વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુષમા પરેરાનો વિચિત્ર મર્ડર કેસ

તેણે બારીમાંથી બહાર જોયું અને સાથે છત્રી લઇ જવાનું નક્કી કર્યું. આકાશમાં ક્યાંય વાદળાઓનું નિશાન નહોતું, પણ ન જાણે કેમ તેણે શા માટે એવું કર્યું. તે એવી જ હતી, તેનું નામ સુષમા હતું.

***

        તેનાં સ્વપ્નો મોટાં હતાં, તે આઈ.પી.એસ. ની પરીક્ષા પાસ કરીને પોલીસ અધિકારી બનવા માગતી હતી અને ભણવામાં પણ હોશિયાર હતી. અગિયારમી સુધી તો તે વર્ગમાં પહેલે નંબરે પાસ થતી, પણ બારમીમાં એક વિધર્મી છોકરા સાથે પ્રેમ થઇ ગયો અને ધીમે ધીમે તેનું ધ્યાન ભણવામાંથી ઓછું થઇ ગયું. તેના પિતા દીકરીનાં લગ્ન વિધર્મી છોકરા સાથે થાય તેના વિરોધમાં હતા અને તેથી જ સુષમાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યાં પહેલાં તેની સાથે ભાગીને લગ્ન કરી લીધાં અને કોલેજ છોડી દીધી.

        તેના પતિની આવક પણ ટૂંકી હોવાથી તેણે નોકરી કરવાનું નક્કી કર્યું. ઘણી મહેનત પછી તેને એક ઓફિસમાં રીસેપ્શનીસ્ટની નોકરી મળી. તે દેખાવમાં બહુ સુંદર નહોતી, પણ તેનો ઊંચો અને સપ્રમાણ દેહ તેને આકર્ષક બનાવતો હતો અને તેને ઈશ્વરે આપેલ બેસવાળો થોડો પૌરૂષી અવાજ તેને અન્ય લોકો ઉપર પ્રભુત્વ જમાવવામાં મદદ કરતો.

        સુખી જીવન જીવી રહી હતી તે, પણ નિયતિને તે મંજૂર નહોતું તેની અને તેના પતિ વચ્ચે ઝગડાઓ વધવા લાગ્યા અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. બાળકો નાનાં હોવાથી તેમની કસ્ટડી સુષમાને મળી હતી. તેનો બે છેડા ભેગા કરવાનો સંઘર્ષ ફરી શરૂ થયો. આ સંઘર્ષમાં તેને મદદ મળી તેની ચકોર બુદ્ધિ, અવાજની મધુરતા અને તેની વકતૃત્વકળાની.

        ઘણીવખત એવું બનતું કે ઓફિસમાં આવનાર મુલાકાતી તેનાથી પ્રભાવિત થઈને તેને નોકરીની ઓફર કરતા, પણ સુષમા હવે ઘડાઈ ચૂકી હતી. કોને હા કહેવી તે જાણતી હતી. તેને જયારે એક મોટી કંપનીમાં નોકરીની ઓફર મળી, ત્યારે તેણે તે સ્વીકારી લીધી. અહીં તે રિસેપ્શનિસ્ટ નહોતી, પણ વિઝિટર રીલેશન ઓફિસર હતી. તેને ઇન્ટરવ્યુ વખતે કામનું સ્વરૂપ કહેવામાં આવ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું હતું. તેણે મુલાકાતીઓ સાથે વાત કરીને તેમનો સમય પસાર કરવાનો હતો. પહેલા અઠવાડિયે તેને થોડી તકલીફ થઇ, પણ પછી તેને કામમાં ફાવટ આવી ગઈ. તેના વાંચન શોખે આ કામમાં બહુ મદદ કરી. તે દરેક વિષય ઉપર મુલાકાતીઓ સાથે ચર્ચા કરતી. ક્યારેક મુલાકાતીઓ ઓછા હોય તો સહકર્મચારીઓ સાથે વાતો કર્યા કરતી.

****

        ઓફિસમાં જતી વખતે તો વરસાદ ન પડ્યો, પણ સાંજ થતાં સુધી આકાશમાં વાદળાંઓએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું. વાદળાંઓની દાદાગીરી સામે સૂરજ ઝૂકી ગયો હતો અને અંધારું વહેલું પડી ગયું. મુલાકાતીઓ વધુ હોવાથી સુષમાને ઓફિસમાંથી નીકળતાં મોડું થઇ ગયું. આઠ વાગ્યે નીકળી ત્યારે ઓફિસમાં તેની સાથે કામ કરતા જયદીપે તેને લીફ્ટ આપી. જયદીપે તેને ઘરની ગલીના નાકે ઉતારી. સુષમા આજે થોડી ગભરાયેલી હતી અને તે વિષે જયદીપે પૂછતાં કાલે કહીશ એટલું કહીને છત્રી ખોલીને ઝડપથી ગલીમાં આગળ વધી.

        સુષમાએ છત્રી તો ખોલી દીધી હતી, પણ વરસાદ જે રીતે વરસી રહ્યો હતો, પોતે પૂર્ણ રીતે ભીંજાઈ જવાની હતી તે વિષે સુષમાને ખાતરી હતી. તેનું ઘર બહુ દૂર નહોતું, ફક્ત સો મીટર જેટલું ચાલવાનું હતું. હજી તે આગળ વધી જ હતી અને તેની આંખો મીંચાઈ ગઈ.

        તેણે આંખો ખોલી ત્યારે તેની સામે વિચિત્ર દ્રશ્ય હતું. તે હવામાં ઊડી રહી હતી અને તેની આજુબાજુ બે ભયંકર કાળી અને વિશાળ વ્યક્તિઓ હતી, જેમણે તેને પકડી રાખી હતી. તેણે પોતાની બાજુઓ તેમની પકડમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે કમજોર સાબિત થઇ.

        તેણે તેમની સામે જોઇને બરાડીને પૂછ્યું, “ક્યાં લઇ જાઓ છો મને?”

        તે કાળા ભીમકાય વ્યક્તિઓમાંથી એક જણે તેના માથા ઉપર હાથ મૂક્યો અને તે ફરી બેભાન થઇ ગઈ. તેની ફરી આંખ ખૂલી ત્યારે તે એક વિશાળ ઓફિસમાં ઊભી હતી અને તેની આજુબાજુમાં તે બે મહાકાય વ્યક્તિઓ માથું નમાવીને ઊભા હતા.

        સામે એક સૂટ પહેરેલ માણસ ઊભો હતો, જે તેમની તરફ ક્રોધથી જોઈ રહ્યો હતો. સુષમા સમજી ગઈ કે આ તેમનો બોસ હોવો જોઈએ અને જે રીતે તેમની તરફ જોઈ રહ્યો હતો લાગી રહ્યું હતું કે તે તેમની ઉપર વરસી પડશે, પણ તેની ધારણા વિરુદ્ધ અચાનક તે માણસના ભાવ બદલાઈ ગયા અને તેમની તરફ હાથ જોડીને કહ્યું, “શું કરું તમારું? હવે તો હદ થાય છે! આ પચાસમી ખોટી આત્માને ઉપાડી લાવ્યા છો. તમને ખબર કેમ નથી પડતી? મારી પાસે વિશાળ શીતાગાર નથી, અહીં ફક્ત દસ કે પંદર ખોટી રીતે આવેલ આત્માઓને રાખવાની વ્યવસ્થા છે. એક તો પ્રતિક્ષાલયમાં પહેલાંથી જ ગર્દી છે અને પાછા તમે આને ઉપાડી લાવ્યા. આનું હજી ત્રીસ વર્ષનું આયુષ્ય બાકી છે તો તમે આને કેવી રીતે લઈને આવ્યા? ત્રીસ વર્ષ સુધી તો આને સ્વર્ગ કે નરક ક્યાંય પ્રવેશ નહિ મળે અને ઉપર જો કોઈને આપણી ભૂલનો ખ્યાલ આવશે તો બધાંને સાગમટે રાજીનામું આપવું પડશે.”

        આટલાં સંવાદમાં સુષમાને ખ્યાલ આવી ગયો હતો કે જીવતી નથી, પણ તેનું આયુષ્ય હજી બાકી છે. તે છતાં તેણે શાંત રહીને પૂછ્યું, “આ કઈ જગ્યા છે? અને તમે લોકો કોણ છો?”

        સૂટ પહેરેલી તે વ્યક્તિએ સુષમાને સોફા તરફ ઈશારો કરીને બેસવા કહ્યું અને તે બે વ્યક્તિઓને ઈશારો કરીને બહાર જવા કહ્યું. તે બંને ગયા બાદ તે સામને સોફામાં ગોઠવાયો અને પોતાનો એક પગ બીજા પગ ઉપર ચડાવ્યો અને સુષમા સામે જોઇને કહ્યું, “મારું નામ સર્વોદય છે અને હું પીક અપ એન્ડ ડ્રોપ ડીપાર્ટમેન્ટનો મેનેજર છું. અમે પૃથ્વી ઉપરથી આત્માઓને લાવીને ચિત્રગુપ્તને સોંપીએ છીએ. આગળ તે શું કરે એ તેણે જોવાનું છે. હવે કેટલો વસ્તી વધારો થયો છે. ક્યારેક અમારા કર્મચારી ભૂલ કરી બેસે છે અને તેની ઉંમર પૂર્ણ થાય તે પહેલાં જ તેને અહીં લઇ આવે છે. સમય પહેલાં લાવેલ આત્માને ચિત્રગુપ્ત તેમની સભામાં પ્રવેશ આપતા નથી. તમને પણ મારા માણસો સમય પહેલાં લઈને આવ્યા છે, તો તમારે પ્રતિક્ષાલયમાં ત્રીસ વર્ષ રાહ જોવી પડશે. આપને પડેલી તકલીફ માટે ક્ષમાપ્રાર્થી છું.”

        સર્વોદયે આટલું કહેતાં સુધીમાં સુષમા ગુસ્સે થઇ ચૂકી હતી. તે બરાડી ઉઠી, “તમારી ક્ષમાનો શું અર્થ? મારી ઉંમર પૂર્ણ થાય તે પહેલાં લઈને કેવી રીતે આવી ગયા? મારાં બાળકો હજી નાના છે, તે કેવી રીતે પોતાને સંભાળશે? તમે શું જાણો કે મેં કેટલું સહન કર્યું છે અત્યારસુધીમાં! આ હમણાં બે વર્ષથી જીવન સરળ થયું હતું અને હવે કહો છો મારે અહીં રાહ જોવી પડશે. મને મારા ઘરે મૂકી જાઓ નહીંતર તમારી ફરિયાદ તમારા ઉપરીઓને કરી દઈશ.”

        “જુઓ બહેન, હવે તે શક્ય નથી. અત્યારસુધીમાં તમારા શરીરના અંતિમસંસ્કાર થઇ ગયા હશે. તમે ભૂત થઈને તો ભટકવા નથી માગતા ને? પહેલાં કોઈ કર્મચારી પાસેથી આવી ભૂલ થતી તો એ લોકો આત્માને પૃથ્વી ઉપર છોડી દેતા અને તેઓ ભૂત થઈને ભટકતા. મેં ચાર્જ લીધા પછી પૃથ્વી ઉપર ભૂતોની વસ્તી ઘટી ગઈ છે. હું મારું કામ પૂર્ણ ક્ષમતાથી કરું છું, તો તમારી ફરિયાદનો કોઈ અર્થ નહિ સરે.” સર્વોદયે પોતાના બચાવમાં દલીલ કરતાં કહ્યું.

        સુષમાએ હાર ન માની અને દલીલ કરતી ગઈ એટલે નાછૂટકે સર્વોદયે તેને ચિત્રગુપ્ત પાસે લઇ જવાનું નક્કી કર્યું. ચિત્રગુપ્ત પાસે ગયા પછી સર્વોદયે બનેલ ઘટના વિષે જાણકારી આપી. તેની વાત સાંભળ્યા પછી ચિત્રગુપ્ત ગુસ્સે થઇ ગયો અને કહ્યું, “આ શું છે સર્વોદય! એક સંપૂર્ણ વિભાગ તને સોંપ્યો અને તે પણ વ્યવસ્થિત રીતે નથી ચલાવતો. અહીં ભૂલોને માફ કરવામાં નથી આવતી. હજી શીતાગારનું કામ પૂર્ણ નથી થયું. ખર્ચ ઓછો કરવા માટે યુગોથી સારી રીતે વ્યવસ્થાને ચલાવતા યમરાજના વિભાગને બરખાસ્ત કરીને તને જવાબદારી સોંપવામાં આવી. જવાબદારી લેતી વખતે તો તેં બહુ મોટી મોટી વાતો કરી હતી અને હવે તેં શીતાગારનો ખર્ચ વધારી દીધો. તારું શું કરું એ જ ખબર નથી પડતી.”

        ત્યારબાદ ચિત્રગુપ્ત સુષમા તરફ વળ્યો અને કહ્યું, “હે આત્માશ્રી, આપની ઉપર થયેલ અત્યાચાર માટે હું સમસ્ત વિભાગ તરફથી ક્ષમા માગું છું. હવે કંઈ થઇ શકે તેમ નથી તેથી આપ પ્રતીક્ષાલય તરફ સિધાવો અને મારાં દ્વાર આપના માટે ઉઘડે ત્યાં સુધી પ્રતિક્ષા કરો.”

        ચિત્રગુપ્ત આ કહી રહ્યો હતો તે સમયે દૂરથી ‘નારાયણ નારાયણ’ એ સ્વર સંભળાયો અને ચિત્રગુપ્તના પેટમાં ફાળ પડી.

        ચિત્રગુપ્તે શું કહ્યું તે સુષમાના સંપૂર્ણપણે ધ્યાનમાં ન આવ્યું, પણ એટલી ખબર પડી ગઈ હતી કે તેની ફરિયાદની દખલ ચિત્રગુપ્તે લીધી નહોતી. તે ચિડાઈ ગઈ અને બોલી, “આત્માશ્રી આત્માશ્રી કોને કહો છો? તમારી સામે એક સ્ત્રી ઊભી છે એ દેખાતું નથી? હું અહીં સર્વોદય વિરુદ્ધ ફરિયાદ કરવા આવી છું અને તમે મને હવે કશું ન થઇ શકે એ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. માફી માગી એટલે જવાબદારી પૂર્ણ થઇ ગઈ એવું સમજો છો? હું હજી ઉપર જઈને તમારી પણ ફરિયાદ કરીશ.”

                તે જ સમયે પાછળથી એક અવાજ સંભળાયો, “નારાયણ નારાયણ, હે ચિત્રગુપ્ત, આ દુખિયારી કોણ છે? એવું તો તમે શું કર્યું? જેને લીધે આ આત્મા દુઃખી થઇ ગયો.”

        બધાંની નજર તે તરફ ગઈ. ત્યાં વીણાધારી નારદમુનિ ઊભા હતા અને કુટિલ સ્મિત કરી રહ્યા હતા.

        સુષમાએ રડતાં રડતાં તેની વીતકકથા સંભળાવી. તેની વાતો સાંભળીને નારદમુનિના ચહેરા ઉપર વિચિત્ર સ્મિત આવી ગયું. તેમના ચહેરા ઉપર આ પ્રકારનું સ્મિત જોઇને ચિત્રગુપ્ત વધુ ચિંતિત થઇ ગયા.

        નારદમુનિએ કહ્યું, “ચિત્રગુપ્ત, મને આપના વિષે ઘણી ફરિયાદો મળી છે કે આપ હંમેશાં આ સર્વોદયની ભૂલોને નજર અંદાજ કરો છો અને આ વાત મને રહસ્યમય ભાસી રહી છે. હું આ વાત પિતાશ્રીને જરૂર જણાવીશ. ઇન્દ્રને આ વાતની ઊંડી તપાસ કરવા કહેવું પડશે. શીતાગાર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે તપાસનો વિષય ખરો.”

        હજી નારદમુનિ આગળ કંઈ કહે તે પહેલાં પાછળથી હસવાનો અવાજ આવ્યો. નારદમુનિ ચમક્યા અને પાછળ જોયા વગર કહ્યું, “નિયતિદેવી, તમે અહીં?”

        નિયતિદેવી ત્યાં આવ્યાં અને ત્યાં મુકેલા આસન ઉપર વિરાજમાન થઈને કહ્યું, “કોઈ પણ પ્રશ્ન ઉપર સંઘર્ષ કરાવવામાં આપ પાવરધા છો. ક્યારેક સમાધાન આપવાનો પ્રયત્ન પણ કરો, દેવર્ષિ.”

        હજી નારદ આગળ કંઈ કહે તે પહેલાં જ નિયતિદેવીએ પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, “પુત્રી, તારી સમસ્યાનું સમાધાન હું કરું છું. હે ચિત્રગુપ્ત, આપ આ સ્ત્રીનો આત્મા એ શરીરમાં નાખો જે શરીરનો આત્મા લાવવાના હતા. એ આત્માનો સમય પૂર્ણ થઇ ગયો છે એટલે એને પ્રવેશ મળી જશે. કોઈએ પ્રતિક્ષાલયમાં બેસવાની જરૂર નહિ રહે.”

        તે સાંભળીને નારદનો ચહેરો પડી ગયો અને ચિત્રગુપ્તનો ચહેરો ખીલી ઉઠ્યો. જો કે સુષમાને તે સમાધાન ગમ્યું નહોતું. તેણે તરત વિરોધ દર્શાવતાં કહ્યું, “આ તે કેવું સમાધાન? મારું શરીર અને પરિવાર બદલાઈ જશે.”

        નિયતિદેવીએ સ્મિત કરતાં કહ્યું, “દરેકનું ભાગ્ય અને નિયતિ પહેલાંથી જ નિર્ધારિત હોય છે. આ જ કારણસર ભૂલ થઇ છે. તારાં કેટલાંક સ્વપ્નો હજી પૂર્ણ થવાનાં બાકી છે. તારે તારી હત્યાની તપાસ પણ કરવાની બાકી છે. પરિવાર દેહનો હોય છે, આત્માનો કોઈ પરિવાર નથી હોતો. પરિવારનાં બંધનો તો તારા શરીર સાથે જ નષ્ટ થઇ ગયાં છે. હવે નવું શરીર અને નવો પરિવાર. આ તો સૃષ્ટિની નિયમ છે.”

        સુષમાને નિયતિદેવીની વાત સમજાઈ ગઈ હતી. તે વધુ કંઈ સમજે તે પહેલાં જ તેને લાગ્યું કે કોઈ તેને ખેંચી રહ્યું છે. તે હવામાં ઉડવા લાગી અને છેલ્લા શબ્દો જે તેને સંભળાયા હતા તે હતા ‘સ્મૃતિભંગ’

 

***

        તે આરામથી સુઈ રહી હતી. અચાનક તેને લાગ્યું કે કોઈ તેને ઢંઢોળી રહ્યું છે અને સાથે જ તેના કાનમાં પડ્યા, “નિશા, ઉઠ હવે! તારે ડ્યુટી ઉપર જવાનું છે. તું જ કહેતી હતી કે તને સાત વાગે ઉઠાડું.”

        તેણે આંખો ખોલીને જોયું, તેને ખ્યાલ ન આવ્યો કે તે ક્યાં છે. સામે એક ઉંમરલાયક સ્ત્રી ઊભી હતી. તે કોણ છે એ યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ યાદ ન આવ્યું. તે ઊઠી અને બાથરૂમ તરફ ગઈ. અંદર મુકાયેલા આદમકદ આયના તરફ જોયું તો તે ચમકી ગઈ. કેટલી સુડોળ કાયા હતી તેની! અને ચહેરો એકદમ દીપિકા પાદુકોણ જેવો.

        બહાર આવતાં સુધીમાં તેને ઘણુંબધું યાદ આવી ગયું હતું. તેને આજે જલદી તૈયાર થઈને પોલીસ સ્ટેશનમાં જવાનું હતું. તેણે પોલીસની વરદી પહેરીને અરીસા તરફ જોયું. ન જાણે તે એકદમ પોતાને આ અવતારમાં જોઇને રોમાંચિત થઇ ગઈ. આવું શા માટે થયું તે તેના ધ્યાનમાં ન આવ્યું, કારણ વરદી તો તે પાછલા ત્રણ વર્ષથી પહેરી રહી હતી. તે બહાર આવી અને બુલેટ ઉપર બેસીને પોલીસ સ્ટેશન તરફ રવાના થઇ.

        એક મહિના પહેલાં જ તેની બદલી ગૂનાશોધન વિભાગમાં કરવામાં આવી હતી. તે જેવી જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશી ત્યાં હાજર હવાલદારે તેને સેલ્યુટ કરી. તેને પ્રત્યુત્તર આપીને તે પોતાના ટેબલ ઉપર ગઈ. તેના ટેબલ ઉપર એક ફાઈલ મૂકી હતી. તેના ઉપર લખ્યું હતું ‘સુષમા પરેરા મર્ડર કેસ’

        આ નામ વાંચતા જ તેને વિચિત્ર અનુભૂતિ થઇ. તેને નામ જાણીતું લાગ્યું. શું હું આને કયારેય મળી છું? તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ યાદ ન આવતાં એ પ્રયાસ પડતો મૂક્યો.

        તે ફાઈલ હાથમાં લઈને તેને વાંચવા લાગી. ન જાણે કેમ તેને જગ્યાનાં નામો અને અંદરની વ્યક્તિઓનાં નામો જાણીતા લાગ્યાં. આ કેસ પહેલાં જે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો તેના નિરીક્ષકે અજ્ઞાત પાગલ હત્યારાનું કૃત્ય એટલું લખીને તપાસ બંધ કરી દીધી હતી.

        ‘અનનોન સાયકો કીલર’ મનમાં જ એ બબડી. “તપાસ કરવાની બુદ્ધિ ન હોય એટલે ગુનાને સાયકો કીલર દ્વારા કરવામાં આવેલું કૃત્ય કહીને હાથ ઝટકી દેવા, પણ હું છોડવાની નથી.”

        એટલું બોલીને તે સુષમા વિષેની માહિતી વાંચવા લાગી. સુષમા પરેરા, ત્રેતાલીસ વર્ષની સ્ત્રીનું ખૂન વસઈમાં થયું. તેણે માતાપિતાની મરજી વિરુદ્ધ લવમેરેજ કર્યાં હતાં અને દસ વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લીધા. તેના મગજમાં શકમંદ તરીકે બે નામો નોંધાયાં. તેણે સુષમાના પિતાનું નામ પોતાની ડાયરીમાં નોંધી લીધું, પણ તેમને મળ્યા પહેલાં સુષમાના ઘરે જવાનું નક્કી કર્યું.

        નિશાએ સુષમાના ઘરનું સરનામું લખ્યું. ન જાણે તેને તે સરનામું જાણીતું લાગ્યું. ત્યારબાદ તેની નજર પોસ્ટમાર્ટમ રીપોર્ટ ઉપર પડી અને સાથે જ તે જ્યાં કામ કરતી હતી તે કંપનીનું નામ વાંચ્યું. તે વિમાસણમાં પડી ગઈ, ક્યાંથી શરૂઆત કરવી એની તેને ખબર ન પડી.

        તેણે ફાઈલમાંથી નજર ઊંચી કરી તો તેની નજર હવાલદાર નારાયણ મોરે ઉપર પડી. તેણે મોરેને બોલાવ્યો અને પૂછ્યું, “મોરે, તમે તો વર્ષોથી આ વિભાગમાં કામ કરો છો. તો મને સલાહ આપો કે મારે ક્યાંથી શરૂઆત કરવી?”

        મોરેએ મોં મચકોડ્યું અને કહ્યું, “મને શું કામ પૂછો છો? હું રહ્યો હવાલદાર. હું શું તમારો સાહેબ છું? બધાં કહે છે, હું કોઈ કામ કરતો નથી. તમે કોઈ બીજાને પૂછો.”

        તેનો જવાબ સાંભળીને નિશા સુન્ન થઇ ગઈ. તરત ઝડપથી પોતાની જાતને સંભાળીને કહ્યું, “તમને એવું કોણે કહ્યું. મેં તો તમારા વિષે સાંભળ્યું છે કે તમે અનુભવી, ઠરેલ સ્વભાવના અને કર્તવ્યદક્ષ છો.”

        એટલું સાંભળતા જ મોરેનો ચહેરો ગુલાબની જેમ ખીલી ઉઠ્યો અને તેણે સુષમા પરેરાની ફાઈલ હાથમાં લીધી અને કોઈ શાળાનો વિદ્યાર્થી વાંચતો હોય તેમ ફાઈલ ધ્યાનથી વાંચવા લાગ્યો. થોડીવાર પછી એકદમ ગંભીર ચહેરો રાખીને કહ્યું, “તમે શરૂઆત કામની જગ્યાએથી કરો એટલે ખૂની તરત મળી જશે, સમજી ગયા!”   

        નિશાએ તેની વાત સમજી ગઈ હોય તેમ માથું હલાવ્યું. નિશાને ખ્યાલ આવી ગયો હતો કે તેણે શું કરવાનું છે. તે ફરી પોસ્ટમાર્ટમ રીપોર્ટ વાંચવા લાગી અને તેમાંથી કેટલીક માહિતીની નોંધ ડાયરીમાં કરી. ત્યારબાદ પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં એન્ટ્રી કરીને બહાર આવી.

        તે સુષમાના ઘરે ગઈ તો ત્યાં દરવાજે તાળું ઝૂલી રહ્યું હતું. આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે સુષમાના છોકરાંઓને તેનો પતિ લઇ ગયો. તેણે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. પાડોશીઓની પૂછપરછ કરતાં ખબર પડી કે સુષમાનું ખૂન થયું તેના ત્રણ દિવસ પહેલાં તેનો પતિ છોકરાંઓને લેવા માટે સુષમાના ઘરે આવ્યો હતો અને તે બંને વચ્ચે ઝગડો પણ થયો હતો. તેના પતિએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. નિશાને આશ્ચર્ય થયું હતું કે સુષમાની ફાઈલમાં આ વાત નોંધવામાં આવી નહોતી. એક મહિનામાં ફાઈલ કેવી રીતે બંધ થઇ ગઈ તે તેના ધ્યાનમાં આવી ગયું.

        ન જાણે તેને આ બધું જાણીતું લાગી રહ્યું હતું. તેના પગ બાજુની બિલ્ડીંગ તરફ વળ્યા. તે દાદરા ચડવા લાગી અને બીજા માળે આવેલા એક ફ્લેટની ડોરબેલ વગાડી. દરવાજો ખોલનાર એક વૃદ્ધ સ્ત્રી હતી. નિશાએ તેને સુષમા વિષે પૂછ્યું તો તે સ્ત્રીની આંખો ભરાઈ આવી.

        થોડીવાર પછી તે શાંત થઇ અને કહ્યું, “સુષમા મારી દીકરી જેવી હતી. મારો દીકરો તો મને અહીં મૂકીને પરિવાર સાથે વિદેશમાં નીકળી ગયો. મારી કાળજી સુષમા જ રાખતી હતી. તે બહુ દુઃખી હતી. ભાગીને લગ્ન કર્યાં એટલે માતાપિતા નારાજ હતાં અને પતિને વ્યસન છોડવા કહ્યું તો તેણે સુષમાને જ છોડી દીધી. તેના પિતા બહુ મોટા જમીનદાર છે. એમનું નાક કાપ્યું તેથી તેમણે દીકરી સાથે સંબંધ તોડી દીધા. વર્ષો પછી તેમના મનમાં રામ વસ્યા હશે તે આવ્યા હતા એક અઠવાડિયા પહેલાં તેને અને બાળકોને લેવા, પણ સુષમા તેમની સાથે ન ગઈ. તેને લીધે તેમનો ઝગડો પણ થયો. એ ગુસ્સામાં બોલ્યા સુદ્ધાં કે તારું ગળું દબાવીને મારવાની ઈચ્છા થાય છે, પણ એ તો ગુસ્સામાં કહ્યું હશે. આમ બાપ થોડો મારી નાખે દીકરીને. અશ્વિન અને પ્રિયા પણ બહુ રડતાં હતાં એ દિવસે.”

        તે બે નામ સાંભળતા જ નિશા વિચલિત થઇ ગઈ. ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં ગઈ અને ત્યાં એક બોર્ડ ઉપર નોંધ કરવા લાગી. સુષમાનો ફોટો લગાવ્યો અને નીચે તેના પતિ અને પિતાનું નામ લખ્યું.

        તે બંનેને મળતાં પહેલાં હજી કોઈ શકમંદ વ્યક્તિ શોધવાનું નક્કી કર્યું, જેની પાસે સુષમાનું ખૂન કરવા માટે કોઈ કારણ હોય. તેથી તે સુષમાની કંપની તરફ વળી, જ્યાં તે કામ કરતી હતી.

****

        સેંકટમ એક્સપોર્ટ કંપનીની ઓફિસમાં પહોંચી અને કંપનીના માલિકને મળવા માગે છે એમ કહ્યું. રીસેપ્શન ઉપર તેને જણાવવામાં આવ્યું કે કંપનીના માલિક તો વિદેશમાં છે એટલે તે હમણાં નહિ મળી શકે. અંતે તે કંપનીના જનરલ મેનેજર મગન ચોકસીને મળી. થોડો બટકો અને જાડો ચોકસી તેને ચાલક વ્યક્તિ લાગ્યો. સુષમાનું નામ પડતાં જ તે સુષમાની સ્તુતિ કરવા લાગ્યો અને તેનું ખૂન થયું તે બદ્દલ અફસોસ વ્યક્ત કર્યો.

        નિશાએ પૂછ્યું, “તમારી કંપનીની ટર્નઓવર તો બહુ વધારે છે, પણ અહીં કર્મચારીઓ બહુ ઓછા દેખાય છે. ઓફિસમાં આઠ કે દસ લોક જ કામ કરે છે. કેમ એવું?”

        ચોકસી ખંધુ હસ્યો અને બોલ્યો, “મેડમ, આ એક્સપોર્ટ કંપનીની સેલ્સ ઓફીસ છે અને આ ઓફિસમાં ફક્ત બિલ બનાવીએ છીએ અને ફોલો અપ કરીએ છીએ. કસ્ટમર તો ક્યારેક જ આવે છે.”

        નિશાએ પોતાની એક ભમ્મર ઉંચી કરી પૂછ્યું, “નીચે વિઝીટર રજિસ્ટરમાં તો ઘણીબધી એન્ટ્રી છે. તમારી ઇન્વોઇસ બૂક જરા દેખાડશો.”

        ચોકસીએ તરત પલટવાર કરતાં કહ્યું, “મેડમ, તમે સુષમાના ખૂનની તપાસ કરો છો તેથી તમને મારો કીંમતી સમય આપ્યો. બાકી તમને બિલબૂક કે બાકી કાગળિયાં જોવાં હોય તો યોગ્ય માર્ગથી આવો. બાકી આ કંપનીના માલિક સારંગ શાહ બહુ મોટા માણસ છે અને તેમની પહોંચ બહુ ઉપર સુધી છે. સુષમા વિષે કોઈ વધુ જાણકારી જોઈતી હોય તો હું હાજર છું. નમસ્તે.”

        નિશાના મનમાં શંકાની સોય સળવળી. તેણે માથું હલાવ્યું અને ઊભી થઈને બહાર નીકળી. તે બહાર ગઈ તે સમયે પાછળથી એક અવાજ આવ્યો, “મેડમ, એક મિનિટ”

        અવાજ આપનારે પોતાની ઓળખાણ જયદીપ એમ આપી. નિશા તેને કંઈ પૂછે તે પહેલાં કહેવા લાગ્યો, “હું આ જ કંપનીમાં કામ કરું છું. સુષમા મારા કરતાં ઉંમરમાં મોટી હતી, પણ અમારી વચ્ચે સારી મિત્રતા હતી. જે દિવસે તેનું ખૂન થયું તે દિવસે તે બહુ ટેન્શનમાં હતી. મેં તેને પૂછ્યું પણ કાલે કહીશ એમ કહીને નીકળી ગઈ. કદાચ કોઈ રહસ્યમય વાત જાણી ગઈ હશે. તમને કોઈ મદદ જોઈતી હોય તો કહેજો. બંદો હાજર છે.”

        નિશા વિચાર કરવા લાગી. ત્યારબાદ તેને એક માહિતી કાઢવા કહી. નિશા સાથે વાત કરતી વખતે તે પોતાની આંગળીમાં કીચેન ફેરવી રહ્યો હતો.

***

નિશા પોલીસ સ્ટેશનમાં આવી એટલે તરત મોરે તેની સામે આવીને ઊભો રહી ગયો અને પૂછ્યું, “શું મેડમ, ખૂનીનો પત્તો લાગ્યો?”

નિશાએ નકારમાં માથું હલાવ્યું એટલે નિરાશામાં માથું ધુણાવીને મોરેએ કહ્યું, “શું મેડમ, આટલી સરસ ટીપ આપી તો પણ તમે સફળ ન થયા! તમારામાં કેલીબર જ નથી બાકી આ જ ટીપ મેં રાઉતને આપી હતી ત્યારે તેણે એક મોટી પાર્ટી આપી હતી.”

નિશાની આંખો ચમકી. આવતી કાલે શું કરવાનું છે એ નક્કી કરી લીધું. મોરેને પાર્ટી માટે પૈસા ન મળ્યા તેથી તે નવો બકરો શોધવા માટે બહાર નીકળ્યો.

***

        બીજે દિવસે નિશાએ વરદીને બદલે બ્લ્યુ જીન્સ અને સફેદ શર્ટ પહેર્યું અને પોતાની જાતને અરીસામાં નિહાળી. પોતાના પ્રતિબિંબને જોઇને પોતાના રૂપનું અભિમાન થયું. કેટલી સુંદર દેખાઉં છું એવું મનોમન કહ્યું. આવાં જ કપડાં પહેરવાં જોઈએ. આ વિચાર તેને પોતાને વિચિત્ર લાગ્યો કારણ તે આ કપડાં તો નાનપણથી પહેરતી હતી.

        ઘરેથી નીકળીને તે પોતાના પોલીસ સ્ટેશનમાં જવાને બદલે જે લોકલ પોલીસ સ્ટેશનમાં સુષમાના ખૂનની તપાસ થઇ હતી ત્યાં ગઈ. તેને ખબર હતી કે ત્યાંથી તેને કોઈ મહત્વની જાણકારી મળશે. તે સબ ઇન્સ્પેકટર રતન સાગરિયા સામે જઈને ઊભી રહી ગઈ અને પોતાની ઓળખાણ આપી. સાગરિયાએ તેની સાથે હાથ મિલાવ્યા અને એક કોફી ઓર્ડર કરીને નિશા સામે જોઇને પૂછ્યું, “બોલો મેડમ, આપની શું મદદ કરું?”

        નિશાએ કોઈ જવાબ ન આપ્યો અને તેને તાકી રહી. સાગરિયા થોડો વિચલિત થઇ ગયો. તેને વિચલિત થતો જોઇને નિશાએ પૂછ્યું, “કેટલા મળ્યા તમને?”

        સાગરિયા પોતાની ખુરસી ઉપર ટટ્ટાર થઇ ગયો અને પૂછ્યું, “શેના વિષે પૂછી રહ્યા છો આપ?”

        “તમને સમજમાં ન આવે એવું કંઈ નથી પૂછ્યું. તે છતાં તમને સ્પષ્ટ જ પૂછી લઉં છું. સુષમા મર્ડર કેસમાં તમને કેટલા મળ્યા અને કોણે આપ્યા?”

        તેના આ પ્રશ્ન સાથે જ સાગરિયાને પરસેવો વળી ગયો. તેણે પોતાના ટેબલ ઉપર મુકેલી પાણીની બોટલ ઉપાડી અને મોઢે માંડી દીધી. એક જ શ્વાસમાં તે પાણી પી ગયો.

        નિશા હસી પડી અને બહુ જ મીઠા સ્વરમાં બોલી, “ડીપાર્ટમેન્ટમાં કંઈ જ છૂપું નથી રહેતું. હું હજી નવી છું અને મને ભાવતાલ ખબર નથી એટલે તો તમને મળવા આવી. મારે પણ આગળ વધવું છે. તમે અનુભવી છો એટલે તમારું માર્ગદર્શન લેવા આવી છું.”

        તેની વાત સાંભળ્યા પછી સાગરિયાનો ડર થોડો ઓછો થયો અને નિશાને જણાવવા લાગ્યો.

 

***

        પોલીસ સ્ટેશનમાં આવીને તેણે સુષમાના ફોટો નીચે બે વધુ નામ લખ્યાં. એક નામ હતું મગન ચોકસી અને બીજું નામ હતું સારંગ શાહ. જો કે સારંગ શાહના નામની આગળ તેણે પ્રશ્નાર્થ ચિન્હ દોર્યું.

        હવે તેની સામે ચાર શકમંદ હતા. કોઈ પણ ખૂનની પાછળ કારણ જરૂર હોય છે. તે વગર ખૂન થઇ ન શકે.  સુષમાના પિતા અને પતિ પાસે ખૂન કરવા માટે કારણ હતું, પણ અન્ય બે પાસે કોઈ કારણ ન હતું. તે ઉપરાંત સારંગ શાહ તેને ભેદી નામ લાગ્યું હતું. તે ઉપરાંત ખૂન જેનાથી થયું તે હથિયાર મળ્યું નહોતું. ગળું કોઈ ધારદાર હથિયાર દ્વારા ચિરાયું હતું. આ વાંચતી વખતે નિશાનો હાથ અનાયાસે પોતાના ગળા ઉપર ગયો. તેને થોડું દુખ્યું.

        તેણે સુષમાના પિતાના ઘરે જવાનું નક્કી કર્યું. તેણે મોરેને બોલાવ્યો અને ગાડી કાઢવા કહ્યું. સો કિલોમીટર દૂરનો પ્રવાસ બુલેટ ઉપર કરવો એ મૂર્ખતા હતી એ તે સારી રીતે જાણતી હતી.

***

        દરવાજો ખોલનાર વ્યક્તિને જોઇને નિશા નમી એટલે મોરે તરત બોલી પડ્યો, “મેડમ, અહીં તપાસ કરવા આવ્યા છીએ, આશીર્વાદ લેવા નહિ.”

        નિશાએ તે ઉંમરલાયક વ્યક્તિના પગને બદલે પોતાના બૂટની દોરીને હાથ અડાડ્યો. પછી ઊભા થઈને પૂછ્યું, “સુષમાના પિતા હરિલાલ તમે જ છો?”

        “હા, હું જ છું તેનો નાલાયક પિતા! મને જેલમાં નાખવાનો છે? મને જેલમાં નાખવો પણ જોઈએ, દીકરી માટે કંઈ જ કરી શક્યો નહિ. પોતાનો માનમરતબો પકડીને બેસી રહ્યો જડની જેમ. એકની એક દીકરી હતી અને તેને પણ ગુમાવી બેઠો. લગ્ન પછી જો મેં તેને માફ કરી દીધી હોત તો આ દિવસ જોવો ન પડત.”

        તેના બોલવામાં નિશાને એક બાપની પીડા દેખાઈ આવી. એટલામાં સુષમાની મા ત્યાં આવી. તેની આંખી સૂજેલી હતી. તેણે કહ્યું, “કેટલીવાર સુધી એકલા જ બબડ્યા કરશો. જે થયું તે થયું. હું કહેતી હતી તે વખતે મારી વાત કાને ન ધરી, હવે શું?”

        હજી સુધી તેની નજર ઘરની અંદર પ્રવેશેલા નિશા અને મોરે ઉપર પડી ન હતી. તેની નજર તે બંને ઉપર પડી અને તે ચમકી.

        “હું પણ ગાંડી છું. તમે બેસો હું ચા લઇ આવું.”

        “ચામાં આદુ જરૂર નાખજો.” મોરે બોલ્યો, પણ નિશાએ તેમને રોક્યાં અને બેસવા કહ્યું અને પૂછ્યું, “તમને કોઈની ઉપર શંકા છે?”

        હરિલાલ તો શૂન્યમાં તાકી રહ્યા હતા, પણ સુષમાનાં માતા જમનાબહેન બોલવા લાગ્યાં, “કોના ઉપર શંકા કરીએ? એ તો એકદમ સરળ અને સીધી હતી. તે બધાંની સાથે આનંદથી વાત કરતી. તે અહીં હતી, ત્યાં સુધી ઘર એકદમ જીવંત લાગતું. તે ગઈ અને આ ઘરની સુખ શાંતિ બધું જ ગયું. મેં તો સુષમાના બાપુને કહ્યું પણ કે હવે જીદ છોડો અને દીકરી જમાઈને ઘરે બોલાવો, પણ મોટા જાગીરદાર છે ને મારી વાત કેમ સાંભળે!”

        “શાંત થઇ જ જમના, આ મેડમ શું પૂછે છે અને તું શું કહી રહી છે?”

        “હું ચા લઇ આવું.” એટલું કહીને જમનાબહેન અંદર ગયાં અને મોરે ફક્ત આદુ એટલું જ કહી શક્યો.

        ન જાણે કેમ નિશાને આ ઘર જાણીતું લાગી રહ્યું હતું, જાણે આ ઘર સાથે તેનો કોઈ સંબંધ રહ્યો હોય. નિશા બહાર નીકળી રહી હતી તે સમયે હરિલાલે સુષમાના પતિ અંગે શંકા વ્યક્ત કરી હતી.

        બહાર નીકળ્યા પછી નિશાએ રાહતનો શ્વાસ લીધો. ન જાણે કેમ આ શકમંદ ઓછો થયો ત્યારે તેને બહુ આનંદ થયો.

***

        હવે બીજા શકમંદના ઘરે જવાનું હતું. પાછા ફરતાં સુધી સાંજ પડી ગઈ હતી છતાં તેણે મોરેને સુષમાના પતિના ઘર તરફ ગાડી લઇ જવાનું કહ્યું. મોરે બબડવા લાગ્યો, પણ નિશાના ચહેરાના ભાવ જોઇને શાંત થઇ ગયો.

        થોડીવાર પછી પાછો બોલ્યો, “મેડમ, હું શું કહું છું, આપણે કાલે જઈએ તો કેવું રહેશે. મારે થોડું કામ છે.”

        “મોરે, મારે દસ દિવસની અંદર ખૂનીને પકડીને કેસને બંધ કરવો છે. તમારાં જે કોઈ કામ હોય તે દસ દિવસ બાદ કરો.”

        તેના જવાબ સાથે જ મોરે મોઢું બંધ રાખીને ફરી બબડવા લાગ્યો.

***

        દરવાજો ઉઘાડનાર વ્યક્તિના મોઢામાંથી ઉગ્ર વાસ આવી રહી હતી. નિશા અને મોરેને જોતાં જ તે સાવધ થઇ ગયો અને પોતાનો હાથ કપાળ ઉપર મુકીને તેમને સલામ કરી અને પૂછ્યું, “મળી ગયો ખૂની?”

        પાછળથી નાની છોકરીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. નિશાથી રહેવાયું નહિ એટલે તે વ્યક્તિને ખસેડીને તે અંદર પ્રવેશી ગઈ. તે દ્રશ્ય જોઇને તેની આંખમાં આંસુ આવી ગયાં. તેણે જોયું કે એક છોકરી રડી રહી છે અને તેનાથી ઉંમરમાં થોડો મોટો છોકરી તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

        નિશા પોતાના ઘૂંટણ ઉપર બેસી ગઈ અને તે છોકરીને પૂછ્યું, “શું થયું ગુડિયાને, કેમ રડે છે?”

        તેની વાત સાંભળીને તે છોકરી શાંત થઇ ગઈ અને નિશાને વળગી પડી અને કહ્યું, “માલી મમી પણ મને આવું જ પૂછતી.”

        નિશાએ છોકરા સામે જોયું એટલે તેણે કહ્યું, “આને ભૂખ લાગી હતી અને પપ્પા પાસે ખાવાનું માગ્યું તો તેમણે થપ્પડ મારી.”

        આ સાંભળતા જ નિશા ગુસ્સે થઇ ગઈ અને ઊભી થઈને તે વ્યક્તિને થપ્પડ મારી દીધી. દારૂના નશામાં હોવાને લીધે તે નીચે પડી ગયો.

        મોરે આશ્ચર્યથી દરેક દ્રશ્ય જોઈ રહ્યો હતો. નિશાની આંખો લાલઘુમ હતી. મોરેએ પૂછ્યું, “સુષમા પરેરાનો પતિ જોન પરેરા તું જ છે ને?”

        ઊભો થયો ત્યારે તેનો નશો કાફૂર થઇ ચૂક્યો હતો. તેણે ફરી સલામ કરી અને કહ્યું, “ગુડ મોર્નિંગ મેડમ, હું શું સેવા કરું તમારી?”

        “મારી સેવા કરવાની જરૂર નથી, છોકરાઓની સંભાળ લે એટલું જ બહુ છે. મને કહે સુષમાનું ખૂન થયું તેના ત્રણ દિવસ પહેલાં તું તેના ઘરે કેમ ગયો હતો?           

        “હા ગયો હતો, મારે દીકરા દીકરીને મળવું હતું. તેમને મળવા જવું એ ગુનો તો નથી ને?”

        “એની સાથે ઝગડો કરીને તેને મારવાની ધમકી આપી હતી?”

        “હા થોડો નશો કર્યો હતો, એટલે ગુસ્સામાં ધમકી આપી દીધી હતી. એ મને બાળકોને મળવા દેતી નહોતી, પછી હું શું કરું?”

        જોન વાત કરી રહ્યો હતો ત્યારે નિશાની નજર ઘરમાં ફરી રહી હતી.

        થોડીવાર પછી નિશાએ કહ્યું, “અત્યારે તારી સ્થિતિ ઠીક નથી, આવતીકાલે પોલીસ સ્ટેશનમાં આવીને બાળકોને લઇ જજે. અત્યારે હું તેમને મારી સાથે લઇ જાઉં છું.”

        જોન કંઈ કહે તે પહેલાં મોરે બોલી પડ્યો, “મેડમે કહ્યું એટલે ફાઈનલ. મેડમ, હું શું કહું છું, હું આની સાથે અહીં જ રોકાઈ જાઉં છું. આ ક્યાંય ભાગી ન જાય એ માટે.” એટલું બોલીને ખૂણામાં મુકેલા ટેબલ ઉપરની બોટલ તરફ જોયું.

        નિશાએ ભમ્મર ઊંચી કરીને મોરે તરફ જોયું એટલે મોરે બોલી પડ્યો, “ચાલો ચાલો છોકરાંઓ, આપણે જમવા માટે બહાર જઈએ.”

        અશ્વિન અને પ્રિયાને નિશા પોલીસ સ્ટેશનમાં ન લઇ જતાં પોતાના ઘરે લઇ આવી. નિશાએ મોરેને ગાડી લઈને પોલીસ સ્ટેશન જવા કહ્યું, પણ એના ચહેરા ઉપરની નિરાશા જોઇને પોતાના ઘરે જમવા આવવા કહ્યું. એ સાંભળીને મોરેનો ચહેરો ચમકી ઉઠ્યો અને બાળકો નિશાની આંગળી પકડીને તેના ઘર તરફ આગળ વધ્યાં.

        રાતે અશ્વિન અને પ્રિયા નિશાને વળગીને સુઈ ગયાં. નિશા વિચારમાં પડી ગઈ કે પારકાં છોકરાં તેને પોતાનાં હોય એવું કેમ લાગી રહ્યું હતું. બીજે દિવસે જોન પરેરાને ભગાવી દેવાનું નક્કી કર્યું.

***

        સવારે પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારે જોન પરેરા પહેલેથી જ ત્યાં હાજર હતો. અશ્વિન અને પ્રિયાને તે ઘરે જ મુકીને આવી હતી. અશ્વિન અને પ્રિયાને ત્યાં ન જોઇને જોન વિચલિત થઇ ગયો. તેણે પૂછ્યું, “મારાં બાળકો?”

        નિશાએ કહ્યું, “ચિંતા કરવાની જરૂર નથી, તેઓ મારા ઘરે જ છે. હવે મને કહે કે તું આ રીતે દારૂ પીને બાળકોને કેવી રીતે સાચવીશ? તને એવડી નાની દીકરીને થપ્પડ મારતાં શરમ ન આવી?”

        આટલું સાંભળતા તે નાના બાળકની જેમ રડવા લાગ્યો. થોડીવાર પછી બોલ્યો, “શું કહું મેડમ, આ દારૂએ મારું જીવતર બગાડી નાખ્યું છે. દારૂને તો મેં ક્યારનીય છોડી દીધી છે. હું જો દારૂ પીતો ન હોત તો અમારા છૂટાછેડા થયા ન હોત અને મારી સુશ હજી મારી સાથે જ હોત. એ તો ગઈકાલે મારા મિત્રોએ મને આગ્રહ કરીને મને પીવડાવી. પ્રિયાને ભૂખ લાગી હતી અને જમવાની સાથે મમ્મી પાસે જવું છે એમ જીદ કરી રહી હતી એટલે ગુસ્સામાં થપ્પડ મરાઈ ગઈ. હવે આવી ભૂલ ક્યારેય નહિ કરું. હું સોગંદ ખાઈને કહું છું.”

        “ઠીક છે, છોકરાંઓને બોલાવીને આ વાતની તસ્દીક કરીશ અને ત્યારબાદ જ તારી સાથે મોકલીશ. હવે મને કહે તેં સુષમાને ધમકી કેમ આપી હતી? ઝગડો કેમ થયો હતો?”

        “એ છોકરાંઓને બરાબર સાચવતી નહોતી, એવી વાત મારા કાને પડી હતી અને તેનું કોઈ લફરું હતું એવું પણ સાંભળ્યું હતું. ઓફિસમાંથી આવ્યા પછી પણ કલાકો સુધી કોઈકની સાથે વાત કર્યા કરતી હતી. હું તેને બહુ પ્રેમ કરતો અને જયારે તેને કહેવા ગયો ત્યારે તે મારી સાથે ઝગડવા લાગી.”

        નિશાને પોતાની એક ભૂલ ધ્યાનમાં આવી ગઈ હતી. તેણે સુષમાના કોલ રેકોર્ડ ચેક કર્યા નહોતા. તેણે મોરેને પોતાના ઘરે મોકલીને અશ્વિન અને પ્રિયાને પોલીસ સ્ટેશનમાં બોલાવી લીધાં. તેણે અશ્વિનને પૂછ્યું એટલે અશ્વિને જણાવ્યું કે તેના પપ્પા ગઈકાલે જ પીને આવ્યા હતા.

        હજી આગળ કોઈ કહે તે પહેલાં મોરેએ પૂછ્યું, “જો તું પીતો નથી તો એ બોટલ તારા ઘરમાં કેમ હતી?”

        “એ તો ખાલી બોટલ હતી અને એ તો ક્યારનીય ત્યાં જ છે. હું તેની તરફ જોઇને મન મક્કમ કરું છું કે આણે મારો સંસાર બગડ્યો છે, હવે આને હાથ નહિ લગાવું.”

        નિશાએ અશ્વિન સામે જોયું એટલે અશ્વિને હકારમાં માથું હલાવ્યું. નિશાએ જોનને બાળકોને લઇ જવાની રજા આપી અને સાથે જ દારૂ ન પીવાની તાકીદ કરી. નિશાએ બાળકોને કેડબરી આપીને ફરી મળવા આવીશ એવું વચન આપ્યું. બાળકોને જતાં જોઇને નિશાને કંઈક ગુમાવ્યાની લાગણી થઇ આવી.

***

        નિશા સુષમાના કોલ રેકોર્ડ ચેક કરવા લાગી તે જ સમયે તેનો ફોન રણક્યો. ફોન જયદીપનો હતો. જયદીપે તેની કંપનીના સાચા માલિકનું નામ કહ્યું. તે નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગ્યું. તેણે પોલીસ રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું અને તેને તે નામ મળી આવ્યું. કેશવ રામજી ધોરીયા. એ તો જુનો અપરાધી હતો. કેશવ ધોરીયાના નામે ચારસો વીસની ફરિયાદ નોંધાયેલી હતી. થોડા દિવસમાં તે છૂટી ગયો અને ત્યાર પછી તે ક્યાં જતો રહ્યો એ કોઈ જાણતું નહોતું. પચાસ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક કેવી રીતે બની ગયો? હવે તેને ખ્યાલ આવી રહ્યો હતો. શું સુષમા આ વાત જાણી ગઈ હશે? તેને ગેડ બેસી રહી હતી.

        નિશાએ આઈ. ટી. સેલમાં બેસતા પોતાના એક મિત્રને ફોન કરીને મદદ કરવાનું કહ્યું. ત્યારબાદ તેણે પોતાનું ધ્યાન કોલ રેકોર્ડ તપાસવામાં પરોવ્યું. ફક્ત બે નંબર છોડીને બાકીના નંબરો વેરીફાય થઇ ગયા હતા. નિશાએ મોરેને તે નંબરોની માહિતી કાઢવા કહ્યું અને તે સુષમાની ઓફીસ તરફ વળી.

        તેણે જયદીપને ફોન કરીને બહાર બોલાવ્યો. પાંત્રીસની ઉંમરે પહોંચેલ જયદીપે હજી લગ્ન કર્યાં નહોતાં અને તેથી જ તે સુષમાને પટાવવાનો પ્રયત્ન કરતો હશે, પણ સુષમા સાથે એવા સંબંધ બંધાયા નહિ હોય. પછી પાછો તેને વિચાર આવ્યો કે આખો દિવસ ઓફિસમાં વાત કર્યા પછી સુષમા જયદીપ સાથે એક દોઢ કલાક કયા વિષય ઉપર વાત કરતી હશે? તેણે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ વિચારી ન શકી.

        જયદીપ તેની સામે આવ્યો એટલે નિશાએ પૂછ્યું, “કોલ રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યું છે કે તું અને સુષમા ઓફીસ પછી પણ કલાકો સુધી ફોન ઉપર વાતો કરતા. શું તમારા બંને વચ્ચે કંઈક હતું?” આ પ્રશ્ન પૂછતી વખતે નિશા થોડી વિચલિત હતી.

        જયદીપે પોતાના ખભા ઊંચા કરીને કહ્યું, “મેડમ, મેં પહેલાં જ કહ્યું ને કે એ મારી સારી મિત્ર હતી. અમારી પાસે વાત કરવા માટે ઘણા બધા વિષય હતા અને અમે હંમેશાં ચર્ચા કરતા.”

        “તારાં લગ્ન થઇ ગયાં છે?”

        અણધાર્યો પ્રશ્ન સાંભળીને જયદીપને ઝટકો લાગ્યો, પણ તેણે જવાબ આપ્યો, “હા પણ અને ના પણ.”

        નિશાએ ભમ્મર ઊંચી કરી એટલે તેણે આગળ કહ્યું, “મને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. અમે બંનેએ કોર્ટમાં જઈને ચુપચાપ લગ્ન પણ કરી લીધાં, પણ અમારો પરિવાર રાજી નહોતો તેથી તે તેના ઘરે ગઈ અને હું મારા ઘરે. હું ક્રિકેટર હતો અને રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં રમતો. મારા મિત્રો મેં લગ્ન કરી લીધાં છે એ જાણતા હતા. એક દિવસ મારા મિત્રે આ વાત મારા પિતા સમક્ષ જાહેર કરી દીધી. મારા પિતાએ કબાટમાંથી મારું મેરેજ સર્ટીફીકેટ શોધ્યું અને ફાડી નાખ્યું અને ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપી. હું શાંત રહ્યો અને થોડા દિવસ પછી મને સમાચાર જાણવા મળ્યા કે મારી પ્રેમિકા અને મારી પત્ની ઉષાએ બીજા છોકરા સાથે લગ્ન કરી લીધાં. હું નિરાશ થઇ ગયો. મેં આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો. ક્રિકેટ અને પિતાનું ઘર બંનેને અલવિદા કરી દીધી. પાછલાં દસ વર્ષથી હું અહીં એકલો જ રહું છું. સુષમાએ મારું મનોબળ વધાર્યું. તેના લીધે મને ફરી જીવન જીવવા જેવું લાગે છે. સુષમા જવાથી હું ફરી એકલો પડી ગયો છું.”

        નિશાને તેની વાત સાંભળીને દુઃખ થયું તેથી તેણે તેના ખભા ઉપર હાથ મુક્યો અને કહ્યું, “તારી સાચી મિત્ર જતી રહી તેનું મને પણ દુઃખ છે. તું જો મદદ કરશે તો હું ખૂનીને જરૂર પકડી લઈશ.” એટલું કહીને આગળ શું કરવું એ કહેવા લાગી અને તે હાથમાં કીચેન ફેરવતો સાંભળી રહ્યો.

        પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યાં સુધીમાં તે અજાણ્યા નંબરોની માહિતી આવી ગઈ હતી. તેણે એ નંબર ઉપર વાત કરી અને તેને મળેલા એડ્રેસ ઉપર ગઈ.

        પાછી આવી ત્યારે તેનો ચહેરો ચમકી રહ્યો હતો. તે જાણી ગઈ હતી કે ખૂની કોણ છે. તે હવે ફક્ત રીપોર્ટની રાહ જોઈ રહી હતી. રાત સુધીમાં રીપોર્ટ મળવાનો હતો. રાત્રે રીપોર્ટ મળ્યા પછી તેણે એસ. પી. સાહેબને ફોન કરીને દરેક બાબતની જાણકારી આપી અને બીજા દિવસના પ્લાનની રૂપરેખા તેમને આપી. તેમની રજામંદી પછી તેણે કેટલાક ફોન કર્યા.

***

        બીજે દિવસે બાર વાગ્યા સુધી ઇન્કમ ટેક્સ અને ઈ.ડી. ના અધિકારીઓ તેના પોલીસ સ્ટેશનમાં આવી ગયા. તે સંપૂર્ણ ટીમ અને મોરેને લઈને નિશા સેંકટમ એક્સપોર્ટની ઓફિસે પહોંચી ગઈ. ત્યાં પહોંચતા જ ઇન્કમ ટેક્સના અને ઈ.ડી. ના અધિકારીઓએ ઓફિસનો કબજો લઇ લીધો.

        ચોકસીએ આ શું છે એવું નિશાને પૂછતાં જ નિશાએ તેનો કોલર પકડી લીધો અને કહ્યું, “તમે અહીં બેસીને ફ્રોડ કરો છો અને એવું વિચારો છો કે ક્યારેય નહિ પકડાઓ. એક પણ વસ્તુ ઈમ્પોર્ટ કે એક્સપોર્ટ ન કરતાં ફક્ત બિલ બનાવીને સરકારને મૂર્ખ બનાવો છો.”

        ચોક્સીના હોશકોશ ઉડી ગયા હતા. તે ફક્ત એટલું જ પૂછી શક્યો, “મેડમ, તમે તો મર્ડર કેસની તપાસ કરતાં હતાં?”

        નિશાના ચહેરા ઉપર સ્મિત હતું. તેણે કહ્યું, “અમારું કામ ગુનો શોધવાનું છે અને હું ગમે ત્યાં હોઈશ એ જ કરવાની.”

        તે જ સમયે મોરે પાછળથી બોલ્યો, “સુષમાને આ વાતની જાણકારી મળી ગઈ હશે એટલે આ લોકોએ એને પતાવી દીધી.”

        નિશાએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, “ના, સુષમાને કોઈ વાતની જાણકારી નહોતી. તેના ખૂનમાં આનો કે આના માલિક કોઈનો હાથ નથી.”

        “લે તે હું ખોટો ખોટો રાજી થતો હતો કે તમે ખૂની શોધી કાઢ્યો. હજી આપણે ઠેરના ઠેર!”

        “ખૂની તો શોધી કાઢ્યો છે મેં. જયદીપ, જરા અહીં આવ તો.”

        દૂર ઊભા રહેલો જયદીપ વિચારી રહ્યો હતો કે તેણે કંપનીની કોઈ માહિતી આપી નહોતી તો રેડ કેવી રીતે પડી?

        જયદીપ જેવો નજીક આવ્યો, નિશાએ તેનો કોલર પકડ્યો અને ગાલ ઉપર એક તમાચો મારી દીધો અને કહ્યું, “જયદીપ, તું એક વિકૃત મનોરોગી છે અને તેં જ સુષમાનું ખૂન કર્યું છે.”

        “કોઈ ખૂની ન મળ્યો એટલે મને ખોટી રીતે સંડોવી રહ્યા છો, પણ આ ચાલાકી મારી સામે નહિ ચાલે. માન્ય કે હું મનોરોગી છું, પણ એનો અર્થ એ નથી કે મેં ખૂન કર્યું છે. હું સાવ નિર્દોષ છું. તમારી પાસે કોઈ સાબિતી નથી.”

        નિશાના ચહેરા ઉપર કુટિલ સ્મિત હતું. તેણે પૂછ્યું, “તું રોજ ફેરવે છે એ કીચેન ક્યાં છે?”

        કીચેન શબ્દ સાંભળતા તેને ફાળ પડી. તેણે ખિસ્સામાં હાથ નાખ્યો, પણ તે ત્યાં નહોતું.

        તેને આ રીતે વ્યગ્ર જોઇને નિશાએ કહ્યું, “તારું કીચેન અને તેની સાથે લાગેલી સ્વિસ નાઈફ ફોરેન્સિક ડીપાર્ટમેન્ટમાં છે અને તે સ્વિસ નાઈફ તેં ખૂન કર્યાનો પૂરાવો છે. તે દિવસે તું કહેતો હતો ને કે સુષમા ટેન્શનમાં હતી, તેનું કારણ એ હતું કે તે અઠવાડિયા પહેલાં તારા ડોક્ટર કોટનીસને મળી હતી. તારા ડોકટરે તેને કહ્યું હતું કે તને ભયંકર કલ્પનાઓ કરવાની બીમારી છે અને તું એક મનોરોગી છે. તારી કહેલી દરેક વાત ખોટી હતી અને તેથી જ તેણે તારાથી દૂર રહેવાનું નક્કી કર્યું. તે એક અઠવાડિયાથી તને ટાળી રહી હતી અને તારા ફોન ઊંચકી રહી નહોતી એટલે તું ગુસ્સે થઇ ગયો હતો અને એ જ ગુસ્સામાં તેં તારી સ્વિસ નાઈફથી તેનું ખૂન કરી દીધું. તારી સાથે વાત કરતી વખતે જ મને અંદાજો આવી ગયો હતો કે તું જ ખૂની છે, પણ પુરાવો નહોતો એટલે તને ગઈકાલે પકડ્યો નહિ. નાવ યુ આર અન્ડર અરેસ્ટ.”

        જયદીપે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ નિશાએ તેને એક ફાઈટ મારી દીધી અને મોરેએ પોતાનો પગ તેના પગમાં નાખ્યો એટલે જયદીપ ભોંયભેગો થઇ ગયો.

        જયદીપને જેલમાં નાખ્યા પછી મોરેએ કહ્યું, “મેડમ, હવે તો મને થેંક યુ કહો. મેં જ તમને કહ્યું હતું ને કે ખૂની કોઈ ઓફિસની વ્યક્તિ છે. મારી છઠ્ઠી ઇન્દ્રિય બહુ સતર્ક છે. હું નાનપણથી એકદમ સ્માર્ટ છું. મારી કોઈને કદર જ નથી.”

        નિશા હસવા લાગી અને હસતાં હસતાં મોરેને થેંક યુ કહ્યું. તેણે પહેલાં પણ ઘણા કેસ સોલ્વ કર્યા હતા, પણ આજે મળેલો સંતોષ કયારેય મળ્યો નહોતો. આવું શું કામ થયું ત્યારે તેને સમજાયું નહોતું. તે પોલીસ સ્ટેશનની બહાર નીકળીને બુલેટ ઉપર ગોઠવાઈ અને તે અશ્વિન અને પ્રિયાને મળવા માટે નીકળી.

સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ