વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુરુષાતન

 

 

 

સવારના હું અને અલકા ચા-નાસ્તો કરી રહ્યાં હતાં ત્યાં બેલ વાગી. કામવાળી રાધિકા હશે માની અલકા દરવાજો ખોલવા ઊભી થઇ. દરવાજો ખોલતાં જ એક ઇસમ અંદર ધસી આવ્યો અને કાંઈ સમજાય તે પહેલા મને ગળેથી પકડી એક લાફો મારી દીધો.

 

એટલીવારમાં રાધિકા પણ અંદર આવી ગઈ અને મને છોડાવવા પ્રયત્ન કર્યો. અલકાએ પણ તેને મદદ કરી પણ પકડ એટલી મજબૂત હતી કે તે ઢીલી ન પડી અને મારો શ્વાસ રૂંધાવા લાગ્યો એટલે અલકા અંદરથી એક લાકડી લઇ આવી અને પેલા ઇસમના બંને પગે વારાફરતી ફટકારી. ફટકાં પડતાં જ તે બેસી પડ્યો.

 

‘અરે, કોણ છે તું? શા માટે રાકેશને માર્યો? રાકેશ, તું પોલીસને ફોન કર.’

 

મેં ફોન કરી પોલીસસ્ટેશને જણાવ્યું કે એક અજાણ્યો ઇસમ મારા ઘરમાં ઘૂસી આવ્યો છે અને મારપીટ કરે છે તો તરત આવો. આમ કહી મેં મારૂ નામ અને સરનામું લખાવ્યું.

 

‘અલકાબેન, માફ કરશો પણ આ મારો ધણી રાજુ છે.’

 

‘તો? આમ કારણ વગર આવો હુમલો શા માટે કર્યો?’

 

‘કારણમાં હું ગર્ભવતી છું તે. તેને લાગે છે કે આવનાર બાળક તેનું નથી અને તેને સાહેબ પર શંકા છે.’

 

‘અરે, ગમે ત્યારે ગમે તે કારણે શંકા કરીને આમ મારપીટ થાય?’ મેં કહ્યું.

 

‘સાહેબ, શંકા કરવાનું કારણ તો છે.’

 

‘એટલે? શું સાહેબે તારા પર બળાત્કાર કર્યો છે? તેને કારણે તું ગર્ભવતી બની છે? આવો વિચાર જ કેવી રીતે આવ્યો?’ અલકાએ ઉભરો ઠાલવ્યો.

 

‘સાહેબ માટે અત્યાર સુધી તો મને માન હતું. મારી સામે ક્યારેય આંખ ઊંચી કરીને નથી જોયું, ખાસ કરીને હું વાંકી વળીને ઝાડું કાઢતી હોઉં ત્યારે તો નહીં જ. હું બીજે ચાર-પાંચ ઘરે કામ કરૂ છું પણ ત્યાં હજી હું આવી પરિસ્થિતિમાં અચકાઉ અને ખાસ ખ્યાલ રાખું પણ તમારા ઘરે હું નચિંત હતી.’

 

‘તો હવે એવું શું થયું? ક્યારેય હું ઘરમાં ન હોઉં એવું બન્યું છે? તો તું કહે છે તેવું કેવી રીતે બને?’ અલકા ઉવાચ.

 

‘એવું બન્યું છે માટે તો કહું છું. અલકાબેન, યાદ છે લગભગ ત્રણેક મહિના પહેલા એક રવિવારે તમારે તમારા માસીની દીકરીના સીમંત પ્રસંગે ઘાટકોપર જવાનું હતું અને તમે સાંજે પાછા આવવાના હતાં?’

 

‘હા, યાદ આવ્યું. પણ તે દિવસે જો આવું કાંઈક થયું હોય તો તે મને કેમ જાણ ન કરી?’

 

‘તમે આ વાત માનશો કે નહીં તેની મને મૂંઝવણ હતી એટલે તમને એ વાત કહેતાં હું અચકાતી હતી. પણ તમને લાગ્યું નહીં કે તે દિવસથી મારૂં વર્તન બદલાઈ ગયું છે?’

 

‘હા, મને અણસાર તો આવ્યો હતો કે તને કોઈક મૂંઝવણ છે, પણ તારા ઘરમાં અવારનવાર ઝગડા થાય છે માની મેં તને પૂછ્યું ન હતું.’

 

એટલીવારમાં નજીકના પોલીસસ્ટેશનેથી પો.ઈ. એક હવાલદાર સાથે આવી ગયા.

 

‘સાહેબ, આ રાજુ છે જેણે મારી ઉપર હુમલો કર્યો છે.’ મેં જણાવ્યું.

 

‘કેમ રાજુ, શા કારણે તે આમ કર્યું?’

 

‘સાહેબ, મારી પત્ની રાધિકા આ ઘરમાં કામ કરવા આવે છે અને એક દિવસ શેઠાણી ઘરમાં ન હતાં ત્યારે આ સાહેબે રાધિકાની છેડતી કરી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો જેને કારણે મારી પત્ની એક બાળકની મા બનવાની છે.’

 

‘ખોટી વાત કરે છે આ રાજુ. મને ફસાવવા માંગે છે. લાગે છે બ્લેકમેલ કરી પૈસા કઢાવવા છે. મેં કોઈ આવું કૃત્ય કર્યું નથી.’

 

‘રાધિકા, તું કહે હકીકત શું છે? આ બાળક તો તારા રાજુથી પણ રહ્યું હોય. તો પછી આ સાહેબને નામે કેમ આળ લગાવે છે?’

 

‘કશું બન્યું હોય તો જ હું કહેતી હોઈશને? હમણા જ મેં અલકાબેનને યાદ કરાવ્યું હતું કે ત્રણેક મહિના પહેલા એક રવિવારે તે બહાર ગયા હતા અને સાહેબ એકલા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.’

 

‘વાંધો ન હોય તો વધુ વિગતે વાત કરીશ જેથી મને પૂરેપૂરૂં સમજાય?’

 

‘કહેતાં તો શરમ આવે છે પણ કહેવા સિવાય છૂટકો નથી. તે દિવસે હું રોજની જેમ કામ કરવા આવી. મને ખબર હતી કે અલકાબેન ઘરમાં નથી અને સાહેબ એકલા છે. પણ તેની ચિંતા ન હતી કારણ મને તેમના ઉપર ભરોસો હતો..

 

‘પણ જ્યારે હું તેમના બેડરૂમમાં ઝાડું કાઢતી હતી ત્યારે સાહેબ અંદર આવ્યા અને મને પાછળથી પકડી. અચાનક અને ન મનાય એવું થયું એટલે એક ક્ષણ તો હું ગભરાઈ પણ પછી મેં મારી જાતને છોડાવવા પ્રયત્ન કર્યા પણ ત્યાં સુધીમાં તેમની પકડ વધુ મજબૂત બની ગઈ હતી. ત્યારબાદ તેમણે મારા અંગો સાથે મસ્તી કરી અને મને બેડ ઉપર સુવાડી દીધી. તે પછી શું થયું હશે તે કહેવાની જરૂર છે?’

 

‘ના, હું સમજી ગયો. રાકેશભાઈ, શું આ વાત સાચી છે? કારણ આના બયાન અને તમારા બયાન ઉપર મારે નિર્ણય લેવાનો છે કે આગળ મારે શું કરવું.’

 

‘મારે ફક્ત એટલું જ કહેવું છે કે આખી વાત મનઘડંત છે. તેનો પતિ રાજુ શા કારણે આ બાળક પોતાનું નથી એમ કહે છે તે મને ખબર નથી પણ લાગે છે કે તેને પોતાના પર વિશ્વાસ નથી. જે દિવસે હું એકલો હતો અને આ કામ કરવા આવવાની હતી ત્યારે મેં વધુ સાવચેતી રાખી હતી જેથી અકારણ હું ન ફસાઉં. પણ અંતે તેમ જ થયું. મને લાગે છે કે દાક્તરી તપાસ કરાવશું તો સત્ય શું છે તે સમજાઈ જશે કારણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે હું નિર્દોષ છું.’

 

‘એ તો બધા પહેલાં એમ જ કહે પછી સાચી હકીકત સામે આવે ત્યારે ખરૂંખોટું બહાર આવે.’

 

‘એક મિનિટ, સાહેબ,’ કહી હું બેડરૂમમાં ગયો અને એક ફાઈલ લઇ બહાર આવ્યો. ‘જુઓ સાહેબ મારી વાતનો પૂરાવો. અમારા લગ્નને સાત વર્ષ થયા બાદ પણ અમને કોઈ સંતાન ન હોવાથી અમે દાક્તરી તપાસ કરાવી હતી.  તપાસમાં જણાયું કે અલકામાં કોઈ ખામી ન હતી એટલે મારામાં જ ખામી હશે માની તેની ચોકસાઈ કરવા મેં ચાર મહિનાં પહેલા જ મારી દાક્તરી તપાસ કરાવી અને ત્યારે ખબર પડી કે મારામાં જ ખામી છે. જો કે ત્યાર પછી પરિસ્થિતિ સુધારવા યોગ્ય સારવારની જરૂર હોવાથી તે મેં શરૂ પણ કરી દીધી છે પણ તેના પરિણામ આવતાં હજી થોડો સમય લાગશે એટલે ત્રણ મહિના પહેલા મેં આની સાથે દુષ્કૃત્ય કર્યું અને તેથી તે ગર્ભવતી બની તે વાત એકદમ ખોટી છે.’

 

રિપોર્ટ જોઇને પો. ઈ. એ રાજુને સવાલ કર્યો કે રાકેશભાઈની વાત સાચી છે એટલે તમે બંનેએ તેમના પર જે આળ લગાવ્યું છે તે ખોટું છે. રાજુ, ભલે તું ના કહે પણ તારા ખયાલ બહાર આ બની ગયું હશે અને તને ખોટી શંકા છે કે આવનાર બાળક તારૂં નથી.

 

હવે અલકાએ પણ કહ્યું કે મને તો ખાત્રી હતી કે રાકેશનું આ કૃત્ય નથી કારણ મને તેની દાક્તરી તપાસની ખબર છે અને તે પણ જાન છે કે તે હજી બાપ બનવાને સક્ષમ નથી. નહીં તો મેં પણ આ વાત સાચી માની લીધી હોત અને ક્યારનોય તેનો ઉધડો લઇ લીધો હોત. 

 

‘સાહેબ, હું પણ છાતી ઠોકીને કહી શકું કે આ બાળક મારૂં નથી. હું જે વાત કરીશ તેથી તમે તો શું પણ રાધિકા પણ ચોંકી જશે. હું પણ આ સાહેબની જેમ નમાલો છું એટલે મારા થકી બાળકના બાપ બનવાનું શક્ય નથી. જો કે આ વાત રાધિકાને મેં આજ સુધી નથી કરી કારણ તેને મારા પુરૂષાતન ન હોવા વિષે કહેતા શરમ આવતી હતી.’

 

આ સાંભળી બધા જ ખરેખર ચોંકી ઊઠ્યા. મને ઉદ્દેશીને રાજુ બોલ્યો કે મારી ભૂલ થઇ છે. મૂળ ખોટ આ રાધિકામાં જ છે અને તે છિનાળને કેમ સીધી કરવી તે હું ફોડી લઈશ. કોણે આ કામ કર્યું છે તે પણ તેની પાસેથી યેનકેન પ્રકારે જાણી લઈશ.

 

અંતે બધા ગયા અને અમે બે એકલા પડ્યા એટલે અલકાએ કહ્યું, ‘રાકેશ, શું થયું હતું તે દિવસે?’

 

‘અલકા, તને મારા પર શંકા છે?’

 

‘ના, છેક એમ તો નહીં પણ તો ય મનનાં નિવારણ ખાતર પૂછાઈ ગયું. મને તો તારા પર વિશ્વાસ છે પણ જે દિવસની આ વાત છે તે દિવસે પહેલી વાર હું તને એકલો મુકીને ગઈ હતી એટલે એક સ્ત્રી સ્વભાવ મુજબ આમ પૂછાઈ ગયું. બાકી ભગવાન બચાવે આવા લોકોથી. મને તારા પર ભરોસો ન હોત તો હું પણ કદાચ રાધિકાની વાત સાચી માની લેતે. એ તો વળી સારૂં થયું કે આપણે દાક્તરી તપાસ વેળાસર કરાવી લીધી હતી એટલે પો.ઈ. વાત માની ગયા નહીં તો તારી નિર્દોષતા સાબિત કરવા કેટલીયે માથાકૂટ કરવી પડતે. ડી.એન.એ. પરીક્ષા સુધી વાત પહોંચતે. તે ઉપરાંત મારી શંકાને દૂર કરવા માટે પણ તારે કેટલી મહેનત કરવી પડતે?’

 

‘હા અલકા, તું સાચું કહે છે’, એમ કહી મનોમન હું મલકાયો અને પછી મનમાં જ બોલ્યો કે સોરી અલકા, મને મારી શારીરિક અક્ષમતાની જાણ હતી એટલે જ તો તે દિવસે મેં મળેલી તક.............

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ