વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેસૂડો

         ખાખરાને સૌ કોઈ ઓળખતા હોય છે. ગુજરાતીમાં ખાખરો, કેસૂડો અને સંસ્કૃતમાં પલાશ કહેવાય છે. એ એક પવિત્ર વૃક્ષ છે. એના પાન ત્રણ-ત્રણના ઝુંડમાં હોય છે, જેમાં મધ્ય પર્ણ વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે. ચંદ્રનો સૌથી વધુ પ્રકાશ ગ્રહણ કરનાર વૃક્ષ ખાખરો છે એટલે યજ્ઞકાર્યમાં ખાખરાનું લાકડું વપરાય છે. તેથી આદિવાસીઓ ખાખરા પુંજન વગર લગ્ન કરતા નથી કે હળદર લગાવતા નથી. એના ફૂલની કળી પોપટની ચાંચ જેવી વાંકી હોય છે. કળી ખીલ્યા પછીના ફૂલો એકદમ આકર્ષક લાગે છે. ખાખરાની લીલી શીંગો ચપટી, લાંબી અને ફાફડા જેવી પહોળી હોય છે. સૂકાયા પછી ભૂખરા રંગની થાય છે. જેમાં લાલ કલરના ત્રણેક ચપટા બીજ હોય છે. 
         ખાખરાના ઘણા ઔષધિય ઉપયોગો છે. પલાશના પાનના પતરાળામાં ખાવાથી ચાંદીની થાળીમાં ખાવા બરોબર ગુણ મળે છે. ખાખરાના મૂળનો અર્ક આંખમાં નાખવાથી આંખોના રોગ મટે છે. સગર્ભા સ્ત્રીને ખાખરાના કુમળા પાનનું શાક ઘીમાં બનાવીને ખવડાવવાથી તેજસ્વી અને હોશિયાર બાળક જન્મે છે. કેસૂડાના ફૂલ લૂ લાગે ત્યારે કામ લાગે છે. અંડકોષની વૃદ્ધિ ઉપર ખાખરાની છાલનું સાત ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવાથી અને અંડકોષ પર છાલની પોટીસ બાંધવાથી ફાયદો થાય છે.
         પ્રાચીન સમયમાં પલાશની છાલ જંગલોમાં દોરડા બનાવવા માટે ઉત્તમ સ્ત્રોત હતી. અરે ભાઈ, કુચો યાદ છે?... દિવાળી દરમિયાન ચૂનો અને ગેરુ લગાવવા માટે બનાવેલા હર્બલ બ્રશ(કુચો) આ ઝાડના મૂળમાંથી બનાવવામાં આવે છે. કબીરદાસજી પણ પલાશના મોહથી બચી શક્યા ન હતા, તેમણે તેનો ઉપયોગ તેમની કૃતિઓમાં કર્યો હતો. 
कबीरा गरब न कीजिए, इस जोबन की आस।
टेसू फूले दिवस दस, खांखर भया पलास।।
કબીરા, આ યૌવનની આશા રાખીને ગર્વ કરશો નહીં. ખાખરો દસ દિવસ માટે ફૂલોથી લદે છે ત્યારે એ ખાખરામાંથી પલાશ બને છે. મતલબ ખાખરાની ફૂલોની જેમ યૌવન ક્ષણભંગુર છે એટલે એના પર ગર્વ કરવો ન જોઈએ.
        પલાશના ઝાડના ફૂલોમાં ઘણી વિવિધતા છે. એક અંદાજ મુજબ, ૬ રંગોના ફૂલોવાળા પલાશના વૃક્ષો અસ્તિત્વમાં છે.
૧. ઘેરા નારંગી અથવા લાલ ફૂલો (#Lalaplash) 
૨.આછા નારંગી રંગના ફૂલો (#સંતરાપલાશ) 
૩. ઘેરા પીળા ફૂલોવાળું (#પીળાપલાશ) 
૪. આછા પીળા ફૂલો (#creampalash) 
૫. હળવા નારંગી રંગવાળા ફૂલો (#cream_palash)
૬. સંપૂર્ણપણે  સફેદ (#white_palash )
        પહેલા પલાશનું વૃક્ષ રંગોનો એક માત્ર સ્રોત હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો તહેવાર હોળી માત્ર પલાશના ફૂલોના રંગોથી જ ઉજવવામાં આવતો હતો. પણ હવે કેમિકલ રંગોએ માઝા મૂકી છે, જે શરીરને નુકસાન કરે છે. પ્રકૃતિના રંગોમાં જે સુંદરતા જોવા મળે છે તે વિશ્વના અન્ય કોઈ રંગમાં જોવા મળતી નથી. તેના દરેક રંગની સુંદરતા અજોડ છે. જો હર્બલ રંગથી હોળી રમવા માંગતા હો તો કેસૂડાના ફૂલોમાંથી રંગ બનાવો અને હોળીની સાચી મઝા માણો. આપ સૌને  હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ