વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વણખેડેલી વસંત

ઉત્તુંગ પહાડોની ચોટી પરથી અસ્ખલિત રીતે વહી રહેલા પાણીના ધોધને એ પોતાના બાહુપાશમાં શમાવી લેવા માટે થનગની રહ્યો હતો. પૃથ્વીના શણગાર સમાન હરિયાળી વનરાઇઓની ભીડમાં એ ખોવાઈ જવા બસ દોટ જ લગાવવાનો હતો. શ્વેત પર્વતશિખરો પર સૂર્યોદયને વધાવતો સુવર્ણ રંગ એને સાદ આપી રહ્યો હતો કે હમણાં જ આવ, નહીંતર હું વિલીન થઇ જઈશ. અજાણ્યા પ્રદેશોની વણખેડેલી વસંતોને આંખોમાં ભરી લેવાની અધીરાઈ એના શરીરને નવું જોમ આપી રહી હતી.

 

બધું જોર ભેગું કરીને એ દોડવા જ ગયો કે એની વિચારશૃંખલા ટીવી પર આવતી રામાયણમાં આવેલા કોમર્શિયલ બ્રેકને કારણે તૂટી. 'સ્ટે હોમ, સ્ટે સેફ' ના સૂત્રનું પ્રચાર કરતા સરકારી વિજ્ઞાપનોની એ છેલ્લા દોઢેક મહિનાથી થઈ રહેલી પુનરુક્તિઓ અને ખૂણામાં ધૂળ ખાઈ રહેલી એની બરફકુહાડીને જોઈ એ હતાશ થયો.

 

"ડેડી... જય ચ્છલી ક્લછન..." અચાનક જ આવેલા કર્ણપ્રિય અવાજથી એની નજર એ તરફ ફંટાઈ. પાંચ વર્ષની નાનકડી ઝરણાં હમણાં જ ઉઠીને, બંને હાથથી પોતાની પ્રિય ચાદર છાતી સરસી ચાંપી, બહારના રૂમમાં આવી હતી. ધીમી ચાલે પોતાની પાસે આવી રહેલી એ વ્હાલની સરિતા એને તળેટીના શાંત વહેણ જેવી સુંદર વર્તાઈ. એના ખોળામાં બેસી બંને નાનકડા હાથે ઝરણાં પોતાના પિતાને વળગીને માથું એમની છાતી પર ઢાળી બોલી, "ડેડી... આજે છું લમછું? ઉનો? લ્યુડો? છાંપ છીડી?"

 

એના ચેહરા પર સંતોષનું એક સ્મિત આવ્યું. પોતાની મીઠુડીના માથા પરથી ઉતરી આવેલી એની સુંવાળી લટોને હળવા હાથે હટાવી, શ્વેત કપાળ પર હળવેકથી ચુંબન આપી એ નિરાંતથી બોલ્યો, "આજે તને કઈંક નવું શીખવાડીશ, હેં ને?" 

 

- હાર્દિક રાયચંદા (તા. 23/04/2020)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ