વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ જ દોજખ છે

બીભત્સ અને ક્રૂર

“આ તો દોજખ છે….” એની છાતી ધમણની જેમ ફૂલી રહી હતી. એની આસપાસ આગ અને રાખનો ઢગલો હતો. આ આગ પણ પ્રવાહીના અનેક રેલા બની સતત સરકતી હતી.

એણે ત્રાડ પાડી, “આ દોજખમાં હું શું કરું છું? મને અહીં કોણ લઈ આવ્યુ છે? કોણ છે મારા જીવનો વેરી?” પણ ત્યાં જવાબ આપવા કોઈ હાજર નહોતું. એણે અનુભવ કર્યો કે ભયાનક ગરમીને કારણે એના શરીરના દરેક છિદ્રમાંથી પસીનો આંસુડાની જેમ ધાર બની વહી રહ્યો હતો. એના શરીરમાંના પાણીનું નિર્જલીકરણ થઈ ગયું હતું. વિજ્ઞાનના જ્ઞાનને આધાર માનીએ તો એક પુખ્ત વયના મનુષ્ય શરીરમાં સાઠ ટકાની માત્રામાં પાણી હોય છે. એટલે નહીં નહીં તો પણ એનું શરીર સંકોચાઈને અડધું થઈ ગયું હતું. એણે પોતાનું શરીર જોવા માથું નમાવવાની કોશિશ કરી પણ એની ગર્દન જ ગાયબ હતી. એ પોતાનો ચહેરો ફેરવી કે હલાવી શકતો નહોતો કારણ એની ડોક એની છાતીમાં ઉતરી ગઈ હતી. એણે પોતાની શક્તિથી વધારે જોર લગાવી નીચે જોવાનો પ્રયત્ન કર્યો તો ગર્દન વગર એ ચહેરો નમાવી તો શક્યો નહીં પણ આ પ્રયાસ દરમ્યાન એની એક આંખમાંથી ડોળો બહાર નીકળીને એકાદ નસને સહારે લટકી ગયો હતો. પગ નીચેની આગની વરાળને કારણે એ ઘડિયાળના લોલકની જેમ ઝુલણિયું બની ગઈ હતી.

એ આશ્વાસ્ત થયો, “હશે…!!!” પણ હવે એ પોતાના શરીરને જોઈ શકતો હતો. એ લગભગ એક આગ અને રાખ ઓકતા સક્રિય જવાળામુખીઓના જીવંત વિસ્તારમાં એકલો અટુલો ઊભો હતો. અચાનક એનો લટકી રહેલો લોચન પણ ઓગળવા લાગી ગયો. એણે અગ્નિ પ્રજ્વલિત ચક્ષુથી દ્રષ્ટિ માંડી તો એના કપડાં ભડકે બળી રહ્યા હતાં. એણે નાસવા પ્રયાસ કર્યો પણ એના પગ લાવારસના કદડામાં ખૂંપી ગયા હતા. એના શરીરમાંથી જલતત્વ સમાપ્ત થઈ જતાં હવે એના શરીરના છિદ્રોમાંથી રક્ત બિંદુઓ બહાર નીકળી જામી જતાં હતાં. એની ઉપર ઉડતી રાખના થર બની રહ્યાં હતાં. એની સળગતી આંખ બળીને ખરી પડતાં એની પાસે એક જ આંખ બચી હતી એ ફક્ત સામે જ જોઈ શકતી હતી. એને અનુભવ થયો કે એ કોઈ મોટા ખાડામાં અટવાઈ ગયો છે અને ત્યાં અજવાળું એ સૂર્ય પ્રકાશ નહીં પણ લાવારસના દાવાનળની ઉજ્જવળતા હતી. જોતજોતામાં એની બીજી આંખ પણ દેહ ત્યાગ કરી બહાર લટકી ગઈ હતી. એનું અસ્થાવર શરીર અચલ સ્થિર બની ગયું હતું. અધૂરામાં પૂરું એ જ સમયે એની જીભ પણ અચાનક બહાર આવી ખેંચાઈ ગઈ હતી. એની જીભ આઠ અલગઅલગ ભાગમાં ફાટી ગઈ હોવાથી નાગની જીભની જેમ લપકારા મારતી હતી. નાગની દ્વિ ભાગીય જીભની જેમ એની જીભ બહાર નીકળીને ઓક્ટોપસની જેમ એની લટકતી બીજી આંખને ખેંચી લઈને ગળી ગઈ. એ ચીસ પાડી ઉઠ્યો, “આ તો દોજખ છે….” એની છાતી ધમણની જેમ ફૂલી રહી હતી. એ પોતાના પલંગમાં પડ્યો કણસી રહ્યો હતો.

એ વિપુલ હતો, વિપુલ વાડીલાલ. એને લગભગ દર અમાસની રાતે એકાદ ચીતરી ચડે એવું ભયાનક, બીભત્સ, જુગુપ્સિત સ્વપ્ન હેરાન પરેશાન કરવા આવી ચડતું હતું. જોકે સ્વપ્ન તો દરેક મનુષ્યને આવતા જ હોય વિપુલને પણ રોજ સ્વપ્ન આવતાં હતાં પણ મોટાભાગના સ્વપ્ન એ ઊંઘ સમાપ્ત થતાં ભૂલી જતો પણ દર મહીનાની અમાસની રાતનું સ્વપ્ન એના માટે ખૂબ જ બિહામણું પુરવાર થતું. સાથે સાથે એ સ્વપ્નની પીડાનો એના શરીર પર જાગૃત થયા બાદ પણ અનુભવ કરી શકતો હતો. એને અમાસના આ બીભત્સ સ્વપ્નની દરેક વાત યાદ રહેતી હતી.

આથી એણે નિર્ણય લીધો કે એક સારા મનોચિકિત્સકનો સંપર્ક કરી એનો ઈલાજ કરાવી લેવો. એણે આ માટે ડો. ક્રિમીયા કારીગર સાથે મુલાકાત સમય નોંધાવી લીધો હતો. ડો. ક્રિમીયા કારીગર ખૂબ મોટું નામ હોવાથી એને ખાતરી હતી કે તેણી એનો આ હોરર શો બંધ કરાવી દેશે.

મુલાકાતના સમયે ડો. ક્રિમીયા કારીગરે એને વિશ્વાસમાં લઈ એને એ બીભત્સ શમણાંની યાદ હોય એ દરેક વાત જણાવવા કહ્યું. ત્યારે વિપુલ એ સ્વપ્ન એની આંખ સામે ઘટી રહ્યું હોય એટલાં આત્મવિશ્વાસ સાથે જણાવવા લાગ્યો. ડો. ક્રિમીયાએ એની દરેકે દરેક વાત રસપૂર્વક સાંભળી પેડ અને મગજમાં નોંધી લીધી હતી. પછી એમણે એને એક પ્રશ્ન પૂછ્યો, “સર, એ જગ્યા કઈ હતી?”

વિપુલે અડસટ્ટે જવાબ આપ્યો, “મંગળ ગ્રહ હતો.” ગ્રહોના સેનાપતિ મંગળને નવ ગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. સાહસ અને શૌર્યના દાતા છતાં ક્રૂર એવા મંગળ ગ્રહને ગ્રંથોમાં પૃથ્વીનો પુત્ર કહેવાયો છે, મનુષ્યના પેટ, પીઠ, કાન, નાક અને ફેફસા ઉપર એ ત્વરિત અસર કરે છે આ ગ્રહ. એણે તો સર્ચ એંજિન પરથી મળેલી આવી માહિતીઓનો ઉપયોગ કરીને ફક્ત અંદાજ બાંધ્યો હતો.

ડો. ક્રિમીયા કારીગરે એને માહિતી આપી કે એણે વર્ણન કરી હતી એવી જગ્યા પૃથ્વી પર જ હતી. આફ્રિકાખંડના ઇથોપિયા દેશમાં ડાનાકિલ ડિપ્રેશન નામનો વિશ્વનો સૌથી સૂકો અને ગરમ વિસ્તાર છે. જેનું સરેરાશ વાર્ષિક તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ રહે છે. પૃથ્વી પર વધુ તાપમાનનો રેકોર્ડ ધરાવતા સ્થળોનું પણ સરેરાશ તાપમાન પણ આટલું ઉંચું રહેતું નથી. આ વિસ્તારમાં બારેમાસ ધોમધખતા ઉનાળા પછી વરસાદ માંડ સો મિલીમિટર જેટલો પડે છે.

ડાનાકિલ ડિપ્રેશન દરિયાની સપાટીથી સવાસો મીટર નીચે છે. અધૂરામાં પુરું અહીંના ભૂગર્ભમાં ત્રણ ટેકટોનિક પ્લેટ છે. આ પ્લેટો દર વર્ષે બે સેન્ટીમર જેટલી એક બીજાથી દૂર ખસતી જાય છે. નવાઇની વાત તો એ છે કે અહીં પડકારો અને હાડમારી હોવા છતાં દાયકાઓથી માનવ વસાહત પાંગરી છે. ટેકટોનિક પ્લેટોના લીધે પૃથ્વીના પેટાળમાં સતત હિલચાલ થતી હોવાથી સમયાંતરે ધગધગતો લાવા અને ગરમી બહાર નીકળે છે.

આ ઉપરાંત સતત આગ અને રાખ ઓકતા સક્રિય જવાળામુખીઓના લીધે પણ એનું તાપમાન ઉંચું રહે છે. આથી ડાનાકિલ ડિપ્રેશન નામના આ સ્થળે જઇએ ત્યારે જાણે કે મંગળ ગ્રહ પર પહોંચી ગયા હોય તેવો ભાસ થાય છે. અહીં લાવા ખાડામાં જમા થઈને જામી જતો પણ જોઈ શકાય છે. દાયકાઓ પહેલાંનો લાવા ઠંડો થવાથી બનેલી નાની ટેકરીઓ અને પહાડો પણ ત્યાં દેખાય છે. આ વિસ્તારમાં અવાશ નામનો પીવાના પીણીનો સ્ત્રોત છે. જે દર વર્ષે ગરમીની સિઝનમાં સૂકાઈ જાય છે. એ સમયે તેના પટમાં સફેદ ક્ષાર જામી જાય છે. આ ક્ષારના પથ્થરો તરાશીને ત્યાંના લોકો બજારમાં એ મૂર્તિઓ વેચીને રોજગારી મેળવે છે. આટલી માહિતી આપી એમણે એને અમુક ગળવાની ગોળીઓ લખી આપી હતી. એને રાતના સૂતી વખતે તકિયા તળીએ લોખંડનું ચપ્પુ રાખવાનો આદેશ આપ્યો. એના માટે આ ઇલાજ કારગત સાબિત થયો. બીભત્સ સ્વપ્ન બંધ થઈ ગયા હતા.

*

“આ તો દોજખ છે….” એનું શરીર ટાઢું પડી ગયું હતું. એ શીતાગાર બની અસહ્ય કંપન અનુભવી રહ્યો હતો. એની આસપાસ માઇલો સુધી ફક્ત બરફ આચ્છાદિત જમીન હતી. એની ઠંડીમાં એ ઠુઠવાઈ રહ્યો હતો.

એણે ત્રાડ પાડી, “આ દોજખમાં હું શું કરું છું? મને અહીં કોણ લઈ આવ્યુ છે? કોણ છે મારા જીવનો વેરી?” પણ ત્યાં જવાબ આપવા કોઈ હાજર નહોતું. એણે અનુભવ કર્યો કે એના શરીરના ગાત્રો શોષાઈને શિથિલ થઈ ગયાં હતાં. 

ત્યાં માત્ર હિમ સામ્રાજ્ય સ્થાપિત હતું એટલે કોઈ પણ પ્રકારનું ઘાસ, વનસ્પતિ કે વૃક્ષ ઉગ્યા નહોતા.

એનું શરીર કપાયેલા વૃક્ષના લાકડા સમાન ભારેખમ અને અક્કડ બની ગયું હતું. એણે હાથ પગ હલાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો પણ એને લાગ્યુ કે એ હિમમાનવ બની જઈ કોમા અવસ્થામાં પહોંચી ગયો હતો. એનો શ્વાસ ચાલુ હતો અને કદાચ મગજ પણ. એની કાયા થીજી ગઈ હતી. થાંભલો બની ચૂકેલા એના શરીરને સતત ધ્રુજારી અનુભવાઈ રહી હતી. કાતિલ ઠંડી ધરાવતા આ બર્ફિલા પ્રદેશમાં અદભૂત શ્વેત કુદરતી સૌંદર્ય હતું પણ એની આંખોના પોપચાં હવે ઢળી રહ્યા હતાં. એમ કહી શકાય કે પોતાની આંખના પોપચાંનું વજન પણ એ ઉપાડી શકે એમ નહોતો. હવે એના માટે ઊભા રહેવુ બિલકુલ અશક્ય હતું. એ મૃત વૃક્ષની જેમ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ હતો.

અચાનક એના શરીરમાં મરણ પૂર્વે થાય એમ ઠરી ગયેલા શરીરમાંથી પુષ્કળ પરસેવો છૂટી રહ્યો હતો. એ પ્રસ્વેદ બિંદુઓને લીધે પોતાના પોપચાંનો ભાર ઉપાડવા સક્ષમ બન્યો હતો. અચાનક એને આંખોથી લોહી વહેવું, ભયંકર માથાનો દુઃખાવો, વોમિટિંગ જેવી સમસ્યાની પીડા થવા લાગી હતી. એ હજી પગ સંપૂર્ણ રીતે હતપ્રભ હતો.

એણે મહા મહેનતે ઉધાડેલ આંખોથી જે દ્રશ્ય જોયું તો એના સમગ્ર ચેતનાક્રમમાં કમકમાટી વ્યાપી ગઈ હતી. એના શરીર પર અસંખ્ય સફેદ ઉંદરો ચડી ચૂક્યા હતાં. કાતિલ શીતળતાને કારણે એની ચામડી અને અંગો પહેલાંથી જ બહેર મારી ગયા હતાં. વળી આ બરફ રંગી રૂની ધોળી પૂણી જેવા ઉંદરો એના શરીરને ફૂંકી ફૂંકીને કોતરી રહ્યાં હતાં. એમના સફેદ શરીર લાલ ચટક બની રહ્યા હતા એના વહેતા લોહીને લીધે.

એણે ત્રાડ પાડવાની ઇચ્છા કરી પણ એના ગાલ પર ચડી, કોતરી રહેલા ચાર ઉંદરો એની નરમ નરમ જીભની જિયાફત માણી રહ્યાં હતાં. નવા નવા ઉંદરો ઉપર આવતા હતા અને એના શરીર પર વધુ ઉપર ને ઉપર ચડી રહ્યાં હતાં. ધીમે ધીમે એના નાક તથા કાનનાં કાણાં પર હુમલો કરવામાં આવ્યો. એમાંના એક ઉંદરે એની એક આંખ કોતરવાની શરૂઆત પણ કરી દીધી હતી.

હવે એ ઉંદરોના શરીરને લીધે મળેલી એની ઉષ્ણતા ફરી એકવાર ધટી રહી હતી અને વાતાવરણની અસહ્ય ટાઢ લાગવી શરૂ થઈ ગઈ હતી. એનાથી એ સહન થઈ શકે એમ ન હોવાથી એણે રાડ પાડી, “આ તો દોજખ છે….” એનું શરીર હદ બહાર ટાઢું પડી ગયું હતું. એ પોતાના પલંગ પર શીતાગાર બની અસહ્ય થરથરાટી અનુભવી રહ્યો હતો.

થોડી વાર બાદ, થોડી કળ વળતા, એણે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરી દેશી પંચાંગ જોયું તો એ અમાસની રાત હતી. આમ એને આવતા સ્વપ્નો બંધ થઈ ગયા હતા એવો ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ મહીનાની અમાસની રાતનું સ્વપ્ન પણ ખૂબ જ બિહામણું પુરવાર થયુ હતું. હંમેશની જેમ એ સ્વપ્નની પીડાનો એના શરીર પર અનુભવ કરી રહ્યો હતો, વિપુલ વાડીલાલ. એને આ બીભત્સ સ્વપ્નની દરેક વાત યાદ રહી ચૂકી હતી.

એણે ડો. ક્રિમીયા કારીગરને ફોન ડાયલ કર્યો. આ મિટિંગ વખતે એણે પોતાના અનુભવ જણાવતા અંદાજ લગાવ્યો હતો કે એ શની ગ્રહ પર હતો. જોકે ડોક્ટરે એના વર્ણન મુજબ વિપુલ વાડીલાલને જાણ કરી કે એ રશિયા દેશના સાઇબિરીયા નામના શીતાગાર પ્રદેશનો બીભત્સ અનુભવ સ્વપ્નના માધ્યમથી માણી આવ્યો હતો. એ જ દવાનો થોડો ભારે ડોઝ લખી આપવામાં આવ્યો હતો.

*

“આ તો દોજખ છે….” એના શરીરમાં ઊભી વાટ પડી ગઈ હતી. એ કોઈ નષ્ટ થયેલા શહેરના રણમાં ઊભો હતો. અહીં ચોતરફ ધ્વસ્ત ઇમારતોના કાટમાળ તથા રાખના ઢગ ખડકાઈ ગયાં હતાં. વિવિધ રીતે સડી ગયેલ મૃતદેહો અને હાડપિંજરોનો ઢગલો જોઈ એનૈ અંગેઅંગમાં અસહ્ય લકવો લાગુ પડી ગયો હોય એમ એ ચરચરાટી અનુભવી રહ્યો હતો. એનું દરેક અંગ કંપારી અનુભવી રહ્યું હતું. એના શરીરનો દરેક ભાગ વારંવાર સુન્ન પડી જતો હતો. એના હાથ પગને નૈતિક ક્રિયા કરવામાં મુશ્કેલી પડી રહી હતી. એના માથાનો દુઃખાવો અસહ્ય બની રહ્યો હતો. એને લાગતુ હતુ કે એને ચક્કર આવી રહ્યા છે પણ એ પડવાને બદલે ઊભો જ હતો. ક્યારેક ક્યારેક પક્ષાઘાત શિકાર વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે. જોકે એની લકવાગ્રસ્ત આંખોને અવળી અસર પહોંચી હતી, જેના કારણે એની દ્રષ્ટિ નબળી પડી ચૂકી હતી એને બધું ધુંધળું દેખાવા લાગ્યું હતું.

એની ડોક એક તરફ પડી ગઈ હતી તો એની હડપચી એક તરફ ફરી જવાથી એના મોંમાંથી જીભ બહાર આવી લટકી ગઈ હતી. એ લટકતી જીભના સહારે અંદરથી કાળી મેસ સમાન લાળ નીચે ટપકી રહી હતી. એના નાકમાંથી નારંગી રક્ત તો એની આંખમાંથી લાલ રાખ ઝરતી હતી. એના પગ પાસે કીડીયારું ઉભરીને ઝડપથી રાફડો બની રહ્યું હતું. કીડીઓ એના શરીરમાં પ્રવેશીને લોહીના પ્રવાહ સાથે દોડાદોડી કરી રહી હતી. એનું લોહી વિવિધ ગાંઠો બની ક્યાંક અટકી રહ્યું હતું. સમસ્યા એ હતી કે સામે એક કીડીખાઉ પ્રાણી ઊભું હતું. એની ચાર ફૂટની કાયા કાચંડાની જેમ રંગ બદલી રહી હતી. એ કીડીયારું વધે એની રાહ રહ્યું હતું. જેવું એ કીડીયારું એની છાતી સુધી પહોંચી ગયું કે એણે કીડીઓ સાથે સાથે એની કાયા ખાવાની શરૂઆત કરી દીધી હતી. એણે ચીસ પાડી, “આ તો દોજખ છે…” એના શરીરમાં ઊભી વાટ પડી ગઈ હતી. એ પોતાના પલંગ ઉપર તંદ્રામાં આ સ્મશાનને જોઈ રહ્યો હતો.

એણે ફરી એકવાર ડો. ક્રિમીયા કારીગરને ફોન ડાયલ કર્યો. આ વખતની મિટિંગ દરમ્યાન એણે પોતાના અનુભવ સહ અંદાજ લગાવ્યો કે એ બુધ ગ્રહ પર હતો. જોકે ડોક્ટરે એના વર્ણન મુજબ વિપુલ વાડીલાલને જાણ કરી કે એ એક સમયે અસ્તિત્વ ધરાવતા પેલેસ્ટાઈન દેશના અમુક નાશ પામેલા ભાગનો બીભત્સ અનુભવ કરી રહ્યો હતો.

પોતાના બીભત્સ સ્વપ્નોથી પરેશાન વિપુલ વાડીલાલ હવે બે મહિનાથી ડો. ક્રિમીયા કારીગરના ખાસ કોઈ ઇલાજ વગરના બહાનાઓથી કંટાળી ગયો હતો. એણે એમની ઉપર કાનૂની કેસ ઠોકી દેવાની ધમકી આપી દીધી હતી. જોકે ડો. ક્રિમીયા કારીગર પોતે મનોચિકિત્સક હોવાના કારણે એમણે એમના પેશન્ટની ધમકી અવગણીને પોતાના સિનિયર એવા આંતરરાષ્ટ્રીય મનોચિકિત્સક ગુરુ ડો. લાઇઝર લીયો સાહેબનો ફરી એકવાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંપર્ક કર્યો હતો.

જ્યારથી એ આ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા કેસ પર સ્ટડી કરી રહી હતી ત્યારથી જ એ પોતાના સિનિયર એવા આંતરરાષ્ટ્રીય મનોચિકિત્સક ગુરુ ડો. લાઇઝર લીયો સાહેબના સતત સંપર્કમાં હતી. ડો. લાઇઝર લીયો પણ આ કેસમાં અંતઃકરણથી જોડાઈ ગયા હતા પણ કોઈ સુરાગ હજી હાથ લાગ્યો ન હતો. પણ તેઓ એટલા નિદાન પર ચોક્કસ આવી ગયા હતા કે કોઈ અવગત પરગ્રહી આત્મા આ પેશન્ટના મગજ પર દર અમાસની રાતે આક્રમણ કરી રહી છે. એ કોની આત્મા હશે અને કયા કારણસર આવા હુમલા કરી રહી છે, વગેરે પ્રશ્નોના ઉત્તર જાણવુ એ એક વિશાળ પડકાર હતો. તેઓ સતત આ જટિલ પ્રશ્નનો તોડ શોધી રહ્યા હતા તો એમની શિષ્યા ડો. ક્રિમીયા કારીગર પણ એ દિશામાં અથાગ પ્રયત્ન કરી રહી હતી.

એમને જાણ હતી કે આ અતૃપ્ત આત્માઓ પણ ભયંકર અહંકારી હોય છે. જો કોઈ એમની હસ્તીને સ્પર્શ કરવા પ્રયત્ન કરે તો એ એમને હિન્ટ આપી વધુ મુશ્કેલ પડકાર ઊભા કરવા પ્રયત્ન કરતી હોય છે. એટલે આ પેશન્ટે કોઈ મનોચિકિત્સક ડોક્ટરનો સંપર્ક કર્યો જ હશે એમ ધારીને આ આત્માઓ એ મનોચિકિત્સક ડોક્ટર્સ સાથે રમત રમી લેતી હોય છે.

પોતાના મનોચિકિત્સક ડોક્ટરની મથામણ સમજ્યા વગર વિપુલ વાડીલાલે ડો. ક્રિમીયા કારીગર સામે ફી લઈ, સમય બગાડી, કોઈ ઈલાજ ન કરવા માટે નોટિસ ફટકારી દીધી હતી. હકીકતમાં એ ડોક્ટરથી નહીં પણ બીભત્સ સ્વપ્નથી પરેશાન હતો.

*

વાસ્તવમાં વિપુલ વાડીલાલ તરફથી કાનૂની નોટિસ મળવા પહેલાં જ ડો. ક્રિમીયા કારીગરે આ કેસનો તોડ શોધી લીધો હતો. એણે વિપુલને ફોન કરી તાબડતોબ મળવા આવવા આમંત્રણ આપી દીધું હતું પણ એને ખાતરી હતી કે આ ડોક્ટર પોતાની કાનૂની નોટિસથી ડરીને એને ફરી ઊઠાં ભણાવવાં પ્રયત્ન કરશે. પોતે ભરમાઈ જઈને છેતરાશે નહીં એવા દ્રઢ સંકલ્પ સાથે એ એમને મળવા ગયો જ નહીં. ડો. ક્રિમીયા કારીગરે એના ગુરુ ડો. લાઇઝર લીયો સાહેબને સંપૂર્ણ રિપોર્ટ આપી દીધો હતો કે આ આત્મા, જે વિપુલ વાડીલાલની પાછળ પડી છે, એ મહાન વાર્તાકાર ઈસપની છે.

ઈસપ (ઈ. પૂ. છઠ્ઠી સદી) ગ્રીક પ્રાણી કથાઓના સંગ્રહનો જગવિખ્યાત સર્જક હતો. એની વાર્તાઓ ‘દ્રાક્ષ ખાટી છે’, ‘બિલાડીના ગળે ઘંટ’ વગેરે એકવીસમી સદીમાં પણ ખૂબ પ્રખ્યાત છે. એ સમયના એક લેખક હેરૉડોટ્સે એને ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં જીવંત વ્યક્તિ કહ્યો હતો. ઈ. સ. ની પ્રથમ સદીના લેખક પ્લુટાર્કે તેને બેબીલોનના રાજા ક્રોઈસસનો સલાહકાર ગણ્યો હતો. જોકે એના અસ્તિત્વ વિશે જાત જાતની માન્યતાઓ ફેલાઈ છે અને સમયાંતરે બદલાઈ પણ છે.

એક માન્યતા મુજબ એનો જન્મ થ્રેસમાં થયો હતો. તે સેમોસ નામના ટાપુ પર ગુલામ તરીકે જીવન વ્યતીત કરી રહ્યો હતો. ઈસોપ ગુલામ તો હતો પણ આખરે એ પોતાની બુદ્ધિના કારણે મુક્ત થઈ ગયો હતો. એણે એક શ્રીમંતના કેસમાં વકીલ તરીકે દલીલ કરી હતી અને એ કેસ જીતી ગયો હતો. એક પછી એક, બુદ્ધિશાળી સફળતાઓ બાદ એ રાજા લાઇકરગસનો એક કોયડો ઉકેલવા બૅબિલૉન ગયો હતો.

બૅબિલૉનના રાજા ક્રોઈસસે એની પોતાના રાજ સલાહકાર તરીકે નિમણૂંક કરી હતી. એક વખત રાજાએ એને રાજકાર્ય માટે ડેલ્ફી મોકલ્યો હતો. આમ એક નીચ ગુલામ તરીકે પરંપરાગત જીવન જીવતો ઈસપ પોતાની ચતુરાઈથી સ્વતંત્રતા મેળવીને રાજાઓ તથા રાજ્યોનો સલાહકાર પણ બન્યો હતો.

બદનસીબે ડેલ્ફીમાં એનો કોઈક સાથે ઝઘડો થતાં દુશ્મને તેને પર્વતની ધાર પરથી ખીણમાં ધકેલી દીધેલો અને એટલે એ મૃત્યુ પામ્યો હતો એવી વાતો થતી હતી. છેવટે ચૌદમી સદીના સાધુ મેક્સિમસ પ્લાનુડ્ઝેસે ઈસપની પ્રાણીકથાઓના સંગ્રહની પ્રસ્તાવનામાં ઈસપના જીવન વિશે અનેક પ્રસંગો આલેખેલા છે છતાં પણ એના વિશે સત્ય કોઈને ખબર નથી.

*

ફરી એક વખત અમાસની રાત આવી ગઈ પણ આ વખતે સાવધ વિપુલ વાડીલાલે આખી રાત ઉજાગરો કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તાર્કિક નિષ્કર્ષ મુજબ જો એ રાતના ઊંધે જ નહીં તો એને કોઈ પણ બીભત્સ સ્વપ્ન આવી જ ના શકે.

બીજા દિવસે સવારે વિપુલ વાડીલાલની લાશ પંખા પર ગળફાંસો ખાઈને લટકતી મળી આવી. એની લાશના ડોળા કોઈએ નખ ઘૂસાડી ખેંચી લીધા હોય એમ બહાર લટકી પડ્યા હતાં. એની કાળી પડી ગયેલી જીભ બહાર લબડીને લટકતી હતી. એના હાથ, પગ તથા ચહેરો લકવાગ્રસ્ત થઈ ગયા હોય એમ એક તરફ અક્કડ થઈ વળી ગયા હતાં. એના શરીર પરથી ચામડી ઉતરડી લેવામાં આવી હોય એમ લોહીલુહાણ હતી. એનું મૃત્યુ અત્યંત ક્રૂર અને તકલીફદાયક હશે એવી ધારણા ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ કરી શકે એવી બિહામણી હાલતમાં એની લાશ લટકતી હતી.

એના અપમૃત્યુના સમાચાર ડો. ક્રિમીયા કારીગરે તરત એના ગુરુ ડો. લાઇઝરને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંપર્ક કરી, આપી દીધા હતાં. એણે એમને જાણ કરી દીધી હતી કે એ આત્મા ઈસપની જ હોઈ શકે એવી ભારોભાર શક્યતાઓ હતી.

હકીકતમાં ઈસપ ભલે ગુલામ હતો પણ આખરે પોતાની અલગારી બુદ્ધિમત્તાને કારણે એ અધમ ગુલામીની સાંકળ તોડીને મુક્ત થઈ ગયો હતો. પણ જ્ઞાનનું હોવું અને જ્ઞાનને જીરવી શકવું એ બંને વિરોધાભાસી વલણ છે. એણે અપાર સફળતા અને માન સન્માનના અહંકાર હેઠળ ત્યાંના વતની ડેલ્ફિયનોનું કોઈ રીતે ઘોર અપમાન કર્યું હતું. આ કારણે વેપોર નામના ડેલ્ફિયને એને ડેલ્ફિયનોનું અપમાન કરવા બદલ ડેલ્ફિયન મંદિરમાં ચોરીના ખોટા આરોપમાં ફસાવી દીધો હતો. આ કારણે એને તાત્કાલિક મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. એ માટે એને એ જ પર્વત શિખર પર સ્થિત મંદિરમાંથી વજનદાર ખડક સાથે બાંધી ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો હતો. એના મૃત્યુ પછી મોટાભાગની ડેલ્ફિયન જનતાનો રોગચાળા અને દુષ્કાળે ભોગ લીધો હતો. પણ નસીબનો બળીયો વેપોર બચી ગયો હતો.

બંને ડોક્ટરોએ આ વાતની નોંધ પોતપોતાની કેસ ફાઇલ રેકોર્ડમાં ઉમેરી,  એ ફાઈલ બંધ કરી દીધી હતી.

ડો. ક્રિમીયા કારીગરની કેસ ફાઈલ:

પેશન્ટ વિપુલ વાડીલાલ પર મસાન ઈસપની આત્મા અમાસની રાતે જ બીભત્સ સ્વપ્નોનો અંદેશો આપી દોજખનો અનુભવ કરાવતી હતી. એણે આપેલ હિન્ટ મેં ડિકોડ કરી લીધી છે. પ્રથમ સ્વપ્નમાં ઈથોપિયા, દ્વિતીય સ્વપ્નમાં સાઇબિરીયા અને તૃતીય સ્વપ્નમાં પેલેસ્ટાઈન. એના પ્રથમાક્ષર જોડીએ તો ઈસપ એવો સ્પષ્ટ સંકેત આત્મા દ્વારા આપવામાં આવ્યો હતો. 

ડો. લાઇઝર લીયોની કેસ ફાઈલ

કેસ - ભારતીય ડો. ક્રિમીયા કારીગરે આત્માના સંકેતને આબાદ રીતે ખોલી લીધો હતો. એ આત્મા ઈસપની જ હતી. વળી એ આત્મા સદીઓથી ચંદ્ર નિવાસી હોવાથી એ રોજ સ્વપ્નના માધ્યમથી પેશન્ટને ડરાવી તો શકતી હતી પણ એની ઉપર આક્રમણ તો એ ફક્ત ચંદ્ર કિરણની ગેરહાજરીમાં જ કરી શકતી હતી. આથી એ અમાસની અંધારી રાતોના એને દોજખનો અનુભવ કરાવતી હતી.

વિશ્લેષણ - ડેલ્ફિયન મંદિરમાં ઈસપને ચોરીના આરોપમાં ફસાવી દઈ એને તાત્કાલિક મૃત્યુદંડની સજા અપાવનાર વેપોર જ વિપુલ વાડીલાલ હતો. બૅબિલૉન રાજ્યનો રાજા ક્રોઈસસ, એ બીજું કોઈ નહીં પણ મારી શિષ્યા ડો. ક્રિમીયા કારીગર જ છે અને રાજા લાઇકરગસ એટલે માત્ર અને માત્ર અહીં સહી કરનાર ડો. લાઇઝર લીયો, એટલે હું સ્વયં છું. અતૃપ્ત આત્માઓ સમય સામે લાચાર હોઈ શકે પણ સમયાનુસાર પોતાનું વેર પોતે જ વાળીને જ જંપે છે. એમની બદલાની ભાવનાથી આપવામાં આવતી બીભત્સ અને ક્રૂર યાતનાઓ માટે એમ ચોક્કસ કહી શકાય, ‘આ જ દોજખ છે.’

(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ