વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

'ગીર નામે ગ્રંથ'

'ગીર નામે ગ્રંથ'


સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.

સંત, સૂરા, સાવજના, પાથરી બેઠી પંથ.


જંગલ,જતિને ઝાડીયું,

પ્રેમાળ એની પહાડિયું.

નિર્મળ નદીયુંના નિરથી,નિપજે નરવા કંદ.

સોરઠ ધરાએ સાચવ્યો,ગીર નામે ગ્રંથ.


નર નમણા, નેહડા,

તનમાં ભર્યા ટેહડા.

હાંકલા,પડકારા ને હેતનાં,વહે વહેણ અનંત.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


શેતલે સાચવ્યા સ્નેહને.

મછુંદરીએ સાચવ્યા મેહને.

ખાઈ રાવલકાંઠાનાં રાવણા,મોડા માણસ મરંત.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


મનુજ બધાં મળતાવડા.

ને બળુંકા એના બાવડાં.

કુદરત જોડે કમાલના, તાણીને બેઠાં તંત.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


આવળ,બાવળ, બોરડી.

સાગ, સાલ ને થોરડી.

જાત ભાતનાં ઝાડવા, (લાગે) સમાધિમાં હો સંત.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


સતનો જેને આધાર છે.

નામ એનું સતાધાર છે.

ભજન, ભગત, ભોજનનો, પૂર્ણ થયો પ્રબંધ.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


સિંહે જળ એંઠા કર્યા.

કવિઓએ પાળિયા બેઠાં કર્યો.

ગિરનારને ગળે મળી, વહે પવન મંદ.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.


માં મમતાં ભરી છે.

ત્રિભુવનમાં નોખી તરી છે.

કરવું વર્ણન દોહલ્યું, 'દેવ' તરણું ધરે દંત.

સોરઠ ધરાએ સાચવ્યો, ગીર નામે ગ્રંથ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ