વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોળી ગીત

હોળી ગીત / જગદીપ ઉપાધ્યાય

 ખૂબ મનાવો હોળી રે

મસ્તીઓના  રંગ ભરેલા  દિયો પીપડા ઢોળી રે

ખૂબ મનાવો હોળી રે

 

આવ્યા લીલાવાના ટાણા

કેસૂડા   અંગે   છલકાણા

કિર, કાબરા ગાય ફટાણા

જોબનવંતી ડાળીઓની  ધક્ધક ધડકે ચોળી રે

ખૂબ મનાવો હોળી રે

 

પકડા પકડી ,  જોરાજોરી

ખેલો રસિયા રંગભર હોરી

કોઇ  રહે  ના  શેરી  કોરી

ના  માને એ મરજાદીની  કરજો  ટીંગાટોળી રે

ખૂબ મનાવો હોળી રે

 

પીટો  ઢફલી, ઢોલ, નગારા

નાચો દિનભર થૈ વણજારા

હોલી હૈ.. ના છેડો  નારા

નીકળો લૈને હૈયા લુટતી ઘેરૈયાની   ટોળી રે

ખૂબ  મનાવો હોળી રે

 

ભાભી ક્યાં સૌ, ગોરી,કાળી

તોરીલી કોઇ ચોખલિયાળી

ખાવ  સહેલી  મીઠી  ગાળી

ના .. ના.. કરતી રંગો એને ખૂણામાંથી ખોળી રે

ખૂબ મનાવો હોળી રે

 

એ.. રમે ત્યાં બાંકો છોરો

છોડ મહીં જાણે ગલતોરો

ભીને  વાને   થોરો  થોરો

ક્યારે આવે ઓરો કે ઊભી છું  નજરો તોળી રે

                                                                               ખૂબ મનાવો હોળી રે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ