વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરસ


      

      તરસ.


        વૈશાખની ઊડતી ધૂળની  સમુને દઝાડી ગઈ.


         ઓસરીમાં સૌ સુતાં હતાં. સાસુ,સસરા,જેઠ, જેઠાણી ને કાયમ શાંત રહેતો ધણી... બીજું આણું માંડ માંડ પત્યું ને સમુનુ ઘર બંધાઈ ગયું. હજું તો ગામનાં તળાવ કાંઠે બહેનપણીઓ સાથે સંસારના સુખદુઃખની વાતો પુરી નહોતી થઈ ને સમુ દેશી નળીયાવાળા માટીનાં ઓરડામાં ભીંસાઈ ગઈ હતી.


              સમુએ પોતાની હથેળીનું નેજવું કરીને આકાશ સામે જોયું. બાપ રે...જાણે અગનગોળો જ જોઈ લો...!


             ગળાની ચોતરફ વીંટાળી રાખેલું ઓઢણું માથાં પર કસીને બાંધતી સમુએ કામમાં ધ્યાન પરોવ્યું. સૌ જમીને આરામથી સુતાં હતાં. વાસણ માંજી લીધાં હતાં. કટલાની બાજુનાં ખુણામાં રહેલી ચાટમા વધેલો એંઠવાડ નાખીને એ નવરી થઈ ગઈ હતી.એની ઈચ્છા હતી કે થોડીવાર સુવા મળે તો સારું...પણ, ત્યાં જ પાણી આવ્યું.


                 રણકાંઠાના ગામડાઓમાં પાણી અઠવાડિયામાં એક જ વાર આવતું...એ પણ ફક્ત બે કલાક...જો આ તક ઝડપી ન લેવાય તો આખું અઠવાડિયું લાંઘણ ભોગવવી પડતી.એથી જ,જેવો નળમાં અવાજ શરું થયો કે સમુના કાન સાબદા થઈ ગયા. એ ફટાફટ નળની પાસે જઈને બેસી ગઈ.


      " અલી વઉ...પાણી ભરી લેજી હો..." દેશી નળિયાં ચીરીને સાસુનો સ્વર તીરની જેમ બહાર નીકળ્યો. સમુએ મોઢું બગાડ્યું.મનોમન બે ચાર ગાળો પણ આપી દીધી..પછી,પાણી ભરવું શરું કર્યું.


                પણ,આ તો બાળોતિયાથી બળેલી હતી. માંડ અડધી માટલી પાણીની ભરાણી કે પાણી બંધ થઈ ગયું. સમુ ક્યાંય સુધી હાથમાં પાણીની નળી લઇને બેસી રહી.


              મોંઢા પર બાંધેલી બુકાની સોસરવી ગરમી અંદર ઉતરીને સમુનો રૂપાળો ચહેરો લાલઘૂમ કરી દેતી હતી. એ હાંફતી હતી. કેડે પર ખોસેલો સાડલાનો છેડો વારંવાર નીકળી જતો હતો. ધૂળની ડમરીઓ ઉડી ઉડીને ચોતરફ વીંટળાઈ જતી હતી..જાણે, લબકારા મારતી નાગણના ફુંફાડા...! સમુને એ ફુંફાડા દઝાડી જતાં.


             મૈયરમા એ રહેતી ત્યારે સૌ એનાં વખાણ કરતાં. સમુને એની સુંદરતાનું અભિમાન થતું. જ્યારે જ્યારે ગામમાં મેળો કે કોઈ પ્રસંગ હોય ત્યારે એ રાધનપુરથી લાવેલી ફેર એન્ડ લવલી ક્રીમ લગાડી ચહેરાની સુંદરતા વધારતી. બહેનપણીઓ કહેતી કે હાય...હાય..સમુડી.. તું તો જબરી દેખાય..મૂઈ..હાહરીમા હઉને માયા લગાઈશ હો...એ વખતે સમુને ગર્વ થતો.


            " હાય..હાય...પાણી જતું રયુ...આમ શું બેઠી હે બાઘાની જેમ... મા એ કાય હારી શીખામણ આલી હોય તો ને...બસ..ફુલીને ફટાકા થઈ ગામમાં ફર્યા જ છો...! "  પીઠ પાછળથી જેઠાણીનો ખીજાયેલો અવાજ સમુના દેહને કંપાવી ગયો. જેઠાણી માથાભારે હતી. હરાયા ઢોરની માફક આખો દિવસ એ ઢસરડો કરતી..સમુને ઝપટમાં લેવાની એક તક એ જતી ન કરતી. સમુ જેઠાણીની તુલનામાં થોડી ઠંડી હતી. સમુને ઘણીવાર ગુસ્સો આવતો પણ,એ જ્યારે જ્યારે જેઠાણીને કામ કરતાં જોતી,એને દયા આવતી... બિચારી..ચેટલુ કામ ઢહેડે હે..


              ચોકમાં એક ખુણામાં ભેંસ બાંધવાનું ઢાળિયુ હતું. ભેંસ દોહવા દેતી નહોતી. બપોરનાં તો મોટાભાગે તળાવમાં પડી રહેતી. સમુને વિચાર આવતો...હાશ, બિચારી ભેંસને સુવા બેસવાનું ઠેકાણું તો છે...!!!!


                      જેઠાણી બોલવાનું શરૂ કરે એટલે બંધ થતાં વાર લાગતી. સમુ પણ ટેવાઈ ગઈ હતી. વડીલ છે તો બોલે.. એટલે, ભડભડતી ભાષાને નજર અંદાજ કરી એ ઢાળિયામા પહોંચી હતી.


               એક ખુણામાં લાકડાંના ખંભા પર એણે ચકલાં વગેરે પંખીઓ માટે પાણીનું કુંડુ બનાવી મુક્યું હતું. એણે પીવાનાં પાણીનાં માટલામાંથી એક લોટો પાણી ભરીને કુંડામાં રેડ્યું. ગમાણ પાસે પડેલી સુકી ચારને આઘીપાછી કરી ને પાછી ઓરડામાં આવી.


               એક જ ઓરડો હતો...આગળ ઓસરીમાં સસરા,જેઠ અને પતિ સુતાં હતાં. અંદર સાસુ, જેઠાણીની દીકરી વગેરે ઘોરતા હતાં. સમુ ખરેખર થાકી હતી. સ્હેજ આડા પડવાની ઇચ્છા થઇ.. પરંતુ,એ ઓરડાની અંદર પ્રવેશ કરે એ પહેલાં તો જેઠાણીના ઘોંઘાટથી જાગી ગયેલા સૌએ આંખો ખોલી.


             " શું થ્યુ...? પાણી જતું રયુ..? "


            " શેરીમાથી ભરી લાવજો‌... હેંડો..મેલો ચા.."


    ચા.. નું નામ પડતાં જ સમુના પગ આપોઆપ અટકી ગયાં. હજું હમણાં તો ચુલો ઠાર્યો હતો ને પાછો પેટાવવો પડશે..એ વિચારે એ ભાંગી પડી. કઠણ કદમ કરીને એ ચુલા તરફ વળી.


               સાઠીઓ તો હતી નહીં એટલે છાણાંને ભાંગી એક કાગળનો ટુકડો ચુલામાં નાખી એણે આગ પેટાવી.કળાઈમા ચા, ખાંડ,દુધ વગેરે નાખી એ ગળણી વડે ચા નો ઉભરો હલાવતી રહી. એણે લાજ કાઢેલી હતી અને વારંવાર એની આંખો પોતાના કાહ્યાગરા કંથ પર પડતી હતી. પસો નામ હતું એનું.


                વરાણાના મેળે પહેલીવાર મળ્યો ત્યારે પસો શું બોલ્યો હતો..?  " એકવાર તું મારાં બારણે આવી જા...ભોડી..જો પછી તું...તને કોઈ વાતે તકલીફ પડે તો..મારું મકાન મંજૂર થઈ ગ્યુ હે...."


               દેખાવમાં સાધારણ દેખાતો પસો સમુને હૈયામાં ઉતરી ગયેલો..બિચારો..અતારથી મારી ચેટલી ચિંતા કરે હે.એથી જ તો માવતરની ઈચ્છા નહોતી છતાં,સમુએ વહેલાં વહેલાં ઘર બાંધી દીધું હતું...ને, સાસરે આવ્યાના થોડાં જ દિવસોમાં સમુને સમજાઈ ગયું કે ઘરમાં પસાની એક પૈસાનુ પણ ઉપજતું ન્હોતું. એ મનોમન ધુધવાતી રહી.


             દિવસો પસાર થતાં ગયા...


    સમુના પિયરના સાડલાનો રંગ હવે આછો થતો જતો હતો. આંખમાં ઉગેલા અરમાનોને ઉનાળાની લૂ લાગી ગઈ હતી. સુંદર ચહેરા પરનું સ્મિત હવે ધુધળુ થઈ ગયું હતું.


             આખા દિવસની થાકેલી એ રાત્રે ઓરડાની રાણી બનતી.એ દરમિયાન પસો લાચાર, વિનવણી કરતો કાપુરુષ બની જતો. એ પસાને કશું ન કહેતી. એને ખુશ રાખવા મથતી.દિવસે તનતોડ મહેનત ને રાત્રે અકારણ જાગરણ..! સમુનુ શરીર ધીમે ધીમે વીલાઈ ગયું.


                એ બળતરામાં જ એણે ચૈત્ર નવરાત્રિના ઉપવાસ કર્યા. એ પછી દેહ સાવ સુકાઈ ગયો. વૈશાખમાં તો શરીર સાવ સોટા જેવું પાતળું થઈ ગયું.સાસરીયામા એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. પિયરમાં એ જતી નહોતી. રખે ને માવતર દુઃખી થાય..!


               એણે પોતાનું દુઃખ ભુલવવા એક મનગમતી પ્રવૃત્તિ પસંદ કરી હતી. એ પંખીઓને પાણી પીવાનું કુંડુ કાયમ ભર્યું ભર્યું રાખતી. એનાં આશ્ચર્ય વચ્ચે વારંવાર પાણી ખાલી થઈ જતું. હવે તો ઘરમાં બનાવેલ ટાંકી પણ ખાલી હતી... છતાં,એ પીવાનાં માટલામાંથી પાણી ભરીને કુંડામાં રેડતી. સાસરીયામાં સૌ ખીજાતા પણ, એની આ મનગમતી પ્રવૃત્તિ હતી.બીજાના ઘરમાંથી પાણી ભરીને પણ એ પંખીઓ માટે વ્યવસ્થા કરતી.


            સૌને ચા પિવડાવી દીધાં પછી એ ફરીથી કુંડા પાસે આવી. આગ ઓકતી ગરમીમાં પણ એક બે ચકલીઓ આવી પહોંચી. એમનું ચી..ચી...ચી સમુને ગમ્યું. સાસુએ મોં મચકોડ્યુ.જેઠાણીએ બબડાટ શરું કર્યો પણ, એનું સમગ્ર ધ્યાન હવે પાણીનાં કુંડા પર હતું. એ સમજી ગઈ હતી કે અહીં જીવવું હોય તો મૌન જ ઈલાજ છે.


            " એય...પસા... હેંડ આબુ હે ગામમાં.." એક પહાડી અવાજે સમુને ચોંકાવી દીધી.એણે ત્રાંસી નજરે જોયું તો પોતાના ધણીનો દોસ્ત જગો આવ્યો હતો.સમુનુ હ્દય એક ધબકારો ચૂકી ગયું.


             જગો વારંવાર આવતો. રોજ તેજ નજરે સમુની સામે જોઈ રહેતો. મરમ ભરેલાં વાક્યો બોલતો. ક્યારેક તો સમુની સામે જ પસાને " જા ને બાયલા " એવું બોલતો. સૌ હસવામાં લેતાં પણ,સમુનુ અંતર ભેદાઈ જતું. સમુનુ સ્વાભિમાન જાગી ઉઠતુ. જગો કાયમ એવાં વેણ બોલતો જેથી, સમુ થથરી જતી. સમુને ખબર હતી કે પસો પુરુષ તરીકે થોડો કમજોર છે...એથી જ જ્યારે જગો તીખી વાત કરતો ત્યારે સમુને લાગી આવતું. એની આંખોમાં ગુસ્સો ધસી આવતો. એનાં અંગેઅંગમાં આગ લાગતી. જોકે,એ આગ ધીમે ધીમે હવે જગાની આહવાન આપતી જુવાનીની લપેટમાં પહોંચી જવા આતૂર બનતી હતી.રોજ રાત્રે એ બાજુમાં નસકોરા બોલાવતા પસાને જોઈ રહેતી. પોતાની બહેનપણીઓ સાથે જે વાતો થઈ હતી એમાંનો એકપણ અનુભવ એ પસા પાસેથી પામી નહોતી.એથી જ,જગાની કાતિલ નજરનો સ્વાદ એને ધીમે ધીમે ભાવતો જતો હતો. પછી તો રોજ જગાની નશીલી નજરની એને આદત પડી ગઈ હતી.એનુ વિહવળ થતું મન હવે ઉંબરો વટાવી દેવા તરફડીયા મારતું હતું.


            પસો અને જગો બેય બહાર ગયા.


      પાણીનાં કુંડા તરફ સમુએ નજર ફેરવી. અંદર પાણી નહોતું. એ માટલાં પાસે પહોંચી ત્યાં જ સાસુએ બુમ પાડી.." બસ લે..વઉ...પીવા રાખ હવે.." એના હાથમાં રહેલો લોટો ઊંધો વાળીને મુકી દીધો. પાણી ભરવા પણ જગાના ઘેર જ જવાનું હતું.પણ,હાલ જવાનો અર્થ નહોતો.


                એણે પાણીનાં કુંડા તરફ નજર નાખી. બે ચાર ચકલાં વારંવાર કુંડા પર આવીને પાછાં ઉડી જતાં હતાં.એ તરસ્યા તલવલતા પંખીઓ જોઈને સમુનુ હદય ફફડી ઉઠ્યું. પાણી....પાણી...પાણી..નો પોકાર એની અંદરથી ઉઠ્યો.એને પણ તરસ લાગી હતી.એણે તરસને ગળા સુધી અટકાવી રાખી...એને પાણી પીવાનું મન થયું... પાણી સામે જ હતું પણ, પંખીઓ જોઈને એણે મનને મક્કમ કર્યું.એકવાર પંખીઓને પાણી પીવડાવી દઉ... પછી, પાણી પીશ..!


               માટલી સામે જ હતી. ગળું શોષાતુ હતું. ગરમી વધતી જતી હતી.તરસ વધતી જતી હતી.ચકલાઓ તરસ્યા હતાં.એ પણ તરસી હતી. જગાનુ ઘર શેરીમા જ હતું.


             અચાનક એક છોકરો દોડતો આવ્યો.


       " જગાના બાઈકને બસ જોડે એક્સિડન્ટ થયો..."


        સમુ ધ્રુજી ગઈ. એ ઢાળિયા નીચે પાણીનાં ખાલી કુંડા નીચે ઉભી રહી ગઈ. થોડીવારમાં સમાચાર આવ્યા કે ત્રણ વાગ્યાની બસ પાદરમાં વળાંક લેતી હતી ને આ બાજુથી પુરજોશમાં બાઈક ચલાવતા જગો ને પસો બેય અડફેટે આવી ગયા. બેય ઘાયલ થયા છે.બહુ વાગ્યુ નથી.ફેકચર છે.પણ, છ મહિના હવે શીરો ખવડાવવો પડશે.ગામવાળા તાત્કાલિક રાધનપુર લઈ ગયા છે."


           

              સમુ સ્તબ્ધ થઈ ગઈ.


     પાણીનું કુંડુ...સામે પડેલી માટલી... શેરીમાં ખેંચતું જગાનુ ઘર... બધું જ ભમતું દેખાયું. એને ચક્કર આવતાં હતાં.તરસમા બીજો ભય ભળ્યો હતો. જીવન તરસને પેલે પાર ખેંચતું હતું. એને તરસ છીપાવવી હતી. પસો ને જગો બેય હોસ્પિટલમાં હતાં. એ વિચાર કરતી હતી એ જ વખતે સાસુનો સ્વર સંભળાયો...


          " શું ઘોડાની જેમ ઉભી છે...મારો છોકરો દવાખાને જયો હે ને આ રાણીની હોન ઉડતી નથી....પાણીનો લોટો ભર...તરસ લાગી હે....રામ...રામ...રામ...શું જમાનો આયો હે.."


          સમુ બેભાન થતાં થતાં રહી ગઈ.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ