વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોવા ડાયરી : ૧

મુક્ત કલ્ચરથી મઘમઘતા ગોવામાં રઝળપાટ

વર્ષોથી ગોવા વિશે સેંકડો લોકોના મોઢે હજારો સારી-સારી વાતો સાંભળી હતી એટલે ગોવાની ટ્રીપ ગોઠવાઈ એ દિવસથી જ રોમાંચ ચરમસીમાએ હતો. વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસે વલસાડથી કરમાલિ સુધીનું ૭૭૦ કિલોમીટરનું અંતર કાપવામાં ૧૪ કલાક લીધા પણ સવારે ૮ વાગ્યે ગોવાની ધરતી પર ઉતર્યો ત્યારે સફરનો થાક પળવારમાં ગાયબ થઈ ગયો. કરમાલિ નાનકડું સ્ટેશન. ત્યાંના બધાં જ સ્ટેશન એવાં. નાના પણ ચોખ્ખાંચણાક. દુર્ગંધરહિત અને કોલાહલમુક્ત. ૨૦૧૨ની ક્રિસમસ બે જ દિવસ બાદ હોવા છતાં ખાસ ભીડ નહીં. મારું ગંતવ્ય સ્થાન એમ તો ગોવાની રાજધાની પણજી હતું (મારા ટ્રેકિંગ કેમ્પનું બેઝકેમ્પ), પણ ત્યાં રિપોર્ટિંગ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરવાનું હોવાથી મારી પાસે ખાસ્સો સમય હતો અન્ય સ્થળો ફરવાનો. ટ્રેનમાં એક સહ-પ્રવાસી પાસેથી જાણી લીધું હતું કે નજીકમાં જ આવેલા ‘ઓલ્ડ ગોવા’માં જોવા જેવું ઘણું છે એટલે ત્યાં જવાનું નક્કી કર્યું. કરમાલિ સ્ટેશનની બહાર નીકળતાં જ એક ટેક્સિ ડ્રાઇવર દોડી આવ્યો. ઓલ્ડ ગોવા સુધીના માંડ બે કિલોમીટરના ભાડા માટે તેણે ૧૦૦ રૂપિયા માગ્યા જેનો મેં ઇન્કાર કર્યો. બીજી જ ક્ષણે એક બાઇક સવાર નજીક આવીને ઊભો રહ્યો. જીવનમાં પહેલી વાર મેં બાઇક ટેક્સિ જોઈ! એણે ૩૦ રૂપિયામાં ઓલ્ડ ગોવા છોડી દેવાનું જણાવ્યું. હંમેશની આદત મુજબ એકલો જ પ્રવાસે નીકળ્યો હોવાથી સાવ અજાણ્યા માણસ સાથે જવામાં શરૂઆતમાં સહેજ ખંચકાયો પણ એ મધ્યવયસ્ક, સૂકલકડી માણસ તેની વાતો પરથી ભરોસાનો જણાતા એની પાછળ બેસી જ ગયો. સવારને ઠંડી હવા અને દેમાર ભાગતી બાઇક. જલસો પડી ગયો.

ઓલ્ડ ગોવામાં હું જ્યાં ઉતર્યો ત્યાં જ રસ્તાની બંને તરફ બે વિશાળ અને ભવ્ય મકાનો નજરે પડ્યા. એક બાજુ ‘બેસિલિકા ઓફ બોમ જિસસ’નું કથ્થઈ રંગનું ચર્ચ હતું તો સામેની તરફ ‘સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ આસિસિ’નું સફેદ રંગનું ચર્ચ હતું. બંનેમાંથી કયાં ચર્ચની બાંધણી વધુ ભવ્ય એ નક્કી કરવું મુશ્કેલ. યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઇટ જાહેર કરાયેલા બેસિલિકા ચર્ચની એક્સ્પોઝ્ડ પથ્થરની દિવાલો ત્રણ-ત્રણ ફીટ જાડી, ચર્ચની અંદર લાકડાં પર કોતરાયેલી બેનમૂન મૂર્તિઓ અને પ્રાંગણમાં સ્થિતપ્રજ્ઞ બની ઊભેલા બે વિશાળ વૃદ્ધ વૃક્ષો નીહાળી મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. ચર્ચની સવારની પ્રાર્થનામાં પણ ભાગ લીધો.


સામે આવેલા આસિસિ ચર્ચની દિવાલો સફેદ અને છાપરું બ્રાઉન. અંદર દાખલ થતાં જ ત્રીસ ફીટ ઊંચી છતની કમાનો અને પહોળા થાંભલા જોઈ મંત્રમુગ્ધ થઈ જવાયું. આટલાં સુંદર અને વિશાળ દેવળો મેં કદી જોયાં નહોતાં. દેવળના જ પરિસરમાં આવેલા બે મ્યુઝિયમો પૈકીનું મુખ્ય મ્યુઝિયમ બંધ હતું એટલે ન જોઈ શકાયું પરંતુ બીજા નાના મ્યુઝિયમમાં મારેલી લટાર પણ ખૂબ જ્ઞાનવર્ધક રહી. પોર્ચુગિઝોના ગોવાના વસવાટથી લઈને ઈસુના જીવન-પ્રસંગોના તૈલ-ચિત્રો સહિત અનેક ઉત્તમ કલાકૃતિઓ જોવા મળી. મોટાભાગની યુરોપિયન કલાકારો દ્વારા બનાવાયેલી.

મ્યુઝિયમને ઝીણવટપૂર્વક માણવામાં જ બપોર થઈ ગઈ હોવાથી ઓલ્ડ ગોવાની અન્ય ઐતિહાસિક ઈમારતોની મુલાકાતની તીવ્ર ઈચ્છાને દબાવી મેં પણજી જવા બસ પકડી લીધી. ઓલ્ડ ગોવાથી પણજીનો રસ્તો ખૂબ જ રમણીય છે. પોર્ચુગિઝ સ્ટાઇલમાં બનેલા મકાનો મુખ્યત્વે ઘાટ્ટા પીળા-ભૂરા-ગુલાબી રંગે રંગાયેલા હોય. તેમાંય પીળા મકાનો વિશેષ જોવા મળે. સરકારી ઈમારતો તો એ જ રંગની. ડાબી બાજુ પાંખી વનરાજી છવાયેલી તો જમણી બાજુ ભૂરી મંડોવી નદીનો નજારો જોતાં જોતાં પણજી ક્યાં આવી ગયું એની ખબર જ ના પડી.
   
પણજીમાં પહેલી વાર ભીડ જોવા મળી. ક્રિસમસ અને ન્યુ યરની ઝાકઝમાળ ત્યાંના બજારમાં જોવા મળી. સોનેરી તડકાને માણતો હું ચાલતો જ મીરામાર બીચ પર આવેલા અમારા બેઝ કેમ્પ તરફ ચાલી નીકળ્યો. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી કેમ્પથી બહુ દૂર ના જઈ શકાય એટલે મારી ટ્રેકિંગ બેગ ટેન્ટમાં મૂકી, ફ્રેશ થઈ, ચા-નાસ્તો પતાવી નજીકમાં જ બીચ પર ટહેલવા નીકળ્યો. બીચના વિશાળ પટ પર સફેદ રેતીનો ફેલાવો અને સમન્દરમાં ઉછાળા મારતું ભૂરું પાણી જોઈ ‘આહા..!’ થઈ જવાયું. પ્રવાસીઓની ભીડમાં અનેક લોકો દારૂના ટીન હાથમાં લઈને પીતાં દેખાયાં. ગોવાના મુક્ત કલ્ચરનો એ પહેલો નજારો. જોકે અપેક્ષા વિરુદ્ધ એકપણ વિદેશી ટુરિસ્ટ ન દેખાતા અચરજ પણ થયું. કિનારે અથડાઈને ચૂરચૂર થઈ જતાં દરિયાના મોજાં નીહાળતા ખુલ્લા પગે રેતીમાં ચાલવાનો આનંદ માણતો હું આગળ વધ્યો.


થોડેક જ આગળ ગયો કે ત્યાંના મુક્ત કલ્ચરની સાબિતીરૂપ બીજું દૃશ્ય જોવા મળ્યું. એક ઠેકાણે યુવાનો સાથે કેટલીક યુવતીઓ રેતીમાં વોલીબોલ રમી રહી હતી! શોર્ટ્સ અને ટી-શર્ટમાં સજ્જ યુવતીઓને ભારે ઉત્સાહપૂર્વક યુવાનો સાથે સ્પર્ધા કરતી જોઈને આશ્ચર્ય થયું કે આવું દૃશ્ય દેશના અન્ય કોઈ રાજ્યમાં જોઈ શકાય ખરું? મીરામાર બીચ પર જ એક ઠેકાણેથી મંડોવી નદી અને અરબ સાગરનું મિલન જોવા મળે છે. સાગરને આલિંગન આપતા નદીના તોફાની નીર અને બેકગ્રાઉન્ડમાં ઊભેલી લીલીછમ ટેકરીઓ વચ્ચેથી ડોકાતાં રિસોર્ટ્સનાં લાલ રંગનાં છાપરાં. ભૂરા-લીલા-લાલ રંગનું એટલું તો હૃદયંગમ સામંજસ્ય કે કલાકો જોયા રાખીએ તોય આંખ ન થાકે! 

એ રાતથી જ અમારા સાત દિવસ લાંબા ટ્રેકિંગ કેમ્પનો આરંભ થઈ ગયો અને એ પત્યો ત્યાં સુધી હું ગોવાના કલ્ચરથી સહેજ વેગળો રહ્યો. ગોવાના જંગલો ખૂંદીને સંતૃપ્ત થયેલા મન સાથે બેઝ કેમ્પ પાછો ફર્યો ત્યારે ઘણા નવા મિત્રો બની ચૂક્યાં હતાં. એમાંનો એક હતો અઝાન. મારી જેમ એ પણ ટ્રેકિંગ માટે એકલો જ આવ્યો હોવાથી બાકીનું ગોવા એની સાથે ફરવાનો પ્લાન ઘડ્યો. બેઝકેમ્પમાં છેલ્લી રાતે બોનફાયર કાર્યક્રમ માણી ઊંઘી ગયા.

વહેલી સવારે બસ પકડી પણજીથી ૧૭ કિલોમીટર દૂર બાગા ગામે પહોંચ્યા ત્યારે ત્યાંના માર્કેટમાં એક સેન્ટ્રો કાર અમારી રાહ જોઈ રહી હતી. ન્યુ યર તો વીતી ચૂક્યું હતું (અમે ટ્રેકિંગ દરમિયાન એક સુંદર બીચ પર વર્ષ ૨૦૧૩ને વેલકમ કર્યું હતું) તેમ છતાં દરિયાકિનારાની હોટેલ્સ અને ગેસ્ટ હાઉસીસ પેક હોવાથી અમારે બાગાથી અઢી કિલોમીટર દૂર આવેલા ‘અરપોરા’ ગામે એક હોમસ્ટેમાં રોકાણ કરવું પડ્યું હતું. આગલી રાતે જ અઝાને ફોન પર ત્યાં રહેવાનું ગોઠવી દીધુ હતું. અમારા યજમાને અમને લેવા માટે સેન્ટ્રો મોકલી હતી.

હર્યાભર્યા ખેતરો અને રસ્તાની બંને તરફ ઊભેલા નાળિયેરીના વૃક્ષોની અનંત હારમાળાને માણતા અમે અરપોરા પહોંચ્યા. ‘ક્રિસ્ટોઝ’ નામનું બે માળનું એ મકાન નાળિયેરીની વાડીમાં એવું તો છુપાયેલું હતું કે મુખ્ય રસ્તા પરથી દેખાય જ નહીં. ભોંયતળિયે યજમાનનું રહેઠાણ અને ઉપરના બે માળે અટેચ ટોઇલેટ સાથેના ગેસ્ટરૂમ્સ. હરિયાળું પરિસર, સ્વચ્છ રૂમ, સારા યજમાન અને કિફાયતી ભાડું. ટુરિસ્ટને બીજું શું જોઈએ? બીચ નજીક ન રહેવા મળ્યાનો શરૂઆતી અફસોસ થોડી જ વારમાં દૂર થઈ ગયો. ગોવા ફરવાની અદમ્ય તાલાવેલી હોવાથી રૂમમાં લગેજ મૂકી ફટાફટ બહાર નીકળી ગયા. યજમાન ક્રિસ્ટોએ અમને ગોવા એક્સ્પ્લોર કરવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ આપી. તેમની સલાહ મુજબ તેમના જ ગામના એક યુવાન પાસેથી ડ્યુરો સ્કૂટર ભાડે કરી લીધું. ૨૪ કલાકના ફક્ત ૨૫૦ રૂપિયા! ગોવામાં પેટ્રોલ ૫૫ રૂપિયે લીટર મળે! ગુજરાતની સરખામણીમાં સાવ સસ્તું હોવાથી ટાંકી ફૂલ કરાવી ઉત્તર ગોવાની સફરે ઉપડી ગયા.              

વિસ્તારની દ્રષ્ટિએ ભારતનાં સૌથી નાનાં રાજ્ય ગોવામાં ફક્ત બે જ જિલ્લા છેઃ ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા. ઉત્તર ગોવાની ખાસ વાત એ કે ક્યાંક ગંદકી જોવા ન મળે. મુખ્યત્વે ટુરિઝમની આવક પર જ નભતાં ગોવાના આકર્ષણરૂપ સ્થળોને ત્યાંની મ્યુનિસિપાલિટી ખૂબ જ સાફ રાખે છે. રસ્તા પણ ટનાટન. ક્યાંય ટ્રાફિક ના નડે. દક્ષિણ ભારત ત્યાંની હરિયાળી માટે વિખ્યાત છે. કદાચ ગોવાથી જ એ અફાટ હરિયાળીની શરૂઆત થતી હોવી જોઈએ. ચારે તરફ છવાયેલી વનરાજીને ચીરતી ભૂરી સડક પરથી અમારું સ્કૂટર રમરમાટ દોડી રહ્યું હતું. સેન્ડી બીચ, દાયકાઓ જૂના પોર્ચુગિઝ કિલ્લાઓ અને એવું તો ઘણું બધું અમારા સ્વાગત માટે તૈયાર હતું. એની વાત માંડીશ આવતે અંકે…  
 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ