વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પૂનમનાં અંધારાં, અજવાળાં ..!

 

વિષય: નં.3,(રહસ્ય-રોમાંચ.)

પૂનમનાં અંધારાં, અજવાળાં ..!

..... રમણ મેકવાન.

પૂનમ હતી,પણ પૂનમનો ચંદ્રમા વાદળમાં છુપાઇ ગયો હતો, આથી બધે અંધકાર હતો, પૂનમનો અંધકાર!

અમે,હું અને મારી પત્ની સુનીતા એક મિત્રને ત્યાંથી અમારા ઘેર આવવા નીકળ્યાં હતાં. રાતના સાડા નવનો સમય હતો, રોડ પર અંધારાનો સન્નાટો હતો,જોકે કારની હેડ લાઇટમાં અંધકાર અમને નડતો ન હતો.

મિત્ર અને હું એક ઓફિસમાં સાથે હતા. ગયા અઠવાડિયે એની દીકરીનાં લગ્ન હતાં, મુરતિયો ‘બહાર’ થી આવ્યો હતો. છોકરી સારૂં ભણી હતી,અને મિત્ર અને એની પત્નીની પણ ઇચ્છા, છોકરીને વિદેશમાં સેટ મુરતિયો મળે,એવી હતી.અને મળ્યો, પણ છોકરો માત્ર પંદર દિવસ જ રોકાવાનો હતો,અને જલ્દી બધું પતાવાની લ્હાયમાં મિત્રએ ઉતાવળે લગ્ન પતાવી દીધાં હતાં, કોઇને બોલાવ્યાં ન હતાં. એ પછી મને કહ્યું, ત્યારે મને પણ જાણ થઇ કે, મિત્રની દીકરીનાં લગ્ન થઇ ગયાં. હવે એને વિદેશ મોકલવાની વિધિમાં મિત્ર ગળાડૂબ હતો,છોકરીનો પાસપોર્ટ અને બીજી વસ્તુ માટે મારા માર્ગદર્શનની જરૂર હતી,આથી અને લગ્નનો લ્હાવો માણવા,અમને ખાસ બોલાવ્યાં હતાં.સુનીતાને મેં ખાસ દબાણ કરી સાથે લીધી, સુનીતા અહીંની સિવિલ હોસ્પિટલમાં નર્સથી સેવા આપતી હતી, એને હવે હેડ નર્સનો, દરજ્જો હતો, આથી, અને એની સેવા ઇમર્જન્સીમાં ગણાતી હતી. આ એની ઇમર્જન્સીએ અમને કોરોના કાળમાં ખૂબ હેરાન કરી નાખ્યાં હતાં. એમાં લોકડાઉન વખતે દિવસો સુધી, સુનીતાને હોસ્પિટલમાં પુરાઇ રહેવું પડ્યું હતું. સુનીતા,હોસ્પિટલમાં અને અમે હું અને મારી બંને પુત્રીઓ,ઘરમાં જેલ જેવી હાલતમાં જીવ્યાં હતાં. એ સમય યાદ આવતાં આજેય બિહામણી કંપારીનો અનુભવ થાય છે.

આજે,હોસ્પિટલમાથી એને રજા મળવી અશક્ય હતી,કારણ લગન ગાળો ચાલતો હતો,અને સ્ટાફમાં મોટાભાગનાં રજા પર હતાં, હોસ્પિટલમાં સુનીતાની મોટી જવાબદારી હતી, આથી એની ઇચ્છા આવવાની ન હતી,વળી ખાસ ઇચ્છા એટલા માટે ન હતી કે, લગ્ન પતી ગયાં હતાં,લગ્ન સમયે જે મજા અને મહોલ માણવા મળે,એ હવે ના મળે, એની વાત સાચી હતી,પલનાં વાજાં પલે વાગે,સમય વગરનાં વગાડવા જઇએ તો, ઘોઘાટ લાગે. છતાં મારા અતિ આગ્રહથી એણે રજા માટે માથાકૂટ કરી,અને તૈયાર થઇ, અમે મિત્રને ત્યાં પહોંચી ગયાં.

મિત્ર અને મિત્રપત્ની અમને જોઇ,ખુશ થઇ ગયાં. છોકરીના લગ્નની માંડીને વાત કરી, મુરતિયાની, મુરતિયાનાં માબાપ અને બીજાં સગાંની. લગ્ન કેમનાં થયાં, કોણ કોણ હાજર હતાં, બોલાવ્યાં,છતાં કોણ ના આવ્યાં, એ સાથે ખાસ ધામધૂમ કરી ન હતી,છતાં ખાસ્સો ખર્ચો થયાનાં મિત્રપત્નીએ રોદળાં રડ્યાં. બધું હોટલમાં જ પતાવ્યું હતું. મિત્રપત્નીના કહેવા પ્રમાણે ઘરમાં વિવાહ હતો, એની તો કશી ખબર સરખી પણ પડી નહીં. અમે એમની વાતો સાંભળી, અમને બોલાવી ન શકવા બદલ,મિત્રએ દિલગીરી વ્યક્ત કરી. મિત્રપત્ની સવાસલાં કરવા લાગી. અમે એમને ‘બધું સારી રીતે પત્યું, છોકરી નસીબવાળી,એને વિદેશની આટલી સારી વાત બેઠી,અને તમે પણ ભાગશાળી કે, તમારી ઇચ્છા પ્રમાણે છોકરીને ‘બહાર.’નું મળ્યું. જેવાં આશ્વાસન આપ્યાં. વાતોમાં આખો દિવસ પસાર થઇ ગયો, વિદેશ માટેની તૈયારીમાં મને જેટલી માહિતી હતી, મિત્રને એ જણાવી. જો કે મેં કહ્યું હતું, એમાં મોટાભાગનું એણે પતાવી દીધું હતું, હવે પાસપોર્ટ આવે. અને પછી છોકરા તરફથી સ્પોન્સર લેટર આવે બસ, એની રાહ જોવાતી હતી. અને ‘એ પણ આવી જશે.’ ની હૈયાધારણ આપી અમે ઘેર આવવા નીકળ્યાં. નીકળ્યાં ત્યારે રાતના સાડા નવ વાગી ચૂક્યા હતા.મિત્ર અને મિત્રપત્નીએ રાત રોકાઇ જવા ખૂબ આગ્રહ કર્યો, પણ છોકરાંનાં, એેમની સ્કૂલનાં અને ખાસ સુનીતાની ‘આવશ્યક’ સેવાની વાત કરી, નીકળી ગયાં.

મિત્રના ઘેરથી નીકળ્યાં ત્યારે આકાશ ચોખ્ખુ વાદળ વગરનું હતું. પૂનમનો ચંદ્રમા સોળે કળાએ વિશાળ આકાશમાં ટહેલતો હતો, સુનીતા બારી બહાર નજર માંડી બેઠી હતી,એણે માથાના વાળ ખુલા રાખ્યા હતા,મંદ મંદ પવન સંગ સુનીતાના વાળ લહેરાતા હતા,આથી એ હતી ,એના કરતાં વધારે કમનીય,સંુદર લાગતી હતી.કાર ડ્રાઇવ કરતાં તીરછી નજરે મેં એની સામે જોયું, ‘મજા આવી ને? આવવાની ના પાડતી હતી,અને મારા કરતાં તેં વધારે મજા લૂંટી !’ મેં કહ્યું. બારી બહારથી નજર ફેરવી, એણે મારી સામે જોયું, સરકણું હસતાં બોલી, ‘આવીએ,પછી શું કરવા મજા ના લઇએ? સરસ છે હોં એ લોકો.’ ‘કોણ?’ હું જાણતો હતો, સુનીતા કોના વિષે કહે છે, છતાં મારે એની પાસે બોલાવવું હતું, આથી સામે પૂછ્યું. ‘એ તમારા મિત્ર,શશીકાન્ત,અને એમનાં મિસિસ શશીકલા! એમની વિદાય વસમી પડી. હજુય એમના હસતા ચહેરા, આંખ સામે દેખાય છે, અને રોકાઇ જવાના એમના આગ્રહના શબ્દો કાનમાં ગુંજે છે.’ બોલતી સુનીતાનો અવાજ પડી ગયો, મેં કારને બ્રેક કરી, ‘શું થયું,કેમ કાર ઊભી રાખી?!’ ફાળ પડતા અવાજે સુનીતાએ પૂછ્યું. હું હસ્યો, ‘કશું થયું નથી,પણ તારી ઇચ્છા એમના ત્યાં વધારે રહેવાની હોય તો, હજુ આપણે નજીકમાં જ છીએ,ચાલ પાછા જઇએ,મનને ધરાવો આવે ત્યાં સુધી રહેજે, એમની સાથે.’ ‘ના,એવું તે હોતું હશે? અને હું ક્યાં કહું છું, મારે એમના ત્યાંથી આવવાની ઇચ્છા ન હતી? મારા કરતાં તો, તમને એમની વધારે માયા હતી,‘શશીભાભી,.’ વગર તો તમારૂં મોં સુકાતું ન હતું.આજે આખો દિવસ તમે મારી સાથે વાત તો ઠીક, પણ સરખી નજરે જોયું છે?’ બોલતી સુનીતાનો અવાજ ભારે થઇ ગયો. આંખમાં પાણી ધસી આવ્યું,હાથરૂમાલથી આંખો સાફ કરતાં ફરી એણે બારી બહાર નજર માંડી, હું કંઇ બોલ્યો નહીં, કાર સ્ટાર્ટ કરી.

થોડું આગળ ગયાં, અને એકદમ આકાશમાં વાદ‌ળ ઊમટી આવ્યાં.આકાશ અને ઘડી પહેલાં આકાશમાં વિહરતો, ચંાદો પણ વાદળમાં છુપાઇ ગયાં. ધવલ પ્રકાશમાં મનભાવન લાગતી સૃષ્ટિ ઘાઢ અંધકારમાં લપેચટાઇ ગઇ. અંધારાના કારણે ડરી ગઇ કે, પછી બહાર કશું દેખાતું ન હતું આથી, સુનીતાએ બારીનો કાચ ચઢાવી દીધો, અને આંખ બંધ કરી,ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પવન પડી ગયો, કારમાં બફારો થતાં એ.સી ચાલુ કર્યું..

સુનીતા ઘસઘાસટ ઊંઘતી હતી,એ.સી.ની ઠંડકે એને ઊંઘે ઘેરી લીધી, અછડતી નજર એની પર નાખી, મેં કાર ચલાવવામાં ધ્યાન પરોવ્યું.

થોડું આગળ ગયાં, અને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો,એની સાથે ઠંડા પવનનો અનુભવ થયો,મેં એ.સી બંધ કરી,વરસાદ વધે એ પહેલાં ઘેર પહોંચી જવાના ઇરાદે ગાડીની ગતિ વધારી.એની સાથે હળવેથી શરૂ થયેલા વરસાદે પણ જોર વધાર્યું, સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો, વરસાદના જોર આગળ મારી ગાડીની ગતિ નબળી પડતી લાગી,ગાડીની બત્તી પણ એનું અજવાળું ફેંકવામાં થાકી જતી લાગી, છતાં મેં આગળ વધવાનું ચાલુ રાખ્યું. ઇચ્છા થતી હતી,કોઇ ઝાડ નીચે કે, આસપાસમાં કોઇ ઘર કે ઝૂંપડું દેખાય તો, વરસાદનું જોર ઘટે,ત્યાં સુધી રોકાઇ જવું. પણ મોં મોં ના સૂઝે,એવા અંધકારમાં કશું દેખાતું ન હતું.

ઘસઘસાટ ઊંઘમાંથી સુનીતા,જાગી ગઇ. બાઘરી નજરે મારી સામે જોયું, ઊંડું બગાસું ખાતાં પૂછ્યું, ‘આવી ગયાં,કેટલે દૂર છીએ આપણે?’ ‘હજુ તો,ઘણે દૂર છીએ,સખત વરસાદ પડે છે,ગાડી સ્પીડ પકડતી નથી.’ સ્ટેરીંગને આમતેમ ઘુમાવતાં મેં કહ્યું.સુનીતા મારી સામે જોઇ રહી,મારી સાથે નજર મળી,એટલે,એના હાથની ટચલી આંગળી ઊંચી કરતાં લાચારીમાં હસી. હું ચોંકી ગયો,વરસાદ ચાલુ હતો,બહાર અંધારૂં હતું, અને..

‘હવે ઘર આવવામાં છે,ચાલે એમ નથી? દબાવીને બેસી રહેને!’ મેં કહ્યું. ‘સખત લાગી છે,કદ્રોંલ રાખી શકાય એમ નથી.’ એ બોલી. વાતાવરણ ઠંડું હતું, નીકળ્યાં, ત્યારે ચા,પાણી પીધાં હતાં,આથી પેશાબની હાજત સ્વભાવિક હતી, પણ.. સુનીતાની આલહવેલહ હાલત જોઇ મને લાગ્યું,હવે એનાથી ‘રોકી.’ નહીં શકાય, અને મેં રસ્તાની ધારે, ગાડીની બત્તીના અજવાળે,એક ઘટાદાર ઝાડ જોયું,ગાડી ત્યાં થોભાવી, સુનીતા ઝડપથી ઊતરી, ‘આઘી ના જઇશ, અહીં નજીકમાં બેસી લે.વરસાદ અને અંધારૂં છે.’ મેં કહ્યું. સુનીતા કંઇ બોલી નહીં, અને આગળ વધી.

ભીની ભીની, ઠંડી દિલચશ્પ મોસમ હતી, મને સિગારેટની તલપ લાગી, સિગારેટ સળગાવી,દમ મારતાં, સુનીતાના આવવાની રાહમાં ગાડીના સ્ટેરીંગ પર હળવા તાલે આંગળીઓ ઠોકવામાં પરોવાયો,અને એક ચીસ આવી,છાતી ધબકી ઊઠી,તાલ આપતી મારી આંગળીઓ એમજ અધ્ધર સ્થીર થઇ ગઇ,‘ચીસ કોણે પાડી? સુનીતાનો અવાજ હતો?’ પ્રશ્ન સાથે ભયનું લખલખુ શરીરમાંથી પસાર થઇ ગયું, ઝડપથી ગાડીમાંથી બહાર આવ્યો, વરસાદ ચાલુ હતો, સળગતી સીગારેટ ફેંકી દઇ હાંફળોફાંફળો, આમતેમ ડોફેરિયાં મારવા લાગ્યો, અંધારૂં હતું,કશું દેખાતું ન હતું,ગાડીમાંથી મોબાઇલ લઇ આવ્યો, એની ટોર્ચ આમતેમ ફેરવી જોયું, નજીકમાં ખાડો હતો,ખાડાના માથે કશા પાકથી ભરેલું ખેતર હતું,પણ શાનું વાવેતર હતું, એ કળી શકાયું નહીં,કશો વિચાર કર્યા વગર મોબાઇલના પ્રકાશમાં ખાડામાં ઊતર્યો,ઊતરતાં પહેલાં, ‘સુનીતા,સુ..નીતાઆઆ..!’ રોતલ અવાજે બૂમ મારી, નિ:શબ્દ વાતાવરણમાં મને મારો જ અવાજ ડરાવી ગયો, ‘ક્યાં ગઇ સુનીતા,કોઇ ઉપાડી ગયું કે..’ પ્રશ્નોએ મને હલાવી નાખ્યો. જેમતેમ ખાડામાં ઊતર્યો,અંદર સુધી ગયો,ખાડામાં માંડ પગનાં તળિયાં પલળે એટલું પાણી હતું, અને એ પણ કદાચ હમણાંના વરસાદનું હશે. મોબાઇલના અજવાળામાં મને ખાડાની ધારે સુનીતાનું એક ચંપલ મળ્યું, ચંપલ જોઇ, ‘સુનીતાને કોઇ ઉપાડી ગયુ હશે.’ ની મારી શંકાની ખાતરી થઇ. મારા ગળામાંથી ડચકું નીકળી ગયું.ચંપલ કાદવમાં ખરડાયું હતું, આથી એને કોઇ ઘસડી જ ગયું લાગતું હતું. પણ કોણ,કોણ ઘસડી ગયું હશે? એનો કશો જવાબ ન હતો.મન પર સન્નાટો હતો. કશી સૂઝ પડતી ન હતી. મેં નજીક ખેતરમાં પ્રકાશ ફેંક્યો,પણ એનો કશો અર્થ ન હતો. કશું દેખાતું ન હતું. ખેતરમાં શાનો પાક કર્યો છે, એની પણ ખબર પડી નહીં,છતાં ખેતરમાં જવા વિચાર કર્યો, ખેતર ચોફેર કાંટાળા તારની વાડ હતી, અને ખેતરમાં જઇને શું? સુનીતા ખેતરમાં હશે? એવા અનુમાન અને પ્રશ્નો, ખેતરમાં જવા આડે આવ્યા, અને સાચું કહું તો હવે મને જ ખેતરમાં જતાં ડર લાગતો હતો,પણ શાનો ડર લાગતો હતો ખબર પડતી ન હતી. આ વિસ્તારમાં જંગલી હિંસક જનાવર ફરતાં હોવાની વાત સાંભળી હતી, એક વાત અહીં આસપાસ ભૂત-ડાકણ ભટકતાં હોવાની પણ સાંભળી હતી. આવી બધી વાતો યાદ આવતાં હવે સુનીતાને ગુમાવ્યાનું દુ:ખ તો બાજુએ રહ્યું, પણ હું ડરી રહ્યો હતો. અને, ‘કાલે પોલીસમાં ફરિયાદ આપવાનું વિચારી ઘેર ચાલ્યા જવાનું વિચાર્યું. કારમાં બેસતાં પહેલાં આસપાસ દૂર સુધી મોબાઇલનો પ્રકાશ ફેંક્યો,લાંબી નજરે દેખી શકાય,ત્યાં સુધી જોવા પ્રયત્ન કર્યો,પણ કશું નજર ના આવ્યું. ‘આને વળી,આવા સમયે ક્યાં હાજત આવી? નીકળતાં પહેલાં પાણી ઓછું પીધું હોત કે,ના પીધું હોત તોય શું બગડી જવાનું હતું? પણ એ એનું ધારેલું જ કરે છે,કદી મારી વાત કે સલાહ માનતી જ નથી,અને એનાં માઠાં મારે ભોગવવાં પડે છે!’ સુનીતા પર મનની ખીજ ઊતારતાં હું બબડ્યો.કાર ચાલુ કરતાં પહેલાં,રોડ પર નજર કરી,દૂરથી પ્રકાશનો લીસોટો જોયો. કશું વાહન આવતું લાગ્યું,કારમાંથી ઊતરી, મદદ કે સલાહની આશાએ,રોડની ધારે આવીને ઊભો રહ્યો.

વાહન નજીક આવ્યું, આતુરતાથી મેં હાથ હલાવી,થોભવાનો સંકેત કર્યો, મારી પાસે આવીને વાહન ઊભુ રહી ગયું. મારા આશ્ચર્ય વચ્ચે એ પોલીસ જીપ હતી,સશસ્ત્ર ત્રણ પોલીસ જીપમાં હતી,ડ્રાઇવર સીટની બાજુમાં પોલીસ ઇન્સપેકટર ચાવડા સાહેબ હતા,એમણે પાવરફૂલ બેટરીનો પ્રકાશ ધોધ મારા મોં પર ફેંક્યો,હું અંજાય ગયો,ક્ષણભર મને દેખાતું બંધ થઇ ગયું પણ, ‘અરે! સાહેબ,આટલી રાતે તમે અહીં શું કરો છો?’ સાહેબ બોલ્યા, અને જાણે મારી આંખોનાં પડળ ખૂલી ગયાં, ચાવડા સાહેબને જોઇ મારી હાલત વીસરી ગયો. અજાણ્યા મલકમાં કોઇ સ્વજન મળી જાય,એટલી હોંશ મેં અનુભવી.

આ ચાવડા સાહેબ સાથે અમારે ઘરોબો હતો. લગ્નના લાંબા સમય પછી એમના ત્યાં ઘોડિયું બંધાવાનો સમય આવ્યો, સાહેબ,ખૂબ ખુશ થઇ ગયા હતા. પણ ડૉકટરે એમને સખત ચેતવણી આપી હતી,‘પ્રસુતિ વખતે બાઇની ખૂબ કાળજી રાખવી પડશે,અમથી પણ ચૂક થઇ જશે તો, બાઇના કે, બચ્ચાના જીવને જોખમની શક્યતા છે.’ સાંભળી સાહેબની ખુશી, ગમ બની ગઇ. બાઇને પૂરો વખત જતો હતો, અને એમણે સુનિતાની, સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો, અને ત્યાંના મેડિકલ ઓફિસરને વાત કરી,સાહેબે હૈયાધારણ આપતાં સુનિતા સાથે એમની મુલાકાત કરાવી. સુનિતા પ્રસુતિમાં નિષ્ણાંત ગણાતી હતી. સાહેબે, એને માંડીને વાત કરી,વાત કરતાં સાહેબ ગળગળા થઇ ગયા. એમની હાલતથી સુનિતા પણ હલી ગઇ, કારણ ડરામણું વ્યક્તિત્વ ધરાવતા,સાહેબના નામ માત્રથી,ભલભલાના છક્કા છૂટી જતા હતા, એમના આવ્યા પછી,શહેરમાં ગુંડાગર્દી અને બીજી અસમાજિક પ્રવૃતિ પર કાબૂ આવી ગયો હતો. એવા શક્તિશાળી જણને આમ ઢીલો પડી જતો જોઇ, સુનિતા પણ લાગણીભીની થઇ ગઇ હતી. એણે સાહેબને હિંમત બંધાવી,હૈયાધારણ આપી, પ્રસવ વખતે બાઇને કે, બાળકને કંઇ નહીં થાય, એની પૂરી ખાત્રી આપી. અને કુંવરબાએ પૂરા સમયે, નોર્મલ ડિલિવરીથી સુંદર બાળક-છોકરાનો જન્મ આપ્યો. સાહેબની પત્નીનું નામ ‘કુંવરબા.’ હતું. સાહેબ,ખુશીમાં ઊછળી પડ્યા, એમને વધાઇ આપવા ભેગાં, સૌની હાજરીમાં સાહેબે,એમના ગળાની મોંઘી ચેઇન કાઢી,ત્યાંજ સુનિતાને આપી દીધી,હાજર સૌ આશ્ચર્યમૂઢ થઇ ગયાં. સુનિતાએ મને આ વાત કરી, ત્યારે વાત કરતાં એ પણ લાગણીભીની થઇ ગઇ હતી.એ પછી ચાવડા સાહેબ સાથે મારી ઓળખ એણે કરાવી હતી. સાહેબે ખાત્રી આપી હતી કે, ‘ગમે ત્યારે ગમે એવું મારૂં કામ પડે, મને યાદ કરજો, હું હાજર રહીશ.’ એ પછી તો, એવી કશી સાહેબની જરૂર પડી ન હતી,પણ આજે એમણે આપેલી ખાત્રી નાણી જોવાનો અવસર આવ્યો હતો.

વરસાદ અટકી ગયો હતો. જોકે બિલકુલ બંધ થયો ન હતો, થોડે થોડે ફોરાં પડતાં હતાં. બેટરીના પ્રકાશમાં સાહેબે,મારો શોકભર્યો,રોતલ ચહેરો જોયો, ‘કંઇક.’ ગંભીર બન્યાની એમને ગંધ આવી, તરત જીપમાંથી નીચે આવ્યા, મારા ખભે હાથ મૂકી, ખૂબ વહાલથી પૂછ્યું, ‘શું થયું છે સાહેબ,તમે એકલા છો, તમારી મિસિસ, છોકરાં કોઇ સાથે નથી?’ એમના સવાલથી રોકી રાખેલો મારો અશ્રુબંધ એકદમ તૂટી ગયો, બે હાથમાં મોં છુપાવી મોકળા મને હું રડવાએ ચઢી ગયો.જીપમાં બેઠેલા બીજા પોલીસકર્મીઓ પણ અમારી પાસે આવી ગયા. સાહેબે, મને પાણી આપવા એક પોલીસને ઇશારો કર્યો,અને મારો ખભો થપથપાવી,સાહેબે મને શાંત પાડવા પ્રયત્ન કર્યો, પાણીનો ઘૂંટ ગળામાં ઊતારી સ્વસ્થ થવાના પ્રયત્નમાં મેં સાહેબને બધી વાત કરી,વાત કરતાં સુનીતાની ચંપલ બતાવી. સાહેબ હકબક થઇ ગયા.

‘અમને આ વિસ્તારના લૂખાની ફરિયાદ મળી હતી,પણ અમને એમ કે, ઘણાં માત્ર અમને હેરાન કરી મઝા માણવા ખોટી ફરિયાદ કરતા હશે,આથી અમે કંઇ ધ્યાને લીધું ન હતું, પણ આવી ફરિયાદ ચાલુ રહી,આજે એક ફરિયાદ આવી છે,એમાં એક પુરૂષને અધમૂઓ કરી, એની સ્ત્રી પર બળાત્કાર કર્યો છે. આથી અમે ખૂબ જ સાવધાની રાખી,અહીં આવ્યા, સારૂ થયું, તમારો કેસ બન્યો,આથી આ ગંુડાઓને પકડવાનું અમને સરળ બનશે.’ સાહેબે કહ્યું,હું ચોંકી ઊઠ્યો. સાહેબને અમારી સાથે જે ઘટ્યું, એ ‘સારૂં.’ લાગતું હતું, કશી ગંભીરતા એમને જણાતી ન હતી, પોલીસમેન ખરા ને! વળી એમણે સ્ત્રી પર બળાત્કારની વાત કરી આથી, ‘સુનીતાને મવાલીઓએ ચૂંથી નાખી હશે,અને કદાચ..’ અને આગળ વિચારતાં હું ધ્રુજી ગયો.

વરસાદ બિલકુલ અટકી ગયો, વાદળ વેરાઇ ગયાં હતાં, અને ચાંદો,પૂનમની યાદ અપાવતો ફરી સોળે કાળાએ ખીલ્યો હતો, મેં ચંદ્રમા સામે ઊંચે જોયું, મારી તરસ ખાતો લાગતો હતો.

ખેતરને સંધોળે, પગદંડી પર સાહેબ એમના રસાલા સાથે આગળ વધ્યા,હું પણ એમની પાછળ ચાલ્યો. હવે ખેતર અને એની અંદરનો લહેરાતો મોલ સ્પષ્ટ દેખાતાં હતાં.અમે ખેતરની ધારે ધારે આગળ વધતા હતા, ખેતરનો વિસ્તાર પૂરો થયો,હવે છૂટાંછવાયાં કાચાંપાકાં ઘર દેખાવા લાગ્યાં. સાહેબે સંકેતથી બધાંને સાવધાન રહેવા કહ્યું, અને ચોરપગલે આગળ વધ્યા.

એક ઘરમાંથી ફાનસનો પીળો પ્રકાશ રસ્તા પર પડતો હતો, સાહેબ એ ઘર આગળ અટક્યા, અને મોટેથી બરાડ્યા, ‘લ્યા,રણછો..ડાઆઆ..!’ થોડીવારમાં એક સૂકલકડી પુરૂષ હાથ જોડી બહાર આવી, ઊભો રહ્યો. ‘લ્યા શું થાય છે?’ તુમાખીભર્યા અવાજે સાહેબે પૂછ્યું. ‘ક..કશુ નથી, સાયેબ. મારા કાનિયાની છોડીને છેલ્લો વખત હતો, વેણ ઊપડ્યુ,છોડી દુ:ખમાં રાડો નાખતી હતી,આંય દાકતર કે બીજું કશું નથી, મારો કાનિયો અને એનો ભઇબંધ એક બાઇને રોડ પરથી લાયા,બાઇ હારી હુંશિયાર હતી,તરત છોડીનો છૂટકારો થયો.’ એ માણસે કહ્યું, મને ખાત્રી થઇ ગઇ,એ સુનીતા જ હશે. મારા જીવમાં જીવ આવ્યો, બાઘરી નજરે હું સુનીતાને શોધવા લાગ્યો.

‘ક્યાં છે,એ બાઇ? સા.. આમ ગમે એને રોડ પરથી ખેંચી લાવો છેો,તમારા બાપનું રાજ ચાલે છે? કોણ હતો, એ બાઇને ઉપાડી લાવનારો? સા..અમે તને આવું કરવા બાતમીદાર બનાવ્યો છે? બાતમીદાર બનાવ્યો, આથી ફાવે એમ કરવાનું? આ સાહેબને જો, કેવી કરી નાખી તમે એમની હાલત?’ સાહેબ કરડાકીમાં બોલ્યા.પછી ધીમેથી બોલ્યા,‘ક્યાં છે એ બાઇ? બોલાવ, અને આ સાહેબને સોંપી દે.’

‘એ..ને,એને તો સાયેબ,મારો કાનિયો અ‘ન એનો ભઇબંધ ક્યારનાય જ્યાંથી લાયા હતા, તાં મેલી આયા.’ પુરૂષે કહ્યું,અને મેં આંચકો અનુભવ્યો. ‘ક્યાં મૂકી આવ્યા હશે? ’ મને પ્રશ્ન થયો, અને હવે એ સ્ત્રી, સુનીતા હોવામાં પણ શંકા જાગી. ‘લ્યા,ક્યાં મૂકી આવ્યા,બોલાવ,તારા કાનજીને, અને એના ભાઇબંધને!’ હવે ખુદ સાહેબ,ગોટાળે ચઢી ગયા. હું પણ નાશીપાસ થઇ ગયો. સાથેના પોલીસ કૉન્સ્ટેબલ બારીક નજરે આમતેમ જોઇ લેતા હતા.

કાનજી અને એનો ભાઇબંધ હાથ જોડી સાહેબ સામે ખડા થયા, ‘લ્યા પેલી બેનને ક્યાં મૂકી આવ્યા? ક્યાં છે એ બેન? સા..જલદી શોધી લાવો,તમારા બાપાનું રાજ થઇ ગયું છે,મરજી થાય, એમ રસ્તે જતાં આવતાંને ઉપાડી લાવો છો, જા..સા..અબી એને શોધી અહીં હાજર કર,નહીં તો તમારા બધાંનાં ચામડાં ઉતરડી નાખીશ.’ સાહેબ કરડાકીમાં બોલ્યા,કંઇપણ બોલ્યા વગર બંને સીધા રસ્તે રોડ તરફ ભાગ્યા.

રણછોડે ખુરસી નાખી,અમને બેસાડ્યા. એની ઘરવાળી પાસે ચા મૂકાવી,કડક મીઠી ચા હતી,બધા ટેસથી ઘૂંટડા ભરતા હતા, પણ મને બે સ્વાદ લાગતી હતી. ચા પીધી પછી,હોઠ પર જીભ ફેરવતાં સાહેબ બોલ્યા,‘લ્યા! શું છે તારી છોડીને?’ ‘ભોણી! છોડી છે,સાયેબ. અસલ એની મા જેવી જ..’ હરખ ઊભરાતા અવાજે રણછોડ બોલ્યો. ‘તારી ભોણી,એવી અમારી! ’ બોલતાં સાહેબે એકસોએક રૂપિયો રણછોડના હાથમાં મૂક્યો. અમે બધા આશ્ચર્યથી સાહેબને જોઇ રહ્યા.

થોડીવાર પછી,કાનજી એકલો આવ્યો, એને એકલાને જોઇ,મને ધ્રાસકો પડ્યો. ‘ એ સ્ત્રી સુનીતા નહીં હોય..?’ સવાલ થયો. પણ જવાબ ન હતો. કાનજી પાસે આવ્યો,સાહેબ ઊભા થઇ એની સામે ગયા, કાનિયો શિયાવિયાં થઇ ગયો,સાહેબ કંઇ પૂછે એ પહેલાં બોલ્યો, ‘બેન કહે છે, હું ખૂબ થાકી ગઇ છું, એમને અહીં બોલાવી લાવો.’ એટલે પેલા મારા ભાઇબંધને એમની પાસે બેસાડી તમને બોલાવવા આવ્યો.’

અમે તરત રોડ પર આવવા નીકળ્યા. મન સુનીતા માટે શંકાકુશંકામાં હતું. સુનીતાને જોવા,મળવાની જે ઝંખના હતી એ, મનની શંકાએ નરમ પાડી દીધી હતી, અને એના કારણે મારી ચાલવાની ગતિ પણ અવરોધાતી હતી.

ચંદ્રમાના અજવાળે દૂરથી સુનીતાને જોઇ, છાતી જાણે ધબકવાનું ચૂકી ગઇ,હરણફાળે સુનીતા પાસે ગયો, અને વળગી પડ્યો, સુનીતા પણ મને ચીપકી ગઇ. આકાશમાં પૂનમનો ચાંદલિયો રમણે ચઢ્યો હતો, મે એની સામે જોયું, ખંધુ હસતો લાગ્યો. એના અંધારા અને અજવાળાનો, બંનેનો મને અનુભવ એણે કરાવ્યો હતો. એના હસવામાં મને લાગ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ