વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાર્ક ટૅન્ક (સીઝન ૩)

અમન ગુપ્તા મજાના માણસ છે, પણ ત્રીજી સીઝનમાં ઘણીવાર જાણે પોતે ખરેખર ટૅન્કના એકમાત્ર ગુંડા હોય એમ વર્તે છે. બીજા શાર્ક્સ પણ ક્યારેક સંગાથે ડિલ કરવાની હોય ત્યાં ‘જો અમન રાજી હોય તો’ એ અર્થનું બોલતા સંભળાય છે. પહેલી સીઝનમાં દર્શકોને જ્ઞાન અપાયેલું કે પોતાની ઇક્વિટી માટે કોઈ લડે, ભાવતાલ કરે તો એ એમનો હક છે અને એની સરાહના થવી જોઈએ. પણ આ વખતે એને ‘ચીંદીગીરી’ કહી દેવાઈ છે. અમન ફાઉન્ડર્સને ઘણી વાર સારી ડિલ મળે એમાં બાધા નાખતા દેખાય છે. પોતે સૌથી પહેલાં ડિલ ઑફર કરીને અન્ય શાર્ક જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એગ્રેસિવ થઈને ફાઉન્ડર્સ પર પોતાની ડિલ પર હા કે ના બોલવા પર દબાણ કરે. અશ્નીર ગ્રોવરના ગયા પછી શાર્ક ટૅન્કમાં એના જેવા એક ધાકડ માણસની જરૂર જણાતા સ્ક્રિપ્ટ પ્રમાણે આવું વર્તન થઈ રહ્યું હશે કે એ જાતે એવું કરતા હશે, એ તો અમન અને શૉ-રનર્સ જ જાણે. આ એક મુદ્દા સિવાય ત્રીજી સીઝનમાં ‘સેનિટી’ દેખાય છે, ખોટો દેકારો કે ઇનસેનિટી નથી. આથી જે-તે પીચના કન્ટેન્ટ પર, ધંધાની પાયાની વિગતો પર વધુ ધ્યાન આપી શકાય છે. પંદર એપિસોડ પૂરા કરી શક્યો છું, હજુ કન્ટીન્યૂ છે.

બીજી સીઝનમાં અમીત જૈન ‘યુનિટ ઇકોનોમિક્સ’નો નવો પ્રશ્ન લાવેલા, જેનાથી ધંધાને સરળતાથી સમજવામાં મદદ મળતી. પણ આ સીઝનમાં કોઈ નવી ટર્મ કે કૉન્સેપ્ટ હજુ સુધી ઇન્ટ્રોડ્યૂસ થયેલો ધ્યાનમાં નથી ચડ્યો. જુગાડુ કમલેશ જેવો એકાદ સાવ તળનો અને મજાનો માણસ આવ્યો હોત તો પણ અધિક આનંદ થાત. રાધિકા ગુપ્તાના સ્ટૉક માર્કેટ વિષયક થોડા ઇન્ટર્વ્યૂ અગાઉ જોયેલા, એટલે એમની સ્થિતિ અને સિદ્ધિનો પરિચય ખરો. એમનું અહીં આવવું ગમ્યું, પણ એમને ઝળકવાની ખાસ કોઈ તક નથી મળી. બાકીના નવા શાર્ક્સને પણ ખાસ સ્પેસ મળી નથી, કે એ લઈ શક્યા નથી. છતાં હજુ સુધી એકંદરે સંતોષજનક સીઝન.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ