વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જો રામ પૃથ્વી પર ફરી અવતરે તો..


*પ્રસ્તાવના:


પૃથ્વી પર અધર્મ જ્યારે મચાવે હાહાકાર,

આવે છે પછી ઇશ્વર ધરીને કોઈ અવતાર!


              આમ તો ઈશ્વર સૃષ્ટિનાં કણ-કણમાં છે. સર્વ સમર્થ ઈશ્વર આમ તો પોતાનાં ધામમાં રહીને પણ આ દુનિયાનું પાલનપોષણ કરે છે પરંતુ દરેક યુગમાં જ્યારે-જ્યારે ધર્મને નુકસાન થયું છે ત્યારે-ત્યારે પ્રભુએ અવતાર ધારણ કર્યા છે અને બધાં જાણે છે કે જ્યારે કલિયુગ તેની ચરમ સીમાએ હશે ત્યારે ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે. આ સિવાય જેવી રીતે માનવ ને માનવ ઉપર વિશ્વાસ અપાવવા પ્રયત્ન કરવા પડે છે તેવી રીતે ઘણીવાર માણસની પોતાના ઉપર આસ્થા વધારવા પ્રભુ પોતાની રીતે લીલાઓ કરે છે. કદાચ અયોધ્યામાં રામ મંદિર નું સ્થાપન એ પ્રભુની જ લીલા છે. આ રામ મંદિરમાં બિરાજવા જો ખરેખર પ્રભુ અત્યારે પૃથ્વી ઉપર અવતાર લે તો દરેકનાં જીવન ધન્ય બની જાય.



*સ્ત્રીત્વ નું સન્માન:

                     જો પ્રભુ રામ અવતાર લે તો એ સૌથી પહેલા સ્ત્રીઓ ઉપર કરવામાં આવતાં અત્યાચાર કે અન્યાયને‌ રોકી લે. પહેલાંનાં યુગોમાં સ્ત્રીઓને ખૂબ જ સન્માન દેવામાં આવતું અને જ્યારે-જ્યારે સ્ત્રીઓની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું છે ત્યારે પ્રભુએ સ્ત્રીઓનું રક્ષણ કર્યું છે. ઘણી બધી પ્રથાઓ ધર્મનાં નામે અત્યારે લાગુ કરવામાં આવી છે જે કદાચ ત્યારે એ રીતે અસ્તિત્વમાં જ ન હતી. સ્ત્રી સશક્તિકરણના આ યુગમાં હજુ પણ ઘણી જગ્યાએ સ્ત્રી ભૃણ હત્યા, સ્ત્રી ઉપર પારિવારિક અત્યાચાર, સ્ત્રીઓ ઉપર બળાત્કાર વગેરે જેવી અમાનુષી ઘટનાઓ બને છે. આ જોઈને પ્રભુ પોતે પણ અવતાર લઈ જાણે યાદ કરાવવા ઈચ્છે છે કે દરેક ગ્રંથો રામાયણ, મહાભારત વગેરે યાદ કરી જુઓ તો ખબર પડે કે સ્ત્રી સન્માનનું શું મહત્વ છે?!



*રામથી રામરાજ્ય:

                   પ્રભુ શ્રીરામ પધારે છે તો ખરા અર્થમાં રામરાજ્ય તો સ્થાપશે જ. રાજા રામ પોતે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના કષ્ટો દૂર કરશે. પોતાની જન્મભૂમિ પોતાના દેશમાંથી અનીતિ, ભ્રષ્ટાચાર, શોષણ, ગરીબી રઘુરાય દૂર કરશે. અત્યારે ફેલાયેલા ભ્રષ્ટાચારને તથા છેતરપિંડીને પ્રભુ પોતાની નીતિ અને તર્કથી નાબૂદ કરશે. સમાજમાં ફેલાયેલા અન્યાયને જ્યારે પ્રભુ શ્રીરામનો ન્યાય મળશે ત્યારે લોકો કોઈ નિર્દોષ ઉપર અન્યાય કરતા પહેલા કંપી ઉઠશે! ફરીથી પ્રભુની મિત્ર સાથે મિત્રતાની ચરમ સીમા અને શત્રુઓને હંફાવી દેવાની શક્તિનો પ્રભુ પરિચય કરાવશે.



*રાક્ષસોનો સંહાર:

                 જ્યારે જ્યારે પ્રભુ અવતાર ધારણ કરે છે ત્યારે ત્યારે પ્રભુ આ પૃથ્વી ઉપરથી રાક્ષસોનો નાશ કરી દુષણના ભારને દૂર કરે છે તો ફરી જ્યારે રામ અવતાર લેશે તો આપણે પ્રભુને વિનંતી કરીએ કે આપણી અંદર રહેલાં શત્રુરૂપી રાક્ષસો જેવા કે મોહ, માયા, ક્રોધ, અહંકાર, લોભ, ઈર્ષા વગેરેનો નાશ કરી લોકોના મનમાં રહેલા ભારનો નાશ કરે.


*પારિવારિક મૂલ્યો:

                    

           મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જ્યારે અવતાર લેશે ત્યારે ફરીથી લોકો સંબંધોનું મૂલ્ય સમજતા થઈ જશે. પ્રેમ અને લાગણી જ જીવનનો આધાર છે, એ સમજતા લોકોને જરા પણ સમય નહીં લાગે. રાજા રામના શાસનની નીચે એક સુદ્રઢ સમાજ, સુંદર અને સક્ષમ દેશનો આધાર બનશે.  


*સમાનતા સાથે સામાજિક વ્યવસ્થા:

                  બસ હા, કદાચ પ્રભુ આ યુગમાં પોતાના પણ એક નિર્ણયને બદલવાની ઈચ્છા ધરાવશે કે પોતે સમાજનાં ખોટાં આક્ષેપો ઉપર જાણતાં હોવાં છતાં કે સીતા નિર્દોષ છે, તેનો સાથ આપી શક્યાં ન હતાં કેમકે તેમને પોતાના રાજા તરીકેના કર્તવ્યનું પાલન કરવું રહ્યું.

જે સામાજિક વ્યવસ્થા અને સમાજનાં નિયમોમાં દુષ્ટતા ન પ્રવેશે એ સાચવવા પોતાની પત્નીનો વિરહ સહન કર્યો એ આજના સમાજમાં જ્યારે પ્રભુ અવતાર લેશે ત્યારે ફેલાયેલા દુષણો, અનૈતિક સંબંધો વગેરે જોઈને કપરો ઘાવ સહન કરશે. હવે તો પ્રભુ પણ સત્યની અગ્નિ પરીક્ષા કરવાને બદલે અસત્યને જ અગ્નિમાં બાળશે. પ્રભુ પણ સ્ત્રી અને પુરુષને બદલે ન્યાય- અન્યાય, સત્ય-અસત્ય ને મહત્વ આપશે. પ્રભુ પણ ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાન હક અને ફરજો આપી પોતાની પત્ની સાથે સમાજ કલ્યાણ માટે કરેલા અન્યાયનો વિરોધ દર્શાવશે.


*ઉપસંહાર:

              પ્રભુ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પોતાની માયા થી લોકોને મોહિત કરી દે છે. રામ જ્યારે અવતાર ધારણ કરશે તો આ કલિયુગની રક્ષા કરવા માટે કદાચ ભગવાન કલ્કિને પોતાનું રૌદ્ર રૂપ એટલું ધારણ ન કરવું પડે. પ્રભુને પણ જોઈને કદાચ એમ થશે કે ખરેખર આ યુગને મારી જરૂર છે. જે સમય જતો રહ્યો છે એ કદાચ બદલી ન શકાય પણ આવનાર સમયમાં નુકસાની મારી પ્રજાને કે મારાં ભક્તોને વેઠવી ન પડે તો હું ફરી અવતાર લઈ કષ્ટો વેઠવા પણ તૈયાર છું કેમકે પ્રભુ પોતે પણ જ્યારે-જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે સંસારના નિયમો અને કષ્ટોથી એ પણ બચી શકતા નથી પણ હા, આ સંસારમાં કઈ રીતે જીવવું એમનો માર્ગ બતાવીને પોતાના ભક્તોના જીવનને તારી દે છે!

                રામ તો સદૈવ અમંગલ ને હરનારા પરમ સુખદાયી લોકોને આનંદ આપનાર કલ્યાણકારી છે માટે જ તો કહેવાયું છે..

रामेति रामभद्रेति रामचंद्रेति वा स्मरन ।

नरौ न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति ॥


-મિત્રા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ