વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરખામણી

" મધુભાઈ, બે કટિંગ ચા લેતા આવજો. "
એવું બોલીને હું અને મારો મિત્ર અજય ખૂણામાં મૂકેલા ટેબલ પાસે બેઠા. રાતના દસેક વાગ્યા હશે. શિયાળાની ઋતુ બરાબરની જામી ગઈ હતી. વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. એવામાં શહેરથી દૂર હાઇવે પાસે એક ચાની ટપરીએ હું અને અજય બેઠા.
            એટલીવારમાં મધુભાઈ બે ચા ના કપ ટેબલ ઉપર મૂકી ગયા ને જોડે નાની ડિશમાં ખારી પણ હતી. મેં મધુભાઈને ઈશારો કરીને સમજાવ્યું કે, ' આ ખારી લેતા જાઓ... આ ભાઈ પૈસે ટકે બહુ મોટા માણસ છે. આવી ખારી એ નહીં ખાય અને મને ખાવા દેશે પણ નહી. '

    પણ, આપણા મધુભાઈ તો મજાના માણસ. એ મારો ઈશારો સારી રીતે સમજી ગયા હતા પણ જાણીજોઈને ત્યાં ખારી રહેવા દીધી. અજય તેના ફોનમાં વ્યસ્ત હતો. તે સતત તેના ફોનમાં સ્ક્રીન ઉપર નજર મારતો હતો. મને એમ કે, હમણાં ફોન મૂકશે અને મારી જોડે બે ઘડી વાત કરશે..! પણ, હું ખોટો હતો.
                        મારાથી હવે રહેવાયું નહીં એટલે મેં અજયને કીધું, " મિત્ર, ચા ઠંડી થઇ જશે. પેલા મધુભાઈ ફરીવાર ચા ગરમ નહી કરે. આ ફોન બાજુમાં મૂક અને ચા પી લે..! "
અજયે હા માં માથું ધુણાવ્યું અને ફોન બાજુમાં મૂકી દીધો. તેણે મારી સામે જોયું. હું મસ્ત રીતે ચા ની ચૂસકી મારતો હતો. તે ચા ની ચૂસકી મારતી વખતે અવાજ આવતો હતો એ કદાચ અજયને ગમ્યો નહી હોય એમ વિચારીને મેં કપ નીચે મૂકી દીધો.

                    અજયે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, " દોસ્ત, કેટલા વર્ષો પછી આપણે મળ્યાં..! જોતો ખરા હું તો કેટલો બદલાઈ ગયો પણ તું એવો ને એવો જ રહ્યો. તારી બેસવાની રીત, બોલવાની ઢબ, ચા ની ચૂસકી... ખરેખર તને જોઈને આનંદ થયો. "
            અજયની વાતને વચમાં કાપીને હું માત્ર એટલું બોલ્યો, " નસીબની વાત છે મિત્ર, જે ભાગ્ય મારા હાથમાં હતું એ તારા હાથમાં આવી ગયું. નસીબ બધાના સરખા નથી હોતા. આજે તારું જીવન કેટલું વૈભવશાળી છે અને મારું જીવન તું તો જાણે જ છે કે શું ચાલી રહ્યું છે. ઉપરવાળો બધાને જોખી જોખીને આપે છે. તેણે મને મારા જેટલું આપ્યું ને એમાં હું રાજી છું. "
                       અજય કશુંય બોલતો નથી ને તે ચા પીએ છે. મારી ચા પૂરી થવા આવે છે ને ત્યાંજ અજય તેનું વોલેટ બહાર કાઢે છે. એ વોલેટ જોઈને હું તેને, ' રહેવા દે ભાઈ આજની ચા મારા તરફથી...! ' એમ ઉત્સાહમાં આવીને બોલી દઉં છું. અજય મારી સામે જોઇને હસે છે અને વોલેટ ત્યાં ટેબલ ઉપર રહેવા દે છે.
જોડે નવાઈની વાત એ હતી કે, અજય ચા સાથે પેલી ખારી બધી જ ખાઈ જાય છે તેમજ મધુભાઇ ને બીજી બે કટિંગ ચા અને ગરમા ગરમ ભજીયાનો ઈશારો કરે છે.

                         બીજી તરફ મેં ઘડિયાળમાં જોયું તો રાતના અગિયાર વાગવા આવ્યા હશે. હું મારો ફોન કાઢીને મારી પત્ની અવનીને કોલ કરીને જાણ કરી દઉં છું કે, આજે મારે થોડું લેટ થશે હું મારા બાળપણના મિત્ર અજય સાથે બેઠો છું. એટલીવારમાં મધુભાઈ ભજીયા અને ચા લાવીને ટેબલ ઉપર ગોઠવી દે છે. મધુભાઈ તેમના ખભે મૂકેલા રૂમાલથી મોઢું સાફ કરે છે અને કહે છે, " ઉપરવાળાએ મને કશુંય નથી આપ્યું તેનો મને કોઈ રંજ નથી. હું રાજી છું અને મારી સ્વર્ગીય પત્નીના પ્રેમથી હું બે ટંકનું પેટ ભરું છું. આવજો સાહેબ..! "
                            હું ચા ની ચૂસકી મારતા અજયને કહું છું, " સાલા તું ગજબનો ગોઠવાઈ ગયો.., સરકારી નોકરીમાં ક્લાસ વન અધિકારી, સમાજમાં ઊંચું નામ, સરસ મજાની જિંદગી, પ્રેમાળ પત્ની ને બાળકો બીજું શું જોઈએ..? તને ઉપરવાળાએ ઘણું સારું આપ્યું છે. પેલું કહેવાય છે ને કે તારી બાજી ઘણી સારી પડી છે. જોને હું કરમનો ફૂટલો, જવા દે..! "
                               અજય ભજીયું મોઢામાં મૂકતા કહે છે, " પૈસો આજ છે કાલે નહીં. તારા નસીબમાં પ્રેમ છે જે મારી પાસે નથી..! આર્થિક રીતે હું ઘણો અધ્ધર છું પણ માનસિક રીતે હું સાવ તળિયે છું. તને ક્યાં ખબર છે કે અત્યારે મારી સાથે શું ચાલી રહ્યું છે..! "

                      મેં અજયની આંખમાં દર્દ જોયું અને તેણે કહ્યું, " આવતીકાલે મારા છૂટાછેડા છે. લગ્નના વીસ વર્ષે હું મારી પત્ની દેવ્યાનીથી અલગ થઈ રહ્યો છું. મારી પત્નીએ ભરણ પોષણનો રૂપિયા સાત કરોડનો દાવો માંડ્યો છે અને તે કેસ જીતી પણ ગઈ છે. મારી દીકરી પ્રાર્થના તેની જોડે જવાની છે તેમજ મારું ઘર પણ તેના નામે છે. મિત્ર, હું કાયદેસર હારી ગયો. મારા નસીબમાં ઉપરવાળાએ પ્રેમ, લાગણી, વિશ્વાસ, ધીરજ, હૂંફ, સંતાન પ્રેમ બધું જ નિમ્ન રાખ્યું છે. માત્ર સંપત્તિ, ધન, દોલત, પૈસો, મૂડી આ બધાથી જીવન નથી ચાલતું. હું શું કરું મને એ સમજાતું નથી. બસ મારા જીવનરથ ને જેમ તેમ દોરી ખેંચી ને હાલ ચલાવી રહ્યો છું બાકી મારો રથ કેમનો દોડે છે એ મને એકલાને જ જાણ છે. "
                એટલીવારમાં ફરીવાર મારી પત્નીનો ફોન આવે છે. ફોન ઉપર વાત કર્યા બાદ અજય મારી સામે જુએ છે અને હસે છે. હું મંદ સ્મિત કરું છું અને અજયને ગળે લગાવું છું તેમજ તેની પીઠ ઠપકારું છું.
                               તે સમયે તેના કાનમાં એક વાત કહું છું, " મિત્ર, તારા જીવનનું સુખ એ મારા વર્તમાનનું દુઃખ છે અને મારા વર્તમાનનું સુખ એ તારું આવનારું દુઃખ છે. હું સુખી છું મારા લગ્નજીવનની શ્રેણીમાં અને મારા બાળકો પણ રાજી છે. હું દુઃખી છું માત્ર આર્થિક સાંકળમાં જે મારા જીવનમાં નડતર રૂપ છે. તું રાજી છે તારી સામજિક આબરૂ માં પણ તું દુઃખી છે તારા અંગત જીવનમાં..! "

હું અજયને હાથ મિલાવીને ત્યાંથી નીકળી જાઉં છું.
                                  રસ્તામાં મને એક વિચાર આવે છે કે, " ખરેખર આપણે સરખામણી ક્યાંય ના કરવી જોઈએ. ના કોઈના અંગત જીવનમાં, ના ભણતરમાં, ના મિત્રતામાં, ના લગ્નજીવનમાં, ના બાળકોમાં..! સરખામણી માત્ર દુઃખ જ આપે છે બાકી એ કોઈ ઉપાય નથી. શા માટે કોઈનું ઊંચું જીવન જોઈને હું દુઃખી થાઉં..! શા માટે હું કોઈની શ્રીમંતાઈ જોઈને હું છોભો પડું..! શા માટે હું માનસિક રીતે ત્રસ્ત થાઉં..! પ્રભુએ જે મને આપ્યું છે તેમાં ઘણું છે એ સૂત્ર જ મારા જીવનનો સાર્થ છે. હું રાજી છું મારી લગ્ન જિંદગીથી. "

બીજી તરફ, અજય મધુભાઇ ને ગળે લગાવીને તેમના આશીર્વાદ લઈને હસતા મોઢે નીકળી જાય છે.

આભાર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ