વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ જીવી લઈએ

"ચાલ જીવી લઈએ"


          (ચાલ જીવી લઈએ, ખૂબ સુંદર સાત શબ્દોથી સજાવેલો જીવન મંત્ર છે. સુખદુઃખ તો જીવનમાં આવે જાય. જીવવાનું જ છે, હા ફરજિયાત જીવવાનું જ છે તો કેમ રોજ મરતા મરતા જીવવું અરે ચાલ જીવી લઈએ હા બસ ચાલ જીવી લઈએ.)


          "તને મળવાનો સમય જીવથી મને લાગે વ્હાલો...ઝટપટ દોડી આવું ફરી મળશે નઈ આવો લ્હાવો...." અનિકેત એકદમ શાયરાના અંદાજે બોલ્યો.


          સુમન કહે, "આટલો અધીરો કેમ થાય છે અનિકેત! જોજે હો ક્યાંક આપણાં પ્રેમને નજર ન લાગી જાય."


          અનિકેત કહે,"શુભ શુભ બોલ સુમન, જે દિવસ તારા વગરનો નીકળશે એ દિવસ મારી માટે જીવનનો છેલ્લો દિવસ હશે."


          સુમન બોલી, "અનિકેત જ્યારે પ્રેમ હદ વટાવી જાય છે ને! ત્યારે પ્રેમની કસોટી શરૂ થાય છે અને હંમેશા પ્રેમનાં ભાગે જ કુરબાની આવી પડે છે."


          અનિકેત કહે, "મારો પ્રેમ સાચો છે હું એ કસોટીમાંથી ગમેતેમ કરીને પણ પાર ઉતરીશ."


          સુમન કહે, "બસ હવે રહેવા દે, બહુ થઈ ગયું આટલું ઘણું હો... કાલે ફરી મળશું. સમય આવે ત્યારે જોયું જશે, ચાલ ત્યાં સુધી જીવી લઈએ."


સુમન,"શું કાલે પણ તું મને મળવા આવીશ? તને ખાતરી જ છે કે કાલે પણ આપણે મળીશું?"



          બે પ્રેમી પંખીડા બગીચામાં બેઠાં-બેઠાં મીઠી પ્રેમભરી નજરોમાં પ્રેમના પુષ્પો ખીલવતા હતા અને બગીચો ઉગતા સૂર્યના કિરણોથી રંગબેરંગી ફૂલોથી ખીલી રહ્યો હતો. બંનેની ચાહત એકબીજાના લોહીમાં ભળી ગઈ હતી. 


          અનિકેત જયારે ઘરે આવે છે ત્યારે તેની બહેન અંજુ,મમ્મી, અને પપ્પા ફ્રેશ કપડાં પહેરીને ત્યાર હોય છે. અનિકેતને જોઈને અંજુ અનિકેતને કહે છે, "ભાઈ જો તો આ કપડામાં હું કેવી લાગુ છું?"


          અનિકેત, "બિલકુલ બિલાડી જેવી."


          "અરે અનિકેત તૈયાર થઇ જા ફટાફટ,  હજુ અત્યારે જ માવજીમામાનો ફોન આવ્યો છોકરી જોવાનો તારી માટે." અનિકેતની મમ્મી ઉત્સાહથી બોલી.


          અનિકેત, "છોકરી?"


          અનિકેતના પપ્પા જવાબ આપતા બોલ્યા, "હા બેટા અહીં આપણાં જ શહેરમાં આનંદધામમાં રહે છે. તારા મામાના સંબંધી છે."


          અનિકેત, "સોરી પપ્પા હું નહિ આવી શકું આજે મને પ્રમોશન મળવાનું છે. હું આજે કોઈપણ કાળે નહિ નીકળી શકું."


          અનિકેતે છોકરી નહિ જોવા જવાનું બહાનું બતાવી દીધું.


          "અરે એવું કંઈ થોડું ચાલતું હશે?" અનિકેતના મમ્મીએ કહ્યું


          અનિકેત, "તો તમે એમ કરો મહેશકાકાના દીકરા સુભાષને સાથે લઈ જાવ જો એ હા કહેશે તો મારે માન્ય છે. અને હા તમારી સાથે અંજુ તો છે જ હું સુભાષને ફોન કરી દઉં છું."


          (અનિકેત સુભાષને ફોન કરીને જાણ કરે છે. મમ્મી,પપ્પા અને અંજુ મારી માટે છોકરી જોવા જવાના છે. અને તારે સાથે જવાનું છે. હું બીજી એક છોકરીને પ્રેમ કરું છું એટલે તારે જો મોકો મળે છોકરી સાથે વાત કરવાનો તો ના કહી દેજે. આટલું કહીને ફોન મૂકી દીધો.)


          ચાર દિવસ પછી....


          અનિકેત સુભાષને લઈને બગીચામાં સુમનને મળવા આવે છે સુમનને આવતી જોઈ અનિકેત સુભાષને કહે છે, "જો સામેથી જે છોકરી આવે એજ સુમન છે."


          સુભાષ, "અરે આતો અમે જોવા ગયા એજ છે."


          અનિકેત, "તો સુભાષ સુમન તને જોવે એ પહેલા નીકળી જા એને ખબર ન પડવી જોઈએ."


          સુમનને નિરાશ જોઈને અનિકેત બોલ્યો, "આજ કેમ મારી જાન ઉદાસ છે?"


          સુમન, "સોરી અનિકેત મારી સગાઈ એક વેપારીના છોકરા સાથે થઈ ગઈ છે, આજથી તારો અને મારો કોઈ સબંધ નથી બને તો મને માફ કરજે."


          

          અનિકેત, "કારણ પૂછી શકું."


          સુમન, "અમુક વાત એવી હોય છે કે જેનું કારણ હોવા છતાં સમજાતું નથી તોય હું તને સારી રીતે જાણું છું એટલે કહી દઉં કે ચાર દિવસ પહેલા એક ફેમિલી મને જોવા આવ્યું હતું. બીજા દિવસે એ છોકરાનો ફોન આવ્યો કે હું બીજી છોકરીને ચાહું છું તેનો આઘાત પપ્પાને લાવ્યો અને બીજે દિવસે એક વેપારી ફેમિલી મને જોવા આવ્યું અને છોકરાએ તુરંત જ હા કહી. અનિકેત ઘણીવાર આપણે બીજાને કારણે પણ જીવવું પડે છે. એટલે જેમ જીવાય તેમ ચાલ જીવી લઈએ."


          આટલું કહી સુમન જતી રહી, અનિકેત એકપણ શબ્દ બોલ્યા વગર પથ્થરની જેમ મૌન રહી સુમનને જતી જોતો રહ્યો.




          હું મુસાફર નીકળ્યો એક અંજાણી સફર ઉપર ખબર નથી ક્યાં સફર પૂરી થશે, બસ ચાલ્યો જાઉં છું ચાલ્યો જાઉં છું.


          'ચાલ જીવી લઈએ' આ મારા અંતરાત્માનો અવાજ એકલતાની આકેલી લકીરોમાં કલમ થકી અંકાઈ ગયો હતો. કેટલાંય બીજા લેખકોના પુસ્તકો વચ્ચે મારી કલમે લખાયેલ આકેલી નોટબુકમાં મારી થોડીક વાતો લખાઈને ક્યાંક દબાઈ ગયેલી. આજ એજ નોટબુક એક પુસ્તક બની મારી નજરની આસપાસ મારા લખેલા શબ્દો મારી ફરતા વીંટળાઈ રહ્યા હતાં. આ  પુસ્તકો પણ! ગજબના હોય છે, કે કોઈના મનગમતા આપણે થઈ જઈએ કોઈના દિલમાં આપણે જગ્યા મેળવી લઈએ પરંતુ એ ક્યાં સુધી? એકબીજાની જરૂરિયાત સુધી જ ને! પણ જો એ યાદોને કલમથી કોઈ નોટબુકમાં આકી દઈએ તો એ કાયમ આપણાં દાઝેલા દિલની ઉપર મલમ લગાવીને દર્દ મિટાવી શકે છે.


          સુમન જતાં-જતાં મને એના અંતિમ શબ્દો કહેતી ગઈ, 'ચાલ જીવી લઈએ' એના એ શબ્દો આજપણ યાદ છે. અમારા બંનેના પ્રેમની સફર ખૂબ સારી રીતે જિંદગીનો સમય પસાર કરી રહી હતી..


લી..કિશન એસ.શેલાણા'કાવ્ય'..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ