વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પાને વિલન ન બનાવશો!

પપ્પાને કોણ વિલન બનાવે છે? "આપણે"! શરૂઆતમાં દરેક સંતાન માટે એના પપ્પા હીરો હોય છે. સંતાનોને પિતા સાથે રમવું, રહેવું, વાતો કરવી ગમતી હોય છે પણ જેમ જેમ સમય જાય છે, સંતાન મોટું થાય, બાળક તરીકેના એના તોફાન વધતા જાય તેમ તેમ તેના માટે કોમળ હ્રદયના પપ્પા એના માટે ખૂબ કઠોર બનતા જાય છે. આવું શું કામ થાય છે? આવું કોણ કરે છે? આવું 'આપણે' બધાં ભેગાં મળીને કરીએ છીએ. જ્યારે બાળક તોફાન કરે ત્યારે 'મમ્મી' એવું કહે છે કે 'આવવા દે પપ્પાને, એમને બધું કહીશ' અને આ વાક્યનું પુનરાવર્તન થાય છે ત્યારે બાળકનાં મનમાં ઘણા સવાલો ઉભા થાય છે અને એના અર્ધજાગ્રત મનમાં એ વાત બેસી જાય છે કે 'પપ્પા તો કડક સ્વભાવના જ હોય '! તમારા વાક્યનું પુનરાવર્તન થતાં બાળક ભલે તમને એનાં મનમાં ઉદભવતા પ્રશ્નો ન પૂછે પણ એના બાળમાનસ પર એવી અસર પડે છે કે પપ્પા તો આવા જ છે, નિર્દય છે અને એટલે એ ધીમે ધીમે એમની સાથે વાત કરવાની ઓછી કરી દે છે અને એક સમય એવો પણ આવે છે કે તમારા વાક્ય એ બાળકનાં મનમાં પપ્પા માટે એટલી બધી બીક ઊભી કરી દીધી હોય છે કે પછી બાપ અને સંતાન વચ્ચે કાયમ અબોલા થઈ જાય છે કાં તો પછી બંનેનાં સંબંધ કાયમ માટે વણસી જાય છે અને પપ્પા બની જાય છે અચાનક વિલન! આના માટે આપણે બધા, આખો સમાજ જવાબદાર છે. સમાજે પુરુષોને કાયમ કઠોર થતાં જ શીખવાડ્યું છે. દીકરા તરીકેનું સંતાન જ્યારે કોઈક દિવસ રડીને ઘરે આવે છે ત્યારે એની આજુબાજુના બધાં લોકો એને કહેશે કે 'તુ છોકરી છે?' દિકરો/છોકરો ક્યારેય ન રડે અને ત્યારે એને એવું લાગે છે કે રડવું એ નબળાઈ છે, છોકરીઓ જ રડે અને જ્યારે કોઈ છોકરી અથવા તો નાનપણમાં એની બહેન રડે છે ત્યારે એ એવું સમજે છે કે એ નબળી છે અને એના મનમાં, માનસપટ પર એવી માન્યતા ઘર કરી જાય છે કે 'સ્ત્રી અબળા છે!' આ માનસિકતા આપણે એનામાં રોપીએ છીએ પણ આપણે એને ક્યારેય એવું નથી સમજાવતા કે સમજાવી નથી શકતા કે સ્ત્રીઓ શું કામ રડે છે. સમાજે દીકરા તરીકે રડવાની મંજૂરી નથી આપી ત્યારે પુરુષ બન્યા પછી એના મનની દરેક વાત દબાઇ જાય છે કોઈ ખૂણે અને એના ગુસ્સાનું પરિણામ ભોગવવું પડે છે સ્ત્રીને જેનો કોઈ વાંક કે ગુનો નથી, એના શારિરીક અત્યાચાર સ્વરૂપે અથવા તો વ્યસન સ્વરૂપે! 

જ્યારે સમાજની આ માનસિકતા બદલાશે ત્યારે બાપ-સંતાન વચ્ચેના સંબંધ સુધરશે. જ્યારે તમારું બાળક એના પિતા સાથે કંઇક વાત કરે છે ત્યારે એને કરવા દેજો, માન્યું ક્યારેક તમારા બાળકથી કંઈક વધારે કે ન બોલવા જેવું બોલાઈ જાય પિતા સામે ત્યારે એને ધમકાવવાની જગ્યાએ પ્રેમથી સમજાવજો! પપ્પાની બીક એનાં કૂમળા મન પર એટલી બધી પણ ઊભી ન કરતા કે જ્યારે તમારું સંતાન મોટું થાય ત્યારે એના પિતા સાથે મન ખોલીને વાત ન કરી શકે. ક્યારેક પિતાને પણ કડક થવાની જરૂર પડે ત્યારે બાળક સાથે પ્રેમથી, કોમળતાથી વર્તન કરજો અને આ રીતે બંને વચ્ચે સુમેળ સંબંધ બંધાય શકે છે. પપ્પાને એટલી હદે પણ વિલન ન બનાવતા કે તમારા સંતાન અને એના પિતા વચ્ચે હંમેશા માટે અબોલા સ્થપાય જાય અને જ્યારે આવું થાય છે ત્યારે એનું પરિણામ ખૂબ ગંભીર આવે છે. ધીરે ધીરે એના મનમાં એટલી બધી પપ્પા માટે નફરત ઊભી થાય છે કે એને એના જીવનની કંઈક મહત્વની વાત કહી નથી શકતું અને એ મનોમન મુંઝાઈ છે, ધૂંધવાય છે. વિચારી તો જુઓ! તમારું એક નાનું અમથું વાક્ય અને કેટલું મોટું પરિણામ! આ જ ચક્ર કાયમ ચાલતું આવે છે. શું હવે જરૂર નથી લાગતી વિલનમાથી પપ્પાને હીરો બનાવવાની? માં માટે અત્યાર સુધી ઘણું લખાયું છે, બોલાયું છે અને એટલા માટે તે કદી વિલન નથી બની પણ બાપ માટે સાહિત્યમાં ખૂબ ઓછું લખાયું છે, બોલાયું છે અને એટલા માટે પિતા ક્યારેય હીરો નથી બની શક્યા! જે સંતાન અને પિતા વચ્ચે સંબંધ નથી વણસ્યા એમને અભિનંદન અને જેમની વચ્ચે અબોલા છે એ દરેક સંતાન અને પિતાને સમર્પિત કરતી કવિતા: 


પપ્પા! મને તમારાથી નફરત નથી,

પણ શું કરું, મને ક્યાં કદી દિલ ખોલીને વાત કરવાની તમારી સાથે પરવાનગી મળી છે?


પપ્પા! હું નથી સમજી શકી તમારી ભાવનાઓને એવું ક્યાં છે,

તમારી આંખોમાં સમગ્ર વણ કહેલી પીડાઓ વંચાય છે,

પણ, આપણી વચ્ચે એવી મોકળાશ ક્યાં કદી મળી છે કે તમે સમજી શકો મારી વાતને! 


પપ્પા! હું તમારી મરજીમા હંમેશા ખુશ રહી છું,

પણ તમે કદાચ એ ભૂલી ગયા હશો કે 'હુ પણ એક માણસ છુ, મારી પણ કંઈક મરજી જેવું હોય,

પણ, તમે એ જાણવાની કદી પરવા કરી છે? 


પપ્પા! તમારાથી અનેક ફરિયાદો છે,

અને તેમ છતાં તમે દુઃખી થશો એમ માનીને કદી કશુંય કહ્યું છે?


પપ્પા! ઘણુંય કહેવું છે મારે તમને, ઘણીયે વાતો કરવી છે,

પણ તમે ક્યારેય તમારી વ્યસ્તતામાથી બહાર આવ્યા છો? 


મારી દરેક ખુશીનો, સુખનો વિચાર કરતા પપ્પા,

તમે તમારા હ્દયની કોમળતા બતાવવાનું કેમ ભૂલી ગયા?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ