અંતરદર્શન
ગુલાબી ઠંડી…
શાંત વાતાવરણ…
ધીમી ગતિએ વહેતું પાણી…
પાણીનાં સહવાસથી સુડોળ થયેલ પથ્થરોનો પટ…
દૂર કોઈ મંદિરમાં સ્પીકર પર વાગતું શિવ ભજન…
આસપાસ લોકોનો કલરવ…
શીતળ પવનનો સ્પર્શ…
અને બંધ આંખો…
છતાં આંખો સામે અંધકાર નહોતો…
એ હતી!
***
વાત એમ હતી કે…
ચૈત્ર મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો હતો. યુગોથી ચાલતું સમયચક્ર કંઈ ખોરવાયું નહોતું. રાબેતા મુજબ જ ચાલતી પ્રકૃતિ રાબેતા મુજબ જ ચાલી રહી હતી. છતાં આ વખતે કંઈક અલગ હતું. પ્રકૃતિ ફક્ત બહારની દુનિયામાં જ નથી વસતી. એ વસે છે દરેક માનવમનમાં. અને મારા મન માટે સમય અલગ હતો. આથી જ દર વર્ષે આ જ સમય પર આવી પહોંચતી અને પોતાની હાજરીની નોંધ કરાવ્યાં વિના જ ચાલી પડતી ક્ષણો આ વખતે અલગ હતી. આ વખતે તેમણે વિરામ લીધો. થોડી થોભી. થોડી વાતો કરી. થોડી વાતો સાંભળી. અંતે વિદાય લેતાં પહેલાં મારા પર એક છાપ છોડી ગઈ. એક અનુભવ વરસાવી ગઈ. હું નથી જાણતો કે ફરી ક્યારેય હું આવા અન્ય કોઈ અનુભવને મેળવી શકીશ કે નહીં. તેથી જ આ અનુભવને હું શબ્દોમાં ઉતારી લેવા ઈચ્છું છું. આમ તો આ લેખમાં આવનારી ઘટનાઓ એક પ્રવાસ દરમિયાન બનેલ ઘટનાઓ જ છે. આમ છતાં હું દરેક ઘટનાઓને વિસ્તારપૂર્વક વર્ણવવા કરતાં અમુક પર જ ધ્યાન કેન્દ્રિત કરી આ લેખને પ્રવાસલેખ કરતાં અનુભવલેખ તરીકે ઓળખ આપવાનો એક નજીવો પ્રયાસ જરૂર કરીશ.
તારીખ ૧૯.૦૧.૨૦૨૬. ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ. અમદાવાદથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં કરવા માટે અમારો સંઘ બસમાં નિકળી પડ્યો હતો. લગભગ ત્રીસ લોકોની સંખ્યા ધરાવતાં આ સંઘમાં વયનિવૃત્ત થયેલ અનુભવીઓથી લઈ આઠમાં ધોરણમાં અભ્યાસ કરતાં અલગારી સુધીનાં વૈવિધ્યનો સમાવેશ થતો હતો. કોઈ ચહેરાઓ જાણીતાં હતાં તો કોઈ અજાણ્યાં હોવા છતાં જાણીતાં ભાસતાં. દરેકનું પરિક્રમામાં આવવાં માટેનું કોઈનું કોઈ કારણ હતું. કોઈ સનાતન સંસ્કૃતિનું માન જાળવવા તો કોઈ દોડતી જિંદગી વચ્ચે બે ઘડી શ્વાસ લેવાં માટે આવ્યું હતું. કોઈ પાછલાં એક-બે વર્ષોમાં સોશિયલ મીડિયા પર પરિક્રમાને મળેલી પ્રસિદ્ધિની સાક્ષી પૂરવા આવ્યું હતું, તો કોઈ આવ્યું હતું ગયાં વર્ષની પરિક્રમાની યાદોને ફરી જીવી લેવાં. ઘણાં લોકો પ્રવાસનો આનંદ માણવા તો ઘણાં બધાં લોકો વહેતાં સમયમાંથી એક ખોબો મિત્રતાને નામે ભરી લેવાં આવ્યાં હતાં. આટલા વૈવિધ્ય ધરાવતાં સંઘમાં જો કંઈ સર્વસામાન્ય હતું, તો એ હતો તેમની આંખોમાં અનેરો ઉત્સાહ. જે મારી આંખોમાં નહોતો. તો પછી હું કેમ ગયો? અનાયાસે જ. હા… બિલકુલ અનાયાસે. હું ગયો હતો કારણ કે આ યાત્રાના આયોજકો એવાં ધમભા, અભિલાષાબેન અને ધર્મેશભાઈ સાથે હું અગાઉ પણ એક વખત આ પરિક્રમા કરી ચુક્યો હતો. હું ગયો હતો કારણ કે જ્યારે પરિક્રમા કરવાં આ વર્ષે જવાનું છે કે નહીં એ નક્કી કરવાનું પણ બાકી હતું ત્યારે મેં અકારણ જ અભિલાષાબેનને પૂછ્યું હતું કે બેન આ વખતે જવાનું છે? એમને ફક્ત એટલું જ કહ્યું કે જવાનું છે અને તમારે પાક્કું આવાનું જ છે.એટેલ હું ગયો. કોઈ અનેરા ઉત્સાહ વગર જ. મારી આ યાત્રાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. બસમાં બેઠો ત્યાં સુધી તો નહીં જ!
હસતાં-ગાતાં અમે બધાં ગરુડેશ્વર પહોંચ્યા. અમારું રાત્રી રોકાણ ગરુડેશ્વરમાં જ એક હોટલમાં હતું. બસમાંથી ઉતારતાં જ તિલકવાડાનાં વતની અને અમારી પહેલી પરિક્રમનાં સાથી, સહયોગી અને માર્ગદર્શક એવાં ધર્મેશભાઈનો હસતો ચેહરો જોવા મળ્યો. આપણાં જેવાં લોકો જે નર્મદા સાથે રહ્યાં નથી, તેમનાં માટે નર્મદા ફક્ત એક નદી છે. વધું સમય નહીં તો પ્રથમ મેળાપ સુધી તો ખરી જ! જ્યારે ધર્મેશભાઈ જેવાં નર્મદાને કાંઠે ઉછરેલાં લોકો માટે નર્મદા 'મૈયા' છે. બસમાંથી ઉતર્યા બાદ હોટલમાં સામાન મૂકી, થોડાં સમાં સરખાં થઈ અમારે નર્મદાઘાટ પર નર્મદા આરતી માટે જવાનું હતું.
***
થોડાં સમયમાં અમે ઘાટ પર હતાં. એ દ્રશ્યને જોઈને એવી કલ્પના પણ મુશ્કેલ છે કે ત્યાં ક્યારેક જંગલ અને ઝાડીઓનો વસવાટ હશે. નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કરતાં અસંખ્ય પરિકમ્માવાસીઓ આ જગ્યા પર લૂંટાયા હશે. એવું કહેવાય છે કે નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કરતાં પરિકમ્માવાસી એક વાર તો લૂંટાય જ છે. તેણે સંગ્રહ કરી રાખેલ દરેક વસ્તું તેનાથી છીનવી લેવાય છે. અંતે તે વ્યક્તિને પ્રકૃતિનાં ખોળે છોડી મુકવામાં આવે છે. એક બાળકની માફક. માનાં ખોળે. કદાચ એટલે કે સંપૂર્ણ ત્યજી ચૂકેલ એ માયાથી મુક્ત વ્યક્તિ હવે અંદરથી એટલો ખાલી થયો હશે કે કશુંક નવું ગ્રહણ કરી શકે. તો જ યાત્રા સફળ થશે. તો જ કંઈક પામી શકાશે. હવે પરિક્રમામાર્ગમાં આવા સ્થળોની અછત છે. એટલે જ કદાચ હવે આપણી પામવાની શક્તિ પામર થઈ જણાય છે. ખેર, હાલ તો જે સ્થળે પ્રકૃતિ પાંગરતી હતી ત્યાં આધુનિકતા પાંગરી રહી છે. આપણાં જેવાં પામર મનુષ્યો પ્રકૃતિમાં સંપૂર્ણ સમાઈ જવા અક્ષમ છે તે જાણીને મૈયાએ જ આધુનિકતાને આવકારી હોય તેવી શક્યતાને હું નકારતો નથી. સમય સાથે બદલાવ જરૂરી છે. પ્રકૃતિ સાથે સમન્વય ન કેળવી શકતાં આપણે મનુજનો, સંસ્કૃતિ સાથે સમન્વય જાળવી રાખીએ એટલા માટે આ બદલાવને પણ આપણે આવકારવો જ રહ્યો.
ઘાટ ભલે આધુનિક છે. મૈયા તો એમનાં એમ જ છે. અને જ્યાં મૈયાની હાજરી હોય ત્યાંથી પ્રકૃતિની સુવાસ કેમ કરીને જવાની? ભલે હાલ એ ચોક્કસ સ્થળે ઝાડ, પાન, પશુ, પક્ષી ઓછાં થયાં છે પણ આસપાસ આવેલાં સ્થળોએ ભૂમિની પાવનતા જાળવી રાખી છે. ઘાટ પર પગ મુકવાની સાથે જ એ પાવનતા તમારાં શ્વાસમાં પ્રવેશી જાય છે. પ્રાચીનકાળે યોગીઓ દ્વારા ધ્યાન કરવા એક અલગ સ્થળ નક્કી કરી રખાતું. દરેક યોગી શક્ય હોય ત્યાં સુધી પોતાનાં નક્કી કરેલાં સ્થાન પર જ ધ્યાન કરતાં. આમ કરવાથી એ સ્થળમાં ઉર્જા જળવાઈ રહેતી. જ્યારે મન અશાંત થતું ત્યારે તે મહાપુરુષો તેમનાં એ ચોક્કસ સ્થાન પર જતાં અને તેમનું વંટોળે ચડેલું મન ફરી એકાગ્ર થતું. પાવન થતું. આ ઉર્જાને એકત્રિત કરવાં જ મંદિરોનું નિર્માણ કરાયું હશે એ વાતને હું હંમેશા માનતો રહીશ. નર્મદા તટે અસંખ્ય યોગીઓએ તપસ્યાઓ કરી છે. વળી નર્મદા તો આદિયોગી શિવનાં જ પુત્રી!
શાંત જળ. ઠંડો પવન. આંછો પ્રકાશ. લોકોની પાંખી હાજરી. આરતી માટે ચાલતી તૈયારી. મગર પર સવાર થયેલ મૈયાની મૂર્તિ. શાંત જળ પર ચમકતાં પ્રકાશબિંદુઓ. અને દિગ્મૂઢ થઈને બેઠેલો હું. એકવાર ઋષિકેશનાં કોઈ અજાણ્યાં ઘાટ પર પણ હું આવી રીતે જ બેઠેલો. ત્યાં ગંગામૈયા વહેતાં હતાં. અહીં વહે છે મા નર્મદા. ત્યાં જે અલૌકિક શાંતિ હતી તે જ શાંતિ અહીં પણ હતી. આમ છતાં આ બન્ને પ્રસંગો પર જ્યારે મેં આંખો બંધ કરી હતી ત્યારે ફક્ત અંધકાર જ હતો. અફાટ-અનંત અંધકાર. ના… અંધકારમાં કોઈ ઉદ્વેગ નથી. કદાચ અંધકારને આપણે ખૂબ નકારાત્મક રીતે ચિતર્યો છે. ખેર, એ વાત પછી ક્યારેક. અહીં મહત્વનું એ છે કે ભલે એમાં કોઈ ઉદ્વેગ નથી. ભલે એમાં કોઈ અપવિત્રતા નથી. છતાં અંધકારમાં એકલતા છે. કદાચ યોગપથ પર આ અંધકારમય એકલતા પૂર્ણતા તરફ દોરતી હશે, પણ મુજ સંસારીને એ એકલતા ખટકે છે.
થોડીવારમાં માઈક અને વાજિંત્રો સજ્જ થયાં. સૂર છેડાયા. ગરબાની શરૂઆત થઈ. અને ગરબા કાને પડતાં જ થનગની ઉઠતાં ગુજરાતીઓએ એક મોટું કુંડાળું કરી, મન મૂકીને ગરબા કર્યા. ગરબા કરી, શારીરિક રીતે થાકેલા પરંતુ માનસિક રીતે ઉર્જાથી ઉભરાયેલા મારા સાથીજનો નર્મદા આરતીનો આહલાદક અનુભવ કરવાં સમયસર પોતપોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયાં. આરતી શરૂ થઈ. લોકો લયમાં જોડાયાં. સાથે જોડાઈ તાળીઓ. મંદિરમાં થતી આરતી અને નદીઓની આરતીમાં ફરક છે. મંદિરમાં દેવી-દેવતાઓ મૂર્તિ સ્વરુપે હાજર રહે છે. જ્યારે અથાગ વહેતી નદીઓ સાક્ષાત આપણી પાસે રહી, આપણાં નમનનો સ્વીકાર કરે છે. અગાઉ ઋષિકેશમાં શત્રુઘ્ન ઘાટ પર હું ગંગા આરતીનો અનુભવ કરી ચુક્યો હતો. ત્યાં જે અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું હતું, બિલકુલ તેવું જ વાતાવરણ અહીં રચાયું. જો કે શત્રુઘ્ન ઘાટ પર રેકોર્ડ કરેલ આરતી વગાડવામાં આવે છે જ્યારે અહીંયા રૂબરૂ આરતી ગાયન કરવામાં આવે છે. ઋષિકેશમાં જ્યારે ગંગા આરતી પૂર્ણ થઈ ત્યારે મારું મન શૂન્યવકાશમાં સરી પડ્યું હતું. થોડી ક્ષણો માટે હું હર્ષ-શોક, સુખ-દુઃખ કે આનંદ-પીડાની લાગણીઓથી પર હતો. અહીં પણ આરતીની શરૂઆતથી જ મને દ્રઢ વિશ્વાસ હતો કે અંતમાં જ્યારે સંગીત બંધ થશે ત્યારે હું ફરી એ જ ક્ષણને જીવી શકીશ. પણ કુદરતને કદાચ એ મંજુર નહોતું!
ચાલુ આરતીએ પાંદડાઓનો વરસાદ થયો. એક ક્ષણ તો માટે જાણે ફૂલોનો અભિષેક થયો હોય તેવું લાગ્યું. પરંતુ એ વંટોળ હતો. ઘાટ પર આવ્યાં પછી બધાને પોતપોતાના ઘરેથી ફોન આવવાં લાગ્યા હતાં. અમદાવાદ અને વડોદરા સહિત લગભગ બધે જ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. ફોન આવ્યા ત્યાં સુધી ઘાટ પર વાતાવરણ એકદમ સામાન્ય હતું. આમ છતાં મનમાં કોઈ જગ્યાએ એક સંશય હતો જ. આરતી પુરી થવાને થોડી જ વાર હશે કે ખૂબ વેગથી પવન ફૂંકાવા લાગ્યો. વીજળી જતાં એકદમ અંધારપટ છવાઈ ગયો. પવનની સાથે સાથે ધૂળ-પાંદડાઓ પણ અમારી પર ધસી આવ્યાં. પ્રસાશનનાં લોકો ઘાટ ખાલી કરાવવા મથામણ કરવાં લાગ્યાં. આંખ-નાક-શ્વાસમાં ધૂળ જતાં પરેશાન થયેલાં લોકો દિવાલની આડમાં ગોઠવાયા કે પછી પોતપોતાનાં પગરખાં શોધી બહારની બાજુનાં રસ્તે ચડ્યાં. અમારાં સંઘના સભ્યો ફોનની લાઈટનો ઉપયોગ કરી એકબીજાને શોધવામાં અને સલામત સ્થળે પહોંચાડવામાં લાગી પડ્યાં. પ્રશાસનની પ્રશંસનીય કામગીરી કહી શકાય કે થોડી મિનિટોમાં વીજળી પાછી આવી. ધીમે ધીમે પવનનો વેગ ઘટ્યો અને બસમાં બેસી ગયાં ત્યાં સુધીમાં વાતાવરણ લગભગ સામાન્ય થવાં લાગ્યું. કુદરતનું પણ કેવું છે નહીં? માનવ મન જેવું જ! ક્ષણભરમાં જ બધું છિન્નભિન્ન અને બીજી જ ક્ષણે બધું એમનું એમ…
***
ઘાટ પરથી નીકળી, જમવાનું પતાવી અમે હોટલ પર આવી ગયાં હતાં. વંટોળમાં ધૂળથી ખરડાયેલા સૌ, થોડાં સાફસુથરા થઈ, એક એક કરી હોટલની ડોરમેટ્રીમાં એકઠાં થવાં લાગ્યાં હતાં. સંઘમાં જોડાયેલાં લોકો એકબીજાથી સારી રીતે પરિચિત થઈ શકે તે હેતુથી મેળાવડાનું આયોજન કરાયું હતું. જે લોકો ખૂબ થાકી ગયાં હતાં તેઓ આરામમાં રહ્યાં અને એ સિવાયનાં લોકો જ્યારે આવી ગયાં ત્યારે વાર્તાલાપની શરૂઆત થઈ. અમારી સાથે રહેલ હિતેશભાઈ વ્લોગર છે. યાત્રાની ક્ષણો તેમનાં કેમેરામાં કેદ કરી તેઓ એક વ્લોગ બનાવવાના હતાં. ધર્મેશભાઈએ વાતોની શરૂઆત કરી પરિક્રમાનાં મહત્વને ખૂબ સારી રીતે સમજાવ્યું. જરૂર મુજબ નર્મદાપુરણને ટાંકીને તેમને નર્મદામૈયાનો અને તેમની પરિક્રમા, ખાસ કરીને ઉત્તરવાહિની પરિક્રમાની સચોટ સમજણ આપી. ત્યારબાદ અભિલાષાબેને થોડો યાત્રાનો અને થોડો પોતાનો પરિચય આપ્યો અને બધા સભ્યોને એક એક કરી પોતાનો પરિચય આપવાનું કહ્યું. સૌથી પહેલાં બેઠેલા સભ્યએ પોતાનો પરિચય આપ્યો અને તેમની પાસે બેઠેલાં સભ્યને પરિચય આપવાનું કહેવાનાં જ હતા કે ત્યારે હિતેશભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમારે આ પરિક્રમામાં આવવાં પાછળનું કારણ શું? તેમણે સામાન્ય સૂચના આપી કે દરેકે પોતાનો પરિચય આપ્યાં બાદ તેમનું આ પરિક્રમામાં આવવાં પાછળનું કારણ જણાવવાનું રહેશે.
બસ… એ એક ક્ષણ. એ ક્ષણે મને જ ખ્યાલ આવ્યો કે હું આ યાત્રામાં કયાં કારણસર જોડાયો તે બાબતથી બિલકુલ અજાણ હતો. હકીકતમાં મને ક્યારેય ન તો આ વિશે કોઈ વિચાર આવ્યો હતો કે ના એનાં વિશે મને કોઈએ પૂછ્યું હતું. એટલે જ મને લાગ્યું કે હું અનાયાસે જ જઇ પહોંચ્યો હતો. પણ એવું કંઈ રીતે બની શકે!? આ મારી પહેલી પરિક્રમા નહોતી. અગાઉ બે વર્ષ પહેલાં જ હું પરિક્રમા કરી ચુક્યો હતો. ના તો મને પરિક્રમા વિશે જાણવાની કોઈ જિજ્ઞાસા હતી કે ન તો મને કયારેક કોઈને સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી મારી પરિક્રમા વિશે જણાવવામાં રસ હતો. મારી પાસે પરિક્રમામાં ન જવા માટે પણ ઘણાં ઠોસ બહાનાં હાથવેંતમાં જ હતાં. છતાં ન તો મારા મને ક્યારેય જવામાં આનાકાની કરી કે ન તો એણે જરાય ઉત્સાહ બતાવ્યો. જૂનાં મિત્રોને મળવાનો ઉત્સાહ જરૂર હતો પણ તેનાં માટે હું આટલા દૂર સુધી જઉં એ વાત તો મારા આળસુ મનને ક્યારેય ગળે ન ઉતરે. આમ છતાં હું ત્યાં હતો. જો હિતેશભાઈનો આ પ્રશ્ન સૌ પ્રથમ મને પૂછાયો હોત તો અવાક બની ટગર ટગર જોવા કે કોઈ રમૂજી ભાસતાં જવાબ આપવા સિવાય મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ના રહેત. દસ વિસ સેકન્ડના સમયમાં મનને ઢંઢોળી શકું એટલો છીછરો હું નથી. નસીબજોગે સંઘના એ પ્રથમ સભ્ય હિતેશભાઈની બિલકુલ સામે બેઠાં હતાં એને હું હિતેશભાઈની એકદમ બાજુમાં. મારી પાસે વિચારવા માટે સમય હતો. એક એક કરી દરેક સભ્યો પોતાનો પરિચય આપી રહ્યાં હતાં અને હું તેમની વાતો સાંભળી, હકારમાં માથું હલાવતાં કે કોઈ વાતે જરુર લાગે ત્યાં હાવભાવ આપતાં, મનનાં કોઈ ખૂણાને ફંફોસી રહ્યો હતો. હાજર રહેલ દરેકની વાત મારા કાનમાં અથડાતી, મગજમાં ઘુસી રહી હતી પણ એ વાતો એ સમયે મારા માટે શબ્દોથી વધારે કઈ નહોતું. હાલ જયારે એ ઘટનાં યાદ કરું છું તો બધા સભ્યોને યોગ્ય ન્યાય આપી સાંભળી ન શકવાની મારી એ હરકત બદલ હું ક્ષમાયાચના સિવાય અન્ય કશું કરી શકું તેમ નથી. એ સમયે મેં તે બધાનાં ફક્ત શબ્દો સમજ્યા હતાં, પણ તેમની સંવેદનાઓ સમજવા માટેની મારી સમજ ત્યારે ગેરહાજર હતી. એ તો ત્યારે મારી સંવેદનાઓ સમજવામાં મથી રહી હતી.
પ્રશ્ન એ જ હતો. હું શા માટે આવ્યો છું? જ્યારે સીધો જવાબ ન મળ્યો ત્યારે હું શિવ તરફ વળ્યો. છેલ્લાં ઘણાં સમયથી શિવજી પ્રત્યે મને અપાર શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના લીધે હું દરેક મૂંઝવતા પ્રશ્નોમાં શિવજીને આગળ ધરી દઉં છું. એ જ સમયે કોઈ સભ્ય દ્વારા નર્મદામૈયા વિશે કોઈ વાત ચાલી રહી હતી. જેવાં તે શબ્દો કાન પર અથડાયા કે મનમાં સવાલ ઉઠ્યો કે મને કેમ કોઈ અનુભૂતિ નથી થઈ? હું અગાઉ આ પરિક્રમા કરી ચુક્યો છું તો શું ખરેખર મારા મનને અહીં આવવાથી કોઈ અલૌકિક અહેસાસ કે કોઈ દૈવીય હાજરીનો અણસાર મળ્યો હતો? હું કદાચ આ બાબતે પોતાની સાથે વધારે દલીલ કરી શક્યો હોત પણ ત્યાં જ કાને શબ્દો અથડાયા કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. વક્તા હતાં, અલ્પેશભાઈ રબારી. એમની સંપૂર્ણ વાત મને યાદ નથી પણ આ એક વાક્ય યોગ્ય સમયે કાન પર અથડાયું. અગાઉ ઘણીબધી વખત આ વાક્ય હું વાંચી-સાંભળી શક્યો હતો પણ ક્યારેય એ વાક્યએ મને વિચારતો નહોતો કરી મુક્યો. આ વખતે મને કશુંક અલગ લાગ્યું. છેલ્લા થોડા સમયથી હું આધ્યાત્મ તરફ અકર્ષાયો જરૂર હતો, પણ તેમ છતાં હું કોઈ જગ્યાએ આધ્યાત્મને તર્કના ત્રાજવે તોલવા મથી રહ્યો હતો. યોગ્ય મનોસ્થિતિમાં આ એક વાક્યએ મને અંદરથી બિલકુલ હચમચાવી મુક્યો. વાત ફક્ત નર્મદાની નહોતી. મેં નર્મદામૈયા પ્રત્યે એવી કોઈ ભાવના સેવી નહોતી કે નહોતું મેં સમર્પણ સ્વીકાર્યું. મૈયા એક નાની પરિક્રમાંથી સાક્ષાત થાય એવું વિચારું એટલો નિર્દોષ હું ક્યારેય નહોતો. કદાચ હું નિર્દોષ નથી એટલે જ સાક્ષાત્કાર સંભવ પણ નથી. છતાં અન્ય સમયે જયારે મેં ધ્યાન કર્યું હોય કે જાપ કર્યા હોય કે સ્મરણ કર્યું હોય એવા કોઈ કિસ્સામાં મને કોઈ અલૌકિક અનુભૂતિ થઈ નથી. મનને શાંતિ જરૂર મળી છે પણ એ બધી જ શાંતિ ક્ષણિક રહી છે. ક્યારેક શૂન્યવકાશમાં પણ સરી પડ્યો છું. આમ છતાં આંખ સામે અંધકાર સિવાય કંઈ મળ્યું નથી. ધ્યાન સમયે ભગવાનની કલ્પના કરવા પ્રયત્ન કર્યો છે તો મનમાં સતત દલીલો જ ચાલી છે. કોણે કહ્યું કે શિવ આવા જ દેખાય છે? આ તો ટીવીમાં જોયેલ એક કલાકાર માત્ર છે! કોઈ ચિત્ર સમાન છે તો શું એ ચિત્રકારે ક્યારેય શિવને જોયાં છે ખરા? શિવલિંગ તો શિવનાં ચિહ્ન બરાબર છે! શું શિવ નિરાકાર નહીં હોય? આવી અઢળક દલીલોનાં લીધે હું પરમાત્માને ક્યારેય આકાર આપી શક્યો નથી. એટલે જ હંમેશા ધ્યાનમાં પણ અંધકાર જ રહ્યો છે. જેની ઈચ્છા ધરાવું છું એવી અનુભૂતિ ક્યારેય થઈ નથી. એનું કારણ પણ એ જ છે કે બધું જાણવાં છતાં હું શ્રધ્ધામાં પુરાવા શોધી રહ્યો હતો. મનમાં સુષુપ્ત રીતે વસી ગયેલ એ ઈચ્છાએ જ મને કોઈ વિચાર વિના પરિક્રમા સુધી લાવી મૂક્યો હતો.
જોતજોતામાં મારો વારો આવી પહોંચ્યો. મેં આપેલ જવાબ મને શબ્દશઃ યાદ નથી. પરંતુ હું શું કહેવા માંગતો હતો એ વાત હું જે યાદ છે તેની સાથે શબ્દો જોડીને લગભગ આવી જ રીતે કહી હતી તેમ નોંધુ છું:
"હું પચાસ ટકા રિઝર્વ માણસ છું અને પચાસ ટકામાં આ લોકો મને ઢસડીને મને બહાર લઈ આવે છે. અભિલાષાબેન અને ધમભાનો પરિચય મને અર્ચનાબેન દ્વારા થયો. હું અને અર્ચનાબેન સાથે નોકરી કરતાં હતાં. કોવિડ સમયમાં અમારી ટ્રેઇનિંગ હતી એટલે અમે નવાં લાગેલાં ચાર વ્યક્તિઓ એક જ કમ્પ્યુટર પર સાથે ટ્રેઇનિંગ લેતાં હતાં. અર્ચનાબેનને મળ્યાનાં એકાદ બે વર્ષ પહેલાં જ મને વાંચનનો શોખ જાગ્યો હતો. મેં ધ્રુવ ભટ્ટની અકૂપાર વાંચી હતી અને મને બહુ ગમી હતી એ જાણીને મને અર્ચનબેને ધ્રુવ ભટ્ટની જ તત્વમસી વાંચવા આપેલ. તત્વમસી એ મારો નર્મદા પરિક્રમા સાથેનો પહેલો પરિચય. પછી જ્યારે અર્ચનાબેને કહ્યું કે તેઓ દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે જાય છે ત્યારથી એકવાર ઉત્તરવાહિની પરિક્રમા કરવાની ઈચ્છા હતી. અર્ચનાબેન થકી ધમભા અને અભિલાષાબેન સાથે ઓળખાણ થઈ. સાથે ઋષિકેશ જવાનું થયું એટલે બધા ઘરનાં જ થઈ ગયાં. એ પછીનાં ચૈત્ર મહિનામાં અમે પાંચ એટલે હું, મારી પત્ની, અર્ચનાબેન, અભિલાષાબેન અને ધમભા અહીં પરિક્રમા કરવા આવ્યાં. અર્ચનાબેન સિવાયનાં અમારા બધાની આ પહેલી પરિક્રમા હતી. અહીં આવ્યા પછી સોનામાં સુગંધની માફક ધર્મેશભાઈ અમારી સાથે ભળી ગયા. થોડા સમયથી આધ્યાત્મ પ્રત્યે મને ખુબ આકર્ષણ રહ્યું છે. આમ છતાં કોઈ એવી વાતનો કે વસ્તુનો અનુભવ થયો નથી. શિવજી પ્રત્યે મને ખુબ આકર્ષણ છે. અને નર્મદા તો શિવપુત્રી છે. એટલે જ નર્મદામાં એ જ શક્તિ કે અનુભૂતિ હશે. ગઈ વખતની પરિક્રમામાં પણ મને કોઈ એવી અનુભૂતિ થઈ નહોતી. કદાચ એટલે જ હું ફરીથી આ વખતે આવ્યો છું. જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી તો આવવું જ રહ્યું અને જયારે અનુભવ થઈ જશે પછી જવાનું જ ક્યાં છે!"
મારી વાત શબ્દશઃ તો આમ નહોતી જ. પણ વાતનો મર્મ તો આમ જ છે. છતાં યોગ્ય સમયે શબ્દોને યોગ્ય વાચા આપી શકવાની મારી અણઆવડતને લીધે હું જે કંઈ બોલ્યો હતો તેનાથી મેં ઉપર જે કહ્યું છે બિલકુલ તેમ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેમ હું દ્રઢપણે માનું છું. મારી વાત પૂર્ણ થયા બાદ ધર્મેશભાઈએ જાહેર કર્યું હતું કે આપણે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું કે તમારી સમસ્યાનું સમાધાન થાય. તેમને બીજા દિવસે પરિક્રમા દરમિયાન ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી કંઈ જ કર્યા વિના ફક્ત મૈયાની સામે બેસી રહેવા કહ્યું હતું અને તેનાથી મન શાંત થશે એ વાતની પણ ખાતરી આપી હતી. સાથે જ તેમને પોતાનો અનુભવ બધાને જણાવ્યો કે તેઓ દરેક રજાએ વડોદરાથી ખાસ ફક્ત મૈયા પાસે બેસીને તેમને નિહાળવામાં માટે તિલકવાડા આવે છે અને ત્યાં ફક્ત બેસીને મૈયાને જોવાથી તેમનાં મનને શાંતિ મળે છે.
ફરી વાતો આગળ ચાલી. બાકી રહેલાં સભ્યોના પરિચય થયા. રાત વધતી ગઈ તેમ એક એક કરી ટોળું પણ વિખેરાતું ગયું. અંતે જ્યારે હું મારા રૂમમાં આવી આડા પડખે પડ્યો ત્યારે ઊંઘમાં સરી પડતાં પહેલાં મને મેં કહેલું મારુ કારણ યાદ આવ્યું. મેં જે બધાને કહ્યું હતું એ સંપૂર્ણ સત્ય હતું કે આંશિક એવી ગડમથલ કરતાં ક્યારે આંખ લાગી ગઈ તે હું જાણી શક્યો નથી.
***
તા. ૨૦.૦૩.૨૦૨૬. ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ. સવારે વહેલાં અમે પરિક્રમા કરવાં નીકળી ગયાં હતાં. અમે તિલકવાડાથી પરિક્રમાની શરૂઆત કરી હતી. ત્રીસ લોકોનો સંઘ એકસાથે રહીને પરિક્રમામાં ચાલે એ લગભગ અશક્ય હતું. હું પણ આખી પરિક્રમા દરમિયાન અડધો સમય કોઈને કોઈ સભ્ય સાથે તો અડધો સમય એકલો ચાલ્યો હતો. પરોઢિયે હું અને બીજા બે મિત્રો ખેતર વિસ્તાર વટાવી, નદીકાંઠે પહોંચી ગયા હતાં. ત્રણ ચાર લોકો અમારી આગળ નીકળી ગયાં હતાં જયારે બાકીનાં સભ્યો હજું ઘણાં દૂર હતાં. નદીની આ બાજુનાં ભાગમાં હવે છેક સુધી કાંઠા પર જ ચાલવાનું હતું. સવારનાં તાજગીભર્યા વાતાવરણમાં નદીકાંઠે ચાલવાનો આનંદ પણ અનેરો હતો. પાછળ રહી ગયેલાં લોકોનો સંગાથ કરવાં અમે થોડી વાર ત્યાં જ રોકાયા. નર્મદામાં મગરોનો વાસ હોવાથી સાવચેતીનાં ભાગરૂપે પરિક્રમા માર્ગ પર નદી ફરતે વાંસના લાકડાથી વાડ બાંધી હતી, જેથી કોઈ પરિકમ્માવાસી નદીમાં જઈને સ્નાન ન કરી શકે. હું એ વાડ પર હાથ ટેકવી આસપાસનાં વાતાવરણને નિહાળતો રહ્યો. સૂર્યોદય પહેલાં હું ઘણીવાર ઉઠ્યો છું. આમ છતાં પ્રકૃતિને પડખું બદલતાં જોવાનો અનુભવ હું આંગળીનાં વેઢે ગણી શકાય એટલી વખત જ કરી શક્યો છું. હાલ અમદાવાદમાં રહું છું. જયારે જયારે વહેલાં ઉઠી રાત અને દિવસ વચ્ચેનાં સંક્રમણકાળને જોવાનો સમય મળે છે ત્યારે દુર્ભાગ્યે ક્ષિતિજ સુધી નજર પહોંચે તેની પહેલાં જ કોઈ ઈમારત વચ્ચે આવી ચડે છે. ક્યારેક તો સૂર્યોદય અને સૂર્યાસ્ત જાણે ઈમારતનાં રંગ બદલવા જ આવતાં હોય તેવા તર્કને હું નકારી શકતો નથી. પણ તે સવાર જુદી હતી. દૂર ક્ષિતિજ પર ચિત્રકારે પીંછી ફેરવી દીધી હતી. અંધકારમાં એક થયેલાં નભ અને ધરાની વિરહની વેળા આવી પહોંચી હતી. આછાં કેસરી રંગથી તે બન્ને વચ્ચે એક તેજોમય સરહદ લદાઈ રહી હતી. સમય જતાં આ સરહદ ઓગળી જશે પણ ઓળંગાશે નહીં. સંધ્યા સમયે જ્યારે તેને ઓળંગવાનો સમય થશે ત્યારે તે ઓગળી ગયેલ સરહદ ફરી તેજોમય બનશે. માનવીઓનું પણ આવું જ છે ને! મેળાપ અને વિરહની ક્ષણો હંમેશા તેજોમય રહી છે. પરંતુ વચ્ચેનાં સમયમાં આસપાસ ક્યાંક ઓગળી જવાય છે. ભલે પછી એ મેળાપ કે વિરહ સ્વ સાથે જ કેમ ન હોય.
થોડાં સમયમાં ધર્મેશભાઈ અને બીજા ઘણા સભ્યો આવી પહોંચ્યા. અભિલાષાબેન, ધમભા અને સંઘનાં થોડા સભ્યો અનિવાર્ય કારણોસર પાછળ રહી ગયાં હતાં. આમ છતાં સંઘના મોટાભાગનાં સભ્યો સાથે હોવાથી અમે આગળ ચાલવાનું શરૂ કર્યું. થોડું આગળ ચાલ્યાં કે એક જગ્યાએ વાડ વચ્ચે એટલી જગ્યા હતી કે છેક નદી સુધી જઈ શકાય. ધર્મેશભાઈએ સૂચવ્યું કે અમે ઘણાં વહેલાં હતાં અને સંઘનાં થોડા સભ્યો પાછળ આવી રહ્યા હતાં તો થોડી વાર માટે નદીનાં પથરાળ પટ પર જઈને બેસી શકાય એમ છે. આગલી રાત્રે કરેલ વાયદો ધર્મેશભાઈ ભૂલ્યા નહોતાં. હું ભૂલી શકું તેમ નહોતો.
હું નર્મદાકાંઠે હતો. કાંઠાના એક પથ્થર પર બેઠેલો હતો. મારાથી હાથવેંતમાં મૈયા વહી રહ્યાં હતાં. ખુલ્લી આંખે હું વહેતા જળને એકીટશે જોઈ રહ્યો. ઘડીભર એમ જ રહ્યો. ઊંડો શ્વાસ લીધો. આંખો બંધ કરી.
ગુલાબી ઠંડી…
શાંત વાતાવરણ…
ધીમી ગતિએ વહેતું પાણી…
પાણીનાં સહવાસથી સુડોળ થયેલ પથ્થરોનો પટ…
દૂર કોઈ મંદિરમાં સ્પીકર પર વાગતું શિવ ભજન…
આસપાસ લોકોનો કલરવ…
શીતળ પવનનો સ્પર્શ…
અને બંધ આંખો…
છતાં આંખો સામે અંધકાર નહોતો…
એ હતી!
મૈયા.
કોઈ માનવાકૃતિમાં નહીં.
પોતાની પ્રકૃતિમાં જ…
ક્ષણભર પહેલાં વહી રહી હતી એ અવસ્થામાં નહીં.
એકદમ સ્થિર. અચળ. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી બીજું કંઈ જ નહીં. કોઈ પર્વત-જમીન કે પથરાળ પટ નહીં. ફક્ત જળસપાટી. નિર્મળ. નિર્વિકાર. નિર્દોષ. નિરવ. નિખાલસ.
હું કેટલાં સમય સુધી તે અવસ્થામાં હતો તે જાણતો નથી. થોડી મિનિટથી વધારે તો નહોતો જ. પણ જેટલો સમય હતો તે પૂરતો હતો. આ કોઈ સાક્ષાત્કારની ક્ષણ નહોતી. કોઈ કલ્પના હતી કે કેમ તે હું જાણતો નથી. જાણવા માંગતો પણ નથી. મૈયા મને રૂબરૂ મળવા આવ્યાં હોય તેવું હું માનતો નથી. કહેવાય છે કે સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરતાં પરિકમ્માવાસીઓને મૈયા એકવાર તો માનવ અવતારે મળે જ છે. હું જાણું છું કે એ કઠિન પરિક્રમા કરી શકવાનું કે સર્વસ્વ ત્યાગ કરી આશ્રિત થઈ શકવાનું મારુ ગજું નથી. તેથી જ કદાચ સાક્ષાત દર્શન કરી શકવાની મારી લાયકાત નથી. છતાં એ વાતનો મને જરાય રંજ નથી. હું તો આટલું પામીને જ તૃપ્ત છું.
પટ પરથી જૂદા થઈ ફરી માર્ગ પર ચાલવાનો સમય આવી ગયો હતો. હું મારી જગ્યા પરથી ઉભો થઈ ધર્મેશભાઈ પાસે ગયો. નર્મદા તટ પર રહેલ દરેક કંકર શંકર જ છે. આમ છતાં આપણી માનવસહજ વૃત્તિને દરેક કંકર પ્રત્યે શ્રદ્ધાભાવ સેવાતો નથી. આથી જ ધર્મેશભાઈએ હું જેનો આસાનીથી સ્વીકાર કરી શકું તેવા એક શિવલિંગની શોધ કરી રાખી હતી. નર્મદા તટ પર પ્રાકૃતિક રીતે જ શિવલિંગ મળી આવતા હોય છે. કહેવાય છે કે આ શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠાની જરૂરિયાત હોતી નથી. અનંતકાળથી જેમાં પ્રાણ વસેલાં હોય તેને પ્રતિષ્ઠિત કરવાની જરૂરિયાત પણ શી છે!
ફરી ચાલવાનું શરૂ થયું. આ કાંઠા પરની યાત્રા પૂરી થઈ એટલે હોડી મારફતે નદી પર થઈને સામા કાંઠે રામપુરા પહોંચ્યા. જો મને એ અનુભૂતિ ન થઈ હોત તો હું કહી શકયો હોત કે મૈયાનાં સૌથી સારી રીતે દર્શન મને હોડીમાં જ થયાં. રામપુરાથી આગળનો પરિક્રમા માર્ગ મોટાભાગે ગામડાંઓમાંથી હતો. મૈયા અમારી સાથે હતાં પણ દ્રશ્યમાન નહોતાં. જ્યારે એ કાંઠાની પરિક્રમા પૂરી થવાં પર હતી ત્યારે થોડાં અંતર સુધી ફરી હું તટ પર આવી પહોંચ્યો હતો. આ સમયે વાડ ઓળંગી સાવ નજદીક જઈ શકાય તેમ નહોતું. વળી, પાણીનો પ્રવાહ પણ વધુ હતો. દૂરથી મૈયાને નિહાળી શકવા થોભી શકાય એમ જરૂર હતું. પણ આકાશમાં તપી ચૂકેલા સૂર્યદેવે એમ કરતાં મને રોક્યો. કે પછી સૂર્યદેવનાં રૂપે બહાનું મળતાં મારા મને, મને એમ કરતાં રોક્યો. જે હોય તે પણ હું થોભ્યો નહીં. સડસડાટ ચાલ્યો ગયો.
***
પરિક્રમા પુરી કરી અમારો સંઘ ફરી ઘરે પાછો ફરવા નીકળી ગયો હતો. બસમાં હિતેશભાઈ પરિક્રમા વિશે સૌનાં અનુભવો કેમેરામાં કેદ કરી રહ્યાં હતાં. એક એક કરી દરેક સભ્ય આયોજન વિશે પોતપોતાનાં મત આપી રહ્યાં હતાં. એક પછી એક એમ કરતાં મારો વારો આવ્યો.
"પરિક્રમા વિશે આપનો શો અભિપ્રાય છે?," હિતેશભાઈએ પૂછયું.
"પરિક્રમાનો મારો અનુભવ ખૂબ સરસ રહ્યો. ઘણીવાર જાણીતાં લોકો પણ અજાણ્યાં લાગતાં હોય છે ત્યારે અજાણ્યા લોકો વચ્ચે જાણીતાપણું લાગ્યું. મજા આવી."
"પરિક્રમા પહેલાં તમારા મનમાં પ્રશ્નો હતાં. શું તમે જે અનુભવને શોધી રહ્યાં હતાં એ તમને મળ્યો?"
"હા. કોઈ ચમત્કાર નહીં. પણ ક્યાંક કંઈક અનુભૂતિ થઈ. જ્યારે આપણે તટ પર બેઠાં હતાં ત્યારે. બંધ આંખોએ પણ હું નર્મદાને જોઈ શકતો હતો. એક અલગ અનુભવ હતો."
ફરી હું એમ જ કહું છું કે મેં શબ્દશઃ આમ નહોતું કહ્યું. પણ મારા કહેવાનો મર્મ તો આ જ હતો.
***
કહેવાય છે કે મા ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે મા નર્મદાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. મા નર્મદાનાં દર્શન ખુલ્લી આંખોએ કરવાં કે બંધ તે અંગેની સ્પષ્ટતા હું મેળવી શક્યો નથી. એક સમયે જ્યારે મને બન્ને રીતે દર્શન મળ્યાં હતાં તો કમનસીબે હાલ હું બન્નેમાંથી એકપણ કરી શકવા અક્ષમ છું. આ લેખ લખતાં મને બે દિવસ જેટલો સમય લાગ્યો છે. પરિક્રમા કરીને ઘરે પાછા ફર્યા પછી બીજા દિવસે મેં આ લેખ લખવાની શરૂઆત કરી. તે દિવસે શનિવાર હતો. સવારે હનુમાન ચાલીસા કરી, મેં ધ્યાન કરવા પ્રયત્ન કર્યો. ઊંડો શ્વાસ લઈ, આંખો બંધ કરી. અંધકાર. નર્મદા તટ પર થયેલ અનુભવને ફરી સાકાર કરવા પ્રયત્ન કર્યો. અંધકાર. ચિત્તને વશ કરી ફરી મૈયાની એ જ છબી મનમાં વિકસાવવા પ્રયત્ન કર્યો. પણ એમ ન થયું. એક છબી દેખાઈ… પણ એ ઝાંખી હતી. સાક્ષાત નહોતી. સ્મૃતિ હતી. કોઈક ફોટોગ્રાફમાં જોયેલ દ્રશ્ય સાથે કલ્પનાનું મિશ્રણ હતું. સત્ય નહીં. મિથ્યા. ફરી બે-ત્રણ વખત પ્રયત્ન કરવાં છતાં હું એ સ્થિર રૂપને પ્રાપ્ત કરી શક્યો નથી. મળ્યો છે તો અંધકાર કે કલ્પના. બીજું કંઈ નહીં. હું જાણું છું કે એ અનુભવ શું હતો… કેવો હતો. પણ તેને ફરી અનુભવી શકતો નથી. તટ પરની એ સંવેદનાઓ હું કદાચ ત્યાં જ મૂકી આવ્યો છું. એટલે જ એ અનુભવ મેળવવા ફરી મારે મૈયાનાં સાનિધ્યમાં જવું જ રહ્યું!
નર્મદે હર!
