વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફાર્મ હાઉસ

વિષય- ૩ રહસ્ય-રોમાંચ      

          ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નવા હિલ સ્ટેશન તરીકે વિકસી રહેલું એક સ્થળ એટલે વિલ્સન હિલ. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા પંગારબારી ગામ પાસે વિલ્સન હિલ આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ ૨૩૫૦ ફૂટ છે. ભારતમાં ઘણા ઓછા એવા હિલ સ્ટેશન છે, જયાંથી સમુદ્રની ઝલક જોઈ શકાય છે. વિલ્સન હિલ એમાંનું એક છે.
         વિલ્સન હિલ પર નવસારીના ચાર મિત્રો બીપીન, આસિફ, પાઉલ અને બોમન ફરવા ગયા હતા. ચારેયની મિત્રતા કોલેજ દરમિયાન થઈ હતી. ચારેય જણ અલગ અલગ ધર્મના હતા, પણ એમના શોખ અને વિચારો સરખા હતા. વળી, છેલ્લી બેન્ચ પર સાથે બેસતા હતા એટલે એમની મિત્રતા ધીમેધીમે ઘનિષ્ઠ થઈ ગઈ હતી. ચારેયને ભણવા કરતાં બીજી બાબતોમાં રસ વધારે હતો. તેઓ કોલેજ મોજમજા કરવા માટે જ આવતા હતા કેમ કે એમને નોકરી કરવામાં કોઈ રસ ન હતો.
          કોલેજ પૂરી થયા પછી ચારેય મિત્રોએ એક જ શોપિંગ સેન્ટરમાં બાજુબાજુમાં દુકાન ખોલી. બીપીન ગિફ્ટ આર્ટિકલ્સ વેચતો હતો. આસિફ મૉબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. પાઉલ વીમા ઍજન્ટ બન્યો અને બોમનનો ફોટો સ્ટુડિયો હતો. કોલેજ સમયથી ચારેય મિત્રોએ મહિનાના છેલ્લા રવિવારે ફરવા જવાનો નિયમ બનાવ્યો હતો. એ નિયમ મુજબ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે તેઓ વિલ્સન હિલ ઉપર ફરવા આવ્યા હતા.
          અત્યારે તેઓ ખુશ હતા, પણ આજની રાત એમના માટે ભયંકર હતી એ વાતથી ચારેય જણ બેખબર હતા. 
          એમણે સૂર્યાસ્ત જોયા પછી જ વિલ્સન હિલ પરથી ઘરે જવાનું નક્કી કર્યું હતું. તેથી તેઓ સૂર્યાસ્ત જોઈને બોમનની મારુતી કારમાં બેઠા અને વિલ્સન હિલ પરથી નીચે ઉતરવા લાગ્યા. કાર બોમન જ ચલાવી રહ્યો હતો. તળેટીમાં પહોંચ્યા પછી રસ્તા ઉપર જે પહેલી હોટલ આવી ત્યાં બોમને કાર ઊભી રાખી.
          એ જોઈ પાછળ બેસેલા પાઉલે પૂછ્યું, "સિગરેટની તલપ લાગી કે શું ?"
         બોમન બોલ્યો, "ના, ભુખ લાગી છે."
         આસિફ કારની બહાર નીકળતા બોલ્યો, "તો ચાલો પેટપૂજા કરી લઈએ."
         બીપીને કહ્યું, "પણ બોમન, પછી ડ્રાઈવીંગ સીટ પર મને બેસવા દેજે. બાકી તું જે ઝડપથી કાર ચલાવે છે, એ રીતે તો આપણને નવસારી પહોંચતા દસ વાગી જશે."
         "સાચી વાત છે." પાઉલે ટાપસી પૂરાવી. 
         અને પોણો કલાક પછી કારનું સ્ટીયરીંગ બીપીનના હાથમાં હતું. રાતનો સમય, જંગલ વિસ્તાર અને ઠંડીનું જોર પણ હતું એટલે બીપીને દરવાજાના ગ્લાસ બંધ કરી દીધા. 
         ચારેય મિત્રો વચ્ચે હસીમજાકની વાતો ચાલી રહી હતી. હોટલ પરથી નીકળ્યાને લગભગ પોણો કલાક જેટલો સમય થયો હશે. અચાનક બોમને ગાડી ઊભી રખાવી. પાઉલે તરત પૂછ્યું, "શું થયું ?"
         બોમને ટચલી આંગળી ઊંચી કરી અને તે કારની બહાર નીકળ્યો. આસિફ પણ કારમાંથી ઉતરતા બોલ્યો, "ખાતા ખાતા પાણી ઓછું પીવું જોઈએ ને."
         પાઉલ પણ બહાર નીકળ્યો અને એણે કહ્યું, "આસિફ, બોમનને તીખું ખાવાની આદત નથી એટલે એણે પાણી વધારે પીવું પડયું."
         પછી પેશાબ કરીને ત્રણેય જણ કાર તરફ ફર્યા એ જ સમયે એક બૂલેટ તેજ ગતિથી રસ્તા પરથી પસાર થયું. એ જોઈ પાઉલ બોલ્યો, "અરે ! બીપીન સામેની તરફ ગયો હતો તો એને બૂલેટવાળાએ ટક્કર તો નથી મારી ને ?"
         એટલે ત્રણેય જણ સામેની તરફ ગયા અને એમણે બીપીનના નામની બૂમ પાડી. પણ કોઈ જવાબ ન મળ્યો એટલે એમને લાગ્યું કે નક્કી બીપીન બૂલેટ સાથે અથડાયો હશે. તેથી મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તેઓ બીપીનને શોધવા લાગ્યા. પણ એમને બીપીન ન મળ્યો.
         આસિફે કહ્યું, "લાગે છે એ બૂલેટ સાથે ઘસડાય ગયો હશે."
         પાઉલ પ્રાર્થના કરતા બોલ્યો, "હે પ્રભુ ! બીપીનની રક્ષા કરજે."
         બોમન બોલ્યો, "તમે બંને એને શોધતા શોધતા આગળ વધો. હું ગાડી લઈને તમારી પાછળ આવું છું."
         પછી આસિફ અને પાઉલ બીપીનને શોધવા રસ્તાની ઘાર પર ચાલતા ચાલતા આગળ વધ્યા. બંને જણ મોબાઈલની ટોર્ચના અજવાળે શોધખોળ કરી રહ્યા હતા. બોમન ગાડી લઈને પાછળ આવ્યો એટલે એમણે મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો કેમ કે ગાડીની હેડ લાઈટના અજવાળાના લીધે મોબાઈલની જરૂર ન હતી. અડધો કિલોમીટર જેટલું ચાલ્યા પછી આસિફને મુખ્ય રસ્તાથી સહેજ દૂર એક બૂટ દેખાયો. આસિફ બીપીનના એ બૂટને ઓળખી ગયો. બૂટ જયાં પડેલો હતો ત્યાંથી એક કાચો રસ્તો જંગલ તરફ જતો હતો. તેથી આસિફે બોમનને ગાડી એ તરફ વાળવા ઈશારો કર્યો. બોમને ગાડી કાચા રસ્તા પર વાળી એ સાથે જ પાઉલને બીજો બૂટ દેખાયો.
         બૂટ ઊંચકી બંને જણ કાચા રસ્તે આગળ વધ્યા. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી હતી અને પછી ઊંચા ઊંચા વૃક્ષો હતા. જેની પાછળથી ચંદ્ર ડોકિયા કરી રહ્યો હતો. અચાનક એક ઘુવડ ઘુ..ઉ..ઘુ..ઉ.. કરતું એમની ઉપરથી પસાર થયું. એ જોઈ ઠંડા વાતાવરણમાં પણ પાઉલના ચહેરા ઉપર પસીનો આવી ગયો. બીકના માર્યા એણે આસિફનો હાથ પકડી લીધો.
         આસિફે પૂછ્યું, "તું આટલો ગભરાય કેમ છે ?"
         પાઉલે કહ્યું, "મને બીપીનની ફિકર થાય છે."
         "તું ચિંતા ન કર, એ મળી જશે."
         પછી બંને જણ વીસેક ડગલા જેટલું ચાલ્યા હશે ત્યાં રસ્તામાં જમણી તરફ વળાંક આવ્યો. એ તરફ તેઓ થોડેક જ આગળ ગયા અને એમને એક મકાન દેખાયું. એ મકાનની આગળ પેલું બૂલેટ ઊભેલું હતું. બંને જણ એ બૂલેટ પાસે ગયા. બોમન પણ ગાડી પાર્ક કરીને બૂલેટ પાસે પહોંચી ગયો.
         આસિફે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી બૂલેટનું નિરીક્ષણ કર્યું. પછી તે બોલ્યો, "બૂલેટની બોડી ઉપર ટક્કર થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી."
         એ દરમિયાન પાઉલની નજર ઘૂળમાં પડેલા પગલા ઉપર ગઈ. એ જોઈ તે બોલ્યો, "આ જો આસિફ, બૂલેટ પાસે પગના નિશાન છે."
         આસિફે પાઉલે બતાવેલ જગ્યાએ ટોર્ચ મારીને એ પગલા ધ્યાનથી જોયા. એ પગલા મકાન તરફ જતા હતા. બીપીનના બૂટ એમની પાસે હતા એટલે ત્રણેયને લાગ્યું કે, પગના નિશાન બીપીનના જ હશે.
          બોમને કહ્યું, "મતલબ બીપીન મકાનની અંદર ગયો છે."
         પછી એમણે મકાન તરફ જોયું તો અંદરથી આછુંઆછું અજવાળું આવી રહ્યું હતું. મકાનને જોઈ 
આસિફ બોલ્યો, "પણ આ મકાન આટલું ભેંકાર કેમ લાગે છે ?"
         બોમને કહ્યું, "એકાંત જગ્યા છે અને મકાનમાં કોઈ ચહલપહલ નથી થતી એટલે એવું લાગે છે."
         પાઉલ બોલ્યો, "હા, બધા ઊંધી ગયા હશે. પણ આપણે એમને ઊઠાડવા પડશે."
         ડોરબેલ ન હતી એટલે બોમને આંગળીથી દરવાજા ઉપર ટકોરા માર્યા. 
         "તારા ટકોરા એમને નહીં સંભળાય." એમ કહી આસિફે જોરથી એનો પંજો દરવાજા પર માર્યો. 
         દરવાજો એમજ અડકાવેલો હતો એટલે આસિફના પ્રહારથી દરવાજો ખૂલી ગયો. પછી તેઓ અંદર પ્રવેશ્યા. અંદર ઝીરોનો બલ્બ ચાલુ હતો. એના ઝાંખા અજવાળામાં ત્રણેયે જોયું કે, સામે મુકેલા સોફા ઉપર બીપીન આંખ બંધ કરીને માથું ટેકવીને બેઠો હતો. એને સલામત જોઈ ત્રણેયના જીવમાં જીવ આવ્યો. 
         પાઉલે સ્વિચબોર્ડ શોધીને બધી સ્વિચ પાડી દીધી. પછી તે સોફા તરફ ગયો. એ દરમિયાન આસિફ અને બોમને બીપીનના ખભા પકડીને એને ઢંઢોળ્યો હતો.
         બીપીને તરત આંખો ખોલી અને જાણે સપનું જોઈને જાગતો હોય એમ એણે પૂછ્યું, "આપણે ઘરે પહોંચી ગયા ?"
         પાઉલે નજીક આવતા જવાબ આપ્યો, "ના, આપણે જંગલના કોઈ અજાણ્યા મકાનમાં છે."
         બીપીને બીજો સવાલ કર્યો, "પણ આપણે અહીં કેમ આવ્યા છીએ ?"
         બોમને કહ્યું, "આપણે નહીં પણ તું અહીં આવ્યો એટલે અમારે તને શોધતા શોધતા અહીં આવવું પડ્યું."
         બીપીને પૂછ્યું, "પણ હું અહીં કેવી રીતે આવ્યો ?"
         આસિફે કહ્યું, "એ તો તું જ કહી શકે. યાદ કર આપણે પેશાબ કરવા ઊભા રહ્યા....."
         આસિફ વાક્ય પૂરું કરે એ પહેલા બીપીનને યાદ આવી જતા તે બોલ્યો, "હું પેશાબ કરવાનો ન હતો, પણ પગ છૂટા કરવા બહાર નીકળ્યો ત્યાં રસ્તાની સામેની બાજુ કંઈ ચળકતી વસ્તુ મને દેખાય એ જોવા હું સામેની તરફ ગયો."
         બોમને તરત પૂછ્યું, "તો શું હતું એ ?"
         બીપીને કહ્યું, "એ કાચનો ટુકડો હતો."
         પાઉલને કાચના ટુકડામાં રસ ન હતો. તેથી એણે અધીરાઈથી પૂછ્યું, "પછી શું થયું ?"
         બીપીન બોલ્યો, "હું પાછો ગાડી તરફ આવી રહ્યો હતો એ સમયે અચાનક મારી પાસે એક બૂલેટ આવ્યું અને કોઈએ ઊંચકીને મને એના ઉપર બેસાડી દીધો. એ બધું એટલી ઝડપથી થયું કે હું કંઈ સમજી ન શક્યો. બૂલેટ પર બેઠા પછી મને ખબર પડી કે, બૂલેટનું સ્ટીયરીંગ મારા હાથમાં હતું. પણ એના ઉપર મારો કોઈ કન્ટ્રોલ ન હતો. બૂલેટ જ મને આગળ લઈને જઈ રહ્યું હતું. થોડીવાર બાદ બૂલેટે વળાંક લીધો એટલે મેં મારા બૂટ કાઢીને ફેંકયા જેથી તમે મને શોધતા આવો તો તમને ખબર પડે."
         આસિફ બીપીનને બૂટ બતાવતા બોલ્યો, "અમને એમ કે બૂલેટવાળાએ તને ટક્કર મારી હશે એટલે અમે તને શોધવા લાગ્યા અને તેં ફેંકેલા બૂટને લીધે જ અમે તારા સુધી પહોંચી શક્યા."
         બીપીન આગળ બોલ્યો, "બૂલેટ મને આ મકાન પાસે લઈ આવ્યું અને બંધ થઈ ગયું. પછી હું અંદર કેવી રીતે આવ્યો તે મને નથી ખબર."
         પાઉલ બોલ્યો, "બીપીન સાથે જે બન્યું તે અકલ્પનીય છે એટલે અહીંથી જલદી જતા રહેવું જ યોગ્ય રહેશે."
         એટલે ચારેય મિત્રો મકાનની બહાર નીકળ્યા. એ સમયે ચંદ્ર વૃક્ષોની પાછળથી ઉપર આવી ગયો હતો અને આજે પૂનમ પછીની એકમ હતી. તેથી બહાર ખાસું અજવાળું હતું. ચારેય જણ મકાનના પગથિયા ઊતર્યા એ સાથે જ તેઓ ચોંકી ગયા. 
         બોમનની મારુતીની બાજુમાં જે બૂલેટ હતું તે અત્યારે ગાયબ હતું. આસિફ તરત બોલ્યો, "અરે !, બૂલેટ કોણ લઈ ગયું ?"
         બીપીને કહ્યું, "હા, બૂલેટ ચાલુ થવાનો અવાજ પણ નથી આવ્યો."
          પાઉલ ઉતાવળથી ચાલતા બોલ્યો, "એ બધું છોડો અને જલદી ગાડીમાં બેસો."
         પછી બધા ફટાફટ ગાડીમાં બેઠા અને બીપીને ગાડીને સેલ માર્યો. પણ બીપીન ગાડીને ટર્ન મારે એ પહેલા બોનેટમાંથી ઘૂમાડો નીકળવા લાગ્યો. તેથી બીપીને એન્જિન બંધ કર્યું અને એ ગાડીની બહાર નીકળ્યો. બોમન પણ શું થયું છે તે જોવા બહાર આવ્યો. એ જ સમયે કારનું બોનેટ ધડાકા સાથે ઊંચકાયું. 
         ધડાકાનો અવાજ સાંભળી આસિફ અને પાઉલ પણ ફટાફટ કારની બહાર નીકળી બોનેટ પાસે ગયા. આસિફે બોનેટમાં નજર કરી કહ્યું, "બધું વાયરિંગ શોર્ટ સર્કિટથી બળી ગયું છે."
         બોમન નવાઈ પામતા બોલ્યો, "મેં બે દિવસ પહેલા જ સર્વિસ કરાવેલી તો આ થયું કેવી રીતે ?"
         બીપીને કહ્યું, "હું પણ એ જ વિચારું છું."
         પાઉલ બોલ્યો, "હવે વિચારવાનું છોડો અને હાઈવે તરફ ચાલો. ઘરે જવા માટે આપણે ત્યાંથી જ કોઈ સાધન પકડવું પડશે."
         પણ હાઈવે તરફ જવા માટે તેઓ બે જ ડગલા ચાલ્યા હશે ત્યાં એમની નજર સામેથી આવી રહેલા બે દીપડા પર ગઈ. 
         એ જોઈ તેઓ બીપીન બોલ્યો, "જલદી મકાન તરફ ભાગો."
         પછી તેઓ દોડતા દોડતા મકાન તરફ ભાગ્યા. એમને દોડતા જોઈ દીપડા પણ એમની પાછળ દોડ્યા. છેલ્લે આવી રહેલો પાઉલ ગભરાટને લીધે મકાનના દરવાજા પાસે આવીને ગબડી પડ્યો.
           બરાબર એ જ સમયે એક દીપડાએ છલાંગ મારી. પણ નીચે પડેલા પાઉલને આસિફ અને બોમને તરત અંદર ખેંચી લીધો. પછી બીપીને દરવાજો બંધ કરી દીધો. 
         એ જ સમયે પાઉલની નજર દરવાજાની બારસાખ પાસે પડેલા તાળા ઉપર ગઈ. તે ઊભો થતા બોલ્યો, "આ તાળું અહીં પડેલું છે એનો મતલબ એ કે અહીં કોઈ રહેતું નથી."
         બોમને કહ્યું, "જો અહીં કોઈ રહેતું નથી તો આ મકાન આટલું ચોખ્ખું કેમ છે ?"
         "હા અને આ મકાનનું તાળું તોડ્યું કોણે ?" આસિફે તરત પૂછ્યું.
          બીપીન બોલ્યો, "બૂલેટ પરથી ઉતરીને હું આ મકાનમાં કેવી રીતે આવ્યો એ જ મને યાદ નથી. કદાચ અભાન અવસ્થામાં મેં જ એ તાળું તોડ્યું હશે."
         પાઉલે રહસ્યમય રીતે કહ્યું, "તને યાદ નથી, પણ તને અહીં કોણ લાવ્યું હશે એનો મને અંદાજો આવી ગયો છે."
          બોમને તરત પૂછ્યું, "કોણ છે એ ?"
         પાઉલે ગભરાટભર્યા સ્વરે કહ્યું, "આ કોઈ ભૂતપ્રેતનું કામ લાગે છે."
         આસિફ બોલ્યો, "પણ હું ભૂતપ્રેતમાં માનતો નથી."
         બોમન બોલ્યો, "હા, એ બધી બકવાસ વાત છે."
         બીપીને બોમનને પૂછ્યું, "જો એ બકવાસ વાત છે તો મને ઊંચકીને ચાલુ બૂલેટ ઉપર કોણે બેસાડેલો એ તું કહી શકીશ ?"
         પાઉલે પણ પૂછ્યું, "અને બહારથી બૂલેટનું ગાયબ થવું, તારી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવી, દીપડાઓનું આવવું એ બધું પણ તને બકવાસ લાગે છે."
         એ સાંભળી બોમનના પગ ધ્રૂજવા લાગ્યા. તે બોલ્યો, "હું હમણાં જ ધરમપુર રહેતા મારા મિત્રને આપણને લેવા બોલાવું છું."
        પણ બોમનનો મોબાઈલ સ્વિચ ઓફ હતો. તેથી એણે બીપીનનો મોબાઈલ માંગ્યો તો એ પણ સ્વિચ ઓફ હતો. પછી પાઉલ અને આસિફે એમના મોબાઈલ ચેક કર્યા તો એ પણ સ્વિચ ઓફ હતા. એટલે બોમનની ઘડકન વધી ગઈ અને તે બોલ્યો, "હવે આપણે શું કરીશું ?"
         આસિફનું દિલ પણ જોરથી ધડકવા લાગ્યું હતું. છતાં મિત્રો નાહિંમત ન થાય એટલે એણે કહ્યું, "આજે આપણે ઉજાગરો કરવો પડશે. બીજું શું ?"
         બોમન બોલ્યો, "હા, પણ પહેલા મારે ટાંકી ખાલી કરવી પડશે."
         બીપીને કહ્યું, "તો જઈ આવ."
         બોમને કહ્યું, "હું એકલો નહીં જાઉં."
         એટલે આસિફ બોમનનો હાથ પકડતા બોલ્યો, "ચાલ હું તારી સાથે આવું છું."
         એ બંને ગયા અને બીપીન સોફા પર લંબાવતા બોલ્યો, "મારું તો માથું દુઃખે છે એટલે હું જરા આરામ કરી લઉં."
         આ તરફ બોમન ટોઈલેટમાં ગયો અને આસિફ વોશ બેસિન પાસે ગયો. આસિફે પાણીથી મોં ધોઈ સામેના અરિસામાં નજર કરી તો એના ચહેરાની પાછળ કોઈ છોકરીનો વિકૃત ચહેરો પણ એને દેખાયો. એ જોઈ તે ચોંકી ગયો અને તરત પાછળ ફર્યો. પણ એની પાછળ કોઈ ન હતું. તેથી એણે ફરી અરિસામાં નજર કરી તો ફરીથી એને પેલો વિકૃત ચહેરો દેખાયો. પણ આ વખતે એ ફરે એ પહેલા એને પાછળથી જોરદાર ધક્કો લાગ્યો અને એનું માથું કાચ સાથે અથડાયું. 
         ધક્કો એટલો જબરદસ્ત હતો કે કાચના ટુકડેટુકડા થઈ ગયા. પણ એ ટુકડા નીચે પડવાને બદલે હવામાં ઊડવા લાગ્યા. કાચ સાથે થયેલી જોરદાર ટક્કરને લીધે આસિફના માથામાંથી લોહી નીકળીને ચહેરા ઉપર રેલાવા લાગ્યું હતું. હવામાં ઊડતા કાચના ટુકડા જોઈ તે ધીમેધીમે પાછળ ખસવા લાગ્યો. પણ કાચના એ ટુકડા પ્રબળ વેગથી આસિફ તરફ ગયા અને એના શરીરમાં ઠેકઠેકાણે ઘૂસી ગયા. આસિફ બોમનને બૂમ પાડવાનો જ હતો ત્યાં એના ગળામાં એક કાચ ઘૂસી ગયો એટલે એની વાચા જ હણાય ગઈ અને થોડી વારમાં એ અલ્લાને પ્યારો થઈ ગયો.
         ટોઈલેટમાં ગયેલો બોમન પેન્ટની ચેઈન બંધ કરી રહ્યો હતો ત્યાં અંદરનો બલ્બ બંધ થઈ ગયો. એ જ સમયે એને એક અટ્ટહાસ્ય સંભળાયું. પછી બલ્બ ચાલુબંધ થવા લાગ્યો. અચાનક આવું થયું એટલે એનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. એ દરવાજા પાસે ગયો અને હેન્ડલ પકડીને દરવાજો ખેંચ્યો. પણ દરવાજો બહારથી બંધ હતો. કદાચ જામ થઈ ગયો હશે એમ વિચારી એણે બે હાથથી જોર કરી જોયું. પણ દરવાજો ન ખૂલ્યો. એટલે એ આસિફને બૂમ પાડવાનો હતો ત્યાં એક દુપટ્ટો એના ગળા ફરતે વીંટાયો અને એના ગળા ફરતે ભીંસ વધવા લાગી. 
                              *****
         બોમન અને આસિફને ગયાને ઘણીવાર થઈ છતાં પાછા ન આવ્યા એટલે પાઉલને નવાઈ લાગી. બીપીન બરાબર ઊંઘમાં હતો એટલે પાઉલે એને ન ઊઠાડ્યો અને એ ટોઈલેટ તરફ ગયો. 
         પણ ત્યાંનું દ્રશ્ય જોઈ તે હતપ્રભ થઈ ગયો. આસિફ લોહીના ખાબોચિયામાં પડેલો હતો અને એના શરીરમાં ઠેકઠેકાણે કાચ ખૂંપેલા હતા. આસિફને આ રીતે મરેલો જોઈ પાઉલ તરત ટોઈલેટ પાસે ગયો અને એણે દરવાજાને ઘક્કો માર્યો તો અંદર બોમન પણ ચત્તોપાટ પડેલો હતો. એની આંખો અને જીભ બહાર નીકળી આવી હતી. 
          એ જોઈ પાઉલને કમકમા આવી ગયા. તે તરત બિપીન પાસે ગયો અને ઊઠાડવા લાગ્યો.
         એટલામાં એક અવાજ આવ્યો, "હવે એ ક્યારેય નહીં ઊઠે."
         એટલે બિપીને અવાજની દિશામાં જોયું તો એક સફેદ આકૃતિ એની સામે ઊભી હતી. પાઉલ એને ઓળખી ગયો અને નવાઈ પામતાં બોલ્યો, "મારિયા તું ? પણ તેં તો આત્મહત્યા કરી લીધી હતી ને !"
         "૩૧મી ડિસેમ્બરે તું મને તારા મિત્રના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા લાવ્યો હતો. પણ દારૂના નશામાં તમે ચારેય જણાએ મારા ઉપર બળાત્કાર કર્યો હતો. એટલે મેં આત્મહત્યા કરી લીધી હતી. પછી બદલો લેવા માટે હું ભૂત યોનિમાં આવી અને એ દિવસથી હું આ ફાર્મ હાઉસમાં  તમારી રાહ જોતી હતી. અહીં હું બધાંને હેરાન કરતી હતી. તેથી આ ફાર્મ હાઉસ બંધ જ રહેતું હતું. આજે તમે દેખાયા અને હું બૂલેટ બનીને બીપીનને અહીં લઈ આવી. એને શોધતા તમે આ મકાનમાં આવ્યા. તે દિવસે તમે નશામાં હતા અને અહીંના ફર્નિચરની જગ્યા મેં ફેરબદલ કરી હતી એટલે આજે તમે આ જગ્યા ઓળખી ન શક્યા." 
         "તો તેં બીપીનને ક્યારે માર્યો ?"
         "અહીં લાવીને મેં બીપીનને તરત મારી નાખ્યો હતો. પછી એના શરીરમાં પ્રવેશી હું તમારી સાથે રહી અને મેં જ કાર બગાડી હતી. તારા ત્રણ મિત્રો તો મરી ગયા. હવે તારો વારો છે." એમ કહી મારિયાએ પાઉલને હવામાં ઉછાળ્યો અને પાઉલ દરવાજા સાથે અથડાયો.
         પછી કળ વળતાં પાઉલ માથા ઉપર હાથ મૂકી ઊભો થયો અને દરવાજો ખોલવા લાગ્યો. એ જ સમયે એક ફૂલદાની એના હાથ સાથે અથડાય. પછી દાદરની રેલીંગનો એક સળિયો નીકળીને પાઉલના પેટની આરપાર નીકળી ગયો અને વધું પડતું લોહી વહી જવાથી પાઉલ મરણ પામ્યો.
         એ જોઈ  મારિયાના આત્માને સંતુષ્ટિ થઈ. 
         
         સમાપ્ત. 
         
         
         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ