વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવયિત્રી

"કોલેજકાળમાં તું કેટલી સરસ કવિતા લખતી હતી રસીલા, એવી એક મસ્ત મજાની કવિતા લખ ને. કેમ લખવાનું મૂકી દીધું છે તે??!!" મોબાઈલમાં સાહિત્યની એક એપમાં કોઈની કવિતા વાંચતી વખતે એમના એ શબ્દ જાણે મને અચાનકથી કાને સંભળાયા અને હું ભૂતકાળમાં સરી પડી.

કોલેજમાં જ્યારે પહેલી વખત મેં અમૃત ઘાયલની કવિતાનું પઠન કર્યું તો સૌથી પહેલાં ઉભો થઈને તાળી પાડવાવાળો એ હોંશીલો નવયુવાન મારો રમણિક હતો જે જોકે હજુ મારો નહોતો થયો, પણ હા મારી કવિતાની અમૃતવાણીથી એ ઘાયલ જરૂર થયો હતો. દિવસો વીતતા ગયાને અમારો પ્રેમ જેમ વરસાદમાં માટીની ભીની સુવાસ થઈ જાય એમ મહેકતો ગયો અને એના પ્રેમમાં હું ખુદ ક્યારે કવયિત્રી બની ગઈ એની મને ખુદને પણ જાણ ન રહી. લાઇબ્રેરીમાં બેસીને અમે એકબીજાના હાથમાં હાથ પરોવીને કેટકેટલી કવિતાઓ સાથે લખી નાખી. જોતજોતામાં આ કવિતાઓ થકી થયેલો અમારો હસ્તમેળાપ આખરે લગ્નમાં પરિવર્તિત થઈ ગયો.

ધીમે ધીમે લગ્નના જીવનમાં અમે એવા તો વીંટળાઈ ગયા કે અમારી કવિતાઓ થકી રચાયેલો હસ્તમેળાપ અમારી એ ડાયરીમાં જ ક્યાંક ખોવાઈ ગયો. શરૂઆતમાં રમણિક મને ઘણી વાર કહેતો કે "રસીલા કોઈ નવી કવિતા લખ ને, મને તારા મોઢેથી સાંભળવી છે" પણ હું એની વાત મજાકમાં ઉડાડી મૂકતી. પછી તો એ ઘરના કારોબારમાં અને હું છોકરા છૈયામાં એવી તે ગૂંચવાઈ કે ભાગ્યે જ નવરાશનો સમય મળતો.

"મમ્મી કેટલી વાર બુમો પાડી, શું કરે છે?! અનિમેષને જરા સંભાળ ને, તો અમે જમી લઈએ" અલંકારના સાદથી મારી વિચારોની શૃંખલા તૂટી અને સાથે સાથે આંખમાંથી સરી પડેલું ટીપું પણ મોબાઇલની સ્ક્રીન પર લીસોટા પાડતું મારા વિચારોની જેમ જમીન પર પટકાઈ ગયું.

રમણિકના ફોટોને જોઈને અનાયાસે જ મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા, " મારી કવિતાના શબ્દો જ તારા થકી હતા રમણિક, તારા ગયા પછી એ શબ્દો જ ખૂટી ગયા છે, ક્યાંથી લખું તારા માટે કવિતા?!!"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ