વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩


આપણે જોયું કે આપણો ધૂલો અને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યા. પણ ફરવા જતાં પહેલાં, સમયને અભાવે, મિત્રવર્ગ, સગાં વહાલાઓ કે અન્ય કોઈને પણ આ ટ્રીપ વિશે વાત કરી શક્યાં નહીં. પાછાં આવ્યાં બાદ ધૂલો પોતાની વિશેષ શૈલીમાં આ મહાયાત્રાની મહાગાથા વિશે સૌને જાણ કરવા પ્રયાસ કરે છે પણ પરિણામ એની અપેક્ષાઓથી વિપરિત ખૂબ ઉત્સાહિત થઈ જવાય એવા નથી. માટે આપણો DTH ધૂલો એક નવી રીતે એ વાત રજૂ કરવા કટિબદ્ધ થાય છે. હવે આગળ...


આપણા હરખપદૂડા ધૂલાએ ઘણાં મિત્રોને એક એક કરીને, પકડી પકડીને, આ મહાબળેશ્વરની મહાગાથા, મૂળ સ્વરૂપમાં વધારો સધારો કરીને બધાને સંભળાવી.


આમાં મુખ્ય રીતે સામે વાળાને આ મહાબળેશ્વર મહાગાથા જાણવા સાંભળવામાં રસ છે કે નહિ એ વાત સાથે ધૂલાને કોઈ નિસ્બત નહિ. હા, હો!


અને આવા હરખપદૂડાઓ તો આપણી આજુબાજુ અસંખ્ય હશે, હોય છે જ. જેમના માટે એમના હરવા ફરવા જવાનો હિસાબ એ તો ફક્ત ખર્ચ માત્ર, પણ બધાને આ અમુલ્ય અનુભવથી માહિતગાર કર્યા બાદ જ ખર્ચ સફળ એટલે તો જ પૈસા વસૂલ થયા ગણાય.


તદુપરાંત બોનસમાં દરેક સામાવાળાને ફક્ત ધૂલો ને ઈશા ક્યાં ફરવા ગયા હતાં અને શું શું મોજ મજા કરી એ જ્ઞાન જ નહિ પણ સાથે સાથે હવે તમે જ્યારે મહાબળેશ્વર ફરવા જાઓ ત્યારે આપણને (એટલે કે ધૂલાને, સ્વમાનાર્થે) પૂછીને જજો એવી નિઃશુલ્ક ટ્રીપ ગાઈડ સેવાની ઓફર પણ મળે, 'બોસ, હું બેઠો છું ને! તમને ક્યાંય કોઈ પણ જાતની અડચણ વગર આ ટ્રીપમાં જલસા થઈ પડશે. ક્યાંથી ક્યાં જવા કયાં ટેક્સી મળશે, ટેક્સીની કન્ડિશનથી કરીને ડ્રાઈવરનો મોબાઈલ નંબર, ક્યાં નાસ્તો સારો મળે, ક્યાં લંચ, ક્યાં ડિનર, કયા પોઈન્ટ પર ક્યારે જવાનું વગરે સંપૂર્ણ જાણકારી (સોલિડ ઇન્ફો, બોસ) ફ્રી ફ્રી ફ્રી.'


પણ વાત એમ સહેલાઈથી સમાપ્ત થઈ જાય તો એ વાતમાં કોઈ દમ નહિ. આમાં 

ધૂલાનો જીગરી દોસ્ત, મૂકલો, એને જ નડી ગયો. આ મૂકલો એટલે મૂકલો મુસળધાર.


આમ બંને જીગરી દોસ્ત. પણ મૂકલાનો સ્વભાવ લીડરીઓ. એને દરેક ઠેકાણે અગ્રણી થવાનો શોખ. સ્વભાવ તડને ફડ. એમના આખા મિત્ર વર્તુળ ગ્રુપમાં સૌથી ઝડપી નિર્ણય, એય પાછો યથાયોગ્ય, જો કોઈ લઈ શકે એમ હોય તો એ આ મૂકલો. 


એ પોતાના જ્ઞાન ભંડારને તાલેવંત કરવા માટે દરેક છાપાં વાંચે. આ વર્તમાનપત્રોની પ્રતિ એ મોબાઈલ પર ડાઉનલોડ કરીને રોજ સવારે દરેકે દરેક બાતમી, સમાચાર તથા ઘટનાઓ વિશે સવિસ્તાર માહિતગાર થઈ જાય. એટલે મોટાભાગના બ્રેકિંગ ન્યૂઝ વિશે રજે રજની જાણકારી એની પાસે મોઢે હોય જ. 


એક રીતે જોવા જઈએ તો આ આધુનિક યુગની તમામ જાણકારીથી સજ્જ હોવા છતાં સ્વભાવે એ થોડો જુનવાણી પણ ખરો. માત્ર આ જ કારણે એ કોઈ તદ્દન નવી વાત જલ્દીથી, સહજતાથી, સ્વીકારી શકે નહિ એટલે તરત જ નકારાત્મક વલણ તરફ પણ વળી જાય.


સામે આપણો ધૂલો પણ સ્પષ્ટ વક્તા, એ તો જાણે ધુધવતો મહાસાગર, પણ એની ભાષા સાહિત્યિક ને વીચારો સરળ સીધા એટલે બંને મિત્રોને એકમેક સાથે ઘણું ફાવે. જેમ ધૂલાની ઓળખ ધૂલો હરખપદૂડો એમ આ મૂકલો મુસળધાર. ટૂંકમાં શરૂ થઈ ગયા બાદ જલ્દી અટકે નહિ અને એને કોઈ અટકાવી શકે નહિ. એ વરસે સાંબેલાધાર, ધોધમાર.


આ મૂકલાની અર્ધાંગના એટલે હિરકી. આ હિરકીને ઈશા સાથે પુષ્કળ ફાવે. હિરકી એના મૂળ સ્વભાવે આમ તો ગભરુ એટલે એના વિચારો ઓછા વધુ તરીકે ઘર્મભીરુ. એ આમ જોવા જઈએ તો ઈશ્વર, કર્મથી ડરનારી છતાં પણ એ સતત બધાનું ભલું વિચારે એવી. આવી આદર્શ શ્રાવિકા હોવા છતાં પણ એ મૂકલાને બરાબર દાબમાં રાખે. 


વિનમ્ર અને વિનયી હોવા ઉપરાંત પણ એ મૂકલા પર ધડબડાટી બોલાવી જ નાખે, હંમેશા. એટલે આ મિત્ર વર્તુળમાં એનું નામ હિરકી હણહણાટ. 


જયારે એની સહેલી ઈશા ખૂબ લાગણીશીલ હોવા ઉપરાંત પણ હંમેશા અસમંજસ તથા દ્વિધામાં અટવાયેલી રહેતી. એના વિચારો, વ્યક્તિત્વ ઊંડા ખરા પણ બોલ ચાલની ભાષા થોડી ગોળ ગોળ એટલે એ ક્યારે ગુગલી બોલ નાખી દે એની કોઈને (એને પોતાને પણ) ખબર જાણ નહિ. એટલે જ એમના ગ્રુપમાં ઈશાને બધા ઈશા હરણી તરીકે ઓળખે અને હિરકીને હિરકી હણહણાટ.


મૂકલો ગામ આખા આગળ મુસળધાર પણ હિરકીના હણહણાટ સામે મિંયાની મીંદડી. આ મૂકલો બીજા બધા માટે મુસળધાર પણ ઘરમાં બધું વરાળ.


આવો આ મૂકલો ધૂલા સાથે નડી ગયો, આ મુદ્દે ફોન પર જ અડી ગયો. એ કહે, "આ સીઝનમાં મહાબળેશ્વર જવાય જ નહિ. ધૂલા, તને ત્યાં લૂંટી લીધો બધાએ મળીને. આ જો છાપાંઓમાં એકથી એક ચઢિયાતી ઑફર્સ આવે છે. કોઈ જાણકારને (અહીં જાણકાર એટલે એ પોતે) પૂછીને જ જવાય. આમ મોબાઈલ પર ચેટિંગ કે સર્ચથી છેતરાઈ જ જવાય. તે જેટલા પૈસા નાખ્યા (નાખ્યા! આ ધૂલા માટે હળવો એટેક આવી જાય એવો શબ્દ હતો) એટલામાં તો હું બે વાર જઈ આવું."


હવે ધુલો બરાબર હલવાણો, 'તો આપણાં પૈસા પડી ગયા?' છતાં પણ એણે જસપ્રિત બૂમરાહના વેધક બોલિંગ આક્રમણ સામે કોઈ પૂછળીયો બેટ્સમેન વળતી લડત આપે એમ હથિયાર હેઠા મૂકવાને બદલે મૂકલા સામે જંગખોરી જાહેર કરી, "જો મૂકલા, તને તો ખબર જ છે આપણું પ્લાનિંગ કેવું જડબેસલાક એટલે કે સુપર સોલિડ હોય છે. આ તો ઈશાએ અચાનક જીદ કરી એટલે વધારે આર એન્ડ ડી કર્યા વગર જ ફટાફટ નીકળી ગયાં. તો પણ બોસ, તું સાંભળીશને તો તને પણ એમ થશે કે આટલા બજેટ પૈસામાં આવી જોરદાર ટ્રીપ થાય જ નહિ. પણ ઈશાની ખુશી આગળ રૂપિયાની કોઈ વિસાત નહિ. પછી પૈસા થોડી જોવાના હોય! અમે જ્યાં જમતાં ત્યાં બધાનું બિલ રુપિયા ૨૦૦૦ (માથા દીઠ) નીચે આવે જ નહિ પણ આપણે એ બધું જોવાનું જ નહિ, આપણે ખાલી મસ્ત મજાની મોજ કરવાની." છતાં પણ મૂકલો મુસળધાર એના મનમાં એક વાત ઠસાવવામાં સફળ થઈ ગયો કે તેઓ મહાબળેશ્વરમાં ડબલ ખર્ચ કરીને આવ્યાં હતાં.


પછી બંને વચ્ચે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ કોણ સાચું નામની ટેસ્ટ મેચ ચાલુ થઇ. ઘડીકમાં એકનું પલડું ભારે તો બીજી પળે બીજાનું. બંને ધુરંધર અને ધમધોકાર. કોઈ પણ એક સહજતાથી શરણાગતિ સ્વીકારે એવુ હતુ નહિ અને માટે ધારણા મુજબ જ છેલ્લે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ આ ચર્ચા પણ ડ્રો જ થઈ. પણ આજકાલ તો  ટી૨૦નો જમાનો ચાલે છે. એમાં ભૂલે ચૂકે જો કોઈ મેચ ટાઇ થઈ જાય તો પણ સુપર ઓવર રમીને મેચનું પરિણામ તો નક્કર સ્વરૂપે બહાર પડવું જ જોઈએ.


છેવટે મૂકલાએ તોડ કાઢ્યો. 


એમ પણ એ મિત્રો વચ્ચે ખાણી પીણી મીજબાનીનો વ્યવહાર હતો જ. તેઓ સપરિવાર એક બીજાને ઘરે જઈ સાથે મળીને જમતા, મળતા અને મિલાપ ગોઠવતા રહેતા. છેવટે એમ લાગતા કે ફોન પર આ ટી૨૦ના પરિણામ માટે સુપર ઓવર પર સુપર ઓવર પડતી રહેશે પણ ટેસ્ટ મેચ સમાન ઝટ નિવેડો લાવી શકાય તેમ નથી એણે રૂબરૂ મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો. 


આ પ્રસ્તાવને ધૂલાએ તરત જ કેચ કરી લીધો અને મૂકલા મુસળધાર તથા હિરકી હણહણાટને પોતાને ઘરે જમવા આવવા આમંત્રણ આપી દીધુ. તેઓ જમવાના બહાને મળતાં. પછી મોડી રાત સુધી ગામ ગપાટા અને સેર સપાટા કરતાં. વળી ઈશા હરણી અને હિરકી હણહણાટ પણ એકમેકની અંગત સખીઓ બની ગઈ હતી. જોકે આ ખાસ મિત્રો વચ્ચે ઔપચારિકતા માટે કોઈ અવકાશ નહોતો એટલે મૂકલાએ સહર્ષ આ નોતરાંનો સ્વીકાર કર્યો.


શું ધૂલો અને ઈશા મહાબળેશ્વર જઈને પૈસા બે ગણાં ખર્ચ કરીને ફસાઈ ગયાં હતાં? શું મૂકલો મુશળધાર એની રીતે સાચો હતો? શું આ ટી૨૦ના પરિણામની જીદ બંને મિત્ર પરિવારો વચ્ચે કોઈ અગમ્ય કાંટાળી વાડ તો ઊભી નહિ કરી દે? આ અર્થ વગરની હુંકારનું કોઈ પરિણામ શક્ય છે? આપના દરેક પ્રશ્નનો હળવો ફૂલકો જવાબ ચોક્કસ મળશે, ફક્ત જોડે રહેજો અને પ્રતિભાવ જરૂરથી આપવા વિનંતી. આભાર (ક્રમશ).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ