વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈસ્ટ રીવરફ્રન્ટ, શાહીબાગ

અમને વયસ્ક હૂતોહુતીને ક્યાંક નવી જગ્યાએ જઈ નવી ફન લેવાનું મન થાય.

આ રવિવારે ગયેલાં એ જગ્યા તમે ન ગયાં હો તો જરૂર જોશો. 

બને કે આપણે રિવરફ્રન્ટ એટલે નહેરુબ્રિજ ની બાજુમાં જ જઈએ. અટલબ્રિજ અને ફલાવર પાર્ક એક ધક્કે જોઈએ તો ત્યાં પૂર્વ કે પશ્ચિમ નો રિવર ફ્રન્ટ ન જોઈએ.

અમે આ વખતે પસંદ કર્યો રિવરફ્રન્ટ ગાર્ડન, શાહીબાગ. ગાંધીબ્રિજ અને સુભાષબ્રિજ વચ્ચે.

એન્ટ્રી સુભાષબ્રિજ તરફથી પણ થાય. અમે ગૂગલ મેપના બતાવેલ રસ્તે છેક નહેરુબ્રિજ ક્રોસ કરી ખાનપુર કામા હોટેલની બાજુમાંથી રિવરફ્રન્ટ પકડ્યો અને ત્યાંથી 4 કિમી, સાતેક મિનિટમાં આ ગાર્ડન આવી ગયાં.

એન્ટ્રી ફી પુખ્ત વ્યક્તિની 10 રૂ., બાળકોની અને સિનિયર સિટીઝનની 5 રૂ. છે.

સરખું એવું લાંબું ગાર્ડન પાઘડીપટ્ટે છે. 

કોઈ જગ્યાએ લોટસ પોન્ડ જ્યાં સવારે કમળ ખીલતાં હશે, ક્યાંક થોટ પાર્ક એટલે ગોળાકાર લોન માં બાંકડાઓ પર શાંતિથી ચિંતન કરતાં બેસવાનું, ક્યાંક બાળકોને રમવા સાપસીડી અને લ્યુડો જેવી ગેમ જમીન પર રબરની મેટ પર પ્રિન્ટ કરેલી, એક જગ્યાએ સન ડાયલ જેમાં ચોક્કસ સમયે વચ્ચે રાખેલ પોઇન્ટરનો પડછાયો ફરતે ગોળ ડાયલના અક્ષર પર પડે એટલા જ વાગ્યા હોય.

એકાદ છત્રી, ક્યાંક ધ્યાન કરતો દેડકો , માછલી જેવાં સ્ટેચ્યુ, એક વિશાળ ચરખો અને એવું બધું જોયું.

અમુક નિશ્ચિત જગ્યાએથી નીચે ઉતરો એટલે નદીને સમાંતર ચાલવાનો પાથ. સાઇકલ પણ ફેરવી શકાય. નજીકમાં મોટો બોરવેલ અને ત્યાં જવાનો પુલ જે સામાન્ય પબ્લિક માટે નથી. 

જાતજાતની વનસ્પતિઓ. લાલ ફૂલ વાળા મહીડા, પીળા આવળ, ગુલાબી કચનાર વગેરેનાં વૃક્ષો, મીની ગુલમહોર, મોગરા થી લથબથ છોડો અને એ બધું સૂર્યાસ્ત સાથે જોવું એક લ્હાવો હતો.

યુવાન કપલો એમ જ એકમેકને ફેરવવા કે બાળક હોય તો તેને ફેરવવા આવેલ. નજીકમાં લાલ દરવાજા તરફથી આવો તો ફ્રી પાર્કિંગ માટેનું મેદાન પણ છે.

આપણે વેસ્ટ સાઈડે જવા ટેવાએલાં છીએ. આ ઇસ્ટ સાઈડ જરૂરથી જોવા જેવી છે. બને તો સવારે જવું તો કમળો અને સન ડાયલ જોઈ શકાશે.

અમે આથમતી સંધ્યા અને પછી LED લાઈટોની ગોળ થાંભલાઓ પર કરેલી રોશની, સામે વહેતું પાણી અને સામે કિનારે પાવર હાઉસ થી દધીચિ બ્રિજ તરફની લાઈટો જોઈ.

વર્ણન ઉપરાંત ખૂબ ફોટા લીધા છે. જરૂર જુઓ.

ત્યાંથી કેમ્પ હનુમાન 3.5 કિમી છે. ત્યાં  કદાચ વીસેક વર્ષે અંદર ગયો! અગાઉ બહાર મોબાઈલ, પટ્ટો, પાકીટ વગેરે મુકાવી દેતા એવું હવે નથી. માત્ર એન્ટ્રી વખતે  સરકારી આઇડી બતાવવું પડે. મારે લાયસન્સ ચાલી ગયું. એન્ટ્રી થી અંદર મંદિર ખાલી 400 મીટર  જ છે.

તો જુઓ ફોટાઓ. એક વાર એ પૂર્વ અમદાવાદના રીવરફ્રન્ટ પર જરૂર જાઓ.


ફોટાઓ ની લિંક મુકું છું.


https://photos.app.goo.gl/apW8W1GrfCKzbuX8A

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ