વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કળિયુગની કામધેનુ

કળિયુગની કામધેનુ 

          કૈલાશ પર્વત પર તાત્કાલિક બેઠકનું બ્રહ્માજીએ એલાન કર્યું. બ્રહ્માજી, વિષ્ણુ તથા દેવો ત્યાં પહોંચી ગયાં. મહાદેવજીને નવાઈ લાગી. 

બ્રહ્માજીએ જણાવ્યું કે અમે ખૂબ ચિંતત છીએ એટલે તમારી પાસે આવ્યાં છીએ.

'જરા નીચે નજર નાંખો.' મહાદેવે નીચે નજર કરી.

'કંઈ દેખાય છે? બધું સૂમસાન છે! આ મારી બનાવેલી સૃષ્ટિ! થોડાં વરસો પહેલાં તો રસ્તાઓ પર કીડિયારું ઉભરાતું હતું. એ ધબકતાં શહેરો ક્યાં ગયાં? આવી નિષ્પ્રાણ પૃથ્વી! જાણે સન્નાટાનું સુનામી!' બ્રહ્માજીએ પોતાનું હૃદય ઠાલવી નાખ્યું.

શંકર ભગવાનને પણ આશ્ચર્ય થયું!

'કળિયુગનો છેલ્લો પ્રહાર હજું ચાલું જ છે એટલે પ્રલય પણ સંભવ નથી!'

'મહાદેવ, મેં સર્જેલી સૃષ્ટિની આ હાલત મારાથી જોવાતી નથી.'

'આજકાલ સ્વર્ગ અને નર્કમાં પણ ખાસ કોઈ એન્ટ્રી નથી! યમરાજા અને પાડો બંને નવરાં પડી ગયાં છે!' ચિત્રગુપ્તે પોતાની વાત રજૂ કરી.

'તેઓ કોઈ બીજાં ગ્રહ ઉપર રહેવા તો નથી ગયાં ને? વચ્ચે ચંદ્ર ઉપર ચંદ્રાયાન મોકલ્યું હતું! ચંદ્ર પણ ફરિયાદ લઈને આવ્યો હતો. મંગળને પણ છંછેડાયો છે. તેમણે બીજાં ગ્રહોમાં દખલગીરી શરૂ કરી છે. આતંકવાદીઓની જેમ ગમે ત્યાં ઘૂસી જાય છે!' બ્રહ્માજીએ બળાપો કાઢ્યો.

વિષ્ણુ ભગવાને ધ્યાન દોર્યું કે મંદિરોમાં પણ ભક્તો દેખાતાં નથી! 

નારદજી, ઇન્દ્રદેવ અને વરૂણદેવની તપાસ કમિટી બનાવાઈ.

તેમને કામ સોંપવામાં આવ્યું કે પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે તથા કયું વ્યવસ્થા તંત્ર ચાલે છે તેની વિગતવાર માહિતી લાવવી.

 

વિષ્ણુ ભગવાને પૃથ્વી પરથી થોડાં મોબાઈલ અને લેપટોપ લેતાં આવવાં કહ્યું જેથી વૈકુંઠધામ થી કૈલાસધામ વારંવાર સભા ભરવાં દોડવું ના પડે. કોન્ફરન્સ કોલથી તત્કાલીન સભાનું આયોજન થઈ જાય! દેવો આ કોન્ફરન્સ કોલ વગેરેથી અજાણ હતાં.‌ તેઓને  સમજણ ના પડી. નારદજીએ સમજાવ્યું કે ભગવાન તો‌ ભગવાન છે. તેમને બધી વસ્તુની જાણ હોય. આપણે પણ ધીરે ધીરે શીખી જઈશું.

            તપાસ કમિટી પૃથ્વી પર પહોંચી.
તેઓ ધરતી પર એક મોટાં શહેરમાં ઉતર્યા. હારબંધ મોટાં મોટાં મકાનો, રસ્તાઓ, ઓફિસો, બગીચા, જાહેર સ્થળો બધું જ એમનું એમ હતું. ઓફિસોમાં આછી પાતળી હાજરી હતી. રસ્તાઓ પર ખાસ ચહલપહલ ન હતી. માણસોનાં ટોળાં પણ દેખાતાં ન હતાં! વળી કોરોનાનું લોકડાઉન પણ ન હતું! ત્રણે મુંઝાયા. પૂછવું કોને? ઘણું બધું રખડ્યા પછી એક  ઉબડખાબડ ડુંગર જોયો. નજીક આવીને જોયું તો કોમ્પ્યુટર અને મોબાઈલના ઢગલાંનો પર્વત હતો! પર્વતની અંદર ગુફા હતી. ત્યાંથી કંઈક રડવા જેવો અવાજ  આવતો હતો! તેઓ અંદર ગયાં. એક દાદા કેડેથી નમી ગયેલા, જર્જરિત જુનાં ગ્રંથના પાનાઓ ફેરવતાં હતા. તેમની આંખોમાં ઉભરાયેલું પૂર ગાલ ઉપર દદડતું હતું.

      ત્રણેયે માનવદેહ ધારણ કર્યો. દાદા તેમને આશ્ચર્યથી જોતા રહ્યા.

નારદજીએ તેમને પૂછ્યું કે આમ ધારી ધારીને શું જુઓ છો? તમારાં જેવાં માણસો જ છીએ.

દાદાએ જણાવ્યું કે માણસો તો ઘરની બહાર ખાસ નીકળતા જ નથી! વળી સમૂહમાં તો દેખાય જ નહીં એટલે નવાઈ લાગી.

હાજર જવાબી નારદજીએ જવાબ આપ્યો કે અમે  રિસેસનનો ભોગ બન્યાં પછી ગામડે જતાં રહ્યાં હતાં. આજે શહેરમાં ફરવા આવ્યા છીએ.

તેમનાં ઇન્સ્ટન્ટ કોફી જેવાં જવાબથી વરુણદેવ મલક્યા.

દાદા બોલ્યા કે સાચી વાત. એ.આઇ.થી  ઘણાં કામકાજ વગર નવરાં થઈ ગયાં.

"નવરાં" શબ્દ વાપર્યો તેથી ઇન્દ્રદેવનો ઈગો હર્ટ થયો. તેમણે વરુણદેવને કાનમાં કહ્યું, 

'હું તો પ્રભુના આદેશથી ઇન્દ્રપુરીનું કામકાજ મૂકીને અહીં આવ્યો છું. આપણને "નવરાં" કહે છે!' 

વરૂણદેવે સમજાવ્યું કે હાલ મુખ્ય સોર્સ દાદા જ છે. વડીલ પણ છે. પર્સનલ ઈગો બાજુમાં મૂકીને ડેટા કલેક્ટ કરવા પર ફોકસ રાખો. આપણાં અસ્તિત્વનો સવાલ છે. જરા સમજો.

દાદા તો પોતાની ધૂનમાં હતા. સજળ નયને બોલ્યા, 'બધાં એ.આઈ.ની માયાજાળમાં ફસાયા છે. મારું દુઃખ કોને કહું?'

'અમને કહો. એ.આઇ.! એ કંઈ બલા છે?'

'એ.આઇ.ને નથી જાણતાં!'

પોતાનું અજ્ઞાન છતું થઈ ગયું એટલે ત્રણેય મૂંઝાયા. અંદર અંદર ગુસપુસ કરવાં માંડ્યાં. 

નારાદજીએ ઈન્દ્રને કહ્યું કે માયાજાળની વાત છે એટલે કોઈ પૃથ્વી પરની મેનકા જ હશે.  અપ્સરાઓ કોઈને છોડતી નથી. ભલભલાં  તપસ્વીના તપભંગ કરાવે. નારાયણ.. નારાયણ..

દાદા ફરી ચમકયા. 

'તમે કોણ છો? નારદજી?'

વરૂણદેવે પકડાઈ જવાની બીકે વાતને વાળી લઈ દાદાને સમજાવ્યું કે આ ભાઈને વારંવાર ભગવાનનું નામ લેવાની ટેવ છે.

'હમમ..તમારે એ.આઈ. વિષે જાણવું છે?'

નારદજીએ દાદાને સમજાવ્યા કે અમે તો વર્ષોથી એક નાનાં ગામડામાં રહીએ છીએ એટલે શહેરી રહેણીકરણી અને એ.આઈ.થી બિલકુલ અજાણ છીએ. જાણવાનું  બહું મન છે.

'તમને ખબર નથી તે નવાઈની વાત છે! મોબાઈલ નથી વાપરતાં?'

'મોબાઈલ! એ પાછી કંઈ નવી બલા છે!'

'મને લાગે છે તમને કંઈ જ ખબર નથી. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. તમે ત્યાંના ત્યાં!એ.આઇ.ની શરૂઆત તો ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. પણ આ ત્રણ હજારની સાલમાં એ.આઇ.ને ખૂબ સફળતા મળી છે.

ટૂંકમાં તમને સમજાવું તો એ.આઈ.એ નવી ટેકનોલોજી છે. આર્ટિફિશિયલ ઇન્ટરિજન્સ. તેની મદદથી બધું કામ સરળતાથી થઈ જાય.'

'એ.આઈ.નું સર્જન કોણે કર્યું?'

'માણસે જ વળી! એક જાતની નવી સિસ્ટિમ છે. કોમ્પ્યુટર રોબોટથી પણ આગળ.

કોમ્પ્યુટરની નિપુણતા અથવા તો કોમ્પ્યુટરને કંટ્રોલ કરતો રોબોટ. કોમ્પ્યુટરની એવી પદ્ધતિ જે એવાં કામો કરે છે જે માનવી કરી શકે અને ના પણ કરી શકે. તમને સમજાવવું જરા અઘરું છે. આ ટેકનિકલ વિષય છે. ગૂગલ, હોમ આસિસ્ટન્ટ, કોર્ટેન, સીરી, એલેક્ઝા એવું કંઈ સાંભળ્યું છે? રોબોટ શબ્દની ખબર છે?'

ત્રણે ચૂપ રહ્યાં.

દાદાએ થોડી રોબોટની સમજણ આપી.

નારદજી બોલી ઉઠ્યાં એમ કહો ને કે હાલતું ચાલતું રમકડું. દાદા વિચિત્ર રીતે તેમની સામું જોઈ બોલ્યા,

'અરે, એ.આઈ. તો રોબોટની પણ મોટી બહેન છે. તમે કંઈ દુનિયામાં રહો છો!

કેટલું બધું નવું સર્જન થયું છે.'

'ટૂંકમાં બ્રહ્માજી‌ હવે નવરાં પડી ગયાં. નવું નવું સર્જન માણસ જ કરી નાંખે!'

વરૂણદેવે નારદને કોણી મારી અટકાવ્યાં અને કાનમાં કહ્યું કે દરેક વાતમાં ડબકા ના મૂકો. સારા શ્રોતા બનો. આપણે જાણવાનું છે કે બધું ખાલી કેમ છે?'

'હા, સાચી વાત. અહીં બધે ખાલીપો ખખડે છે.'

તેમણે ધીરેથી પૂછ્યું કે કોઈ ઘરની બહાર કેમ દેખાતું નથી? 

'ક્યાંથી દેખાય. એ.આઈ.ની અસર.'

નારદજી ઇન્વેસ્ટીગેશન ઓફિસરની જેમ ચારેબાજુ ડાફોળિયાં મારવાં માંડ્યાં. તેમણે  વિચિત્ર ડુંગરને જોઈને પૂછ્યું, 'આ શેનો ડુંગર છે?'

દાદાએ જણાવ્યું કે આ લેપટોપ અને મોબાઈલનો બનેલો ડુંગર છે!

'અમારી પાસે મોબાઈલ કે લેપટોપ નથી. 

હાઈકમાન્ડે  મંગાવ્યાં છે. તો થોડા લઈએ?'

'હાઈકમાન્ડ! તમે રાજકારણી છો?'

'ના, હાઈકમાન્ડ એટલે અમારાં ગામડાંનાં સરપંચ.' 

'ઓકે, આ ખડકલામાંથી જોઈએ એટલાં લઈ લો!'

'ભંગાર છે?'

'ના..નવાં જેવાં. લોકો છ મહિને બદલે. રોજ નવાં બને. મફત છે. આનો કંઈ રીતે નાશ કરવો તેની પણ સમસ્યા છે. પણ મેં તો સાંભળ્યું છે કે ગામડામાં તો ખૂબ વિકાસ થયો છે!'

'ગામડામાં વિકાસ તો થયો જ છે ને. પણ અમે તો જૂની ધરોહરને પકડી રાખી છે. આ વખત અમારાં હાઈકમાન્ડે લાવવાનું કીધું છે જેથી અમે શહેરી વિકાસથી માહિતગાર  રહીએ.' 

ઇન્દ્રદેવે પણ અંગ્રેજી બોલી વટ પાડયો કે મેક્સિમમ યુટિલાઈઝેશન ઓફ રિસોરસીસ. રીસાઇકલ, રિયુઝ અને સેવ ધ પ્લેનેટ. 

અંગ્રેજીમાં આવી સરસ વાત કરી એટલે દાદા પ્રભાવિત થઈ ગયા. 

'તમે લોકો  ખૂબ ઇન્ટેલિજન્ટ છો. મને લાગે છે તમે મારી સમસ્યાનાં સમાધાનમાં મદદ કરશો.'

નારદજી તો પોતાની ઝોળીમાં ચાર્જર સાથે  મોબાઇલ, લેપટોપ વગેરે લેવામાં વ્યસ્ત થઈ ગયા.

ઇન્દ્રદેવ નારાજ થયા અને કાનમાં બોલ્યા, 'આપણી પાસે દિવ્ય દ્રષ્ટિ છે. આની શું જરૂર છે!'

નારાદજીએ ચોખવટ કરી કે વિષ્ણુ ભગવાનનો આદેશ તો માનવો જ પડે. વળી આપણે ક્યાં ચિંતા છે! આકાશનાં સેટેલાઈટમાંથી સીધું કનેક્શન થઈ જશે. મોબાઇલ પણ મફત અને નેટ પણ મફત..દાદા ત્રણેને હસતાં જોઈ રહ્યા.

        દાદાજીની આંખે ફરી આંસુઓનું તોરણ બંધાયેલું જોઈ વરૂણદેવે પૂછ્યું, 'બધું ઘર બેઠાં મળે છે તો તમે રડો છો કેમ?' 

દાદા ભારે હૈયે બોલ્યા, 'આ નવી શોધાયેલી દવાઓને કારણે મને દોઢસો વર્ષ થયાં છે. હું થાક્યો છું. યમરાજાના તેડાની રાહ જોઉં છું. પણ પાછો વિચાર આવે છે કે જતાં જતાં કંઈક સારું કરતો જાઉં એટલે આ જુનાં ગ્રંથમાંથી ઉપાય શોધું છું.'

વરૂણદેવ દાદાજીના ખભે હાથ ફેરવતાં રહ્યાં અને કહ્યું કે તમે હૈયું ઠાલવી દો. તમારો ભાર હળવો થઈ જશે. પણ તમે શેનો ઉપાય શોધો છો તે ખબર ના પડી!'

વરસાદ વરસ્યા પછી ખાલી થયેલી વાદળીની જેમ દાદાજી શાંત પડી ગયા. 

'આજે ઘણું સારું લાગ્યું. બાકી, માનવી તો સ્પર્શની ભાષા જ ભૂલી ગયો છે. પથ્થર બનેલાં તેને લાગણી જોડે  કોઈ લેવાદેવા જ નથી..' દાદાએ એક ડૂસકું દબાવ્યું. 

પાછાં ફરી બોલ્યા,'બધું મળે પણ લાગણી ના મળે. પૈસો મળે ત્યાં બધાં દોડે. પૈસો જ પરમેશ્વર.'

નારદજીએ ઇન્દ્રદેવને કહ્યું, 'જુઓ, એક સવાલનો જવાબ મળી ગયો. તમે બધું નોટ કરો છો ને? તમે આ ખડકલામાંથી નવી એપલની નોટબુક લઇ લો. તેમાં જ નોટ કરો. હવે જૂની પુરાણી નોટો-ચોપડીઓનો જમાનો ગયો. ગો વિથ ધ ફલો. લખો..સોરી, નોટ કરો. મુદ્દા નંબર એક, પૃથ્વી પર હવે પૈસો જ પરમેશ્વર હોવાથી લોકો મંદિરોમાં જતાં નથી.' નારદજીની વાત તો સાચી જ હતી. તેઓ માહિતી લેવાં જ આવેલાં. ઇન્દ્રદેવે એક લેટેસ્ટ એપલની નોટબુક લીધી. દાદાએ નોટ કરતાં પણ શીખવાડી દીધું. પણ પછી આશ્ચર્ય સાથે તેમણે પૂછ્યું કે તમે શાં માટે આ નોટ કરો છો?

'તમે ઉપાય શોધો છો ને? એનાં વિશ્લેષણ માટે.' ચતુર નારદજીએ પછી ઇન્દ્રદેવ સામું જોઈને કહ્યું,

'મુદ્દા નંબર બે, એ.આઇ.ને કારણે બધાં લાંબુ જીવે છે તેથી યમરાજા અને પાડો નવરાં પડી ગયાં છે.'

વધુમાં  તેમણે દાદાને કહ્યું, 'અમે તો લાંબું જીવવા ઓર્ગેનિક ખેતી કરીએ. તમે તો ભેળસેળીયુ ખાઈને પણ લાંબુ જીવો છો! મઝા છે.' 

દાદા તેમની સામે જોઈ રહ્યા. 

'અશ્વસ્થામાને ઓળખો? તે અમર છે. એકલો પડી ગયેલો. હવે તેને તમારી કંપની મળશે. નારાયણ..નારાયણ...'

'તમે શું બોલો છો?'

'નારાયણનું નામ લઉં છું. આ બધી ભગવાનની લીલા છે.'

'ના, આ માણસની લીલા છે.' દાદાએ વિરોધ કર્યો.

ઇન્દ્રદેવે વાત બદલતાં કહ્યું,

'આટલાં જાડાં થોથા વાંચો છો તેનાં કરતાં પેલી ચોપડી વાંચીને જીવતા શીખો ને.

"ઈકીગાઈ" ચોપડીમાં જાપાનીઓ કંઈ રીતે લાંબુ જીવે છે તે બતાવ્યું છે. અમે તો એ  રીતે જ જીવીએ છીએ. સમૂહમાં રહીએ, તાજાં શાકભાજી અને ફળોનો આહાર લઈએ અને મઝા કરીએ. આ બધાં જ સાધનોથી દૂર.'

'એટલે જ તમે સુખી છો! અહીં તો એ.આઇ. એ મુશ્કેલીઓ વધારી છે.'

માહિતી પ્રધાનની અદાથી નારદજી બોલ્યા, 'અમને ઝડપથી માહિતી આપો. એ.આઇ.નો જ ખાત્મો બોલાવી દઈએ.'

'તમે ટેરેરિસ્ટ છો?' દાદાને શંકા થઈ. 

'એ વળી કંઈ નવી બલા છે?' નારદે ભોળા ભાવે પૂછ્યું.

વરૂણદેવે કોણી મારી, 'ચૂપ રહો. ગાડીને ગમે તે બાજુ ના હાંકો. આપણે કેવી રીતે ખતમ કરવાનાં?'

'અરે, બ્રહ્માસ્ત્ર, સુદર્શન ચક્ર...ઉપર બધું જ છે.' 

ઇન્દ્રદેવે ધીરેથી સમજાવ્યું કે ફકત ડેટા કલેક્શન પર ફોકસ‌ કરો. સમસ્યાનું સમાધાન તો પ્રભુ કરશે.

તેમણે દાદાને સમજાવ્યા કે ગીતામાં કહ્યું છે કે કર્મ કર ફલ કી ચિંતા મીટા દે...

'ચિંતા તો કરવી પડે ને. રાસાયણિક બોમ્બ પણ બન્યાં છે. રશિયા અને યુક્રેન લડ્યાં કરે છે. ઈઝરાયેલ..'

'દાદાજી, જસ્ટ ચીલ. જેવી કરણી તેવી ભરણી. ભોગવશે.' 

'શું ચીલ! એ.આઈ.એ દીપક રાગ છેડયો છે.  કોઈ દેવ તેને ઠંડો કરવા સક્ષમ નથી.'

'તો મેઘ-મલ્હાર રાગ છેડો ને..સુપર પાવર તો બધો પૃથ્વી પર જ છે ને! વરસાદ પણ એ.આઇ.થી વરસાવો અને દીપકને ઠંડો પાડો.'

દાદા રમુજી વાત સાંભળી હસ્યાં નહીં અને વધુ ગંભીર થઈ ગયા. 

'હા, માનવી પોતાને જ સુપર પાવર ગણે છે. તેથી જ અહંકારી થઈ ગયો છે.'

નારદજીએ વરુણદેવને કીધું કે અહંકારી રાવણનો નાશ કરવા તો દેવાધિદેવ રામે મેદાનમાં ઉતરવું પડે. આપણે પાછાં જઈએ.

'તમને રમૂજ સૂઝે છે!' ઇન્દ્રદેવ ગુસ્સે થયા. 

નારદજી ઠંડા કલેજે બોલ્યા, 'વાતની ગંભીરતાને સમજો. ભગવાન પણ રણ છોડીને ભાગ્યા હતા. રણછોડ...આપણી પાસે એ.આઇ.ની કોઈ સમજ નથી. નવી ટેકનોલોજી પણ જાણતાં નથી કે જલ્દી ડેટા ભેગાં થાય. આઉટડેટેડ પદ્ધતિથી વલખાં મારવાંનો શું અર્થ? બી પ્રેક્ટીકલ.'

'એ.આઈ.ના બધાં ફાયદા, ગેરફાયદા તો જાણવાં જ પડે. આપણે નકારાત્મકતામાં પડી ગયાં છીએ. દાદા પણ‌ નિઃસાસા નાંખી નાંખી સહાનુભૂતિ મેળવે છે. સકારાત્મક વાત કરતાં જ નથી! એટલે જ આપણને પૂરતી માહિતી મળતી નથી.'

'મુદ્દાસર નોટ બનાવો. જલ્દી પતાવો. અસહ્ય ગરમી છે. 

વરૂણદેવે ઠંડી લહેરખી પ્રસરાવી મિત્રોને રાહતનો અનુભવ કરાવ્યો.

દાદા પણ મૂડમાં આવીને બોલ્યા, 'એ.આઇ.ની અસર તો કોરોના કરતાં પણ ભયંકર છે.'

ત્રણે દેવો એકદમ સ્લેટ જેવા પાતળા ફેંકી દીધેલાં કોમ્પ્યુટરનું પાથરણું  બનાવી તેની ઉપર બેસી ગયાં!

       નારદજીએ  અકળાઈને દાદાને કીધું કે ટાઈમ ઇસ મની. અમારે ગામડે પાછાં જવાનો સમય થઈ જશે. તમે માંડણી જ બરાબર કરી નથી.‌ સર્જન, ફાયદા, ગેરફાયદા અને વિસર્જન...આ રીતે હોય. અને તો જ તમારી સમસ્યાનું સમાધાન પણ મળશે. ફાયદા હશે તો જ સર્જન થયું હશે ને?'

'એમાં તમારો જ વાંક છે. વચ્ચે વચ્ચે આ તંબૂરો વગાડી મજાક કરી મારું ધ્યાનભંગ કરો છો.' દાદાએ નારદજીને ચોપડાવી દીધી. ઇન્દ્રદેવ ખુશ થઈ ગયા. તે પણ નારદજીની આ રીતથી કંટાળેલા. નારદજીએ દાદાની માફી માંગી પછી જ વાત આગળ વધી.

'બે‌ હજારની સાલથી માણસ મશીનો પાસે કામ કરાવે છે.

પહેલા રોબોટનુ સર્જન થયું પછી  આર્ટિફિશિયલ્સ ઇન્ટરીજનની દુનિયા ઊભી થઈ.'

'કેમ? શા માટે?'

'તેનાં ઘણાં ફાયદા છે તે માટે.

માણસોથી થતી ભૂલમાંથી એ.આઈ. જ બચાવે છે. જોખમ ઘટાડે છે.

એટલે ભૂલ જ ના થાય એવું નહીં પણ

નુકસાન ઘટાડી શકાય છે.

મેડિકલ ક્ષેત્રમાં સારું કામ આવે છે એટલે તો  લોકો લાંબુ જીવે છે. ચવાણાની જેમ દવાઓ લે છે. આ સામે દેખાય છે તે એક્સપાયરી દવાઓનો ડુંગર છે.'

'હવે દવાઓનાં ડુંગર થાય છે! બિચારાં હનુમાનજી! સંજીવની શોધવા આખો ડુંગર ઉંચકી લાવેલા.'

દાદાજીએ તેમની સામે આંખ કાઢી અને આગળ કહ્યું, 'એક બીજો ફાયદો એ છે કે તે સમય બચાવે છે. ખૂબ ઝડપી કામ કરે છે.'

'રસ્તા પર તો પાટિયા માર્યા છે. ઝડપની મઝા, મોતની સજા! ખીચડીને ધીમી પકવો તો સારી થાય. વધુ તાપે તો  ચોંટી જ જાય.'

'એ જ તો રામાયણ છે. ઝડપ ઝડપમાં બધું ખોટું થતું જાય છે. ઝડપથી કામ પતે પછી માણસ નવરો પડી જાય. નવરો નખોદ વાળે. ખોટાં કામ કરતો થઈ ગયો છે. દારૂ પીએ, ઓનલાઈન જુગાર રમે, કંઈ પણ કરે...'

'એટલે મહાભારતનો યુગ ફરી શરૂ થયો છે?'

'મહાભારત અને રામરાજ્યનો સમય જોડે જોડે ચાલે છે! આમ તો એ.આઇ.થી બધાંને ન્યાય મળે. સમાન તક મળે. સિવાય કે એ્.આઇ.માં ખોટાં ડેટા ફીડ કર્યા હોય તો જ મોટી મુશ્કેલી ઊભી થાય.'

'અત્યારના રામરાજ્યમાં, ચોરી લૂંટફાટ વગેરે થાય?

અને ડેટા તો માણસ જ નાંખે ને? તેને જે ગમે તે.'

'મોટી મોટી ચોરીઓ થાય. ડેટા જ ચોરાઈ  જાય!'

'મુદ્દા પર.. મુદા પર..ભટકો નહીં. 

ઘડીકમાં ફાયદા! ઘડીકમાં ગેરફાયદા! આમ તો કંઈ જ ખબર નહિ પડે.' ઇન્દ્રદેવે દાદા અને નારાદજીની વાતમાં બ્રેક લગાવી.

'તમને ફાયદા કહું છું તે સાંભળતાં નથી અને વચ્ચે પ્રશ્નો પૂછો છો! તમે બહુ પંચાતિયા છો. નારદવેડા કરો છો. જોકે તમે આવ્યાં ત્યારથી મને નારદ જ લાગો છો!'

ત્રણેય ચૂપ થઈ ગયાં. 

'ડોન્ટ ડિસ્ટર્બ મી. તમે જઈ શકો છો' દાદા ગુસ્સે થયા. 

વરૂણદેવ ગભરાયા. આખી બાજી બગડશે. 

થોડીવાર શાંત રહી તેમણે માફી માંગી લીધી.

તે પછી જ દાદાએ બોલવાનું ચાલુ કર્યું. 

'આંગળીના ટેરવે દુનિયા ચાલે છે. ગાડી  ડ્રાઇવર વગર મોલમાં પહોંચી જાય. ત્યાં  રોબોટ જોઈતી વસ્તુઓ ટ્રોલીમાં લઈને આવે. ડીકી ઓટોમેટીક ખુલી જાય અને પાછી ગાડી ઘેર આવી જાય. ઝાંપો જાતે ખુલે. ઘરનો દરવાજો પણ જાતે ખુલી જાય. બધું ઓટોમેટિક. પાછા શાકભાજી, ફળો વગેરે ફ્રીઝમાં ગોઠવાઈ જાય. અનાજ વગેરે પોતપોતાની જગ્યાએ કોઠારમાં ગોઠવાઈ જાય.'

'આ તો જબરુ! અમે તો ઝાડ ઉપર ચડીને ફળો પાડીએ. અહીં ઘર બેઠાં!'

'ના, ઉગે તો ખેતરમાં જ. આ તો ઓનલાઈન ઓર્ડરથી મંગાવે. મોલમાંથી. ઘરેથી મેઈલ કરી દે. મોલવાળાનાં પોતાનાં ખેતરો છે. બધું ઉગાડે. પોતાની ખેતી અને પોતાનો ધંધો. મૂડીવાદી સમાજ. તમને ખ્યાલ નહિ આવે. ઇકોનોમિક્સની વાત છે.'

'તમારે તો સ્વર્ગ છે.'

'પાછાં વચ્ચે બોલ્યા? તમારે નોટ કરવું છે ને?' 'હા, આગળ વધો.'

'એ.આઇ.થી બુદ્ધિના વિકાસની ઝડપ  ઘણી વધી ગઈ. જે પ્રગતિ વર્ષો સુધી ના થઈ તે ખૂબ ટૂંક સમયમાં થઈ ગઈ.

પાછું કામ સચોટ રીતે થાય.

કાર્યક્ષમતા પણ વધી છે. માણસને કાર્ય સારી રીતે થવાથી સંતોષ પણ મળે છે. ઉત્પાદકતા ખૂબ વધી છે અને ગ્રાહકોને પણ સારી સેવાઓને વસ્તુ મળવાથી સંતોષ વધ્યો છે.

આ ઉપરાંત ગુનો શોધવા માટે કે અટકાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. ચોર કે ગુનેગાર પકડાઈ જાય. ચોરી, લૂંટફાટ વગેરે ઓછાં થઈ ગયાં છે.

તમે રસ્તાઓ જોયાં? કોઈ ટ્રાફિક સમસ્યા છે? પોલીસની પણ જરૂર નથી. ઓટોમેટિક ટ્રાફિક નિયંત્રણ થાય.

તમને ખબર છે 'સુનામી' આવે કે 'બીપરજોય'  તેની આગળથી ખબર પડી જતાં સરકાર એકદમ સતર્ક થઈ બધી વ્યવસ્થા કરે. કોઈ જાનહાની ના થાય.

એટલે મોટા પાયાના ફાયદા તો થયાં જ છે. માનવી ધીરે ધીરે સુરક્ષિત થતો જાય છે. ખૂબ ઓછાં કામ માટે વધુ પૈસા કમાય છે.

માનવીનું મુખ્ય લક્ષ પૈસા કમાવવાનું હોય તો  ઉદ્યોગમાં એ.આઈ.ના ઉપયોગથી નફો વધે જ. 

વળી ઉદ્યોગો, ધંધા, નોકરી વગેરેમાં ફ્રોડ થતાં અટકે છે.

"આ મારું આ તારું" એવું મશીન ના કરે. તેથી ભેદભાવનો ભય દૂર થયો. કોઈની લાગવગ ના ચાલે. બધાં સરખાં. 

ઉદ્યોગોમાં ખર્ચા ઉપર પણ કાપ આવી ગયો.

ટૂંકમાં સુખી જીવન.'

દાદાજીની ગાડી તો દોડી. ઇન્દ્રદેવ એપલ નોટબુકમાં ઝડપથી આ બધું લખી ના શકયા. તેમનાં માટે આ ટેકનોલોજી નવી હતી. 

ઘણું બધું લખવાનું રહી ગયું. વળી આટલાં બધાં ફાયદા હશે તેવી ખબર પણ ન હતી. તેમણે મૂંઝવણ નારદજીને કહીં. 

નારદજીએ કાનમાં કહ્યું કે આપણે રેડીમેડ ડેટા જ ઉઠાવી લઈએ. એ.આઈ.ના જમાનામાં ચોરીઓ તો થાય જ છે. વળી ભગવાન પણ માખણ ચોરતા હતાં ને...'

        જોકે દાદાજી ઈન્દ્રદેવની મૂંઝવણ સમજી ગયા હતા. તેમણે હસતાં હસતાં કહ્યું કે લખવાની ફાવટ ના હોય તો વોઇસ રેકોર્ડિંગ કરવાનું. ઓનલાઇન કંઈ રીતે લખવું તેનું બેઝિક જ્ઞાન તો દાદાએ આપ્યું જ હતું હવે કંઈ રીતે રેકોર્ડિંગ કરવું તે પણ  શીખવાડી દીધું! 

ત્રણેય જણાં એ.આઇ.થી પ્રભાવિત થવા માંડ્યાં હતાં. તેમને જ્ઞાન સાથે ગમ્મત જેવું લાગવા માંડ્યું.  તેમણે તો ઓનલાઇન ઈમેલ એકાઉન્ટ પણ ખોલાવી દીધાં. 

દાદા ટી.વી.માં આવતાં સમાચારની જેમ ફરીથી હાઈલાઈટસ બોલી ગયા.

દાદા તો મોટી ઉંમરે પણ ખુબ સક્રિય હતા. તે આગળ વધ્યાં.

'તમે ફાયદા સમજયા ને?'

નારદજી બોલ્યા કે અમે એટલું તો સમજી જ ગયાં કે એ.આઇ. તો "કળિયુગની કામધેનુ" છે. હવે અમને ગેરફાયદાની સમજણ આપો.'

       દાદાજી ગંભીર થઈ બોલ્યા,

'એ.આઇ.થી ફાયદાની સાથે ઘણી મુશ્કેલીઓ  ઊભી થઈ છે. માણસો આખો દિવસ મશીન સામે બેસી રહે છે. તેથી પોતે જ મશીન જેવો થઈ ગયો છે!'

'જેવી સોબત તેવી અસર.'

'ઘરની બહાર નીકળવું તેને ગમતું નથી. સામાજિક જીવન તો છિદ્ર ભિન્ન થઈ ગયું છે. બસ, ફોન કે મેઈલથી કામ પતાવે છે. તેનું શરીર પણ વધતું જાય છે. પહેલાં કદાવર રાક્ષસો હતાં ને? તેનાં જેવો થઈ ગયો છે! હવે ફક્ત મગજને જ મહેનત પડે છે.'

'સીધી વાત છે. સિક્કાની બે બાજુ હોય. ફાયદા હોય તેનાં ગેરફાયદા હોય જ. એક ઉપર એક ફ્રી જેવું! પણ તમે શું સંશોધન કરો છો?'

'શાંતિનું.'

'શાંતિ કોને જોઈએ છે! અહીં તો બધાંને પૈસો જોઈએ છે!'

'હા, સાધન અને સગવડનો અતિરેક થઈ ગયો છે. અતિ સર્વત્ર વર્જયેત્.

માનવી પોતાની જાળમાં જ ભયંકર રીતે સપડાયો છે. મૂંઝાયો પણ છે.'

'એટલે પોતાની જ માયાજાળમાં સપડાયો!'

'હા, હવે તમે બરાબર સમજ્યાં. નવી શોધોની વચ્ચે તે પોતે જ ખોવાઈ ગયો છે.

જેમ પકડેલા પતંગની જુદી જુદી દોરીઓનું પિલ્લુ બનાવીએ પછી તેમાંથી જુદી જુદી દોરીઓ છૂટી પાડવી એ અઘરું કામ છે. તેનાં જેવુ થયું છે. તમે સમજો છો ને? જાતજાતની ગૂંચ પેદા થઈ છે.

હું પણ મૂંઝાયેલો છું. આ પ્રાચીન ગ્રંથ વાંચું છું. આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધું છું.

તમે જેને "કળિયુગની કામધેનુ" કહો છો તે પૈસાદાર બનાવી દે પણ તેની પાસે માનસિક શાંતિનાં ઉપાય નથી. 

આમ તો બધાં શારીરિક રોગોનાં ઉપચાર છે. પણ માનવી તો માનસિક રોગનો શિકાર થતો જાય છે. ડિપ્રેશન વિષે તો સાંભળ્યું છે ને?' 

નારદજી હસતાં હસતાં બોલ્યા, એ કયો નવો રોગ છે! નવા રોગોનું પણ સર્જન થાય છે!

નારાયણ, નારાયણ..ઓમ શાંતિ.'

'બસ, એ ઓમ શાંતિનો ઉપાય મળતો નથી.' 'હવે ગેરફાયદા પતી ગયા?' ઇન્દ્રદેવે પૂછ્યું.

'ના, નોટ કરો. 

મોટામાં મોટો ખતરો ચોરીનો છે.'

નારદજીએ વરુણદેવને કોણી મારીને કીધું, 'આ કનૈયાએ માખણ ચોર્યું પછી 'ચોરી' કોમન થઈ ગઈ લાગે છે!'

ઇન્દ્રદેવે દાદાને પડકાર્યા, 'તમે તો કહેતાં હતાં કે ગુનાખોરી અટકી છે! ગુનેગારો આસાનીથી પકડાઈ જાય!'

'હા, પણ હવે નાની ચોરીઓ નથી થતી. મોટાં પાયાની થાય છે. નૈતિકતા એ તો ચિંતાનો વિષય છે. આખી જિંદગી મહેનત કરીને બેંકમાં પૈસાની બચત કરી હોય પણ એક મિનિટમાં તમારું ખાતું ખાલી થઈ જાય. હેક થઈ જાય.

એક દેશ બીજા દેશની સિસ્ટમને પણ હેક કરી લે છે. એકબીજા પર સાઇબર એટેક થાય છે. આ દુષણ ફેલાતું જાય છે. 

બીજાના ડેટા પડાવી લેવાની હોડ લાગી છે!'

નારદજીએ કહ્યું કે માફ કરજો હું વચ્ચે બોલું છું. મારી પાસે ઉપાય છે. હવે તમે નોટ કરો. તમારાં કામનું છે. 

'પૈસાને ચરૂમાં ભરી જમીનમાં દાટી દેવાનાં. ખાતામાં રાખવાંના જ નહીં.'

દાદાજી હસી પડ્યાં અને બોલ્યા, 'જબરા ઉપાય બતાવો છો!'

દાદાજીએ ફરી શરૂ કર્યુ, 'આ આંધળી દોડમાં.. માનવીના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો રહ્યો છે.

સૌથી મોટી મુશ્કેલી એ છે કે માનવી એકલતાનો ભોગ બન્યો છે. તમે ત્રણેય સાથે ફરો છો પણ અહીં રસ્તા પર કોઈ દેખાય છે? બધાં પોતપોતાનામાં પડ્યા છે. કોઈ સાથી કે સંગાથી નહીં. તમને દેશી ભાષામાં સમજાવું તો પહેલા પોળ કે ગલીને નાકે  લોકો ભેગાં થતાં, વાતો કરતાં, જોડે મેચ જોતાં.. નુકકડ, ગામ ગપાટા બધું જ બંધ. મશીન જ તેમનો બોસ કે મિત્ર.'

નારદજીએ હાથમાં રહેલા તંબૂરાના તારથી રણકાર કર્યો અને ગાયું, 'એકલા જ આવ્યાં મનવા, એકલા જવાનાં. સાથી વિના સંગી વિના..'

ઇન્દ્રદેવે પણ સરસ મઝાની શાયરી સંભળાવી.

"એ.આઇ. એટલે વિપુલતા, નિપુણતા અને વિશાળતા. 

પણ તેનાથી ઉભી થાય છે ચારેબાજુ  એકલતા!"

દાદાજીએ નારદજીને કહ્યું, 'આ તમારાં તંબૂરામાં ફક્ત ઝંણકાર થાય છે. હવે બધાં વાજિંત્રો એક જ મશીનમાં વાગે છે.

એ.આર.રહેમાનનું મ્યુઝિક સાંભળ્યું છે? એક જ મશીનમાંથી બધાં જ ઇન્સ્ટ્રુમેન્ટના અવાજો તે કાઢે છે. તબલાં, હાર્મોનિયમ, શરણાઈ, ડ્રમ કોઈની જરૂર નહીં. વન મેન શો.'

વાત બીજી બાજુ જઈ રહી છે તે સમજીને વરુણદેવે દાદાને એક પ્રશ્ન પૂછ્યો,

'એવું થાય કે માણસ માંદો પડે અને રોબોટથી જ મરી જાય? અને રોબોટને તો કંઈ જ ના થાય! તે મારો બેટો બેફામ ફર્યા જ કરે?'

'હા, રોબોટથી મૃત્યુ થઈ શકે જ. તે સાધન જ છે. શક્યતા ઓછી છે પણ નકારી ના શકાય.

બીજું, જો એક સાથે બધી સિસ્ટમ બંધ થઈ જાય તો? તમે તે પરિસ્થિતિની ભયંકરતાનો વિચાર કરો.'

'અમારી જોડે ગામડે આવી જવાનું.'

દાદાજીએ નારાદજી સામું જોઈને કહ્યું, 'તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે. પણ વાતની ગંભીરતાને સમજો.

બીજી મુશ્કેલીઓ પણ છે. નોકરીઓ ઓછી થતી જાય છે. જો ખોટાં ડેટા ફીટ થઈ જાય તો ઘણું મોટું નુકસાન થાય છે. પૂર્વગ્રહથી કામ કર્યું હોય તો તેને કારણે ભેદભાવ પણ થઈ શકે. સામાજિક અસમાનતા વધે, અયોગ્ય નિર્ણયો લેવાય.

ગોપનીયતા, સુરક્ષા પણ ચિંતાનો વિષય છે.

એ.આઈ. અલ્ગોરિધમ પક્ષપાતી પણ હોઈ શકે. પદ્ધતિ આઉટડેટેડ થઈ જાય પછી જુનાં ડેટાને નવા ડેટાથી ચેન્જ કરવા પડે છે. આ અપડેશનની માથાકૂટ પણ છે.

કાનૂની પ્રશ્નો પણ ઊભા થયાં છે. 

માનવતા, કરુણા..તો ચોપડીનો વિષય થઈ ગયાં છે!વળી એ.આઇ.ના ચાર વિભાગ છે. 

રીએક્ટિવ મશીનસ, લિમિટેડ મેમરી, થિયરી ઓફ માઈન્ડ અને સેન્ટિમેન્ટ સિસ્ટમ યાને કે સેલ્ફ અવેરનેસ. આ અલ્ટીમેટ લેવલ છે. સિસ્ટમ પોતે શું છે તે સમજી ગઈ છે. તેથી તેને અહંમ આવી ગયો છે. મશીન અને માનવના મગજ વચ્ચેનું યુધ્ધ શરૂ થયું છે. બોલો, માનવ મગજ પ્રી પ્રોગ્રામ ના હોય તેથી એ.આઇ. કરતાં ધીમું ચાલે છે!'

'તો પેલાં ગૂંચળાવાળા, સફરજનવાળા શું કરે છે? ઉપાય પૂછો.'

'એ કોણ?'

'ગૂગલ..એપલ..'

'એક કંપનીના સીઈઓએ તો કહી દીધું કે અગ્નિ કે વીજળી કરતાં પણ આ ગંભીર છે!'

'એટલે તેમણે હાથ ઊંચા કરી દીધાં!'

'એવું જ. સળગતું હોય ત્યારે એમાં હાથ કોણ નાંખે?'

'આ છેલ્લી સેન્ટિમેન્ટ સિસ્ટમ કેમ વધુ જોખમી છે?'

'મિત્રો, એવું છે કે‌‌ કોમ્પ્યુટર સામેની વ્યક્તિનાં મગજમાં શું છે તે સમજી જાય છે. હું અહીં છું તેનું કારણ પણ એ બબાલ‌ જ છે.'

'તમને તેવી અનુભૂતિ થઈ છે?'

'હા, એટલે જ મને કંપનીમાંથી કાઢી મૂક્યો છે. ગમે ત્યારે મારી જરૂર તો પડશે જ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તેથી પગાર ચાલુ છે પણ નોકરી પર નહી જવાનું.

જોકે માથાકૂટ મારા ઘરથી જ શરૂ થઈ. મેં આ વાત મારી પત્નીને કીધી. તે જીદે ચડી. સ્ત્રી હઠ. તેને મેં કંઈ રીતે કોમ્પ્યુટર આપણાં મગજની વાત સમજી જાય છે તે પ્રયોગ કરી બતાવ્યું. બસ, હું એક દિવસ ધક ધક ગર્લની "તેજાબ" ફિલ્મ જોતો હતો. તેમાં "મોહિની" આવી. હું તેનામાં ખોવાયો. તમે ઓળખો છોને? માધુરી દીક્ષિત. તેમાં મોહિની બની હતી. મારી પત્ની આ સહન ના કરી શકી. મને ઘરમાંથી કાઢી મૂક્યો. મને એવું પણ કીધું કે ઘરડે ઘડપણ મોહિનીનાં વિચાર કરો છો!

સ્ત્રીના પેટમાં વાત ટકે? કંપનીને પણ ખબર પડી ગઈ. તેથી ટેન્શન વધ્યું કે હું વાત બહાર પાડી દઈશ તો? 

તમારી ત્રિપુટી અહીં આવી ત્યારે મેં તમને ઓળખી લીધેલાં. મને તમારામાં ઇન્દ્રદેવ, વરુણદેવ અને નારદજીના દર્શન થયેલાં!' 

ત્રણેય ઠંડા થઈ ગયાં. કંઈજ બોલી શકાય તેમ ન હતું. દાદાજીએ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. 

દાદા ખુશ થઈ બોલ્યા, 'હું ધન્ય થઈ ગયો. મારો પૃથ્વી પરનો ફેરો સફળ થઈ ગયો. મને દેવોના દર્શન થયાં. સાક્ષાત્કાર થયો.'

નારદજીએ ગભરાઈને કીધું કે તમારી ભૂલ થાય છે. 

'અમે દેવો હોત તો તમારા મનમાં શું છે? એ.આઇ. શું છે? તે અમને ખબર હોત. આટલી વાતો શા માટે કરત? બરાબર ને?' 

દાદાએ વિચારીને કીધું કે તો પછી 

મારી ભૂલ થઈ લાગે છે! જોયું આ પદ્ધતિ સો ટકા સાચી નથી. તમારી માફી માગું છું પણ તમે દિવ્ય આત્માઓ તો છો જ. આમાંથી કંઈ રીતે બહાર નીકળી શકાય તેનો ઉપાય તમે બતાવશો તેવું વચન આપો.'

'દિવ્ય આત્મા તો તમે છો. અમારી ઝોળી આ મોબાઈલ અને લેપટોપથી ભરી દીધી. અમારાં જેવા જ્ઞાનપિપાશુ આગળ તમે જ્ઞાનની ગંગા વહાવી. અમે પણ તેમાં નાહીને ધન્ય થઈ ગયાં. અમે વચન આપીએ છીએ કે કોઈ રસ્તો મળશે તો ચોક્કસ બતાવીશું. આભાર.'

'યાદ રાખજો સર્જનની મુશ્કેલી નથી. ફક્ત વિસર્જનનો ઉપાય...ભૂલતાં નહીં.'

ત્રણે જણાંએ ભારે હૈયે વિદાઈ લીધી. 

        તેઓ કૈલાશપર્વત  પહોંચ્યાં. બધાં આતુરતાપૂર્વક તેમની રાહ જોતા હતાં.  ઇન્દ્રદેવે એપલની નોટબુક કાઢીને બધાંને  એ.આઇ.ના ફાયદા અને ગેરફાયદા સમજાવ્યાં. તેમણે જણાવ્યું કે માનવીના સંતાનો યાને મશીનો તેમની સામે થયાં છે. જંગ છેડાઈ ગયો છે!

ઇન્દ્રદેવ બોલ્યા, 'ઔરંગઝેબે તેનાં પિતા સામે બળવો કર્યો હતો. પિતાને નજરકેદમાં પૂરી દીધાં હતાં. તેવું જ થયું છે. હિસ્ટ્રી રીપીટ્સ.'

નારદજીએ વિષ્ણુ ભગવાન સામે જોયું.  

'પૃથ્વી પર મંદિરો ખાલી છે. કોઈને પ્રભુમાં વિશ્વાસ નથી. ધાર્મિકતા કે આધ્યાત્મિકતા ક્યાંય દેખાતી નથી! તમારે પૃથ્વી પર અવતાર લેવો પડશે.

ધર્મ સંસ્થાપનાર્થે સંભવામિ યુગે યુગે...'

વિષ્ણુ ભગવાન તો સ્થિતપ્રજ્ઞની જેમ ઊભાં રહ્યી બોલ્યા કે મહાદેવના આદેશ વગર કંઈ ન થાય.

અગ્નિદેવ બ્રહ્માજી સામું જોઈ બોલ્યા, 'પ્રભુ, હવે તમારી પાસે કોઈ કામ જ નહીં રહે! ત્યાં બધું સર્જન થઈ શકે છે. ફક્ત વિસર્જન કેવી રીતે કરવું તેની મુશ્કેલી છે. આપણી પાસે  ઉપાય પણ નથી.'

ઇન્દ્રદેવે મહાદેવજીની સામે જોઈ કહ્યું, 'મહાદેવ, ત્રીજું નેત્ર ખોલી પૃથ્વીને ભસ્મીભૂત કરી નાંખો.'

બ્રહ્માજી કોપાયમાન થઈ ઇન્દ્ર સામે જોઈ બોલ્યા, 'મેં પૃથ્વીનું સર્જન કર્યું છે. મારી પાસે પણ બ્રહ્માસ્ત્ર છે. આપણે સર્જનાત્મક વિચારો કરવાના હોય આવા નકારાત્મક નહીં. ઈમારતને બનતાં વર્ષો નીકળી જાય છે પણ તોડવામાં વાર ના લાગે. હજું તમારામાં બાળક બુદ્ધિ જ છે!.'

નારાયણ નારાયણ.. કહીં નારદજીએ ઈન્દ્રને ઠપકો આપ્યો. 

'બી પોઝિટિવ. તમારી પાસે તો ઇન્દ્રપુરી છે. પણ બ્રહ્માજીનું શું?'

આ બધી ચર્ચા સાંભળી દેવો વધુ ચિંતિત થયાં.

મહાદેવે બધાંને શાંત રહેવા કહ્યું.

તેઓ મંદ મંદ હસતાં જ રહ્યાં. 

નારદજી બોલ્યા, 'આવી ગંભીર પરિસ્થિતિમાં તમને હસવું આવે છે!'

મહાદેવજીએ જણાવ્યું કે આમાં ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. ભલે તેઓ સર્જન કરતાં. ભલે કળિયુગની કામધેનું તેમને અમૃત જેવાં ફળોનું રસપાન કરાવે. વળી વિસર્જન કરવાનું તો હજુ તેમણે વિચાર્યું જ નથી. વિસર્જનનો વિચાર તો પેલા દાદાને આવ્યો છે. દાદાએ તો જિંદગી જીવી લીધી છે. બીજાને મઝા કરવાં દો.'

વરૂણદેવે કીધું કે અમે દાદાને વચન આપ્યું છે કે ઉપાય મળશે તો ચોક્કસ બતાવીશું. આપણાંથી ખોટું ના બોલાય. પછી કોઈ આપણી પર વિશ્વાસ નહીં કરે. આમેય દાદાને વહેમ તો છે જ કે અમે દેવો હતાં. ભવિષ્ય માટે પણ રસ્તો તો બતાવવો જ પડશે ને?'

અત્યાર સુધી શાંત રહેલા રામ ભગવાન બોલ્યા, 'સાચી વાત. પ્રાણ જાયે પર બચન ન જાયે.'

મહાદેવે વરૂણદેવ સામું જોઈને કહ્યું, 'જરૂર પડશે તો "મોહિની" છે જ ને. વિષ્ણુ ભગવાનની લીલા યાદ નથી? મોહિની સ્વરૂપ યાદ નથી!'

'ઘણો સમય થઈ ગયો. વિગતવાર સમજાવો કે "મોહિની" સ્વરૂપ અહીં કંઈ રીતે કામ કરશે!'

ઇન્દ્રદેવ આજકાલ અંગ્રેજી વધું બોલવા માંડ્યાં હતાં.‌ 

તેમણે પૂછ્યું, 'ફોર્મ્યુલા શું છે?'

બધાં હસી પડ્યાં. મહાદેવે વિગતવાર સમજાવવા માંડ્યું કે વિષ્ણુ ભગવાને બે વખત "મોહિની" સ્વરૂપ ધારણ કર્યું હતું. મોહિની એટલે દેવી સ્વરૂપ, શક્તિ સ્વરૂપ. જ્યારે સર્જનહાર પોતે જ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે મોહિની સ્વરૂપ લઈને સમસ્યાનું સમાધાન કરે છે. જ્યારે કોઈ ઉપાય ના મળે ત્યારે દેવી ભગવતીને જ યાદ કરવા પડે.

જે સર્જન કરે તે જ સંહાર કરે. ભગવાનનો મોહિની અવતાર પણ એ જ કહે છે.

જ્યારે સમુદ્ર મંથન થયું અને દાનવો પાસે અમૃત આવી ગયું. વિષ્ણુ ભગવાને મોહિની અવતાર લઈને બધાંને એટલે કે તમને બચાવી લીધાં હતાં ને?

એવું જ બાણાસુર વખતે થયું હતું. મેં બાણાસુરને વરદાન તો આપી દીધું કે એ જેનાં માથાં પર હાથ મૂકશે તે બળીને ભસ્તીભૂત થઈ જશે. તે તો મારી સામે જ થયો! મારાં માથા પર હાથ મુકવા માટે મારી પાછળ દોડ્યો. ત્યારે પણ વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. બાણાસુર મોહિનીનાં રૂપથી પ્રભાવિત થઈ ગયો હતો. તેની આગળ પાછળ ફરવા માંડ્યો હતો. મોહિનીએ તેને વધુને વધુ આશક્ત બનાવ્યો હતો. એક દિવસ મોહિની નૃત્ય કરવા માંડી. બાણાસુર પણ તેની સાથે નૃત્ય કરવા લાગ્યો. મોહિની જે અદા કરે તે જ અદા બાણાસુર કરવાં લાગ્યો.'

'કપલ નૃત્ય જેવું.' નારદજી બોલ્યા.

' હા, તેવું જ. નૃત્ય કરતાં કરતાં મોહિનીએ પોતાનો હાથ પોતાનાં માથા પર મૂક્યો. મોહિની સાથે નૃત્યમાં ભાવવિભોર થયેલાં બાણાસુરે તેની નકલ કરતાં પોતાનો હાથ પોતાનાં માથા પર જ મૂકી દીધો.'

'બાણાસુર, મોહિનીથી આટલો બધો મોહિત થઈ ગયો હતો કે તેનાં ઈશારે પોતાનો હાથ પોતાનાં માથાં પર જ મૂકી દીધો!'

'હા, અને તેનો નાશ થયો.

ટૂંકમાં, પહેલાં તો એવું કોઈ સર્જન ના કરવું જોઈએ કે જેનું વિસર્જન ના થાય. 

અને જો સર્જન થઈ ગયું જે વિનાશકારી હોય, વધુને વધુ મુશ્કેલીઓ પેદા કરતું હોય તો પછી સર્જનહારે પોતે જ તેનું સમાધાન કરવું પડે.'

વરુણદેવ બોલ્યા, 'હું  સમજી ગયો કે મોહિની એટલે સુંદરતા નહીં પણ જ્ઞાનનો ભંડાર. 

તે શક્તિ છે. ભ્રમણાઓને તોડી ભેદરેખાની ખબર પાડે છે. તે એક એવું પ્રતિક છે જે મુશ્કેલી વખતે મદદ કરે છે.

હાલ, તો કળિયુગની કામધેનુની કરામત એટલે કે એ આઈ.ની કરામતો માનવીને માણવા દો. થાકશે ત્યારે મોહિની પ્રગટ કરશે. જે દરેકની અંદર જ હોય છે. અંદરની શક્તિ. પૃથ્વીવાસી પાસે પણ છે. તેને તે જાગૃત કરશે.'

દેવોની ચિંતા ટળી. તેઓ પ્રસન્ન થઈ ગયાં. સભા પોતપોતાનાં મોબાઈલ અને લેપટોપ લઈને વિખરાઈ ગઈ. પણ તપાસ કમિટી ચિંતામાં પડી.  દાદાને આ વાત તો સમજાવવી જ પડે કે માનવીએ પોતે જ મોહિની પેદા કરવી પડશે. જે તેમની અંદર જ છે. તેઓ દાદા સુધી આ વાત કેવી રીતે પહોંચાડવી તેનો રસ્તો વિચારવા માંડ્યાં. 

ચતુર નારદજીને  રસ્તો મળી ગયો. તે તો મોહિની.. મોહિની...તંબૂરા પર ગાવા લાગ્યાં. તેમણે  એપલની નોટબુક હાથમાં લીધી.

       સંશોધન કરતાં દાદાજીની બાજુમાં પડેલા લેપટોપમાં કંઈક બ્લિન્ક થયું. તેમણે ગ્રંથને બંધ કરી બાજુમાં મુક્યો. પોતાનો મેઇલ ખોલ્યો. તેમણે મેઇલમાં વાંચ્યું. 

મોકલનાર: નારદજી

ઈમેઈલનો વિષય: "મોહિની."

 

 

 
 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ