વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નેહડાની હુતાશણી


          

                 ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવીને બેઠેલો 'નેહડો' એના દરેક તહેવારોને અનેરા આનંદમાં ઉજવે છે. 

                 ફાગણ મહિનાની સુદ એકમથી નેહડાના લોકોમાં ફાગણના ફાગ ની સાથે હુતાહણીનું પર્વ શરૂ થઈ જાય. નેહડાના ટાબરિયાઓ છાણમાંથી 'હાલુરિયાં' બનાવે. હાલુરિયાંમાં પણ વિશેષતા જોવા મળે. છાણના લોંદામાંથી રવાયાની માંકડી આકારના બનાવતા તેને 'ખજૂર' કહેતા. તો ગોળ હાલુરિયાં બનાવી એને વચ્ચે કાંણા પાડતા. સવારે બનાવીને આવેલા હાલુરિયાંને બપોરે કે સાંજે બીજીબાજુ ફેરવવા જવાનાં. સુકાઈ ગયેલાંને ખાટલાના જુના વાણ કે સાડલાની કોરના લીરામાં પરોવવાના એમાં ત્રણ કે પાંચ ગોળ હાલુરિયાં વચ્ચે એક ખજૂર પરોવવાનું એટલે હાલુરિયાંનો હાર પણ અલગ લાગતો. વધેરેલા નાળિયેરની સુકી એક સરખી બે કાસકોલીયો ભેગી કરી એમાં બે-ચાર કાંકરા કે કુકરા ભરીને ઉપર છાણનો લેપ કરી ગોળ ખખડતો દડો બનાવવાનો. જેટલાં ભાઈબહેન એટલા આવા દડા અને હાલોરિયાંના હાર બનાવવાના માન્યતાઓ ચિત્રવિચિત્ર અને ભાઈભાન્ડુઓ પ્રત્યેનો પ્રેમ પણ અનન્ય એટલે અડવાણા પગે ઢોરવાડાઓમાં રખડીને પણ છાણ ભેગુ કરવાનું અને હાલોરિયાં બનાવવાનાં.

                 હુતાહણીના દિવસોમાં નેહડાના મોટીયારડાઓ દરોજ રાત્રે અલગ-અલગ રમતો રમે. શરત-હોડ રાખે. આંખેપાટા બાંધી નક્કી કરેલ સ્થળ શોધવું, કાપડના કોયડા ઊંધા પગે નાખવા, હાથની આંગળી હલાવતાં-હલાવતાં મીઠાઈ ખાવાની, બશેર-ત્રણશેર ખજૂર-ગોળ-શિંગ ખાઈ જવાં, બોઘરુ ભરીને ઘી-દૂધ પી જવું, તો વળી શારિરીક શક્તિની રમતો પણ રમાતી બને પગ ભેગા રાખી બાંધલિયો કુવો કુદી જવો, નાળિયેરોની સોટો નાખવાની રમત,અમૂક લંબાઈએ કુદકા મારવા, સમી સાંજે નેહડાના યુવાનોના મુખે એક શબ્દ સાંભળવા મળે હેંડો 'સોટે રમવા' 

                   વઢિયાર એટલે આમતો ઘંઉ, ચણા અને કપાસનું પિયર. આ વસંતઋતુમાં મોટે ભાગે ચણા અને કપાસની આવક આવી જાય એટલે મોટીયારડાઓના હાથ પણ છૂટા રહે. પોત-પોતાના ખેતરોમાં રાત્રે કાલાં વેંણવાનાં જે પૈસા આવે તેની મીઠાઈઓ બધાએ સાથે મળીને ખાઈ જવાની કોઈ સંગ્રહખોરી નહી નકરો શીળો આનંદ જ લેવાનો.

                 હુતાહણીના દાડે નેહડાના દરેક બાળકો પોતપોતાના હાલુરિયાંના હાયડામાંથી એક હાયડો  આવતા વર્ષ સુધી રાખી મૂકતા. બાકીના લઈ નિશ્ચિત કરેલી જગ્યાએ એટલે નેહડાનુ મુખ્ય નાકુ હોય ત્યાં આવી જાય અને હાયડાઓ તોડીતોડી હાલરિયાં અને લાકડાં ગોઠવતા. હોળી ખડકવાની પણ માસ્ટરી હોય છે એની એ વખતે ખબર પડતી. જુવારના લાંબા ડોકલિયાને કપડાંની ધજા પરોવી ઉપર રહે તેમ ગોઠવવાનું આ ધજા કઈ બાજુ પડે એની તાલાવેલી રહેતી એના આધારે આવતા વર્ષની આગાહી થતી. હોળીની સાંજ એટલે લોકોની કિકિયારીઓ, હોળીના ફાગ અને ઝળહળતી આગ.

                નેહડામાં હુતાહણી પહેલાં જન્મેલા અને આ હુતાહણીથી આવતી હોળીના સમય વચ્ચે પરણેલા યુવાનોને દર્શન કરાવે છે. પ્રગટાવેલી હોળીની પ્રદક્ષિણા કરીને તેમાં ખજૂરની પેસીયો, જુવાર યા મકાઈની ધાણી અને નાળિયેર હોમવામાં આવતાં. હોળીની  હડાસ ઉપરથી પણ નીકળતા, લાકડાની તલવારો બનાવી તેમાં સળગતું હોળાયું લઈ ઘરે લાવી ઘરના ચૂલામાં મૂકતા. ઘરે આવી નેહડામાં પતાહા,ધાણી અને ખજૂર વહેંચવામાં આવતી. નેહડાની બાઈઓ ગાંણા ગાતા.


આંબાભાઈ મુંબઈ શેર ગયા તા ગોરી રે રુસણાં

આંબાભાઈ ભાઈબંધને પૂછે ભાઈબંધ ગોરી રે રુસાણાં

આખુ મુંબઈ શેર ડોળ્યું હલવો ચાંયના દીઠ્યો ગોરી રે રુસણાં

કાચા બાવળ વઢાવો તેની સોટીયો પડાવો,

સોટીયે નાકા ટંકાવો, નાકે ઘુઘરી મઢાવો,

ઘુઘરી ઘમઘમ વાગે સોટીયો સમસમ વાગે

હલવો કદીએ ના માગે ગોરી રે રુસણે.


                   હોળીનો તહેવાર એટલે આસુરીવૃતિ ઉપર દૈવીવૃતિનો, અસત્ ઉપર સતનો અને અધર્મ ઉપર ધર્મનો વિજય  અને આસુરીવૃતિનો સંહાર થયો. આ વિજયના આનંદમાં બીજા દિવસે સૌ રંગની હોળી ખેલે છે. ધૂળેટીનો ગુલાલ ઉડાડે છે. પણ નેહડાની ધૂળેટી એટલે કાળોકેર !

                   આમ, તો ધૂળેટીનો તહેવાર એટલે મનફાવે તેમ વર્તવાનો તહેવાર, દીયર-ભાભી અને એકબીજા પાસે 'ગોઠ' માગવાનો તહેવાર. ધૂળેટી તો છે વસંતઋતુનો પ્રેમવિલાસનો રંગોત્ત્સવ. ૠતુરાજ વસંત એટલે ફૂલડાંની ફોરમ અને રંગરાગ-ભરી મસ્તી જ નહીં પણ છાણને ગારાથી રગદોડ કરવાની મોજ.

                   શાસ્ત્રોમાં પણ ધૂળેટીના પર્વને સ્થાન આપવામાં આવ્યું છે. 'વસંતોત્ત્સવ' કે 'મદનોત્ત્સવ'નો સર્વપ્રથમ ઉલ્લેખ વાત્સાયને 'કામસૂત્ર'માં કર્યો છે. જૈમિનીય 'પૂર્વમીમાંસા'માં પિચકારીઓથી એકબીજા ઉપર કરાતા જળ-છંટકાવને વસંતોત્ત્સવ કયો છે. ચૈત્ર માસના પહેલા દિવસે નવા વર્ષના સ્વાગત માટે વસંતોત્ત્સવ ઉજવાય છે. એમ ભોજ રાજા જણાવે છે. ધૂળેટીના દિવસે કામદેવની પૂજા કરવાથી અને આંબાનો મોર પીવાથી કામતૃપ્તિ થાય છે. એમ 'ભવિષ્યપુરાણ'માં કહ્યું છે.

                    પ્રાચીન સમયમાં થતા રાજમહેલો અને જાહેરમાર્ગો ઉપર હોલિકોત્ત્સવ કે વસંતોત્ત્સવ ઉજવાતા એવું સુંદર વર્ણન સાતમી સદીના કવિ હર્ષેરચેલી નાટિકા 'રત્નાવલી'માં જોવા મળે છે.

                   કવિ બાણભટ્ટે 'કાદંબરી'માં નવયુવતીઓની સોનાની પિચકારીઓમાંથી ઉડતી રંગબેરંગી જળધારાઓથી ચિત્રવિચિત્ર બની જતા રાજા તારાપીડની રંગહોળીનું વર્ણન કર્યું છે.

                  વૃક્ષોનાં પાંદડે પાંદડે વસંત સોળે કળાએ ખીલી હોય, કેસુડો મ્હોર્યો હોય, ત્યારે સૌ મદહોશ બને, અબીલગુલાલનો છંટકાવ કરે એ સ્વાભાવિક છે, પરંતુ એન ભૂલવું જોઈએ કે હોળીની હડાસમાંથી તો દેવીવૃતિની શીતળતા પ્રગટાવવાની છે, ધૂળેટીની ધૂળમાંથી પણ ગુલાબનાં ફુલ ખીલવવાનાં છે. હોળી-ધૂળેટી તો વાસ્તવમાં જીવનના કેસુડાથી મહેકતું કરવાનું રંગીન પર્વ છે.

- રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ