વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૨

 

બોબ ફિન્ચ ઍન્ડ સન્સ,

રેડક્લિફ ડોક્સ,

લિવરપુલ

૧૫- ૦૯- ૧૭૮૭

પ્રિય મિસ એનાબેલ,

માફ કરજો, આ પત્ર માનનીય લૉર્ડશીપને સીધો મોકલવો જોઈતો હતો, પરંતુ લૉર્ડશીપ સાથે મારી ઓળખાણ ન હોવાથી તમારા સરનામે મોકલવાની ગુસ્તાફી કરી છે.

મારી ઑફિસમાં આપણી પ્રથમ મુલાકાત થઈ હતી, તમે ‘ગવર્નેસ’ માટે અરજી મૂકી હતી અને તમે ઇન્ટરવ્યૂ આપવા આવ્યાં હતાં. તમારા કુટુંબની ઉચ્ચતા જોતાં સાચું કહું તો આ પોસ્ટ માટે તમારી નિમણૂક કરતાં મન ખચકાતું હતું. એ કારણે મેં તમારો ઇન્ટરવ્યૂ લેવાનો મોકૂફ રાખ્યો હતો.

મેં તમારા માટે કંઈક જુદું જ વિચાર્યું છે. હું ઇચ્છું છું, તમે મારા ઘરમાં ‘ગવર્નેસ’ તરીકે નહીં પણ મારાં પત્ની તરીકે ગૃહપ્રવેશ કરો. તમને કદાચ લાગશે હું તો એક સાધારણ મર્ચંટ છું અને સપનાં જોઉં છું મહેલોનાં! હું એક સામાન્ય વેપારી છું એ સાચું, પણ ઈમાનદારીથી મારો કારોબાર સારી રીતે ચલાવું છું. સોફિયા, મારી મોટી બહેન વર્ષોથી મારી સાથે રહે છે અને મારા કારોબારમાં મને સાથ આપે છે. અત્યારે હું લિવરપુલનો વૈભવી ગણાતો લત્તો- ‘રોડની સ્ટ્રી’માં બંગલો ખરીદવાનું વિચારી રહ્યો છું.

તમારી સાથે જોડાવાથી સમાજમાં મારું માન - સ્થાન થોડું વધશે, એ જાણું છું, છતાં મેં કોઈ એવી કોઈ લાલસા રાખી નથી. હું ઈમાનદારીથી મારી રોજીરોટી કમાઉં છું.

આ પ્રસ્તાવ પર વિશેષ ધ્યાન આપવા ખાસ વિનંતી. મને આપના નિર્ણયની આતુરતા રહેશે.

લિ. બોબ ફિન્ચ.

બોબ ઊભો થયો, બારી પાસે જઈ બહાર નજર કરી. લિવરપુલ ડૉકનાં ડહોળાં - કાળાં પાણી નાના મોજાંઓની હારમાળા રચી કિનારા પર જાણે હુમલો કરવા ધસી આવતાં હોય તેમ કિનારા તરફ દોડી આવતાં હતાં. સમુદ્રમાં ભરતી હતી. પવનના સૂસવાટા ફૂંકાઈ રહ્યા હતા અને કિનારે ઊભેલાં જહાજો મોજાંની થપાટો ખાઈ હાલક-ડોલક થતાં હતાં. આજે વહેલી સવારે બોબનું એક ‘ઑટર’ નામનું જહાજ લાંબી ખેપે નીકળ્યું હતું. તે સહિસલામત ગંતવ્ય સ્થાને પહોંચશે કે પછી નહીં પહોંચે- તેની જાણકારી માટે ધીરજ રાખ્યા વિના કોઈ વિકલ્પ નહોતો. સાતેક મહિના પહેલાં ગાંબિયા થઈને વેસ્ટ ઇન્ડિઝની ખેપે નીકળેલું બીજું જહાજ ‘ટિલાપિયા’ ખાંડ, રમ ને બીજા માલસામાન સાથે પાછું ફરવાનું હતું, તે પણ પાછું ફરે ત્યારે ખરું, અને કદાચ ત્રીજા જહાજ ‘કલેરિયસ’નો માલસામાન અત્યારે આફ્રિકાના કિનારે ઠલવાતો હશે.

આમ તો બોબનો મિજાજ જરા ઉગ્ર, પરંતુ ત્રણ ત્રણ જહાજોની માલિકી ધરાવનાર આ પીઢ વેપારીમાં સ્વભાવગત થોડું ઠરેલપણું પણ આવી ભળ્યું હતું.

ખેપ પર નીકળેલા જહાજને પાછા વળતાં એકાદ વર્ષ જેટલો સમય નીકળી જતો. અને એક વાર બંદરના ખૂટેથી જહાજનાં દોરડાં છૂટ્યાં પછી તે પાછું ફરે નહીં ત્યાં સુધી તેના કોઈ સમાચાર આવતા નહિ. જહાજના છૂટ્યા પછી તેની ગતિ વધારવી કે ઘટાડવી કપ્તાનના હાથની વાત ન રહેતી. વહાણના માલિકે તો બંદર પર ઊભી જહાજ ક્યારે પાછું ફરે છે તેની પ્રતીક્ષા કર્યે રાખવાની!. બંદર પર ખડકાયેલો ભંગાર જોયા કરવાનો, કે જહાજ પર ચડાવવામાં કે ઉતારવામાં આવતા માલસામાનની સાથે દારૂની ગંધ અને મજૂરોના પરસેવાની ખાટી વાસ ફેફસામાં ભરતાં રહેવાની!

આ વાસથી બોબનું માથું પણ ફાટફાટ થતું. શુક્રવારે ઇન્ટરવ્યૂ દેવા આવી હતી ત્યારે અનાબેલ પણ પોતાના ડ્રેસમાંથી રૂમાલ કાઢી થોડી થોડી વારે પોતાના હાથ મોં પર ફેરવી લેતી હતી.

હાથમાં રહેલા પત્ર પર તેણે નજર ફેરવી. આ પત્ર તેણે એક વેપારી લખે તેવી સીધીસાદી ભાષામાં લખ્યો હતો. પણ તેને ડર હતો, લૉર્ડ હોવેલને એ પત્રની સાદી ભાષા નહીં સમજાય તો પ્રસ્તાવ ફગાવી દેશે. રોડની સ્ટ્રીટમાં રહેવા જવાની વાતથી એમને કદાચ એવું પણ લાગે કે, મેં આ વિગત કેવળ દેખાડો કરવા ખાતર લખી છે. તેણે ખભા ઉલાળ્યા. કિસ્મતે તેને આટલે સુધી પહોંચાડ્યો છે તો આ કિસ્સામાં પણ કંઈક રસ્તો નીકળી આવશે. મોટા માણસની ઓથ વિના, પૈસા વગરના સામાન્ય માણસ માટે આગળ વધવું અઘરું પડે. અને હું એક સામાન્ય વેપારી જ છું. ગુલામોના વેપારમાં સંડોવાયેલા લિવરપુલ શહેરના માલેતુજારોનો આ બંદર પર કબજો છે, લિવરપુલ શહેર પર પણ તેમની પકડ રહી છે. આધુનિક લોકો સાથે સંબંધ બાંધ્યા વગર પ્રગતિ થઈ શકે નહિ. એમની કૃપાદૃષ્ટિ પામવી આવશ્યક છે. આગળ વધવા માટે તેમ કરવું જરૂરી પણ છે. એમ ન કરનાર એક બાજુ ધકેલાઈ જાય છે. અનાબેલ સાથે લગ્ન કરવાથી લૉર્ડ હોવેલ સાથે નાતો બંધાશે અને સાથે સાથે મારા નસીબના દરવાજા પણ ખૂલશે, કે જે હું અથાક પરસેવો પાડીને પણ ન ખોલી શકું.

                *             *             *

અનાબેલે એ પત્ર ફરી ફરીને વાંચ્યો. વાંચીને પોતાના ડ્રેસનાં ગજવામાં સરકાવી દીધો. કાકા લૉર્ડ હોવેલની સલાહ લેવા આરસપહાણ જડિત લાદીવાળી ફરસ પર ધીમાં કદમ ભરતી અનાબેલ લૉર્ડ હોવેલની ચેમ્બર સુધી આવી બંધ દરવાજા પર ધીમેથી ટકોરો પાડ્યો. અને દબાતે પગલે લૉર્ડ હોવેલની ચેમ્બરમાં દાખલ થઈ.

લોર્ડ હોવેલે ન્યૂઝપેપરમાંથી ડોકું કાઢી તેની સામે જોયુ : ‘અનાબેલ?’

‘લિવરપુલના મર્ચંટનો જવાબ આવ્યો છે.’ અનાબેલે સાહસ એકઠું કરતાં જણાવ્યું.

‘નોકરી આપવાની વાત કરી?’ લોર્ડ હોવેલે પૂછ્યું અનાબેલે મસ્તક હલાવ્યું. પછી ડ્રેસના ખીસામાંથી પત્ર કાઢતાં કહ્યું : ‘લગ્ન માટેનો પ્રસ્તાવ આવ્યો છે.’

‘ગોડ... ગોડ!’ લૉર્ડ હૉલે તેના હાથમાંથી પત્ર લઈ લેતાં પૂછ્યું : ‘પછી તે શું વિચાર્યું?’

‘મને કાંઈ સમજાતું નથી. તમારી સલાહ લેવા આવી છું. પણ અત્યારે મારે માટે તો આ જ એક ઉચિત માર્ગ જણાય છે. મિસિસ સ્ટર્લિંગ સાથે કામ કરવું આકરું પડે છે. વિચિત્ર સ્વભાવ ધરાવતી એ બાઈ સાથે મને ફાવશે નહિ. એનાં છોકરાઓ પણ બહુ ત્રાસ આપી રહ્યા છે.’ અનાબેલે પોતાની મુશ્કેલી લૉર્ડ હોવેલને કહી સંભળાવી.

‘તું ઇચ્છે તો અહીં રહી શકે છે, અમારી સાથે. લેડી હોવેલ પણ તું અહીં રહીશ તો રાજી થાશે..’

‘થેંકસ. પરંતુ હું તમારી સાથે રહી ન શકું. આપની દીકરીઓને કદાચ એ ગમશે નહિ.’

લોર્ડ વિચારમાં પડી ગયા. અનાબેલનું કહેવું ખોટું નહોતું. લેડી હોવેલના લાડકોડે છોકરીઓને બગાડી છે. નાનાં મોટાંની માન મર્યાદા જાળવવાનું સાનભાન પણ ખોઈ બેઠી છે. અનાબેલ બિચારી એક તો અત્યારે દુઃખી છે, તેને અહીં રાખીને હું તેને વધુ દુઃખી ન કરી શકું.

‘તારી વાત સાચી છે.’ જરાક રહી લૉર્ડ હોવેલ બોલ્યા, ‘મારા ભાઈએ તારા માટે થોડી બચત જુદી રાખી મૂકી હોત તો આજે તારે નોકરી કરવી ન પડત.’

હોવેલ અંકલના આ શબ્દો સાંભળી તે આડું જોઈ ગઈ. જરા વાર પછી તેણે કહ્યું : ‘પણ નિયતિના આયોજનની કોઈને થોડી જ ખબર હોય છે? કદાચ મારા ડૅડે પણ મારા વિશે કાંઈક આયોજન વિચાર્યું હશે તે?’

‘માફ કરજે બેટા, મારો કહેવાનો હેતુ તને દુઃખ પહોંચાડવાનો નહોતો.’

‘બોબ ફિન્ચ તરફથી આવેલો આ પ્રસ્તાવ મને યોગ્ય લાગે છે. કદાચ એ મારું જીવન પલટી નાખશે.’ અનાબેલે કહ્યું.

લોર્ડ હોવેલે માથું નમાવ્યું. ભત્રીજીના હાથ માટે આવેલો પ્રસ્તાવ તેમને પણ યોગ્ય જણાયો. આમ તો અનાબેલ ખાસ રૂપાળી ન હતી, ૩૪ વર્ષની વયે પહોંચવા આવી હતી. યૌવનની તાજગી, શારીરિક માદકતા અને ચહેરાની નમણાઈ ઝાંખી પડવા લાગી હતી. અને હમણાં હમણાં તેનો સ્વભાવ પણ ખાસો ચીડિયો બન્યો હતો. અનાબેલ ગવર્નેસ તરીકે નોકરી કરવા માટે નહોતી જન્મી. બહુ ઓછા લોકો તેની આંતરિક પીડાને સમજી શકતા હતા. ખુદ લૉર્ડ હોવેલે તેને માટે ગવર્નેસની નોકરી અપાવી હતી. પરંતુ એ જોબથી અનાબેલ રાજી નથી – અનાબેલનો ચહેરો જ એ હકીકતની સાફ ચાડી ખાતો હતો.

‘પુરુષ તરીકે એ તને કેવો લાગ્યો?’

‘સાદો અને સરસ.... મારું દિલ કહે છે કે એ મને સારી રીતે રાખશે. વળી વેપારી છે એટલે વચનની કિંમત પણ બરાબર સમજી શકતો હશેને?’

‘તારા સુખ માટે હું બાંહેધરી આપી શકું.’

અનાબેલે હોઠ ચાવ્યો : ‘હું સુખની અપેક્ષા રાખતી નથી. મારા પતિ તરફથી ફિન્ચ પરિવારમાં મને આદર ભર્યું સ્થાન મળે; મારે તો બસ આટલું જ જોઈએ છે. મિસ સ્ટર્લિંગની નોકરીમાં હું ગૂંગળાઉં છું. વળી હું બોબ ફિન્ચના પ્રસ્તાવથી અંજાઈ જઈને પણ આ પગલું નથી ભરતી, પણ મારું દિલ કહી રહ્યું છે કે, આ પુરુષ મારા માટે યોગ્ય સાબિત થશે.’

‘લાગે છે પ્રસ્તાવ સ્વીકારવાનું નક્કી કરીને તું આવી છે. લૉર્ડ હોવેલ બોલ્યા. એનાબેલ વિચારમાં પડી ગઈ. ‘શું તમે આ પ્રસ્તાવથી રાજી નથી, અંકલ?’

લોર્ડ હોવેલને પણ અંદરથી લાગતું તો હતું કે, ભત્રીજીએ જે નિર્ણય લીધો છે, ભલે થોડી ઉતાવળથી સહી, પરંતુ તેનો નિર્ણય ખોટો નથી. નીડરતાથી અનિશ્ચિત ભાવિનો સામનો કરવા એ તૈયાર થઈ છે તો મારે તેને આશીર્વાદ આપવાં જોઈએ.

‘સારું, તારા નિર્ણય આડે નહીં આવું.’ લૉડે જણાવ્યું.

‘તમે મને સાથ આપશો?’

‘હા. પ્રિન્સેસ, હું બોબ ફિન્ચને જવાબ લખીશ."

અને અનાબેલે મકકમ રહી જવાબ વાળ્યો : ‘અત્યારે મિસિસ સ્ટર્લિંગની નોકરીમાં જેટલી દુઃખી થાઉં છુ એટલી દુઃખી તો ફિન્ચ પરિવારમાં હું નહીં જ થાઉં, એની પણ મને ખાતરી છે.’

                *             *             *

વેલી ફિલ્ડ, ગિલ્ડાર્ટ સ્ટ્રીટ,

બ્રિસ્ટલ

૨૫ સપ્ટેમ્બર, ૧૭૮૭

પ્રિય બોબ,

તમારા પત્રની આભારી છું. તમારા પ્રસ્તાવનો સ્વીકાર કરતાં મને ખુશી થાય છે.

તમારી પત્ની તરીકે મને સ્વીકારવા બદલ પણ તમારી આભારી છું. મારા અંકલ લૉર્ડ હોવેલ તમને જુદી ટપાલ લખશે. તે કહે છે કે તેઓ તમને મળવા લિવરપુલ આવશે, જેથી એકબીજાની વધુ નજીક આવી શકાય અને લગ્નની તારીખ અને સમય પણ નક્કી થઈ શકે. સોફિયાને વંદન.

લિ. આપની

અનાબેલ હોવેલ.

                *             *             *

દરવાજા પર હળવા ટકોરા મારી બોબ ફિન્ચ મોટી બહેન સોફિયાના પાર્લરમાં દાખલ થયો. સોફિયા ટેબલ પાસે બેઠી હતી. ટેબલ પર કંપનીના ચોપડાઓનો ઢગલો પડ્યો હતો. ફાયર-પ્લેસનો અગ્નિ બુઝાયેલો હતો. રૂમ ઠંડો હતો. સોફિયાનો ચહેરો ફિક્કો જણાતો હતો. તે દાખલ થયો અને સોફિયાએ હાથમાં પકડેલી પેન બાજુમાં મૂકી તેની સામે જોયું.

‘બહેન એક સારા સમાચાર છે.. મિસ હોવેલનો જવાબ આવી ગયો છે.’ બોબે કહ્યું.

‘શું તેણે હા પાડી?’

‘હા. આ સંબંધ પર સંમતિની મહોર મારવા લૉર્ડ હોવેલ ખુદ લિવરપુલ અવી રહ્યા છે.’

સોફિયા સહેજ મોં બગાડી બોલી: ‘આવી સ્ત્રી સાથે લગ્નસંબંધ બાંધવાથી તારા સારા એવા પૈસા ખર્ચાશે. બધું સમુસુતરું ઊતરે તો સારું..’’

‘અનાબેલ સાવ ખાલી હાથે નહીં આવે, ડાવરી લાવશેને?’ જરા અટકી તેણે જણાવ્યું, ‘ભલે એના પિતા તરફથી નહીં, પણ તેના કાકા લૉર્ડ હોવેલ તો વહેવાર કરશેને?’

‘તેને રહેવા મોટું મકાન જોઈશે. કોચ જોઈશે. મેઈડ જોઈશે...’

બહેન સાથે વધારે વિવાદમાં ઊતરવા કરતાં ચૂપ રહેવું સારું એવું વિચારી બોબે ચુપકીદી જાળવી.  

‘એના શોખ પણ ભારે હશે...’ સોફિયા પણ જાણે લીધો તંત છોડવા માગતી ન હતી.

‘ભારે તો હશે... અને જોખમ પણ હશે... આઈ મીન, જેમ આપણે આપણા ધંધામાં લઈએ છીએ એવુ!’ બોબે નહોતું બોલવું તોપણ મોંમાંથી નીકળી ગયું.

‘બિઝનેસના જોખમની આપણને ખબર હોય છે. પણ મિસ હોવેલને આ ધંધામાં પળોટવા તે પણ જોખમ નથી?’

સોફિયાએ બોબ તરફ એવી રીતે જોયું, જાણે કે એ બાબતે ચર્ચા અટકવવાનો સંકેત આપી રહી હોય – અને બોબને પણ સમજાઈ ગયું ચર્ચા અગળ વધશે તો ભાઈ-બહેન વચ્ચે મનદુખ થશે. મોટી બહેન હોવાથી બોબને સોફિયા માટે ખૂબ જ માન હતું. કંઈ પણ મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં બોબ સોફિયાનું મંતવ્ય અવશ્ય માંગતો. બોબના માબાપ મૃત્યુ પામ્યા ત્યારથી સોફિયાએ બોબને સગી માતાની જેમ ઉછેર્યો હતો. બોબ તેનો પડ્યો બોલ ઝીલતો અને મોટી બહેનને કોઈ વાતે નારાજ થવા દેતો નહિ. પણ આજે કોણ જણે કેમ સોફિયાની શીખ તેને ગમી નહોતી તો પણ સંયમ જાળવી રાખી બોલ્યો : ‘શરૂઆતમાં આપણો ધંધો તેને જરા અટપટો લાગશે પણ આસ્તે આસ્તે ધંધાની આંટીઘૂંટી પણ શીખી જશે.’

‘પણ એ તો અહીં ગવર્નર તરીકે જોડાવાની હતી ને?’

‘પણ હવે મેં જ વિચાર બદલ્યો છે.’ ક્ષણ અડધી ક્ષણ બન્ને વચ્ચે ચુપકીદી છાવાઈ.

‘હું કૉફી હાઉસ તરફ નીકળું છું.’ છેવટે બોબે જ ચુપી તોડતાં કહ્યું, ‘જોઈએ ક્લેરિયસ માટે કોઈ ભાગીદારી કરવા તૈયાર થતું હોય તો! કલેરિયસ નવેમ્બરની આખર સુધીમાં આવી પહોંચવુ જોઈએ. તેની ખેપ માટે થોડો સરસામાન પણ ખરીદવાનો છે અને હવે તે જહાજ જૂનું થયું હોવાથી તે થોડી મરામત પણ માગે છે.’

સોફિયાએ ડાયરી ખોલી જોયું. ‘કલેરિયસ જમાઈકાથી આ મહિનામાં નીકળી ચૂકયું હશે.’

‘ટિલાપિયાની ગઈ ખેપના હિસાબ-કિતાબ હાથવગા છે?’

‘હિસાબ કિતાબ માંડ સરભર થયા છે.’

બોબ હસ્યો : ‘વારુ, પણ તે જહાજ મજબૂત છે અને તેનો કપ્તાન હિલેરી બાહોશ છે.’

સોફિયા ચેર પરથી ઊભી થઈ ગઈ અને બારી પાસે જઈ નીચેની તરફ જોતાં બોલી : ‘કૉફી-હાઉસમાં પીટર મળે તો તેને કહેજે આપણો હિસાબ ચૂક્તે કરી જાય. જહાજ ખેપ કરવા નીકળ્યું તેનેય બે અઠવાડિયા થઈ ગયાં પણ તેણે જૂનો હિસાબ હજી પતાવ્યો નથી.’

‘ભલે, હું તેને યાદ કરાવતો જઈશ.’ કહી તેણે બહાર જવા પગ ઉપાડ્યા પણ પછી એ ઉંબર પાસે ઊભો રહી ગયો. ત્યાં જરા વાર થોભી બહાર નીકળતાં પહેલાં તેણે કહ્યું : ‘બહેન, મને અભિનંદન નહીં આપે?’

પરદા પાછળ ચહેરો સંતાડી ઊભેલી સોફિયા ત્યારે પોતાનો ભૂતકાળ યાદ કરી રહી હતી. લગ્ન કરવા જેવડી ઊમર હતી ત્યારે પિતાનું મૃત્યુ અને પછીનાં યૌવનકાળનાં વર્ષો નાનાકડા ભાઈની દેખભાળમાં ખર્ચાઈ ગયાં અને એમજ યૌવનનાં પૂર ક્યારે ઓસરી ગયાં તેની ખબર જ  ક્યાં રહી હતી?

. ‘અભિનંદન! સુખી રહે’ કહી સોફિયા આંખો લૂછવા લાગી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ