વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાલિની- ચાર દિ' ની ચાંદની

હું ઉત્તરપ્રદેશની છોકરી, દિલ્લીમાં એકલી, ભણવા માટે પેઇંગ ગેસ્ટ તરીકે એક વાયા વાયા ઓળખીતા સબંધીને ત્યાં રહેનારી. વેકેશન વિશે વિચારતાં, બોર થતાં, કોઈ ઓનલાઈન સાઈટ પર જોયું કે જે લોકો એકલાં હોય અને ટ્રાવેલ કરવા માંગતા હોય, તો એ સૌને માટે (આસામની) ટૂર મીટ રાખી છે. પણ કારણસર ન જઇ શકતાં હું મારા નવા સાથી મિત્રોને મળી ન શકી, જે મારી જોડે તેઓની ગોઠવેલ આસામની ટ્રીપ પર આવવાનાં હતાં, જેમાં મેં પણ પૈસા ભરેલ. 

           આમ તો હું ચોક્કસ છું દરેક કામમાં, ભલે પછી એ ભણવાનું હોય, રમવાનું હોય, કામ હોય કે સબંધ હોય. બિન્દાસ પણ એટલી જ. જે મન કરે એ ખાઈ લેવાનું, ખરીદી લેવાનું, ફરી લેવાનું… અને એવું ઘણું બધું. નવા મિત્રો બનાવવાનું ય ગમે. છોકરીઓની મિત્રતા ઓછી ગમે. માત્ર એક જ કારણ, એ લોકો જે પંચાત કરે એમાં કયારેય ચાંચ ન ડૂબે અને યાદ પણ ન રહે. મારા મિત્રવર્તુળમાં વધારે સંખ્યા ટૉપર્સ છોકરાઓની હતી. મને એલોકો સાથે વધુ ફાવે. કોઈ વાર સિગરેટ પણ પી લેતી એ લોકોની સંગાથે. હા યાર! આઈ નો .. હાનિકારક છે. 

             હવે, ઘરે વાત કરી મેં આસામ જવાની. પપ્પાની કચવાટભરી હા અને મમ્મીની ચોખ્ખી ના ની ઉપરવટ જવા હું બેગ ભરી તૈયાર થઈ. વોટ્સએપ પર ગ્રુપ બન્યું. ગૌહાટી, શિલોન્ગ, મોઉલીનોગ, ચેરાપુનજી, મજુલી, જોરહાટ જેવી જગ્યાઓનું લિસ્ટ તથા હોટેલમાં ચેક-ઇન ચેક-આઉટની તારીખો આવી ગઈ. સાથે રાખવાની વસ્તુઓનું અને ત્યાંથી આપવામાં આવવાની વસ્તુઓનું લિસ્ટ પણ આવી ગયું. ગ્રુપમાં કેટલા જણા, કોણ કોણ એ કંઈ ચેક કર્યા વગર ગ્રુપ સાઇલેન્ટ કરી દીધું. સવાર વહેલી પડી અને કેબ બોલાવી રવાના થઈ એરપોર્ટ.

              દિલ્હીથી ફ્લાઇટ રવાના થઈ, વાદળોમાંથી સીધા લીલાછમ પહાડો વચ્ચે થઈને ગૌહાટી પહોંચ્યા. તેઓની જ ટ્રાવેલર્સમાં (મીની બસમાં) હોટેલ પહોંચતાં વેલકમ ડ્રિંક (રોઝ શરબત) સાથે રૂમ એલોટ કરી. સાંજે વાદળોની સેનાએ તાંડવ કરવાનું ચાલું કર્યું. ડિનર કરવાની ઈચ્છા ન હતી તેથી એક સેન્ડવીચ ઓર્ડર કરી વાતાવરણ સાથે ઐક્ય સાંધી સ્વાદ માણ્યો. વરસાદનાં ઝાપટાં ચાલું થયાં અને બે કલાક પછી એક મોટાં વીજળીના ચમકારા સાથે લાઈટ બંધ થઈ ગઈ. હું રૂમ બહાર નીકળીને જોવા લાગી કે કોઈ છે આજુબાજુમાં હેલ્પ માટે..? અચાનક સામે એક આકૃતિ આવી હોય એવો અહેસાસ થયો. મારા ખોંખારો ખાતાં, સામો અવાજ આવ્યો કે “મેં પૂછતાછ કરી છે, જનરેટર ચાલું થતાં જ ઈલેકટ્રીસિટી આવી જશે, ચિંતાની જરૂર નથી.” ઓહ ઓકે થેન્ક્સ.. કહું ત્યાં સુધીમાં તો લાઈટનાં પ્રકાશમાં એ આકૃતિ ટોલ, ડાર્ક, હેન્ડસમ રાજકુમારમાં પરિવર્તિત થઈ ગઈ. એ બોલ્યો- “ હૈ! એમ રામ ચરણ ફ્રોમ ચેન્નાઇ, આપણે ટુર પર જોડે જ છે, યાદ આવ્યું હું.. બસમાં છેલ્લી સીટ પર હતો?” અને ભાનમાં આવતી હોઉં એમ,.. હં, ના, ઓહ હમ્મ ઓ..કે !! પહેલાં કોઈવાર આવી હાલત નહોતી થઈ મ્હારી. સિ યા ટૉમોરો કહીને એ ચાલતો થયો. હું પણ એક સિગરેટ પી ને વિસ્મયપૂર્વક એનાં વિચારો કરતી વાતાવરણની ટાઢક માણી પોઢી ગઈ. 

            સવારે બ્રેકફાસ્ટ કરવાં ભેગા થઈ ગયા. લાગ્યું કે એ મારી જ રાહ જોઈ રહ્યો હતો. ટેબલ પર માત્ર જ્યુસ સાથે બેઠેલો. હું હજુ વિચારું ક્યાં બેસું, ડીશમાં શું લઈને બેસું ત્યાં તો એ આવી પહોંચ્યો અને બોલ્યો “હાઇ મેમ, ગૂડમોર્નિંગ, રામ હિયર, કાલે મળ્યાં હતાં. ટોસ્ટ ગરમ છે, નૉનવેજ ખાતાં હોય તો આમલેટ અને સોસેજનો ઓર્ડર આપતાં તે પણ મળી જશે.” જવાબ માં “ગૂડમોર્નિંગ, ઓકે.” કહી ત્યાં નજીકનાં ટેબલ પર બેઠાં. અને મેં કીધું હું તો ઇન્ટ્રો આપવાનું ભૂલી જ ગઈ..તરત રામે કીધું, “શા..લિની શર્મા, રાઈટ? વાટ્સએપ ગ્રુપ” અને અમે ખડખડાટ હસી પડ્યાં. ત્યારબાદ મ્યુઝીયમમાં, બજારમાં, તળાવની બોટ માં, અને સેલ્ફીમાં જોડે જ તો હતાં. 

             બીજો દિવસ ઉગ્યો મીઠાં મધુરા કલરવ સાથે. આ કલરવ રોજ થતો હશે પણ આજે મધુર લાગ્યો, કોઈક અવનવા વ્યક્તિ … હા! આવી તાજગી ક્યારેય મને નથી લાગી. નસેનસમાં જાણે નવું લોહી દોડતું લાગ્યું. ફરી ટેબલ પર માત્ર અમે બે. પેટ સાથે રામનાં મનનું પણ જાણે પેટ્રોલ પૂરાતું હતું.. એ દેખાઈ આવ્યું. આજે બાંગ્લા દેશની બોર્ડર પર જવાનું છે. ત્યાં જતો બીજો એક રસ્તો કાલે મેં ગૂગલ પર જોયેલો. હું જઈશ આપ આવશો ને? મેં સહજ ભાવે પૂછ્યું. 

અને રામે એક મોટી, બત્રીસી દેખાઈ આવે એવી સ્માઈલ સાથે ખાલી આંખોનો ઈશારો કર્યો અને હું સમજી પણ ગઈ અને શરમાઈ પણ ગઈ. આવી શરમ છોરાઓ સાથે!? મેં મારી જાત ને પણ એક પ્રશ્ન પૂછી લીધો. જવાબમાં ફરી શરમ જ આવી અને હું મલકાઈ ગઈ. 

મૉલીનોંગ જતાં બે ત્રણ ઝરણાં આવ્યા બધા ઉતરીને જોવા લાગ્યાં પણ અમે અમારી જ વાતોમાં મસ્ત હતાં. પહેલાં જમ્યા અને પેલી બોર્ડર જોવાં અમે એકલા ઉપડી ગયાં. સૌથી ચોખ્ખા ગામનો ખિતાબ મેળવેલો એટલે માત્ર હરિયાળી જોતાં અને માણતાં રહ્યાં ત્યાં જ સાંજ થવા આવી. નેટવર્કનું નામોનિશાન નહોતું. એટલે જલ્દી પાછા વળ્યાં. ત્યાં જઈને પૂછયું તો બધા ચર્ચની પ્રેયરમાં હતાં એમ જાણ થવાથી ત્યાં પહોંચ્યા. પણ આ શું? અમારી ટુરનું કોઈ ન મળ્યું. બસ રવાના થઈ ગઈ. કારણ રવિવારે માર્કેટ અને ખાણીપીણી બંધ રહેવાની હતી. અને અમારા શેડ્યુલમાં તો રાતવાસો અહીંનો જ હતો. હવે શું…. અમે મારતી ટેક્ષીએ ગામ બહાર આવી પહોંચ્યા. નેટવર્ક મળતાં ફોન કર્યો તો જાણ્યું તેઓ અહીંથી ચાર કલાક દૂર પહોંચી ગયા છે. ટેક્ષીવાળાએ કીધું કાલે સવારે જ એ જગ્યાએ પહોંચવું જોઈએ, જંગલનો રસ્તો રાતે બંધ થઈ જાય છે. ગામ બહારની 2 કલાક દૂર હોટલમાં રોકાયા એક રૂમ લઈને ખાધું અને લાગ્યાં વાતો કરવા સિગરેટ પીતાં. મોકો મળતો હોય તો કોણ છોડે. શરમ એળે મૂકી રાતને ટૂંકી કરી. જવાની એક જ પ્યાલામાં રેડી, એક ઘૂંટડે જ પી ગયાં. સૌથી મીઠી માદક પળો જિંદગીની માત્ર આ હતી. 

    વહેલી પરોઢે અમે ફરી ટેક્ષીમાં ગોઠવાયા. અને ટુર જોડે પહોંચી વોટરફોલ, બેલેન્સીન્ગ રોક, ગુફાઓ અને પાર્ક જોયા. મેગી ખાતાં એકબીજાને ટેગ પણ કર્યાં સોશ્યલ મીડિયા પર. લોકો તો અમને કપલ તરીકે ગણવા માંડ્યા. અને ડબલ ડેકર રૂટબ્રિજ પર અમે ટાઇટેનિક પોસમાં પીક્સ લીધાં. ઓહ! આખરે ટૂર પુરી થતાં મેં એને પૂછી લીધું- “હવે શું પ્લાન છે આગળ? એટલે કે..” ત્યાંથી જ અટકાવતાં હાજરજવાબી રામ ચોંકતો બોલ્યો “ઓ મૅમ! શેનાં વિચારોથી ઘેરાયેલાં છો, હું કંઈ લગ્નની જવાબદારીમાં બંધાવાનો નથી હોં! મારો પરિચય મેં આપેલો જ છે. હું મારા માબાપથી એટલે જ જુદો રહું છું કે મને સમાજની જંજાળમાં નથી પડવું. હું એક વાત પર હજું અડગ છું, મારે મોન્ક જ બનવું છે અને આવતા વિકે ભૂતાન જાઉં છું. ત્યાં અમારી ટ્રેનિંગ છે. એ રાતનો અનુભવ બાકી રહેલો હશે એ પણ લઇ લીધો. હવે જિંદગીથી કોઈ અપેક્ષા નથી. મેં પહેલાય કીધેલું” અને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, હું ફાટેલી આંખે ચાર દિ' ની ચાંદનીમાં સ્નાન કરતી મારી જાતને સપનામાંથી બહાર હકીકતમાં લાવવા ઢંઢોળી રહી હતી !

ક્રમશ:

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ