#રાઘવનીસિયા
એક વાર્તા “હાસ્ય, શૌર્ય અને પ્રેમરસની"
વિદ્યાનગરના ગ્રીનહાઉસ કૅફેમાં સૂરજની આછી આછી ચળકતી છેલ્લી કિરણો કાચમાંથી અંદર ઝાંકી રહી હતી. આ કિરણો જેવી જ ચમકતી એક છોકરી ત્યાં પ્રવેશી, તેનું નામ હતું સિયા.
લહેરાતાં ખભા સુધીના વાળ, હળવું ગુલાબી રંગનું શર્ટ અને બ્લુ જીન્સ સાથે ખભે લટકતું નાનકડું ક્યુટ કિચન લટકાવેલું બેગપેક. હોઠો પર મુસ્કાન ને આંખોમાં એવી ઝળહળ જાણે કોઈ ચિત્રકારએ ખાસ રંગો ભેગા કરીને આ પાત્ર બનાવ્યું હોય. સિયા માત્ર દેખાવે સુંદર જ નહોતી, તેની અંદર એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ ઝલકી રહ્યો હતો. કૅફેમાં બેસેલા ઘણા લોકો અનાયાસે એની તરફ જોયા વગર રહી શક્યા નહીં.
સિયાની ખાસ બહેનપણી નૈના કૅફેમાં એની રાહ જોઈ રહી હતી.
“અરે, આટલું મોડું કેમ?” નૈનાએ સિયાને જોતાં જ મોં બનાવ્યું.
સિયાએ હસતાં કહ્યું,“અરે યાર, મારી સ્કૂટીને રસ્તામાં કૂતરાએ રસ્તો ક્રોસ કર્યો. એ મને જોઈને સ્મિત આપતું લાગ્યું. તો મેં પણ એને સ્મિત આપ્યું. પછી વિચાર્યું, કદાચ એ કૂતરો મારા પર ફિદા થઈ ગયો હશે! બસ, એણે મને મોડું કરાવી દીધું”
બન્ને બહેનપણીઓ ખડખડાટ હસવા લાગી.
કૅફેના લોકો એક ક્ષણ માટે તેમની તરફ જોઈને પોતે પણ હળવા સ્મિતે રંગાયા.
સિયા માત્ર સૌંદર્યથી જ યાદગાર નહોતી. એની અંદર કંઈક ખાસ એવો રમૂજી અને આકર્ષક ભાવ હતો કે, તે વાત કરે તો સામેની વ્યક્તિ હસી પડતી, એ મૌન રહે તો સામેની વ્યક્તિ ચકિત થઈ જતી. સિયાનું જીવન આવું જ મૌજ મસ્તીથી ભરેલું હતું, પણ તેના દિલમાં એક ગુપ્ત રહસ્ય હતું. અને તે રહસ્ય હતું "રાઘવ".
રાઘવ નામના યુવકને તે મનોમન ચાહતી હતી. રાઘવ એના કોલેજમાં જ ભણતો હતો. રાઘવ બુદ્ધિશાળી, શાંત અને થોડોક સંકોચી સ્વભાવનો.
જ્યારે પણ રાઘવ કૅમ્પસમાં દેખાતો, સિયાનું મન જોરજોરથી ધબકવા લાગતું. તે તેને ચીડવતી, એની સાથે હસતી, અને ક્યારેક તો પોતાના સૌંદર્યનો નાનકડો જાદુ પણ તેના પર ચલાવતી. પરંતુ, પ્રેમનો સીધો ઈઝહાર કરવો સિયા માટે જરાય સહેલો નહોતો.
એક દિવસ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામની એનાઉન્સમેન્ટ થઈ. સિયા અને નૈનાએ વિચાર્યું કે, તેઓ કોમેડી સ્કીટ કરશે. બીજે દિવસથી જ કેમ્પસમાં પ્રોગ્રામની જોરશોરથી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ. સિયાએ સ્ટેજ પર આવીને એવું અભિનય કરવાનું હતું કે, એક છોકરીને છોકરાનો પ્રપોઝલ નકારવો પડે અને છતાં એને ગુસ્સે ન કરવો હોય.
સિયા બોલી, “હું તમને પ્રેમ તો નથી કરતી… પણ તમારી બાઈક બહુ જ મસ્ત છે. શું એ સાથે મને ક્યારેક લારી પર ગોલગપ્પાં ખવડાવશો?”
સંપૂર્ણ ઓડિટોરીયમ ખડખડાટ હસી પડ્યું. રાઘવ પણ પ્રેક્ટિસ જોવાં પ્રેક્ષકોમાં બેઠો હતો, અને પહેલીવાર તેણે સિયાને એ રીતે જોયું કે, તેના ચહેરા પર ફક્ત સૌંદર્ય નહીં પણ એક અનોખી ચપળ મજાકિયતા પણ છે.
સિયાને પણ અંદરથી લાગ્યું કે, આજે રાઘવની નજરમાં પોતાની માટે કંઈક નવીન અનુભવ્યું છે. જે એનાં દિલનાં તાર છેડી ગયું છે. આ વિચારે તો સિયા મનોમન નાચી જ ઉઠી...
ફાઈનલી, એક અઠવાડિયા બાદ કૉલેજની સાંસ્કૃતિક પ્રોગ્રામની રાત્રિ આવી ગઈ. કેમ્પસમાં ચારેતરફ ચહલપહલ ધમધમતી હતી. મંચ પર રંગબેરંગી લાઈટ્સ, પાછળથી વાગતાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેના ગીતો. એમાં વિદ્યાર્થીઓની ખુશીઓથી ભરી ઊર્જા સાથે સૌના ચહેરા પર ગજબનો ઉત્સાહ આયોજનમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.
સિયા મેકઅપ રૂમમાં નૈનાની સાથે તૈયાર થઈ રહી હતી.
નૈનાએ અરીસામાં જોઈને કહ્યું, “ઓહહો, શું વાત છે! તું તો એવી ખૂબસૂરત લાગી રહી છે કે, બોલીવુડની હીરોઈનો પણ ફીકી પડી જાય યાર.”
સિયા મસ્તીમાં બોલી, “હા, પણ હીરોઈન બનવી હોય તો હીરો પણ સંગ હોવો જોઈએ ને! મારો હીરો તો હજી સુધી મારો ઈશારો નથી સમજી રહ્યો.” સિયાએ માથે હાથ મૂકીને નાટક કરતાં નિસાસો નાખ્યો.
“હમ્મ્મ, રાઘવ જીજુ?”, નૈનાએ મસ્તી કરતાં આંખ મારી.
સિયા લજ્જાઈને હસવા લાગી.
સ્ટેજ પર સિયાના ગ્રુપનું સ્કીટ શરૂ થયું.
સિયા અને નૈના સ્ટેજ પર સાથે મળીને એવા સંવાદ બોલી રહી હતી કે, આખું ઓડિટોરીયમ ખડખડાટ હસતું હતું.
એક દ્રશ્યમાં સિયા બોલી, “મને દુલ્હો જોઈએ, પણ શરત એ છે કે, એ રોજ મને નાસ્તામાં પિઝ્ઝા બનાવી આપે.”
પાછળથી નૈનાએ જવાબ આપ્યો,“એવો દુલ્હો તો તને મળી જશે, પણ તારી સાસુ રોજ બોલશે કે, 'ઓ મોર્ડન વહુબેટા, આ પાપી પેટ પિઝ્ઝા નહીં, પરાઠા ખાવા માટે બનાવ્યું છે!’”
લોકો એટલા હસ્યા કે તાળીઓના ગડગડાટથી હૉલ ગુંજી ઉઠ્યો.
રાઘવ પણ આગળની કતારમાં બેસીને પહેલીવાર એ રીતે હસ્યો કે, એની ભીતરની ગંભીરતા તૂટી ગઈ.
સિયાએ સ્ટેજ પરથી એક ઝલક રાઘવ તરફ નજર કરી. બન્નેની નજરો ટકરાઈ અને બે નજરો મનગમતું અકસ્માત સર્જી ગઈ.
સ્કીટ પૂરી થયાં પછી રાઘવ સ્ટેજ પાછળ આવ્યો.
“વાઉ સિયા, યુ આર એકસીલન્ટ. યાર, તું તો એકદમ અદ્દભુત કલાકાર છે. બધાય લોકો તારી ડાયલોગ ડિલિવરીથી મંત્રમુગ્ધ થઈ ગયા.”
સિયાએ એનાં શરારતી અંદાજમાં હસતાં હસતાં કહ્યું,“તો હવે તું પણ મંત્રમુગ્ધ થયો કે, મારે હજીય થોડી મહેનત કરવી પડશે?”
રાઘવ લજ્જાશીલ સ્મિતે બોલ્યો, “હા… કદાચ.”
આ પહેલીવાર હતું જ્યારે એનાં અવાજમાં પ્રેમનું ખુલ્લું સ્વીકરણ હતું.
સિયાના દિલમાં અચાનક ગિટાર નામનાં સંગીતનું વાદ્ય વાગવા લાગ્યું. બે હૈયાનાં પ્રેમનો સૂર સંગીતમાં ભળતો ગયો. સિયા એ સંગીત પર નાચવાનું શરૂ કરી જ દેવાની હતી કે,...
***
અચાનક......
ચારેતરફ અંધારપટ છવાઈ ગયો.
નૈના, "અચાનક આ બધી લાઈટ્સ કેમ ઓફ થઈ ગઈ.?"
સિયાએ પોતાનાં મોબાઈલ ફોનની ટોર્ચ લાઈટ ઓન કરી.
એ જ સમયે હોલની બહારથી કંઈક ગડબડનો અવાજ આવ્યો. પાંચ સાત અજાણી વ્યક્તિઓ, જે સ્થાનિક ગુંડા જેવા લાગતા હતાં, કૉલેજમાં ડંડાઓ અને હથિયારો સાથે ધમાલ કરતાં ઘૂસી આવ્યાં. એમણે શોર મચાવવાનું શરૂ કર્યું. કેમેરા અને લાઇટ્સ તોડવા લાગ્યા, મંચ પર ચઢી મંચ પરનો સામાન આમતેમ વિખેરવા લાગ્યા, અને ખાસ કરીને છોકરીઓને ડરાવવાનો પ્રયત્ન કરવાં લાગ્યાં.
બધા પ્રેક્ષકો ગભરાઈ ગયા. ઘણાં વિદ્યાર્થીઓ તો ડરીને બહાર ભાગવા લાગ્યાં.
નૈનાએ સિયાનો હાથ પકડીને કહ્યું, “ચાલ, સિયા જલ્દી આપણે પણ ભાગીએ.”
પરંતુ, સિયા શાંત રહી. એની આંખોમાં જુદી જ ચમક આવી ગઈ. “ના નૈના… ભાગવું એ સમસ્યાનો ઉકેલ નથી. આ આપણું કોલેજ છે, આપણું મંચ છે. હું આને આ હરામી ગુંડાઓના હાથે બગડવા નહીં દઉં.”
નૈના આશ્ચર્યથી એની તરફ જોઈ રહી. રાઘવ પણ જોડે જ હતો. એણે કહ્યું, “સિયા, આ જોખમી છે. તેઓ પાસે હથિયાર હશે.”
સિયાએ હળવું સ્મિત આપ્યું, “સો વોટ રાઘવ? શરારતી તો હું જન્મથી છું, સૌંદર્ય ભગવાને આપ્યું છે, પણ હિંમત મારા રગરગમાં છે. હવે એને સાબિત કરવાનો સમય આવી ગયો છે.”
સિયા મંચ પર દોડી ગઈ, લાઇટ્સ ચાલુ કરી અને માઈક પકડીને ઉંચા અવાજે બોલી, “અરે! ક્યા નાટકના ખલનાયકો છો તમે? અહીં ઓડિશન આપવા આવ્યા છો કે શું?”
પ્રેક્ષકો જે ડરી ગયા હતાં, ને આમતેમ ભાગી રહ્યા હતાં, એ અચાનક ઊભા રહીને હસવા લાગ્યા.
ગુંડાઓ ચકિત થઈ ગયા. તેમને અપેક્ષા નહોતી કે કોઈ નિડર છોકરી તેમનો આ રીતે મજાક ઉડાવશે.
સિયાએ આગળ કહ્યું, “જો તમને નાટક કરવું હોય તો અમારાં ગ્રૂપમાં જોડાઈ જાવ. તમને ‘ખલનાયક નં.૧’ ની ભૂમિકા ચોક્કસ મળશે!”
હૉલ ફરીથી હાસ્યથી ગુંજી ઉઠ્યો.
પરંતુ, વાત અહીં અટકવાની નહોતી. ગુંડાઓ હવે પોતાની આ રીતે બેઇજ્જતી થતાં જોઈને લાલપીળા થઈ ગયા હતા.
રાઘવ અને બીજા વિદ્યાર્થીઓ સિયાની પાસે દોડ્યા, પણ સિયાએ હાથ ઉંચો કરીને ઈશારો કર્યો,
“પાછળ રહો. આ મંચ ઉપર જ્યાં સુધી હું છું, ત્યાં સુધી આ મારી જવાબદારી છે.”
ગુંડાઓની આંખોમાં હવે અગ્નિ જ્વાળાઓ ભળકી ઉઠ્યાં હતાં, ગુસ્સાનો પારો એટલો ઉપર ચઢી ગયો હતો. એક ગુંડાએ ટેબલ પર લાત મારીને ગડગડાટ કર્યો, “એ છોકરી ચુપ! બહુ બોલી ગઈ. તું સમજે છે શું? કે, આ મંચ તારો છે?”
સિયા માઈક છોડીને આગળ વધીને એન ગુંડાની આંખોમાં આંખો નાખીને જોરથી બરાડી, "હા, હા આ મંચ મારો છે… અમારા સૌનો છે. અને તું? તું અહીં માત્ર એક ભટકેલો પરદો છે, જેને કોઈએ બોલાવ્યો જ નથી.”
પ્રેક્ષકો ગુંડાઓ પર જોરજોરથી હસવા લાગ્યા.
આ સાંભળીને ગુંડાઓને ગુસ્સો તો ઘણો આવ્યો, પણ અંદરથી તેઓ થોડીક ક્ષણ માટે કન્ફ્યુઝ થઈ ગયા. કે, કોઈ માસૂમ દેખાતી છોકરી એટલી નિર્ભય કેવી રીતે હોઈ શકે?
એક ગુંડાએ આગળ વધીને સિયાને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ સિયાએ ચપળાઈથી એનો હાથ ઝટકી દીધો અને નજીક પડેલી લાકડી ડ્રામાની પ્રોપ્સમાંથી ઉચકીને હસતાં બોલી, “ઓ હેલ્લો, લિસન.. કોલેજમાં સ્ટેજ કોમ્બેટનો અભ્યાસ કર્યો છે મેં… હવે તું મારી પહેલી ‘પ્રેક્ટિસ’ બનવા તૈયાર થઈ જા.”
પ્રેક્ષકો તાળીઓ પાડવા લાગ્યા. રાઘવ તો દંગ રહી ગયો, જે છોકરીને એ માત્ર સુંદરતા, માસૂમિયત અને રમૂજવૃત્તિ માટે ઓળખતો હતો, એની અંદર આટલો સાહસ છુપાયેલો હશે એની એને કલ્પના સુદ્ધાં નહોતી.
હવે સ્ટેજ પાછળથી બેન્ડના છોકરાઓ દ્વારા સાહસનું બેકગ્રાઉન્ડ સંગીત વગાડવામાં આવ્યું. જે પ્રેક્ષકો તથા દરેક વિધાર્થીઓમાં જોમ ભરી રહ્યું હતું.
એક ગુંડો ચપ્પુ કાઢીને સિયા તરફ આગળ વધ્યો. સિયાના પેટની આરપાર એ ધારદાર ચપ્પુ નીકળી જ જવાનું હતું કે, આખરે એ સંકટની ઘડીએ કંઈ વિચાર્યા વિના રાઘવ મંચ પર દોડીને ચઢી આવ્યો.
"સિયઆઆ...."
રાઘવે ચપ્પુ તેનાં ડાબા હાથે પકડીને સિયાને પાછળ ધકેલી ચપ્પુ સિયાને વાગતાં રોકી લીધું, જમણાં પગથી ગુંડાને એવી જોરદાર લાત મારી કે, ગુંડો પછડીને સ્ટેજથી નીચે જઈને પડ્યો.
રાઘવ બોલ્યો,"હવે મને પણ તારી સાથે ઊભા રહેવા દે સિયાઆઆ. તું એકલી નથી.”
સિયા એક પળ માટે પ્રેમવશ કે આભારવશ એની આંખોમાં ખોવાઈ ગઈ. એ બેયની નજરોમાં પ્રેમનો મધુર રંગ પણ હતો અને સાહસનો તેજ પણ. “ચાલ તો, પછી તું આજે મારો સાચો હીરો બન.” મસ્તીથી આંખ મારતાં સિયા બોલી ઉઠી.
રાઘવની હથેળીમાંથી લોહી ટપકી રહ્યું હતું. એ જોઈને સિયાએ તરત જ બાજુમાં નીચે પડેલાં ગુંડાના ગળામાં બાંધેલ લાલ રૂમાલ જોરથી ખેંચ્યો. અને રાઘવની હથેળીમાં ઘાવ પર મજબૂતાઈથી બાંધી દીધો.
એ ગુંડો ગુસ્સે થઈ ઊભો થવા જતો હતો કે, સિયાએ લાત મારીને ફરી એને જમીનભેગો કર્યો.
સિયા બોલી, "સાલા તૂં કૂતરો છો કે, ગળામાં પટ્ટો બાંધીને રાખે છે? ચલો, આજે આ ભસતા કૂતરાનો પટ્ટો પણ કંઈક કામ તો આવ્યો."
આ સાંભળીને તરત જ બીજા ગુંડાએ ફરી રાઘવ પર હુમલો કર્યો, પણ સિયાએ લાકડી ફેરવીને એની ઘૂંટણ પર જોરદાર આંચકો આપ્યો. ત્યાં ત્રીજા ગુંડાએ આગળ આવીને સિયા તરફ ખુરશી ફેંકી, પણ સિયા ચપળાઈથી બાજુમાં ઝૂકી અને ખુરશી ઉપાડીને ગુંડા તરફ નાંખતાં મસ્તીમાં બોલી, "ઓય! આ ખુરશી તને બહું ગમે છે લાગે? તો રાખી લે જા, મને એમપણ નવી ડિઝાઈનવાળી ગમે.”
પ્રેક્ષકોમાં ફરીથી હાસ્યની લહેર દોડી ગઈ.
હવે વાત માત્ર મજાકમાં ન હતી. સિયા લોકોમાં હિંમત જગાવી રહી હતી. બીજા પ્રેક્ષકો પણ હવે સ્ટેજ પર રાઘવ અને સિયાની મદદે આવી ગયાં હતાં.
નૈના અને બીજા મિત્રો હવે ઉભા થઈને પ્રેક્ષકો સાથે ચીસો પાડવા લાગ્યા: “સિયા! સિયા! સિયા! રાઘવ! રાઘવ!"
આ એકત્રિત થયેલા લોકો અને બધાનાં એકસાથે અવાજો સાંભળી હવે ગુંડાઓ પણ ગભરાઈ ગયા.
નૈનાએ પોલીસને ફોન કરી દીધો.
રાઘવ અને સિયા બન્નેએ સાથે મળીને હિંમત બતાવી, અને ગુંડાઓને બરોબરના ધોઈ જ નાંખ્યા, પ્રેક્ષકોને સંઘટિત કર્યા, પછી સૌએ ગુંડાઓને ઘેરીને બહાર કાઢી દીધા.
***
પોલીસ પણ ત્યાં આવી પહોંચી. બધાય ગુંડાઓને પકડી લીધા. હોલમાં રાહતની શાંતિ છવાઈ ગઈ અને પછી તાળીઓનો એવો ગડગડાટ થયો કે આખું ઓડિટોરીયમ ધ્રૂજી ઉઠ્યું.
સિયા સિયા નામનું જયઘોષ ગૂંજી ઉઠ્યું.
સિયા મંચ પર ઊભી રહીને હસતાં બોલી, “હાસ્યમાં ડર ભાગી જાય છે, પ્રેમમાં હિંમત ઊગી આવે છે… અને જ્યારે બંને મળે, ત્યારે જીત નક્કી બને છે.”
વિદ્યાર્થીઓ સિયા પાસે આવીને આભાર માનવા લાગ્યા. કોઈએ કહ્યું, "અમે બધા બહું ગભરાઈ ગયા હતા, પણ તે જે હળવાશ સાથે હિંમત આપી… એથી બધાનો ડર ગાયબ થઈ ગયો.”
બીજાએ કહ્યું, “તું મંચ પર અડગ ઉભી રહી, એટલે અમને પણ ઊભા થવાની શક્તિ મળી.”
સિયાએ સમજ્યું કે, હાસ્ય માત્ર મોજ માટે નહીં, પણ લોકોમાં હિંમત જગાડવા માટેનું હથિયાર પણ બની શકે છે.
પોલીસ ઈન્સ્પેક્ટરે સિયાને અભિનંદન આપતાં કહ્યું:
“બહુ ઓછા લોકો જોયા છે જેઓ આમ નિર્ભયતાથી ગુંડાઓનો સામનો કરે, એમાં પણ ખાસ કરીને તમારા જેવી છોકરીઓ. નારી તારી હિંમતને સલામ.”
સિયાએ એના જ મજાકિયા અંદાજમાં કહ્યું, “સાહેબ, હું તો ફક્ત મારી નાટકની પ્રેક્ટિસ કરી રહી હતી. સ્ટેજ પર રિહર્સલ પૂરી ન થઈ હોય, તો સાચી જિંદગીમાં કરવી પડે ને!”
ઈન્સ્પેક્ટર હસી પડ્યાં, "અરે વાહ! હસાવીને ડર દૂર કરવો એ તો ખરેખર તમારો નવો ‘કાયદો’ છે મિસ. સિયા.
ગુંડાઓને પોલીસ લઈ જતી રહી, ત્યાં નૈના મંચ પર દોડી આવી. એણે સિયાને ઝપટીને કહ્યું, “વાહ મારી શૂરવીર રાણી! આજે તું માત્ર હીરોઈન નહીં રહી, પણ આખી ફિલ્મની ડિરેક્ટર બની ગઈ.”
સિયાએ હસતાં જવાબ આપ્યો,“ડિરેક્ટર તો નહીં, પણ હા… હીરોને મારી તરફ ખેંચવાનો ટ્રેલર તો આપી દીધો છે.” એણે નજર રાઘવ તરફ ફેરવીને ભ્રમર ઊંચીનીચી કરવા લાગી.
નૈનાએ તરત રાઘવની મસ્તી કરી, “તો હવે હીરો સાહેબ, અમારી સિયાને તમારી લાઈફની સચ્ચી હીરોઈન બનાવશો કે નહીં?”
હોલમાં રાઘવ રાઘવ.. ચિચિયારીઓની ગૂંજ ઉઠી...
રાઘવ સિયાની નજીક આવ્યો. સિયા થોડીક શરમાઈ ગઈ, રાઘવે ધીમે અવાજે કહ્યું, “મને આજે સમજાયું કે તારી અંદર માત્ર સૌંદર્ય જ નહીં, પણ એક યોદ્ધાની આત્મા છે. મને ગર્વ છે કે હું તારી વાર્તાનો હિરો છું.”
સિયા મસ્તીમાં હસીને બોલી, “તો હવે પ્રપોઝ કરતાં પહેલા તારે એક વચન આપવું પડશે…”
“કયું વચન?”,રાઘવ ચકિત થયો.
“દરેક લડાઈમાં, ભલે ગુંડા સામે હોય કે મારી શરારતો સામે… તું હંમેશા મારી સાથે ઊભો રહેશે.”
રાઘવે હસીને સિયાનો હાથ પકડતાં કહ્યું, “વચન છે મારી વીર વ્હાલી વચન છે.”
તારું આ ટ્રેલર જોયાં પછી એમપણ તને કોઈપણ વાતની "ના" કહેવાની હિંમત થોડી કરાય.
આ સાંભળીને સિયા ખડખડાટ હસવા લાગી.
બન્ને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં. આખું વાતાવરણ તેમનાં હાસ્ય, વીરતા અને પ્રેમરસની સુગંધથી મહેંકી ઉઠ્યું.
પ્રોગ્રામ પૂરો થયે કેમ્પસના બગીચામાં ખૂબસૂરત ચાંદની ફેલાઈ હતી. સિયા અને રાઘવ શાંત ખૂણામાં બેઠા. હવામાં હળવા સુગંધિત પવનનું સંગીત ચાલી રહ્યું હતું.
રાઘવ ધીમે બોલ્યો, “સિયા, તું મારી દૃષ્ટિમાં માત્ર સુંદર છોકરી નહોતી. પણ આજે તું મારી પ્રેરણા બની ગઈ છો.”
સિયાએ એનાં શરારતી સ્મિત સાથે કહ્યું, “ઓહ હિરો, પ્રેરણા સાથે પિઝ્ઝા પણ જોઈએ… નહીં તો મારી શરતો અધૂરી રહી જશે.”
બન્ને ખડખડાટ હસવા લાગ્યા. એમનાં હાસ્યમાં પ્રેમની મધુરતા ભળતી ગઈ.
નૈના દૂરથી બન્નેને જોઈ રહી હતી. એણે બૂમ પાડી, “અરે ઓ હીરો–હીરોઈન! હવે સીન પૂરો થયો કે પછી રોમાંટિક સૉંગ પણ ગાવાનું છે?”
સિયાએ હાથ લહેરાવીને જવાબ આપ્યો, “સૉંગ તો પછી ગાઈશુ જ… પણ યાદ રાખજે, આ પિકચર તારી વગર અધૂરી હતી.”
નૈનાએ મજાકમાં હાથ હલાવ્યો, “હું તો બસ સાઇડ હીરોઈન છું, પણ એ વગર ફિલ્મમાં મજા નથી હોં.”
ચલો, હવે નીકળીએ... આજે તો બહું થાકી ગયાં સ્કીટ સાથે સ્ટંટસ કરીને. ઘરે જઈને સૂઈ જઈએ.
***
ઘરે આવીને રાઘવે પોતાની પ્રિય સખી ડાયરી ખોલીને લખ્યું...
“જીવનમાં સૌંદર્ય આપણને આકર્ષે છે, હાસ્ય આપણને જોડે છે, અને શૌર્ય આપણું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરે છે."
એક સાચી છોકરી એ છે, જે પોતાના સૌંદર્યથી મન મોહી લે, હાસ્યથી હૃદય જીતી લે અને હિંમતથી દુનિયાને બદલાવી દે.
અને એ છે મારી સિયા.
#રાઘવનીસિયા❤️
