વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્ત્રીનું જીવન

સૌ કોઈના જીવનમાં  રંગ ભર્યા, સપના છોડી ઉમંગ ભર્યા

નિ:સ્વાર્થ ફરજો સમા કાર્યો કર્યાં, સંસ્કારોને સાચવ્યા કર્યા


અસ્તિત્વનો આંચળો સેરવી, અરમાનો ધૂળમાં ભેળવી

ભાવનાઓને ભગાડી, યંત્રવત્ જીવનમાં નિ:શબ્દ મેળવી


કુકરની સીટીમાં, મિક્સરની ઘરેરાટીમાં સંગીત સાંભળતી

વાસણના ખખડાટમાં, પાણીના કકળાટમાં દિવસો કાઢતી


દાળના ઉકળવામાં, ચટણી પીસવામાં ખુદને પીસતી

શાક હલાવતી ને માખણ સાથે હૈયાને ય વલોવતી


રાતનાં અંધારામાં  ડૂસકાં સાથે, લાગણીઓને મનમાં ઘૂંટતી

ઘડીક વિસામો માંગતી કે, બે મીઠા શબ્દોની આશા સેવતી


કંઈ કેટલાયે તડકા છાંયા જોતી, હિબકે ચઢી દરિયા જોતી

આયખાભરનાં અભરખા સીંચતી, મૌન બની મનમાં મૂંઝાતી


અરીસામાં જોઈ, લમણાંની ધોળી લટ ઉંમરની ચાડી ખાતી

જવાબદારીઓનાં ભારમાં, જિંદગીની પ્રત્યેક ક્ષણ ખોતી



પ્રીતિ શાહ  "અમી-પ્રીત"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ