રમત રમાડે 'રમ'
જાણીતી કહેતી છે કે રમત રમાડે રામ,પણ અત્યારે તો રામ જોડે જ રમત રમાઈ રહી છે ત્યાં રામ ક્યાં કોઈને રમાડવા જવાના હતા?વાત રામની નહિ રમની છે.રામ બોલાય છે,રમ પીવાય છે.રમ પીએ તેના રામ રમી જાય કે નહિ તે તો નથી ખબર,પણ રમ પીવાયછે ખરો.રમને સારા માણસો દારૂ નથી કહેતા.એટલે ગાંધીજી પણ છેલ્લે 'હે રામ!'ને બદલે 'હે રમ !'બોલેલા એવું વિરોધીઓ કહેતા હોય છે.પણ ગાંધીજી તો રામનામથી જ ઓળખાયા છે.એ જુદી વાત છે કે ગાંધીજીનું તો પછી પણ લોકો રામનામ સત્ય હે કરતા રહ્યા છે.ગાંધીજી માનતા હતા કે દારુ કોઈ રીતે'ઠારુ' નો'તો.ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે અહી દારૂબંધી થઇ,દારૂબંધી શું થઇ,લોકો તો દારૂ છુટ્ટો જ થઇ ગયો એવું માનતા થઇ ગયા.જ્યાં જ્યાં ના પીવાવો જોઈએ ત્યાં ત્યાં પીવાતો થઇ ગયો.દારુએ સુરતને વધુ ધાર્મિક બનાવ્યું છે.ગણેશોત્સવમાં મૂર્તિ વધે તેમ તેમ દારૂનો પણ વિકાસ થતો આવ્યો છે.કેટલાક મંદિરોમાં તો મૂર્તિની નીચે જ દારૂનું ભંડાકીયું હોય છે.ભગવાનને પણ સોમ રસનો વાંધો નથી પડતો એટલે ચાલે છે બધું. દારૂને આપણે નશો કહીને બહુ વગોવ્યો છે.પૈસાનો નશો હોય તો ચાલે,સ્ત્રીનો નશો હોય તો ચાલે,પણ દારૂનો નશો ચાલતો નથી.કારણ કે દારૂના નશા પછી માણસ ચાલતો નથી,બલકે ઊડે છે.આપણને ખબર જ નથી કે દારુએ માણસજાત પર કેટલો ઉપકાર કર્યો છે?દારૂ ન હોત તો ધંધા રોજગાર ખોટકાઈ પડ્યા હોત.નશાને કારણે લોકોને ખાધા વગર ચાલી જાય છે.લોકો પીને પેટ ભરી લે છે એને કારણે લોકોના અનાજ પાણી બચી જાય છે.દારૂ ન હોત તો બુટલેગર ન હોત .બૂટ પણ ન હોત ને બીજાની ચંપલ જ પગમાં ફર્યા કરતી હોત.આપણા પોલીસો ને એટલો પગાર મળે છે કે એટલામાં તો વાંઢો જ જીવી શકે.આભાર માનો અડ્ડાવાળાઓનો કે એમને પોલીસોને નિયમિત વધારાની આવક થાય તેવી ગોઠવણ કરી આપી ને એને લીધે પોલીસો બચરવાળ થયા.લોકો દારૂમાં ડૂબી ગયા,પણ પોલીસો તરી ગયા. થોડા દિવસ પરની જ ઘટના છે આ.પોલીસની ટીમ એક મહિલા બુટલેગરને ત્યાં પહોચી .પોલીસે પહેલા તો મહિલાને ઝૂડી કાઢી.પેલી બાઈ એ કરગરતા કહ્યું પણ ખરું,'મને મારો છો શું કામ?હવે તો હું દારૂ તરફ જોતી પણ નથી તો ભઠ્ઠી ચલાવવાની તો વાત જ ક્યાં આવે છે?'ત્યાં પોલીસે વધારે ફટકારી.બાઈ બોલી,'સાહેબ મારા દીકરાના સોગંદ ખાઈને કહું છું ,દારૂ ગાળવાનું મેં સંપૂર્ણ છોડી દીધું છે.મને માફ કરો.હવે કદી હું દારૂને નહિ અડું.' ત્યાં તો પોલીસે વળી ઝપેટી,'તેં ભઠ્ઠી કોને પૂછીને બંધ કરી?તને ભાન પણ છે કે અમે હપ્તા ખાનારા હવા ખાતા થઇ ગયા છીએ તે?અમારા પેટ પર લાત મારવાનો તને શું અધિકાર છે?' ને મહિલાએ પોલીસના હિતમાં ભઠ્ઠી શરુ કરવી જ પડી.આજે ફરી પોલીસ બે પાંદડે થઇ છે તેનો યશ પેલી મહિલાને જાય છે. એટલે દારૂને ભાંડો નહિ,તે પોલીસનું પેટ ભરે છે તો પટાવાળાનું ના ભરે?દારૂથી પેટ ભરાય છે તો પેટ ભારે પણ થાય છે.જે નથી પીતા તે દેવલોકમાં જાય છે તેમ જ જે પીએ છે તે પણ કઈ નરકમાં જતા નથી.દારૂ માટે મરવાની જરૂર નથી તો જીવવાની ય ક્યાં જરૂર છે?દારૂ નહિ પીનારને પણ સરકાર ક્યાં કમાવા માટે લથડીયા નથી ખવડાવતી?જે નથી પીતા એમના પર વધારાના ટેક્સ નાખીને લોકોને સરકાર ઓછા હેરાન કરે છે?બીજા રાજ્યોમાં દારૂ પર ટેક્સ મળે છે,પણ ગુજરાતમાં નથી મળતો એટલે સરકાર વધારાનો ટેક્સ નાખીને ગજવું ખંખેરી લે છે.ગુજરાતમાં એટલે ઘણા દારૂ બંધી નથી ઈચ્છતા.એટલે તો નશા વગર પણ મંત્રીઓ દારૂની હિમાયત કરતા હોય છે. હમણાં છોટા ઉદેપુરમાં એક મંત્રીએ દારૂનો નિયમ જાહેર કર્યો .દારૂબંધીના કાયદાનો ભંગ ના થવાનો હોય તેમ તેમણે સભામાં એવી શીખ આપી કે હું કઈ દારૂ છોડી દેવાનું કહેતો નથી.પણ માપમાં પીઓ.મંત્રીએ માપમાં પીધો હતો કે કેમ તે નથી ખબર,પણ સાહેબ બહુ માપમાં બોલ્યા.માપમાં પીવાની શીખ અદ્ભુત છે,પણ પીધા પછી કોણ માપમાં રહે છે તેની વિગત સાહેબે આપી નહિ.તો પણ સભામાં જે પીદ્ધડો હતા તેમણે પોકાર પાડીને કહ્યું,'અમે માપમાં જ લઈએ છીએ. આતો માપલું જ મોટું થઇ ગયું છે એટલે મોંકાણ છે.મંત્રીજી તો લથડીયા ખાધા વગર ઘરે ગયા,પણ એક યુવાન બીજે દિવસે મારી પાસે આવ્યો ને તે રીતસર હાથીની જેમ ડોલતો હતો.તેને સીધો રાખવા જતા હું ડોલી ગયો,'અલ્યા ચંદુ?તું?તું દારૂને રવાડે ચડ્યો?શરમ ન આવી તને દારુ ઢીંચતા?તું તો સારો છોકરો છે.તને આ શું સૂઝ્યું?' 'અંકલ,હું સારો જ છું.મેં આજ સુધી દારૂને હાથ લગાડ્યો નથી' 'તો તેં દારૂ પીધો જ કેમ?' 'ન જ પીવાનો હતો,પણ આતો મંત્રી સાહેબે કહ્યું કે માપમાં તો જ પીવો,તો તેમની વાતનું પાલન કરવા આજથી જ પીવાનું શરુ કર્યું છે.' હું શું બોલું?