1176
પહાડ જેવી પડછંદ કાયા. ચાલતો હોય તો એવું લાગે કે રસ્તો એના કદમથી ગભરાતો હોય અને રસ્તાની માટી નવી નવેલી વહુની માફક દાંત વચ્ચે ચૂંદડીનો છેડો ચાવતી નીચી નજર કરીને શરમાતી હોય. ખખડીને હસે તો લાગે કે નજીકમાં જ ક્યાંક ઓઠું લઈને સિંહે ગર્જના કરી હોય અને મૂછમાં હસે તો લાગે કે પેલી ટેકરી પાછળ સૂર્ય અસ્ત થયો હોય. ક્લીન ચહેરા ઉપર જાણે સફેદ વાળનો પડછાયો પડતો હોય એવી અડધી સફેદ દાઢી અને એવી જ ચહેરા સાથે ભેરૂબંધી મૂછની.
નામ એનું નવીન. પુરા પાંચ હાથ પૂરો અને આમ પણ બધી બાબતોમાં પૂરો. સત્ય કહેવાનું અને સત્યને અનુસરવાનું. સિદ્ધાંત વગર સિદ્ધાંતથી જીવવાનું. કોઈને મદદ ન કરવી હોય તો કોઈને નડવાનું પણ નહીં. કંઈ પણ કરવું હોય તો આત્મવિશ્વાસથી કરવાનું અને ના કરવું હોય તો મોઢા ઉપર જ ના કહી દેવાની. અને એ પણ હિંમતથી. પછી ભલેને સામે સગો બાપ હોય.
સરળ અને સાદગી ભર્યું જીવન છતાં અપેક્ષાઓથી અને વિઝનથી મહેકતું મન. હા, ક્યારેક તો એના સપના સાંભળીને હસવું આવે અને થાય કે, લ્યા... આ જો જે... ક્યાં છે અને ક્યાં પહોંચવાની વાત કરે છે. પરંતુ બીજી જ ઘડીએ વિચાર આવે કે સાલું નિશાન ચૂક માફ નહિ માફ નીચું નિશાન. હા પ્રાથમિક શાળામાં આ ભણેલા અમે. અને એથી વધુ કેયુરે જ શીખવ્યું કેમ કે વ્યવસાયે તો શિક્ષક ખરો ને!
મસ્ત મૌલા અને મનમોજી. શેર માર્કેટમાં કહેવાય કે કિંગ. સાલું આખા માર્કેટ ઉપર નજર હોય. અને ખબર નહિ એ જે કહે એ સાચું જ પડે. નવાઈની વાત કહું? તે છતાં એ નુકશાન જ કરે. એક વાર તો મેં પૂછી જ લીધું:
"નવીનભાઈ, માર્કેટનું આટલું નોલેજ છે તમારી પાસે, તમને ખબર જ છે કે કઈ કંપનીનો શેર ક્યાં જઈને અટકશે અને કઈ કંપનીનો શેર કેટલો ગબદશે તેમ છતાં તમે નુકસાન કરો છે? હાઉ?" - અવાર નવાર વાત થતી કે આજ આટલો નફો આટલું નુકસાન થયું. અને એમ પણ કહેતા કે મને ખબર હતી કે આમાં મને નુકસાન જ થવાનું છે છતાં કર્યું. ગજબ કહેવાય ને?
ભાઈબંધ ખરોને એટલે પૂછી શકાય ભાઈ. અને એ જવાબ આપવાને બદલે હસવા લાગ્યા. મને કંઈ સમજાયું નહીં એટલે આખરે એમણે કહ્યું:
"જુઓ ભાઈબંધ (અમારો પેટર્ન વર્ડ હો.) મને ખબર છે હું નુકસાન કરું છું. મને એ પણ ખબર છે કે હું નુકસાન નથી કરતો."
આપણે માથું ખંજવાળવા લાગ્યા. એક તો આ માર્કેટનો ઘૂંટડો આપણાં ગળા નીચે ઉતરે નહીં અને ઉપરથી આ એમના કોયડા જેવા શબ્દો. તેમ છતાં નવું જાણવાની અને શીખવાની ધગશ એટલે આપણે તો પૂછ્યું:
"મતલબ?"
"મતલબ કે હું અનુભવ લઉં છું. તમને એવું લાગે છે કે મને બધું આવડે છે. હું પણ કહું છું કે હા મને આવડે છે. પણ અત્યારે જે ભૂલો કરીને હું રૂપિયા ગુમાવું છું એ ભવિષ્યમાં નહિ થાય. એટલે હું અત્યારે અનુભવ લઉં છું. પૈસા ખર્ચીને લેવાય ને ભાઈ."
વાત તો સાચી હતી. સ્કૂલો વાળા તગડી ફી લઈને જ શિક્ષણ આપે છે. તેમ છતાં અનુભવ નહીં. તો થોડા નુકસાનમાં આ માણસ જીવનનો અનુભવ કમાઈ રહ્યો હતો. પણ આપણે થોડા અવળા એટલે એમ વાતનો દોર મૂકી શેના?
"પણ એનો કોઈ મતલબ નહિ ને?"
"કેમ નહિ? ભલા માણસ મારે મારા અંગત મિત્રોને ઔડી વિથ બંગલો ગિફ્ટ આપવાનો છે. એ કંઈ આમ ચપટી વગાડતા થોડા થવાનું છે."
મેં કહ્યુંને હમણાં કે સપના એવા કે હસવું આવી જાય. પણ સાચું કહું તો એ કરી શકે. કેમ કે એની પાસે નોલેજ એટલું. હિંમત પણ ખરી. બસ કમી હતી તો વિટામિન એમ ની. એ કાયમ કહેતા મારી પાસે વધારાના પાંચ લાખ રૂપિયા હોય ને તો હું આમ ચપટી વગાડતા શેર માર્કેટમાંથી રૂપિયા બનાવું. પણ હોય તો...
થયું એવું કે મિત્રતા થોડી વધી. થોડા નજીક આવ્યા. આમ પણ એમના શબ્દોમાં કહું તો બેઠક એવા માણસ સાથે હોવી જોઈએ જે આપણા કરતા વધારે જ્ઞાની હોય. એટલે આપણે ભાઈ એમની આગળ પાછળ ફરવા લાગ્યા. પેલી માખી ઊડતી હોય એમ. કેમ કે એ ભલેને નુકસાન ખાઈને અનુભવ મેળવતા આપણે તો મફતમાં માર્કેટનું જ્ઞાન જોઈતું હતું. મને ખબર હતી કે આ માણસ ખુદ નુકસાન ખાઈ શકે પણ બીજાને નુકસાન ન જ ખાવા દે. હા, આવા માણસો મળવા મુશ્કેલ છે. મારા અહોભાગ્ય કે મને ભટકાયા. અથવા એમના દુર્ભાગ્ય કે હું એમની સાથે અથડાયો. જે કંઈ હોય પણ અમે સારા મિત્રો બન્યા.
અમારી મિત્રતા વધી એનું બીજું એક કારણ કે એ રહ્યા માસ્તર અને વાંચવાના શોખીન. આપણે પણ થોડું ઘણું લખી નાખીએ ક્યારેક. અને વાંચવાનો શોખ. એટલે આમ કહેવાય ને કે થોડા થોડા સ્વભાવ ભળતા.
પણ સાલું એ દિવસે આશ્ચર્ય થયું અને એ પણ ગજબનું. મારી પાસે એ મોબાઈલ લઈને આવ્યા:
"ભાઈબંધ આ ઇમેજને મારા મોબાઇલની સ્ક્રીન ઉપર રાખી દ્યો ને?" - એમણે કહ્યું.
"અલ્યા... હદ કરી હવે તમે. માસ્તર થઈને યાર એટલું નથી આવડતું?" - મેં હસતા હસતા કહ્યું. હું તો મજાક જ સમજતો.
"ખરેખર નથી આવડતું." - એમણે પણ હસતા હસતા કહ્યું.
મેં ઇમેજ જોઈ. આડા અવળા પેલા ન્યૂઝપેપરમાં સંખ્યા ભરવાનું સુડોકુ આવે એવું કંઈક હતું. પણ આ ચોખટાના બધા ખાના પુરેલા હતા. અજીબ લાગ્યું પણ આપણે એ ઇમેજ ઉપર ધ્યાન ન આપતા એને વોલપેપરમાં સેટ કરવાની મથામણમાં પડી ગયો. અઘરું હતું પણ અંતે આ બંદાએ કરી જ આપ્યું. હજુ એ પૂરું થયું જ છે ત્યાં તો મોબાઈલ લેવા લાંબા થયેલા હાથની હથેળીમાં બીજો કોયડો મળ્યો. હથેળીમાં તે વળી ગ્રીન સાહિથી એક અંક લખેલો 1176. મારી નજર ત્યાં ચોંટી રહી અને વિચાર પણ.
"આ શું છે? કોઈ યાર હથેળીમાં પોતાનું નામ લખે, ભગવાનનું નામ લખે. વાઈફનું નામ કે પ્રેમિકાનું નામ લખે. તમે આ શું લખ્યું?" - અસમંજસમાં મારાથી પુછાય ગયું. ના. ખોટું લગાડવાનો કોઈ સવાલ હતો જ નહીં. મિત્રતા હતી જ્યાં વિચાર્ય વગર બોલી શકાય.
"એમ છે ને ત્યારે. તમોને તો ખબર જ છે કે આપણે બધાથી ઊંધા." - ગાંધીનગર બાજુના એટલે શબ્દોમાં એ બાજુનો જરાક લહેકો તો રહેવાનો.
"હા પણ છે શું?" - મેં ફરી ગાડી પાટા ઉપર ચડાવી.
"નસીબ!." - કેટલા હળવાશથી કહ્યું બોલો.
"મતલબ?!" - એટલા જ ગંભીર અને આશ્ચર્યથી મેં પૂછ્યું.
"મેલો ન ભય.. તમોને ગતાગમ ના પડે." - એમણે કહ્યું.
"હા... તો પાડો."
"એમાં શું પાડવાનું. આ તમે જે મોબાઇલની સ્ક્રીન ઉપર ચોખટુ ગોઠવ્યું એ ભાગ્યના દ્વાર ખોલવાનો મંત્ર છે અને મારી હથેળીમાં જે અંક લખ્યો છે એ ભાગ્ય અંક છે."
સાલું આંચકો લાગ્યો. મેં પહેલા તો આજુબાજુ જોયું. કોઈએ સાંભળ્યું તો નથી ને? ભૂતકાળમાં સાઇન્સનો વિદ્યાર્થી, વર્તમાનમાં એક આદર્શ શિક્ષક અને ભવિષ્યનો એક શ્રીમંત નાગરિક જો આવી અંધશ્રદ્ધા ભરેલી વાત અને એ પણ આટલા ટેકનોલોજીના જમાનામાં કરે તો સાંભળીને બીજા તો મૂર્ખ જ માનવાના ને?
મને પણ સાંભળીને હસવું આવ્યું. પણ મેં ખાળી દીધું. કેમ કે મારા કહેવા ના કહેવાથી કે મારા હસવાથી એમને થોડો કોઈ ફરક પડવાનો હતો? એમના માટે એ અંક અને એ ચોખાટું શ્રદ્ધાનો વિષય હતો. અમારા માટે ભલે ને એ અંધશ્રદ્ધા હતી. તો પણ આપણે તો નફ્ફટ પૂછી જ બેઠા:
"યાર આટલા એજ્યુકેટેડ થઈ ને શું આવી વાત કરો છો. અને મને તો એ જ નવાઈ લાગે છે કે તમે આવી બાબતોમાં માનો છો."
"ભઈ આપણે માનતા નથી. પણ કોઈ બાબતનું પારખું કરી લેવું એવું આપણું માનવું છે." - સહજ ભાવે અને સાચું કહ્યું.
"પણ આ તમને આપ્યું કોણે? મતલબ કે કયા બાબા એ?"
"ઇન્સ્ટાગ્રામે."
મને ફરી હસવું આવ્યું. એક સમયે તો એવો વિચાર આવ્યો કે શું કહેવું આને? સાવ કેવી વાહિયાત વાત લઈને અને માન્યતા લઈને બેઠા છે? પણ મેં કઈ કહ્યું નહિ. હા, મારાથી એમને આવી અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે થોડા મોટીવેશન ભરેલા વાક્યો કહેવાયા પણ એનો એમની ઉપર કોઈ ફરક પડ્યો નહિ. એમને તો પરખા જ કરવાના હતા. અને આપણે પણ પછી એ વાતને લાંબી ખેંચી નહિ.
* * *
વર્ષો વીતી ગયા એ વાતને. પણ હા બહુ ઝાઝા નહિ. દસ વર્ષ જેવો સમય થયો હશે. મારા મોબાઈલમાં ફોન આવ્યો. નામ વાંચીને સુખદ આશ્ચર્ય થયું. મેં ફોન રિસીવ કર્યો.
"ભાઈબંધ..." - સામે છેડેથી અવાજ આવ્યો.
"બોલો બોલો ભાઈબંધ." - મેં હરખથી કહ્યું.
"તમને વોટ્સએપમાં હું લોકેશન નાખું છું. ત્યાં પહોંચી જાઓ. ઔડી વિથ બંગલો તમારી રાહ જુએ છે."
સામે છેડેથી ફોન કપાઈ ગયો. મારું મોં ખુલ્લું હતું અને ખુલ્લું જ રહ્યું. કેટલીયે વાર સુધી મારી ફાટેલી આંખો સિગ્નલ છોડી દીધેલા અને મારા હાથમાં રહેલા ફોનને જોઈ રહી. કદાચ સિગ્નલ મારું છૂટી ગયું હતું.
