વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 5

દેવી બ્રહ્મચારિણી આદ્યશક્તિના નવદુર્ગાનું દ્વિતીય સ્વરૂપ છે. આર્યવર્ધન અને ક્રિષ્નાપ્રિયા દેવીને પ્રણામ કરીને ઊભા થયાં. દેવી બ્રહ્મચારિણીએ ક્રિષ્નાપ્રિયા સામે જોઈને કહ્યું, “પુત્રી, તને મારા આપેલા વરદાન સ્મરણ છે?”

“હા, માતા. “ક્રિષ્નાપ્રિયા બોલી ઉઠી. “આપે મારું સામર્થ્ય અને જ્ઞાનવૃદ્ધિ થવાનું વરદાન આપ્યું હતું.”
દેવી બોલ્યા, “એ વરદાન આ જ ક્ષણ માટે જ તને આપ્યું હતું. તારી સામે સ્થિત વ્યક્તિ સંસારનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અને કુશળ રાજવી છે. જે તારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશે.”

“મા ક્ષમા કરશો.” આર્યવર્ધન બોલ્યો, “પરંતુ આપ મને અહી લાવવાનું પ્રયોજન જણાવશો. હું અહી સદાશિવ રુદ્રદેવના દર્શન કરવાની મહેચ્છાથી આવ્યો. પરંતુ આ કન્યાએ મારો માર્ગ રોકી દીધો હતો. તેના કારણે મારે અનિચ્છાએ તેની સાથે યુદ્ધ કરવું પડ્યું.”
દેવીએ કહ્યું, “પુત્ર, તારી સદાશિવના દર્શન કરવાની ઈચ્છા અવશ્ય પૂરી થશે. આ ક્રિષ્નાપ્રિયા મારી શિષ્ય છે. મે તેને ચોસઠ કળાઓનું જ્ઞાન આપ્યું હતું પરંતુ તે વધુ જ્ઞાન મેળવવા માટે મને પ્રાર્થના કરી. તેનાથી પ્રસન્ન થઈને મે તેને જ્ઞાનવૃદ્ધિનું વરદાન આપ્યું હતું અને યોગ્ય સમયની પ્રતિક્ષા કરવા માટે કહ્યું હતું. ત્યાં સુધી તેને આ સ્થાનની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. પરંતુ એ તને ઓળખી શકી નહીં.”
આર્યવર્ધન દેવી બ્રહ્મચારિણીના ચરણો પાસે ઝુકીને બોલ્યો, “મા, તો મારા માટે શું આજ્ઞા છે?”
“પુત્ર, મારી આજ્ઞાનું પાલન કરી શકીશ ?” દેવી શંકા વ્યક્ત કરતાં એવા સૂરમાં આર્યવર્ધનને પ્રશ્ન પૂછ્યો.

ક્રિષ્નાપ્રિયાને દેવી બ્રહ્મચારિણી અને આર્યવર્ધનના સંવાદ કઈક ભેદ હોય તેમ લાગ્યું. આર્યવર્ધનને દેવીના પ્રશ્નમાં કોઈ સંકેત હોય તેમ લાગ્યું. એટલે આર્યવર્ધને હા પાડતો હોય તેમ સંકેત કર્યો.

દેવી બ્રહ્મચરિણીએ ક્રિષ્નાપ્રિયા સામે દ્રષ્ટિ કરતાં કહ્યું, “પુત્રી આજે તારે મને ગુરુદક્ષિણા આપીને તારું કર્તવ્ય પૂર્ણ કરવાનું છે. ગુરુદક્ષિણા સ્વરૂપે તારે મને એક વચન આપવાનું છે.”

“હે મા, આપની ઈચ્છા મારા માટે આજ્ઞા છે.” ક્રિષ્નાપ્રિયાએ બે હાથ જોડીને કહ્યું, “આપની ઈચ્છા શું છે?”

“પુત્રી આ વ્યક્તિ સાથે તારું પાણિગ્રહણ થાય એવી મારી ઈચ્છા છે. તું તારો સંપૂર્ણ પરિચય તેને આપ.” આટલું કહીને દેવી બ્રહ્મચારિણી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં. ક્રિષ્નાપ્રિયા અને આર્યવર્ધન એકબીજા સામે મીટ માંડીને જોઈ રહ્યા. 
**********************
મેઘા ત્રિદેવીની આરતી પૂર્ણ થયાં પછી મંદિરમાંથી મુખ્ય માર્ગ પર આવી. તે રથ પર સવાર થઈ એટલે સેવિકા રથને હાંકવા લાગી. મેઘાને કઈક વિચાર આવતાં તેણે રથને એક સ્થાન પર રોકાવ્યો. મેઘા રથ પરથી નીચે ઉતરી ત્યાં અંધકારમાં અશ્વની તીવ્ર હણહણાટી સંભળાઈ. એક અશ્વ તેના રથ આગળ આવીને રોકાઈ ગયો.

મેઘા તે અશ્વ પાસે ગઈ એટલે તે અશ્વએ તેની પાંખો ફેલાવી. મેઘા આ જોઈને તે અશ્વને ઓળખી ગઈ. તે અશ્વ આર્યવર્ધને તેને ભેટ સ્વરૂપે આપ્યો હતો. તે અશ્વનું નામ સુગ્રીવ હતું. મેઘાએ સુગ્રીવની પીઠ પર હાથ ફેરવ્યો એટલે તેનાથી સુગ્રીવને ખુશી થઈ હોય તેમ પોતાની પાંખો ફેલાવીને મેઘા આસપાસ દોડવા લાગ્યો.

મેઘા તરત તેની પીઠ પર સવાર થઈ ગઈ. સુગ્રીવ પોતાની પાંખો ફેલાવીને મેઘાને આકાશમાં લઈ ગયો. રાત્રીનો સમય હોવાથી ચંદ્ર પૂર્ણકળાએ ખીલ્યો હતો. સુગ્રીવ મેઘાને એ દ્વીપ પર લઈ ગયો. જ્યાં મેઘા પહેલી વાર આર્યવર્ધનને મળી હતી. આ દ્વીપ થોડી ક્ષણો પહેલાં જ સૂર્યોદય થયો હતો. સૂર્યના કિરણો પાણીનો રંગ બદલી રહ્યા હતાં.



આ જોઈને મેઘાના મનમાં એક અદમ્ય ઉત્સાહ જાગ્યો. તે ઝડપથી દોડીને દ્વીપના મધ્યભાગમાં આવેલા તળાવ પાસે ગઈ જ્યાં આર્યવર્ધને તપસ્યા કરી હતી. તે સ્થાન અત્યારે સુવર્ણની માફક ચમકી રહ્યું હતું. તેની સાથે આસપાસના વાતાવરણમાં એક આનદદાયક સુગંધ ફેલાવતું હતું. મેઘાએ તે સ્થાનને નમસ્કાર કરીને તળાવમાં સ્નાન કરવા માટે દાખલ થઈ.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ