વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિક્ષણ પર હાવી પરીક્ષાઓ



    

                   "શાળા એ ગામનું ઘરેણું છે." આવું ઘણીવાર વાંચવા મળે છે. પરંતુ આ ઘરેણાને અત્યારે માધ્યમોમાં વિભાજીત કરી વળ ચડાવી વધુ આકર્ષક બનાવી દેવામાં આવે છે. શિક્ષણની હાટડીઓ શેરીએ ગલીએ ધમધોકાર આવક કરે છે. ડર અને તણાવ વચ્ચે પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે અને એના પરથી બાળકનું સ્તર નક્કી થાય છે. એ મેરિટમાં બાળક સહેજ પાછળ રહ્યો તો લેવલ નીચું મનાય છે પરિણામે બાળકના મનમાં લઘુતાગ્રંથિ જન્મ લે છે.


                        રિચાર્ડ બાકનું લખેલ પુસ્તક "સાગરપંખી" નજરે ટળવળે છે. જેમાં અન્ય કરતા જુદા પ્રકારનું પંખી છે. એને શિકાર કરીને પેટ નથી ભરવું મંજિલ સુધી લંબાવવું છે. ચાલો, એ સાગરપંખી તરીકે એકવીસમી સદીના બાળકને લઈએ. માના હાડ માસથી સિંચાયેલો એ જન્મથી ઉત્તમ વિકાસ પામવા કટિબદ્ધ હોય છે.  આગળ જતાં એ ધારે તો જીવનની તમામ ઊંચાઈઓ , ગહેરાઈઓ એને ટૂંકી પડે. એને માત્ર આગળ નથી વધવું વિસ્તરવું છે. પંદર જણાની કમિટીએ રચેલા નિયમોની બહાર ઝંપાવવું છે. નાનકડા કુંડળની બહાર એને વિશ્વ દેખાય છે અને પોતે એ કુંડળમાંથી બહાર આવવા મથામણ કરે છે.


              પરંતુ પરીક્ષાઓ નામનું એ કુંડળ એને દર અઠવાડિયે , દર મહિને , દર વર્ષે વળતો ધકેલે છે. સામે છેડે પહોંચે ત્યાંજ એડમિશન ટેસ્ટ , વિકલી ટેસ્ટ ધક્કામુકી કરે છે.


             એ કહેવા મથે છે કે આ બે કાચા પુઠાની વચ્ચે રહેલા બસો પાનામાં એની દુનિયા નથી. એને ઇતિહાસ રચવો છે અને ભવિસ્ય કંડારવું છે. પરંતુ પોતાની જ આસપાસના લોકો , શિક્ષકો , માબાપ એને રોકે છે ટોકે છે. મોટી મોટી વાત ન કર કહી નીચો પાડે છે. ગિફ્ટ કે ચોકલેટ ના બદલે પુરા માર્ક્સ કે પ્રથમ નંબર લાવવાના ત્રાસમાં બાળક ગૂંચવાઈ જાય છે.


                માત્ર પુસ્તકમાં મોઢું રાખવાને બદલે બાળક રમકડાંના ભાગો ખુલા કરી જોડવા મથે તો એના પ્રયાસને બિરદાવવાને બદલે ગુસ્સો કરાય છે. ધાક ધમકીઓ અપાય છે. માબાપને ચિંતા છે સમાજની. બાળક સોસાયટી કે સમાજમાં અવ્વલ રહેવો જોઈએ. પરીક્ષાના નંબરથી વાહવાહી થવી જોઈએ. કિટ્ટી પાર્ટીમાં બાળકના રિઝલ્ટના ગુણગાન થવા જોઈએ. આ એક સિસ્ટમ થઈ ગઈ છે.


               મોટા થતા પ્રવાહની ચોઇસ શરૂ થાય છે. બાળકની ઈચ્છા નહિ પરંતુ સોસાયટી સ્ટેટસ જોઈ સાયન્સમાં ધકેલાય છે. સાયન્સની આંધળી દોટ બાળકના સ્વપ્નોને વિચારોને પાંગળા કરી નાખે છે. સિંગર , ડાન્સર , ચિત્રકાર ના સ્વપ્ન જોતા બાળકને જી નેટનું પ્રેશર આવે છે. સ્કુલ બાદ સતત કોચિંગ અકળાવી નાખે છે. બે કલાકની જી નેટ બાળકનું ભવિષ્ય નક્કી કરે છે. જો સહેજ માર્ક ખૂટયા તો ભણતરમાં અરુચિ દાખવનાર કહી હતાશ કરીને છેલ્લે ડોનેશન ભરાય છે. વાસ્તવમાં તો એની ઈચ્છા કોઈએ જાણી નથી અને આ એનું ધ્યેય નથી છતાં તારે એમબીબીએસ જ કરવાનું છે કહીને પરાણે આવતીકાલનો ડોકટર તૈયાર કરાય છે.


                 સતત બદલાવ સાથેની પરીક્ષા પદ્ધતિમાં બાળક સિસ્ટમને સાનુકૂળ થવા કટિબદ્ધ થાય ત્યાંજ નવા વળાંકો આવી જાય છે. બદલાતા કોર્સ અને પરીક્ષા પદ્ધતિ પર બાળક નિર્ભર થાય છે. નિયત સમયના પ્રેશરમાં એ અકળાય છે ત્યારે પરીક્ષાના પરિણામ પર એની અસર પડે છે. ક્લાસમાં આગળ આવેલ બે કે ત્રણ સાથે એની સરખામણી થાય છે અને નિરાશ કરાય છે. પુસ્તકિયા કીડા થઈ રોબોટ બનતા જાય છે ત્યારે જીજીવિષા રોળાઈ છે. પરીક્ષાના હાવમાં સાચું અને વાસ્તવિક શિક્ષણ બહાર નથી આવતું.


                શા માટે આપણે બાળકને એ નથી સમજાવી શકતા કે પરીક્ષા માત્ર પગથિયું છે આગળ વધવા માટે. એનાથી ડરવાનું નથી. સાચું અને મૂલ્યવાન શિક્ષણ તારે પ્રાપ્ત કરવાનું છે. તારા સ્વપ્નોમાં અમે સાથે છીએ અને તારી નબળાઈ માં તારી આગળ. ઘણું સિદ્ધ કરવાનું છે આ પરીક્ષા સિવાય. જિંદગીની પરીક્ષાઓની તૈયારી સખત કરવાની છે.

                     

                  પણ અફસોસ અહીં શક્યતાઓ અને હકારાત્મક વાતાવરણ ઉભું કરવા આઇસ્ટાઈનની પાસે કોઈ ઉભું નથી. ત્યારે એની માતાએ બીજા બાળકો સાથે સરખામણી કરી હોત તો ? શા માટે કાગળના વિમાન બનાવતા એ બાળકના સ્વપ્નને પાંખ ન આપી શકાય ? આ રાકેશ શર્મા , સાઈના નહેવાલ , વિક્રમ સારાભાઈ , ઝવેરચંદ મેઘાણી , અમિતાભ બચ્ચન , સચિન તેંડુલકર , આસપાસ જ છે. બસ એટલું યાદ રાખો કે આ સ્કૂલોમાં અને આ પરીક્ષાઓ આપતા માસુમ ચહેરાઓમાં જ છે.



માનસી પટેલ "માહી"

ગામ : ભાયાવદર




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ