વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાડી નં ૭૭૬૦

--------------------------------------------। ગાડી નં 7760 ।---------------------------------------------------------

                                                                                   

              બાપા અનુજી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કહેતા કે ચારિત્ર્યનું માણસના જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે . પછી તે પુરુષ હોય કે સ્ત્રી.... ચારિત્ર્ય ઉપર જો એક વાર ડાઘ પડી જાય એટલે થઇ રહ્યું . ચારિત્ર્ય ઉપર પડેલો ડાઘ કોઇ કાળે ભૂસાતો નથી માણસ જીવે ત્યાં સુધી એ ડાઘ તેનો પીછો છોડતો નથી માટે માણસે ચારિત્ર્ય બાબતે ખૂબ જ સભાન રહેવું જોઇએ .

                બાપાનું નામ આમ તો અનુપ કુમાર હતું પણ આખું ગામ તેમને અનુજીના નામથી જ ઓળખતું હતું . માત્ર ગામ જ નહીં , પણ ગામમાં આવતા સરકારી અમલદારો અને ગામના બધા મહેમાનો પણ તેમને અનુજીના હુલામણા નામે જ બોલાવતા હતા . બાપાનું ગામમાં વર્ચસ્વ પણ ઘણું સારું હતું , ગામના બધા જ લોકો બાપાનું માન રાખતા હતા , ગામનું નાનું છોકરું પણ બાપાનો બોલ ઉથામતું નહીં ,અને એટલે જ તેને પણ લોકો સચીનના નામે ઓળખવાના બદલે અનુજીના દિકરા તરીકે વધારે ઓળખતા હતા .

            બાપાને તેમની સીલ્વર કલરની સ્વીફ્ટ , કે જેનો નંબર 7760 હતો ,ખૂબ જ પ્રિય હતી . બાપા જ્યાં જાય ત્યાં એ ગાડી લઇને જ જતા અને કોઇને પણ પોતાની ગાડી આપતા નહોતા .. તેમની પાસે કોઇ ગાડી માગવાની હિંમત પણ કરતું નહીં ,અને કદાચ ગાડી માગે તો બાપા પ્રેમથી તેને સમજાવતા કે જોઇએ તો મારા ઘેર આવીને જમી લો , રીક્ષાના પૈસા ના હોય તો હું આપું ,પણ ગાડી તો મારા જીવથી પણ વધારે વહાલી છે .. ગાડી માગીને મને શરમમાં નહીં નાખવાનો ..! સચીનને પણ ગાડી ના મળે ..! સચીનની હિંમત પણ નહોતી બાપા પાસે ગાડી માગવાની . બાપાએ તેને તેની પસંદગીની બાઇક લઇ આપી હતી – તે લઇને જ ફરવાનું ,શહેરમાં જવું હોય તો તે પણ છૂટ .. ભણતો હતો ત્યાં સુધી તો બાઇક લઇને જ શહેરમાં કોલેજ જતો ,પણ ભણી રહ્યા પછી ધરનો ધંધો અને દુકાન સંભાળી લીધાં , એટલે તેને પણ આમ તો ક્યાં શહેરમાં જવાની નવરાશ હતી ..!

              સચીન નાનો હતો , લગભગ ત્રણ વરસનો ત્યારે જ તેની મમ્મી સીતાદેવી મરણ પામ્યાં હતાં , ગામના લોકોએ અને સગાં વહાલાંઓએ બાપાને ખૂબ સમજાવ્યા –ફરીથી લગ્ન કરવા માટે ..પણ અનુજીનો તો જવાબ એક જ હતો – હવે તો સચીન એ જ મારું જીવન..! તેને ઉછેરવાની ,તેનાં મા અને બાપ બંને બની રહેવાની જવાબદારી મારી ..! અને સાચા અર્થમાં અનુજી તેનાં મા અને બાપ બંને બની રહ્યા હતા .તેનાં બધાં કામ કરતા , જોકે એ વાત અલગ હતી કે તેમણે પોતાની મદદ માટે આયા અને કામવાળી બંને રાખ્યાં હતાં ..સચીનનું બધું જ કામ આયાને કરવાનું પણ તે બાપા અનુજીની દેખરેખ હેઠળ . સચીન શું કરે છે ,ક્યાં જાય છે ,કોની સાથે ફરે છે ,શું ખાય છે ... એ બધીજ બાબતોનું ધ્યાન બાપા રાખતા . અનુજીએ ક્યારેય સચીનને માની ખોટ સાલવા દીધી નહોતી – એ રીતે સચીન બાપાનો હ્રદયપૂર્વક ઋણી હતો .. તે તેમનો ગુણ ક્યારેય ભૂલવાનો નહોતો . પોતાના ઉછેર માટે બાપાએ બીજાં લગ્ન નહોતાં કર્યાં એ વાત તે સારી રીતે સમજતો હતો .. બાપાના માટે તો જો જરુર પડે તો પોતાની ચામડીના જૂતાં પણ સીવડાવવા તે તૈયાર હતો . એ બાપા તેને એકલો મૂકીને ચાલ્યા ગયા ..! તે ખૂબ રડયો ..પણ મોતના દેવતા આગળ ક્યાં કોઇનું ચાલે છે તે તેનું ચાલે ..! બધા જ ઘા માટે સમય ઔષધિનું કામ કરે છે –સચીનની બાબતમાં પણ એ જ થયું ..!

                                    -----------------+ -------------------------------------+--------------------

            સચીને ઝડપથી ગાડી હંકારી , તેણે કાંડા ઉપરના રીસ્ટ વોચમાં જોયું તો આઠ વાગીને ઉપર પચ્ચીસ મિનિટ થઇ ગઇ હતી અને તેણે મોનાને આઠ વાગ્યાનો સમય આપ્યો હતો . મોના તો સમયની બાબતમાં ખૂબ જ એક્યુરેટ હતી .. તે તો કાયમ કહેતી કે – ટાઇમ એટલે ટાઇમ .. જે ટાઇમને જાળવતું નથી ,ટાઇમ તેને જાળવતો નથી . ગયેલું બધું જ પાછું મળી શકે છે પણ ગયેલો સમય ફરીથી પાછો ક્યારેય મળતો નથી .અને આજનો દિવસ તો તેના માટે મહત્ત્વનો હતો . મોના તેની ફિયાન્સી .. છેલ્લાં બે વરસથી એ લોકો સાથે ફરતા હતાં . કોલેજમાં બીજા વરસમાં હતાં ત્યારે જ તેમની નજરો મળી હતી , કદાચ પ્રથમ નજરનો પ્રેમ જેને કહેવાય છે તે આજ હશે . વાત તો ઘણી સીધી સાદી હતી .. કોલેજના એન્યુઅલ ફંકશનમાં દુષ્યન્ત શકુંતલા નાટક ભજવવાનું હતું અને તેને દુષ્યંતનો રોલ મળ્યો હતો જ્યારે સામે મોનાને શકુંતલાનો ..! રિહર્સલમાં પણ જે સંવાદો તેના ભાગે બોલવાના આવતા હતા તેમાં તે શકુંતલા પ્રત્યે ભાવુક બની જતો હતો – કોણ જાણે કેમ તે સાચ્ચે જ દુષ્યંત હોય અને શકુંતલાને જી –જાનથી ચાહતો ના હોય ..! તેની આ ભાવુકતા જ મોનાને સ્પર્શી ગઇ અને તે તેના પ્રેમમાં પડી . નાટક પણ હીટ થયું ... આખા ફંક્શનમાં બીજા બધા જ કાર્યક્રમો કરતાં તેમનું નાટક સૌથી વધારે વખણાયું ... લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં... વિચારતાં વિચારતાં તે ગાડી લઇ ચકલી સર્કલ પહોંચી ગયો .ડાબી બાજુ ખૂણા ઉપર જ મોના ઉભી હતી .તેણે બારણું ખોલ્યું .. મોના ગાડીમાં બેઠી પણ તેનું મોંઢું ચઢેલું હતું .

            તે સમજી ગયો કે તેને મોડું થયું એટલે મોનાનો તોબરો ચઢેલો છે .

“ કેમ કાંઇ બોલતી નથી ડિયર ..?” તેણે મોના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ..પણ મોનાએ તેને કોઇ પ્રતિભાવ ના આપ્યો . “ ડાર્લિંગ , આગળા વ્હીલમાં પકચર હતું એટલે તે કરાવવામાં વાર લાગી .. એ તો  સારું થયું કે ગાડીમાં બેસતાં પહેલાં જ મારી નજર પડી , નહીંતર આપણે કેટલાં બધાં હેરાન થાત ? “ તેણે મોનાને મનાવવા માટે ગપ્પું માર્યું ... જો કે ગાડી બાપા મરી ગયા પછી અત્યાર સુધી પડી જ રહી હતી એટલે મોનાને તેની વાત સાચી લાગી .

“ આ તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો ..આપણે અત્યાર સુધી બાઇક લઇને જતા હતાં ... આજે પહેલી વાર ગાડી કાઢી અને તેમાં જ ..” મોનાના મોંઢા ઉપર હાસ્ય આવી ગયું . પણ સચીન ખુશ હતો ... તેની ખુશીનાં આજે ઘણાં બધાં કારણ હતાં . એક તો બાપાના મરી ગયા પછી તે પહેલીવાર ગાડી લઇને નીકળ્યો હતો , બીજું

આજે મોનાનો બર્થડે હતો અને તે સારી રીતે હોટલમાં સેલીબ્રેટ કરવા માગતો હતો , માત્ર એટલું જ નહીં પણ અત્યાર સુધીનો તેનો મોના સાથેનો સબંધ માત્ર હાય ..હેલો .. કે તેથી આગળ વધીને ચુંબન સુધીનો જ હતો પણ આજે તેણે મોનાની સંમતિથી જ હોટલમાં રુમ બુક કરાવી હતી ..! એટલે એ સબંધ આગળ વધવાનો હતો .. બંને એકબીજામાં પોતપોતાની સંમતિથી જ ઠલવાઇ જવાનાં હતાં . અત્યાર સુધી બાપા જીવતા હતા એટલે તેને બીક હતી કે બાપા કદાચ તેના મોના સાથેના સબંધને મંજૂરી નહીં આપે .. અને બાપાએ તેના ઉછેરમાં જે બલિદાન આપ્યું હતું તે જોતાં તેનામાં બાપાનો બોલ ઉથાપવાની હિંમત નહોતી , પણ હવે તો બાપા નહોતા ... તેને મોના સાથે લગ્ન કરતાં અટકાવે તેવું કોઇ જ નહોતું , મોનાનાં માબાપે તો પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી .આથી તેનાં મોના સાથેનાં લગ્નને લીલી ઝંડી મળી ગઇ હતી . તેણે ડ્રાયવીંગ કરતાં કરતાં મોનાના ચહેરા તરફ દષ્ટિ કરી ..ફૂલગુલાબી માખણના લોંદા જેવો ચહેરો- જેને જોતાં જ ચૂમી લેવાનું મન થાય ..! ડાબા ગાલ ઉપર પડતાં ખંજન.. તેને બહુ ગમતાં ... નશીલી નજર .. અને રોમાંટિક આંખો .. રસ્તે ચાલનાર ત્ર્રીજી વ્યક્તિ પણ તેના આકર્ષણમાં ગળાડૂબ ડૂબી જાય તેવા છાતીના ગોળાર્ધો ..! સચીનને પોતાને પણ ડ્રાયવીંગ કરતાં કરતાં મોનાને પોતાની તરફ ખેંચવાની ઇચ્છા થઇ આવી ,તેણે હાથ પણ લાંબો કર્યો , પણ મોના તેની દાનત સમજી ગઇ હોય તેમ આઘી ખસી ગઇ અને બોલી પણ ખરી ,” લુચ્ચા..આમ અધીરો ના થઇશ ..” તેણે માત્ર તેની સાથળ ઉપર ચૂંટલી ખણીને જ સંતોષ માનવો પડ્યો ..!

            મોનાને ગાડીમાં બેસાડી તે પણ પહેલી વાર  જ ફરવા નીકળ્યો હતો , આથી તે તો ખુશ હતો પણ મોના પણ ખુશ હતી .બંનેને લાગતું હતું કે બાઇક કરતાં આ તો ઘણું સારૂં. બાઇક ઉપરથી તો પડી જવાની બીક લાગે , ખાડો આવે કે બંમ્પર આવે તો બાઇક ઉછળે , બરાબર પકડ્યું ના હોય તો લસરીને પડી જવાય , જ્યારે ગાડીમાં તો એવો કોઇ ભય નહીં .બીજી અગત્યની વાત એ હતી કે બાઇક ઉપર બધાં જ જૂએ કે આ લોકો ચાલ્યાં .. ઓળખીતાં મળે તો ઓળખી પણ કાઢે ...વાત એટલેથી ના અટકે .. જેણે તેમને ઓળખી કાઢ્યાં હોય તે લોકો તેમની વાતો મરચું મીઠું નાખીને બીજે કરે ...અને તેઓ રખડેલ તરીકે બદનામ થઇ જાય તે અલગ ..! સચીનને ફરીથી બાપાના શબ્દો યાદ આવ્યા- “ ચારિત્ર્ય એટલે ચારિત્ર્ય .. તેના ઉપર ડાઘ લાગવો જોઇએ નહીં ..”

            ગાડીમાં તો આવા બધા પ્રશ્નો ઉભા થવાની તો કોઇ સંભાવના જ નહોતી .અધૂરામાં પૂરું બાપાએ ગાડીમાં ગ્લાસ ઉપર સન ક્રંટોલ ફિલ્મ નખાવેલી હતી એટલે બહારની વ્યક્તિ તો અંદર કશું જોઇ જ ના શકે –અંદર કોણ બેઠું છે તે પણ ખબર ના પડે ... અરે ! અંદર જે કરવું હોય તે થાય ,જેમ બેસવું હોય તેમ બેસાય ..! કોઇ ચિંતા જ નહીં .

            મોનાએ સચીન તરફ જોયું એટલે સચીને પૂછ્યું , ‘ કેમ શું જૂએ છે ? “

“ જોઉં છું કે તારા ચહેરા ઉપર કેટલો આનંદ છે .. બધા ચેનચાળા કરવાની જે પ્રમાણે ઉતાવળ હોય તે પ્રમાણે હવે તો લગ્નની પણ ઉતાવળ કરવી પડશે ...કાલ ઉઠીને કાંઇ થઇ જાય તો હું તો ક્યાંયની પણ ના રહું , કોઇને મોંઢૂં બતાવવા લાયક પણ ના રહું ..! અને હવે તો આપણા લગ્નમાં અવરોધ ઉભો કરે તેવા બાપા પણ રહ્યા નથી , માટે આજે તો આપણે ભલે એન્જોય માટે હોટલમાં જતાં હોય , હોટલમાં રુમ રાખ્યો હોય અને બંધ કમરામાં ભલે આજે બધાં જ ધતીંગો કરી લઇએ પણ ... હવે લગ્નની ઉતાવળ કરવી જપડશે . આજે પહેલી અને છેલ્લી વખત આપણે આ રીતે મળીએ છીએ ... હવે પછી આ બધાં ધતીંગો માત્ર અને માત્ર લગ્ન પછી જ .. ફરીથી મને આ રીતે બોલાવતો નહીં ..” મોનાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો .. તેની આંખોમાં લોહી ધસી આવ્યું .

“ ઓ કે બાબા... તને આજે બોલાવી તે પણ ખરેખર તો મારી ભૂલ જ છે . હું પણ અનુજીનો પુત્ર છું ..મારે મન પણ ચારિત્ર્યનું ઘણું મહત્ત્વ છે ..એટલે આપણી હવે પછીની આ પ્રકારની મુલાકાત તો લગ્ન પછી જ થશે ..પણ તને જો આ રીતે આવતાં અફસોસ થતો હોય , તારું મન તને ડંખતું હોય તો હજુ પણ અહીંથી પાછાં વળી જઇએ .. અને કહેતી હોય તો માત્ર બર્થડે સેલીબ્રીશન કરીને છૂંટાં પડી જઇશું..” સચીન પણ કાંઇ પાછો પડે તેવો નહોતો .

            આમ તો તેમણે અત્યારસુધીમાં લગ્ન કરી લેવાં જોઇતાં હતાં , પણ બાપા જીવતા હતા અને સચીનને બાપાની બહુ બીક લાગતી હતી ..સચીનને મનમાં એમ જ હતું કે બાપા કોઇ કાળે તેમનાં લગ્નને મંજૂરી નહીં જ આપે .. મોના નીચ નાતની હતી એટલે...! જ્યારે તેઓ બ્રાહ્મણ હતાં અને બાપા નાત-જાતના ભેદભાવમાં ચુસ્તપણે માનતા હતા ..! પણ હવે એ પ્રશ્ન નહોતો ..!

            મોના નોકરી કરતી હતી , કોઇક ઇન્ટરનેશનલ કંપનીમાં ..! તેનો પગાર પણ સારો હતો , અને તે દેખાવડી પણ હતી –એટલે તેની નાતમાં તો તેની સાથે લગ્ન કરવા યુવકોની પડાપડી થતી હતી ...અને એટલે જ મોના અને તેનાં માબાપ ઉતાવળ કરતાં હતાં . ખાસ કારણ એ હતું કે સાથે હર્યા –ફર્યા પછી જો સચીન ના પાડી દે , અને મોનાની ઉંમર થઇ ગઇ હોય તો પછી તેમની નાતમાં મોટી ઉંમરના મૂરતિયા મળવા મુશ્કેલ હતા , અને તેમાં પણ જો છોકરી ગવાઇ ગયેલી હોય તો કોણ તેની સાથે લગ્ન  કરે ? મોના પણ આ વાત સમજતી હતી ..અને તેની મમ્મીએ તો તેને અલ્ટીમેટમ આપી જ દીધું હતું કે –હવે તું સચીન સાથે લગ્નની ઉતાવળ કર ..અને જો એ છોકરો માનતો ના હોય , ગલ્લાં-તલ્લાં કરતો હોય , બહાનાં કાઢીને ટાઇમ પસાર કરતો હોય તો પછી એને છોડી દે ..બાકી અનુજીનો છોકરો મળતો હોય તો આપણે મોંઢું ધોવા જવાની કોઇ જરુર નથી પણ જે હોય તે હવે ઝડપથી ફેંસલો થઇ જવો જોઇએ ..! આમ તો તેના સચીન પ્રત્યેના પ્રેમમાં કોઇ ઓટ આવી નથી ..! તે પોતે પણ સચીનને જી-જાનથી ચાહે છે ,સચીન સિવાય બીજા કોઇ પુરુષનો તેણે સ્વપ્ને પણ વિચાર કર્યો નથી .. બીજો કોઇ પુરુષ તેને મંજૂર પણ નહોતો . , પણ જો સચીન તેની સાથે માત્ર રમત જ રમતો હોય તો બહેતર છે કે તેને છોડી દેવો ..!

            દૂરથી જ હોટલ ગેલેક્ષીનું બોર્ડ દેખાયું .. સચીને લપક-ઝપક થતું એ બોર્ડ જોયું અને તેના મનમાં ગલગલિયાં થવાં માંડયાં ..! તેણે હોટલના પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી તે સાથે જ વોચમેન દોડતો આવ્યો . ગાડીમાંથી ઉતરતા સચીનને તેણે સેલ્યુટ મારી ,પછી બોલ્યો ,” આ તો અનુજીની ગાડી ..સીલ્વર કલર ..ગાડી નં 7760 .. દર પંદર વીસ દિવસે આ ગાડી અહીં આવતી .. અનુજીની સાથે આવતાં મેડમ તો મને હંમેશાં સારી ટીપ આપતાં ..આજે અનુજી નથી આવ્યા ? ક્યાં ગયા ?” .. સચીન શું બોલે ? તેને લાગ્યું કે તના શરીરમાંથી બધું જ લોહી જાણે કે સૂકાઇ ગયું છે ..!

                                                            ---- અર્જુનસિંહ. કે. રાઉલજી.

                                                            42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2  , મુજમહુડા , અકોટા રોડ ,

                                                            વડોદરા-390020. (મો) 9974064991 .

                                                                        E.Mail : a.k.raulji@gmail.com

                       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ