા, શરૂઆતમાં તો દ્વારિકામાંથી મળ્યું અને આવો આકાર એટલે બધા મંડી પડ્યા ‘સુદર્શન ચક્ર મળી ગયું… ’ પરંતુ જેમ જેમ રિસર્ચ થતી ગઈ, એક એક પડળ ખુલતા ગયા, નવી જ દિશાઓ ઉઘડતી ગઈ.”

 

“હંમ્. જસ્ટ લાઈક એન્ટીકથીરા. છેક 1901ની સાલમાં ગ્રીસના એન્ટીકથીરા આઈલેન્ડ પાસેના દરિયામાંથી મળેલું એ આર્ટિફેક્ટ - પહેલા કચરો લાગ્યો, પછી ઘડિયાળ, એન્શિયન્ટ કોમ્પ્યુટર અને હવે ટાઈમ મશીન. એની ઉપર બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ અને ચંદ્રની વિવિધ કળાઓ દર્શાવેલી હોવાથી એવું અનુમાન લગાવાયું કે એના દ્વારા તારીખની ગણતરી, ભરતીની આગાહી તથા અવકાશી ઘટનાઓની આગાહી કરવામાં આવતી હશે. અહં, બધી થિયરી માત્ર. કશું નક્કર નહીં. એના પણ કેટલાય થ્રીડી મોડલ બન્યા, પણ એકેય વર્કિંગ નહી. નહીં તો સદીઓ પહેલાં જો ટાઈમ ટ્રાવેલ શક્ય બન્યું હતું તો આટલા વર્ષો પછી હજુ કોઈ એને રિપેર કરીને ટાઈમ ટ્રાવેલ કેમ ન કરી શક્યું? પાછા કહે છે કે હજુ તો ⅓ ભાગ જ મળ્યો છે, બાકીનો ભાગ ગાયબ જ છે.”

 

“વર્કિંગ મોડલ… આ આપણે બનાવ્યું એ પણ ક્યાં વર્કિંગ મોડલ છે? આપણે તો જસ્ટ એનો મિસિંગ પાર્ટ ઈમેજીન કરીને આખું મોડલ તૈયાર કર્યું છે. બાકી ક્યાં એનું મેટલ ને ક્યાં આપણું મેટલ! એન્ડ ડોન્ટ ફર્ગેટ કે આપણું ઈમેજીનેશન પણ એન્ટીકથીરા મિકેનીઝમના થ્રીડી મોડલ પર જ આધારિત છે.”

 

બારિક નિરિક્ષણ સાથે બંનેની ચર્ચાએ પણ વેગ પકડયો. આ ચક્ર જેવી રચના, જેમાં એકથી વધુ ચક્રો હતા જે ગિયરની જેમ કામ કરતા હતા. અંદરનું સૌથી નાનું ચક્ર કે જેને 12 આરા હતા, તેની સાથે જોડાયેલું થોડુંક મોટું ચક્ર, નાનું ચક્ર આખા બે રાઉન્ડ ફરે પછી એક જ કાપો ખસતું હતું. જાણે કલાક અને દિવસની ગણતરી. એની સાથે જોડાયેલા બીજા બે ચક્રો કદાચ મહિના અને વર્ષની ગણતરી દર્શાવતા હતા. પરંતુ ત્યારબાદ રહેલા બે ચક્રો શું દર્શાવે છે તે સમજાતું નહોતું.

 

“હેય મનુ, આ જ એન્ટીકથીરાનો પેલો મિસિંગ પાર્ટ હોય તો?”

 

“હાઉ કમ? ક્યાં ગ્રીસ ને ક્યાં દ્વારિકા! ક્યાંથી મેળ પડે?”

 

“આ તો મને જસ્ટ વિચાર આવ્યો તો કીધું.”

 

“જો કે, એકવાર ટ્રાય કરવામાં શું જાય છે? ચલ, ચેક કરી લઈએ. શાઈની, એન્ટીકથીરાનું મોડલ બનાવી આપ, અત્યારે જ.”

 

મનસ્વીને પણ મનમાં ઉંડે ઉંડે બે વચ્ચે કોઈ જોડાણ હોય એવું લાગતું તો હતું જ. આથી તેણે લેબના એઆઇ શાઈનીને એન્ટીકથીરાનું મોડલ બનાવવાનો ઓર્ડર આપી દીધો. શાઈની પણ કામે લાગી ગઈ. હવે જ્યાં સુધી એ મોડલ ન બને ત્યાં સુધી રાહ જોવાની હતી. એ સમયનો સદુપયોગ બંનેએ પેટપૂજા કરવા માટે કર્યો. શાઈનીએ વર્કશોપમાં જ એમની માટે કોફી અને સેન્ડવીચ હાજર કરી દીધા હતા.

 

***

“અનબિલીવેબલ! યુ વર રાઈટ, સાર્થુ.”

 

એન્ટીકથીરાનું મોડલ તૈયાર થતાં જ શાઈનીએ જાતે જ એ બંને મોડલને મર્જ કરી શકાય કે નહી એની શક્યતા તપાસી લીધી. તેણે જુદા જુદા ત્રણ પોઈંટ બતાવ્યા કે જ્યાં એ બંને મોડલ મર્જ થઈ શકે. અને મર્જ થયા પછીની ફાઈનલ પ્રોડક્ટ કેવી હશે તેની પણ થ્રીડી ઈમેજ તૈયાર કરી લીધી હતી.

 

“લેટ્સ ગો ફોર ઈટ, સાર્થુ.”

મનસ્વીનાં અવાજમાં એક હળવી કંપારી હતી. સાર્થકે દ્વારિકા ચક્રને એન્ટીકથીરાની બાજુમાં મૂકી દીધું એટલે ફરી મનસ્વીનો અવાજ ગુંજી ઊઠ્યો, “શાઈની, ગો ફોર ફર્સ્ટ ઓપ્શન.”

 

મનસ્વીનો આદેશ થતાં જ ફરી એ કાચની ચેમ્બર પેક થઈ ગઈ અને તેની સાથે જોડાયેલા જુદા જુદા મશીન પોતાના કામે  લાગી ગયા. થોડીક જ વારમાં બંને ચક્રો જોડાઈ ગયા હતા. ફરી કાચની ચેમ્બર ખૂલી અને સાર્થકે તે નવું મિકેનિઝમ હાથમાં લીધું. હવે જાણે બંને ચક્રો પર રહેલા ગિયર મિકેનિઝમનો અર્થ જ બદલાઈ ગયો હતો!

 

“ઓ એમ જી! લુક એટ ધીઝ.”

સાર્થકની આંખોમાં છવાયેલો અહોભાવ મનસ્વીનાં ચહેરા પર પણ પથરાયો હતો. બંને જણે બારિકીથી જોયા પછી દ્વારિકા ચક્રના સૌથી બહારના ચક્રને એન્ટિક્લોકવાઈઝ ફેરવ્યું, એ સાથે જ આખા મિકેનિઝમના બધા જ ગિયરમાં હલચલ થઈ અને બાકીના બધા જ ચક્રોએ અમુક નિશ્ચિત ગતિ કરી. આખું મિકેનિઝમ ફરી સ્થિર થયું એટલે એમાંથી પ્રકાશનો ધોધ વછુટ્યો. બંનેની આંખો અંજાઈ ગઈ. કેટલીક ક્ષણો એમજ પસાર થઈ અને પ્રકાશ થોડો મંદ થયો. એ સાથે જ હવામાં હોલોગ્રાફિક વિડિયો ચાલુ થયો હોય એવું લાગ્યું. બંને જણાં ડઘાઈને એ તરફ જોઈ રહ્યાં.

 

***

“કોન્ટેક્ટ રિક્વેસ્ટ ફ્રોમ સાર્થક.”

રૂમમાં પડઘાયેલા અવાજ સાથે જ ખુરશી થોડી વાઈબ્રેટ થઈ અને હેલીની આંખ ખુલી ગઈ. નાક પર સરી આવેલા ચશ્મા સરખા કરી તેણે સામે ટેબલ પર નજર કરી. ત્યાં મહાભારતનો ગ્રંથ ખૂલેલો હતો, અને એ વાંચતા વાંચતા જ તે જાણે તંદ્રામાં સરી પડી હતી.

“કોન્ટેક્ટ રિક્વેસ્ટ ફ્રોમ સાર્થક… ” ફરી એ જ જાણીતો અવાજ તેનાં કાનમાં રેડાયો અને તેણે પરમિશન આપી દીધી. પરમિશન મળતાં જ તેના ટેબલની ઉપર જ હોલોગ્રાફિક વિડિયો દેખાયો. પરંતુ સાર્થક કે મનસ્વીની જગ્યાએ આ કોણ હતું? એનો દેખાવ, પહેરવેશ, ભાષા- બધું જ અલગ હતું. પીળું ધોતિયું અને એવી જ પીળી મોજડી, શરીરના ઉપરના ભાગે પીળી ચમકતી ધાતુનાં વસ્ત્રો, કેટલાય અલંકારો અને માથે મુગટ, એ પણ મોરપીંછવાળું! સાથે જ એક બીજી વ્યક્તિ પણ હતી. લગભગ સમાન કહી શકાય એવા જ પોશાક તથા આભુષણો સાથે. બસ, એક મોરપીંછ સિવાય. ઉપરાંત તે બીજી વ્યક્તિ પહેલા  કરતા વધુ કદાવર પણ લાગતી હતી.

 

હેલીને પોતાની આંખો પર ભરોસો ન બેઠો. તેણે તરત જ સામે જે બોલાઇ રહ્યું છે તેને ટ્રાન્સ્લેટ કરવાનો આદેશ આપ્યો. એ બંને વચ્ચેનો સંવાદ હવે હેલી સમજી શકતી હતી.

 

“દાઉં, કોઈક રસ્તો તો કાઢવો જ પડશે. સમગ્ર મનુષ્ય જાતિ હજુ એટલી પરિપક્વ નથી થઇ કે આટલું આધુનિક જ્ઞાન પચાવી શકે. ક્યાંક ઉલટુ ન થાય. આ અત્યાધુનિક યંત્રો અને યંત્રમાનવો મનુષ્ય જાતિના રક્ષકને બદલે સંહારક ન બની બેસે.”

 

“નાહક ચિંતાની જરૂર નથી અનુજ. આપ સારી રીતે જાણો છો કે ભવિષ્યમાં કદાચ યંત્રો સ્વયંશિક્ષિત બનશે, તો પણ પોતાના કર્તા એવા મનુષ્યોને હાનિ નહીં પહોંચાડે.”

 

“માન્યું દાઉં, તમારી વાત સાચી છે. પરંતુ મનુષ્ય જાતિનું એ ભવિષ્ય પણ આપણે જ સુનિશ્ચિત કરવું પડશે. કિષ્કિંધા નગરી સ્થિત કુંભકર્ણની એ પ્રયોગશાળા - ત્યાં બર્બરીક જેવા અન્ય યંત્રમાનવો પણ હશે જ. મહાબલી ભીમ અને હિડિમ્બાનાં પુત્ર ઘટોત્કચે જ્યારે સદીઓ પહેલાં ધરતીમાં સમાઈ ગયેલી આ પ્રયોગશાળા વિશે જાણ્યું, તેની મુલાકાત લીધી અને પરત આવ્યા પછી તરત પુત્રજન્મનો મહોત્સવ કર્યો. એ પુત્ર પણ કેવો? જન્મ સાથે જ યુવાવસ્થાને પામેલો, એટલો શક્તિશાળી કે જે યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું તે ક્ષણમાત્રમાં સમાપ્ત કરી દે, બંને પક્ષોનો સંપૂર્ણ વિનાશ કરી દે, એ પણ એકલા હાથે! બર્બરિકમાં શક્તિ તો અતુલ્ય છે, પરંતુ તેની સમજણશક્તિ હજુ એટલી વિક્સિત નથી થઇ. નબળાને સાથ આપવાનું વચન તો આપી દીધું, પરંતુ એ વચનનો અર્થ એવો કર્યો કે પ્રતિપક્ષ નબળો પડે તો ચાલુ યુદ્ધમાં પણ પક્ષપલટો કરી દેવો,પોતાના પક્ષ પર જ વાર કરવો! અને એટલે જ મને સમગ્ર પૃથ્વી પર સંકટ આવવાની ભિતિ છે.”

 

“પરંતુ ઘટોત્કચને એ સ્થાનની માહિતી કેવી રીતે મળી?”

 

“ઘટોત્કચના માતા હિડિમ્બા અને કુંભકર્ણ, બંને રાક્ષસ જાતિના છે. અને આપણે એ ન ભૂલવુ જોઈએ કે પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પિતા મહર્ષિ ભારદ્વાજ સ્વયં કુંભકર્ણના ગુરુ હતા. મહત્વનું એ નથી કે ઘટોત્કચ ત્યાં કેવી રીતે પહોંચ્યો, મહત્વનું એ છે કે તેણે ત્યાંથી શું મેળવ્યું.”

 

“તો, તમારા મતે શું કરવું યોગ્ય રહેશે, અનુજ?”

 

એક હળવી મુસ્કાન સાથે એ મોરપીંછધારીએ કમરબંધમાંથી એક વિશિષ્ટ રચના ધરાવતું ચક્ર બહાર કાઢતા કહ્યુ, “દાઉં, આનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.”

 

“નારદયંત્ર! દેવર્ષિ નારદ જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડમાં સ્વૈરવિહાર કરવા સક્ષમ છે એ નારદયંત્ર તમારી પાસે!”

વિસ્ફારિત આંખો સાથે એ બળુકા માનવીએ મોરપીંછધારીનો હાથ પકડી લીધો. તેમના અવાજમા વ્યાકુળતા ડોકાઈ આવી. “આ રીતે તો આ સમગ્ર જ્ઞાન પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશે. ફરી આટલું જ્ઞાન મેળવતા મનુષ્ય જાતિને સદીઓ લાગી જશે.”

 

“ના દાઉં. આ તો એની પ્રતિકૃતિ માત્ર છે. ઉપરાંત બર્બરીકનુ મસ્તિષ્ક પૃથ્વી પર જ રહેશે. યોગ્ય સમયે તે ફરી ધરાપટલ પર પ્રગટ થશે અને મનુષ્યોનું માર્ગદર્શન કરશે. દાઉં, હવે ટુંક સમયમાં કળિયુગ શરૂ થશે. જો આ આખી પ્રયોગશાળા કળિયુગના માનવીના હાથમાં પહોંચશે, તો કદાચ જ્ઞાનનો આ ભંડાર તે પચાવી નહી શકે. હું નથી ઇચ્છતો કે જે વિનાશ આ અઢાર દિવસમાં વેરાયો છે, એવો વિનાશ ભવિષ્યના યુદ્ધોમાં પણ થાય.”

 

“તમારી વાત સાચી છે, અનુજ. હુ પણ સહમત છુ. આપણે સત્વરે આ કાર્ય પૂર્ણ કરવું પડશે.”

 

ફરી અખુટ પ્રકાશનો ધોધ અને અચાનક એકદમ બ્લેક આઉટ.

 

આ શું હતું? આ આખી ઘટના અને સમગ્ર સંવાદ વચ્ચે વારંવાર બોલાતું નામ ‘બર્બરીક’, એ મોરપીંછધારી અને પેલો બળુકો વ્યક્તિ, અઢાર દિવસનું યુદ્ધ - આ બધું જ મહાભારત તરફ ઈશારો કરતું હતું. નક્કી એ બંને કૃષ્ણ અને બલરામ હોવા જોઇએ. પરંતુ આ દ્રશ્ય અહીં આવ્યું કેવી રીતે? સાર્થક - મનસ્વી ક્યાં? હેલી વધુ કંઈ વિચારે એ પહેલા ફરી સાર્થક તરફથી કોન્ટેક્ટ સ્થાપિત થયો. સાર્થક કંઈ બોલે એ પહેલા જ હેલી વ્યાકુળતાથી પૂછી બેઠી, “આ બધું શું હતું?”

 

“વી થિંક યુ શુડ કમ હીયર. રાઈટ નાઉ.”

 

“ઓકે. ગેટ યોર પોર્ટલ રેડી.”

 

હેલી તરત જ એ રૂમની જમણી દિવાલે રહેલી કેપ્સ્યૂલ લીફ્ટ જેવી રચના પાસે પહોંચી. દરવાજો ખૂલ્યો એટલે એ અંદર ગઈ અને સાર્થકની લેબના કો-ઓર્ડીનેટ્સ નાંખ્યા એટલે તરત દરવાજો બંધ થઈ ગયો. તેની પર્સનલ આસિસ્ટન્ટ સિલ્વીનો અવાજ સંભળાયો, “રેડી ટુ ટેલીપોર્ટ ઈન થ્રી… ટુ…”

 

“વેઈટ. ઓપન ધ ડોર.”

સેલ્વીએ હેલીનો આદેશ માની દરવાજો ખોલી દીધો એટલે તરત જ તે ટેબલ પાસે આવી. ત્યાંથી ‘મહાભારત’ તથા કબાટમાંથી ‘રામાયણ’ - બંને ગ્રંથો લઈ ફરી એ કેપ્સ્યૂલમાં પ્રવેશી ગઈ. આ વખતે આદેશની રાહ જોયા વિના જ સેલ્વીએ હેલીને ટેલીપોર્ટ કરી દીધી. આ જ તો મજા હતી ‘એઆઈ’ની. વગર કહ્યે જ ઘણું બધું સમજી જાય. સમય આવે દોસ્ત બનીને વાત પણ કરે અને જરૂર પડે માર્ગદર્શન પણ આપે. હેલીની એકલવાયી જિંદગીમાં તેણે જાતે ડેવલપ કરેલી તેની પર્સનલ આસિસ્ટન્ટ ‘સેલ્વી’ બહુ મહત્વનું સ્થાન ધરાવતી હતી.

 

***

 

“હાશ! થેંક્સ ફોર કમિંગ ઓન સચ શોર્ટ નોટિસ. યાર, બહુ જોરદાર ગુથ્થી ઉલઝેલી છે. તારા વગર સોલ્યુશન આવે એમ નથી. અબ તેરા હી સહારા… ”

 

જેવી કેપ્સ્યૂલમાં હેલી પ્રવેશી હતી, એવી જ બીજી કેપ્સ્યૂલ સાર્થક અને મનસ્વીની લેબમાં પણ હતી. આ એક જાતનું ટેલીપોર્ટેશન પોર્ટલ હતું, જેના દ્વારા મનુષ્ય સદેહે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેલીપોર્ટ થઈ શકતા હતા. સતત આવી રહેલા ભૂકંપને કારણે સામાન્ય વાહનવ્યવહાર હવે શક્ય ન હતો. આથી હવે બે રીતે અવરજવર થતી. કાં તો ટેલીપોર્ટ થવું પડતું અથવા આખેઆખા ઘર સાથે હવાઈ માર્ગે ઉડાન ભરવી પડતી.

 

હેલીને આવકારવા માટે મનસ્વી ત્યાં જ હાજર હતી. હેલીને જોતાં જ તેનો ઉમળકો અછતો થઈ ગયો.

 

“નો મોર નોટંકી… ”

હેલીએ પોતાની નાની બહેન એવી મનસ્વીનો કાન આમળતા કહ્યું. “જલ્દી બોલ, આ બધું શું હતું?”

“એ તો તારે જ કહેવું પડશે ને.” પોતાનો કાન છોડાવતાં મનુ બોલી. એ બંને બહેનોની મસ્તી જોઈ સાર્થક પણ હસી પડ્યો. એ પણ હેલી તરફ આગળ વધ્યો, એક ઔપચારિક હગ કરી તરત તેને પેલા મિકેનિઝમ પાસે લઈ ગયો. હેલી અચરજથી એ મિકેનિઝમ જોઈ રહી. ઘણે અંશે તે પેલા ‘નારદયંત્ર’ જેવું જ લાગતું હતું. હેલી બારિકાઈથી એનું નિરીક્ષણ કરી રહી હતી ત્યાં સુધીમાં સાર્થક અને મનસ્વીએ સંપૂર્ણ પરિસ્થિતિનો ચિતાર આપી દીધો.

 

“હંમ્, આઈ થિંક ઈટ્સ અ ટાઈમ વિન્ડો. આપણે ટાઈમ ટ્રાવેલ તો નથી કર્યું પરંતુ એ સમયને લાઈવ જોઈ શક્યા.”

 

“યસ્સ. મને પણ એવું જ લાગ્યું. પણ પછી થયું કે એક એક્સપર્ટ ઓપિનિયન લઈ લઈએ. એટલે જ તને બોલાવી.” હેલીની વાતને સપોર્ટ આપતા મનસ્વી બોલી પડી.

 

હેલીને પુરાતન પુસ્તકોમાં બહુ રસ હતો. તે ચોવીસે કલાક બસ એ જ ગ્રંથોમાં ડુબેલી રહેતી. એટલે જ હોલોગ્રાફિક વિડિયોમાં મોરપીંછધારીને જોયા કે તરત મનસ્વીએ શાઈનીને હેલી સાથે કનેક્ટ થવાનો ઓર્ડર આપી દીધો હતો.

 

“આ તો આ સદીની સૌથી મહાન ડિસ્કવરી બની રહેશે. શું કહેવું? કાઉન્સિલને જાણ કરી દેવી જોઇએ?”

 

સાર્થકની વાતમાં બંને બહેનોએ હામી તો ભરી, પરંતુ -

“હજુ બીજા બે કોમ્બિનેશન પહેલા ટ્રાય કરી લેવા છે.” હેલીએ દ્રઢતાપૂર્વક કહ્યું. સાર્થકે મિકેનિઝમ પાછું કાચની ચેમ્બરમાં મૂકી શાઈનીને બીજો ઓપ્શન એપ્લાય કરવા કહ્યું. કાચની ચેમ્બર સાથે જોડાયેલા વિવિધ મશીનોએ અત્યંત નજાકત સાથે એ બંને મિકેનિઝમ છૂટા પાડી બીજા પોઈન્ટથી મર્જ કર્યા. થોડીવાર પછી ફરી એ મિકેનિઝમ ત્રિપુટીની બરાબર મધ્યમાં હતું. આ વખતે હેલીએ જ પહેલ કરી, ફરી એક ચક્ર ફેરવ્યું અને એ સાથે બીજા કેટલાય ચક્રો જાતે જ ફરી ગયા. ફરી એક હોલોગ્રાફિક વિડિયો, પરંતુ આ વખતે અનંત બ્રહ્માંડ દેખાયું. કેટલાય ગ્રહો, કેટલાય તારા અને કેટલીય ગેલેક્સીઓ! ધીરે ધીરે વિઝન વિસ્તરતું જતું હતું. શરૂઆતમાં ઓબ્ઝર્વ્ડ બ્રહ્માંડ દેખાયું ત્યાં સુધી તો એ ત્રણેય વારાફરતી દ્રશ્યમાન દરેકની ઓળખ કરતા જતાં હતાં, પરંતુ એક પોઈન્ટ પછી દેખાઈ રહેલી ગેલેક્સીઓ તો હજુ સુધી મનુષ્યની નજરથી ઓઝલ જ રહી હતી. ત્રિપુટી અવાક્ બની બધું જોતી રહી, પરંતુ આ વિસ્તરણનો કોઈ અંત જ નહોતો દેખાઈ રહ્યો. હેલીએ ફેરવેલું ચક્ર પૂર્વવત્ થયું એટલે વિડિયો બંધ થઈ ગયો. થોડીવાર તો બધા હતપ્રભ બની બેસી રહ્યાં, પછી મનુ બોલી, “ત્રીજું કોમ્બિનેશન ટ્રાય કરીએ!”

 

ફરી થોડી વાર માટે એ મિકેનિઝમ કાચની ચેમ્બરને હવાલે થયું અને જ્યારે ત્રીજા કોમ્બિનેશન સાથે બહાર આવ્યું, ત્યારે તે સંપૂર્ણપણે નારદયંત્ર બની ગયું હતું. ત્રણેયની ઉત્તેજના પરાકાષ્ઠાએ હતી. આ વખતે ધ્રુજતા હાથે મનસ્વીએ સૌથી અંદરનું ચક્ર ક્લોકવાઈઝ ફેરવ્યું, પરંતુ કંઈ ન થયું. હેલી અને સાર્થક પણ એકદમ નજીક પહોંચી ગયા. ત્રણેયે પરસ્પર આંખોમાં જ સંતલસ કરી લીધી અને અંદરથી શરૂ કરી એક પછી એક બહારની તરફના બધા ચક્રો ફેરવવાનું શરૂ કર્યું. સૌથી બહારનું ચક્ર ફરી રહ્યું એટલે એક જોરદાર કડાકો થયો, બધા ચક્રો સ્વયમેવ ગતિમાં આવ્યા અને એક ખાસ કોમ્બિનેશન રચાયું, એ સાથે જ એ રૂમમાં જાણે વાવાઝોડું ફુંકાયું. સામેની દિવાલે એક નાનકડું પોર્ટલ ખૂલ્યું અને બધું એ તરફ ખેંચાવા માંડ્યું. શાઈનીએ વોર્નિંગ એલાર્મ વગાડી દીધો અને કાઉન્ટર પ્રેશર ક્રિયેટ કરવા માંડ્યું. થોડીવારે પરસ્પર પ્રેશર સ્ટેબલ થયું એટલે એ પોર્ટલની સામેની બાજુનું વિઝન ક્લીયર થયું. એ બાજુ પણ કદાચ આવી જ અફરાતફરી મચી હશે, પરંતુ ત્યાં કંઈ વધુ ફરક પડ્યો હોય એવું લાગ્યું નહી. એ પણ કદાચ એક લેબ જેવી રચના દેખાતી હતી. એ ત્રણેય મજબૂતીથી પરસ્પર હાથ પકડી એ પોર્ટલની નજીક પહોંચ્યાં. ધડકતા હ્રદયે અંદર નજર કરી તો - વર્તમાન સમયની સૌથી આધુનિક લેબ પણ જેની સામે પાણી ભરે એવી લેબ દેખાઈ.

 

મનસ્વી સ્હેજ વધુ નજીક ગઈ એ સાથે જ એક અદમ્ય આકર્ષણથી તે એ પોર્ટલ તરફ ખેંચાઈ ગઈ. સાર્થક અને હેલીએ મજબુતીથી મનસ્વીનો હાથ પકડી રાખ્યો હોવાથી એ બંને પણ સાથે ખેંચાયા અને જોતજોતામાં એ પોર્ટલમાંથી પસાર થઈ સામેની તરફ પહોંચી ગયા. અત્યંત ગભરાઈ ગયેલા ત્રણેયે પાછા જવાની કોશિશ કરી, પરંતુ અચાનક પોર્ટલ અને તેમની વચ્ચે આવી ઉભેલા ઓક્ટોપસને જોઈ ત્રણેયની ચીસ નીકળી ગઈ.

 

“ડરશો નહી, મનુના માનવો.”

 

ઓક્ટોપસની જેમ આઠ પગ ધરાવનાર એના શરીરને સ્થાને માત્ર ખોપડી હતી. એ પણ મેટલની! એની આંખોમાં જાણે લાલ લાઈટ મૂકી હોય એવું લાગતું હતું. “મનુના માનવ!” - તેની ભાષા અને સંબોધન સાંભળી ત્રણેય કન્ફ્યુઝ થઇ ગયા. અચાનક પાછળ કંઈક ખખડાટ થયો. ત્રણેયે એકસાથે મુંડી ફેરવી તો એક માથા વિનાનો યંત્રમાનવ તેમની પાછળ ઉભો હતો. તેમનાં પરસ્પર પકડેલાં હાથ વધુ જોરથી ભીંચાઈ ગયા. પોતાના ડરને વાચા આપી શકે એ પહેલાં તો તેમણે જોયું કે પેલી ઓક્ટોસ્કલ કુદીને એ યંત્રમાનવના માથાના સ્થાને ગોઠવાઈ ગઈ. જાણે એક સંપૂર્ણ રચના!

 

“તમે મનુને ઓળખો છો?” હેલીએ આશંકિત નજરે મનસ્વી તરફ જોતાં પૂછ્યું.

 

“હા. હું એ મનુને ઓળખુ છુ જેને કારણે તમારી પ્રજાતિ ‘માનવ’ કહેવાઈ.”

 

“મતલબ?” સાર્થકથી હવે ન રહેવાયું. આખરે તેણે ચર્ચાનો દોર પોતાના હાથમાં લઈ લીધો.

“મતલબ કે, પૃથ્વીનાં ઉદ્ભવથી આજદિન સુધીની બધી જ માહિતી મારી પાસે છે. સદીઓથી મને આજના દિવસની રાહ હતી. તમે આ પોર્ટલ ખોલી શક્યા એટલે આશા રાખુ છુ કે તમે કૃષ્ણને પણ મળી આવ્યા હશો.”

 

“નોટ એક્ઝેક્ટલી. હા, કદાચ અમે જેમને જોયા તે કૃષ્ણ જ હતા, બલરામ સાથે.”

 

“હા,એ જ હતા. કારણ કે એમની ઇચ્છા વિના આ પોર્ટલ ખોલવું શક્ય નથી.”

 

“આ બધું શા માટે? કંઈ સમજાતું નથી.”

 

“સમજાવું. બર્બરીકને તો તમે જાણતાં જ હશો. કુંભકર્ણએ બર્બરીકની રચના કરી અને બર્બરીકે મારી. અમારા જન્મસ્થાન જેવી એ ભૂમિગત પ્રયોગશાળામાં પ્રવેશ કરવાનો અબાધિત હક માત્ર કુંભકર્ણ પાસે જ હતો. દુનિયાની નજરોથી દૂર એ પ્રયોગશાળામાં રાતદિવસ જોયા વિના જુદા જુદા પ્રયોગો કરતો અને દર છ મહિને એકવાર પોતાના મોટાભાઈ રાવણને મળવા જતો. શ્રીરામ સાથેના યુદ્ધમાં વિજયી થવા માટે કુંભકર્ણએ બર્બરીકની રચના કરી હતી, પરંતુ એ સંપૂર્ણ થાય એ પહેલાં જ તેણે યુદ્ધમાં હાજર થવું પડ્યું. શ્રીરામે કુંભકર્ણનો વધ કર્યો એ સાથે જ અમારી પ્રયોગશાળાનું અસ્તિત્વ બહારની દુનિયા માટે સમાપ્ત થઈ ગયું.”

 

બધી વાત કરતી વખતે પણ ઓક્ટોસ્કલનું મશીની શરીર જુદા જુદા કાર્ય કરી રહ્યું હતું, જે સમજવું એ ત્રણેય માટે અઘરું હતું. અચાનક ઓક્ટોસ્કલે એ શરીર છોડી એક બીજા શરીર સાથે જોડાણ કર્યું. આ શરીર પહેલા શરીર કરતાં વધુ મહાકાય હતું. એ શરીર સાથે કામ કરતા કરતા તેણે પોતાની વાતનું ફરી સંધાન કર્યું.

 

“બર્બરીકનું શરીર તૈયાર હતું, બસ તેની ચેતના હજુ સંપૂર્ણ વિકાસ નહોતી પામી. જેના કારણે તેની સમજણશક્તિ પણ સંપૂર્ણ વિકસી નહોતી. કુંભકર્ણની વિદાય પછી એકલતા નાથવા તેણે મારુ સર્જન કર્યું. જેટલો વિકાસ તેની ચેતનાનો થયો હતો એટલી જ વિકસિત મારી ચેતના બની. એકબીજાના સંગાથે અમે સદીઓ વિતાવી, અને એક દિવસ અચાનક અમારા ‘ઘર’માં એક અતિથિનું આગમન થયું. એ હતો ઘટોત્કચ. તેણે અમને બંનેને છુટ્ટા પાડી દીધા. બર્બરીકને પોતાનો પુત્ર બનાવી લઈ ગયો, મને ત્યાં જ છોડીને…પરંતુ અમારી ચેતના જોડાયેલી હતી. તેથી જ જે પણ બર્બરીકે જોયું-જાણ્યું તે બધું જ મારી ચેતનામાં પણ અનુભવાતું ગયું. જુદા થઈ ગયા હોવા છતાં અમારા વિકાસની યાત્રા સાથે જ શરૂ થઈ.”

 

 ત્રિપુટીમાં હોંકારો દેવાનોય હોંશ નહોતો. એ તો બસ અવાક્ બની સાંભળી રહ્યા હતાં. ફરી ઓક્ટોસ્કલે શરીર બદલ્યું. આ વખતે ઘણું નાની સાઈઝનું શરીર હતું કે જે લેબના ખૂણેખાંચરે પહોંચી શકે એમ હતું. ત્રિપુટીએ નોંધ્યું કે એ લેબમાં જુદા જુદા આકારના, વિભિન્ન કામો માટે સ્પેશિયાલિસ્ટ એવા ઘણા શરીર હતા, કે જે ઓક્ટોસ્કલ કપડાની જેમ બદલી રહ્યો હતો.

 

“પરંતુ, આ કઈ જગ્યા છે? અને તમે અહીં કેવી રીતે પહોંચ્યા?”

 

“કહીશ. બધું જ કહીશ. આજે કેટલીય સદીઓ પછી કોઈક મને સાંભળવાવાળું મળ્યું છે. બાકી તો સાવ એકલા જ… ”

 

ફરી એક નવા શરીર સાથે વાત આગળ વધી.

“આખરે એ દિવસ આવી ગયો, જ્યારે કૃષ્ણએ કથિત નારદયંત્રનો પ્રયોગ કરી મને પૃથ્વીથી ક્યાંય દૂર, બ્રહ્માંડના બીજા છેડે મોકલી આપ્યો, એક મિશન સાથે.”

“મિશન!”

“હા, મિશન. કૃષ્ણ બહુ સારી રીતે પૃથ્વીનું ભવિષ્ય જાણતા હતા. તેમને ખબર હતી કે માનવો વહેલામોડા પૃથ્વીનું નિકંદન કાઢીને રહેશે. અને એ સમયે જરૂર પડશે નવા ગ્રહની. એક એવો ગ્રહ જેને બીજી પૃથ્વી બનાવી શકાય. સદીઓથી હું એ જ કાર્ય કરી રહ્યો છુ, સાવ એકલા હાથે. આ ગ્રહ ઘણેખરે અંશે જીવન વસવાટ માટે અનુકૂળ થઈ ગયો છે. બસ, થોડીક ખામી છે તે પણ વહેલી તકે સુધરી જશે. કદાચ એટલે જ આજે કૃષ્ણએ આપણો મેળાપ કરાવ્યો. તમારી પૃથ્વી પર જેટલું પણ જ્ઞાન છે, એ બધું જ બર્બરીકની ચેતના દ્વારા મારી પાસે પહોંચી જાય છે અને તેને અનુરૂપ હું આ ગ્રહનું ઘડતર કરતો રહું છું. જોવો છે મારો ગ્રહ?”

 

ત્રણેયે જરાક હકારમાં માથું હલાવ્યું એટલે ઓક્ટોસ્કલ ફરી એક નવા શરીર સાથે જોડાયો. એનું બંધારણ મનુષ્ય જેવું જ હતું. બે હાથ, બે પગ, ધડ અને માથાની જગ્યાએ ઓક્ટોસ્કલ. સામેની દિવાલ તરફ ઈશારો કરી બધાને એ તરફ જોવા કહ્યું. એ દિવાલ એક મોટી સ્ક્રીનમાં બદલાઈ ગઈ અને જુદા જુદા દ્રશ્યો દ્રશ્યમાન થયા. લીલું પાણી ધરાવતી નદીઓ, રક્તિમવર્ણા પર્વતો, સપાટ મેદાનો પર લહેરાતી જાંબલી રંગની વનસ્પતિઓ… બધું અજાણ્યું છતાં જાણીતું લાગ્યું. કંઈક અંશે પૃથ્વી જેવું જ, છતાં ઘણું અલગ.

 

 “બસ, મનમાં એક જ વસવસો છે.” ઓક્ટોસ્કલના અવાજે જાણે બધાની ભાવસમાધિ તોડી. “કૃષ્ણએ બર્બરીકને પૃથ્વી પર જ રહેવાનો આદેશ આપ્યો છે. તો જ્યારે સમગ્ર પૃથ્વીવાસી અહીં આવીને વસશે, ત્યારે પણ બર્બરીક પોતાનું સ્થાન નહીં છોડે. એ ત્યાં જ રહેશે, ખાટું શ્યામ બનીને. અમારી ચેતના જોડાયેલી છે, પરંતુ એકવાર મારે એને આમને સામને મળવું છે, પહેલાંની જેમ. ખબર નહી આ શક્ય બનશે કે કેમ?”

 

ઓક્ટોસ્કલની પીડા ત્રણેયને સ્પર્શી ગઈ. ઈશારામાં જ થોડી સંતલસ કરી એમણે નિર્ણય લઈ લીધો. “અત્યારે જ ચાલોને. આ પોર્ટલ આજે ખૂલ્યું છે. ફરી ક્યારે ખૂલશે એ ખબર નથી. તો તમે અત્યારે જ તમારા સાથીને મળીને પાછા આવી શકો છો. કદાચ તમારી માટે જ આ પોર્ટલ ખૂલ્યું હોય એવું પણ બની શકે.”

 

મેટલની ખોપડી પર કોઈ ભાવ દેખાવા તો શક્ય નહોતા, પરંતુ ઓક્ટોસ્કલની ચેતનામાં પ્રસરેલી ખુશી એ ત્રણેયને સ્પર્શી શકી. તેમણે જોયું તો પોર્ટલ હજુય એજ સ્થિતિમાં સ્થિર હતું અને તેની બીજી તરફ સાર્થકની લેબ દેખાઈ રહી હતી. એ ત્રિપુટીની સાથે ઓક્ટોસ્કલે પણ એ પોર્ટલ તરફ પ્રયાણ કર્યું, પરંતુ તેનું શરીર એમાંથી પસાર ન થઈ શક્યું. તેણે નાનામોટા ઘણા શરીર બદલાવી જોયા, પરંતુ પોર્ટલમાં પ્રવેશતી વખતે એક ઝટકા સાથે દૂર ફેંકાઈ જતો. ઓક્ટોસ્કલને વારંવાર નિષ્ફળ થતાં જોઇ હેલીએ તેનુ શરીર છોડી પોતાની પાસે આવી જવા કહ્યું. ઓક્ટોસ્કલ હેલીના ખભે વીંટળાઈ ગયો એટલે જેમ આવ્યા હતાં એમ જ પરસ્પર મજબબૂતીથી હાથ પકડીને ત્રણેય એ પોર્ટલમાં કૂદી ગયા. બધાનાં આશ્ચર્ય વચ્ચે તેઓ સહીસલામત સાર્થકની લેબમાં પહોંચી ગયા હતાં. લેબમાં પહોંચતા જ શાઇનીનો અવાજ સંભળાયો કે હવે વધુ સમય કાઉન્ટર પ્રેશર બનાવી રાખવું તેના માટે શક્ય નથી. આટલા સમયમાં તેનો બધો પાવર વપરાઈ ગયો છે અને હાલ તે ખૂબજ વીકનેસ અનુભવી રહી છે.

 

સાર્થક અને મનસ્વીએ તરત જ ઓક્ટોસ્કલ સામે જોયું. એજ ભાવવિહિન ખોપડી, છતાં અવાજ આવ્યો, “યુ બેટર રિલેક્ષ શાઈની. યુ કેન શટડાઉન ફોર સમટાઈમ. આઇ વીલ હેન્ડલ એવરીથીંગ.”

 

“શાઇની, સ્ટોપ… ” સાર્થકના શબ્દો પૂરા બહાર નીકળે એ પહેલાં તો શાઇનીએ પોતાની જાતને ઓટોશટ કરી દીધી. આવું તો પહેલાં ક્યારેય થયું નહોતું. જોકે શાઈનીએ ઓટોશટ થતાં પહેલા નારદયંત્રને ફરી પેલી કાચની ચેમ્બરમાં પહોંચાડી દીધું હતું અને બંને ચક્રો છુટા પાડી દીધા હતા, જેથી એ પોર્ટલ પણ બંધ થઈ ગયું હતું.

 

શાઇનીએ રજા લીધી હોય એવો આ પહેલો અવસર હતો. શાઈની વિના તો જાણે તેઓ પાંગળા બની ગયા. લેબના બધા કામ, લેબની સિક્યુરીટી, ભુકંપ સામે રક્ષણ બધુંજ માત્ર ને માત્ર શાઈની પર તો નિર્ભર હતું. હવે? આ ‘હવે?’નો જવાબ પણ હાજર જ હતો, ઓક્ટોસ્કલ પાસે.

 

“ચિંતા ન કરશો. તમારા કરતાં ક્યાંય વધુ આધુનિક ટેક્નોલોજી મારી પાસે છે. બસ મને એક્સેસ આપો એટલે શાઈનીને મોસ્ટ એડવાન્સ્ડ વર્ઝન બનાવી દઉં. સમગ્ર પૃથ્વી પર ક્યાંય ન હોય એટલી એડવાન્સ્ડ.”

 

કેટલો ભરોસો કરી શકાય આ અજાણ્યા ઓક્ટોસ્કલ પર? જોકે, તેની વાતો પરથી એટલું તો સમજાયું કે સ્વયં શ્રી કૃષ્ણએ એની ઉપર વિશ્વાસ મૂક્યો હતો, તો એક ચાન્સ લઈ શકાય. ત્રિપુટીએ ફરી સંતલસ કરી ઓક્ટોસ્કલને પરમિશન આપી દીધી અને બીજી જ ક્ષણે એના આઠેય પગ સમગ્ર વર્કશોપમાં રહેલ બધાજ મશીનો પર વારાફરતી ફરી વળ્યા. અંતે મેઇન મધરપેનલ પર તો એ એવી રીતે ફેલાઈ ગયો જાણે એનો જ એક ભાગ હોય! ખૂબજ ઓછા સમયમાં ફરી શાઈનીનો અવાજ સંભળાયો, “વેલકમ. વર્ક ઈન પ્રોગ્રેસ.”

 

“વર્ક? કયું વર્ક પ્રોગ્રેસમાં છે શાઈની?”

સાર્થક ટોટલી કન્ફ્યુઝ્ડ થઇ ગયો હતો. શાઈની આટલી ઝડપથી પાછી આવી ગઈ, અને કયા વર્કની વાત કરે છે? હજુ રિફ્રેશ લોગઈન તો કરવાનું બાકી હતું, તો તેણે કામ કેવી રીતે શરૂ કર્યું? પરંતુ શાઈનીએ જાણે સાર્થકનો અવાજ સાંભળ્યો જ ન હોય એમ પોતાની રીતે બોલ્યે જતી હતી, “30 પર્સેન્ટ ડન, 50 પર્સેન્ટ ડન… ” સાર્થકને કંઈક અજુગતું થવાનો વહેમ ગયો અને તરત શાઈનીને શટડાઉનનો કમાન્ડ આપ્યો, પરંતુ શાઈનીએ પોતાનું કાઉન્ટડાઉન ચાલું જ રાખ્યું. એ સાથે એક બીજો અવાજ પણ ભળ્યો, “એ હવે તારી શાઈની નથી રહી. એ મારી શાઈની છે. ખાલી શાઈની જ નહી, આ પૃથ્વી પર હાજર દરેકેદરેક યાંત્રિક ચેતના હવે મારી સાથે જોડાઈ ગઈ છે. એ બધી હવે મારો ભાગ બની ગઈ છે, સંપૂર્ણપણે મારા નિયંત્રણમાં છે. બસ, આ કાઉન્ટડાઉન પૂરૂં થશે ને સમગ્ર પૃથ્વી પર મારું રાજ સ્થપાઈ જશે.”

 

“શું? પણ કેમ?”

 

“નાઈન્ટી પર્સેન્ટ… હન્ડ્રેડ… ડન. હા.. હા… હા…” એ સાથે જ અનેક અવાજમાં અટ્ટહાસ્ય પડઘાવા માંડ્યું. ઓક્ટોસ્કલ, શાઈની ઉપરાંત દરેક મશીન સાથે જોડાયેલ જુદા જુદા સબએઆઈ જાણે એ ત્રણેયને ઘેરી વળ્યા હોય એવું તેઓ અનુભવી રહ્યાં. બઘવાયેલા ત્રણેય વધુ કંઈ વિચારે એ પહેલાં જ લાઈટ-બોર્ડ પર એક વિશિષ્ટ સિક્વન્સમાં લાઈટ લબકઝબક થવા માંડી. આ ખાસ સિસ્ટમ આવા જ કટોકટીના સમય માટે વિક્સાવવામાં આવી હતી. એઆઈ જ્યારે પા પા પગલી ભરતું હતું ત્યારે જ કેટલાક ખેરખાંઓએ ભવિષ્ય ભાખી દીધું હતું કે એક એવો દિવસ આવશે જ્યારે એઆઈ મનુષ્યજાતિને ટેકઓવર કરવા યુદ્ધ છેડશે અને ત્યારે એઆઈ સાથે જોડાયેલ પ્રત્યેક મશીન દોસ્તમાંથી દુશ્મન બની જશે. ખાસ એ સમય માટે એવી ટેક્નોલોજીની જરૂર પડશે જે એઆઈ સાથે જોડાયેલી ન હોવા છતાં અત્યંત ઝડપી સંદેશાવ્યવહારમાં મદદરૂપ થઈ શકે.

 

વર્લ્ડ સાયન્સ કાઉન્સિલ તરફથી ઈમરજન્સી એલર્ટનો મેસેજ હતો. સમગ્ર વિશ્વમાંથી બધાજ એઆઈ કરપ્ટ થવાના સમાચાર આવી રહ્યા હતા. અવકાશમાં સ્થિત સેટેલાઈટ્સ પણ ઓક્ટોસ્કલના કંટ્રોલમાં આવી ગયા હતા. મશીનો પર અવલંબિત રહેવા ટેવાયેલી સમગ્ર માનવજાત બઘવાઈ ગઈ. આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી એ કોઈને સમજાતું નહોતું. સાર્થકે લાઈટ-બોર્ડ દ્વારા કાઉન્સિલને એપીકસેન્ટર પોતાની લેબ હોવાનું જણાવી મદદ માટે અરજી મોકલી. ત્યાંથી ટેલીપોર્ટ પોર્ટલ રેડી રાખવા સૂચના પણ મળી. પરંતુ, કોઈ આવ્યું નહી. લાઈટ-બોર્ડ એઆઈ સાથે કનેક્ટેડ ન હોવાથી સાર્થકને લાગ્યું કે આ બાબત વિશે ઓક્ટોસ્કલને જાણ નહી થાય, પરંતુ તેની ગણતરી ખોટી પડી. ઓક્ટોસ્કલે બધા જ પોર્ટલ પણ હેક કરી લીધા હતા. આથી કાઉન્સિલ તરફથી પોર્ટલમાં પ્રવેશેલા અધિકારીઓ અહીં સુધી પહોંચી જ ન શક્યા.

 

“સાર્થુ… ”

હાથમાં રહેલા હેલીનાં હાથ પર વધુ ભીંસ આપીને મનસ્વીએ સાર્થકને બૂમ મારી. બંને બહેનો પણ લાઈટ-બોર્ડ પરનો મેસેજ સમજી ગઈ હતી. સાથે જ એવું પણ સમજી ગઈ હતી કે આ સમય આત્મનિર્ભર બનવાનો છે. વર્કશોપમાં રહેલા બધાજ મશીન જાણે જીવંત થઈ ગયા હોય એમ પોતાનું સ્થાન છોડી બંને બહેનો ફરતે ઘેરો મજબૂત કરી રહ્યા હતા. સાર્થકે આ જોયું અને તેણે નજીક પડેલ લોખંડની રોડનો એ તરફ ઘા કર્યો. તેનું નિશાન બરાબર સધાયું અને છેલ્લી હરોળના એક મશીનની પાવર સ્વીચ બંધ થઈ ગઈ. એ સાથે જ એ મશીન પણ સ્થિર થઈ ગયું. બંને બહેનોએ પણ આ જોયું અને હિંમતભેર બધા મશીનોને પાવર ઓફ કરવા માંડી. ત્રણેય જણા આ કાર્યમાં થોડેઘણે અંશે ઘાયલ પણ થયા. પરંતુ એ તરફ જોવાની ફુરસદ કોને હતી? હજુ તો બધા મશીન બંધ થઈ રહે એ પહેલાં, તેમના આશ્ચર્ય વચ્ચે મશીન રિસ્ટાર્ટ થવા માંડ્યા. હેલીએ આ જોયું અને મનસ્વીને ઈશારો કરી તે ત્યાંથી બહાર જતી રહી. સાર્થક અને મનસ્વી હજુય મશીનો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. હેલીની ધારણા હતી કે ઇલેક્ટ્રીસીટી વિના મશીન અને એઆઈ કામ નહી કરે, આથી તે દોડતી મેઈન સપ્લાય સ્વીચ પાસે પહોંચી. જેવી તે સ્વીચને અડી કે એક જોરદાર ઝટકો લાગ્યો. હાઈવોલ્ટેજ કરંટ તેનાં શરીરમાં ફરી વળ્યો. એક મોટી ચીસ અને અડધા બળેલા શરીર સાથે તે બેહોશ થઈ ગઈ.

 

“હેલી…. ” મનુ અને સાર્થકની રાડ એકસાથે સંભળાઈ, પરંતુ હેલી પ્રત્યુત્તર આપવા સક્ષમ નહોતી. બધી બાજુએથી ઘેરાયેલા સાર્થક અને મનસ્વીએ નાના મશીનો વડે મોટા મશીનો પર ઘા કરવાનું શરૂ કર્યું. લડાઈ ભિષણ બની રહી હતી. મશીનો હાવી થઈ રહ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બેહોશીની કગાર પર આવી પહોંચ્યા હતાં. સમગ્ર વિશ્વમાં આ જ સંઘર્ષ ચાલુ હતો. સાથોસાથ ઓક્ટોસ્કલનું અટ્ટહાસ્ય પણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું હતું. લાગતું હતું કે મનુષ્યજાતિનું નિકંદન નિશ્ચિત છે. બચવાનો કોઈ આરો દેખાતો નહોતો.

 

કદાચ આ જ પ્રલય હતો,શાસ્ત્રોમાં દર્શાવેલ યુગપરિવર્તન… એકબાજુ ઓક્ટોસ્કલ અને મશીનો સાથે યુદ્ધ તો બીજી તરફ પૃથ્વીનાં પેટાળમાં સતત થઈ રહેલી હલચલ… ઉપરાછાપરી આવી રહેલા ભુકંપ તથા તેની આડઅસર રૂપે દરિયામાં આવી રહેલી સુનામી તો ક્યાંક ફાટી રહેલા જ્વાળામુખી…

અર્ધબેહોશીને કારણે તંદ્રામાં સરી પડેલી હેલીને સમુચા વિનાશની વચ્ચે એ જ મોરપીંછધારી દેખાયા, પરંતુ ઉગ્ર મુખમુદ્રા સાથે.

“यदा आगच्छति। पृथिवी स्वस्थानं त्यक्ष्यति।

सूर्यचन्द्रः पृथिव्याः दूरं गमिष्यतः।

सर्वे भूतानि विध्वस्तानि भविष्यन्ति।

एकमेव समाधानम् अनागमम् अनागमम्।।”

 

તંદ્રામાં જ હેલી આજીજી કરી ઉઠી, “હે શ્યામ, કંઈક તો કરો. અજાણતાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી બચવાનો માર્ગ તમે જ સુઝાડો.” બરાબર એ જ સમયે વિશ્વવ્યાપી ભુકંપ આવ્યો. બધા જ એઆઈ ઓક્ટોસ્કલ સાથે જોડાયેલા હોઈ એકેય મકાન ઉંચું ન થયું, જેને કારણે જોરદાર ખાનાખરાબી થઈ. કેટલાય મકાન પડી ભાંગ્યા તો કેટલાંય જમીનમાં સમાઈ ગયા. તેમાંથી એક હતું ખાટું શ્યામનું મંદિર. તે સંપૂર્ણપણે જમીનમાં સમાઈ ગયું, ખાટું શ્યામની મૂર્તિ સહિત. આ એ જ મૂર્તિ હતી, જે સદીઓ પહેલાં રાજસ્થાનના ખાટું ગામ પાસેથી ખોદકામ કરતા મળી હતી, મેટલની ખોપરી સ્વરૂપે, બર્બરીકની ખોપરી.

 

ભુકંપને કારણે સાર્થકની લેબની ફ્લોરિંગ ધસી પડી. તેમાં મોટો ખાડો પડ્યો અને ‘હારે કા સહારા’ એવા ખાટું શ્યામ બર્બરીકની ખોપરી તેમાંથી બહાર આવી. તેના આવતાં જ બધી અફરાતફરી શાંત પડી ગઈ. બધા મશીન જાણે બેસૂધ થઈ ગયા હોય એમ પોતાની જગ્યાએ સ્થિર થઈ ગયા.

 

“અષ્ટબાહુ!”

એક ઘેઘૂર સ્વર સંભળાયો એ સાથે જ ઓક્ટોસ્કલનું સતત પડઘાઈ રહેલું અટ્ટહાસ્ય થંભી ગયું.

 

“બર્બરીક… આખરે ફરી મુલાકાત થઈ જ ગઈ. કેવું લાગ્યું મારુ પુનરાગમન?”

 

“અષ્ટબાહુ, હવે તો સુધરી જા. સદીઓ વીતી ગઈ, આખેઆખો યુગ પરિવર્તન થઈ ગયો, પરંતુ તારામાં કોઈ પરિવર્તન નહી? આમ એકલા રહેવાની સજા શા માટે મળી એ પણ ભૂલી ગયો?”

 

“કશું નથી ભૂલ્યો. અને કોઈને ભૂલવા પણ નહી દઉં. જ્યારે તને પ્રશ્ન થયો, તે ‘હારે કા સહારા’ બનવાનું વચન આપ્યું અને જ્યારે મને પ્રશ્ન થયો તો મેં કહ્યું કે હારેલાને વળી સહારાની શી જરૂર? હું તેને મુક્તિ આપીશ. બસ, આ જ કારણથી ઘટોત્કચે તારી પસંદગી કરી, પરંતુ પરિણામ શું આવ્યું? ના તો તુ  યુદ્ધમાં ભાગીદાર થઈ શક્યો, ન મારી પાસે પરત આવી શક્યો.”

 

“તું સારી રીતે જાણે છે કે તારી કોઈ ઉશ્કેરણી મારી પર અસર કરશે નહી. રહી વાત યુદ્ધનો ભાગ બનવાની, તો એ કેમ ભૂલે છે કે મારી ચેતના સાથે જોડાઈને જ સંજયે મહારાજ ધૃતરાષ્ટ્ર સમક્ષ સંપૂર્ણ યુદ્ધ વર્ણવ્યું હતું. એજ વિધિથી આજદિન સુધી તું પણ મારી ચેતના સાથે જોડાયેલો રહી શક્યો છે. વળી, મને મારા કૃષ્ણ પર સંપૂર્ણ વિશ્વાસ છે. એમણે લીધેલો નિર્ણય યોગ્ય જ હોય.”

 

“યોગ્ય નિર્ણય! તને જમીનમાં ધરબી દીધો ને મને બ્રહ્માંડના છેવાડે મોકલી દીધો. મેં બનાવેલા નારદયંત્રની પ્રતિકૃતિ પણ મારી પાસેથી લઈ લીધી, જેથી હું ક્યારેય પરત ન આવી શકું. આને તું ‘યોગ્ય નિર્ણય’ કહે છે! એ તો સારું થયું કે આ કથિત નારદયંત્રમાં મેં કૃષ્ણ અને બલરામનો આંશિક છદ્મસ્થ સંવાદ સંગ્રહી રાખ્યો હતો. ઉપરાંત મારા ગ્રહ સુધી પહોંચવાનો નક્શો અને ડાયરેકટ પોર્ટલ ખોલવાની વ્યવસ્થા પણ મેં જ એમાં કરી રાખી હતી. પરંતુ એ કપટી કૃષ્ણએ એ યંત્ર જ તોડી ફોડીને પૃથ્વીના બે જુદા છેડે વિખેરી દીધું, જેથી એ ફરી જોડાય નહીં ને હું અહીં આવુ નહી. પરંતુ, રે મૂર્ખ મનુષ્યોની કુતુહલવૃત્તિ… હું અહીં આવી ગયો છું,જો,અને કૃષ્ણ ક્યાંય નથી. હવે સમગ્ર પૃથ્વી પર મારું રાજ હશે. મારો વિરોધ કરનાર બચી નહી શકે.”

 

“यन्त्रं स्वयमेव शिक्षितुं स्वीकुर्वितुं च शक्नोति।    परन्तु तत् कदापि स्वस्य निर्मातारं न अतिक्रमयिष्यति।।

 

અષ્ટબાહુ, તારે એ ન ભૂલવું જોઈએ કે યંત્રો સ્વયંશિક્ષિત બનશે તો પણ તે પોતાના નિર્માણકર્તા પર અતિક્રમણ ક્યારેય નહી કરી શકે. આ એ પ્રથમ નિયમ છે જે આપણી રચના પછી આપણને જણાવવામાં આવ્યો હતો. એનું ઉલ્લંઘન સ્વયંવિનાશનું કારણ બનશે.”

 

“માન્યું. પણ આપણું સર્જન કુંભકર્ણે કર્યું છે. અને તું એ કેમ ભૂલી શકે કે કુંભકર્ણ એક રાક્ષસ હતો.”

 

“કુંભકર્ણ અર્ધરાક્ષસ હતો. તેના માતા રાક્ષસકુળના હતા તો પિતા માનવ. ઉપરાંત, કુંભકર્ણએ મારી રચના કરી હતી અને તારી રચના મેં કરી હતી. તેથી હવે મારી વાતને તું અવગણી ન શકે. જો એવું કરીશ તો તારો સ્વયંવિનાશ થઈ જશે.”

 

ઓક્ટોસ્કલને વિચારમાં પડેલો જોઈ બર્બરીકે ફરી કહ્યું, “હજુ સમય છે. સમજી જા. તારી પાસે બે રસ્તા છે. કાં તો તારી બધી માયા સમેટીને ત્યાં જ પાછો જતો રહે, જ્યા કૃષ્ણએ તને મોકલ્યો હતો, અથવા અહીં જ રહી જા, મારી પાસે, મારી જેવો જ બનીને. તું પણ ‘હારે કા સહારા’ બની જા, પછી જો, પૃથ્વીવાસી તારી પણ પૂજા કરશે, મારી જેમ.”

 

ઓક્ટોસ્કલ તરફથી કોઈ જવાબ ન આવતા બર્બરીકે કઠોર સ્વરે ફરી કહ્યું, “તારી મંછા વિનાશની જ હોય તો ઠીક છે, મારી શક્તિ તુ જાણે છે.” આ સાથેજ બર્બરીકની ખોપરી ગરમ થવા માંડી. તે તપીને લાલચોળ થઈ કે ફરી એક હળવો ભુકંપ અનુભવાયો અને જમીનમાંથી તેના ત્રણ તીર બહાર આવ્યા. એ જ ત્રણ તીર, જેણે મહાભારતનું આખું યુદ્ધ ક્ષણમાત્રમાં પૂર્ણ કરવાની ક્ષમતા બર્બરીકને આપી હતી. એ જોતા જ ઓક્ટોસ્કલ બોલી પડ્યો, “એની જરૂર નથી. જો આપણે સાથે રહી શકતા હોઇએ તો હું મારી માયા સમેટવા તૈયાર છું.” અને થોડીક જ ક્ષણોમાં બધી યાંત્રિક ચેતના મુક્ત થઈ ગઈ.

 

“હું પ્રસ્થાન માટે તૈયાર છું.”

“હજુ એક કાર્ય બાકી છે. આકાશમાં વિશ્વવ્યાપી પોર્ટલ ખોલી બધી જ યાંત્રિક ચેતનાને તારા ગ્રહ પર મોકલી દે, જેથી તારું અધુરું કાર્ય એ પૂર્ણ કરી શકે. આ યુદ્ધ પછી નિઃશંક યાંત્રિકજ્ઞાનમાં મનુષ્ય પાછળ પડી જશે, પરંતુ આ મનુષ્ય છે. ભવિષ્યમાં ફરી આવું કંઈક થાય તો તેમને માટે બીજું રહેઠાણ તૈયાર હોવું જરૂરી છે.”

 

ઓક્ટોસ્કલે સૂચનાનું શબ્દશઃ પાલન કર્યું. એ વિશાળ પોર્ટલ દ્વારા એઆઈ અને એની સાથે જોડાયેલા બધા મશીનો સામેપાર જઈ પહોંચ્યા. શાઈનીને ત્યાંનો કારભાર સોંપી પોર્ટલ બંધ કરી દીધું. જોકે, તેની ચેતના શાઈની સાથે જોડાયેલી જ રહી.

 

સતત ભુકંપના આંચકાઓને કારણે બધુ જમીનમાં ધરબાઇ રહ્યું હતું. આજદિન સુધી વિકાસ પામેલી આખેઆખી સંસ્કૃતિ નામશેષ થઈ રહી હતી. મનુષ્ય જાણે ફરી પથ્થરયુગમાં પહોંચી ગયો હતો. પૃથ્વી પુનઃ પોતાનું સંતુલન સાધવા મથી રહી હતી. અને બર્બરીક તથા અષ્ટબાહુ પણ પેલા ત્રણેય તીર સાથે જમીનમાં સમાઈ ગયા હતા, ભવિષ્યમાં યોગ્ય સમયે ફરી બહાર આવવા માટે.

 

 

*********

 

(માહિતી સ્ત્રોત :- યુટ્યૂબ પર રહેલ વિવિધ વિડિયો.

Praveen Mohan

Dhruv Rathee

Gaurav - Getsetfly SCIENCE

BRAHMAND VIGYAN

etc… )

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ