વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વ માતૃભાષા દિવસ


         ૨૧મી ફેબ્રુઆરીએ 'વિશ્વ માતૃભાષા દિવસ' ઉજવાય છે. ભારતમાં ખાસ કરીને ગૂજરાતમાં આ દિવસ ઉજવવો અને લોકોને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવું ખૂબ જ જરૂરી છે, કેમ કે અંગ્રેજી ભાષા અપનાવીને આપણે જ આપણી ભાષાને પારકી બનાવી દીધી છે. 
         વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે, જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષાને બદલે અંગ્રેજી ભાષામાં થાય છે. વિષય તરીકે અંગ્રેજી શીખવું ખોટું નથી, પણ શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ. બીજી ભાષાના શિક્ષણથી બાળક તે સંસ્કૃતિ સાથે જોડાશે. નર્મદ અને નરસિંહ મહેતા સાથે એનો સ્નાન સૂતકનો સંબંધ પણ નહીં રહે. એમ પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાવાળા માત્ર પાંચ ટકા લોકો જ વિદેશ જતા હશે. પણ બાકીના જે અંગ્રેજ બન્યા એમનું શું ? તેઓ માતૃભાષામાં સગાંસંબંધીઓ સાથે પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી. તેથી એમનાથી તેઓ દૂર થાય છે. 
           કોઈ પણ ભાષા શીખવા માટેના મુખ્ય ચાર તબક્કા હોય છે : ૧. સાંભળવું, ૨. બોલવું, ૩. વાંચવું અને ૪. લખવું.
          જન્મ પછી બાળક પરિવારનાં સભ્યો દ્વારા બોલાતાં શબ્દો અને વાક્યોને સાંભળે છે. થોડા વખત પછી વારંવાર બોલાતાં શબ્દોનો ભાવાર્થ તે પોતાની તર્કશક્તિ વડે સમજે છે. પછી જ્યારે એ બોલવાનું શરૂ કરે છે ત્યારે એણે સાંભળેલા શબ્દો બોલે છે અને ધીમેધીમે તે વાક્યો બોલતા પણ શીખી જાય છે. આમ ઘરમાં બોલાતી માતૃભાષાના શબ્દભંડોળ તેમજ ભાષાજ્ઞાનમાં એ પારંગત બની જાય છે. સ્ત્રીલિંગ-પુલ્લિંગ શબ્દોનો ભેદ એ બરાબર સમજી જાય છે. વળી, વ્યાકરણની સામાન્ય તાલીમ લીધા વિના તે ભાષાકીય રીતે સાચાં વાક્યો બોલતું થઇ ગયું હોય છે.
         પણ એ જ્યારે અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય ત્યારે એને ત્યાં જન્મ પછી ભાગ્યે જ સાંભળ્યા હોય એવા શબ્દો સાંભળવા મળે છે. તેથી એ ગૂંચવાય છે. અંગ્રેજીનું ભાષાજ્ઞાન તેના માટે સીધું વાંચન-લેખનથી શરૂ થઇ જાય છે. સાંભળવું અને બોલવું એ બે તબક્કાઓનો એને લાભ મળતો નથી. બાળપણથી માતૃભાષામાં એની કેળવણી થઈ હોય છે, તેથી અંગ્રેજીમાં કેળવાતા એને વાર લાગે છે. નવા શબ્દોને યાદ રાખવા બાળક ગોખણપટ્ટી તરફ જાય છે. તેથી આપણાં સંતાનો માટે ભણતર સરળ બનાવવા માટે શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ.
         પોતાના અઢી-ત્રણ વર્ષના બાળકને ફરજીયાત અંગ્રેજી માધ્યમમાં મૂકીને, એ-ફોર એપલ ગોખાવતી આધુનિક મમ્મીઓએ બાળકને પડતી તકલીફ પણ સમજવી પડશે. તમે જ વિચારો જો તમે હજુ ચાઈનીઝ ભાષા શીખો છો અને તમારે ચાઈનીઝમાં ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ વગેરે ભણવાનું આવે તો તમારું શું થાય ? નાની ઉંમરે બાળકને આવતા હ્રદયરોગના હુમલા સ્ટ્રેસનું જ પરિણામ છે. ગુજરાતી માધ્યમ ક કલમથી જ્ઞ જ્ઞાન સુધી પહોંચાડે છે. જયારે અંગ્રેજી માધ્યમ એ ફોર એપલથી ઝેડ ફોર ઝીબ્રા એટલે કે જાનવર બનાવે છે.
         અંગ્રેજી ભાષા નાની ઉંમરે શીખવવાથી બાળકમાં રાષ્ટ્રગૌરવ આવતું નથી. માતૃભાષાને બદલે પરભાષાને વધુ પડતું મહત્ત્વ આપીને આપણે રાષ્ટ્રદ્રોહ જ કરીએ છીએ. 
         આપણને રાષ્ટ્રદ્રોહથી બચાવવા માટે અને બાળકોનું ભણતર સરળ થાય એ માટે અત્યારની સરકારે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનો નિયમ કર્યો છે એ આવકારદાયક પગલું છે. બાળકનું મનોજગત વિસ્મયથી ભરેલું હોય છે, જેનું સમાધાન માતૃભાષા થકી જ થઈ શકે છે. તો ચાલો વિશ્વ માતૃભાષા દિવસે આપણે બાળકને માતૃભાષામાં શિક્ષણ અપાવવાનો પ્રણ લઈએ.




















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ