વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પોળો ફોરેસ્ટ

ઘણા વખતથી જવાની ઈચ્છા હતી તે ગઈકાલે પૂરી થઈ.

હિંમતનગર, ઇડર થઈ પોળો ફોરેસ્ટ જવાની.

અમે ઘેરથી નિરાંતે સવારે 7.30 ના નીકળ્યાં. ક્યાંય હોલ્ટ વગર પોણા દસ આસપાસ હિંમતનગર આવ્યું. ત્યાં દસ પંદર મિનિટ ચા, નાસ્તો કરી આગળ  પ્રયાણ કર્યું. 10.40 વાગે પોળો ફોરેસ્ટ નું પાર્કિંગ આવી ગયું. એટલે 3 કલાક થી ઓછા સમયમાં બોપલથી  પોળો પહોંચ્યાં.

પાર્કિંગમાં હંમેશ મુજબ નજીકના ગામવાળા ટિકિટ રાખે છે તે 4 વ્હીલર ના 100 ચૂકવી ગેટ માં ગયાં.

તમને બીટ ગાર્ડ ગાઈડ તરીકે મળી શકે છે, ચાર્જ પર. જો ખૂબ અંદર ટ્રેકિંગ કરવું હોય તો સારું રહે.

પહેલાં તો ત્યાંથી અંદર પાંચેક કિલોમીટર ચાલવું પડતું, અમે એક રિક્ષા 300 માં બાંધી.

બેય બાજુ ઈડરિયા ગઢ ની ઊંચી, સીધી, પથરાળ ટેકરીઓ અને વચ્ચે વનરાજી. કેસૂડો ઠેકઠેકાણે પૂરબહારમાં ખીલેલો. તેની રતુમડી ઘટા દૂરથી ખૂબ આલ્હાદક દેખાતી હતી. ખાખરા અને અનેક જાણીતી અજાણી વનસ્પતિનાં ઊંચાં વૃક્ષો વચ્ચે થઈ રિક્ષા ચાલી. સહેજ આગળ ખળખળ વહેતી  નાની નદી આવી. 

અમદાવાદમાં બપોરે 11વાગે કેવું ધગધગતું હોય? અહીં તો ઠંડી લહેરો વાતી હતી.

સહેજ આગળ પુરાણું, હાલમાંજ રીનોવેટ કરેલ જૈન મંદિર આવ્યું. નીચેથી અને થોડે ઉપર જઈ ત્યાંથી ફોટાઓ પણ પાડ્યા. સામે જ ચારેક ફૂટ ઊંચા ધોધની ધારાઓ જોઈ, અવાજ આંખ બંધ કરી સાંભળ્યો અને તેમાં લીન થઈ ગયા. 

ફરીથી  એ જંગલ અને ટેકરીઓ વચ્ચેથી વહેતી નદી પરથી હવે એકાંત રસ્તે રિક્ષામાં બેય બાજુ ઊંચી વનરાજી વચ્ચે પાકા રસ્તે થઈ પક્ષીઓના  અવાજો સાંભળતા ગયાં

હરણી  ડેમ. ત્યાં ઊંચઢળ પર કેડીએ થઈ જવાનું છે. ચડી શકાય એવું છે. ત્યાંથી પચીસ પગથિયાં ચડી હરણી ડેમ જોયો. ભરેલું તળાવ જોયું. ડેમની પૂર્વ તરફ છલકાતું તળાવ અને પશ્ચિમ તરફ સામે ઊંચી, ઉનાળો શરૂ થયો પણ લીલી છમ ટોચ વાળી ટેકરીઓ, નીચે વૃક્ષો વચ્ચે કેડીઓ પરથી આવતાં સહેલાણીઓ જોયાં.

ડેમ થી ઉતરી, થોડું ચાલી, નીચે ગયા જ્યાં  ડેમ માંથી છોડેલું પાણી  વહેતું હતું. પાણી એકદમ ઠંડુ હતું. તેમાં પગ બોળ્યા  અને મેં તો બે ચાર ખોબા ભરી પીધું પણ ખરું. સાચું મિનરલ વોટર.

અહીં ઊંચી ટેકરીઓ અને વનરાજી વચ્ચે ઘેરાયેલી જગ્યા અને વહેતું પાણી હોઈ વાતાવરણ  સરસ ઠંડું હતું.

ફરી રિક્ષામાં બેસી ગયાં actual સાઈટ પર જ્યાં આગળ ગાર્ડન છે, કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયેલું તે પથ્થરના મંડપ સાથેનું પ્રાચીન મંદિર એક ગાર્ડન ની અંદર છે પણ એન્ટ્રી રીનોવેશન ને નામે કહે છે છ મહિના કે વર્ષથી બંધ છે.

બાજુમાં નાની જગ્યામાંથી દાખલ થઈ હું અને પુત્ર ટ્રેકિંગ માં ગયા. એકાદ કિલોમીટર આગળ તારની વાડ આવી ત્યાં સુધી એ ખાખરા, વડ, મહુડો, કેસુડો વગેરે વૃક્ષો વચ્ચે ચાલતા જઈ આવ્યા.

ત્યાંથી પગ બોળીને જ જવાય એવી જગ્યાએ  ગયા. વચ્ચે સિમેન્ટનો નાનો પુલ છે જેની ઉપરથી પાણી વહ્યા કરે છે એટલે અમુક ભાગમાં લીલ છે ત્યાં હળવેથી જવું પડે. સામે જાઓ એટલે બેસવા મોટા પત્થરો, વચ્ચે વહેતું પાણી જ્યાં ઘણા લોકો પગ બોળી આનંદ માણતા હતા. કેટલાક લોકો ચટાઈઓ પાથરી બેઠેલા. સાથે લાવેલું કે અહીં નજીક લારીઓમાં મળતું ખાતાં હતાં. આમ તો બધા લારીઓ પાસે રાખેલી ડસ્ટ બીનમાં ફેંકતા હતા પણ કેટલીક પ્લાસ્ટિકની ચમચીઓ રખડતી જોઈ.

એ વહેતાં ઝરણાં વચ્ચે પણ મોટા પથ્થરો પર લીલ જામી ગઈ હતી, કાંકરાઓ પર પગ મૂકી જવું પડે એમ હતું.

ફરીથી રિક્ષા પકડી હવે ગયાં એક પ્રાચીન શિવ મંદિરના અવશેષો પર. કહે છે એ અવશેષો નવસો ઉપર વર્ષ જૂના છે. ત્યાં પણ પથ્થરનો મંડપ, ગણેશજી, અંદર શિવ પાર્વતી વગેરે છે, પથ્થરો પર હવે ભૂંસાઈ રહેલી કોતરણી છે.

અહીં અમારાં નક્કી કરેલ પાંચ સ્થળો પૂરાં થયાં એટલે રિક્ષા છોડી પાર્કિંગમાંથી ગાડી કાઢી સીધાં ઇડર. રસ્તે એક નવજીવન લોજ આવે છે. અમે ઇડર હાઇવે પર આશીર્વાદ હોટેલ માં જમ્યાં.

આગળ ઇડર હિંમતનગર હાઇવે પર કૃષ્ણા ટાઇલ્સ માં સિમેન્ટ, માટીનાં રંગીન કુંડાં લીધાં.

હિંમતનગર થી પ્રાંતિજ પાસે કથપુર ટોલ બુથ નજીક જામફળ, હવે તો પાકી  તોતા કેરી અને મોટી અમેરિકન મકાઈ પણ મળતાં હતાં.

ગાંધીનગર આવતાં મોટો, લાંબો ફ્લાયઓવર  આવે છે જેની નીચેથી ન વળો તો સીધા નરોડા પહોંચો. આગળ ગયા તો સર્વિસ લેન થઈ ગિફ્ટ સિટીમાં નીકળો.

રસ્તે કોઈ માલધારી ટી સ્ટોલ ની ખાટલે બેસી જાડી રબડી જેવી, મીઠી ચા પીધી અને હજી સૂરજ ઢળતો હતો પણ તડકો હતો ત્યાં ઘેર પણ આવી ગયાં.

પોળો સાઈટ પર  સરકારી ટુરિસ્ટ બંગલાઓ  સરસ છે. કહે છે તેનું એક રાતનું ભાડું 6500 જેવું છે. થોડા સસ્તા ને સારા રિસોર્ટ પણ વિજયનગર અને પોળો વચ્ચે છે જો રાત રહેવું હોય તો.

વિસ્તૃત વર્ણન બાદ ફોટાઓ પણ મુકું છું.

લિંક ને સિલેક્ટ કરી લોંગ પ્રેસ કરવાથી બધા ફોટા જોઈ શકશો.

https://photos.app.goo.gl/c5ok4hMYgdVRSgKR8

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ