વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચકલી તારી ચણમાં મેં ઝેંઝવો વાયો


               પ્રકૃતિ હમેશાં માણસને કંઈક ને કંઈક આપતી આવી છે. માણસે કુદરતની વ્યવસ્થામાં, સર્જનમાં કયાંય ચેડાં કરવાં નહિં ? માનવે કરેલા કામનું પરિણામ આજે વિશ્વ 'કોરાના' વાયરસ રૂપી ભોરિંગના ભરડામાં ભોગવી રહ્યું છે. દરેકે પક્ષી, પ્રાણી અને વનસ્પતિની પોતાની આગવી ઓળખ છે. એને એની મર્યાદામાં રહીને માણવાની તો મજા છે.

               આજે વિશ્વ ચકલી દિવસ છે.world sparrow day  હું આ લેખ સવારે 6:15 એ લખી રહ્યો છું ત્યારે મારા ઘરના બારણા અને અગાસીએ લટકતા 'જીવદયા અનુકંપા અભિયાન, પ્રહલાદભાઈ તન્ના' પાસેથી મારા સ્ટાફમિત્ર, પાડોશી રામજીભાઈ ઢગલ અને મારા દીકરા ક્રિશકે લાવેલ માળામાંથી ચકલી બહાર આવી મારા ઉપર ચીં..ચીં..ચીંનો વરસાદ વરસાવી જ રહી છે, જાણે એને ખબર પડી ગઈ છે કે કાંઈક આજે આપણું આલેખાય છે ! હું આમ, તો નિશાચર પ્રાણી રાત્રે બે વાગે ઊંઘવાને સવારે આઠ વાગે જાગવાવાળો, પણ આજે કેમ જાણે અગિયારે ઊંઘી ગયો, અને વહેલી સવારે પાંચવાગે ઊઠી જવાયું. શ્રીમતિએ બાલ્કનીમાં બેસી મને  લખતાં જોઈ ટોણો માર્યો ; "ચ્યોનો રાજા મરી ગયો ! કવિ વેલા ઊઠ્યા."

              ખેર આજની વાત લોકસાહિત્ય અને ગુજરાતી શિષ્ટ સાહિત્યમાં અને આપણી આજુબાજુ ચકલીના સામ્રાજ્યની વાત અને કેટલીક રચનાઓને આપ સમક્ષ મૂકવી છે.

                 આજથી વીસ-પચ્ચીસ વરસ પહેલાંના સમયમાં ડોકિયું કરો તો માનસપટમાં એ દેશી નળિયા(નાળ)નાં ઘર અને ઘરમાં ઘરનાં ચિત્રો દેખાશે. તો વળી ઘરના વળાંમાં, માળિયાંમાં, મોવટિયોમાં,ખુંભીનાં સરાભરણાંમાં, અને ઢાળિયાંના બે ઘોડિયાવટ ઉપર ચડાવી મૂકેલાં ખેતીનાં ઓળિયા, રાંપિયાં, ઢોંઢા, વિખેડાંના સાંબડાઓમાં બનાવેલા ચકલીનાં ઘર (માળા) જોવા મળતા. આખુ ઘર, આંગણને ફળિયું ચીં..ચીં..ચીં..ના મધુર રવથી ભર્યું ભર્યું લાગતું.

                 ચકલીને ધ્યાનમાં લઈને કે ચકલી શબ્દના અનુસંધાને નારી સંવેદનાઓની પણ કવિતાઓ જોવા મળે છે. કયારેક કુટુંબની લાડકી દીકરીને પણ ચકલીના રૂપમાં જોવામાં આવે છે. એટલે જ તો કહે છે, "દિકરિયું બિચારી સૌ સૌ ના માળે ગઈ." તો ગામડામાં લાડકી ઢીંગલીઓને મોટે ભાગે 'ચકી' જ કહેતાં મારા ગામમાં આવી આઠ-દશ ચકીબેનો હતી.

          એક રૂઢિપ્રયોગ પણ જોવા મળે છે *"ચકલી નાનીને ફૈડકો મોટો"* તો બહુ બોલકી છોકરીને "એ ચકલી !" સંબોધન પણ સાંભળવા મળતું. ચકી-ચકાની વાર્તા ના સાંભળી હોય એવી કોઈ વ્યક્તિ નહીં હોય. ચકલી અને કાગડાની પણ એવી જ મસ્ત વાર્તા છે.

               (૧)

પોપટ બોલાવે ચકલી બોલાવે,

બોલાવે કુતરું કાળું

એ તો વાંકી પૂછડી વાળું…

                (૨)

ચકીબેન ચકીબેન મારી સાથે રમશો કે નહિ ? રમશો કે નહિ ?

બેસવાને પાટલો,સુવાને ખાટલો,

ઓઢવાને પીંછા હું આપીશ તને, આપીશ તને.

             આ બાળગીત તો દરેક આંગણવાડી-શાળામાં સાંભળવા મળે જ.


ચકલી તારી ચણમાં મેં ઝેંઝવો વાયો,

ઓંશી સડી જોવું ચિયા ભૈ આવે.


ચમક મોજડી વાળા હમીરભૈ આવે,

હાથમાં લઈ લાકડી ઘુમાવતા આવે.


ઘુઘરિયાળી વેલમાં જામી વઉ આવે,

હાથમાં કુવર લાડકો હુલાવતાં આવે.


દૂધેભરી તલાવડી ધવરાવતાં આવે,

ખોળામાં ખારેકડી ખવરાવતાં આવે.


           નોરતામાં ઘેરઘેર માથે ગરબો લઈ ફરતી બાળાઓ આ ગીત ગાઈને ફરતી જોવા મળે.


દાદાને આંગણ આંબલો 

            આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું,  

             દાદા ન દેજો ગાળ જો

અમે રે લીલુડા વનની ચરકલડી.

              ઊડી જાશું પરદેશ જો

આજ રે દાદાજીના દેશમાં,

                કાલ જાશું પરદેશ જો.

                      અહીં દાદા અને દીકરી વચ્ચેના સંવાદ રૂપ આ વિદાયમગીતમાં દાદાને દીકરી પોતાને ચકલી તરીકે વિનવે છે.


દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા,

તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

- ભગવતીકુમાર શર્મા


અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ

આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,

બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.

કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.

આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,

વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,

કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.

આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,

કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,

કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.

આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,

લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,

પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.

આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

- જીતેન્દ્ર જોશી


           તો ઉપરની બન્ને રચનાઓમાં દર્પણે ચાંચ મારતી ચકલીને સંબોધી કહેવામાં આવ્યું છે.


મનોમન મલકાતી ચકલી ઊડી આ આભમાં,

કેમ કહું ત્યાં લોક છે ફક્ત સ્વાર્થ લાભમાં.

- ભાવિન


સ્વાર્થી લોકો વચ્ચે ઊડતી ચકલીને સચેત કરવાની વાત છે.

નો’તા દાણા, તે ઓરડાની શાંતિને ચણી ગઈ ચકલી !

પૂણી વિનાની જેમ બાપુના રેંટિયાની ફરતી’તી તકલી !


બારીએ બેસીને ડોક હલતી રાખીને આખા ઘરને જોતી ને સંબોધતી,

ઘરની કોઈ વાત નથી ખાનગી ને તોય આખા ઘરમાં આવીને ફંફોસતી,

નથી ધ્યાન દેતુંને કોઈ તોય નાચે છે નકલી !

નો’તા દાણા, તે ઓરડાની શાંતિને…..


બગડેલા રેડિયાના ખોખામાં ઘર કરી મોટેથી કાગળિયાં વાંચતી,

કપડાં સૂકવવાની ઢીલી દોરીએ કેવી હીંચકા ખાતાંય નથી લાજતી,

હવે ત્રાસીને કોક દિવસ કહી દેશે કોઈ તને, પગલી !

નો’તા દાણા, તે ઓરડાની શાંતિને…..

–મહેશ શાહ


અજવાળાનું બિબુ ચકલી,

અંધારાનું છીબું ચકલી.


ચકલી મતલબ ચપટીક સૂરજ લઈને વહેતું ઝરણું ;

ચકલી મતલબ તારી આંખનું સપનું કંકુવરણું .


ચીંચી નો વરસાદ ચકલી

પરોઢનો પરસાદ ચકલી.


ચકલી ઉર્ફે ઈશ્વર ઉર્ફે કાવ્ય ઉર્ફે કાવ્યનો વિસ્તાર ;

ચકલી ઉર્ફે ઋચા ઉર્ફે આરત ઉર્ફે જીવતરનો છે સાર .


ભોળપણનો આકાર ચકલી ,

ખીંટી નો શણગાર ચકલી .


ચકલી ઉર્ફે ભરચક ભરચક દરિયો બાંધ્યો ટીપે ,

ચકલી ઉર્ફે અઢળક મોતી  વેરી દીધાં છીપે .


ચકલી મતલબ મારી ઈચ્છા ,

ચકલી મતલબ તારી ઈચ્છા.


ચકલી ઉર્ફે  ભોળું ભોળું સમણું છે નવજાત ,

ચકલી ઉર્ફે હરતીફરતી રંગોળીની ભાત .


ચકલી ઉર્ફે ઈચ્છા ઉર્ફે તું ઉર્ફે ..............

- હેમંત ગોહિલ


          અહીં ભાવિન, મહેશ શાહ અને હેમંત ગોહિલે સ્વાર્થી માણસ વચ્ચે રહેતી ચકલીને સચેત રહેવાની વાત સાથે સમગ્ર વાતાવરણ ચકલી ચકલી કરી નાખ્યું છે.


           ગીત સાંભળી

          ડુંડું ડોલ્યું ઉપર

            ચકલી  બેઠી


            ચકલી ગાતી

        હરખ ભરીને ગાણું

              ડુંડું બહેરુ

- રાવજી પટેલ


હમણાં હડી આવશે પહોર-રાતના ઘોડા ગોરી,

સાગ ઢોલિયે પાંખ ફૂટશે.

કમાડ પર ચોડેલી ચકલી સમણું થઈ ઘરમાં ફડફડશે.

- રાવજી પટેલ


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળિયે ચકલી બેસે તે મારુ રજવાડું.

- રમેશ પારેખ


હાવળ્યને સાંભળી વિંધાઈ ગઈ ચકલી,

આથમણા અવતારે ધીંગાણું ફાટ્યું ને રાતાં બંબોળ થયાં છાંટણાં.

જીવતાં જીવતાં રે ઠેઠ જીવ સુધી વાસેલાં ખુલ્લાંફટ્ટાસ પડ્યાં બારણાં.

મંતરેલ માદળિયું ડોકમાં છતાંય કોઈ શેરીને છેડે ઘા ખાઈ ગઈ ચકલી.

છેલ્લું આકાશ પછી ખટપટમાં ખંખરી  નીકળી ગઈ તીરપાટ ખરીઓ

ચકલીની પાંખોને ઝગમગતી તેગ કહી ખમકારો કોઈએ ન ભરિયો.

જોયું તો પુચ્છથીય પાછળ ઊભેલ છતાં ઊડતા રૂ જેવી પીંખાઈ ગઈ ચકલી.

- રમેશ પારેખ


                  ગુજરાતના શિરમોર રાવજી અને રમેશ પારેખે તો ચકલીને રીતસરનાં લાડ લડાવ્યાં છે. બસ આજનો આશ્રય ચકલીમય વાતાવરણ બનાવવાનો હતો. ઊનાળાની અસહ્ય ગરમીમાં એને પાણી મળી રહે માટે કુંડાં અને રહેવા માટે માળા બાંધશો તો એક ચકલી વિશે રચના બનાવી બનાવીએ એના કરતાં પણ ઉમદા કામ કહેવાશે. છેલ્લે મારી એક રચનાનું મુખડું

નાનચીક ચકલી ચીં ચીં બોલતી,

બોલતી રે મારા આંગણમાં.

- રાઘવ વઢિયારી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ