વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૩

 

લવાન્ડોને ગંગોરીનો સંદેશો પ્રદેશના લોકો સુધી પહોંચાડવાની તાલાવેલી હતી. વહેલી સવારે નીકળવા માટેની મકોન્ડોને વાત કરી ત્યારે તેણે થોડો કચવાટ કર્યો હતો. પણ એ લાવાન્ડોનો સેવક હતો. તેનો જમણો હાથ હતો. જ્યારે શિકાર કરવા નીકળવાનું હોય કે દુશ્મનો સામે લડવા જવાનું હોય ત્યારે લવાન્ડો મકોન્ડોને પોતાની સાથે લેતો. જોકે, મકોન્ડોને જંગલોમાં રખડવાનું બહુ ફાવતું નહિ, પણ તેને જંગલી જાનવરોની બીક લાગતી નહોતી.

લવાન્ડો તો દોસ્તના ચહેરા પરથી સમજી ગયો હતો કે તેને સાથે આવવું નથી, એટલે ગલાતલાં કરે છે, આવું તો ઘણી વાર બનતું, લવાન્ડો તેને સમાજવતો અને પછી એ તૈયાર થઈ જતો. લવાન્ડોએ અત્યારે એ નુસખો અજમાવ્યો.

‘ચાલને યાર...આ છેલ્લી વાર, બસ?  તારાં બિસ્તરા પોટલાં બાંધવા માંડ અને બે  બૉમ્બાનાનો બંદોબસ્ત કર,’ લવાન્ડો તેને સમજાવતાં બોલ્યો.

મકોન્ડોને લવાન્ડો ઉપર ભરોસો હતો, કે લવાન્ડો સાથે હોય તો જંગલમાં કોઈ જોખમ નડવાનું નથી. અને મિત્ર લવાન્ડો તેને આગ્રહ કરી રહ્યો હતો. તેને કેવી ના પાડે?

‘આપણે થોડા મજૂરો અને અમુક રક્ષકોને સાથે લઈશું ને?’ મકોન્ડોએ લવાન્ડોની સલાહ માગી.

‘ના. મજૂરો કે અંગરક્ષકોની જરૂર નથી. આપણને રસ્તામાં મુસાફરોના ઘણા કાફલા મળશે. એમની સાથે મજૂરો અને ર્ગાર્ડ્ઝ પણ હશે અને જોખમ જેવું લાગશે તો આપણે સંઘ સાથે જોડાઈ જશું. આમેય આપણે માર્ગમાં આવતાં ગામડાંઓમાં રોકાવું તો પડશે જ!.’

તેણે તરત લવાન્ડોને જણાવ્યું : ‘સામાન તૈયાર છે. હું પણ આવું છું. પણ હવે આપણે નીકળવું જોઈએ.’

‘હા. આપણે નીકળીએ.’ સામાન ઘોડાની પીઠ પર લાદવાનું કહી લવાન્ડો પોતાના ઓરડામાં ગયો. એક ખૂણામાં રૂગદેવના પૂજાપાની સામગ્રી પડી હતી. લાકડાની એક નાનકડી થાળીમાં કેટલીક વાટકીઓ હતી અને આ વાટકીઓમાં પૂજાપાની વસ્તુઓ હતી. ચોકના ટુકડા, તેલ, માટી, રંગની વાટકી વગેરે

આ વસ્તુઓ પર નજર ફેરવી એ બહાર આવ્યો અને તેને ફરી પેલા સ્વપ્નવાળા જહાજની ભ્રાંતિ થઈ. ગુલામોની ચીસો અને ખાંડ, રમ અને મસાલાની તીવ્ર વાસ તેના શ્વાસમાં ભરાવા લાગી.

મને આ દુઃસ્વપ્ન વારંવાર કેમ આવતું હશે? એ શો સંકેત દેવા માગતું હશે?

તેના શરીરમાંથી ઠંડીના લખલખા જેવું કશુંક દોડી ગયું. સૂર્ય મધ્યાકાશે પહોંચવા આવ્યો હતો. આકાશ ચોખ્યું હતું. પણ મનમાં જાગી રહેલી શંકા-કુશંકાઓ ભય પેદા કરી રહી. મૃત્યુ જાણે આવીને સામે ઊભું હોય એવું જ લાગ્યું. એ ગભરાઈ ગયો. સપનાનું અનુસંધાન પકડી શકાતું નહોતું. અને–

બહાર મકોન્ડો ઉતાવળો થઈ રહ્યો હતો. જંગલમાં પડનારી મુશ્કેલીઓ અને અસુવિધાઓનો ખ્યાલ તેને પણ મૂંઝવી રહ્યો હતો. અજાણ્યો પ્રદેશ.. જંગલી માનવો.. જંગલી જનાવરો... ગુલામને પકડી જનારા તોઉબોબો અને આરબ દલાલો- પછી તેને વિચાર આવ્યો, દરિયો તો અહીંથી પશ્ચિમની તરફ માઇલો છેટો છે. અમારે તો ઉત્તર દિશા તરફ ધપવાનું છે. ઉત્તર દિશામાં માઇલોના માઇલો સુધી વિસ્તરેલો સવાનાનો ઘાસિયો પટ અને તેની વચ્ચે બે નદીઓ વહે છે અને તેને પેલે છેડે અફાટ રણ પ્રદેશ પથરાયેલો છે! આવા વેરાન સ્થળે સ્લેવરો કંઈ થોડા જ આવશે? જહાજ આવે તેવી સંભાવના જ નથી. એ લોકો દરિયાકાંઠાથી ઘણા દૂર આવી ગયા હતા. કદાચ કુલન્ગોવાળું સ્વપ્ન મારા માટે કોઈ શુભ સંકેત લઈને પણ આવ્યું હોય? કેમ, ખબર પડે? આ સ્વપ્ન સંકેત આપે છે કે હવે પછી ગુલામોને પકડી જનારાને આ તરફ આવવાનો પરવાનો નહીં મળે. આ મુલકનાં બાળકો અને જવાનોને ગુલામ તરીકે પકડી જનારા ગોરા અને આરબ સોદાગરોના પગપેસારા પર હંમેશાંને માટે રોક લાદી દેવાશે.

લવાન્ડોએ શરીરેથી પરસેવો લૂછ્યો. ચિંતાનો ભાર હળવો થતાં પોતાના ઓરડાના ખૂણામાં પડેલો  બુલૂ ખભે ચઢાવી તે બહાર આવ્યો. બહાર બે પાણીદાર બૉમ્બાના તૈયાર હતા. પોતાના બૉમ્બોના પાસે આવી તેણે મકોન્ડોને કહ્યું : ‘ચાલ, આપણે નીકળીએ.’

                *             *             *

‘જોઝ કૉફી શૉપ’ - એટલે લિવરપુલના મોટા મોટા વેપારીઓ અને માલેતુજારોનું મિલન-સ્થળ! કૉફીનો સ્વાદ ચાખવા અહીં મોટા મોટા વેપારીઓ આવતા અને નાના ગજાના વેપારીઓ પણ આવતા. નદીનો પુલ ઓળંગી જમણી તરફ વળી થોડું ચાલો એટલે જમણે ખૂણે આવે’ જોઝ કૉફી શૉપ’ ! અહીં લિવરપુલના વેપારીઓ કપમાંથી કૉફીની ચુસ્કીઓ ભરતા બેઠા હોય અને અવનવી વાતોના તડાકા મારતા હોય. એમ સમજોને કે એ બહાને ધંધાની સોદાબાજી કરતા હોય.

બોબ ફિન્ચ ‘જોઝ કૉફી શૉપ’ માં નિયમિત આવતો. તેના મિત્રોનું એક મંડળ હતું. તે આ મિત્રો સાથે બેસતો અને વેપારજગતમાં ચાલતા કારોબાર અંગેની તરોતાજા માહિતી મેળવતો. કૉફી શૉપમાં દાખલ થતાં જ કૉફીની નશીલી ખૂશબો મધહોશ કરતી. પાઇપ સિગારના ધુમાડાથી કૉફી હાઉસ ભરાયેલું રહેતું. બારણું ખૂલતાં જ તાજી હવાની લેરખીઓ બારણા પાસેના ટેબલ પર કીમતી ઈસ્ત્રીબંધ સૂટ અને લીનેનની મૅચિંગ શર્ટમાં સજ્જ શહેરના મોટા મોટા વેપારીઓ સાથે અડપલાં કરવા લાગતી. અમુક ટેબલ ચા-કૉફીના ધનાઢ્ય બંધાણી નગરજનો માટે રીઝર્વડ રાખાવામાં આવતાં. ત્યાં નાના ધંધાના વેપારીઓને બેસવાની છૂટ ન હતી. નાના વેપારીઓ માટે બેસવાની અલગ જગ્યા હતી.

રાબેતા મુજબ આજે બોબ ફિન્ચ ધનાઢ્યોને અભિવાદન કરતો કૉફી શૉપમાં દાખલ થયો પણ બેઠેલા માલેતુજાર મહાનુભાવોને તેની હાજરીની નોંધ લેવાનુંય ઉચિત ન જાણાયું. બોબનું સ્ટેટસ આ હાઈ સોસાયટીમાં મળતા-ભળતા લોકોના સ્ટેટસની સમકક્ષ ન હતું. એ માલેતુજારોની નજરમાં તે એક તુચ્છ વેપારી હતો. આ મોટા વેપારીઓ તેની સાથે કોઈ બીઝનેસ-ડીલ કરતા નહીં. તે બાબતનો તેને કાયમ ખટકો રહેતો. જોકે, તેના સમકક્ષ વેપારીવર્ગમાં બોબ ફિન્ચનું સારું માન હતું, પરંતુ મોટા વેપારીઓની હરોળમાં બેસવાનું સપનું બોબની આંખોમાં રમતું રહેતું. તેને ખાતરી હતી એક વાર લૉર્ડ હોવેલના પરિવાર સાથે સંબંધ જોડાશે પછી આ જ માંધાતાઓ કે જે તેનાથી મોઢાં ફેરવે છે એ જ લોકો મારી સાથે દોસ્તી કરવા વ્યાકુળ બનશે. ધંધાની વિકાસયોજના સાથે મારી સાથે ટેબલ પર બેસી ધંધાની સોદાબાજી કરશે. અને હું પણ મારા હોદ્દાની રૂએ એમના જ પૈસાનો મારા ધંધાની વિકાસયોજનાઓ માટે ઉપયોગ કરીશ અને એ લોકો હસતાં હસતાં એ માટે પૈસાનું ધિરાણ કરવામાં પોતાનું ગૌરવ અનુભવશે.

‘હેલ્લો બોબ! આ તરફ..’ દિમાગમાં વિચારોનું ધમસાણ ચાલતું હતું અને કોઈએ તેને બોલાવ્યો.

બોબે ગરદન પાછળ ફેરવી ને જોયું. એના મિત્રો હાથ ઊંચા કરી તેને બોલાવી રહ્યા હતા. આ મિત્રો તેની જેમ ગુલામોને આયત કરવાના ધંધામાં સામેલ હતા. તેઓ ખૂબ કમાતા અને એકાદ જહાજ ડૂબી જાય તો લિવરપુલની ફૂટપાથ પર આવી જતા. માત્ર એક જ વહાણ ડૂબી જતાં સામાન્ય વેપારી પૈસેટકે ખુવાર થઈ જતો અને નસીબની બલિહારી હોય તો પાછો ફૂટપાથ પરથી કોટેજમાં આવી વસતો. બોબ ફિન્ચના પિતા જેમ્સ ફિન્ચ સાધારણ સ્થિતિમાંથી ઊંચા આવ્યા હતા. તેમની પાસે બે ચાર હોડકાં હતાં અને તેઓ બ્રિસ્ટલની આસપાસના બંદરોમાંથી માલ લાવવા-લઈ જવાનું કામ કરતા. વેલ્સમાંથી કોલસો, સમરસેટમાંથી ઘઉં અને કોર્નવોલમાંથી ગાયોનો નિકાસ કરતા. દરિયાપાર ખેપ કરી શકે એવા મોટા વહાણના માલિક તો તેઓ જિંદગીના પાછલા દિવસોમાં બન્યા હતા. અને એ વહાણ પણ જૂનું પુરાણું હોવાથી એક લાંબી ખેપ કરીને ડૂબી ગયું હતું. સદ્ભાગ્યે જેમ્સ ફિન્ચે તેનો વીમો કઢાવેલો અને વળતરમાં તેને હજારો પાઉન્ડ મળ્યા. એ મૂડીથી તેણે ફિન્ચ શિપિંગ લાઇનની સ્થાપના કરી ‘ફિન્ચ ઍન્ડ સન્સ’ નામથી કારોબાર શરૂ કરેલો. પિતાના આ કારોબારને ભાઈ-બહેને મહેનત કરીને વિકસાવ્યો હતો.

‘કમ બ્રધર..’ કહેતા બે મિત્રોએ જરા આઘા ખસી બોબ માટે બેન્ચ પર બેસવાની જગ્યા કરી આપી.

‘ગુડડે.’ બોબે પોતાની જાતને એ બે મિત્રો વચ્ચે ગોઠવતાં અભિવાદન કર્યું.

‘સાંભળવામાં આવ્યું કે તેં આ સાલ ક્લેરિયસની ખેપમાં સારો મુનાફો કર્યો છે? ખાંડનું બજાર જોરમાં છે, પણ તમાકુનું બજાર ગગડી પડ્યું હોય એમ જણાય છે.’ જે માણસે સાદ કર્યો હતો તે બોલ્યો.

બોબે માથું હલાવ્યું : ‘હા. આ વર્ષ મારા માટે લાભદાયી નીવડ્યું. અને આમેય હું મારા જહાજમાં તમાકુ ભરવાનું જોખમ લેતો નથી. કલેરિયસે મને સારો નફો કરાવ્યો અને તેને પાછું ખેપ પર રવાના કરી દીધું છે.

‘હવે પછીની ખેપ માટે તમે કોઈ પાર્ટનર લીધો છે?’ તેની સામે બેઠેલા માણસે સ્થાનિક છાંટવાળી બોલીમાં પૂછ્યું.

‘હું ‘ટિલાપિયા’ માટે પાર્ટનર શોધી રહ્યો છું. બે મહિનાના ગાળામાં તે લાંગરવાનું છે. પણ તમે કોણ છો? અહીં આ પહેલાં તમને કદી જોયા નથી.’

‘આયમ ઈમાન્યુઅલ ક્રિસ્ટો. આ ગામમાં બે મહિના પહેલાં રહેવા આવ્યો છું અને વહાણવટાના ધંધામાં થોડું રોકાણ કરવાની મારી ઇચ્છા છે. ટિલાપિયાનું સુકાન કોણ સંભાળે છે?’

‘કપ્તાન હિલેરી ‘ટિલાપિયાના કપ્તાન’ છે. એમના જેવા બાહોશ કપ્તાન લિવરપુલ શહરેમાં ક્યાંય શોધ્યાયે જડે તેમ નથી.’ બોબ બોલ્યો.

તે માણસે માથું હલાવ્યું. ‘ટિલાપિયા’ની છેલ્લી ખેપના હિસાબકિતાબ જોવા મળી શકશે?’

‘ચોકકસ. આ વર્ષે મારા દરેક શેરહોલ્ડરને ચારસો ચારસો પાઉન્ડ નફામાં મળ્યા છે. મૂડી રોકાણ માટે આ ધંધો સોનના ઈંડા મૂકતી મૂર્ગી જેવો લુક્રેટિવ છે.’

‘સંભવ છે. આભાર.’ ઈમાન્યુલ થોડી અનિશ્ચિતતા સાથે બોલ્યો.

એવામાં કૉફી આવી. બોબે પોતાના કૉફી મગમાં ખાંડના બે ગાંગડા મૂક્યા અને બાજુમાં ઊભેલા વેઇટરને કાળા રમનો ઑર્ડર આપ્યો. અને કપાયેલી વાતનો સાંધો જોડતાં એ બોલ્યો : ‘આ તો તમારી જિજ્ઞાસા જોઈને મેં તમને મારા ધંધાની થોડી પેટછૂટી વાત કરી..’

‘સારું. આભાર. તમે કેટલા શેરની અપેક્ષા રાખો છો?’ પેલો માણસ બોલ્યો.

‘૨૫ % ટકની.’

કેટલા પાઉન્ડ રોકવા પડશે?’

અત્યારે તો કહેવું મુશ્કેલ છે. પણ આશરે હજારેક પાઉન્ડનું રોકાણ કરવું પડશે.’

એ મૂંઝાયો. તેણે ધાર્યું નહોતું કે આટલા બધા પૈસા રોકવા પડશે

બોબ હસવા લાગ્યો. ‘આ રોકાણમાંથી ૩૦ થી ૪૦ ટકાનું વળતર છૂટશે ત્યારે ખ્યાલ આવશે આ ખોટનો ધંધો નથી.’

‘અને વહીવટ કોણ સંભાળશે? તમે સંભાળશો? માલની ખરીદી કરવાની તેમજ બધો સામાન વહાણમાં ચડાવવા-ઉતારવાની જવાબદારી તમે ઉઠાવશો કે?’ તેણે પૂછ્યું.

બોબ ખડખડાટ હસી પડ્યો. કેમ નહીં. અત્યાર સુધી એ જવાબદારી હું જ સંભાળતો આવ્યો છું. કોઈ પર વિશ્વાસ મૂકી શકાય નહિ. પણ ટેટલર મારો વિશ્વાસુ માણસ છે. સઘળી વ્યવસ્થા એ સંભાળી લેશે.’

‘સારું તો હું શેર્સ લેવા તૈયાર છું.’

‘બહુ સરસ.’ કહી બોબે હાથ ઊંચો કર્યો અને તેનો હાથ ઈમાન્યુઅલે પકડી લેતાં સહેજ થપથપાવ્યો. ‘ઠીક, તો પછી આજે બપોરે તમે બોન્ડ લઈને મારા વેરહાઉસ પર આવજો, સોદો પાકો થઈ જશે.’

‘સ્યોર.’ ઈમાન્યુઅલ પોતાના ટેબલ પરથી ઊભો થયો અને ખુશ થઈને ગયો. ‘મને આશા નહોતી કે આ ડીલ આટલી આસાનીથી પાકી થઈ જશે.’ ઈમાન્યુઅલના ગયા પછી બોબનો એક મિત્ર કહેવા લાગ્યો : ‘પણ હા, પૈસા જોયા પછી જ કોંન્ટ્રેક્ટ પર સહી-સિક્કા કરજે.’

પછી બધાએ ભેગા મળી આ સોદાની ખુશાલી કરવા હેમ, બ્રેડ, ચીઝ અને પોર્ટ મંગાવી નાની સરખી પાર્ટી જેવું જમાવ્યું અને મોડે સુધી એ જલસો ચાલતો રહ્યો.

અને બોબ જ્યારે મિત્રોની મહેફિલમાંથી ઊઠી લથડિયાં ખાતો ઘર તરફ જતો હતો ત્યારે તેના દિલદિમાગ પર કાળા રમનો નશો સવાર થયેલો હતો.

ભાગીદારી કરવાના સાહસનું આ પ્રથમ પગથિયું કોને ખબર તેને પ્રગતિ તરફ દોરી જશે કે  અધોગતિ તરફ!

***

 

બોમ્બાના = ઘોડા

બૂલુ = પોટલું

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ