સજ્જનપુરના સાધુ
ધનપુરમાં સૂરજ અને ઝાકળ વચ્ચે દરરોજ સંતાકૂકડી રમાતી. પરોઢિયે આખું ગામ દૂધિયા ધુમ્મસમાંથી બહાર આવતું, ને સૂરજ દાદા માટીના ઘરોને ચળકાવી દેતા. મંદિરની ઝાલરનો પેલો રણકાર સંભળાય ત્યાં સુધીમાં તો હવામાં ભીની માટીની સોડમ અને ઘરે-ઘરે સળગતા છાણાનો તીખો-મીઠો ધુમાડો ભળી જતો.
ધનપુર એટલે શાંતિનું ધામ, પણ ગામના લોકો માટે તો એ એક એવો અખાડો હતો જ્યાં દરેકના કામ પર નજર રહેતી અને દરેક વેણ તોલાઈને બોલાતું. ગામના ચોરે, વડલાની ઘેઘૂર ઘટા નીચે વડીલો ભેગા થતા, એ વડલો જેને સો-સો ચોમાસાં, ભાંગેલા સપના અને ખંડેરમાંથી ફરી ઉભી થયેલી જિંદગીઓના સાક્ષી બનવાનું નસીબ થયું હતું.
"વિઠ્ઠલભાઈ, આ વરસે તો વરસાદ આપણાથી રિસાયલો લાગે છે," લાકડીના ટેકે ચાલતા વડીલ મનસુખભાઈએ કહ્યું. "વાદળાં મેળાના ટોળાની જેમ ભેગા તો થાય છે, પણ વરસે તો ને? એક ટીપુંય પાડ્યા વગર વિખરાઈ જાય છે."
વિઠ્ઠલભાઈએ ચલમનો કશ ખેંચ્યો, ધુમાડાના ગોટા ભેજવાળી હવામાં ફેલાઈ ગયા. "મનસુખ, ચોમાસું ભલે આડું ચાલે, પણ આપણે આપણી જમીનને વળગી રહ્યા છીએ. જોકે આજકાલના છોકરાઓનું કંઈ નક્કી નહીં, એમનામાં હવે ઈ ધીરજ નથી રહી."
એમણે ચોરાના ઓટલે બેઠેલા ત્રણ જુવાનિયા: પ્રતીક, હર્ષ અને સમીર તરફ જોયું. આ ત્રણેય ભાઈબંધી આખા ધનપુરનું ગૌરવ હતી. આ એ ત્રિપુટી હતી, જેમણે ખેતરના ખેડાણ પડતા મૂકીને અક્ષરજ્ઞાનનો મારગ પકડ્યો હતો.
"અલ્યા, ખેડાવાળા રાકેશે તો દુબઈ જઈને એટલું કમાણો, કે સીધું સિમેન્ટનું ધાબાવાળું મહેલ જેવું ઘર ચણી નાખ્યું," હર્ષે ધીમેથી કહ્યું. એની આંખોમાં મોટો માણસ બનવાની ભૂખ ચોખ્ખી દેખાતી હતી. "બે વરહ દુબઈ રહ્યો, એમાં તો એણે ત્રણ પેઢીનું દેણું ફેડી નાખ્યું."
પ્રતીક હંમેશા પવન જોઈને પાલ બાંધનારો માણસ. એણે જમીન પર લાકડીથી લીટી તાણતા કહ્યું, "હર્ષ, પારકી થાળીમાં વડાં મોટાં જ લાગે. રાકેશ ત્યાં જઈને હું કરે છે, ઈ આપણને ચોખ્ખી ખબર નથી."
"ગમે તે કરતો હોય, પણ ઈ હવામાં ભેંસોના છાણની ગંધ કે એને હારવાની બીક તો નથી ને!" હર્ષનો અવાજ પાસે ભાંભરતા ઢોરના અવાજમાં ભળી ગયો.
સમીર વચ્ચે શાંતિથી બેઠો હતો. એની નજર સામેની ગલીમાં એના ઘરની બારીમાં ટમટમતા દીવા પર હતી. ત્યાંથી એની માના સીવણના સંચાનો ટક-ટક અવાજ આવતો હતો. એ અવાજ જાણે સમીરના ભવિષ્યને એક-એક ઇંચ સાંધતો હોય એવું લાગતું. સમીરે ધીમેથી કહ્યું, "દૂરથી ડુંગર રળિયામણા લાગે ભાઈ. જો જવું જ હોય તો ખાલી હાથ ઉલાળતા પાછા ન અવાય. આ ધનપુરના લોકોનું મગજ તેજ છે અને જે હારીને પાછો આવે એને ડામ દેવામાં આખા ગામની જીભ બહુ લાંબી છે."
ભણીગણીને ખેતરમાં પરસેવો પાડવો એમને હવે ગૂંગળામણ જેવું લાગતું હતું. એમને થતું કે આટલું ભણ્યા એ બધુંય એળે જશે.
"આ ગામમાં પાછા આવવા માટે સફળતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી," હર્ષે આકાશ તરફ જોઈને કહ્યું. "જો કમાઈને ના આવ્યા તો આ જ ગામમાં આપણે પડછાયા બનીને જીવવું પડશે."
રાકેશની સફળતા એમના મગજમાં ઘર કરી ગઈ હતી. આવતા રવિવારે જ તેઓ સાયકલ લઈને ખેડા ગયા. હાઈવેની ધૂળ એમના પરસેવે રેબઝેબ શર્ટ પર જામી ગઈ. રાકેશનું નવું ઘર ગામના ઝાંપે જ હતું: વાદળી રંગનું, કાચ અને કોંક્રિટનું એવું મકાન જે આજુબાજુના માટીના ખોરડાંની જાણે મજાક ઉડાવતું હોય.
રાકેશ બહાર આવ્યો, ગળામાં સોનાની જાડી ચેન ચળકતી હતી. "મહેનત છે ભાઈઓ, મહેનત," એણે ચમકતી ડેલી પાસે ઊભા રહીને કહ્યું. "રણમાં ગરમી બહુ છે, પણ ત્યાં જે પૈસો મળે છે એ મોંમાં પાણી લઈ આવે. મેં બાંધકામમાં શરૂઆત કરી, પછી વખારમાં ગયો. એક-એક દિરહમ બચાવો તો આવું ઘર બને." એણે પાછળ મકાન તરફ ગર્વથી ઈશારો કર્યો.
"દસ્તાવેજોનું શું?" પ્રતીકે પૂછ્યું, એ હજીપણ ક્યાંક જોખમનો સંકેત શોધી રહ્યો હતો. જાણે આખી દુનિયા એની મુઠ્ઠીમાં હોય એમ રાકેશે ગર્વથી કહ્યું, "મારી રજાઓ પતવા આવી છે, પંદર દીમાં હું પાછો જાઉં છું. મારી હારે હેંડો, મારી જ કંપનીમાં તમને ગોઠવી દઈશ. આ ધનપુરની ધૂળમાં તમારી ડિગ્રીઓ ના બગાડો, સોનાના શહેરમાં નસીબ અજમાવો."
આ વાત સાંભળીને છોકરાઓને પાકો ભરોસો બેસી ગયો. રાકેશ હવે ફક્ત સફળ માણસ નહોતો, એ તો એમનો તારણહાર બની ગયો. પાછા વળતી વખતે એમના મનમાં નવા ફટાકડા ફૂટી રહ્યા.
"હારું થયું ને, આપણા પાસપોર્ટ પહેલેથી તૈયાર હતાં," હર્ષે સાયકલને પેડલ મારતા કહ્યું. "નસીબ જ આપણને બોલાવે છે, બાકી આટલી જલ્દી બધું ન ગોઠવાય."
કોઈ દલાલની જરૂર નહોતી, રાકેશ સીધો રસ્તો હતો અને વચેટિયાની તોતિંગ દલાલી પણ બચી ગઈ. એમની લાચારી અને ઉતાવળે આ જોખમી દાવને એમની છેલ્લી આશા બનાવી દીધી.
થોડા દિવસોમાં આ નિર્ણય આખા ગામમાં ચર્ચાઈ ગયો. સમીરની માએ નવા સંચાના મોટર માટે બચાવેલા પૈસા દીકરાને આપી દીધા. હર્ષના બાપે શાહુકાર પાસેથી ઊંચા વ્યાજે નાણાં ઉપાડ્યા. પ્રતીકના બાપે, જે કરિયાણાની દુકાન ચલાવતા હતા, એમણે ચૂપચાપ દીકરાને સામાન બાંધતા જોયો અને ધીમેથી ચેતવણી આપી, "ધનપુરમાં સફળતાના વાવટા બહુ જલ્દી ફરકે, ને હારના ડાઘ પણ કોઈ ભૂલતું નથી."
નીકળવાના દિવસે આખું ગામ બસ સ્ટેન્ડે ભેગું થયું. ગળામાં પહેરાવેલા ગલગોટાના હાર વજનદાર લંગર જેવા લાગ્યા. બધા બાપોના છાતી ગજગજ ફૂલતી હતી, તેઓ તો અત્યારથી જ છોકરાઓની વાતો એવી રીતે કરતા હતા જાણે ઈતિહાસ રચીને આવ્યા હોય.
"ધનપુરનું નામ રોશન કરજો હો ભાઈ," એક ખેડૂતે હર્ષની પીઠ થાબડતા કહ્યું.
બસનું એન્જિન ગરજ્યું. સમીરની માએ છેલ્લી ઘડી સુધી બારીમાંથી એનો હાથ પકડી રાખ્યો. "ધ્યાન રાખજે અને ફોન કરજે," એનો અવાજ બસના ઘરઘરાટમાં ડૂબી ગયો.
તીન તીગડીએ જે રસ્તો પસંદ કર્યો હતો ત્યાંથી પાછા વળવું સહેલું નહોતું. ચોકસાઈભરી નજરો અને ઉધાર લીધેલી આશાઓ સાથે ધનપુર પાછળ રહી ગયું.
વિમાનમાંથી સોનાનું શહેર, દુબઈ ક્ષિતિજ પર ચળકતું દેખાણું. એરપોર્ટથી જ્યારે તેઓ બસમાં નીકળ્યા, ત્યારે બારીમાંથી ઊંચી-ઊંચી ઈમારતો જેના તેઓએ રજવાડી શમણાં સેવ્યા હતા, તે એક પોસ્ટકાર્ડ જેવું દેખાતું હતું. બસ જેમ-જેમ રણની વચોવચ ઊભા થયેલા મજૂર છાવણીઓ તરફ વધતી ગઈ તેમ-તેમ શહેર પાછળ છૂટી ગયું.
બે કલાક પછી રસ્તો જ્યાં પૂરો થયો ત્યાં ચારેબાજુ ક્રેઈન અને અધૂરા ચણાયેલા કોંક્રિટના માળખાં હતા. બસનો દરવાજો ખૂલ્યો અને ગરમીનો એવો લબકારો વાગ્યો કે શ્વાસ અધ્ધર થઈ ગયો. એક પળ માટે સમીરે આંખો મીંચી દીધી, અને ધનપુરના લીલાછમ ખેતરો જાણે બીજા જન્મે જોયેલું કોઈ સપનું હોય એવું લાગ્યું.
મજૂર છાવણી એટલે ધૂળની ડમરીઓ વચ્ચે ગોઠવાયેલા પતરાના લાંબા ડબ્બા જેવા ઓરડાઓ. બસમાંથી ઉતરતા જ રાકેશના ચહેરા પરથી જાણીતું સ્મિત ગાયબ થઈ ગયું. એની તો જાણે ભાષા પણ બદલાઈ ગઈ. એણે તોછડાઈથી કહ્યું, “કાન ખોલીને સાંભળો, આ ખેડા નથી. અહીં હું તમારો ભાઈબંધ નથી, પણ મુકાદમ છું. જે પાળી સોંપવામાં આવે એમાં કામ કરવાનું, સીસોટી વાગે ત્યારે ખાવાનું અને નીચું જોઈને પડ્યા રહેવાનું. તમારી ડિગ્રીઓ અહીં પસ્તીના કાગળ સમાન છે; ચણા-મમરાના પડીકા વાળવામાં કામ લાગશે. અહીં તમે કેટલો પરસેવો પાડો છો એના પરથી તમારી કિંમત આંકી જાશે."
હર્ષ તો ફાટી આંખે રાકેશને જોઈ રહ્યો. “ગોદામની નોકરીનું શું? તેં તો કીધું હતું કે માલસામાનની હેરફેરમાં કામ કરવાનું છે!”
રાકેશે અકળાઈને ખભો ઉછાળ્યો, “બાંધકામ પણ લોજિસ્ટિક્સ જ કહેવાય ને! ઈંટો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી તો પડે જ ને.”
પ્રતીકની આંખોમાં રોષ ઉતરી આવ્યો, “તેં જે વાયદા કર્યા હતા, આ એ નથી.”
રાકેશે એની સામે ક્ષણભર જોયું અને રોકડું પરખાવ્યું, “અહીં વાયદાની કોઈ કિંમત નથી, ભઈલા. અહીં જે જીવતો રહ્યો એણે જ બાજી મારી કહેવાય.”
આગલા દિવસે પરોઢિયે અંધારામાં તીણી સિટી વાગી અને બધા ઝબકીને ઉઠ્યા. ઝાંખા પડી ગયેલા યુનિફોર્મ પહેરીને મજૂરો પોતપોતાના ટિફિન લઈ દોડવા માંડ્યા. એમને ચણતરના સ્થળે લઈ જવામાં આવ્યા. સૂરજ હજી માંડ ઊંચો આવ્યો ત્યાં તો રણ ભઠ્ઠીની જેમ તપવા માંડ્યું.
હર્ષે ધૂળિયા હાથે કપાળે પરસેવો લૂછ્યો અને બબડ્યો, “ચાર વરસ કોલેજમાં ધૂળ ફાકી હતી... આ જોવા માટે?”
પ્રતીકે સિમેન્ટની ગુણી ખભા પર ચડાવતા ધીમેથી કહ્યું, “કચકચ કરવાથી આ વજન ઓછું નહીં થાય.”
ગરમી, ધૂળ અને થાકના કરુણ ચક્રમાં ત્રણ મહિના વીતી ગયા. એક સાંજે, સાંકડી ઓરડીમાં દસ મજૂરો વચ્ચે બેસીને પાણી જેવી દાળ ખાતા-ખાતા તેઓ અબ્બાસ નામના એક અનુભવી મજૂર સાથે વાત કરી રહ્યા હતા. ચહેરા પરની કરચલીઓ અને ખરબચડા હાથ અબ્બાસને એની ઉંમર કરતા વધુ ઘરડો બતાવતા હતા.
જ્યારે સમીરે રાકેશનું નામ લીધું, ત્યારે અબ્બાસ ખડખડાટ હસી પડ્યો. “રાકેશ તો આ ભઠ્ઠીમાં હોમવા માટે જેટલા માણસો લાવે ને, એ દરેક દીઠ કમિશન ખાય છે.” અબ્બાસે આજુબાજુ જોઈને ધીમેથી ઉમેર્યું, “આ રણ કોઈને કેદ નથી કરતું, માથા પર ભમતું ઉધાર માણસને અહીં પકડી રાખે છે. બધા લાચાર છે.”
તે રાત્રે ત્રણેય મિત્રો ઓરડાની બહાર બેઠા હતા. હથેળીમાં પડેલા ફોલ્લાઓ પંપાળતા તેઓ પોતાનો ભાંગેલો આત્મવિશ્વાસ સાંધવાની કોશિશ કરતા હતા. સમીરે કાળા આકાશ સામે જોઈને ધીમેથી કહ્યું, “ગામમાં તો બધા એમ સમજતા હશે કે આપણે અહીં રૂપિયા છાપીએ છીએ.”
હર્ષે ધૂળમાં પથ્થર ફંગોળ્યો, “ખાલી હાથે તો પાછા ના જવાય.”
પ્રતીક ખોલીઓમાં જઈ રહેલા થાકેલા મજૂરો તરફ જોઈ રહ્યો. “આજુબાજુ તો જુઓ,” એણે એકદમ શાંત અવાજે કહ્યું, “આપણે અહીં મજૂરી કરીએ છીએ અને મલાઈ બીજું કોઈ ખાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા જીવતરની લગામ આપણા હાથમાં લઈએ.”
છાવણીનું જીવન એક પીડાદાયક રેટિયા જેવું બની ગયું: સવારની સીસોટી, વજન ઉપાડવું, રણની ગરમી અને હાડ ગાળી નાખતો થાક. છેવટે શુક્રવારે, જે એમનો આરામનો દિવસ હતો, ત્યારે ધીરજ ખૂટી ગઈ. શરીરમાં કળતર થતું હતું ત્યારે જોસેફ નામનો એક મજૂર તેમની પાસે આવ્યો અને બોલ્યો, “તમારા ચહેરા બોલે છે કે તમને આરામની બહુ જરૂર છે. શુક્રવારે અમે શહેરમાં વતનીઓના એક મેળાવડામાં જઈએ છીએ. ત્યાં સારું જમવાનું, સંગીત અને આપણા દેશના માણસો મળશે. થોડીવાર દુઃખ ભૂલવું હોય તો આવો અમારી સાથે.”
કંઈ વાંધો નથી એમ વિચારીને ત્રણેય મિત્રો તેની સાથે ગયા.
સામાજિક ભવન મજૂરોથી ખીચોખીચ ભરેલો હતો. સ્ટીલના મોટા વાસણોમાં ભોજન રંધાતું હતું અને લોકો પોતાની ભાષામાં વાતો કરતા હતા. વચ્ચે એક ઊંચા આસન પર ભગવા વસ્ત્રો પહેરેલા એક આધેડ માણસ બેઠા હતા. લોકો હાથ જોડીને તેમની પાસે જતા, પોતાના હૈયાની વરાળ કાઢતા અને આશીર્વાદ લેતા. જતા પહેલા તેઓ બાજુમાં પડેલા સ્ટીલના વાસણમાં પૈસા મૂકતા.
હર્ષ આ બધું ધ્યાનથી જોઈ રહ્યો. એણે જોસેફને પૂછ્યું, “આ કોણ છે?”
જોસેફે જવાબ આપ્યો, “આ તો ફરતા સાધુ બાબા છે. મજૂરો આવા લોકોને બોલાવે. તેઓ દુઃખ સાંભળે અને આશીર્વાદ આપે.”
પ્રતીકે કટાક્ષમાં પૂછ્યું, “અને લોકો એના પૈસા આપે છે?”
જોસેફે ખભો ઉછાળ્યો, “ભાઈ, આશા બહુ મોંઘી વસ્તુ છે. અહીં માણસને રોટલા કરતાં આશાની ભૂખ વધારે લાગે છે.”
બહાર નીકળતી વખતે આ વાત એમના મગજમાં ઘર કરી ગઈ. થોડીવાર પછી હર્ષ બોલ્યો, “પેલી લાઈન જોઈ હતી?”
સમીરે માથું ધુણાવ્યું, “બધાય લાચાર લાગતા હતા.”
હર્ષ ઊભો રહી ગયો, “બરાબર. દુઃખમાં ડૂબેલા માણસને કોઈ દિલાસો આપનાર જોઈએ છે.”
પ્રતીકે એની સામે તીણી નજર નાખી, “તું પ્રભાવિત થઈ ગયો કે શું?”
હર્ષે ઉત્સાહથી કહ્યું, “હું તો જોતો હતો. ઘડીકવારની વાતો અને લોકો એને ચમત્કાર સમજે છે!”
પ્રતીકે માથું હલાવીને નકાર ભણ્યો, “હર્ષ, આ બધું તૂત છે, છેતરપિંડી.”
હર્ષ સામો થયો, “છેતરપિંડી? રાકેશે આપણને વખારના સપના બતાવીને છેતર્યા. કંપની આપણને ઓવરટાઇમના પૈસા ન આપીને છેતરે છે. આખી દુનિયા છેતરપિંડી પર ચાલે છે, યાર.”
સમીરે વચ્ચે પડીને પૂછ્યું, “તું કહેવા શું માંગે છે?”
હર્ષે તોલી-તોલીને શબ્દો વેર્યા, “આપણે ઇન્ડિયા પાછા જઈએ અને પોતે જ સાધુ બાબા બની જઈએ.”
મિત્રો એની સામે એમ જોઈ રહ્યા જાણે હર્ષના બે માથા ઊગી આવ્યા હોય. “તું મજાક કરે છે ને?” પ્રતીકે પૂછ્યું.
હર્ષે ગંભીરતાથી કહ્યું, “વિચારો તો ખરા. દરેક ગામડામાં એ જ પીડા છે: પાક નિષ્ફળ જવો, દેણું, માંદા છોકરા, દીકરીઓના લગ્ન, દીકરાની આશા. લોકોને ઉકેલ નથી જોઈતો, એમને તો ખાલી આશ્વાસન અને વિધિઓ જોઈએ છે.”
સમીર ખચકાયો, “પણ ધનપુરમાં તો આપણને બધાય ઓળખે છે.”
હર્ષે માથું ધુણાવ્યું, “તો ત્યાં નહીં જવાનું. આપણે એવું ગામ પકડીશું જ્યાં આપણને કોઈ ઓળખતું ના હોય.”
પ્રતીકે હાથ જોડીને પૂછ્યું, “ત્રણ મજૂરો રાતોરાત મહાત્મા બની જશે?”
હર્ષે રોકડું પરખાવ્યું, “રાતોરાત નહીં. આપણે શીખીશું કે આ બધું કેવી રીતે ચાલે છે.”
આવતા થોડા અઠવાડિયા સુધી તેઓ સામાજિક ભવન વારંવાર ગયા. બાબાની બોલવાની શૈલી, એમના હાવભાવ અને જે વાક્યોથી લોકોના મનમાં શ્રદ્ધા જાગતી હતી એ બધું તેઓ ગોખવા માંડ્યા. ધીમે ધીમે યોજના પાકી થઈ. તેઓ રણ છોડીને ઇન્ડિયા પાછા જશે અને એવું ગામ શોધશે જ્યાં એમના ભણતરને આધ્યાત્મિક જ્ઞાન તરીકે પિરસાય. છેવટે તેમણે રાકેશને કહી દીધું કે તેઓ કામ છોડી રહ્યા છે.
“પૈસા કમાવવાનો કોઈ સહેલો રસ્તો મળી ગયો લાગે છે?” રાકેશે કટાક્ષ કર્યો.
હર્ષે વળતો જવાબ આપ્યો, “તારા જેવા ઠગારાને ત્યાં મજૂરી કરવા કરતાં તો સારો જ રસ્તો હશે.”
રણે એમની શક્તિ અને બચત લૂંટી લીધી હતી, પણ બદલામાં એક ખતરનાક વિચાર આપ્યો હતો, જેનાથી તેઓ ફરીથી ધનવાન બનવાના સપના જોવા માંડ્યા.
સજ્જનપુર: એક એવું ગામ જે પાણી કરતાય વધારે આશાનું તરસ્યું હતું. ધનપુરથી ત્રણ રાજ્ય દૂર આવેલું આ ગામ, જ્યાંની જમીન સુકીભઠ્ઠ હતી અને લોકો વર્ષોથી અનિયમિત વરસાદ અને દેણાના બોજથી થાકી ગયા હતા. આ એવી જગ્યા હતી જ્યાં તર્ક કરતા અંધશ્રદ્ધા વધું ચાલતી; આપણા ત્રણેય મિત્રો માટે આ એકદમ અનુકૂળ મેદાન હતું. તેમની પાસે બચેલા થોડાક પૈસાથી તેમણે ગામને પાદરે એક પડતર વાડી ભાડે લીધી અને એવો પ્રચાર, એવો વાયરો વહેતો કર્યો
કે તેઓ હિમાલયમાં તપ કરીને પાછા ફરેલા સાધકો છે.
કામદારના કપડાં ફગાવીને ભગવા ધારણ કરી હર્ષ હવે શાસ્ત્રીજી બની ગયો. પ્રતીક પ્રસાદ અને ચઢાવાની વ્યવસ્થા સંભાળતો, અને સમીર દુઃખિયારા લોકોની ભીડને હારબંધ ગોઠવતો. ધર્મની વાતો નકારીને તેઓ વૈદિક સમાધાનના નામે ગામડાના રોજીંદા પ્રશ્નોનો ઉકેલ આપતા.
જોતજોતામાં સજ્જનપુરમાં વાત વહેતી થઈ ગઈ કે ત્રણ ભણેલા-ગણેલા મહાત્માઓ પધાર્યા છે, જેમના પાસે દરેક દુઃખની જડીબુટ્ટી છે.
જ્યારે કોઈ ખેડૂત પાક નિષ્ફળ જવાની ફરિયાદ લઈને રડતો આવે, ત્યારે હર્ષ એકદમ શાંત અવાજે કહેતો, “ભાઈ, ધરતીમાતા કોપાયમાન નથી થઈ, બસ એનો શ્વાસ રૂંધાયો છે. આ પવિત્ર ભસ્મ લઈ જા, સૂરજ ઊગતા પહેલા ખેતરમાં છાંટજે અને પછી જોજે તારો પાક કેવો લહેરાય છે!”
કોઈ મા જ્યારે દીકરીના અટકેલા લગ્નની વાત કરતી, ત્યારે હર્ષ એવી ધીરજથી સાંભળતો કે પેલી સ્ત્રીને વર્ષો પછી પહેલીવાર કોઈ પોતાનું લાગતું. તેઓ પોતાના ભણતરનો ઉપયોગ કરી ઘરગથ્થુ ડહાપણને દૈવી જ્ઞાન તરીકે પીરસતા હતા.
અઢાર મહિના સુધી આ ખેલ જોરશોરથી ચાલ્યો. જે દાન તાંબાના સિક્કાથી શરૂ થયું હતું, તે હવે નોટોના બંડલ સુધી પહોંચી ગયું. દર મહિને તેઓ શહેરના એક વચેટિયા મારફતે ધનપુરમાં તેમના પરિવારને પૈસા મોકલતા અને ઘરે એવું કહેતા કે આ તો દુબઈનું બોનસ છે.
ગામના ચોરે બેસીને એમના બાપો દીકરાઓની કમાણીના ફાંકા મારતા, જ્યારે અહીં સજ્જનપુરમાં ત્રણેય જણ જીવતા જાગતા ચમત્કાર ગણાવા લાગ્યા હતા.
“સત્ય કરતા જૂઠાણું વધારે કમાણી કરી આપે છે,” એક રાત્રે નોટો ગણતા હર્ષે ધીમેથી કહ્યું. “ધનપુરમાં આપણે હીરો છીએ અને અહીં સંત. હવે ફરી મજૂરી કરવા કોણ જાય?” એ ખડખડાટ હસી પડ્યો.
જોકે આ સફળતાની પાછળ એક પડછાયો પણ હતો: માસ્ટરજી, ગામના નિવૃત્ત શિક્ષક, જેમની નજર બાજ જેવી તેજ હતી. એમને શંકા ત્યારે થઈ જ્યારે એમનો એક જૂનો વિદ્યાર્થી ઉત્સાહમાં આવીને બોલ્યો, “માસ્ટરજી, શાસ્ત્રીજીએ બાપાને ઘઉં માટે એક ચમત્કારી પડીકી આપી હતી, આ વખતે તો પાક બમણો થયો! સાચે, ચમત્કાર છે આ તો!”
પેલા છોકરાએ વધેલી પડીકી માસ્ટરજીને બતાવી. માસ્ટરજીએ પાવડર આંગળીઓ વચ્ચે ઘસ્યો; એમાં રહેલી યુરિયા અને પોટાશની ગંધ કોઈ હિમાલયનું રહસ્ય નહોતું.
તે દિવસથી માસ્ટરજી વાડીએ આવતા-જતા થયા. તેઓ આશીર્વાદ નહોતા માંગતા, બસ છેવાડે, ટોળાથી વેગળા રહીને બધું જોયા કરતા. એમણે નોંધ્યું કે ક્યારેક વાતો કરવામાં આ લોકોની બોલી બદલાઈ જતી અને એમનું જ્ઞાન તો એ જ પુસ્તકો જેવું હતું, જે માસ્ટરજી ત્રીસ વર્ષથી ભણાવતા હતા. તેઓ મૌન રહ્યા, પણ એમની નજર કોઈ સળગતી દિવાસળીની જેમ આ લોકોનો પીછો કરતી રહી.
પાપનો ઘડો એક દી’ તો ફૂટે જ. એમનો સપનાનો મહેલ એક જ દિવસમાં કકડભૂસ થઈ ગયો. માસ્ટરજીએ ચૂપચાપ બધી કડીઓ જોડી દીધી હતી અને દુબઈમાં રહેતા એક ઓળખીતા દ્વારા રાકેશનો અસલી ચહેરો પણ જાણી લીધો હતો.
એક દિવસ સવારે આખો ભાંડો ફૂટ્યો. વાડી શ્રદ્ધાળુઓથી ભરેલી હતી, ત્યારે જ માસ્ટરજી અને સરપંચ ત્યાં આવી પહોંચ્યા. એમની પાછળ ધૂળ ઉડાડતી એક જીપમાંથી એવા લોકો ઉતર્યા જેમને જોઈ ત્રણેય મિત્રોના લોહી થીજી ગયા: હર્ષના બાપુ, પ્રતીકના પિતા અને સમીરની વિધવા મા.
આખી વાડીમાં મોત જેવી શાંતિ છવાઈ ગઈ. સમીરની મા, જેના ચહેરા પર રાત-દિવસ કામ કર્યાનો થાક હતો, તે પોતાના દીકરાને ભગવા કપડામાં જોઈ રહી. જે દીકરો દુબઈનો હીરો હતો, તે આજે એક ઠગારો બનીને સામે ઊભો હતો.
છોકરાઓ ફાટી આંખે જોઈ રહ્યા, એમના શરીરમાં લખલખું પસાર થઈ ગયું.
માસ્ટરજી આગળ આવ્યા, હાથમાં પેલી પડીકી હતી. “આ હિમાલયની ભસ્મ નથી,” એમણે ગામલોકો સામે જોરથી કહ્યું. “આ તો યુરિયા અને પોટાશ છે, જે નિશાળના છોકરાવને પણ ખબર હોય. આ લોકો કોઈ સંત નથી, પણ મજૂરીમાંથી ભાગેલા ઠગારા છે, જે તમારા ભોળપણનો ફાયદો ઉઠાવવા આવ્યા છે. સરપંચ એમના મા-બાપને અહીં એટલે લાવ્યા છે કે તેઓ પોતાના દીકરાઓના જૂઠાણાની શરમ, નજરે જોઈ શકે.”
સંત હોવાનો મુખવટો ઉતરી ગયો. ગામલોકોનો રોષ વધતો જોઈ સરપંચે હાથ ઊંચા કર્યા અને હર્ષ, પ્રતીક અને સમીર તરફ ઈશારો કર્યો. “આમની સામું જુઓ,” સરપંચનો અવાજ ગાજ્યો. “એમણે તમને છેતર્યા એ સાચું, પણ એ એટલે ફાવી ગયા કારણ કે તમે કાળું વેતરું કરવાને બદલે વિધિઓમાં વિશ્વાસ કર્યો. તમે એટલે ચમત્કાર શોધતા હતા કારણ કે તમે મહેનત કરવા તૈયાર નહોતા. તમારી અંધશ્રદ્ધા એ જમીન બની જેમાં એમણે જૂઠના બીજ વાવ્યા.”
સરપંચ ફરી ત્રણે મિત્રો તરફ વળ્યા, જેઓ મા-બાપની સામે નીચું જોઈને ઊભા હતા.
“તમે ત્રણે બુદ્ધિના બળિયા છો,” સરપંચે આગળ કહ્યું, “પણ તમે એનો ઉપયોગ લોકોને અંધારામાં રાખવા અને એ મા-બાપને છેતરવા કર્યો જેમણે તમારા ભવિષ્ય માટે પોતાની મૂડી ખાલી કરી દીધી. જેલ તો તમારા માટે બહુ સહેલી સજા ગણાશે. તમે સજ્જનપુરમાં જ રહેશો અને આ ગામના ઉદ્ધાર માટે કામ કરશો.”
સરપંચે ગામના ભવિષ્યનો નવો નકશો દોર્યો. “આજથી સજ્જનપુરનું દરેક બાળક, ભલે તે દીકરો હોય કે દીકરી, ફરજિયાત નિશાળે જશે. આપણે એવી પેઢી નથી ઉછેરવી જે ખાતરની પડીકી જોઈને છેતરાઈ જાય.”
ત્રણેય મિત્રોને ત્રણ વર્ષ સુધી સજ્જનપુરમાં રહીને ગામની કાયાપલટ કરવાની સજા મળી. હર્ષને ખેતી મંડળી સોંપાઈ, જ્યાં તેણે ખેડૂતોને પાક લેવાનું સાચું વિજ્ઞાન સમજાવવાનું હતું. સમીરને ડિજિટલ સેન્ટર બનાવવાનું કામ મળ્યું, અને પ્રતીકને નિશાળના વહીવટમાં સુધારો કરવાની જવાબદારી સોંપાઈ.
“તમારી હોશિયારીનો ઉપયોગ હવે અહીં કરો,” સરપંચે વાત પૂરી કરી. “આપણા જુવાનિયાઓને આધુનિક બનાવો જેથી તેઓ ગામમાં રહીને જ ગામનો વિકાસ કરે.”
ગામલોકો વિખેરાયા, પણ પાછળ રહી ગયેલું મૌન પેલા આક્રોશ કરતાય વજનદાર હતું.
હર્ષે માંડ કરીને એના બાપુની નજર સામે જોયું. “શું અમે તને આ દિવસ જોવા ભણાવ્યો હતો?” બાપુની આંખોમાં વહેતા આંસુ ઘણું બધું કહી ગયા.
સમીરની માએ તો એને જોરથી તમાચો ઝીંકી દીધો. “તેં આ કેવી રીતે કર્યું? એકવાર તો મારી મહેનતનો વિચાર કર્યો હોત!” સમીરને આખી જિંદગીમાં ક્યારેય આવો પસ્તાવો નહોતો થયો.
પ્રતીકના પિતાએ સરપંચને કહ્યું, “તમારી સજા એકદમ વ્યાજબી છે. કેમ માત્ર ત્રણ વર્ષ? આમને આખી જિંદગી અહીં જ રાખો.”
એ રાત તે તીગડીની જિંદગીની સૌથી લાંબી રાત હતી. કોઈ એકબીજા સાથે વાત ન કરી; બસ, પોતે કરેલા પાપનો પસ્તાવો કરતા રહ્યા.
બીજે દિવસે સવારે, સાધુનો વેશ ઉતારીને તેઓ સરપંચે સોંપેલી સજા પૂરી કરવા તૈયાર થઈ ગયા. મનમાં એક જ વાતનો સંતોષ હતો કે મામલો થાણે નહોતો ચડ્યો.
વર્ષો વીતતા ગયા અને સજ્જનપુરની કાયાપલટ થતી ગઈ. હર્ષે ખેતરોમાં ગતાગમ વગરની શ્રદ્ધાને બદલે વૈજ્ઞાનિક ખેતી લાવી દીધી. સમીરે જૂના કોઠારને ડિજિટલ માહિતી કેન્દ્ર બનાવી દીધું, જ્યાં ગામના છોકરાઓ દુનિયા સાથે કદમ મિલાવતા શીખ્યા. પ્રતીકે નિશાળનો વહીવટ એવો સુધાર્યો કે ગામની દરેક દીકરી ભણતી થઈ ગઈ.
સજ્જનપુર કદાચ એમને ક્યારેય માફ ના કરી શક્યું હોત, પણ ગામમાં જે પરિવર્તન આવ્યું હતું તે કાબરચીતરી ઈયળમાંથી પતંગિયું બનવા જેવું હતું. આ ત્રણેય મિત્રોએ પોતાની ભૂલ સુધારવા એટલી મહેનત કરી કે તે જ એમનું પ્રાયશ્ચિત બની ગયું.
આજે સજ્જનપુરનો ધબકાર બદલાયો છે. અંધશ્રદ્ધાની જગ્યાએ હવે વિજ્ઞાન અને સમજદારી છે, અને આ બધું ત્રણે મિત્રોના પુરુષાર્થનું પરિણામ છે.
તો આ હતા, સજ્જનપુરના સાધુ!
લેખિકા: શમીમ મર્ચન્ટ, શમા.
