મર્દાના સાહિત્ય
કોઈ પુસ્તકનું શીર્ષક ચોરી લેવાની તીવ્ર ઇચ્છા થઈ હોય તો એ છે, ‘બ્લડ મેરિડિઅન’. વિશ્વ સાહિત્યમાં વિખ્યાત અમેરિકન નામોમાંથી એક, કૉમેક મકાર્થી એના લેખક. અમેરિકન ભાયડા, મર્દાના લેખકોની જે પરંપરા અર્નેસ્ટ હેમિંગ્વે જેવા નામ સાથે પ્રચલિત થયેલી, (ગુજરાતમાં બક્ષી પણ એ પરંપરાને વરેલા) એના સંભવિત છેલ્લા સર્જક હશે કૉમેક મકાર્થી. ગયા વર્ષે જૂનમાં જ જીવન મંચ પરથી ઍક્ઝિટ લઈ ગયા. જતાં જતાં બે નવલકથાઓ આપીને. થોડા દાયકાથી વિશ્વ સાહિત્યનો પવન પલટાયો છે, જાતિયતા, જેન્ડર ઑરિઍન્ટેડ સાહિત્યનો ફાલ ઊતર્યો છે, ત્યારે મસ્ક્યુલિનિટી સાહિત્યમાંથી ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી છે. જેન્ડર ઑરિઍન્ટેડ સાહિત્યમાં ઘણું સુંદર સર્જન થયું છે, થઈ રહ્યું છે, પણ દરેક પ્રકારના અવાજનું સંતુલન રહેવું જોઈએ.
