વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણ હતો એ?



પડકાર વાર્તા સ્પર્ધા.

પ્રકાર નં 3 રહસ્ય-રોમાંચ.


      કોણ હતો એ?


અચાનક થયેલા ખખડાટથી વેલજીમુખી જાગી ગયો. લોઢાની ડેલીની બારી સહેજ અમથી ખખડી હતી. ઘરમાંથી કોક બહાર નીકળે ત્યારે જ એ બારી આમ ખખડતી. એ ઝડપથી ઉઠ્યો, ઓસરીની ભીંતે ટાંગેલી ઘડિયાળમાં રાતના બે વાગ્યા હતા. આટલી રાતે ઘરમાંથી કોણ બહાર જાય? ઘરમાં જુવાન દીકરી વિજુ એની મા સાથે સૂતી હતી. પોતે ઓસરીમાં જ ઢોલિયો ઢાળીને સૂતો. ગામમાં કોઈની દેન નહોતી કે વેલજીમુખીના ઘરમાં ઘુસી શકે. દિવસે ડેલું ઉઘાડું જ રહેતું. કોઈ કૂતરું પણ મુખીના ડેલામાં ઘૂસવાની હિમંત કરતું નહિ. ડેલીમાં જ મુખીની બેઠક રહેતી. ગામની વચ્ચોવચ મોટા ફળિયાવાળું મોટું ઘર બધા જ સુખોથી છલકતું હતું. બજારે નીકળતું દરેક જણ મુખીને રામરામ કરીને જ પસાર થતું.  મુખીના મળતીયા આખો દિવસ ડેલીમાં પડ્યા પાથર્યા રહેતા. આખા ગામની ડાયરી ત્યાં રોજ વંચાતી. સીમના ખૂણે ક્યાંક નાની અમથી ઘટના પણ જો બની હોય તો અડધા કલાકમાં જ મુખીની ડેલીમાં એની ચર્ચા શરૂ થઈ જતી. ગામનો કયો માણસ ક્યાં છે અને શું કરે છે એની જડબેસલાક માહિતી મુખીના કાને તરત પહોંચી જતી.


  એક અદ્રશ્ય ધાક હતી વેલજીમુખીની ગામ પર. એ મુખીના ઘરમાંથી રાતે બે વાગ્યે કોઈક આદમી ડેલીનું બારી ખોલીને બહાર નીકળ્યો હતો! 


  મુખી દોડીને બારીએ આવ્યો. એની ધારણા સાચી હતી. બારી ખુલ્લી હતી અને ખખડી પણ હતી. મુખીએ બારી બહાર ડોકું કાઢીને બજારમાં બંને બાજુ નજર કરી. ડેલી બહાર મકાનના ખૂણે ઊભેલા થાંભલા પર બળતા બલ્બનો પ્રકાશ બજારના અંધારાને દૂર રાખવા મથતો હતો. જમણી બાજુએ એ બલ્બનો પ્રકાશ પૂરો થતો હતો ત્યાં એક ઓળો અંધારામાં ઓગળી જતો મુખીને દેખાયો. ડેલીના ખૂણામાં પડેલું ધારિયું લઈને મુખીએ ઉઘાડા પગે જ બજારમાં દોટ મૂકી, "અલ્યા કોણ છે એ..ય, ઊભો રે તારી માના હાંઢ..!" 


  વેલજીમુખીની રાડ સાંભળીને અંધારામાં આગળ જઈ રહેલો આદમી ભાગ્યો. એના જોડાનો અવાજ થોડીવાર સંભળાયો. મુખી બજારના વળાંકે પહોંચ્યો ત્યારે બીજા થાંભલે બળતા બલ્બના પ્રકાશમાં કાળો કાંબળો ઓઢીને ભાગતો એ આદમી આગળના ખાંચામાં અલોપ થઈ ગયો. ગામમાં સ્ટ્રીટ લાઈટોના ડીંડવાણાને દૂર ન કરવાનો અફસોસ મુખીના ચહેરા પર ફરી વળ્યો. પેલો આદમી જે ખાંચામાં અલોપ થઈ ગયો હતો એ ખાંચામાં આટલી રાતે ધારિયું લઈને જવામાં જીવનું જોખમ ન હોત તો મુખી પાછો ન વળ્યો હોત. 


"કોક રાંડનો મારા ઘરમાં ઘૂસ્યો. ને ડેલી ઉઘાડીને ભાગી ગયો. મુખીના ઘરમાં ચોરી કરવાની હિમંત કોણ કરે? આટલા વર્ષોમાં કોઈએ મારી મરજી વગર ડેલીમાં પગ મેલ્યો નથી. ને રાતે મારા ઘરમાં ઘૂસ્યો? ને ડેલી ખોલીને જાણે બાપનું ઘર હોય એમ બહાર નીકળ્યો? કોણ હશે? નક્કી મનુભાનો માણસ હોવો જોવે. તો જ ઈ ખાંચામાં ભાગ્યો હોય. મનુભાને બેવાર તો જેલભેગો કર્યો છે, લાગે છે કે હજી ધરાણો નથી.."  મુખીના મનમાં ઉથલપાથલ મચી હતી. 


 પાછા આવીને મુખીએ ડેલી બંધ કરી. ઓરડાનું બારણું સહેજ હડસેલ્યું. નાઇટલેમ્પના અજવાળામાં ખૂણામાં પડેલી બંધ તિજોરી અકબંધ છે એ જોઈ લીધું. જુવાન દીકરી વિજુ અને ઘરવાળીના ખાટલા પર એક નજર ફેરવીને બારણું ખેંચી લીધું. મેડીનો દાદર ચડીને ઉપર પણ બધું જ બરાબર હોવાનો સંતોષ લઈ મુખી નીચે આવીને ઢોલિયા પર બેઠો. ઓશિકા પાસે પડેલી જુડીમાંથી એક બીડી કાઢીને સળગાવી. આખી જુડી પુરી થઈ ત્યાં સુધી મુખીએ બીડીઓ ચૂસતા ચૂસતા ઘરમાં આંટો મારી ગયેલા એ આદમી અંગે વિચારો કર્યા. 


'કોણ હશે એ હરામી? કાંઈ ચોરી તો નથી ગયો, તો શું કામ આવ્યો હતો? કદાચ મારું ખૂન કરવા? મનુભાએ કોઈ મારો મોકલ્યો હશે? તો કેમ માર્યા વગર જતો રહ્યો? ના ના મનુભા મારું ખૂન તો નો કરાવી શકે? તો પછી એમ હશે કે આજ ખાલી આંટો મારી ગયો, કદાચ એક બે દિવસ પછી કાંક કરવાનું હોય. મારે સજાગ તો રેવુ પડશે.' એમ વિચારીને વહેલી સવારે એ સૂતો.


  રાતે બનેલી બીના અંગે મુખીએ કોઈને કશું કહ્યું નહિ. ડેલીની બેઠકમાં મુખીના મળતીયા આખો દિવસ ચા પાણી કરીને બીડીઓ ફૂંકતા. 'ફલાણાને આટલા મણ કપાસ થયો, ફલાણો શેઢા સાટું ઢીકણા હાર્યે આજ બાજયો, ફલાણાના સોકરાની વહુ રિસામણે ગઈ..હરિયો મનુભાના રાજદૂત વાંહે બેહીને બારગામ ગ્યો'તો. હનુભા ને બાદુરભા બસસ્ટેન્ડમાં ઊભા'તા..ભુરા ભરવાડે પરસોતમ ખીમજીના ખેતરમાં ભેળાણ કરી નાખ્યું..વગેરે વગેરે વાતોમાં મુખી મૌન જ રહ્યા. રાતે ઘરમાં આંટો મારી ગયેલા આદમી અંગેની અટકળોનો અવિરત પ્રવાહ મુખીના મનમાં વહેતો રહ્યો. બપોર વચ્ચે બીબડીના ઘરે જવાનું મન જ ન થયું. સવારે વાસીદુ, ને કચરા પોતા કરવા આવતી. મુખી રોજ એને આંખ મારતા. પણ આજે બીબડી સામુય મુખીએ જોયું નહોતું.


 "કાના લખમણનો નરીયો મારો બેટો ભણવામાં કે છે કે બવ હુંશિયાર હતો. અમદાવાદની કોલેજમાં ભણ્યો  પણ ગણ્યો નય. દવાખાનામાં કમ્પાવન્ડર થિયો સે. મુખી હાર્યે માથાકૂટ નો કરી હોત તો કોક સારી નોકરીનો મેળ પડી જાત...!" ચીકાએ ચા વહેંચતા ડેલીના ડાયરામાં વાત મૂકી. 


 "કાના લખમણને માથે વાળ છે ઈની કરતા દેવું વધારે છે. ભલે કોલેજ કરી હોય..પણ રૂપિયા દીધા વગર્ય તો ઓળખાણ હોય તોય કોને નોકરો મળે છે. મુખી હાર્યે બગાડ્યું નો હોત તો મુખી ઈને અમેરિકા મોકલત. પણ સોકરું બે સોંપડી ભણી જ્યુ તે મુખી સામે લબલબાટી કરી જ્યુ.." એક જણે ચાનો સબડકો બોલાવીને નરીયાના ભણતરનો ધબડકો બોલાવી દીધો.


  મુખીએ એ મળતીયા સામે સ્મિત વેરીને પોતાની ખુશી પ્રગટ કરી. નજર સામે એ નરીયો તરવરી રહ્યો.


"તમે તમારા ગોડાઉન આગળ પુરાણ કર્યું છે ઈ ખોટું નથી? પુરાણ કરવુ હોય તો આખી બજારે કરવું પડે. અમારા ડેલા આગળ પાણી ભરાય છે, કાદવ થાય છે. અમારા ઢોર ઢાંખર ને ગાડું બહાર નીકળી શકતું નથી. મુખી થયને આમ હેરાન શું કામ કરો છો?" 


  કાના લખમણના ઘર પાસે મુખીનું એક ગોડાઉન હતું. કાના લખમણના ઘરેથી ચા પાણી કરીને બહાર નીકળેલા મનુભાને જોઈ ગયેલા મળતીયાએ તરત ડેલીમાં આવીને મુખીના કાનમાં ફૂંક મારી હતી. મુખીએ બીજે દિવસે ગોડાઉનના ડેલા પાસે ચાર ટ્રેકટર ચારુ ઠાલવીને એના ડેલા આગળની બજાર ઊંચી લઈ લીધી. કાના લખમણ એના ડેલા આગળ ચારુ નાખે તો બજારનું પાણી એના ડેલામાં જાય. ન નાખે તો ડેલા આગળ પાણી ભરાય. પાણીનો નિકાલ કરવા સર્ય ખોદે તો મુખીના માણસો લાકડીઓ લઈને દોડે. મનુભાને ચા પાવાનું પરિણામ કાના લખમણ માટે સારું આવ્યું નહોતું. છોકરાએ ડેલીએ આવીને મુખીને ફરિયાદ કરી હતી.


"તારા બાપને પૂછી જોજે. પછી મુખી સામે બોલકિયું કરવા આવજે." નરેશને મળેલા એ જવાબ પછી એ ચાલ્યો ગયો હતો. દસ મિનિટ પછી સમાચાર આવ્યા કે નરીયો કોદાળી લઈ સર્ય કરે છે. મુખીનો ભત્રીજો ચાર મળતીયા લઈ નરીયાને મારવા દોડ્યો. નરીયો પણ પાછો પડે એમ નહોતો. મારામારી થઈ, નરીયાને ને મુખીના ભત્રીજાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 


 "મનુભા ને બાદુરભા રાતે બાર વાગ્યા સુધી ચોરે બેઠા'તા." બીજે દિવસે મળતીયો સમાચાર લાવ્યો હતો.  મુખીએ એ મળતીયા સામું જોયું, "શું વાતું કરતા'તા ઈ બેય?"


"હું તો ન્યાકણે નો'તો. પણ નાથો ન્યાથી નીકળ્યો'તો. ઈ ઈમ કેતો'તો કે મુખીની મેડીની કાંક વાતું કરતા'તા. અમથા ઈતો..આપડે કાંય ચિતા નો કરવી"'



 મુખીનો એક વાડો એ બહાદુરભાના ઘર પાછળ હતો. મુખીને યાદ આવ્યું કે 'એ વાડામાં સડી ગયેલી ડુંગળી ઠાલવીને એ લોકોનું જીવવું હરામ કરી નાખેલું. એ વાતનો બદલો લેવા કદાચ એ બેઉ જણે જ કંઈક કારસો તો નહીં કર્યો હોય ને!'


 વળી બે દિવસ પછી મુખીની ડેલીમાં કોઈ ભૂરા ભરવાડની વાત લઈ આવ્યું. 


"ભૂરા ભરવાડનો એક જોડો મનુભાની ડેલી પાસે પડ્યો હતો. કે છે કે કૂતરું ભુરિયાનો જોડો ઉપાડી લાવ્યું'તું..''  હજુરીયા હસી પડ્યા.  

  

મુખીના મનમાં હજી રાતવાળો બનાવ ઘૂંટાઈ રહ્યો. અંધારામાં ભાગતા આદમીના જોડાનો અવાજ મુખીએ સાંભળ્યો હતો. 'ક્યાંક સાલો એ ભરવાડ તો નહીં ગુડાયો હોય ને! ના ના ભુરિયો દિવસે પણ મારી ડેલીમાં પગ મુકતો નથી. તો રાતે શેનો હિમંત કરે' 


  "મારા બેટાને દીએ ગામથી છેટા ઠેઠ સીમમાં ઢોર ચરાવતા હોય એટલે રાતે ગામ જોવાનું મન થાતું હશે. કુતર્યું વાંહે થિયું હોય અટલે ભરવાડભાય ભાગ્યો હોય ઈમ બને!" ચીકો રકાબીમાં ચા રેડતા બોલ્યો. મુખીનું મન અંધારામાં ઓગળી ગયેલા ઓળામાં ભૂરા ભરવાડને શોધી રહ્યું! 


   મુખી સામે બાંયો ચડાવનારા કંઈક ગોથા ખાઈ ગયેલા. અરજણ શિવા મુખીની દુકાનેથી દવાઓ ને ખાતર લઈ ગયેલો. રૂપિયા આપવામાં આનાકાની કરતો'તો તે એની વાડીની ઓરડી એક રાતે તૂટી. ખેતરમાંથી બધો જ કપાસ ચોર વીણી ગયા. તલના ઓઘામાં આગ આગી. અરજણ બરબાદ થઈ ગયો તોય મુખીનું ઝેર ઉતર્યું નહોતું.મુખીએ અરજણને પણ ચકાસી જોયો. 


  નરીયાને તલાટીની નોકરી મળે એમ હતી. કાના લખમણે ક્યાંકથી બે લાખનો મેળ કર્યો હોવાની બાતમી મુખીને મળી હતી. પણ છેલ્લી ઘડીએ નરીયાને બદલે મુખીના મળતીયાનો છોકરો વધુ યોગ્ય ઠર્યો.


"મુખી આજ તમારો મૂડ ઠીક નથી લાગતો. કેમ કાંય તબિયત નરમ ગરમ છે કે શું? લ્યો આ ધોળી સળગાવો.." ચીકાએ મુખીનો મૂડ ઠીક કરવા સિગારેટ ધરી.


  મુખીએ સિગારેટ હોઠમાં દબાવી કે તરત ચીકાએ લાઈટરથી સળગાવી આપી. 


''મનુભાએ નરીયાને ગામના સરકારી દવાખાનામાં કમ્પાઉન્ડરની નોકરી દેવડાવી છે. બે મહિનામાં તો મારો બેટો અડધો દાગતર થય જ્યો બોલો. કોકને ચ્યારેક ઊંધી દવા દેશે તો? આવાને નોકરીમાં નો રે'વા દેવાય હો મુખી. તમે કાંક કરો બાપુ. તમારી જાણ બાર્ય રય જ્યુ કે શું?" એક ચમચાએ આવીને નરીયાના સમાચાર આપ્યા. 


"મુખીને બધી સરત થોડી રે ભલામાણા? નરીયાને મનુભાએ લગાડ્યો હોય તો ભલે લગાડ્યો. પણ મુખી એક ફોન કરશે કે તરત ઘરભેગો નો થાય તો કેજે." કહી ડેલીમાં હાજર મળતીયાએ ખીખીખી કર્યું.


  મુખીએ મૂછ પર હાથ ફેરવીને સિગારેટનો દમ માર્યો. મનુભાનેય ઠીકઠીક ઓળખાણો હતી. પણ સિગરેટના ધુમાડા જેવી! ઘડીકમાં તો વીંખાઈ જાય. મુખી માટે નરીયો એક મચ્છર હતો. એને ગમે ત્યારે મસળી શકાય એમ હતું. રાતે જો ડેલીની બારીવાળો બનાવ ન બન્યો હોત તો મુખીએ સરકારી દવાખાનામાંથી નરીયાને ઘેર બેસાડી જ દીધો હોત.


નરીયાની વાત નીકળી એટલે મુખીના મનમાં ઘણા સમય પહેલાનો એક બનાવ તાજો થયો.

 

 મુખીએ નરીયાની માનું કાંડુ બપોરના એકાંતમાં એની વાડીએ જઈને પકડ્યું હતું, નાનકડો નરીયો એ વખતે ડરીને રડી પડેલો. એવડા બચોળીયાને શું ભાન પડે એમ માનતા મુખીએ બળજબરી કરવા માંડી હતી.પણ મુખીના મતે એ 'વાયડીની બાયડી' વશ નો'તી થઈ. નાનકડા નરીયાએ એની માને સતાવનાર મુખી પર પાણકાના ઘા કર્યા. મુખીને ભાગવું પડેલું. બસ, તે દિવસથી મુખીએ કાના લખમણને કનડવાનું શરૂ કર્યું હતું. નરીયાની માને એણે કહી રાખ્યું હતું કે ઉપાધિયુંમાંથી છૂટવું હોય તો કેવરાવજે! મુખીને સારીપેઠે જાણતી નરીયાની માએ મુખીને ક્યારેય કહેવરાવ્યું નહોતું ને આ વાત કોઈને કરી પણ નહોતી. 


*


 બે ચાર દિવસ પછી એક સવારે મુખીને એમની ઘરવાળીએ ઉઠાડ્યા તોય માંડ એની ઊંઘ ઊડી. આવું તો કયારેય થતું નહિ. મુખી કાયમ પાંચ વાગ્યે ઉઠી જતો. એ વખતે રામજી મંદિરનો પૂજારી મંદિરે જતો. મુખી ઘણીવાર પૂજારીના ઘેર જઈને આરતી પુરી થાય એ પહેલાં ઘરે આવી જતો. મંદિરના ફાળામાં સૌથી વધુ રકમ મુખી જ આપતો એટલે પૂજારીનું ઘર સરસ ચાલતું. વળી ઘટતું કરતું પૂજારીની ઘરવાળી મુખી એકલા હોય ત્યારે આવીને લઈ જતી.


  મુખી ઉઠ્યો ત્યારે માથું ભારે હતું. 

"રાતે ડેલીની બારી બંધ કરવી ભૂલી ગ્યા'તા? મોડે સુધી ડાયરા કરો છો તે ભલે કરો પણ ડેલી તો સરખી બંધ કરતા હોય!"


 મુખી એકદમ ચમક્યો. "શું કેછ? બારી ઉઘાડી હતી એમ? મેં તો બંધ જ કરી'તી. નક્કી ઓલ્યો.." મુખી એની ઘરવાળીના મોં સામે જોઈ આગળના શબ્દો ચોરી ગયો. પણ મનમાં ધ્રાસકો પડી ગયો. 


"મારું માથું દુઃખે છે. ને વિજુડી હજી ઉઠી નથી.  કેતી'તી કે આખું શરીર તૂટે છે. તાવ આવ્યો લાગે છે ઈને." 

કહી ઘરવાળી કામે લાગી.


 તે દિવસે ડેલીની બેઠકમાં હરજી હજુરીયો બોલ્યો કે આ પૂજારી અડધી રાતે મંદિરમાં કાંઈક પૂજા કરતો'તો. મુખી હાર્યે તો પૂજારીને બવ સારાસારી છે ને. મુખીની ચડતી થાય ઈ માટે જ પૂજા કરતો હશે." 


 "પૂજારીના ઘરનાય મુખી માથે મરી પડે છે હો.." કહી ચીકાએ હરજી સામે આંખ મારી ને તાળી દીધી. મુખી એ ટીખળ સાંભળી ખડખડ હસ્યો પણ એના હસવામાં કંઈ દમ નહોતો. 


 "સાલો ઈ પૂજારો તો ઈની બાયડીનો બદલો…ના ના એનું કામ નહિ. મારી ડેલીમાં પગ નો મૂકી શકે!" 


 રાતે ઘરમાં આંટો મારી જતો આદમી

મુખીના મનમાં ઘર કરી ગયો હતો. 


'મારુ બેટુ કે'વુ પડે! કોક હરામી આદમી આજેય ઘરમાં આંટો મારી જ્યો. પણ આજ મારી ઊંઘ કેમ નો ઊડી. માથું'ય હાળું ભારે લાગે છે.' મુખીના મનમાં તે દિવસે પણ વિચારોના વંટોળ શરૂ થયા.


 'અંદરથીય તાળું ઠોકી દેવું પડશે. પસી ઈ રાંડનો ક્યાં જાવાનો. પકડાય એટલે જીવતો ડાટી દવ..' મુખીએ તે દિવસથી બારીને અંદરથી તાળું માર્યું. ડેલાના આગળિયામાં પણ તાળું મારી દીધું. બંને ચાવીઓ કમરમાં ખોસીને જાગતો જ સૂતો. ધારિયું પણ ખાટલા નીચેથી તરત હાથમાં આવે એમ મૂક્યું. 


"કેમ માલિકોર્ય શોતે તાળા માર્યા? ઘરમાં ચોર આવે છે? આપડા ઘરમાં? કોનું મોત આવ્યું છે?" ઘરવાળીએ મુખીને તાળા મારતા જોઈને પૂછ્યું.


  "હમણે ગામમાં બવ સખ નથી. તું છાનીમાની સુઈ જા નકામી માથાકૂટ કર્યા વગર્ય.." ઘરવાળીને રાતે બનતી ઘટના વિશે કંઈ કહેવું યોગ્ય નહોતું એ મુખી જાણતો હતો. 


  મુખીનો તાળા મરવાનો પ્રયોગ પણ નિશ્ફળ રહ્યો. બે ચાર દિવસ પછી સવારે મુખીની ઘરવાળીએ એને જગાડ્યો. ડેલીની બારી ખુલ્લી જ હતી. મુખીની કમરમાંથી કોઈએ ખેંચી લીધેલી ચાવીઓ બારીના તાળામાં લટકતી હતી. મુખીનું માથું ભારે હતું, ઘરવાળીને ચક્કર જેવું થતું હતું અને વિજુને પણ તાવ ચડ્યો હતો.


 મુખીને દુશ્મનોનો કોઈ તાણ નહોતી. કોણ કાળમુખો શું કળા કરવા આવે છે એની કંઈ સમજ પડતી નહોતી. ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી તો થતી નહોતી. છતાં ઘરમાં કોઈ આંટો મારી જતું હતું. ઘરમાં એ માણસ ક્યાંથી આવતો હતો એનો ખ્યાલ મુખીને આવતો નહોતો પણ બારી ખોલીને જ જતો હતો એ પાકું હતું!


  કોણ હશે એ આદમી? અને શા માટે મુખીના ઘરમાં આવતો હતો? આ સવાલનો જવાબ મુખીને જડતો નહોતો. મુખીએ ઘરમાં તપાસ કરી.

કોઈને આ વાત કહેવાય એમ તો હતી જ નહીં. જાહેર થાય તો મુખીની આબરૂ ન રહે. ગામના ભડભાદરના ઘરમાં જ કોઈ કાદર કળા કરી રહ્યો હતો!


*


  મુખીની રાત દિવસની ઊંઘ હરામ થઈ ગઈ. ડેલીમાં થતા ડાયરા બંધ થઈ ગયા. મળતીયાઓને ધીમેધીમે મનુભાની ડેલીએ કસુંબા અને ચેવડાનો સ્વાદ લેવા માંડ્યા. મુખીને કંઈક જીવલેણ રોગ થયો હોવાની અફવાએ ગામની હવા ગરમ કરી દીધી હતી. હમણાંથી મુખી કોઈ સાથે બહુ બોલતો નહોતો. મંદિરે આવવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. બીબડી પણ હબે બપોરે નિરાંતે ઊંઘી જતી. મુખીનો ત્રાસ સાવ ઓછો થઈ ગયો હતો. બીબડીનો ખાવિંદ હબલો ઘણીવાર રાતે મુખીની વાડીમા પાણી વળવા જતો. હમણાંથી કાયમ હબલો વાડીએ જ રહેતો તો પણ મુખીએ એકપણ વખત રાતના સમયે બીબડીને સતાવી નહોતી. બીબડીને મુખી સુધરી ગયો હોવાની શંકા ગઈ હતી. 


   સરકારી દવાખાનાના કમ્પાઉન્ડરની નોકરીમાંથી નરીયાને કઢાવી નાખવાનું કામ મુખી સાવ ભૂલી જ ગયો હતો. 


 ત્રણેક મહિના પછી એક દિવસ મુખીની ઘરવાળી, એની દીકરી વિજુને બહુ ઉલટી થતી હોવાથી એને દવાખાને લાવી હતી. નર્સ વિજુને તપાસી આંચકો ખાઈ ગઈ. મુખીની છોકરીની તબિયત અંગે એની ઘરવાળીને જણાવવાની હિમંત એને નહોતી. એ તરત જ ભાગીને ડોકટર પાસે દોડી. નરીયાએ એનું કાંડુ પકડીને એકબાજુ ખેંચી લીધી.


"મુખીની છોકરીને શુ થયું છે? મા તો નથી બનવાની ને?" 


 નરીયાના એ સવાલથી નર્સ ડઘાઈ ગઈ. એની આંખો ચકળવકળ થઈ રહી હતી.


"તને કેવી રીતે ખબર પડી? પણ કોયને કે'તો નહીં નકર મુખીબાપા ચીરીને મીઠું ભરી દેશે. મૂંગીનો રેજે, નકર નોકરી પણ જાશે" નર્સે ગભરાઈને કહ્યું.


"હું ભલે ડોકટર નથી, પણ દર્દીના હાલહવાલ જોઈને પારખી શકું એટલું તો આ કમ્પાઉન્ડરની નોકરીમાં શીખી ગયો છું." કહી નરીયાએ નર્સને આંખ મારી. 


"સાલા રાસ્કલ.. ચૂપ મરજે." કહી નર્સે ડોકટર પાસે જઈ વિજુની તબિયતથી એમને વાકેફ કર્યા.


  ડોક્ટરે મુખીની ઘરવાળીને કેબિનમાં બોલાવીને બહુ સાવચેતીથી વિજુના ઉદરમાં પાંગરતા ગર્ભ વિશે જણાવ્યું. 

મુખીની ઘરવાળીને આખું દવાખાનું ગોળ ગોળ ફરતું હોય એમ લાગ્યું. વિજુનું બાવડું પકડીને આવી હતી એના કરતાં ત્રણગણી ઝડપે ઘર તરફ ભાગી.


   મુખીની બંધ ડેલીમાં માતમ છવાયો હતો. વિજુની માએ પહેલા સમજાવટથી, પછી ક્રોધથી અને પછી ધોલ થપાટથી લીધેલા કામનું પરિણામ શૂન્ય આવ્યું હતું. વિજુએ કોની સાથે મોં કાળું કર્યું હતું એની એને પણ ખબર નહોતી.


  એકાએક મુખીના મનમાં ચમકારો થયો. 'રોજ રાતે આવનાર ચોર આ કામે જ આવતો હતો. પણ આવું કેમ થાય.મારી કે એની માની ઊંઘ નો ઉડે? વિજુનેય કાંય ખબર્ય નો પડી? ડેલી ઉઘાડીને રાતે બાપનું ઘર હોય ઈમ વયો પણ જાય?'


   વિજુને હવે કશું જ પૂછવાની જરૂર નહોતી. એ રાતે જ ડોક્ટરને ઘરે વિઝીટ પર બોલાવ્યા ત્યારે કમ્પાઉન્ડર નરીયો ડોક્ટરની પેટી ઉપાડીને આવ્યો હતો. મુખીએ એને તરત જ હાંકી કાઢ્યો. ડોક્ટરે જરૂરી દવાઓ આપી. મુખીએ ડોક્ટરને વાત બહાર ન જવા દેવા માટે રૂપિયા આપ્યા ત્યારે ડોક્ટરે કહ્યું,


"મારી ચિંતા ન કરશો મુખી. દર્દીઓની ખાનગી વાતો જાહેર ન કરવાની ફરજથી અમે ડોક્ટરો બંધાયેલા જ હોઈએ છીએ. પણ પેલો નરીયો કદાચ જાણી ગયો છે એટલે એનું મોં બંધ કરવું જરૂરી છે." ડોક્ટરે પોતાનો બંદોબસ્ત 'વાયા નરીયો' ગોઠવ્યો હતો.


 મુખીએ ઘણી માથાકૂટને અંતે પાંચલાખમાં ઘરની આબરૂ બચાવી હતી. ડેલીમાં ભરી બંધુકે ઘરની અંદર જાગીને ચોકી કરવા રાખેલા આદમીઓ મુખીની મૂર્ખાઈ પર મનોમન હસતા હતા.


"બંધ ઘરમાં ચોકીયાત બેહાડયા સે. જાણે કોક મુખીને બેભાન કરીને લૂંટી જાવાનો હોય ઈમ!" 


*

 

 હવે મુખીની ડેલીએ એક વખતનો દુશ્મન ગણાતો નરીયો નવરો પડે એટલે ચા પીવા આવી જતો. બધા મળતીયાઓ જાય પછી, મુખી ઘરમાં જઈ નોટોની થોકડીઓ એને આપી દેતા. એ થોકડીઓ પેન્ટના ખિસ્સામાં નાખીને એ જતો રહેતો.


  મુખીને હજી એ ખબર નહોતી પડતી કે રાતે ડેલીની બારી ખોલીને બહાર જતો આદમી કોણ હતો!

 

  નરીયો બહુ ખુશ હતો, બાપાના માથે થયેલું દેવું ચૂકવાઈ ગયું હતું. મુખીની છોકરીને જોઈ અંધારામાં મારેલું તીર નિશાન પર વાગ્યું હતું. પછી તો મુખીની મંતરવામાં નરીયાએ કોઈ ખામી રાખી નહોતી. પેલી નર્સ પણ નરીયા પર ફિદા થઈ હતી. નરીયાને નોકરીની જગ્યાએથી છોકરી પણ મળી ગઈ હતી.


  "સાચું બોલજે નરીયા, મુખીની છોકરી વીજુડીનો  ગામમાં કોઈ બોયફ્રેન્ડ છે ને? તને એ ખબર હતી એટલે જ એ દિવસે તેં સીધું જ એ મા બનવાની છે એમ મને પૂછ્યું હતું ને?" નર્સ નીનાએ એકવખત નરીયાને વિજુ અંગે પૂછ્યું. 


   "હા છે ને! એનો બોયફ્રેન્ડ છે એક. પણ એણે એનું નામ કોઈને કહેવાની ના પાડી છે યાર. તું મને બહુ પૂછતી નહિ. નહિતર મારાથી કહેવાઈ જશે." નરીયાએ લુચ્ચું હસીને કહ્યું.


 પછી તો નીના પૂછ્યા વગર રહે ખરી? બહુ લબડાવ્યા પછી નરીયાએ વિજુના બોયફ્રેન્ડનું નામ કહી જ દીધું…'ક્લોરોફોર્મ!'


 નીનાને કંઈ સમજાયું નહીં. નરીયાએ વધુ સમજાવ્યું નહિ. નીના ઉશ્કેરાઈ રહી હતી, પણ નરીયો ગોદડું ઓઢીને મનોમન મુશ્કેરાઈ રહ્યો હતો!



  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ