વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શેંભણું


                                                                                   

            'શેંભણું' શબ્દ સાંભળતા કે વાંચતા નવાઈ લાગી હશે ! નહીં ને ? આ શબ્દની એ તો ખાસિયત છે. વઢીયાર સિવાય આ શબ્દ મોટે ભાગે કયાંય સાંભળવા મળતો નથી. આજથી ચોવીસ વર્ષ પહેલાં મારે મોટી બહેનના ભાણાનું શેંભ-શેંભણું લઇ જવાનું હતું. મારા ક્લાસ મિત્રો ને વાત કહેલી કે મારે શેંભણું લઈને જવાનું છે. તેમને નવાઈ લાગી ! મને પ્રશ્ન કર્યો 'શેંભણું' એટલે શું ?  આવા ઘણા શબ્દો અને આગવા સંસ્કાર-સંસ્કૃતિ વઢિયારી નેહડામાં જોવા મળે છે.

                   હોળી એ અધર્મ ઉપર ધર્મનો અસત્ય ઉપર સત્યનો અને દમન ઉપર સ્વતંત્રતાનો જયનાદ કરતો તહેવાર છે.

                    રાજસ્થાની માટે એવું કહેવાય છે કે, "દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે જ" આવી લોકોક્તિ પ્રચલિત છે. ગુજરાતમાં મોટા ભાગની વસ્તી રાજસ્થાનથી આવીને સ્થાયી થયેલી છે. આપણા રિવાજો વર્ષોથી આજ સુધી ઉજવાતા આવ્યા છે.

                   હોળીનો તહેવાર વઢિયારી લોકો માટે પણ એક આગવું સ્થાન અને વિશિષ્ટતા ધરાવે છે હોળીના પર્વ સાથે એના કેટલાક રિવાજો પણ છે.

                   વેદકાળમાં હોળી તો યુવાનીમાં પ્રવેશતી નવવધૂ માટે દાંપત્યજીવનનો મંગલ આરંભ કરવા માટેનું પવિત્ર પર્વ ગણાતું હતું.

                    એક રિવાજ છે 'હાયડો કરવો' દીકરાનું સગપણ થયું હોય તેવા દીકરાના પક્ષ તરફથી વેવાઈના ત્યાં કપડાં,ખજૂર, પત્તાસા અને હાયડો- એક મીઠાઈ, પતાસા જેવી હોય છે એની અંદર દોરો પરોવી અને હાર બનાવવામાં આવે છે. આ 'હાયડો' લઈને જાય છે. મારા ગામ કોલાપુર-હેમડકીમાં આ રીવાજ આજે પણ 'હાયડા' તરીકે જોવા મળે છે. હાયડા લઈને આવનારની મશ્કરી પણ થાય છે. જોડાં કે બીજી વસ્તુઓ યુવતીઓ સંતાડીને 'ગોઠ' માગે છે.

                     આજે પણ હોળીના તહેવારની વહેલી સવારે વઢિયારના લોકો જયાં વસતા હોય ત્યાંથી પોતાના વતનમાં આવીને નવપરણિત યુગલ છેડા-છેડી બાંધીને ગામના પાદરદેવ-દેવતાઓ ને પગે લાગવા. સોટીએ રમવા, વધામણા કરવા આવી જાય છે. મારા મોસાળ જુનામાંકામાં આ પ્રથા આજે પણ જોવા મળે છે. હોળી પહેલાં પરણેલા યુગલ 'શેલાહરુ' કરે છે. શેલાહરુ એટલે સજોડે દર્શન કરીને નૈવેધ ધરાવવું. શ્રીફળ, સુખડીનો પ્રસાદ ધરાવે છે. દિવસે સમગ્ર ગામતળના દેવી-દેવતાનાં દર્શન કર્યા પછી સાંજે હોળીના દર્શને જાય છે.  વરરાજા સાથે જાન જતી હોય તેમ જયાં હોળી પ્રગટાવવામાં આવે ત્યાં જઈને હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં ધાણી, ખજૂર અને શ્રીફળ હોમે છે.

                   વઢિયારમાં હોળીનો સૌથી પ્રચલિત રિવાજ હોય તો  'ઢોંઢ' કે 'શેંભણું' છે. શેંભણાનાં મૂળ તો આમ છેક ભવિષ્યપુરાણમાં પડેલા જોવા મળે છે. ભવિષ્ય પુરાણમાં એક કથા છે કે ઢોંઢા નામની રાક્ષસી શિવજીને પ્રસન્ન કરીને ન મરવાનું વરદાન મેળવ્યું. પરંતુ ભગવાન શિવજી ઉમેર્યું કે નવી ઋતુના આરંભે તોફાની બાળકોથી તને ભય છે. તેથી રાક્ષસીએ અનેક બાળકોને મારી નાખીને રઘુરાજાની પ્રજામાં કાળોકેર વર્તાવ્યો.

                    વશિષ્ઠ ઋષિએ રાક્ષસીને મારવાનો ઉપાય બતાવ્યો. "આજે સૌ બાળકો લાકડાને છાણાં એકઠાં કરી, તેમાં અગ્નિ પ્રગટાવી કિલકિલ શબ્દોથી ભારે શોર મચાવી, તાળીઓ પાડે, અગ્નિની ત્રણવાર પ્રદક્ષિણા કરી, સૌ ગાન કરે, હાસ્ય કરે અને જેના મનમાં જેમ આવે તેમ બેધડક બોલે." એટલે ટૂંકમાં શોરબકોર કરે. ઋષિનાં વચન પ્રમાણે કરતાં પાપિણી ઢોંઢા રાક્ષસીનો સંહાર થયો.

                      આ વર્ષે જન્મેલ બાળક માટે ફઈબાના ઘરેથી, કપડાં, ખજૂર,ધાણી, પતાહા, હાયડો અને એકાદ બાંગરુ-જણસ-દાગીનો લાવવાની રીતને 'ઢોંઢ' કહે છે. જયારે આજ વસ્તુંઓ બાળકના મામાના ત્યાંથી આવે છે તેને 'શેંભણું' કહે છે. બહેનને ઢોંઢના બદલામાં બીજી રીતે ઓઢમણાં કરવામાં આવે છે. જયારે મામાના ઘરનું પોસાતું હોવાથી એમને ઓઢમણા તો થાય છે પણ એ પાછાં આપી દે છે.

                    આ ઢોંઢાની કથાનો શોરબકોર એટલે શેંભાડ્યા પહેલાં કરવામાં આવતો 'ઘાણકપિલો' કે 'ધમઘોકો'.

                  ઘાણકપિલો એટલે હોળીના દિવસે સાંજના જે બાળકને હોળીએ શેંભાડવાનું-પગે લગાડવાનું-દર્શન કરાવવાના હોય જેનું શેંભ હોય તેને નવા કપડાં પહેરાવી શણગારી વરરાજા જેમ તૈયાર કરવામાં આવે છે. બાળકને એક નાની ઢોયણી(ખાટલી,માંચી) માથે સફેદ ગોદડા પર કંકુનો સાથિયો કરી બાળકને ખોળામાં લઈ મામા કે કાકા બેસે છે. એને ઘઉંની પોહલી ભરાવી ઉપર નાળિયેર મૂકવામાં આવે છે. સાથે લાકડાની તલવાર પણ હોય છે. નાળિયેર પર પાંચ ચાંદલા કરી વધાવવામાં આવે છે. બાળકના કાકા-મામાની ડોકમાં 'હાયડો' પહેરાવવામાં આવે છે. ઘાણકપિલા માટે તલવાર બનાવવાની તૈયારી અઠવાડિયા પંદર દિવસ પહેલા શરૂ થઇ જાય છે. આજે તલવારને કંકુથી રંગવામાં આવે છે. નેહડાના બાળકો હાથમાં રહેલી લાકડાની તલવાર લઈને ચારે બાજુ ફરતાં બેઠેલા યુવાનને તલવારની અણી અડાડતા જાય છે ને કિકિયારીઓ પાડતા જાય છે. 'ધમધોકો' કરતા તમામ બાળકોને ખજૂર, ધાણી, પતાહા વહેંચવામાં આવે છે. બાળકની ફઈબા નેહડાના લોકોના ઘરે-ઘરે બાકડા-ઘુઘરી-ઠોઠા આપે છે.

                     બાળકની બહેન કે કુટુંબની કુંવાસી પિતળના લોટામાં પાણી, રૂપિયો, સોઈ-દોરો, જુવાર-બાજરીનો ડોકલિયો અને ઉપર લીલું કપડું એના પર શ્રીફળ મૂકીને 'સામૈયું' માથે લઈ આગળ ચાલે છે. આ પ્રમાણે ઘરેથી બાળકને લઈને હોળીના દર્શને જાય છે. હોળીએ દર્શને જતાં બાળકની ડોકમાં 'હાયડો' પહેરાવામાં આવે છે. રસ્તામાં બાળકની ડોકમાંથી કોઈ હાયડો ના ખેંચીલે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. નેહડાના બધા બાળકો, યુવાનો સાથે દર્શને નીકળે છે. બહેનો ગીતો ગાતી પાછળ ચાલી આવે છે. જયારે હોળીએ બાળકને શેંભાડવા જતી નેહડાની બાઈઓ લાંબા લહેકાથી ગાણાં ગાય છે એ સાંભળવાની મજા છે.

                  (૧)

શકન જોઈને હાંસરજો રે સામો મળિયો જોષીડાનો બેટો.

જોહડલાં જોઈને હાંસરજો.


ઘોડી તારો લીલુડો છે વાહ, ઘોડી તારે મસિયારે હાસા હિરા,

સડશ ચિયા ભૈ વરરાજા,

એવા સડશે મારે ક્રિશકભાઈના વીરા.


                    (૨)

સાલો દેરાણી સાલો જેઠાણી હોળી પૂજવા જઈએ,

શેંભણું પેરનાર કોઈ નઈ.


સાલો દેરાણી સાલો જેઠાણી ગાયો દોવા જઈએ,

દૂધડાંનો માગનાર કોઈ નઈ.


સાલો દેરાણી સાલો જેઠાણી પાણી ભરવા જઈએ,

છેડલાનો ઝાલનાર કોઈ નઈ.


સાલો દેરાણી સાલો જેઠાણી રોટલા ઘડવા જઈએ,

ચાનકીનો માગનાર કોઈ નઈ.


               હોળીની નજીક જઈ બાળકને તેડીને આવેલ યુવાન એક હાથમાં બાળકને અને બીજા હાથમાં સામૈયા વાળો પાણીનો લોટો પકડી પાણીની ધારાવણી કરતાં કરતાં બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવે છે. હોળીની હડાસમાં ખજૂરની પેસીઓ, ધાણી અને શ્રીફળ હોમવામાં આવે છે.

                 નેહડાના જેટલા પણ યુવાનોના લગ્ન હોળી પહેલા થયા હોય, જે બાળકનું શેંભણું કર્યું હોય એમની પાસેથી નેહડાના વડીલો એક-એક શ્રીફળ ઉઘરાવે છે. પછી તે શ્રીફળ ચોક વચ્ચે વધેરવામાં આવે છે. કુટુંબ-પરિવારનાં જેટલાં ઘર હોય તેટલાં ટોપરાંના સરખા ભાગ પાડે છે. ચોથ આપવામાં આવે છે. એટલે આ દિવસે બીજી રીતે પોતાના પરિવારનાં કેટલાં ખોરડાં એની પણ ગણતરી થઇ જાય છે. જ્યારે કોઈ વખત કોઈ પૂછે તમારા નેહડામાં કેટલાં ઘર છે ? તો કહે છે કે, "આ વખતે હોળીની ચોથમાં આટલાં ઘર થયાં." આમ, વડીલો કુંટુંબ ગણતરી પણ કરી નાખે છે.

                    હોળીએ શેંભાડીને વળતાં ઘરે આવીને જેના ત્યાં બાળકનો જન્મ થયો હોય કે પુત્રના લગ્ન થયા હોય તેના ત્યાં આખા નેહડાનાં લોકો વારાફરતાં ઘેર-ઘેર ફરતાં. અને હોળીના ગીતો ગાતાં.

                 (૧)

ચિયા ભૈએ માંડી હાટડી રે

ઘી ગોળ વોરવા જાએ ચિયાં વઉ સાટકડી રે.


હમીરભાઈએ માંડી હાટડી રે

ઘી ગોળ વોરવા જાએ જામી વઉ સાટકડી રે.


હમીરભાઈએ લીધી લાકડી રે

તરાગડી રે ટુટી રે, વાટકડી રે ફૂટી રે,

લાકડી રે છૂટી રે, બાઈજી મને મારી રે.

નથી તને મારી રે, તું જનમની જુઠ્ઠી રે,

ભલે ભસેડી તને લાકડી રે.


                  (૨)

ઘોડી ગઢડે સડીને નેંશે ઉતરી,

ઘોડીનાં મસીયાં રે મુજપર શેરનાં.

જોબન ઘોડી માલે.


ઘોડીનો કાઠડો રે કાઠિયાવાડી,

ઘોડીના અસવાર ક્રિશક ભૈ લાડકા,

જોબન ઘોડી માલે.


                શેંભણાવાળા ઘરે નેહડાની બાઈઓ ખજૂર, ધાણી, પતાહા વહેંચે છે. વેચનારી બાઈને પણ ગીતમાં કહે છે.

                    (૧)

કોણ વેસે વરિયાળીને કોણ ટોળા મારે,

કંકી વેસે વરિયાળીને જામી ટોળા મારે.


થોડી વેસજે વરિયાળી આપણ બે શું ખાસું,

હરતી જા જે ફરતી જા જે ઘાઘરે ગોંજુ ભરજે.


               જે ભાઈના ઘેર આ શેંભણાનો પ્રસંગ હોય એમને પણ ગાણા ગાય છે.

                  (૧)

રોહીડે રાતાં ફુલડાં રે લોલ,

ફુલી ફુલીને ભૈ શું કર્યું રે લોલ.


ખજૂરની વેળાએ હમીર ભૈ સંતાઈ ગયા.

વીરા ફુરી ફુરીને તમે શું કર્યું રે લોલ.


               જયારે નેહડાની બાઈઓ પોતાના ઘેર જુદા પડવાનાં હોય ત્યારે પણ ગાણાં ગાય છે.

                  (૧)

દો ને અમને શીખ દો ને અમને  શીખ,

પરવાડે પછીત પરવાડે પછીત.

બારવટિયાંની બીક

અમે ઘેર જઈએ


તમારો ગળિયો તે ગોળ અમે નૈ લઈએ,

તમે પેંડા વેચાવો સારી રાત ગઈએ.


તમારાં પોલાં પતાહાં  અમે નઈ  લઈએ.

તમે પેંડા વેચાવો સારી રાત ગઈએ.


               આમ, શેંભણામાં આવેલ બાઈઓ પોતાના ઘેર જાય ત્યાં સુધી ગાણાં ગાય છે. બીજા દિવસે સવારે વાંસના સુંડલામાં ભરીને ઠોઠા-બાકરા-ઘુઘરી ઘેર ઘેર વહેંચે છે.

                

              એક માન્યતા પ્રમાણે આ વર્ષે જન્મેલ દરેક બાળકને હોળીના દર્શન કરવવામાં આવે તો એને કોઈ રોગ થતો નથી. અને બચી જાય છે એટલે કદાચ એ કૂતરાંના ગલૂડિયાં માટે કહેવાય છે. "હોળીની હડાસ જોશે એટલાં બચી જશે." હું મારા પાળેલા ગલૂડિયાને હોળીના દર્શન કરાવતો. ખરેખર ! હોળીની હડાસ જોતું એ કૂતરું ઉમરે અડતું.

       

              દરેક તહેવાર નેહડાની સંસ્કૃતિ અને સંગઠનની એકતા ટકાવવાનું કાર્ય કરે છે. એટલે કે માણસને માણસની નજીક તહેવારો લાવે છે.

- રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ