વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વોર્ડ નંબર 23

સ્પર્ધા પડકાર-૨

વિષય 3: રહસ્ય-રોમાંચ

"ડૉક્ટર માયા....... ડૉક્ટર માયા.......", બૂમો પાડતો, સફેદ કોટધારી, લગભગ બાવીસેક વર્ષનો એક યુવાન, ડોકટર માયાની કેબિનમાં ધસી આવ્યો. એના શ્વાસ, ઝડપથી દોડવાને કારણે ફૂલી ગયા હતા. કપાળપર પરસેવાના બિંદુઓ ઉપસી આવ્યા હતા. ચહેરાપર બાર વાગેલા હતા.

"રાહુલ.... શુ થયું? એ ઠીક તો છે ને?", કંઈક ઇમરજન્સી હોવાના અણસાર આવતા જ માયા પણ પોતાની ખુરશી છોડી રાહુલ તરફ આગળ વધી.

રાહુલની આંખોમાં ડર જોઈને ડૉક્ટર માયાએ એક પણ ક્ષણ બગડ્યા વિના કેબિનની બહાર દોટ મૂકી. એની પાછળ પાછળ રાહુલે પણ માયાની સ્પીડને અનુસરી.

સ્પેશિયલ વોર્ડ નંબર 23 ના અર્ધખુલ્લાં દરવાજાને ધક્કો મારીને ડોકટર માયા, અંદર દોડી ગઈ. અંદરનું દ્રશ્ય જોઈને માયાની આંખો ફાટી રહી. એ મોટી મોટી આંખોએ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ. રૂમની વચ્ચો વચ્ચ એક પલંગ હતો, જેનાપર સફેદ ચાદર પાથરેલી હતી. જે અત્યારે કોઈના લોહીથી રંગાઈને આખી લાલ થઈ ચૂકી હતી.

ડોકટર માયાનું ગળું સુકાઈ ગયું. એની આંખોમાં આંસુ ઉભરી આવ્યા. ડોકટર માયાનું શરીર ધ્રુજવા લાગ્યું. અચાનક એની આંખો આગળ અંધારું છવાવા લાગ્યું અને જાણે એના પગમાંથી શક્તિ હણાઈ ગઈ હોય એમ એના પગ લથડી ગયા. રાહુલે ડોકટર માયાને ટેકો કરીને સહારો ના આપ્યો હોત, તો માયા અત્યારે જમીનદોસ્ત થઈ ચૂકી હોત.

"ડોકટર... તમે ઠીક તો છો ને?", રાહુલના અવાજમાં ચિંતા મિશ્રિત ભાવ હતા.

વોર્ડબોયે ઝડપથી માયા તરફ ખુરશી કરી અને રાહુલે સાચવીને માયાને ખુરશીપર બેસાડી. કોઈએ આવીને માયા તરફ પાણીનો ગ્લાસ અંબાવ્યો અને માયાએ મહાપરાણે પોતાને શાંત કરવા, ગ્લાસમાંથી પાણીના બે ઘૂંટડા ગળા નીચે ઉતારી દીધા.

"ક્યાં... છે એ?", માયાના અવાજમાં કંપારી અનુભવાતી હતી.

વોર્ડમાં અત્યારે લગભગ સાતેક વ્યક્તિ હાજર હતા. જેમાં, ડોકટર માયા અને રાહુલ સહિત 2 વોર્ડબોય અને 3 નર્સ હાજર હતી.

માયાના સવાલનો કોઈ જવાબ ના મળતા, એણે ફરી ઉંચા અવાજે પૂછ્યું, "ક્યાં છે એ?"

"ડોકટર,... અમે અહીં આવ્યા... ત્યારે રૂમમાં કોઈ... નહોતું.", એક નર્સે ડરતા ડરતા જવાબ આપ્યો.

એ નર્સનો જવાબ સાંભળી, માયાની આંખો આગળ બે દિવસ પહેલાનું દ્રશ્ય તરવરી ઉઠ્યું.


માયા, પોતાની કેબિનમાં બેસીને કોઈ દર્દીની ફાઇલ તપાસી રહી હતી.

"રાહુલ, તું શું સમજ્યો આ કેસ બાબતે?", માયાએ ફાઈલમાં જ મોઢું રાખીને સામેની ખુરશીપર બેઠેલા રાહુલને સવાલ કર્યો.

"મેડમ, દર્દીને હાઇડ્રોસેફાલસ છે. લગભગ એકાદ મહિના પહેલા એક એક્સિડન્ટમાં દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. મૂંઢમાર હોવાથી, મગજના રિપોર્ટ કરાવ્યા નહોતા. બસ ઉપરના ઘા ની દવા કરાવેલ હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી એને માથું દુઃખવાની સમસ્યા વધી ગઈ હતી. અમુક વખતે એના શરીરનું સંતુલન પણ ખોરવાઈ ગયું હતું. જ્યારે દવાથી એની સમસ્યાનું નિવારણ ના થયું, ત્યારે એના મગજના રિપોર્ટ કરાવ્યા અને ખબર પડી કે એના મગજમાં પાણી ભરાયું છે. જેના લીધે મગજપર દબાણ પડે છે. મગજના કોષોને પણ નહિવત નુકશાન થયેલ છે. તાત્કાલિક સારવાર કરવામાં નહિ આવે તો દર્દીનું સ્વાસ્થ્ય વધુ બગવાની શકયતા છે.", રાહુલે વિગતવાર માહિતી આપી.

"Very good.. રાહુલ.-", માયાએ ફાઇલ બંધ કરીને રાહુલ સામે જોયું. માયાની આંખોમાં ખુશી હતી, "-તું ખૂબ જ ઝડપથી શીખી રહ્યો છે. જો આમને આમ મહેનત કરતો રહીશ, તો ખૂબ જ જલ્દી તને ખ્યાતનામ ડોકટર બનતા કોઈ રોકી નહિ શકે."

"Thank you Madam.", રાહુલની આંખોમાં પણ પોતાના વખાણ સાંભળીને ખુશીના આંસુ આવી ગયા.

રાહુલ થોડા દિવસ પહેલા જ ડોકટર માયાની હોસ્પિટલ, "Psyonix Asylum"માં માયાની જ અન્ડર, ઇન્ટર્નશીપ માટે જોડાયો હતો. સાયોનિક્સ અસાઇલમ આજથી લગભગ સાત વર્ષ પહેલા ડોક્ટર માયાની દેખરેખ હેઠળ ફક્ત બે જ ડોક્ટરની ટીમની સહાયતાથી શરૂ કરવામાં આવી હતી. સાયોનિક્સ અસાયલમમાં આજે ૧૫૦ લોકોની ટીમ કાર્યરત હતી. જેમાં, મનોચિકિત્સ્ક, ન્યૂરોસર્જન, ન્યૂરોલોજિસ્ટ, મનોવૈજ્ઞાનિક જેવા ડોક્ટરો, નર્સ, થેરાપીસ્ટ, ફાર્માસિસ્ટ અને બીજા કર્મચારીઓ સામેલ હતા. સાયોનોક્સ અસાઇલમ આજે શહેરની સૌથી ખ્યાતનામ અને જરૂરી ઉપકરણો ધરાવતી મગજની પહેલા નંબરની હોસ્પિટલ બની ચૂકી હતી. જેની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી ચૂકી હતી.

માયા કાંઈ બોલવા જાય એ પહેલાં જ એને બહાર થતો કોલાહલ સંભળાયો. રાહુલ અને માયાએ એકબીજા સામે જોયું અને ઝડપથી કેબિનની બહાર નીકળી ગયા.

હોસ્પિટલની લોબીમાં અમુક લોકો ટોળું વળીને ઉભા હતા. એમાં વચ્ચે એક પહાડી કાયા ધરાવતો માણસ પોતાના બન્ને હાથે પચીસેક વર્ષના યુવાનને પકડીને ઉભો હતો. એ યુવાનના ચહેરા અને હાવભાવથી લાગતું હતું કે એની દિમાગી હાલત ઠીક નહોતી. માયા અને રાહુલ જડપથી એ ટોળાની નજીક પહોચી ગયા.

ટોળામાં એક સ્ત્રી કે જેણે રાજસ્થાની પહેરવેશ ધારણ કર્યો હતો એ હાથ જોડીને પેલા પહાડી કયા વાળા વ્યક્તિને કરગરી રહી હતી,"મ્હારે છોરે કો યીહા સે લે ચલો, બાબા મ્હારે છોરે કી મદદ કરેંગે."

"છોડ મ્ણ્ણે, થારો બાબા પીછડે એક મહિણેસે મ્હારે છોરે કો પરેશાન કરે સે. અગર વો ઠીક કર પાતો, તો અબ તક કર હી દેતો.", એ પહાડી કાયા વાળા વ્યક્તિએ એ સ્ત્રીનો હાથ ઝાટકી દીધો.

એ બંને વ્યક્તિની વાત પરથી એ સમજવું અઘરું નહોતું, કે એ બંને પતિ-પત્ની હતા અને પોતાના દીકરાની સારવાર કરાવવા માટે અહી આવ્યા હતા.

"જુઓ આ હોસ્પિટલ છે, શાંતિ રાખો પ્લીઝ. બીજા દર્દીઓને ડિસ્ટર્બ થાય છે.", વાતને વણસતી જોઈને માયા આગળ આવીને સૌને શાંત કરાવવા લાગી.

"મેડમ, તમે ડોક્ટર સો?", પહાડી વ્યક્તિએ માયા સામે આશાભરી નજરે જોયું. માયાએ હકારમાં માથું ધૂણાવ્યું.

"યે મ્હારો છોરો સે, ઇસકો કુછ હો ગયા હૈ. આપ દેખો જરા.", એ વ્યક્તિએ પોતાના બંને હાથે મજબૂતીથી પકડેલા પોતાના દીકરાને માયા સામે આગળ કર્યો.

માયાએ એ છોકરા સામે જોયું, એની આંખો આગળ ડાર્કસર્કલ પડી ચૂક્યા હતા. મોઢામાથી અવિરત લાળ ટપકયે જતી હતી. એ છોકરો માયા સામે જોઈને ઘુરકિયા કરવા લાગ્યો. માયાએ એનુ ઉપરછલ્લું નિરીક્ષણ કરીને નર્સને ઈંજેકશન લાવવા ઈશારો કર્યો. નર્સ, માયાનો ઈશારો સમજીને તરત દવા ભરેલું ઈંજેકશન લઈ આવી. માયા જેવી એને ઈંજેકશન આપવા ગઈ કે એક ભારે અવાજ હવામાં ગુંજ્યો.

"સાવધાન...", માયાનો હાથ હવામાં જ અટકી ગયો.

બધાએ એક સાથે એ તરફ જોયું. એંટરન્સમાથી એક સાધુ, કે જેણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. ગળામાં રુદ્રાક્ષમાળા અને હાથમાં એક દંડ હતો જેના ઉપરના ભાગે એક આંખ જેવી કોતરણી કરેલી હતી. સાધુના ચહેરાપર એક અલગ જ તેજ હતું. કપાળપર રાખના લેપપર કંકુ દ્વારા મોટું તિલક કરેલું હતું. સાધુની લાલઘૂમ આંખ જોઈને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિના શરીરમાં એક કંપારી છૂટી ગઈ. મોટા પરંતુ મક્કમ પગલે એ સાધુ આવીને પેલા બીમાર છોકરા સામે ઊભા રહ્યા. જેવું એ છોકરાએ સાધુ સામે જોયું કે ખબર નહિ એને શું થયું. એ છોકરાના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. આંખોમાં લોહી નીતરી આવ્યું. અને એ બમણી તાકાતથી ફૂંફાડા મારવા લાગ્યો.

"આહહહ...... ના...... હું નહિ જાઉં....", એ છોકરાએ હતું એટલું જોર કરીને રાડ પાડી.

એને જોઈને માયા હરકતમાં આવી ગઈ. એ ઝડપથી આગળ આવીને એ છોકરાને જેવી ઇન્જેક્શન લગાવવા ગઈ કે પેલા સાધુએ માયાનો હાથ પકડી લીધો. માયાએ ચોંકીને આશ્ચર્ય સાથે એ સાધુ સામે જોયું.

"ઇસકો દવા કી નહિ, દુઆ ઔર ભગવાનકી ક્રિપા કી જરૂરત હૈ.", સાધુના ભારે અવાજમાં ગંભીરતાના ભાવ હતા.

"જુઓ મહારાજ, આ હોસ્પિટલ છે અને અહીં દવાથી જ ઈલાજ થાય છે. દુઆથી નહિ.", માયાએ પણ સાધુની આંખમાં જોઈને મક્કમતાથી કહ્યું. સાધુએ માયાનો હાથ છોડી દીધો અને માયાએ એ છોકરાને ઇન્જેક્શન લગાવી દીધું. થોડી જ પળોમાં એ છોકરો શાંત થઈ ગયો અને બધાએ મળીને એને વોર્ડ નં. 23 માં ભરતી કરી દીધો. સાધુ ચૂપચાપ પોતાની જગ્યાએ ઉભા રહીને એ લોકોને જતા જોઈ રહ્યા. અને મનોમન બોલ્યા, 'હે ઈશ્વર, સબકી રક્ષા કરના.'


વર્તમાનમાં...

ડોકટર માયા, માથું પકડીને એની કેબિનમાં બેઠા હતા. દરવાજો ખુલવાનો અવાજ આવતા એણે ઊંચું જોયું અને ત્યાં રાહુલને જોઈને એ ઉભા થઈને એની પાસે આવતા બોલ્યા, "કાંઈ ખબર પડી?"

"ના મેડમ.. મેં મારી રીતે બધી તપાસ કરાવી જોઈ. CCTV પણ ચેક કર્યા. પરંતુ એ વોર્ડમાંથી કોઈ બહાર ગયું નથી, કે ના કોઈ અજાણ્યું વ્યક્તિ વોર્ડની અંદર ગયું છે."

"અરે તો અંશ ગયો ક્યાં? ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું? અને એ બ્લડ? એ કોનું છે?-", માયા બન્ને હાથે પોતાનું માથું પકડીને ધડામ કરતી ખુરશીપર બેસી ગઈ, "-હે ભગવાન! કાંઈ સમજાતું નથી શુ થઈ રહ્યું છે?"

"મેડમ.. મને લાગે છે આપણે પોલીસને જાણ કરવી જોઈએ."

રાહુલની વાત સાંભળીને માયા વિચારમાં પડી ગઈ. 'પોલીસ....' એ સ્વાગત બબડી.

થોડી ક્ષણો બાદ હોસ્પિટલમાં ચહલ-પહલ વધી ચુકી હતી. ઇન્સ્પેકટર વિજય ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વોર્ડ નં. 23 અને એની આજુબાજુની જગ્યાને કોર્ડન કરી દેવાઈ હતી. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળનું વિગતવાર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહી હતી. અમુક લોકો ખાટલા અને લોહીના ડાઘનું સ્કેચ અને માપન કરી રહ્યા હતા. જેથી કોઈપણ પુરાવા છૂટી ના શકે.

"બ્લડ સેમ્પલ અને ફિંગરપ્રિન્ટ ના સેમ્પલ લઈ લીધા છે, રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે.", ફોરેન્સિક એક્સપર્ટ સંજયે આવીને ઇન્સ્પેકટર વિજયને કહ્યું.

"હમ્મ...", વિજય હકારમાં માથું ધુણાવી, માયા તરફ આગળ વધ્યો. "તો... ડોકટર માયા... શુ થયું હતું? વિગતવાર જણાવશો?"

માયાએ ઇન્સ્પેકટર વિજય સામે જોઇને એક ઊંડો શ્વાસ લીધો અને અત્યાર સુધી જે કાંઈ ઘટના બની એ વિગતવાર કહેવા લાગી, "બે દિવસ પહેલા એક રાજસ્થાની પરિવાર એના દીકરા-અમનને લઈને અહીં આવ્યા હતા. અમનની દિમાગી હાલત ઠીક નહોતી એટલે અમે એને મિડાઝોલામ આપી શાંત કર્યો અને વોર્ડ નં. 23 માં દાખલ કર્યો. ત્યારબાદ અમારા ડોક્ટરની ટીમે એની સારવાર કરવાનું ચાલુ કર્યું. પરંતુ સૌથી શ્રેષ્ઠ ઉપચાર કરવા છતાં અમનની હાલતમાં કોઈ સુધાર જણાતો નહોતો. અમારા આટલા વર્ષના અનુભવમાં આવો કેસ અમે ક્યારેય જોયો નથી. એના મગજના બધા જ રિપોર્ટ એકદમ નોર્મલ છે. શરીર પણ એકદમ સ્વસ્થ છે. પરંતુ એનું વર્તન, એના રિપોર્ટ કરતા એકદમ અલગ હતું. ગઈ કાલે સાંજે જ્યારે હું ઘરે જવા નીકળી, ત્યારે મેં જ અમનની તપાસ કરી હતી. એને જરૂરી દવાઓ આપી અને હું ઘરે જવા નીકળી હતી. પરંતુ આજે સવારમાં જ્યારે રાહુલ એની સ્થિતિ ચેક કરવા ગયો ત્યારે એ એના વોર્ડમાં નહોતો.", કહીને માયા ચૂપ થઈ ગઈ. એના ચહેરાપર હોસ્પિટલનું નામ બદનામ થવાનો ભય સ્પષ્ટ દેખાતો હતો.

"સર... મેં ગઈકાલના CCTV ફૂટેજ ચેક કર્યા. ડોકટર માયા પછી ના કોઈ એ વોર્ડમાં ગયું કે ના કોઈ બહાર આવ્યું છે.", હવાલદાર મણીએ  વિગત કહી.

મણીની વાત સાંભળીને વિજય, ગહન વિચારમાં હોય એમ બોલ્યો, "હમ્મ... ના કોઈ બહાર આવ્યું... કે ના કોઈ અંદર ગયું... તો મિસ માયા, શુ તમે આ સિચ્યુએશન એક્સ્પ્લેઈન કરી શકશો?" વિજયે જીણી આંખે માયા સામે જોયું.

"ઇન્સ્પેકટર, તમે મારા પર શક કરો છો?", માયાના અવાજમાં આશ્ચર્ય સાથે ચિંતા મિશ્રિત ભાવ હતા.

"જ્યા સુધી ગુનેગાર પકડાઈ ના જાય ત્યાં સુધી આ હોસ્પિટલ અને આ કેસ સાથે સંકળાયેલ બધા જ વ્યક્તિ શક ના ઘેરામાં રહેશે. અને આ અમારી ફરજ છે મેડમ. અમે બસ અમારું કામ જ કરી રહ્યા છીએ. અને હા, હોસ્પિટલનું કોઈ પણ વ્યક્તિ શહેરની બહાર નહિ જાય, જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થઈ જાય. ઠીક છે?", વિજયે કડક શબ્દોમાં કહ્યું.

માયાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું.

"અ... ડોકટર...-", વિજયે જતા જતા પાછળ ફરીને જોયું, "-અમનના માતા-પિતાને જાણ કરી છે?"

માયાએ ફક્ત ધીમેથી નકારમાં માથું ધુણાવ્યું એટલે વિજયે મણીને આજ્ઞા કરી, "મણી... અમનના ઘરવાળાઓને ઘટનાની જાણ કરો અને એને હોસ્પિટલે આવવાનું કહો."

"જી સર..", કહીને મણી પણ વિજયની સાથે હોસ્પિટલની બહાર નીકળી ગયો.

પોલીસ સ્ટેશને

"મણી...", વિજયે પોતાની કેબિનમાં બેઠા બેઠા જ મણીને અવાજ કર્યો. બીજી જ ક્ષણે મણી લગભગ દોડતો, વિજયની કેબિનમાં આવી ઉભો રહ્યો, "જી સર...". મણી લગભગ ત્રીસેક વર્ષનો, મજબૂત બાંધાવાળો, ખંતીલો અને જોશીલો યુવાન હતો.

"મણી.. શુ લાગે છે? અમન ક્યાં ગયો હશે? એનું કોઈએ કિડનેપ કર્યું છે કે એ જાતે જ હોસ્પિટલમાંથી ભાગી ગયો હશે?", વિજયે કૈક વિચાર કરતા કરતા મણીને સવાલ કર્યો.

"સર... થવામાં તો કંઈપણ થઈ શકે. બની શકે અમનને ગાયબ કરવામાં રાહુલ અને માયાનો હાથ હોય, કારણકે એ બન્ને સિવાય કોઈ એ વોર્ડમાં આવ્યું કે ગયું નથી. અને આમ જોઈએ તો માયા કે રાહુલ પાસે અમનને ગાયબ કરવાનો કોઈ મોટિવ પણ નથી. અને અમનનો વોર્ડ બીજા માળે હોવાથી બારીમાંથી આવવા-જવાની શક્યતા લગભગ નહિવત છે.", મણીએ એના વિચાર સવિસ્તાર જણાવ્યા. એની વાત સાંભળીને વિજય ફરી વિચારમાં પડી ગયો અને મનમાં બોલ્યો.

'પરંતુ આ શક્ય કેવીરીતે બને? બીજા માળેથી અમનને બારીમાંથી લઈ જવો શક્ય જ નથી અને લોબીમાંથી પણ એના આવવા-જવાના કોઈ સંકેત મળ્યા નથી. તો શું CCTV સાથે કોઈ છેડછાડ થઈ હશે?' પછી સ્વાગત જ જવાબ આપ્યો, 'હા એ બની શકે.'

"મણી...", વિજયે ઉત્સાહ સાથે કહ્યું, "એક કામ કરો, હોસ્પિટલમાંથી મળેલી CCTV ફૂટેજ ઓરીજનલ છે કે એની સાથે કોઈ છેડછાડ થઈ છે એ જાણવા એ ફુટેજને આપણા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપો. જોઈએ તો ખરા એમાં કાંઈ મળે છે કે નહીં."

"સર.. એ ફૂટેજ મેં પહેલા જ ચેકીંગ માટે મોકલી આપી છે અને એના રિપોર્ટ પણ સાંજ સુધીમાં આવી જશે."

"અરે વાહ મણી.... ખૂબ જ સરસ..", વિજયે ખુશ થતા મણીના વખાણ કર્યા.

"ઘણી ખમ્મા ઇન્સ્પેકટર સા...", કહેતા એક પહાડી વ્યક્તિ કેબિનમાં દાખલ થયો. "હું અમનનો પિતા."

"અરે આવો આવો. બેસો.", વિજયે એમને બેસવા માટે ઈશારો કર્યો.

એ વ્યક્તિ અને એના પત્ની સામેની સીટપર ગોઠવાયા. "સાહેબ, પ્લેજ.. મ્હારે છોરે કો ધૂંઢ દો." એમણે હાથ જોડી લીધા. એમની બાજુમાં ચહેરાપર લાજ કાઢીને બેઠેલા એમના પત્નીની આંખમાંથી સતત શ્રાવણ ભાદરવો વરસતા હતા.

"જી.. જી.. હમ જલ્દ સે જલ્દ આપકે છોરેકો ધૂંઢ લેંગે.", વિજયે પણ એમની ભાષામાં વાત કરી. ત્યારબાદ અમન વિશે પ્રાથમિક માહિતી અને અમનનો એક ફોટો મેળવી એ બન્નેને જરૂર પડશે તો ફરી બોલાવશે એમ કહીને જવાની રજા આપી.

પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જ એ વ્યક્તિના પત્નીએ મૌન તોડ્યું, "મન્ને કહો થો ના... મ્હારે છોરે કો ઉહા ભરતી ના કરવાઓ.. અબ નતિજો દેખ લિયો? લે ગઈ વૉ ચુડેલ મ્હારે છોરે નું.", કહેતા એ ધ્રુસકે ચડી ગઈ. પેલા વ્યક્તિએ એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને ઝડપથી એનો હાથ ખેંચીને ત્યાંથી નીકળી ગયો.

"સર.. આ ફોરેન્સિક અને CCTV ના રિપોર્ટ આવી ગયા છે.", મણીએ આવીને રિપોર્ટ વિજયના હાથમાં આપ્યા.

વિજયે ઝડપથી બધા રિપોર્ટ ખોલીને જોયા. અને બીજી જ ક્ષણે બધા રિપોર્ટને ટેબલપર ફેંકીને માથું પકડી લીધું.

"શુ થયું સર? શુ છે રિપોર્ટમાં?"

"કાંઈ નહિ મણી... કાંઈ નથી રિપોર્ટમાં.. CCTV ફૂટેજ સાથે કોઈ ચેડા કરવામાં નથી આવ્યા.", વિજયનું મૂડ ખરાબ થઈ ચૂક્યું હતું.

"અને આ ફોરેન્સિક રિપોર્ટ?", મણીએ ઉત્સુકતાથી પૂછ્યું.

"એમાં પણ કાંઈ ખાસ નથી. બેડપર મળેલું લોહી, આપણા મત પ્રમાણે અમનનું જ છે. અને રૂમમાં હોસ્પિટલ સ્ટાફ સિવાય કોઈના ફિંગરપ્રિન્ટ નથી મળ્યા. અમન ગાયબ થયો ત્યારે બારી અંદરથી બંધ હતી અને એના લોક સાથે પણ કોઈ ચેડા કરવામાં નથી આવ્યા. એટલે એને ત્યાંથી બહાર લઈ જવાની સંભાવના પણ નહિવત છે.", વિજયે ચિડાઈને કહ્યું.

"પરંતુ સર.. બની શકે કે હોસ્પિટલના સ્ટાફે જ અમનને ગાયબ કર્યો હોય."

"ના મણી... કોઈ પાસે અમનને ગાયબ કરવાનો મોટિવ જ નથી. વાત કંઈક અલગ જ છે. આપણી ધારણાથી ઘણી જ અલગ.", વિજયના અવાજમાં કંઈક અલગ જ લાગણી ઝલકતી હતી.

આમ કરતા એક અઠવાડિયું વીતી ગયું પરંતુ અમનની જરા સરખી પણ ભાળ ના મળતા, માયા હવે ચિંતાતુર બની હતી.

"રાહુલ... મને નથી લાગતું કે પોલીસ આ કેસમાં કોઈ સુરાગ શોધી શકે. એક અઠવાડિયું થઈ ગયું છતાં કોઈ અપડેટ જ નથી.", માયાના અવાજમાં ચિંતા સાફ છલકાતી હતી. "જો આમને આમ ચાલતું રહ્યું તો હોસ્પિટલની રેપ્યુટશન અને મારી આટલા વર્ષોની મહેનત એક જ ઝાટકે ધૂળધાણી થઈ જશે. અને હું એ કોઈ પણ સંજોગે નહિ બનવા દઉં.", કહેતા માયા ખુરશીપરથી ઉભી થઇ ગઇ.

"મેડમ, શુ કરવાનું વિચારી રહયા છો?", રાહુલના ચહેરાપર પણ અજીબ ભાવ ઉપસી આવ્યા.

"હું મારી રીતે આ કેસપર કામ કરીશ.", માયાએ ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું. રાહુલે પણ એનો સાથ આપવાનું નક્કી કર્યું. બન્ને એ મળીને હોસ્પિટલના સ્ટાફની સખત પૂછપરછ કરી, પરંતુ બધું વ્યર્થ. એને એકપણ એવો કલું ના મળ્યો કે એ અમન સુધી પહોંચી શકે. બીજા બે-ત્રણ દિવસ આમ જ નીકળી ગયા.

"મેડમ.. મને લાગે છે આપણે ખોટી જગ્યાએથી શરૂ કરી રહ્યા છીએ?"

"મતલબ?"

"મતલબ એમ કે આપણે અમનના અહીં આવ્યા પછીની ઘટનાથી શરૂઆત કરીએ છીએ. હકીકતમાં આપણે અમનના અહીં આવ્યા પહેલાથી જ શરૂઆત કરવી પડશે."

રાહુલની વાત સાંભળી માયાના મગજમાં ઝબકારો થયો, "રાહુલ... ચાલ જલ્દી.."

રાહુલ કાઈપણ બોલ્યા વગર માયાની પાછળ ચાલવા લાગ્યો.

માયા અને રાહુલ, અમનના ઘરે એના માતા-પિતા સામે બેઠા હતા.

"તો.. તમે એમ કહેવા માંગો છો કે તમારા દીકરાને કોઈ ચુડેલે પોતાના વશમાં કરી રાખ્યો છે?", માયાએ ચોંકીને પૂછ્યું. જેના જવાબમાં અમનના માતા-પિતાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું.

"WHAT RUBBISH?", માયાને એમની વાતપર વિશ્વાસ નહોતો.

"મેડમ, મને લાગે છે આપને એકવાર એમની વાતપર વિશ્વાસ કરીને જોવું જોઈએ.. આમપણ મોર્ડન સાયન્સ પણ અમુક સવાલના જવાબ હજુ સુધી નથી શોધી શકી.", રાહુલે માયાને સમજાવી.

"ઠીક છે. અમને એ બાબા પાસે લઈ જાઓ.", માયાએ ક-મને એમની વાત માનવી પડી.

થોડીવારમાં એ દરેક વ્યક્તિ એક સુમસાન જગ્યાપર હતા. એ જગ્યા જંગલની વચ્ચે આવેલી હતી. એમની સામે એક ગુફા જેવો પ્રવેશદ્વાર હતો. બધા અંદર પહોંચ્યા જ્યાં એ સાધુ આંખો બંધ કરીને ધ્યાનમુદ્રામાં બેઠા હતા.

"હમ્મ... આખરે આવી જ ગયા તમે બધા. તમારી જ રાહ હતી.", એ બાબાએ બંધ આંખોએ જ કહ્યું.

"બાબાજી... અમે....", રાહુલે કંઈક કહેવા મોઢું ખોલ્યું પરંતુ બાબાએ એને હાથ બતાવીને ચૂપ કરાવી દીધો. અને રાહુલ હાથ જોડીને ચૂપચાપ ઉભો રહ્યો.

"ચાલો મારી સાથે.", કહીને બાબા ઉઠયા અને ગુફાની બીજી તરફ ચાલવા લાગ્યા, જ્યાં એક બીજો દ્વાર હતો. જેની પેલેપાર જંગલ હતું. બધા ચૂપચાપ એમની પાછળ ચાલવા લાગ્યા.

માયાએ વિજયને પણ મેસેજ કરીને એની લોકેશન મોકલી દીધી હતી, જેથી હકીકત દરેકની સામે જ ઉજાગર થાય. વિજય અને મણી પણ થોડીવારમાં એ જગ્યાએ પહોંચી ગયા.

એક જગ્યાએ રોકાઈને બાબાએ પોતાની લાકડી જમીનમાં પછાડી અને બધાના આશ્ચર્ય વચ્ચે એ જગ્યાએ એક મોટું સળગતું સર્કલ બની ગયું. જેમાં એક સ્ટાર જેવું નિશાન હતું. એની વચ્ચે અમુક તાંત્રિક વિધિમાં વપરાતી વસ્તુઓ જેવી કે, રાખ, હળદર, કંકુ, માનવ કંકાલ, શંખ, ડમરુ અને અમુક ધાતુઓ.

બાબાએ ત્યાં હાજર દરેક વ્યક્તિના હાથમાં એક લાલ દોરો બાંધી દીધો, "જ્યાં સુધી હું મંત્રજાપ કરું છું, ત્યાં સુધી તમારે દરેકે એકબીજાનો હાથ પકડીને ઉભા રહેવાનું છે. યાદ રાખજો, ગમે એ થાય પરંતુ એકબીજાનો હાથ છૂટવો ના જોઈએ."

"ડોકટર... તમે ભણેલા થઈને શું પણ આવા તાંત્રીકના રવાડે ચડ્યા છો?", વિજયે બાજુમાં ઉભેલી માયાને ટકોર કરી. માયાએ એની સામે જોયું પરંતુ કાંઈ બોલી નહિ એટલે વિજયે પણ બાબા તરફ મીટ માંડી. બાબાએ જેવા મંત્રોચ્ચાર શરૂ કર્યા કે તરત દરેક વ્યક્તિએ એકબીજાના હાથ પકડી લીધા.

માનવ ખોપરીને વચ્ચે રાખીને બાબાએ જેવી એનાપર રાખ, કંકુ, હળદર અને પાણીનો છંટકાવ કર્યો કે તરત વાતાવરણમાં પલટો આવ્યો અને જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. વીજળી પણ જાણે પોતાની હાજરી પુરાવવા લાગી. આકાશમાં અચાનક વાદળો ગડગડવા લાગ્યા. બાબાના મંત્રોચ્ચાર શરૂ જ હતા.

થોડી ક્ષણો બાદ બાબાએ માનવ કંકાલને રાખ, કંકુ, હળદર અને ધાતુ દ્વારા પરિપૂર્ણ કર્યા બાદ જેવી એ કંકાલમાં આગ લગાવી કે વાતાવરણમાં કોઈની જોરદાર ચીસ સંભળાઈ, જાણે કોઈ જીવતી સ્ત્રીને સળગતી આગમાં ધકેલી દેવામાં આવી હોય એમ એ કંકાલની ઉઠતી આગમાં આકૃતિ બનવા લાગી. એ જોઈને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. અજાણતા જ એકબીજાના પકડેલા હાથની પકડ મજબૂત બની ગઈ. માયાએ તો ડરીને બાજુમાં ઉભેલા વિજયના ખભાપર માથું છુપાવી લીધું. વિજય એને જોતો જ રહ્યો.

લગભગ બે મિનિટ બાદ વાતાવરણ હળવું બન્યું અને એ બાબા હાથમાં એક બોટલ સાથે ઉભા થયા, "હવે તમે એકબીજાના હાથ છોડી શકો છો."

બધાએ એકબીજા સામે જોયું.

"બાબાજી... મ્હારો છોરો?", અમનના મમ્મીએ ચિંતિત થઈને પૂછ્યું.

"એ એની જગ્યાએ સહીસલામત પહોંચી ગયો છે."

"આ બધું શુ હતું બાબાજી?", આખરે ક્યારનો મગજમાં ઘુમતો સવાલ માયાએ પૂછી જ લીધો.

"અમન એક દુષ્ટ આત્માનો શિકાર બન્યો હતો. પરંતુ હવે એ પહેલાં કરતા ઠીક છે. ડોકટર, એના મગજમાં અમુક બદલાવ આવ્યા હશે જે તમારે ઠીક કરવાના રહેશે.", કહીને બાબાએ એની તરફ પહેલીવાર રહસ્યમયી સ્માઈલ કરી. માયાને બાબાજીની આ હરકત થોડી અજીબ લાગી. પરંતુ એ કાંઈ બોલી નહિ અને બીજા બધાની સાથે ત્યાંથી નીકળી ગઈ.

"આ તો હજુ શરૂઆત છે.", બધાના જતા જ બાબાજી બોલ્યા અને ફરી આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા.

 

★ સમાપ્ત ★

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ