વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડોસી સભા

     "અલી રમલી, ચ્યાં મયરી. આયજ ચ્યમ દેખાતી નથ? નવરી નથ થઈ કે હૂ?", શાન્તાબાએ એના ઘરની બહારના ઓટલે સીટ જમાવતા કહ્યું.



     "એ હા.... આવું જ સવ.", કહેતીક ને રમલી ફટાક કરતી એના ઘરના દરવાજે આવીને ઉભી રહી.



     "હાયલ હાયલ જટ, સાડ રાયખ."



     "એટલી બધી હૂ ઉતાવયળ સે પણ."



     "આયા હાયલની પણ અટલે કવ."



     શાન્તાબા અને રમલી બન્ને પાકી બહેનપણીઓ. બપોરના ચાર વાગે એટલે ઘરનું કામકાજ પતાવીને ઓટલે બેસી જાય. ક્યારેક આડોસ પડોસમાંથી સવિતાબા, સમજુબા, મંજુબા અને દિવાળીબા પણ ઓટલો તોડવા આવી જતા. અને ડોસીસભાનો આનંદ લેતા.



     "આ શાન્તિ ડોસી મરતીયે નથ ને કોઈને જીવવા ય. નથ દેત.", રમલીએ શાન્તાબાની બાજુમાં જ સીટ જમાવતા કહ્યું.



     "મરેન મારા દુસમન, હું તો હો વરહની થાવાની સુ."



     "કયો તઈ કામ હૂ હતું", રમલીએ શાન્તાબાના કાનમાં ધીમેથી કહ્યું.



    "રમલી, તન નથ ખબયર? ઊલો કેશુડો નહિ, કાળીયાબાપનો. એની સોકરી ભાગી ગઈ."


     "હેં... હૂ વાત કરો સો, શાન્તિબુન"



     "હાસુ કવ સુ."



     "તઇ તમને કોયણે કીધું?"



     "ઇ તો આ તાર બાપા આખો'દી ગામમાં હળાકા ઠોકતા વ્હોય ને તઈ કોકે વાત કયરી હયસે. તઈ ઇ મન ઘીરે આવીન કેતા'તા."



     "બીજું તો હંધુય ઠીક પણ સોકરી હતી ઠીકાઠીક ની વ્હો. અન એવી તો લાગતીય નોતી."



     "ઇ ઇવા લાગતા નો વ્હોયને ઇ ઝ એવું કરીન બેહે. આમય એની માં ને બોવ પાવર હતો ન હવે બેહ સે સાનમુની."



     હજુ તો એ બન્નેની વાત ચાલતી હતી ત્યાં જ સવિતાબાએ ડબકુ માયું, "કોણ સાનમનું બેહવાનું સે?"



    "આય.. આય.. સવલી. આયજ કેમ મોડું કયરૂ?", શાંતાબા એ કહ્યું.



    "આ કાનજીના બાપા ખાવા બેઠાતા તઈ મોડું થઈ ગયું. પણ તમ કોની વાત કરતા તા ન બંધ થઈ ગયા."



     "ઇ તો હું રમલીન ઇમ કેતિ તી કે ઓલો કેશુડો નથ, કાળીયાબાપાનો. ઇન સોકરી ભાગી ગઈ."



     "હાય..હાય. હૂ વાત કરો સો. ઇ સોકરી? ઈને તો મેં કાયલ જોઈ તી."



     "હ... તઈ આયજ હવારે જ ભયગી."



     "તઈ કોને લઈન ભયગી સે?"



     "કોણ ભાયગુ? ક્યાં ભાયગુ? હુકામ ભાયગુ?", બધી મહત્વની વાતો ચાલતી જ હતી કે વચ્ચે દિવાળીબા ટપકયા.



     "લ્યો આ દિવાળી ડૉહી, વાત પતી જય તઈ ઝ મરે. વેલા ગુડાતા વ્હોય તો.", રમલીએ દાત ભીસીને કહ્યું.



     "મરવું તું તો વેલું ઝ. પણ આ તાર બાપો બઝારે મરે તઈ અવાય ને."



     "આ ભાભા ઝ નડે સે હઉ ને.", સવિતાબાએ ગુસ્સો ઠાલવતા કહ્યું.



     "હ... તઈ હૂ વાત હાલતી તી?", દિવાળીબાએ વાતનો તાગ મેળવતા પૂછ્યું.



     "ઇ તો હું ઇમ કેતી તી કે, ઓલો કેશુડો નહિ, કાળિયાબાપાનો. ઇન સોકરી ભાગી ગઈ સ."



     "નો વ્હોય. ઇ સોકરી તો બોવ ડાય લાગતી તી."



    "તઈ અટલે ઝ ભાયગી."



     "ઠીક સે તઈ ઝ્યા ગઈ ન્યા કોકનું ઘર બંધાનું"



     "હા હો... ઇ હાસુ લે"



     "કોનું ઘર બંધાણું ભૈ હે? અમનેય કયો.", કહેતાક ને સમજુબા ય આવી પહોંચ્યા.



     "હઝી તું રઇ જાતિ તી. ટાણે ગુડાય નહિ પસી એકની એક વાત કેટલી વાર કરવી મારે? રમલી તું કઇ દે હવે.", શાન્તાબા અકળાઈને બોલી ઉઠ્યા.



     "અરે! સમજુ ઇ તો શાન્તિ ઈમ કે સે કે ઓલો કેશુડો નથ, કાળિયાબાપાનો..."



     "હા તો એનું હૂ સે?"



     "ઈનું કાઈ નથ, ઇની સોકરી ભાગી ગઈ સ."



     "અરરર તઈ ઇ સોકરી એવી લાગતી તો નોતી."



     "કોઈને એવી નોત લાગતી."



     ત્યાં જ હું મારી એક ફ્રેન્ડ સાથે ત્યાંથી નીકળી અને બધી ડોસીઓને જોઈને ત્યાં ગઈ અને બોલી,"કેમ છે, ડોસી ડાયરાને"



     "લે સોડી, આય.. આય.. આ કોણ સે?"



     "આ મારી બહેનપણી છે. આપણા કેશુકાકા નહિ, કાળિયાબાપાના, એની એકની એક દીકરી, રુચા."



     રુચાએ બધી ડોસીઓને જય શ્રી કૃષ્ણ કહ્યું પણ બધી ડોસીઓ એક બીજાનું મોઢું તાકતી રહ્યું અને અમે બન્ને ડોસી સભાની એ ડોસીઓને.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ