વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાકણ

 (2) બીભત્સ અને ક્રૂર
                              
" શું ડાકણ ખરેખર હોય છે..? "

" શું આજના દોડતા યુગમાં ડાકણ, ચુડેલ, આત્મા, પ્રેત કે ભૂત જેવી નકારાત્મક શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે..? "

" શું ખરેખર આજનો માનવી તેવી નકારાત્મક શક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે..? "

                       જુઓ બાળકો, આવા કેટલાંય સવાલો છે જેના ઉત્તર આપણી પાસે નથી. અમુક એવા પ્રશ્નો છે જે સદાય પ્રશ્ન બનીને જ રહી જાય છે. કુદરતની લીલાઓ તેમજ સકારાત્મક શક્તિઓમાં તમામને વિશ્વાસ છે તેમજ પૂરતી શ્રદ્ધા છે, તેવી જ રીતે નકારાત્મક શક્તિઓ અને તેની ઊર્જા ખરેખર હોય છે તે વાતના પૂરાવા પણ જગ જાહેર છે. હું માત્ર ભારત દેશની નહીં પરંતુ વિદેશની પણ વાત કરું છું જ્યાં આજે પણ ભણેલા ગણેલા લોકો આવી શક્તિઓમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. આ ડાકણ, ભૂત, પ્રેત એ વિષય આખાય વિશ્વનો છે.
                         મને પૂરી ખાતરી છે કે તમે મારી વાત સારી રીતે સમજી ગયા હશો..!
શિક્ષક દેસાઈ સાહેબ તેમની બુક લઈને વર્ગમાંથી બહાર જાય છે.

" અરે, દેસાઈ સર તો બધું ખોટું કહે છે..., મેં ખુદ મારી નજર સામે ચુડેલ ને જોઈ છે. મને તો એ દિવસથી વિશ્વાસ થઈ ગયો છે કે ચુડેલ ખરેખર હોય છે અને તે આપણી આસપાસ જ ફરતી હોય છે. "
મયંક તેની વાત રજૂ કરે છે.

" ના હોય..! મારા બાપુજી પણ કહેતા હોય છે કે, બેટા જેવી રીતે કુદરતની લીલા સુંદર છે તેવી રીતે ભૂત, પિશાચ ની લીલા બહુજ ભયાનક હોય છે. "
અજય પણ તેની વાત રજૂ કરે છે.

" હવે મારા મનમાં એક સવાલ ઊભો થાય છે કે, કોની વાત ખરેખર સાચી છે અને કોણ જૂઠું બોલે છે..? દેસાઈ સર તેમની જગ્યાએ સાચા છે તો પછી આપણે ખોટા છીએ..? મને હજુ સુધી ક્યારેય ભૂત, પ્રેત, આત્મા સાથે ભેટો થયો નથી એટલે હું માનતો નથી. "
રાહુલ તેની વાતને જોર આપે છે.

બે દિવસ બાદ,
" પ્રભા.., અરે આજનું ન્યુઝ પેપર ક્યાં છે..? ભીખા કાકા છાપુ નાખી તો ગયા છે ને..? સવારના આઠ વાગી ગયા હજુ સુધી છાપુ મળતું નથી. તારી પાસે તો નથી ને..? "
દેસાઈ તેમના ચશ્મા સરખા કરતા કહે છે.

પ્રભા એકદમ ચિંતિત મોઢે રસોડામાંથી બહાર આવે છે. ચા નો કપ ટેબલ ઉપર મૂકે છે. તે સતત બારી બહાર જુએ છે અને કંઇક વિચારતી હોય તેમ લાગતું હોય છે. પ્રભા મનમાં કંઇક બબડતી પણ હોય છે. દેસાઈ તેની હરકતો જોઈને મૂંઝાઈ જાય છે..! દેસાઈ ત્રણ - ચાર વાર ચપટી પણ મારે છે.
                        પ્રભા કંઈ બોલતી નથી અને પેપર દેસાઈના હાથમાં મૂકી દે છે.

" સહુથી પહેલાં તમે આ ન્યુઝ વાંચો..! ખરેખર કેવું કેવું બને છે આ દુનિયામાં, હું તો એવી હેબતાઈ ગઈ છું ને..! તમે અત્યારે મારી સામે ન્યુઝ વાંચો અને મને સમજાવો. "
પ્રભા ચા નો કપ હાથમાં લેતા કહે છે.

દેસાઈ પણ વિચારે ચડી જાય છે. પ્રભાની હરકત જોઈને તે અચંબામાં મુકાઈ જાય છે અને પેપર હાથમાં લે છે.
            દેસાઈ પેપરમાં છાપેલી મુખ્ય લાઈન વાંચે છે. જે હેડ લાઈનમાં કંઇક આમ લખ્યું હોય છે...,
" હરતી ફરતી ચુડેલે શહેરમાં એન્ટ્રી મારી લીધી છે... સાવધ રહો. "

            દેસાઈ તે ટેગ લાઈન વાંચીને જોર જોરથી હસવા માંડે છે. ખરેખર પેપર વાળા તો ગજબનું લખાણ લખે છે ભાઈ સાહેબ..! તેમનો લેખ વાંચવા માટે મજબૂર કરી નાખે તેવી ટેગ લાઈન લખે છે. લેખ લખવા વાળો મસ્ત સસ્તી પોટલી પી ને બેઠો હશે..! આ નવું લાવ્યા હવે, ' હરતી ફરતી ચુડેલ ' સખત છે.
          જો પ્રભા આ બધામાં રસ રાખ્યા વગર તું ભગવાનનું નામ લે તો મન શાંત રહેશે.
દેસાઈ ચા નો કપ હાથમાં લે છે અને તે લેખ વાંચતા નથી.

રાતના બાર સાડા બાર જેવા થયા હશે.,

" ઓ હો હો... હું પણ ખરો ગાંડો કે અહીં હાઇવે પાસે ઉતરી ગયો. એક તો શિયાળાની ઋતુ ચાલે છે ને હું ગધેડા જેવો અહીં સૂમસામ હાઇવે પાસે એકલો એકલો ચાલુ છું. કોઈની મદદ મળી જાય તો ઘણું સારું..! મારા જેવા બેચલર ની લાઇફ તો ખરેખર બહુજ સ્ટ્રગલ વાળી છે. નોકરી માટે ક્યાં ક્યાં ભટકવું પડે છે અને કેવા સમયે ભટકવું પડે છે. બોસ, તો ગમે ત્યારે ગમે તે સ્થળે માર્કેટિંગ માટે મોકલી દે છે... ને આપણે પાછા મજબૂર એટલે કશુંય કહી શકતા નથી. મારે આજની રાત તો અહીં રોકાઈ જ જવું પડશે. નજીકમાં કોઈ ગેસ્ટ હાઉસ દેખાઈ જાય તો આજની રાત કાઢી લઉં, તેમજ કોઈની લિફ્ટ મળી જાય તો બેડો પાર..! "
તરંગ મહેતા મનમાં બબડતો એકલો જતો હોય છે.

            માંડ દસેક મિનિટ થઈ હશે ને એવામાં એકાએક દૂર કૂતરાઓનો રડવાનો અવાજ સંભળાય છે. રાતના પોણા એક જેવા થયા હશે. શિયાળો બરાબરનો જામી ચૂક્યો હતો. વાતાવરણ એકદમ શુષ્ક બની ગયું હતું. ચારેબાજુ સાવ સન્નાટો છવાયેલો હતો. લોકોની અવર જવર પણ સાવ નહિવત થઈ ગઈ હતી. તરંગ એકલો ગેસ્ટ હાઉસની શોધમાં ડાફોળિયાં મારતો ચાલતો જતો હોય છે.
                    એટલીવારમાં ફરીવાર કૂતરાઓનો રડવાનો અવાજ આવે છે. જાણે એ જગ્યાએ નકારાત્મક શક્તિઓ અસ્તિત્વ ધરાવતી હોય તેમ વિચિત્ર ભાસતું હોય છે. કોઈના હોવાનો આભાસ પણ થાય છે. ઘડીકમાં ક્યાંક થી કોઈનો રડવાનો અવાજ તો કોઈનો હસવાનો અવાજ આવે છે. તે અવાજ બહુજ વિચિત્ર લાગતો હોય છે.

                તરંગ અસમંજસ માં મુકાઈ જાય છે કે તેની જોડે આવું શા માટે થાય છે..! તે કોઈને ફોન લગાવવા જાય છે પણ ફોનમાં નેટવર્ક હોતું નથી. ફોનને ચાર પાંચ વાર રી સ્ટાર્ટ પણ કરે છે પણ નેટવર્ક આવતું જ નથી. તરંગ બસ ચાલ્યા કરતો હોય છે.
   એટલીવારમાં એક મોર્ડન કાર પુર ઝડપે હાઇવે પાસેથી પસાર થતી હોય છે. તે કાર હોર્ન મારતી મારતી જતી હોય છે.
તરંગ ઊંધો વળીને તે કારને ઊભી રાખવાનો ટ્રાય કરે છે. તરંગ તેનો હાથ સતત હવામાં રાખે છે જેથી તે કાર ઊભી રહી શકે..!
                   તરંગ જ્યાં ઊભો હોય છે એનાથી દસેક પગલાં આગળ તે કાર ઊભી રહી જાય છે.

બ્લેક કલરની સરસ મજાની મોર્ડન ગાડી હોય છે. તરંગ તે ગાડીને એકવાર તો જોયા જ કરે છે. ગાડીનો કાચ ઓપન થાય છે અને તરંગ તેની જોડે કંઇક ઈશારામાં વાત કરે છે.

" હેય, મિસ..? આભાર આપનો કે તમે ગાડી ઊભી રાખી. મને  તો એવું લાગતું હતું કે હું આખી રાત આ હાઇવે ઉપર જ કાઢી નાખીશ..! એકબાજુ આજે અમાસ છે અને શિયાળો તો એવો જામી ગયો છે. આગળ કોઈ હોટેલ જેવું હોય તો ગાડી ત્યાં ઊભી રાખજો. "
તરંગ ગાડીમાં બેસતા આભાર વ્યક્ત કરે છે.

" હેય, બડી..! આઈ એમ મોહિની. બાય ધ વે હું તમારા જેટલી જ છું. તો તમે મને તમે તમે ના કહેશો..! બીજી વાત, આ હાઇવે ઉપર આગળ એકેય હોટેલ જેવું નથી... સો, ડોન્ટ માઈન્ડ હું તમને સુખીપરા પાસે એક નાની અમથી હોટેલ જેવું છે ત્યાં ઉતારી દઈશ. ત્યાંથી તમને સવારે જ્યાં જવું હશે તે પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જશે. ઓકે મિસ્ટર...? "
મોહિની તેની મારકણી અદાથી વાત કરતી હોય છે.

તરંગ સતત તે મોહિની ને જ જોતો હોય છે. મોહિની એટલી સુંદર લાગતી હોય છે કે ના પૂછો વાત..! તેના લાંબા કાળા વાળ, તેની સુંદર તીક્ષ્ણ આંખો, મારકણી અદા, પાતળી નાજુક કમર, તેનું મસ્ત સુયોગ્ય શરીર તેમજ તેનો ગોરો વાન. વાહ, શું સ્ત્રી હતી..! તેનો દેખાવ એટલો સુંદર હતો કે તરંગ તેનો દીવાનો જ થઈ ગયો હતો. તેની બોલવાની અદા એટલી મોહક હતી કે જાણે તે જાદુ કરતી હોય તેમ લાગતું હતું. તેની આંખો એટલી ભ્રામક હતી કે જાણે તે આપણા ઉપર વશીકરણ કરતી હોય તેમ લાગતું હતું. તેના ગુલાબી હોઠ તો એટલા રૂપકડા લાગતા હતા. મોહિની ખરેખર નામ પ્રમાણે જ ગુણ ધરાવતી હતી.

" મોહિની, તમે આટલી રાતે એ પણ શિયાળાની રાતે સૂમસામ હાઇવે પાસેથી ક્યાં જતા હતા તમે..? કોઈના લગ્નમાંથી આવ્યા તમે..? મારો એવો કોઈ ઈરાદો નથી કે હું તમારી અંગત માહિતી મેળવી લઉં પણ, આટલી રૂપાળી સ્ત્રી રાતના અંધકારે એકલી મુસાફરી કરતી હોય તો સહજ સવાલ થયો. "
તરંગ વાત ચાલુ કરવા માટે બોલે છે.

" તરંગ..., તમારે શું કામ છે..? હું ગમે ત્યાંથી આવી હોઉં. હું લગ્નમાં ગઈ હોઉં કે મરણ માં તમારે શું..? તમે મારા બોય ફ્રેન્ડ તો નથી ને..! હું તમને શા માટે કહું કે હું ક્યાંથી આવી. તમે મજા કરો ને બસ...! જુઓ હું કેટલી રૂપાળી લાગુ છું. તમે તો મારી પ્રશંસા પણ ન કરી. હું કેટલી સુદંર લાગુ છું અને તમે આડા અવળા સવાલો કરો છો..! જુઓ મારી સામે, એકવાર મારી આંખમાં દેખો તમને સુંદરતાનો ખરો અહેસાસ થશે. "
મોહિની તેની અદાથી તરંગ ને મોહક કરતી હોય છે.

ગાડી ધીમી ગતિએ આગળ વધતી હોય છે. મોહિની તેની મારકણી અદાઓ પાથરતી હોય છે. તરંગ તેની અદાઓમાં ડોલતો હોય છે.

" શું કહેવું તમારા વિશે, તમને જ્યારથી જોયા છે કોઈ શબ્દ મળતો જ નથી. તમારા જેવી સુંદર સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી. હું તો ક્યારનો એમ વિચારું છું કે... આ સ્ત્રી મારા ભાગ્યમાં હોય તો..! ખોટું ન લગાડતા, ખરેખર તમને જે જીવનસાથી મળશે તેના ભાગ્ય ઊઘડી જશે. મને તો ઈર્ષ્યા થાય છે કે તમને કયો અને કેવો મુરતિયો મળશે. તમે કેટલું મીઠું બોલો છો ને  તમારો અવાજ એકદમ સાકર જેવો. હું તો સાચું કહું તો તમારે ફિલ્મ લાઈનમાં જવા જેવું છે. બાકી, હું તમને એટલું કહેવા માંગીશ કે બસ તમને જોયા કરું. "
તરંગ તેની આંખો બંધ કરીને બોલતો હોય છે.

એકાએક ઠંડો પવન ફુંકાય છે. વાતાવરણ ઠંડુગાર બની ગયું હોય છે. રાતના દોઢ વાગવા આવ્યા હશે. તરંગ જરાય ભાનમાં હોતો નથી તેમજ તે તેની આંખો બંધ કરીને સીટ ઉપર બેઠો હોય છે. હાઇવે જાણે નિર્જન બની ગયો હોય તેમ લાગે છે. મોહિની ગાડી એકદમ ઝડપથી ચલાવતી હોય છે. મોહિની ગાડીને હાઇવે પાસેથી ઉતારીને ડાબી બાજુ અંદરની તરફ સૂમસામ સાંકળી કેડી તરફ દોડાવે છે. તરંગ હજુ સુધી સૂતો જ હોય છે.

ભરચક જંગલ વિસ્તારમાં ઊંચા ઊંચા તાડના ઝાડવાની પાસે, મોટા ઘેઘૂર વડલાની નીચે તેમજ પીપળાના સુકાઈ ગયેલા વૃક્ષની બાજુમાં સૂકા બાવળિયાના ઝાડ પાસે ગાડી ઉભી રાખે છે. મોહિની ગાડીમાંથી બહાર ઉતરે છે ને તે સીધી સીધી ચાલવા લાગે છે. તરંગ ગાડીમાં જ હોય છે. દસેક મિનિટ થઈ ગઈ હશે ને તરંગ એકદમ ઝબકી જાય છે.

" અરે.., હું ક્યાં આવી ગયો..? મોહિની મને ક્યાં લઈને આવી ગઈ..? અરે, મોહિની ક્યાં જતી રહી..? હું કઈ જગ્યાએ છું અત્યારે..? હે ભગવાન બચાવી લે જે..! મારો ફોન પણ મળતો નથી ને મારું પાકીટ... અરે, મારી બેગ પણ ગાયબ થઈ ગઈ. સાલું કઈ સમજાતું નથી..! "
તરંગ આસપાસની સ્થિતિ જોઈને મનમાં બોલતો હોય છે.

તે ગાડીમાંથી ઉતરે છે. આજુબાજુ ઘનઘોર જંગલ અને અંધારી અમાસની રાત્રિ. ક્યાંક થી ઘુવડનો અવાજ આવે તો ક્યાંક થી કોઈ પ્રાણીનો વિચિત્ર અવાજ આવે. તરંગ કંઇપણ વિચાર્યા વગર જંગલમાં ચાલવાનું ચાલુ કરે છે. હાથમાં એક લાકડી જેવું રાખે છે જેથી કરીને કોઈ પ્રાણી આવે તો રક્ષણ મેળવી શકાય. ચાલતા ચાલતા બે ચાર કિલોમટર દૂર તરંગને એક નાની સરખી ઝૂંપડી જેવું દેખાય છે. તે લાકડીના સહારે તે ઝૂંપડી પાસે પહોંચી જાય છે.

ઝૂંપડી પાસે એક નાનો સરખો દરવાજો હોય છે જે લાકડાનો હોય છે. તે દરવાજો આખોય તૂટી ગયો હોય છે. તે દરવાજાને ખસેડીને તરંગ અંદર જાય છે. ઝૂંપડી પાસે સુકાઈ ગયેલા પાંદડા, સૂકી ડાળખીઓ તેમજ સુકો કચરો પડેલો હોય છે. તરંગ તે પાંદડા ઉપર ચાલીને અંદરની તરફ જાય છે. ઝૂંપડીની પાછળની તરફ ઘેઘૂર વડલાનું ઝાડ હોય છે. જે ઝાડની નીચે એક સ્ત્રી માથે સુધી ઓઢેલી કાળા રંગની ચાદર લપેટીને બેઠી હોય છે. તે સ્ત્રી સતત ડચકા ભરતી હોય છે. જાણે તેને ડૂમો ભરાઈ ગયો હોય તેમ લાગતું હોય છે. તે કશુંય બોલતી નથી માત્ર ડચકા ભરતી હોય છે.
                                    તરંગ લાકડીના સહારે તે સ્ત્રીની નજીક જાય છે. તે સ્ત્રીએ તેનું શરીર આખુંય ઢાંકેલું હોય છે જેથી કરીને તેનો ચહેરો જોઈ શકાતો નથી. તરંગ તે સ્ત્રીની વધુ નજીક જાય છે. તે વડલાના ઝાડ પાસે તરંગ હાથ ટેકવીને ત્યાં ઊભો રહે છે.

તે સ્ત્રી રડતા રડતા બોલે છે,
" મારો પતિ ગુજરી ગયો છે ને મને આ દુનિયામાં રેઢી મૂકીને જતો રહ્યો. હું શું કરું ને ક્યાં જાઉં..! હું તો વિધવા થઈ ગઈ. મારું આ દુનિયામાં કોઈ નથી રહ્યું તમે મારી મદદ કરશો..? જુઓને મને શરીરે કેવું થયું છે. મને નજીકના દવાખાને લઇ જશો..? મને આખાય શરીરે કેવું થયું છે. હું તો મરી જઈશ. મને બચાવી લેજો..! " ( સ્ત્રી પોક મૂકે છે )

તરંગ તે સ્ત્રીની વાતમાં ઊંડો રસ લે છે. તે વધુ નજીક જાય છે અને બાજુમાં બેસી જાય છે. તરંગ તે સ્ત્રીના હાથને સ્પર્શે છે.
                             એટલામાં જ તરંગનું ધ્યાન તે સ્ત્રીના પગ તરફ જાય છે. તેના પગ સંપૂર્ણ વાંકા વળી ગયેલા અને ઊંધા હોય છે. તેમજ તેના પગ એકદમ કાળા મેસ હોય છે. તેના પગ ઉપર કાળા રંગનું ગંધ મારે તેવું ગંદુ પ્રવાહી ચોંટેલું હોય છે. તેના પગ ઉપર ખાસી બધી ઝીણી ઝીણી ફોડકીઓ હોય છે. તે જોઈને તરંગ ડઘાઈ જાય છે અને ડરનો માર્યો ભાગવા જાય છે. તરંગ જેવો ભાગવા જાય છે કે ત્યાંજ તે સ્ત્રી તરંગનો હાથ મજબૂતાઈથી પકડી લે છે.

તે સ્ત્રી રાક્ષસી સ્વરે જોરજોરથી હસવા લાગે છે. એટલીવારમાં જોરદાર પવન ફૂંકાય છે ને તેણે માથે ઓઢેલી ચાદર હવામાં ઊડી જાય છે. તરંગ તે સ્ત્રીનું ભયાનક સ્વરૂપ જોઈને ચીસો પાડવા લાગે છે. તરંગ બૂમાબૂમ કરી મૂકે છે ને તે સ્ત્રી ભયાનક અટ્ટહાસ્ય કરતી હોય છે.

" હા.. હા.. હા.. કોઈ સાંભળવા વાળું નથી. હું અને તું જ છીએ. આ મારી દુનિયા છે અને મારી દુનિયામાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. હું તને મારી દુનિયામાં લાવી છું. હું તને મારું અસલ સ્વરૂપ દેખાડીશ..! હું કોઈ મોહિની નથી, હું એક ડાકણ છું. જો મારો વેશ...! "
તે સ્ત્રી રાડો પાડીને તેમજ ડરાવીને તરંગને કહેતી હોય છે.

તરંગ તેની આંખો ધીમે રહીને ખોલે છે. તે જુએ છે તો...,
" અમાસની કાળી રાત્રિ ખૂબજ અંધારી લાગતી હોય છે. શિયાળાના સૂકા પવન જોરદાર વાતા હોય છે. મોહિની જે એક ડાકણ હતી તે તેના અસલ સ્વરૂપમાં તેની નજર સામે હવામાં લટકતી હોય છે.
        તેની ઊંચાઈ છ સાત ફૂટ જેટલી હોય છે. તેના પગ એકદમ વાંકા વળી ગયેલા અને ઊંધા હોય છે. તેના દાંત, જીભ, હાથ એકદમ લાંબા હોય છે. તેના દાંત રાક્ષસી જેવા હોય છે. તેના દાંત એકદમ લાંબા, તીક્ષ્ણ અને ધારદાર હોય છે. તેના દાંતમાંથી લોહી ટપકતું હોય છે. તેના હોઠ એકદમ કાળા રંગના હોય છે તેમજ કંઇક વિચિત્ર રંગની લાળ ટપકતી હોય છે. તેના મોઢામાંથી જાંબલી રંગનું તદ્દન વાસ મારે તેવું ગંદુ પ્રવાહી નીકળતું હોય છે. તેના ગાલ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હોય છે. તેના ગાલમાંથી કંઇક પરું જેવું વહેતું હોય છે. તે પરું પણ કાળા જેવા રંગનું લાગતું હોય છે. તેની આંખો કોળી જેવી મોટી મોટી હોય છે, જાણે એમ લાગે કે હમણાં જ આંખો બહાર આવી જશે..! તેની આંખો એકદમ લાલ હોય છે. તેના હાથ ઘણા જ લાંબા હોય છે. તેના હાથમાંથી લોહી નીતરતું હોય છે. તેના હાથના નખ જંગલી જાનવર જેવા હોય છે. તેના વાળ સાવ જડ થઈ ગયેલા તીક્ષ્ણ હોય છે. તે એટલી બદસૂરત દેખાતી હોય છે કે ના પૂછો વાત..! ક્યારેક એવું લાગે કે તેના તમામ અંગો લાંબા થતા જાય છે. તેના ગાલ, વાળ, ચામડી, હાથ, દાંત ને જીભ. તે એટલી હદે ભયાનક લાગતી હોય છે.
તેનું હસવાનું પણ એટલું ભયાનક હોય છે તેમજ તેનો અવાજ પણ કંઇક વિચિત્ર લાગતો હોય છે. તે સતત હવામાં ઉડતી હોય છે. તેના શરીરમાંથી ગંદી વાસ મારતી હોય છે. "

તે ડાકણ હવામાંથી નીચે ઉતરે છે. ધીમા પગલે તરંગ પાસે જાય છે. તરંગ ત્યાં જમીન ઉપર જ પડેલો હોય છે. તે તરંગ પાસે જાય છે અને તેના મોઢામાંથી જાંબલી રંગનું પ્રવાહી થૂંકે છે. તે બહુ જ ગંદુ અને વાસ મારે તેવું હોય છે. તે જેવું તરંગના ગાલ ઉપર પડે છે કે ત્યાંજ તરંગનું શરીર ધ્રુજવા માંડે છે. તેના મોઢામાંથી ફીણ નીકળી જાય છે. તરંગની આંખો ધીમે ધીમે બંધ થતી જાય છે. તેનો શ્વાસ ફૂલવા માંડે છે.
                   તે ડાકણ ફરીથી તરંગ ઉપર કૂદકો મારે છે. તરંગ ની છાતી ઉપર સીધી બેસે છે. તેના દાંત લાંબા થતા જાય છે ને તે તરંગની ગરદનમાં ઘૂસાડી દે છે. તે ડાકણ તેના હાથ વળે તરંગનું શરીર ફાડવા માંડે છે. ચોથી સેકન્ડે તો તરંગ મૃત્યુ પામે છે.

તે ડાકણ મૃત શરીર ઉપર કૂદવા માંડે છે. ઘડીકમાં લોહી પીવે છે તો ઘડીકમાં તેનું માંસ ખાય છે. તેના શરીર ઉપર બેસીને કાળા રંગનું પ્રવાહી પણ કાઢે છે. તેના મોઢામાંથી જાંબલી રંગનું પ્રવાહી કાઢીને તે ડાકણ તેના હાથ ઉપર લગાવે છે. તે ડાકણ જોરથી હસવા માંડે છે અને તેના શરીરને ખાતી જાય છે. તે ડાકણ એટલી હદે ક્રૂર લાગતી હોય છે કે ખરેખર ભયાનક, બીભત્સ અને વિચિત્ર લાગતી હોય છે.

તે ડાકણ ઉપરની તરફ જોતી હોય છે અને એક કરુણ હાસ્ય કરે છે. તેના હાસ્યમાં વેદના, દર્દ અને દુઃખ જણાતા હોય છે. તે ડાકણ ઊંડો શ્વાસ લઈને જોરથી રડે છે. તે બૂમો પાડે છે, ચીસો પાડે છે, રાડો પાડે છે અને અંતે તે શાંત થઈ જાય છે.

                              દેસાઈ તેમના ઘરની બાલ્કનીમાં ઉભા હોય છે. રાતના ત્રણ વાગ્યા હોય છે. ત્રણ વાગ્યાના સૂનકારમાં તેમને કરુણ સ્વર સંભળાય છે. જે અવાજ સાંભળીને તે ઉપર ગગનમાં જુએ છે અને મનમાં બોલે છે...,

" હે પ્રભુ, તારી સર્જેલી દુનિયામાં બિચારી ભટકતી આત્મા, ડાકણ કે ચુડેલ ને મુક્ત કરી દે..! આ ભવમાં કે કેટલાય ભવથી તે બિચારી રખડી રહી છે, તેને મુક્ત કર અને તારા શરણે લઈ જા. આજે આ સૂનકારમાં એ ડાકણ નો કરુણ સ્વર મને સંભળાય છે. તેનું રુદન મને હેરાન કરે છે. તું તે ડાકણ ને મુક્ત કર..! તારી અને કુદરતની લીલા કેટલી રંગીન છે. "

દેસાઈ તેમના રૂમમાં અંદર જાય છે અને સવારનું પેપર હાથમાં લે છે. તે લેખ વાંચે છે.
તે લેખમાં માત્ર એટલું લખ્યું હોય છે..,
" હરતાં ફરતાં બળાત્કારીઓ એ જીવતાં પિશાચ સમાન છે. "

- તીર્થ શાહ.

     
              
     
                    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ