વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓગળતી ક્ષણો!

ઓગળતી ક્ષણો! 

ખટ્… દરવાજો ખૂલી પાછો બંધ થયો. તેના થીજી ગયેલા જીવનમાં ફરી કેટલીક ક્ષણો ઓગળી. એક અણગમતી તીવ્ર વાસ તેની નાસિકાનાં રસ્તે તેનાં સુન્ન મગજ સુધી પહોંચી ગઈ. અશક્તિને કારણે ઢળી પડેલા ખભા પર જાણે માથાનું પણ વજન લાગતું હોય એમ નમી ગયેલી ડોક તેણે પરાણે ઉંચી કરી. તેને સમજાયું નહી કે હવે કંઈક ખાવા મળશે એ આશાએ ખુશ થવું કે પછી… 

આગંતુકે તેની સામે સ્મિત કર્યું એ સાથે જ પડીકી ચાવીને લાલ થઈ ગયેલા દાંત દેખાયા. શરૂઆતમાં આ દ્રશ્ય જોઈ તેને ઉબકો આવી જતો, પણ હવે… તેની નજર સરતી સરતી આગંતુકના હાથમાં રહેલા પ્લાસ્ટીકનાં ઝબલા પર પડી એ સાથે જ દમિત કરેલો ભૂખનો અહેસાસ તીવ્રથી તીવ્રતમ થઈ ગયો. ઠેર ઠેર ફાટેલા કપડાંમાંથી ડોકાતાં યુવાન અંગોની પરવા કર્યા વિના તેણે બેઠાં બેઠાં જ હાથ લાંબો કર્યો. પરંતુ આગંતુકે ઝબલાવાળો હાથ ઉંચો કરી દેતા નિશાન ચૂકી જવાયું અને તેનો હાથ જમીન પર પછડાયો. બંને હાથ જમીન પર ટેકવી તેણે શરીર ઉંચક્યું. સામેથી એક ભદ્દું હાસ્ય ફેંકાયું. મહિનાઓથી ધોવાયા વિનાના વાળની ગુંચળા વળી ગયેલી લટો તેનાં ચહેરા પર ફેલાઈ ગઈ. તેની આંખમાં એક અજબ તીખારો ઉઠ્યો અને ગળામાંથી કોઈ પશુ જેવો ઘુરકાટ કરી શરીરનું સમગ્ર બળ એક્ઠું કરી તરાપ મારી એ ઝબલું ઝુંટવી લીધું. નાકા ભેગા કરી બાંધેલી ગાંઠ ખોલવાની તસ્દી લીધા વિના જ તેણે ઝબલું ફાડી નાંખ્યું અને એમાં રહેલું વડાપાંવ હાથમાં લીધું. 

એક કાચું પાંવ, એમાં એક નાનું વડું, સાવ કોરેકોરૂં છતાં એક ખૂણેથી ખવાયેલું! સફેદ પાંવ પર છપાઈ ગયેલા લાલ નિશાન છતાં દર ત્રણ દિવસે મળતાં એ એકમાત્ર ખોરાકને જોઈ તેની નજરમાં તૃપ્તિ છવાઈ ગઈ. તેણે અકરાંતિયાની જેમ મોટા મોટા બટકાં ભરી આખું વડાપાંવ મોંમાં ઠુંસી દીધું. કદાચ ખાતા વાર લાગે અને હાથમાંથી છીનવાઈ જાય તો…! 

લુખ્ખું પાંવ ગળે બાઝતા તેને ઉધરસ ચડી અને આંખમાં આંસુ આવી ગયા. તે જોરથી પોતાની છાતી પર મુઠ્ઠી પછાડવા માંડી. તેને આમ ખાતી જોઈ એ ભદ્દું હાસ્ય એક વિકૃત અટ્ટહાસ્યમાં બદલાઈ ગયું. એ અટ્ટહાસ્યના પડઘા વચ્ચે એક તીણો રડવાનો સ્વર એ બંધ મકાનમાં ગુંજી ઉઠ્યો. બંનેનું ધ્યાન એ તરફ ખેંચાયું. ઉધરસ ખાતાં ખાતાં એ પોતાના નવજાત શિશુ તરફ ઢસડાઈ. ઉભા થવાની તાકાત તો કેટલાય દિવસોથી ગુમાવી દીધી હતી. પરંતુ પેટમાં કંઇક જવાથી જાણે તેની થીજેલી ક્ષણો થોડી ચેતનવંતી બની હતી અને છાતીમાં ધીમી ધારે ઉભરાતું માતૃત્વ તેને આગળ વધવા પ્રેરતું હતું. 

ઘસડાતી ઘસડાતી પોતાના બાળક સુધી પહોંચી તેણે હાથ લંબાવ્યો, પરંતુ એક મજબુત પંજો એ લંબાયેલા હાથ પર ભીંસાયો. પંજાએ હાથને ખેંચી મચકોડ્યો અને એક આહ! નીકળી ગઈ. તે સમજી ગઈ કે હવે એ એંઠા વડાપાંવની કિંમત ચૂકવવાનો સમય થઈ ગયો છે. બાળકનાં વધતા રૂદન સાથે તેનાં ઉંહકારા એકરૂપ થઈ ગયા. આટલા સમયમાં તે સારી રીતે સમજી ગઈ હતી કે અહીં રાડો પાડવાનો કોઈ અર્થ નહોતો. આ અજાણ્યા પુરુષ સિવાય બીજા કોઇની હાજરી ક્યારેય વર્તાઈ નહોતી. મનોમન તે કોસતી રહી એ પળને, જ્યારે તે આ અજાણ્યા પ્રદેશમાં આવી ચડી હતી. 

અજાણ્યો પ્રદેશ, અજાણી માટી, અજાણી ભાષા, અજાણ્યો - ના જાણીતો સ્પર્શ! આવા જ કેટલાંય સ્પર્શોએ તેને ચૂંથી હતી. વારંવાર ચૂંથી હતી. ગરીબીની પરાકાષ્ઠામાં જીવતાં માવતરે તેને એક સંસ્થામાં સોંપી હતી. સંસ્થામાંથી એક પરિવારે તેને દત્તક લીધી ત્યારે તો એવું લાગ્યુ જાણે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે… કેટલી અલ્પજીવી હતી એ ખુશી! શરૂઆતમાં થોડો સમય સુખનો અતિરેક, પછી નવા પરિવાર સાથે વિદેશ પ્રવાસ અને પછી… 

પછી તેનું જીવન થંભી ગયું, તેનો સમય ત્યાં જ થીજી ગયો અને સમજાયું કે સાચું દુઃખ કોને કહેવાય! એ કહેવાતો પરિવાર દર ચાર - છ મહિને તેનાં જેવી જ નવી છોકરી લઈ અહીં આવતો અને તેનાં વિના જ પરત થઈ જતો… ફરી નવી છોકરીની ફિરાકમાં. આ સત્ય જ્યારે સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તે કળણમાં ફસાઈ ગઈ હતી. સતત ઊંડે ને ઊંડે ધસતી જતી હતી. કોઈ આરો ઓવારો દેખાતો નહોતો. પણ એક દિવસ… 

એક દિવસ ફરી કેટલીક ક્ષણો ઓગળી. તેને થયું કે કિસ્મત તેની સાથે છે. જડબેસલાક જાપ્તા વચ્ચે એક ક્ષણ એવી આવી કે તે ત્યાંથી છટકીને ભાગી નીકળી. કોઈ પણ પ્રકારના દિશાભાન વિના તે દોડતી જ રહી, સતત દોડતી જ રહી. દોડતાં દોડતાં ઠેસ વાગી, ઠેબાં આવ્યા, પડી-આખડી, ગડથોલિયાં ખાધાં, પણ તે અટકી નહી. જ્યાં સુધી શરીરમાં ચેતન હતું ત્યાં સુધી સતત દોડતી રહી. છેલ્લે અંતિમ ગડથોલિયું અને તેની ચેતના પણ તેનો સાથ છોડી ગઈ. 

ફરી જાગી ત્યારે આ અંધારિયા મકાનમાં પડી હતી. તેની સામે હતી એક વિશાળ કાયા, જેના હાથમાં એક લુખ્ખું વડાપાંવ હતું. તેની ખૂલેલી આંખોએ એ વિશાળ કાયા પર રહેલા વિકરાળ ચહેરા પર નાનકડું સ્મિત જોયું અને તેને હા'શ થઈ. ચાલો, બચી ગયા! પણ કદાચ, કિસ્મત તેની દુઃખની વ્યાખ્યા બદલવા માંગતી હશે. એ માણસે વડાપાંવ તેની સામે ધર્યું. તેણે હાથ લંબાવ્યો, પણ એ માણસે હાથ પાછો ખેંચી એક ખૂણેથી થોડું ખાધું. પછી બધા દાંત દેખાય એવું પહોળું સ્મિત કર્યું. હવે વડાપાંવ તેનાં હાથમાં હતું, પરંતુ પહોળા સ્મિતમાંથી દેખાતા લાલ દાંત, ગલોફામાં દબાવેલ અડધું ચવાયેલું પાંવ અને બચેલાં વડાપાંવ પર ચોંટી ગયેલા દાંતના લાલ ધબ્બા… તેને એક જોરદાર ઉબકો આવી ગયો. પણ વોમિટનો કોગળો બહાર નીકળે એ પહેલાં હાથમાં રહેલું વડાપાંવ એનાં હાથમાંથી ઝુંટવાઈ ગયું. આખું મોઢુંં પહોળું કરી એણે કોઈ જાનવરની જેમ આખું વડાપાંવ મોંમાં મૂકી તેનાં ખભે એક લાત ફટકારી અને દરવાજો બહારથી લોક કરી જતો રહ્યો. ભૂખથી તરફડતી તે રાહ જોતી રહી, પરંતુ એ જાનવર છેક ત્રીજા દિવસે દેખાયો. પેટની ભૂખ મનની સૂગ પર હાવી થઈ ગઈ અને તેણે એ લાલ ધબ્બાવાળું લુખ્ખું વડાપાંવ કોઈક રીતે ગળે ઉતારી દીધું. એ હજુ પેટ સુધી પહોંચે એ પહેલાં તો એ વડાપાંવની વસૂલી શરૂ થઈ ગઈ. એ દિવસે એ જાનવરના ગયા પછી તે ખૂબ રોઈ. જાણે નસીબમાં લખેલાં બધા આંસુ એકસાથે વહાવી દીધા! 

પછી તો આ રોજનો ક્રમ થયો. ઘડિયાળ આગળ વધતી, પણ તેનો સમય ત્યાં જ અટકી ગયો હતો. દર ત્રીજા દિવસે એ જાનવર એંઠું વડાપાંવ લઈને આવતો અને એકસાથે ત્રણ દિવસની વસૂલી કરી જતો. ધીરે ધીરે તેણે આ પરિસ્થિતિ પણ સ્વિકારી લીધી. પરંતુ કદાચ એટલું પુરતું નહોતું. હજુ દુઃખની વ્યાખ્યા વધુ વિસ્તૃત થવાની હતી. આ અંધારિયા દોજખમાં કેટલીય રાતો વીતી, પછી એક દિવસે તેને જાણ થઈ કે તેની અંદર પણ કંઈક ધબકી રહ્યું છે. એક નાનો જીવ તેનાં ધબકાર સાથે તાલ મેળવવા ઝઝૂમી રહ્યો છે. કોઈ પણ સ્ત્રી માટે પૂર્ણતાનો અહેસાસ કરાવતી એ લાગણી તેને ધ્રુજાવી ગઈ. ખબર નહી કેવી રીતે, પણ તેનું નબળું શરીર એ ભાર ખમી ગયું. છેક છેલ્લી ઘડી સુધી વેઠેલી પાશવતા છતાં એનું બાળક જન્મી ગયું! જીવી પણ ગયું! પણ ક્યાં સુધી? તેનાં નબળા ભૂખ્યા શરીરમાં અમૃત સરવાણી તો ક્યાંથી વહે? હા, જે દિવસે થોડોક પણ આહાર મળે એ દિવસે ફરી કેટલીક ક્ષણો ઓગળે અને બંને મા-છોરૂં કંઈક સંતોષ પામે. કદાચ, એ નાનો જીવ પણ તેની માતાની લાચારી સમજતો હશે! 

શરીર પરનો ભાર હળવો થતાં તેણે બાજુમાં પડેલી, હાંફતી એ વિશાળ કાયા પર એક તુચ્છ નજર નાંખી. પછી રડી રડીને જાતે જ સૂઈ ગયેલા પોતાના બાળક તરફ ઘસડાતાં જવાનું શરૂ કર્યું. સહસા તેનો હાથ બીજા એક પ્લાસ્ટિકના ઝબલા પર પડ્યો. એમાં કંઈક કાચ ખખડ્યો હોય એવું લાગ્યું. તેણે એક નજર પોતાનાં બાળક તરફ જોઈ એ ઝબલું ખોલ્યું. એમાં બીડી, માચીસ અને કંઈક દુર્ગંધ મારતું પ્રવાહી ભરેલ કાચની ચાર બોટલ હતી. આ દુર્ગંધ તેને કંઈક અંશે જાણીતી લાગી. તેની આંખમાં એક ચમક આવીને ઓઝલ થઈ ગઈ. જાણે તેનામાં નવું જોમ પ્રગટ્યું હોય એમ બધી તાકાત ભેગી કરી તે પરાણે બેઠી થઈ. એક બોટલનું પ્રવાહી તેણે દરવાજા પાસે રેડી દીધું. હાથમાં માચીસ લઈ કાંડી સળગાવી. એક ક્ષણ માટે આંખ મીંચી, પણ ઘેરા અંધકાર સિવાય કાંઈ જ ન દેખાયું. અંતે એક માયાળું નજર પોતાનાં બાળક પર નાંખી એ કાંડી પ્રવાહી પર ફેંકી જ દીધી. એક મોટો ભડકો અને થોડો ધુમાડો. કદાચ આ આગ તેનાં થીજેલા સમયને ઓગાળી દે! 

બળવાની વાસથી હાંફીને શિથિલ થઈ ગયેલી એ વિશાળ કાયાએ જરા અમથી આંખ ખોલીને જોયું અને તરત હરકતમાં આવી. તેના મોઢે કેટલાક શબ્દો નીકળ્યા. અજાણી ભાષાના અજાણ્યા શબ્દોનો શાબ્દિક અર્થ ભલે ન સમજાય, એનો ભાવ તો સમજાઈ જ ગયો હતો. કેટલાય વર્ષો પછી તેના હોઠ સ્મિત કરવા વંકાયા. એ જાનવર દરવાજા પાસે પહોંચ્યો કે તરત તેણે હાથમાં રહેલ બોટલનો તેની પીઠ પર ઘા કર્યો. કાચ તૂટવાના અવાજ સાથે જ આગની જ્વાળાએ પોતાનો વિસ્તાર વધાર્યો. આગની લપેટથી ઘેરાયેલી એ વિશાળ કાયાએ એક પાટુ મારી દરવાજો તોડી નાંખ્યો અને રાડો પાડતો બહાર નીકળી ગયો. બહાર અન્ય કેટલાક લોકોનો અવાજ પણ સંભળાયો. આગની જ્વાળાઓ દરવાજેથી બારીના પરદા બાદ આખા મકાન પર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. 
તેનાં મનમાં એક અજબ પ્રકારની શાંતિ છવાઇ ગઇ. ધીરે ધીરે તે પોતાના બાળક પાસે પહોંચી અને તેને બથમાં લઈ લીધું.બસ,હવે તેને રાહ હતી પોતાની બદનસીબીની અંતિમ ક્ષણની. 

તેણે આંખ મીંચી દીધી. વધતી જતી ગરમી અને આધિપત્ય વધારી રહેલા ધુમાડા વચ્ચે કંઈક ખખડાટ સંભળાયો. તેણે આંખ ખોલી એ સાથે જ તીવ્ર ધુમાડાને કારણે તેની આંખમાં પાણી આવી ગયા. ધુંધળી પડેલી નજર સામે એક માનવ આકાર દેખાયો. તેનો હાથ લંબાયેલો હતો, કદાચ મદદ કરવા માટે. પરંતુ, તે હાથ ન લંબાવી શકી. છતાં એ આકાર નજીક આવ્યો અને તેને તથા તેના બાળકને એક ધાબળામાં વીંટાળી બહાર લઈ ગયો. 

ફરી એકવાર મુક્તિ તેને હાથતાળી આપી ગઈ હતી. ફેફસામાં ભરાયેલા ધુમાડાએ તેનું ચેતન ખુંચવવાની જવાબદારી બખૂબી નિભાવી. બેહોશ થવાની આગલી ક્ષણ સુધી તે સમજી નહોતી શકી કે હવે તેનું જીવન આગળ વધશે કે હજુય કેટલીક ઓગળતી જતી છૂટીછવાઈ ક્ષણોનો જ સહારો હશે! 




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ