વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાધા

ઇસુ પૂર્વે - ૨૩ સપ્ટેમ્બર, ૩૨૨૧.

બરસાણા- રાવલ –ઉત્તરપ્રદેશમાં ગોકૂળની નજીક આવેલું એક નાનકડું ગામ.

વૃષભાનુ અને કીર્તિદેવીના આનંદનો પાર નહોતો. વૃષભાનુ તો ઘડી ઘડી કીર્તિદેવીના ખોળામાં સુતેલ દિવ્ય બાળકને જોઈ જ રહેતા. બાળકીની ગૌર ચમકતી ત્વચા, નાનકડા ગુલાબી હોઠ, ઘાટીલું નાક, પરાણે વ્હાલી લાગે એવો માખણનો પીંડ જોઈ લો જાણે કે !

બાળકી બિલકુલ શાંત હતી. એના હાથની મુઠ્ઠીઓ વળેલી હતી. કીર્તિદેવીએ એના જમણા હાથમાં એક ફૂલોની નાનકડી માળા પહેરાવી હતી. આજે એમના ઘેર આનંદનો પ્રસંગ હતો. વૃષભાનુ નીચે જુક્યા અને બાળકીના કપાળ પર એક ચુંબન કર્યું. કીર્તિદેવીએ બાળકીને છાતીએ વળગાડી. નજર ના લાગે એટલે કાનની પાછળ એક નાનકડું કાળું ટપકું પણ કર્યું.  

આખો સંસાર બાળકીના જન્મને વધાવી રહ્યો હતો. હવામાં એક મધુર સુવાસ પ્રસરી ગઈ હતી. ગોકુળની નજીક આવેલા રાવલ ગામે ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો.

“રાધા” કીર્તિદેવીના હોઠ ફફડ્યા અને ત્યાં ભેગા થયેલા સહુએ આનંદથી ચિચિયારીઓ પાડી, ઢોલ વગાડ્યા અને અબીલ ગુલાલના છંટકાવ થયા.

સહુના હૃદયમાં આનંદ હતો પણ વૃષભાનુ અને કીર્તિદેવી હજુ વ્યથિત હતા. બાળકીએ હજુ સુધી આંખ ખોલી નહોતી.

*

“હે મારી યોગમાયા, મેં આપની સાચી ભક્તિ કરી અને આપે આટલું સુંદર ફળ આપ્યું, મારું જીવન આપે આનંદથી ભરી દીધું મા, પણ...આ બાળકી આંખો કેમ નથી ખોલતી? મારાથી આપની ભક્તિમાં કોઈ કમી રહી ગઈ હોય તો મને સજા આપો મા, પણ મારી આ નાનકડી ફૂલ જેવી બાળાને...” કીર્તિદેવીની આંખોમાં આંસુ હતા. સામે ઉઠેલી ધુમ્રસેરમાં એક આકૃતિ ઉભરી અને એના મુખ પર એક સ્મિત હતું.

“વ્યર્થ વિલાપ ના કરો દેવી, આ ભેટ સ્વીકારો, નિયતિ મુજબ જ્યારે જે થવાનું છે એ થઇ ને જ રહેશે. તથાસ્તુ” કીર્તિદેવીની આંખો સામે એ આકૃતિ ઓઝલ થઇ ગઈ. બાળાના રડવાના અવાજથી કીર્તિદેવીનું ધ્યાન ભંગ થયું. એ આંસુ લુછતી ઉભી થઇ અને બાળા પાસે ગઈ. આ અંધ બાળાને હવે ઉછેરવાની જવાબદારી એણે મન મક્કમ કરી ઉપાડી લીધી હતી.

*

છ મહિના થઇ ગયા હતા. ફળિયામાં રાધા એકલી રમી રહી હતી. સામે કીર્તિદેવી અને અન્ય મહિલાઓ કામે વળગી હતી. કીર્તિદેવી ઘડી ઘડી રાધા સામે જોઈ લેતી. આંખો બંધ હોવા છતાં પણ રાધા ક્યારેય ક્યાંય અથડાતી નહિ કે પડતી નહિ. કીર્તિદેવી એને પોકારે તો ભાખોડિયા ભરતી ભરતી એના ખોળામાં આવી જતી અને મીઠું મધુરું હસી પડતી. સહુની લાડકી રાધા દિવસે દિવસે વધુ સુંદર લાગતી હતી.

આજે કીર્તિદેવીએ પોકાર કર્યો પણ રાધાએ સાંભળ્યું નહિ. કીર્તિદેવીને નવાઈ લાગી. એણે જોયું કે રાધા ઘડી ઘડી બંધ આંખે પૂર્વ દિશામાં જોઈ રહી હતી! કૈંક બબડતી પણ હતી. કીર્તિદેવીએ રાધાને ઊંચકીને પોતાની પાસે બેસાડી પણ આજે રાધા ચંચળ થઇ ઉઠી હતી. એણે ફરીથી ભાખોડિયા ભર્યા અને પૂર્વ દિશા તરફ જવા લાગી. કીર્તિદેવીને કઈ સમજણ ના પડી. એણે રાધાને ઊંચકીને ઘોડિયામાં સુવડાવી દીધી. જન્મ પછી ભાગ્યેજ રડેલી રાધાએ આજે રુદન શરુ કર્યું. એના હાથ ઘડી ઘડી ઊંચા નીચા થતા હતા. એ હાથની મુઠ્ઠીઓ ઘડી ઘડી ખોલ બંધ કરી રહી હતી. એની પાંપણો પણ હવે ફરકવા લાગી હતી!

શું કોઈ આવી રહ્યું હતું? શું એ ઘડી આવી ગઈ હતી? ફરીથી એકાકાર થવાની ઘડી નજીક હતી.

*

“આવો આવો યશોદા, આવો કેમ છો?” કીર્તિદેવીએ હર્ષથી યશોદાને આવકાર્યા. યશોદાના હાથમાં રહેલું મેધ શ્યામલ રંગનું બાળક પણ ચંચળ થઇ ઉઠ્યું હતું. એ ઘડી ઘડી નીચે ઉતરવા મથી રહ્યું હતું. કીર્તિદેવી આશ્ચર્ય અને આનંદથી એ બાળકને જોઈ જ રહી. એણે હાથ લાંબા કરી યશોદાના હાથમાંથી એ બાળકને લીધું. બાળકના શરીરમાંથી સુગંધ પ્રસરી રહી હતી. એની સુદર આંખો પટપટાવતું બાળક કીર્તિદેવી સામે જોઈ જ રહ્યું. કીર્તિદેવીના આખા શરીરમાં જાણે કે કોઈ ઠંડક વ્યાપી ગઈ હોય એવું એને લાગ્યું. એણે વ્હાલથી બાળકને ચુંબન કર્યું. બાળક ખીલખીલાટ હસી પડ્યું. એણે કીર્તિદેવીના વાળ પકડી લીધા અને જોરથી ખેંચ્યા. કીર્તિદેવી પીડા ભૂલીને હસી પડી. “નટખટ” એણે બાળકનું નાક ખેંચતા કહ્યું.

કીર્તિદેવીએ સૂચક નજરે યશોદા સામે જોયું અને યશોદાના મુખેથી “કૃષ્ણ” શબ્દો નીકળી પડ્યા. કીર્તિદેવીએ બાળકને છાતી સરસું ચાંપી દીધું.

*

સુરજ મધ્યાહને હતો પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ગોકુળીયા ડુંગરા પરથી એક વંટોળ ઉઠ્યો અને ધીરે ધીરે રાવલ ગામ પાસે આવી પહોંચ્યો. જોર જોરથી ડમરી ઉઠી, વાદળો ગર્જી ઉઠ્યા અને હળવો વરસાદ શરુ થઇ ગયો. રાવલગામની સીમ પાસે આવેલી વનરાજીમાં મોરલાઓએ આનંદિત થઇ નૃત્ય શરુ કર્યું! આજુબાજુ આવેલા નાનકડા ડુંગરાઓ જાણે કે ડોલવા લાગ્યા. એક ઝુંપડામાં બેઠેલા સાધુઓના વૃંદે આનંદિત થઇ ગાવાનું શરુ કરી દીધું.

*

વધુ ને વધુ ચંચળ થઇ ઉઠેલા નાનકડા કૃષ્ણને હવે વધુ સંભાળવો અઘરો હતો એટલે યશોદાએ એને નીચે મૂકી દીધો અને કીર્તિદેવી સાથે વાતોએ વળગી. નાનું બાળક હવે ધીરે ધીરે ભાખોડિયા ભરતું અંદરના ઓરડા તરફ સરક્યું. આકાશમાં વીજળી થઇ રહી હતી. આખો સંસાર આ અદ્ભુત ઘટનાનો સાક્ષી થવા જઈ રહ્યો હતો. અંદર ઘોડિયામાં સુતેલી રાધાના મુખ પર સતત સ્મિત રમતું હતું.

શ્રી વિષ્ણુની પ્રથમ, મુખ્ય અને શાશ્વત જીવનસાથી, એમની સર્વોચ્ચ શક્તિ સાથે  મિલન થવા જઈ રહ્યું હતું. સમગ્ર દેવી દેવતાઓ આ ઘટનાને જોઈ રહ્યા હતા.

કૈલાસ પર બેઠેલા ‘એમણે’ સમાધિમાંથી મુક્ત થઇ આંખો ખોલી અને પાર્વતી સામે જોયું. બંનેના મુખ પર સ્મિત હતું. આજે આનંદનો અવસર હતો. ગણોએ પણ એમના આરાધ્યને આનંદિત જોઈ નૃત્ય કરવાનું શરુ કર્યું.

*

એક મૃદુ હાથ ઘોડીયામાં લાંબો થયો અને રાધાની બંધ મુઠ્ઠીઓ ખુલી ગઈ. એણે એ લાંબા થયેલા મેઘશ્યામ હાથને પકડી લીધો. એક પ્રકાશપૂંજ એમના મિલનમાંથી પ્રગટ થયું અને આકાશમાં સમાઈ ગયું. રાધાએ કૃષ્ણનો હાથ સજ્જડ પકડી લીધો હતો. એના મુખ પર મલકાટ હતો. આકાશમાંથી હવે ભારે વરસાદ વરસી રહ્યો હતો. કૃષ્ણે મલકીને રાધાનાં હાથને સહેજ દબાવ્યો અને જાણે કે પૃથ્વી થંભી ગઈ, દેવતાઓ આંખમાં અશ્રુ સાથે જોઈ જ રહ્યા...

‘રાધાએ આંખો ખોલી દીધી હતી.’

 

 

 

 

જાણેકે આટલા સમયથી કૃષ્ણની રાહ જોતી હોય એમ રાધાએ હજુ સુધી આંખો બંધ રાખી હતી અને આજે સર્વપ્રથમ એમનું મુખ જોવા જ એણે આંખો ખોલી હતી.

બંનેની આંખો મળી અને બંનેના મુખ પર એક સ્મિત આવ્યું. એક અપૂર્વ પ્રેમ, એક અમર પ્રેમ, એક શાશ્વત પ્રેમ કે જે હંમેશા માટે અમર રહેવાનો હતો એની શરૂઆત થઇ ચુકી હતી.

 

ત્યાં દોડીને આવેલી કીર્તિદેવી અને યશોદાની આંખોમાં અશ્રુ હતા.

*

ભાલકાતીર્થ – સોમનાથની નજીક - ગુજરાત

વર્તમાન સમય...

‘આહ...” એક ચીખ નીકળી ગઈ એના મોઢામાંથી. દર્દથી એ કણસી રહી હતી. પેટમાં વચ્ચોવચ્ચ બુલેટ વાગી હતી, આંતરડા બહાર આવી ગયા હતા. ગમે તેમ કરીને પોતાની જાતને બચાવીને એ ભાગી હતી.

હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ એવા સોમનાથ મહાદેવની પાસે આવેલા પવિત્ર તીર્થસ્થળ ભાલકાતીર્થ પાસે એ આવી પહોંચી હતી. શ્રી કૃષ્ણ જ્યાં નિર્વાણ પામ્યા હતા ત્યાં એ દેહ છોડે એવી એને આશા હતી અને હવે એ પૂરી થવા આવી હતી.

“કાનૂડાઆઆઆ...ઓ કાનૂડાઆઆઆ...જો હું આવી ગઈ કાના, તારી રાધા, તારી પ્રેયસી, તારું હ્રદય, તારી વાંસળીના મીઠા સૂર, તારા ગોકુળની મધુર યાદો સંભાળીને લાવી છું કાના, તું ક્યાં છે મારા પ્રિયતમ? જો હું આવી ગઈ, ઓ કાનાઆઆઆઆ...” એક હાથે પેટમાંથી બહાર લટકી રહેલા આંતરડાઓને પકડીને રાધાએ બૂમ પાડી.

પવનના સૂસવાટા અને પક્ષીઓના કલરવ સિવાય એને કઈ સંભળાયું નહિ.

“આખી જિંદગી તારી રાહ જોઈ, મૃત્યુ પછી પણ રાહ જોઈ, હજારો વર્ષો વીતી ગયા, પાછો જન્મ લીધો, તોયે તું ના મળ્યો તે ના મળ્યો, એવી તે શી મારી ભૂલ કાન્હા? મેં શું બગાડ્યું હતું તારું ? પ્રેમ કરવો એ શું ગુનો છે? હશે તું ભગવાન લોકો માટે, મારો તો તું કાનૂડો જ છે, મારો પ્રિયતમ, હું તને...” એનો અવાજ હવે તરડાવા લાગ્યો. એ માંડ માંડ પોતાની જાત ને ઢસડીને ત્રિવેણી સંગમ તરફ લઇ જઈ રહી હતી.

“મોટો ભગવાન થઇ ગયો તું, આખા જગતને, અરે જગતને શું આખા બ્રહ્માંડને મોઢામાં સમાવી લીધું, આખું જગત તને પૂજે, આરાધ્ય દેવ માને, પણ એક એમને શું ખબર કે તું કેવો કપટી છે! મારા પ્રેમમાં શું અધુરપ રહી ગઈ કાના? મેં શું શું નથી કર્યું તારો પ્રેમ પામવા? તારે આવવું જ પડશે કાન્હા, આવવું જ...”એના શબ્દો હવે ધીમા પડી રહ્યા હતા અને એની આંખો બંધ થઇ રહી હતી.

“એમ કોઈ’દી બોલાવે એ નો આવે, અરરરર...તમને તો બહુ વાગ્યું છે, કૂણ સો તમે? તમારી આવી હાલત...” એકાએક કોઈ અવાજ એના કાને પડ્યો. એણે માંડ માંડ આંખો ખોલીને જોયું તો એક ભરવાડ સામે ઉભો હતો. એના એક હાથમાં ડાંગ હતી અને એ નમીને એને જોઈ રહ્યો હતો. પાણીદાર આંખો, પાતળી મુછ, તીખું સીધું નાક, વિશાળ કપાળ અને એમાં તિલક કરેલું હતું અને માથે સફેદ પાઘડી પહેરેલ ૨૨-૨૩ વર્ષનો કોઈ નવયુવાન લાગતો હતો. કેડમાં કમરબંધ બાંધેલું હતું અને એમાં પાવો ખોસેલો હતો. એણે હવે જૂકીને રાધાને ઉભી કરવાનો પ્રયાસ કર્યો પણ રાધાના પેટમાંથી નીકળેલા આંતરડાઓ જોઇને એ હબક ખાઈ ગયો અને નીચે પડી ગયો. એના મોઢા પર આઘાત અને આશ્ચર્યની રેખાઓ અંકિત થઇ ગઈ.

આટલી પીડામાં પણ રાધાના મુખ પર સ્મિત આવી ગયું. “કોણ છે તું ભાઈ? જતો રહે અહીંથી, મને મારા હાલ પર છોડી દે, જા જતો રહે યુવાન, ના...ઉભો રહે, મારું એક કામ કરે? મને મહેરબાની કરીને આ નદીના સંગમ પાસે ઊંચકીને મૂકી દે, તારા છોકરાઓ જીવે મારા ભાઈ, આટલું કરી દે, મારી પાસે આપવા કશું છે નહિ પણ હા, આ મારા ડાબા હાથમાં ક્ડ્લું છે એ તું લઇ લે, સોનાનું છે અસ્સલ, તને કામ આવશે”

ડઘાયેલા યુવાન ભરવાડના મુખ પર એક સ્મિત આવી ગયું. એણે હાથ લાંબો કરીને કડ્લું ઉતારી લીધું. રાધા એના મધુર સ્મિતને જોઈ જ રહી અને એ પણ ધીમેથી હસી પડી. એને બહુ શ્રમ પડ્યો અને એના મુખમાંથી લોહીની ધારા વહી નીકળી.

“જલ્દી કર જુવાન, મારી પાસે હવે બહુ સમય નથી. જલ્દીથી મને નદીના કિનારે...” રાધાએ આજીજી કરી.

જુવાન ભરવાડે કડલું એના પહેરણમાં ખોંસી દીધું અને એ ઉભો થયો અને ત્યાંથી દોટ મૂકીને ભાગી ગયો.

“એઈઈઈ...ઉભો રહે...આમ ક્યાં ભાગે...”

રાધા જોરથી જમીન પર થૂંકી. લોહી મિશ્રિત થૂંક જમીન પર ઉડ્યું.

“કોનો ભરોસો કરવો? આ તારા લોકો, કાન્હા? આવું છળ કરે? મોહ માયા અને છળની જ આ દુનિયા રહી ગઈ છે. આવી દુનિયા આપીને તે શું લોકકલ્યાણ કર્યું? શું ધર્મની સ્થાપના કરી?” રાધાએ ફરીથી આગળ વધવાનો પ્રયાસ કર્યો પણ હવે કમર નીચેથી એનું શરીર સાથ નહોતું આપી રહ્યું. એની આંખો બંધ થઇ રહી હતી.

*

ખબર નહિ કેટલો વખત થયો હશે, એને એવું લાગ્યું કે કોઈ એને ઊંચકી રહ્યું છે. મણ મણનો ભાર પાંપણો પર હોય એમ ધીરે ધીરે એણે આંખો ખોલી. ધીરે ધીરે એની દ્રષ્ટિ સાફ થઇ અને એ જ નવજુવાન ભરવાડ એને દેખાયો. એ એને હળવેકથી ઊંચકીને કપડાની એક ગોદડીમાં સુવડાવી રહ્યો હતો. એણે પોતાનું કમરબંધ કાઢ્યું અને કસકસાવીને રાધાના પેટ ઉપર બાંધી દીધું. હવે એણે રાધાને સુવડાવીને બંને હાથે ઊંચકી લીધી અને એ ધીરે ધીરે ત્રિવેણી સંગમ તરફ ચાલી નીકળ્યો. રાધા આંખો ખોલી એને જોઈ જ રહી.

“તમને લાગ્યું હશે કે હું ભાગી ગયો, નહિ? આ તમારા આંતરડાઓ બહાર આવી ગયા છે તો ઉંચકતા ફાવે નહિ એટલે ઉપર ટીંબા પાસે આવેલી મારી ઓરડીમાં ગયો હતો, ગોદડું લાવવા.” ભરવાડે હસતા હસતા કહ્યું.

“આભાર ભાઈ, તારો સંસાર સુખી થાય, બસ આટલું કરી દે, મારું શરીર આ ત્રિવેણીમાં વહાવી દે, બસ આટલું કર, હું તારો ઉપકાર કદી નહિ વિસરું” રાધાએ આજીજી કરી.

ભરવાડ હસ્યો. “સંસાર સુખી કે દુખી કરવાવાળા આપણે જ હોઈએ છીએ, રહી ઉપકારની વાતનો એનું વળતર તો તમે આપી દીધું, કડ્લું આપી.” ચાલતા ચાલતા એ બોલ્યો.

દૂરથી ત્રિવેણી સંગમના ઘાટના પગથીયા જોઈ રાધાને ટાઢક વળી, એ સ્વગત બોલી “હે કાન્હા, તું પણ અહી જ નિર્વાણ પામ્યો હતો ને? અહીંથી તે તારો માનવ દેહ ત્યાગ્યો હતો ને? હું પણ આજે એ જ કરવા જઈ રહી છું. આખી જિંદગી તારી રાહ જોઈ, થયું કે કદાચ તું મને હજારો વર્ષો પછી લેવા આવીશ, મને મળીશ, પણ તું ના આવ્યો, કઈ નહિ, આજે હું દેહ ત્યાગ કરું છું આ જગ્યાએ અને પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તું મને નહિ મળે ત્યાં સુધી હું તને શોધતી જ રહીશ. જોઉં છું મારો પ્રેમ જીતે છે કે તારી જીદ”

રાધાના આ શબ્દો સાંભળીને ભરવાડ હસી પડ્યો. “એ તો સર્વત્ર હોય છે, તમે એને પામવાની જીદ છોડો, એને તમારી અંદર વસાવી લો, તો જ એને પામશો. નશ્વર દેહની લાલસા શું રાખો છો, આત્માથી આત્માનું મિલન કરો”

રાધાએ આંખો મીંચી દીધી.

*

થોડીવાર પછી રાધાએ આંખો ખોલી અને એને ઊંચકીને લઇ જતા ભરવાડ સામે જોયું.

“તું પરણેલો છે યુવાન? તે કોઈ દિવસ પ્રેમ કર્યો છે?” રાધાના શબ્દોમાં હવે નવું જોમ હતું.

ભરવાડના પગ થંભી ગયા અને રાધા સામે જોઈ શરમાઈને એક મધુરું સ્મિત કર્યું.

“ના લગન બાકી છે. પ્રેમ તો બહુ કર્યો, મારી મા ને, મારા ભાઈ ભાંડુઓને, મારા ગામવાળાઓને, મારી ભેહુંઓને, મારી બકરીઓને...”

રાધા આટલી પીડામાં પણ ખડખડાટ હસી પડી. “એવો પ્રેમ નહિ બુદ્ધુ, કોઈ છોકરી સાથે...”

ભરવાડે શરમાઈને નીચું જોયું. “એમ તો બહુ છોકરીઓ ગમી અને પ્રેમ થયો, પણ ઈ એક હતી, છે, જે મને બૌ ગમે, પણ એના લગન થઇ ગયા સે”

રાધાએ એક નિઃસાસો નાખ્યો. “પ્રેમ તો બસ પ્રેમ જ હોય ભરવાડ, એમાં બસ જાતને નીચોવી જ નાખવાની હોય. એ મળે નહિ ત્યાં સુધી અટકવું નહિ”

ભરવાડે આંખો મીંચી દીધી. “પ્રેમમાં પામવા કરતા સમર્પિત થવું જરૂરી છે, કોઈ મળે એટલે જ પ્રેમ કરવો એવું શું? કોઈ બસ તમારી અંદર સમાઈ જાય, આત્માનો એક ભાગ બની જાય, હૃદયની તમામ ધડકનોમાં એનો જ નાદ સંભળાય, એટલું પુરતું નથી? પ્રેમને કોઈ સબંધ આપવો જરૂરી છે? પ્રેમ શાશ્વત છે, પ્રેમ બસ પ્રેમ જ છે, એમાં જનૂન ના હોય, એમાં માત્ર ને માત્ર સમર્પણ હોય, ત્યાગ હોય, એક અનેરી શીતળતા હોય”

રાધાની આંખોમાં અંગારા વરસ્યા “શેનો ત્યાગ અને સમર્પણ? હજારો વર્ષો તપસ્યા કર્યા પછી પણ જો પ્રેમને ના પામી શકીએ તો એ શેનો પ્રેમ? એ ભગવાન હશે એમના માટે અને લોકો માટે, મારો તો કાન્હો જ...”

ભરવાડ ફરીથી મંદ મંદ હસ્યો. “કોને શોધો છો તમે? કાન્હાને? એટલે અહી આવ્યા છો? અહી એ નિર્વાણ પામેલા એટલે? હું તો અહી જ રહું છું, પણ મેં કોઈ દિવસ એમને જોયા નથી. તમે કોઈને પ્રેમ કરો એટલે એ સદેહે તમારી સમક્ષ આવે અને તમે એને પામી લો એવી ખેવના કેમ રાખો છો? જો તમારો પ્રેમ સાચો હોત, અમર હોય તો પછી તમારે એમને શોધવા જ ના પડત. એ આપોઆપ તમારી અંદર જ સમાઈ જાત. તમે શોધો છે એના કરતા પામો તો તમારું જિવન સાર્થક રહે. ભગવાન હોય કે માણસ, પ્રેમ કોઈને છોડતો નથી, પ્રેમ સહુને બાંધી રાખે છે, પ્રેમ અતૂટ હોય છે, પ્રેમ નાત જાત, માણસ, ભગવાન નથી જોતો, પ્રેમ બસ પ્રેમ જ હોય છે, એને શોધવા કરતા તમારી જાતને એના હવાલે કરી દો, પછી કોઈને પામવાની ખેવના નહિ રહે”

રાધાએ અધખુલ્લી આંખે ભરવાડ સામે જોયું. સંધ્યાનો સમય થઇ ગયો હતો. ક્યાંક દૂર મંદિરમાં ઘંટરવ થઇ રહ્યો હતો અને સૂરજ બીજા દિવસે ફરીથી આવવાનો વાયદો કરીને વિદાય થઇ રહ્યો હતો. ઢળતી સંધ્યાના વિવિધ રંગો નીચે ધરતી પર ઉતરી આવ્યા હતા. રાધા અચંભિત થઇને ભરવાડને જોઈ જ રહી. એના મુખ પર સ્મિત હતું.

રાધાના શરીરમાં એક આંચકો આવ્યો અને એની આંખો મીચાઈ ગઈ. “ભાઈ, મને તું આ સંગમમાં...મારી છેલ્લી ઈચ્છા...મહેરબાની કર...” એના મુખમાંથી રક્તની સાથે સાથે ત્રુટક ત્રુટક શબ્દો વહી રહ્યા હતા.

ભરવાડે એક નિઃસાસો નાખ્યો અને રાધાને ઊંચકીને એ આગળ વધ્યો. એણે ત્રિવેણીના ઘાટ પાસે આવેલા પ્રથમ પગથીયા પર પગ મુક્યો. રાધાએ ફરીથી આંખો ખોલી અને એની સામે જોયું. ભૂતકાળ એની આંખો સમક્ષ તરવા લાગ્યો. ગોળીઓનો વરસાદ એના કર્ણપટલને ભેદી રહ્યો હતો! 

*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ